લાલ ફ્રેમવાળાં ચશ્માં
“જો બેટા, આજે તારા માટે નવા ચશ્માં કરાવી લાવ્યો છું. તેં કહેલું ને, કે તને લાલ ફ્રેમવાળાં ચશ્માં બહુ ગમે છે, તો જો... એવાં જ કરાવ્યાં છે.” ફૂલ વેચનારા કિશને તેની બાર વર્ષની દીકરી જુઈને ચશ્માંનું કવર આપતાં કહ્યું.
“અરે વાહ... લાવો પહેરી જોઉં... કહો તો, કેવાં લાગે છે ?”
“સરસ લાગે છે, પણ સાચવજે હવે, ગયા વખતની જેમ જોજે ઠેસ લાગે ને તૂટી ન જાય...”
“હા પપ્પા, શું કરું ? એક તો આ આપણી શેરીનો ઉબડખાબડ રસ્તો ને એના પર બેફામ ચાલતાં આ વાહનો... એમાં ધ્યાન ન રહ્યું...”
જુઈ ચશ્માં પહેરી, ટોપલો ઉઠાવી ઘરેથી નીકળી અને શેરીને નાકે આવેલા ફૂટપાથ પર ફૂલો વેચવા બેઠી. થોડી જ વારમાં એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતા તેની પાસે આવી પહોંચ્યા, ને ધીમે અવાજે બોલ્યા,
“દીકરી... આજે મારા લગ્નની પંચાવનમી તિથિ છે, એક સરસ ગુલદસ્તો બનાવી આપ મારી પત્નીને આપવા માટે... અને મને ઉંમરને લીધે જરા ઓછું દેખાય છે તો કયાં પુષ્પો ગુલદસ્તામાં ઉમેરે છે તે કહેજે મને જરા...”
“હા જરૂર... જુઓ દાદા... સૌથી પહેલાં તો હું આછા કથ્થાઈ રંગની વાંસની ટોપલીની ધાર ફરતે લીલી અને પીળી પાતળી મુલાયમ રીબન વીંટાળીશ. પછી જેની સુગંધ માત્રથી દાદી ખીલી જાય ને, એવા આ સફેદ રંગના મોગરાની કળીઓ બિછાવીશ.”
“અરે વાહ છોકરી... તને તો ટોપલીની સજાવટ સરસ આવડે છે ને...” વૃદ્ધે છોકરીના ઉત્સાહને વેગ આપવા કહ્યું.
“હા દાદા... પપ્પાનું જોઈ-જોઈને સજાવટ શીખી છું...”
ચાલો હવે આ લવન્ડર અને સફેદ રંગના ઓર્ચિડ અને તેની સાથે જાંબલી કિનાર ધરાવતાં સફેદ પુષ્પો ગોઠવી દઉં.
દાદીને શું પસંદ છે એ તો કહો દાદા...”
“એને સૂર્યાસ્ત ઘણો પસંદ છે બેટા...” દાદા માટે હવે આ માસુમ પણ હોંશિયાર છોકરી આત્મીય થવા લાગી હતી.
“ખૂબ સરસ... તો હું ડૂબતા સૂર્યના રંગના આ કાર્નેશન ફૂલો આમાં ઉમેરી દઉં છું. અને સાથે ભૂરી અને સફેદ રંગની ટેટસની સેર પણ મૂકું છું. રજનીગંધાના સફેદ પુષ્પો વગર તો કોઈપણ પુષ્પ-છાબ અધૂરી જ લાગે... બરાબર ને ?”
“બરાબર...” દાદાએ સ્મિત સાથે કહ્યું.
“અને અંતમાં તમારા બેના અનંત પ્રેમના પ્રતીક એવા આ લાલ ગુલાબ અને લીલીના ગુલાબી ફૂલ રહી જાય એ તો કેમ ચાલે... લ્યો દાદા, આ તમારી પુષ્પ-છાબ તૈયાર...”
નાની એવી ઠાવકી છોકરીની ગ્રાહકને પ્રભાવિત કરવાની કળા વિષે દાદા વિચારી જ રહ્યા હતા, ત્યાં જ દોડીને આવેલા કિશને હાંફતા-હાંફતા જૂઈને કહ્યું, “ચાલ બેટા, જલ્દી કર... આપણે જેની રાહ જોતાં હતા એ ઘડી આવી ગઈ લાગે છે. સરકારી અસ્પતાલથી ડોક્ટર-કાકાનો ફોન હતો, તાત્કાલિક બોલાવ્યા છે આપણને... અકસ્માતમાં મૃત્યુ પામેલા કોઈની આંખ તને આપવાની વાત કરતા હતા. તારી આંખોનો આ અંધકાર હવે કદાચ જલ્દી દૂર થવાનો દીકરા...” કહેતા કહેતા કિશનને ગળે જરા ડૂમો બાઝ્યો, જે તેણે ખોંખારો ખાઈ દૂર કર્યો.
કાળી આંખોમાં દરિયા જેટલી અપેક્ષા લઈ જુઈએ વેરાયેલા ફૂલ ઝડપથી ભેગાં કર્યાં, લાલ દાંડલીવાલા કાળાં ચશ્માં ચડાવ્યાં અને ઝડપથી કિશન સાથે ચાલી નીકળી ત્યારે જુઈના અંધત્વ વિષે હાલ સુધી અજાણ એવા દાદા અચરજથી તેને તાકી રહેલા. ઘડી પહેલાં પુષ્પના જુદાં જુદાં રંગ અને નામ સાથે વર્ણન કરી-કરીને પુષ્પ-છાબ તૈયાર કરતી અંધ જુઈએ કહેલા શબ્દો તેમના મનમાં પડઘાઈ રહેલા, “સજાવટનું કામ તો હું પપ્પાનું ‘જોઈ-જોઈ’ને શીખી છું...”
-સાકેત દવે...