મારી પલકે...
(ટચૂકડી વાર્તા બાય એંજલ ધોળકિઆ)
લેખક : એંજલ ધોળકિઆ
ઈમેઈલ: angelydholakia@gmail.com
૧. અંધારું
રોશનીના ચહેરા પર ઉત્કંઠા દેખાઈ આવતી હતી! રોજની જેમ તેની બહેનપણીઓ સાથે રમવા આવી હતી અને સાઈકલના ચક્કર માટે પોતાના વારાની રાહ જોઈ રહી હતી. આમ પણ એને થોડું મોડું થયું હતું આવતા એટલે એક વારો તો ગુમાવીજ ચુકી હતી.પાછળ ફરી તેણે એ – ૧૦૨ ની બાલ્કનીમાં જોયું! પોતાના ઘરનો તુલસી ક્યારો દેખાઈ રહ્યો હતો.
એજ ગેલેરીથી જોડાયેલ રૂમમાં પંડ્યા સાહેબ ટીવી પર પ્રિયંકા ચોપ્રાનો ઈન્ટરવ્યુ જોઈને પોરસાઈ રહ્યા હતા, “કેવી પર્સનાલીટી છે! ૧૯ વર્ષે મિસ વર્લ્ડ અને આટલી નાની ઉમરે દુનિયામાં નામ! વાહ વાહ! ખુબ સરસ!” એ સાથેજ ઘડિયાળમાં સાતના ટકોરા અને મીનાક્ષીબેનની સંધ્યા આરતીની ઘંટડીનો અવાજ ઘરમાં ગુંજ્યો અને પંડ્યા સાહેબ સફાળા ઉભા થઇ બાલ્કનીમાં આવ્યા! રોશનીને બૂમ મારી, “એ રોશની!!! ચાલ તો , ઊપર આવ સાત વાગી ગયા! હજી શું રખડે છે બહાર?!”
“પપ્પા એક ચક્કર, પ્લીઝ? દસ જ મિનીટ.”
“કેટલી વાર કહેવાનું તને? અંધારું થઇ ગયું છે! હમણાં ને હમણાં ઉપર આવ. મમ્મીને મદદ કર રસોઈમાં. બેજ મિનીટ અને તું ઘરમાં જોઈએ મને શુ સમજી?” પંડ્યાભાઈની ચપટીથી રોશની ચુપ-ચાપ વિલા મોઢે ઉપર ચડી ગઈ.
૨ . કડી
“હે રામ, આ છોકરાને કોક પકડજો હો. બહુ તોફાની થયો છે!” ઈશ્વરભાઈ પોતાના ધર્મપત્ની તુલસીબાને કહી રહ્યા હતા. “આ વહુ જયારે બેબલીને લાવે સાંજે, એ પછી તું જરા સમજાવજે આને અને દુર રાખજે એને માં-દીકરીથી. ૫ વર્ષનો ટેણીયો છે પણ નાકે દમ કર્યો છે.”
તુલસી બહેન એમના કકળાટિયા પતિનો બળાપો સાંભળતા હતા અને એમના વાળમાં તેલની માલીશ કરી રહ્યા હતા. અને નાનકડો યુગ દાદાની બીકે વીલું મો કરી જાતેજ આવીને ચુપચાપ સોફા પર બેસી ગયો. બા પણ અઠવાડિયાથી આને સંભાળીને થાક્યા હતા! “હે ભગવાન, આ છોકરાને બાંધે એવી કોઈ કડી કે સાંકળ શોધાઈ જ નથી!” અને આંખો કાઢીને કહ્યું, “યુગ, જા તો, અંદર જઈ આરામ કર હવે! કોઈ તોફાન જોઈએ નહિ હોં આજના દિવસમાં!
*-*
સાંજે નિલમ અને નાની બેબીને લઇને જયારે સુગમ ઘેર આવ્યો ત્યારે સૌ કોઈ નાની સી પરીને જોવામાં વ્યસ્ત થઇ ગયા. યુગને પણ બતાડ્યું કે જો આ તારી નાની બહેન છે. થોડી વાર રમાડ્યા પછી નિલમ અને બેબીને રૂમમાં આરામ કરવા મૂકી સુગમ અને ઈશ્વરભાઈ દીવાનખંડમાં ટી.વી. જોવા લાગ્યા અને બા રસોઈની તૈયારીમાં લાગ્યા. એકાદ કલાક પછી ઈશ્વરભાઈનું ધ્યાન ગયું કે યુગ નથી દેખાતો, “અરે આ બારકસ ક્યાં ગયો જોજો. ક્યાંય શાંતિથી બેસતો નથી. ગજબ થઇ ગઈ કલાક થઇ ગયો અને આ છોકરો કઈ અવાજ નથી કરી રહ્યો અને નથી બીજો કોઈ તુટવા ફૂટવાનો અવાજ આવતો. જરા જોઈએ!”
ઘરમાં બધે જોયા પછી ઈશ્વરભાઈ નીલમના રૂમમાં ગયા અને જોયું તો નાનીસી ઢીંગલીએ મુઠ્ઠીમાં યુગની ટચલી આંગળી પકડી હતી અને યુગ એકદમ શાંતિથી બેઠો હતો. ઈશ્વરભાઈને જોઈ યુગે બીજા હાથે પોતાની નાનકડી આંગળીને નાક પર અડાડી એમને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને ઈશ્વરભાઈની આંખ છલકાઈ ઉઠી!
૩. પથ્થર
રાતથી શહેરમાં સતત પોલીસના સાયરન અને લોકોના નારાઓના ઉધમ પછી સાંજે સૌને થયું કે ચાલો તમાશો ખતમ! પણ ત્યાર પછી અચાનક જ પરિસ્થિતિ વણસી અને પોલીસ અને રહેવાસીઓ વચ્ચેના હુલ્લડમાં શહેર અને શહેરીજનોની અલગ જ છબી ઉજાગર થઇ હતી. લોકોનો પોલીસકર્મીઓ પરનો આક્રોશ અને ભાવપૂર્વક પથ્થરમારાએ શહેરને એવી રાત બતાડી હતી જે ક્યારેય જોવા મળી ન હતી. અનેક સોસાયટીના રહેવાસીઓ ટોળામાં એકઠા થઇ રસ્તા પરથી પસાર થતી પોલીસ વાન કે ફાયર બ્રિગેડની વાનને પથ્થરો વડે મારતા હતા અથવા તેને રોકવાના પ્રયત્નો કરતા હતા. સૌ પ્રથમ વાર લોકોની શાંતિ માટે ૩૬૫ દિવસ મહેનત કરતા પુલીસકર્મીઓ સ્વબચાવ માટે કાર્યરત હતા!
માંઝર, ૧૦ વર્ષની બાળકી, પથારીમાં પડી હતી. રાત્રે ૧.૩૦ વાગ્યે જયારે મમ્મી કાજલે તેને પોતાની બાજુમાં સુવાડી પછી માંડ સુતી. રાત્રે પણ વચ્ચે વચ્ચે એ ઝબકીને જાગી જતી હતી. છેલ્લા કેટલાક કલાકોથી એ થોડી શાંત થઇ સુતી હતી. કાજલે એના માથા પર હાથ ફેરવ્યો અને માંઝર જાગી. એના ચહેરા પર ફિકકું સ્મિત હતું. મમ્મીને પાસે જોઈ એ લાડથી બાઝી પડી.
“હવે બધ્ધું શાંત છે હો બેટુ!” મમ્મીએ એના માથા પર હાથ પસવારતા કહ્યું. “આજે તારે સ્કુલ નથી જવાનું હો આજે રજ્જા! મસ્ત મસ્ત નાસ્તો બનાવીને ખવડાવીશ હોં આજ તને!”
માંઝરના ચહેરા પર હજી ઉદાસીજ દેખાતી હતી કોઈ ઉમળકો કે એનું લાક્ષણિક સ્મિત નજરે ન ચડ્યું એ કાજલને ખૂંચ્યું. કાજલે માંઝર સાથે વાતો કરવાનું ચાલુ કર્યું, “મંજુ, બેટુ તું રાત્રે ઉઠી જતી’તી? હેં? શું થતું હતું તને રાત્રે?”
“મમ્મા, મને છે ને કાલ રાત વાળું દેખાતું હતું એટલે ડર લાગતો હતો. વારંવાર એ બધું મને સપનામાં આવતું હતું એટલ હું ઉભી થતી હતી! મને તો હજીય ડર લાગે છે”
“અછ્છા! શું દેખાતું હતું તને? શેનો ડર લાગે છે, હું અહી જ છું બેટા.” પોલીસની ગાડીઓ અને સાયરન થી બિચારી ડરી હશે એવું કાજલને લાગતું હતું. અને એ ઈચ્છતી હતી કે વાતો વડે એ માંઝરનો ડર દુર કરે.
માંઝરે નીચું મોં કરી આંખ બંધ કરી વર્ણન શરુ કર્યું, “મમ્મા, રાતના અંધારામાં એક ટોળું દેખાતું હતું! કાલે આપણા ઘરની બહાર હતું તેવુંજ. એમાં સૌ ઘેરો કરીને ઉભા હતા. અને કાલે તું બહાર આવી ત્યારે હું પણ તારી પાછળ આવી હતી અને હું જોતી હતી કે આપણા બાજુવાળા અંકલ્સ પપ્પા જોડે વાત કરતા હતા. કોઈ એ બૂમ મારી હતી કે એ આવ્યા.... અને સૌ દોડ્યા હતા રસ્તા તરફ. પસાર થતી પેલી લાલ ફાયરબ્રિગેડ વાનને અને પુલીસની ગાડીને પથ્થર મારવા!! તને ખબર છે એમાં પપ્પા પણ હતા! એમના હાથમાં મોટ્ટો પથ્થર હતો અને આંખો એક્દમ લાલ!” આટલું બોલી નાનકડી માંઝરે આંખો મીંચી દીધી! એ મમ્મીને બાઝી પડી અને ભીની આંખે ધ્રુજતી બોલી, “મમ્મી, મને પપ્પાનો ડર લાગે છે!”