નવલિકા એક ખતરનાક અનુભવ યશવંત ઠક્કર
હું મારી જિંદગીનો એક ખતરનાક અનુભવ અહીં રજૂ કર્યા વગર નથી રહી શક્તો. બન્યું એવું કે હું ગઈ કાલે એક મિત્રને ત્યાં જવા માટે નીકળ્યો અને ટૂંકા રસ્તે જવાના મોહમાં મારા જ શહેરની ગલીઓમાં ભૂલો પડી ગયો. એક ગલીમાંથી બીજી ગલીમાં અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ચાલતાં ચાલતાં હું એક એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નહોતો. મારી સામે એક ઊંચી દીવાલ હતી. રસ્તા વિષે પૂછું કોને? કોઈ કહેતા કોઈ માણસ જ નહોતું. વાતાવરણ એકદમ સૂમસામ હતું અને ઊંચી દીવાલના કારણે ભયાનક પણ લાગતું હતું.
દીવાલ પાર કરવાનો સવાલ જ નહોતો એટલે હું અફસોસ સાથે પાછો ફર્યો. અફસોસ એ વાતનો કે ઘણું બધું ચાલવા છતાં હું મિત્રને મળી શક્યો નહીં.
પાછા ફરતી વખતે હું થોડુંક જ ચાલ્યો ત્યાં તો મને એક બીજો રસ્તો દેખાયો. મને લાગ્યું કે એ રસ્તો મને ગલીમાંથી સીધો બહાર લઈ જશે અને હું મુખ્ય રસ્તા પર પહોંચી જઈશ. ગલીઓની માયાજાળમાંથી બહાર નીકળવું એ મારી પ્રાથમિકતા હતી. હું એ રસ્તે વળ્યો. ચાલતો જ ગયો... ચાલતો જ ગયો ...રસ્તો જાણે અનંત હતો. મને લાગ્યું કે: આ તો ઊલમાંથી ચૂલમાં પાડવા જેવું થયું છે. ગલીનો અંત આવતો નથી ને મુખ્ય રસ્તો દેખાતો નથી. આ રસ્તે ચડવા જેવું જ નહોતું.
પરંતુ મારી એ ચિંતાનો અંત આવવાનો હોય એમ મને એકદમ તાજી હવાનો અનુભવ થવા લાગ્યો. ખુલ્લા પ્રદેશ પરથી આવતી હોય એવી હવા! મને થયું કે: હાશ! ગલીઓની માયાજાળ ખતમ થઈ જશે. હવે મિત્રની ઘેર ન પહોંચાય તો કાંઈ વાંધો નહીં. મારા ખુદના ઘેર તો પહોંચી જઈશ.
હું આગળ ચાલ્યો અને મેં જોયું કે હું માત્ર ગલીની જ બહાર નહોતો નીકળ્યો પણ સમગ્ર શહેરની બહાર નીકળી ચૂક્યો હતો! મને દૂર દૂર સુધી કોઈ જ માણસ નજરે પડતું નહોતું! નજરે પડતાં હતાં લીલાંછમ ખેતરો, ઘટાદાર વૃક્ષો, નાનીમોટી ટેકરીઓ અને એક નાનકડું તળાવ. થોડે દૂર થોડાંઘણાં ઘર નજરે પડતાં હતાં પરંતુ એમાં વસ્તી જેવું લાગતું નહોતું. બિલકુલ અવરજવર વગરની એક સડક પણ દેખાતી હતી. હતું! કોઈ ઋષિમુનિના આશ્રમમાં હોય એવું શાંત વાતાવરણ હતું. ન ગાંડાતુર વાહનો, ન વાહનોનો અવાજ, ન ધુમાડો, ન રઘવાયા થઈને દોડતા માણસો, ન દુકાનો કે ન મોટા મકાનો કે ન ગંધાતાં કારખાનાં. એકાદ વૃક્ષ નીચે પલાંઠી મારીને તપ કરવા બેસી જવાનું મન થાય એવું નિર્મળ વાતાવરણ. આમ તો આવા વાતાવરણનો હું તરસ્યો! પણ શું થાય? ઘર ઘણું પાછળ રહી ગયું હતું અને જગ્યા પણ અજાણી હતી. ઘેર પહોચવાની ચિંતાએ મને પાછા ફરવા માટે લાચાર કર્યો.
હું પાછો ફરવા જતો હતો ત્યાં જ તો મોટા અવાજમાં સંગીત સંભળાવું શરૂ થઈ ગયું. સાથે સાથે ગીત પણ વાગતું હતું! ગીતના શબ્દો તો અત્યારે યાદ નથી પરંતુ ‘કાલા પત્થર’ ફિલ્મનાં પેલા ગીતનો દાખલો આપી શકું: ‘એક રાસ્તા હૈ જિંદગી જો થંભ ગયે તો કુછ નહીં’! બસ એવી જ ફિલૉ’સફી, એવા જ શબ્દો, એવી જ ગતિ અને એવી જ મસ્તી! મારું મન પ્રસન્ન થઈ ગયું. એટલી વારમાં તો મેં સડક પરથી એક કાર પસાર થતી જોઈ! એ કાર એક જટાધારી બાવો ચલાવતો હતો. અને ગીત પણ એ કારમાં જ વાગતું હતું! બાવો પણ એ ગીતને દાદ આપતો હોય એમ કાર ચલાવતા ચલાવતા મસ્તીથી પોતાનું માથું ધુણાવતો હતો! આવું દ્શ્ય મેં ક્યારેય જોયું નહોતું! અદ્ભુત! અદ્ભુત! અદ્ભુત! હું બધું જ ભૂલી ગયો.. ક્યાંથી આવ્યો છું...ક્યાં જવાનો છું...મને કશું જ યાદ નહોતું! ન ભૂતકાળ કે ન ભવિષ્યકાળ! નર્યો વર્તમાનકાળ! એક સડક,એક કાર,એક બાવો, મસ્ત સંગીત અને એક મસ્ત ગીત! હું જાણે વહેતો ચાલ્યો!
પરંતુ એક જ પળમાં તો બધું ગાયબ થઈ ગયું. કારણ કે રસ્તો ખતમ થઈ ગયો હતો અને હું એક ઊંડી અને પહોળી ખાઈમાં ગબડી પડ્યો હતો. જ્યાં ખેતરો, વૃક્ષો, ટેકરીઓ, તળાવડી, મકાનો, સડક, કાર, બાવો, સંગીત વગેરે કશું જ નહોતું. હતી માત્ર વેરાન ભૂમિ. હવે મારા પસ્તાવાનો પાર નહોતો. મનમાં નિર્ણય કરી લીધો કે આ મુસીબતમાંથી હેમખેમ બહાર નીકળી જઈશ તો ક્યારેય અજાણી જગ્યામાં પગ મૂકવાની ભૂલ નહિ કરું. એટલું સારું હતું કે ખાઈમાંથી ઉપર ચડી શકાય એવો ઢાળ હતો. હું આસપાસ નજર કરતાં કરતાં ધીરે ધીરે એ ઢાળ ચડવા લાગ્યો. ને મારી નવાઈનો પર ન રહ્યો! મેં લગભગ વીસ ફૂટ જેટલું લાંબું પૂતળું ચત્તુંપાટ પડેલું જોયું! મેં ધ્યાનથી જોયું તો એ જૂના જમાનાના કોઈ વીર યોદ્ધાનું હોય એવું લાગ્યું. મને એ પૂતળામાં રસ પડ્યો અને વિશેષ તપાસ કરવાનું મન પણ થયું. પરંતુ આસપાસની જ્ગ્યા પર નજર કરતાં જ મારા હોશકોશ ઊડી ગયા! એ જગ્યા કબ્રસ્તાનની હોય એવું લાગ્યું. મારાં હૃદયના ધબકારા વધી ગયા. મને એ દિશામાં આગળ વધવું ઠીક ન લાગ્યું . હું ફરીથી ખાડામાં ઉતરી ગયો અને બીજી દિશામાં ઉપર ચડવા લાગ્યો. મારી ગણત્રી એવી હતી કે એ તરફથી જ હું આવ્યો હતો અને હવે એ જ રસ્તે પાછો ફરી જઉં એમાં જ મારી સલામતી છે.
એ ઢાળ આસાનીથી ચડી શકાય એવો ન હતો. ઢાળ ચડવા માટે મારે હાથની પણ મદદ લેવી પડી. ચોખ્ખું કહું તો મારી દશા કોઈ ચોપગાં પ્રાણી જેવી હતી. હું હિંમત રાખીને બને એટલી ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. બસ, એક વખત બહાર નીકળી જવાય તો પછી શહેરમાં પહોંચતાં વાર નહીં લાગે. હું ખાઈમાંથી અર્ધે પહોંચ્યો હોઈશને એક ખતરનાક લાગતો માણસ ખાઈની ધાર ઉપર દેખાયો. એનો પહેરવેષ વિચિત્ર હતો. એ પણ જૂના જમાનાના સૈનિક જેવો જ લાગતો હતો. હું કશું પણ સમજું એ પહેલાં તો એણે ત્રાડ નાખી કે ‘ હું તને જીવતો છોડવાનો નથી.’ અને એ ત્યાંથી મારા તરફ કૂદ્યો!. મને લાગ્યું કે એ મને સાથે લઈને જ નીચે ખાબકશે! પણ એવુ ન થયું! એ મારી એકદમ નજીકથી જ પસાર થઈને નીચે ખાઈમાં ચત્તોપાટ પડ્યો. મેં ઉપર ચડવાની મારી ઝડપ વધારી. મેં ફરીથી એની ત્રાડ સાંભળી: ‘હું તને જીવતો છોડવાનો નથી.’
મને લાગ્યું કે એ ઊભો થઈને મારી પાછળ પાછળ જ ઉપર ચડી રહ્યો છે. મેં પણ ઉપર ચડવાનું ચાલું જ રાખ્યું. મને ઊંડે ઊંડે પણ આશા હતી કે એક વખત જો હું બહાર નીકળી જઉં પછી મને કોઈની ને કોઈની મદદ મળી રહેશે. સાથે સાથે એ પણ આશંકા તો હતી જ કે એ મને પકડી પાડશે. ને જો એવું થાય તો પછી મારો બચવાનો કોઈ સવાલ જ નહોતો!
પણ હવે મને થાક લાગ્યો હતો. મારા પગ વારંવાર લપસી જતા હતા. જમીન સાથેની હાથની પકડ ઢીલી પાડવા લાગી હતી. હું એક અણધારી મુસીબતનો અનુભવ કરી રહ્યો હતો. હું હિંમત હારવા લાગ્યો હતો.
અને મારા પગ લપસ્યા. જમીન સાથેનો હાથનો સંપર્ક તૂટ્યો. હું સીધો જ પેલા ખતરનાક માણસ તરફ ફંગોળાયો. એ માણસ ખડખડાટ હાસ્ય સાથે પોતના હાથ પહોળા કરીને મને ઝીલી લેવા માટે ઊભો રહી ગયો. મને લાગ્યું કે, બસ હવે મારું બચવું સંભવ નથી. મેં મારી જિંદગીને અલવિદા કહી દેવાની તૈયારી કરી દીધી.
પણ હું બચી ગયો. બિલકુલ બચી ગયો. એટલે તો આ વાત લખી રહ્યો છું. એ ખતરનાક માણસ મને કશું જ ના કરી શક્યો. કારણ કે એ ખતરનાક માણસ મને કશું પણ કરે એ પહેલાં તો મારી ઊંઘ ઊડી ગઈ હતી!