સોપારી
“સાંભળ્યું છે કે... તમે પૈસા લઇ ખૂન કરી આપો છો...” દેવકુમારે આજુબાજુમાં જોઈ દબાતા અવાજે પણ સીધું જ પૂછી લીધું.
શહેરથી જરા દૂર આવેલી અને ઉજ્જડ દેખાતી આ જગ્યા સુધી પહોંચતા સુધીમાં દેવકુમારને ખ્યાલ આવી જ ગયેલો કે આ કહેવાતી કન્સ્ટ્રકશન સાઈટ, ખરેખર તો ગેરકાયદેસર કાર્યો કરવા માટે ઊભો કરેલો એક અડ્ડો જ છે. અડધું બંધાયેલું એક બહુમાળી મકાન, થોરની વાડ કાપીને બનાવેલો ઝાંપો અને સામાન ચડાવવા માટે બનાવવામાં આવેલી અને કદાચ વર્ષોથી બંધ એવી લટકી રહેલી એક ખુલ્લી લિફ્ટ... આ બધું જ સ્થળની વેરાનતા કેટલી સરળતાથી વધારી આપતું હતું-તેવો વિચાર કરતા દેવકુમારે સ્થળ-પ્રવેશ કર્યો. લિફ્ટની સામે માત્ર લૂંગી પહેરેલો મજબૂત બાંધાનો અને કલ્લુસિંહ નામે આખા શહેરમાં કુખ્યાત ઇસમ અડધી બીડી ચૂસતો બેઠો હતો. સામે અવાજ વગરનું ટીવી ચાલી રહ્યું હતું ને તેના રીમોટને કલ્લુ કારણ વગર હાથમાં રમાડી રહ્યો હતો. કલ્લુની સામેના ભાગે જમીનમાં અજબ રીતે અડધી ખુંપાવેલી લાકડાની ખુરશી પર જરા સંકોચ સાથે બેસતાં દેવકુમારે પૂછ્યું, “સાંભળ્યું છે કે... તમે પૈસા લઇ ખૂન કરી આપો છો...”
“સાચું સાંભળ્યું છે...” જરા પણ ચલિત થયા વગર કલ્લુએ જવાબ આપ્યો.
“તો.. મારે એક વ્યક્તિનું ખૂન કરાવવાનું છે... હું એની તસ્વીર લાવ્યો છું.”
“માત્ર તસ્વીર નહિ ચાલે... ખૂનનું કારણ જોઈશે...”
“જુઓ મિસ્ટર... તમે તમારા પૈસાથી મતલબ રાખો તો વધુ સારું...”
“હમમમ, તમને કદાચ ખબર નથી કે હું વ્યક્તિની લાયકાત જોયા વગર સોપારી લેતો નથી. તમે સિધાવી શકો છો, જય રામજીકી...”
દેવકુમારે કમને જરા-જરા વાત કરી.
“ઠીક છે, તો સાંભળો. આ રશ્મિ છે. મારી બિઝનેસ કોમ્પીટીટર... છેલ્લા ત્રણ વર્ષથી ત્રણસો કરોડના સરકારી ટેન્ડર લઈ જાય છે. બહુ પ્રયત્ન કર્યા મેં, તમામ સરકારી વિભાગોમાં પૈસા વેર્યા, એની કંપનીના ઘણાં માણસો ફોડ્યા, પણ રશ્મિની વ્યવસાય પદ્ધતિ જાણી નથી શક્યો... આર્થિક નુકસાન તો વેઠી લઉં, પણ એક પુરુષ થઈને સ્ત્રીના હાથે મળતી નાલેશીભરી આ હાર હવે સહન થઈ શકે એમ નથી. બીજા તમામ રસ્તા બંધ છે હવે, બસ હવે તો...
બોલો, તમે કરી શકશો આ કામ કે બીજાને શોધું હું ?”
“ઓહ્હો... તો એમ વાત છે... સારું ચાલો.... અને એક વાત એ પણ જાણી લો કે આવા ‘જેન્યુઈન’ કામ હોય તો હું એના પૈસા પણ લેતો નથી...” એ જ નિર્લેપતાથી કલ્લુએ કહ્યું.
“ઓહ... શું વાત કરો છો... વાહ, તો તો ખૂબ આભાર... કામ ક્યારે થશે ?” જરા હળવાશથી દેવકુમારે પૂછ્યું.
“કામ શરુ થઈ ગયું છે...” સાવ સહજતાથી કલ્લુ બોલ્યો.
“એટલે ?”
“જુઓ મિસ્ટર દેવ, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો... તમે અત્યારે જે ખુરશી પર બેઠા છો, એની ઉપરની બાજુએ જરા નજર કરો તો તમારા માથાં ઉપર લટકી રહેલી લિફ્ટ જરૂરથી જોઈ શકશો. હવેની વાત તમારી સલામતી માટે વધુ મહત્વની છે. જરા પણ હલ્યા છો તમે... તો આ રીમોટ જુઓ છો ને ? તમારા કમભાગ્યે એ ટીવીનું રીમોટ નથી, ઉપર લટકી રહેલી લિફ્ટનું છે. મારા ટેરવાને તકલીફ પડે એવી કોઈ હરકત ન કરશો, નહિ તો અડધી સેકન્ડમાં એ લિફ્ટ ધસમસતી નીચે આવશે અને...
મેં કહ્યું ને તમને, કે મેં કામ શરુ કરી દીધું છે...”
ઉપરની તરફ નજર કર્યા પછી, કોઈ પિંજરમાં પુરાયેલા પંખીની જેમ સ્તબ્ધ દેવકુમાર છટપટી ગયો.
“આ દગો છે કલ્લુભાઈ, મેં તમારું શું બગાડ્યું છે ? અને તમારા જેવો માણસ... આઈ મીન... પ્રોફેશનલ કિલર આવું કરે ? હું તમારી દસ લાખ રૂપિયાની ફી પણ લઈને આવ્યો છું.” લાલઘૂમ આંખો કરી દેવકુમારે પૂછ્યું.
“હાહાહા... દગો ? આને તમે દગો કહેશો ? અને તમે જે કરવા જઈ રહ્યા છો એ ?
જુઓ મિસ્ટર, હું કોઈ સમાજ-સુધારક નથી, પણ તમારા જેવાને સીધા કરવા એ મારા ધંધાથી મને ચડતા ખુન્નસ જેટલું જ પ્રિય કાર્ય છે. અને તમે ફીની વાત કરો છો ને ? તો એ તો તમારે તમારો જીવ બચાવવા આપવી પડશે હવે…
ચાલો, હવે ઊભા થયા વગર બાજુના ટેબલ પર પડેલ કાગળ અને પેન ઉપાડો, અને લખી આપો તમારી કરમકહાણી તમારા જ હસ્તાક્ષરોમાં... ગભરાશો નહિ, હું તેનો ઉપયોગ માત્ર સલામતી માટે જ કરીશ. જેથી ફરી આ વિચાર તમારા મનનો કબજો લેવાની કોશિશ ન કરે....”
દાંત અને નહોર ગુમાવી ચુકેલા કોઈ ભયાનક જંગલી પ્રાણીની માફક તરફડતા-તરફડતા દેવે બાજુના ટેબલ પર રહેલ કાગળ અને પેન ઉપાડ્યા ત્યારે કલ્લુસિંહ ડૂબતા સૂર્યની બેપરવાઈથી નવી બીડી સળગાવી રહ્યો હતો...
-સાકેત દવે...