ઈન્ટરવ્યુ
- વિપુલ રાઠોડ
લાંબી કતારમાં પોતાનો વારો આવવાની વાટનો આખરે અંત આવ્યો. નિમિશ આજે ફરી એકવાર પોતાના નજીકના ભૂતકાળમાં ક્રમ સમાન બની ગયેલી નોકરી માટેની રઝળપાટનાં ભાગરૂપે ઈન્ટરવ્યુ આપવા આવ્યો હતો. અત્યાર સુધી તે પચાસેક ખાનગી પેઢીઓમાં ઈન્ટરવ્યુ આપી ચુકેલો પણ તેનો કોઈ મેળ પડ્યો ન હતો. નોકરી માટે પસંદગી નહીં પામવાનાં આટલાં લાંબા અનુભવ પછી આજે પણ તેને વધુ કોઈ ખાસ આશા નહોતી. આમ છતાં એક મોટી કંપનીનાં ઓપન ઈન્ટરવ્યુ માટે તે આવ્યો હતો. હોરળમાં તેની આગળનાં ઉમેદવારને બહાર આવતો જોયા બાદ દરવાજા પાસે જ સરસ સજાવેલા કાઉન્ટરને સંભાળી રહેલી રીસેપ્શનીસ્ટે તેને આંખથી જ અંદર જવા પરવાનગી આપતો ઈશારો કરતાં નિમિશ દરવાજો ખોલીને અંદર પ્રવેશી ગયો અને અંદર બેઠેલા પાક્કા અધિકારી જેવા લાગતાં ત્રણ વ્યક્તિઓ સામે રાખવામાં આવેલી ખુરશી ઉપર પોતે બેસી ગયો. પોતાના પ્રમાણપત્રોની ફાઈલ તેણે ઈન્ટરવ્યુ લેવા બેઠેલા ત્રણ પૈકી વચ્ચે બેઠેલા પાતળી મૂંછધારક અને ગોલ્ડન ફ્રેમવાળા મોંઘા દેખાતા ચશ્મા પહેરેલા વ્યક્તિને આપી. કારણ કે તેણે નિમિશની ફાઈલ ઉપર નજર કરતાં હાથ લંબાવેલો. થોડીવાર ત્રણે વ્યક્તિઓ તેના પ્રમાણપત્રો તપાસતા રહ્યા. નિમિશ બેપરવાઈથી બેઠો-બેઠો પોતાની નજર ઓફિસના આકર્ષક રાચરચિલા ઉપર ફેરવતો હતો. પ્રમાણપત્રો ચકાસતા-ચકાસતા ઈન્ટરવ્યુઅરમાંથી એકને નિમિશનું આ વર્તન ઉદ્ધત લાગતું હતું અને તેને ચીડ ચડતી હોવાની ચાડી તેનો ચહેરો ખાવા લાગ્યો હતો. જો કે તેના ઉપર નિમિશનું ધ્યાન નહોતું. ત્રણેય વ્યક્તિ નિમિશનાં શૈક્ષણિક લાયકાતોથી સંતુષ્ટ પણ થયા. હવે નિમિશથી ચીડાયેલો પહેલો ઈન્ટરવ્યુઅર પોતાનો સવાલ કરે છે...
' અચ્છા તો નિમિશ...તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમારામાં કોમનસેન્સનો અભાવ છે. અત્યાર સુધીમાં આવેલા તમામ ઉમેદવારો અંદર પ્રવેશવા પરવાનગી માગ્યા બાદ જ અંદર આવેલા અને હા આ ખુરશી ઉપર બેસવામાં પણ તેમણે અમારી મંજૂરીની રાહ જોઈ હતી. તમે કદાચ પહેલીવાર ઈન્ટરવ્યુ આપતાં લાગો છો?'
નિમિશને જાણે આ સવાલની અપેક્ષા જ હતી તેવી રીતે ચહેરા ઉપર આવી ગયેલી હળવી મુસ્કાન રોકવાનું મુશ્કેલ થઈ ગયું અને તે હસતા ચહેરે જવાબ આપે છે ' સાહેબ, સૌથી પહેલા તો હું તમને જણાવીશ કે આ મારું પહેલું ઈન્ટરવ્યુ નથી. ખેર, કોમનસેન્સનો સવાલ છે ત્યાં સુધી તમને એટલું જરૂર કહીશ કે બહાર બેઠેલા સ્વાગતી મહિલાએ મને અંદર પ્રવેશવા કહ્યા બાદ જ હું અંદર આવ્યો છે. બીજીવાત તમે અહીં ઈન્ટરવ્યુ લેવા માટે જ બેઠા છો, હું મારા ઈન્ટરવ્યુની વાટ જોતો હતો એવી જ રીતે તમે અંદર નવા ઉમેદવારનાં પ્રવેશની રાહ જોતા હશો. આ સ્થિતિમાં મને જરૂરી નથી લાગતું કે કોઈએ અંદર આવવા માટે પરવાનગી માગવી જોઈએ. જો તમે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય અને હું અંદર આવવાનો હોય તો મે ચોક્કસ તમારી રજા ચાહી જ હોત. આ રૂમમાં આપ ત્રણ પોતપોતાના સ્થાનો ઉપર બિરાજમાન છો અને બરાબર સામે જ એક ખુરશી ખાલી પડી છે તો એ ચોક્કસપણે ઉમેદવારના બેસવા માટે જ હોવી જોઈએ. તો ઉમેદવાર તરીકે તેના ઉપર બેસવામાં મારે મંજૂરી શા માટે લેવી પડે? '
નિમિશની હાજરજવાબીને તોછડાઈ માની ચુકેલો એ ઈન્ટરવ્યુઅર કટુભાવ સાથે કહે છે 'અમે તમારા પ્રમાણપત્રો ચકાસતા હતાં તેટલીવાર પણ તમે તમારી નજર સ્થિર રાખીને શાંતિથી બેસી શક્યા નહી. જાણે તમારે નોકરીની જરૂર જ ન હોય તેવા ભાવ તમારા ચહેરા ઉપર છે !'
' મારે નોકરીની જરૂર જ ન હોય તો હું અહીં આવ્યો હોઉ?' નિમિશ સ્વસ્થચિતે આગળ બોલવાનું ચાલું રાખે છે પણ જે ઈન્ટરવ્યુઅરને સંબોધીને તે બોલતો હતો તેનાં ચહેરા ઉપર ઉગ્રતા છલકાવા લાગી હતી. ' આ ઓફિસ સુંદર રીતે સજાવવામાં આવેલી છે. જો પહેલીવાર આવનાર કોઈપણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત ન થાય તેવું જ તમે ઈચ્છતા હોય તો આના બદલે કોઈ સામાન્ય ઓરડામાં ઈન્ટરવ્યુ ગોઠવવાની જરૂર હતી.'
નિમિશનાં આ જવાબથી સામેની વ્યકિત સમસમી ગઈ હતી પણ બીજા ઈન્ટરવ્યુઅરે પોતાના સાથીદારનો ગુસ્સો છલકાઈ ન જાય તેની કાળજી રાખતાં તેને અટકાવ્યો અને પોતાનો સવાલ કર્યો ' તમારો શૈક્ષણિક દેખાવ ખુબ જ સારો છે. જો કે તમને કામનો કોઈ જ અનુભવ નથી. અમારે તમને તક આપવી તો શા માટે આપવી જોઈએ?'
' સાહેબ મારી પાસે અનુભવ એટલા માટે નથી કે અત્યાર સુધીમાં મને કોઈએ અનુભવ મેળવવાની તક નથી આપી. હું ઈન્ટરવ્યુ આપતો ફરું છું એ જ દર્શાવે છે કે અનુભવ મેળવવા માટેની મારી તૈયારી કેટલી છે! મારી શૈક્ષણિક પાત્રતા મારી હોશિયારી નહીં પણ કોઈપણ કાર્યમાં હું વળગું ત્યારે કેટલાં રસથી તેમાં કાર્યરત રહું છું એ દેખાડે છે. રહી વાત મને તક આપવાની તો, મને તક શા માટે આપવી એ સવાલ મારા કરતાં વધુ તમને સ્પર્શે છે. એ તમારે નક્કી કરવાનું છે કે મને તક શા માટે આપવી.તમારા વતી હું કેવી રીતે વિચારી શકું કે હું આપને અનુકુળ માણસ છું કે નહીં?'
બીજો ઈન્ટરવ્યુઅર પણ બરાબરનો ઉકળી ગયો અને માહોલની ગરમી પારખી જતાં હવે ત્રીજાએ પોતાનાં સંયમનાં પારખાં કરવાનું બીડું ઝડપ્યું. 'અમારે તમારી જેમ જ અભ્યાસમાં અત્યંત પ્રતિભાવંત યુવકની જ જરૂર છે. જો કે કંપનીનાં ટોચના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી શકે તેવા સૌમ્ય સ્વભાવનો માણસ અમારે જોઈએ છે. આમા તમારા અનુભવની ઉણપ આડે આવી શકે, આમછતાં અમે તમારા ઉપર કદાચ પસંદગી ઢોળીએ તો તમે કોઈ રેફરન્સ આપી શકો એમ છો? તમારી પ્રમાણિકતા સામે કોઈ શંકા નથી પણ આ અત્યારની એક પ્રણાલી છે. તમારા સીવીમાં રેફરન્સનો ઉલ્લેખ નથી એટલે જ આ પુછવું પડે છે.'
' સાહેબ મારા જવાબોથી તમે મારા સ્વભાવનું જે આકલન કર્યુ છે તે કદાચ યોગ્ય નથી. મે આપેલા નિખાલસ જવાબોનું અર્થઘટન કદાચ ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે. બીજીવાત, પ્રમાણિકતાની. મારા જવાબો જેટલા નિખાલસ છે એટલા જ પ્રમાણિક પણ છે. જે કદાચ આપ મહાનુભાવોને જચ્યા નથી. મારી પ્રમાણિકતા સાબિત કરવાં માટે મારે કોઈ રેફરન્સ નહીં પણ અનુભવની જરૂર છે. અને છેલ્લી અને મહત્વની વાત. તમારે રેફરન્સ, ઓળખાણથી જ કર્મચારી પસંદ કરવાના હોય તો પછી આવા ઈન્ટરવ્યુની ભેજામારી શા માટે? તમારા સંપર્કમાં તો અનેક લોકો હોય, એમની ભલામણોથી જ માણસ પસંદ કરો.'
હવે પાણી નાકથી ઉપર ગયું અને ઈન્ટરવ્યુઅરોનો દમ ઘોટાવા લાગ્યો. પહેલો સવાલ કરનાર અને સૌથીવધુ ઉશ્કેરાયેલા ઈન્ટરવ્યુઅરે નિમિશને જરા પણ શેહશરમ વિના કચકચાવીને ચોપડાવ્યું કે, ' ભઈલા... આ નોકરી તો તને મળવાથી રહી. હવે કદાચ તને પસંદ ન પડે તેવી વાત કરું તો... આવો જ સ્વભાવ રાખીશ તો બીજે ક્યાય પણ કામ નહીં મળે. તારી વાત સાચી છે કે નોકરીની જરૂર ન હોય તો તું અહી આવ્યો ન હોત. તો સાંભળ, આવી 10-12 હજારની નોકરી માટે રઝળતા તારા જેવા 'બેકાર' માણસ જેને ખુદ્દારી માનતા હશે તેવો અહંકાર નહીં છોડે ત્યાં સુધી રોજગારી મળવી સંભવ નથી. જો નોકરીની જરૂર જ હોય, ગરજ જ હોય, મહિનો કાઢવા માટે પરિવારને દિવસે તારા દેખાઈ જતાં હોય ત્યારે આવું આત્મસન્માન નહીં, થોડીઘણી કમાણી કામ આવે છે.'
જો કે નિમિશ તેની વાત સાંભળી-ન સાંભળી કરીને ત્યાંથી ગરવાઈભર્યા ઉત્સાહ સાથે રવાના થઈ ગયો. તેના ચહેરા ઉપર અસાધારણ ખુમારી હતી. રસ્તામાં પણ તે સતત વિચારતો હતો કે સ્વાભિમાનનાં ભોગે માણસો કેવી રીતે જીવતા હશે? તે વધુ એકવાર મળનારી સંભવિત નોકરી ફગાવી દીધાનો ગર્વ અનુભવતો હતો. પોતાની જીદગીની સોચમાં રાચતો તે ક્યારે ઘરે પહોંચી ગયો તેની તેને જાણ ન રહી. આવી જ રીતે તે ઘરમાં પ્રવેશી ગયો હોવાનો ખ્યાલ તેના મમ્મી-પપ્પાને પણ ન આવ્યો. તે બન્ને રૂમમાં બેઠા-બેઠા નિમિશ હજી પગભર નહીં થયો હોવાની અને ઘરનો બોજ ઉપાડવો કઠિન બની રહ્યો હોવાની ચિંતામાં ડુબેલા હતાં. નિમિશે આજે પહેલીવાર પોતાના માતા-પિતાની આ ચિંતા પોતાનાં સગા કાને સાંભળેલી.
બીજા દિવસે નિમિશ વધુ એક નોકરીનાં ઈન્ટરવ્યુ માટે પહોંચ્યો. તેનો વારો આવ્યો. પાંચ જ મિનિટમાં તે માયુસ ચહેરે બહાર આવ્યો. આજે તેને નોકરી મળી ગઈ હતી...
...................................................................