...આયેશા...
આયેશા... નિર્દોષ તોફાની ચમક આંખોમાં લઈ સદા ફર્યા કરતી દ્વિતીય વર્ષ કોલેજની એક છોકરી. બાપ નહોતો અને મા લોકોનાં કપડાં સીવે. એકંદરે આર્થિક સ્થિતિ ઘણી ખરાબ. અમદાવાદના પરાં વિસ્તારની કોઈ ચાલીમાં એક નાનકડી ઓરડીમાં મા-દીકરી ભાડે રહેતાં.
આયેશા ભણવામાં તેજસ્વી અને અમારી માત્ર કોલેજ-મિત્રો તરીકેની ઓળખાણ, પણ હું તેની સ્થિતિથી વાકેફ હતો. મારાં પુસ્તકો અને શૈક્ષણિક મટીરીયલ તેને આપતો રહેતો. એથી વધુ મદદરૂપ થવાની સ્થિતિ મારી પણ નહોતી. કોલેજમાં ખાસ મિત્રો કોઈ નહોતા, પણ હું, આયેશા, મીરાં અને જપન – એમ ચાર જણાને સારું બનતું. દરરોજ કેન્ટીનમાં ચા સાથે પોતપોતાના નાસ્તાના ડબ્બા એકબીજાને ધરવા જેટલી મિત્રતા અમારી વચ્ચે બંધાયેલી.
એકવાર આયેશા ત્રણેક દિવસ કોલેજ ન આવી. તપાસ કરતા ખબર પડી કે મા બિમાર છે. અમે ખબર પૂછવા ગયા. ખખડધજ ઓરડામાં મા-દીકરી બેઠેલાં. મા બીમાર નહોતી. કારણ જાણવા મળ્યું કે આધેડ, વિધુર અને એક છોકરીના બાપ એવા મકાનમાલિકે બે મહિનાનું ચડેલું ભાડું ભરવા કડક ઉઘરાણી કરી છે. અથવા આ ઓરડી સાવ મફતમાં મા-દીકરીને આપી દેવાની તૈયારી પણ દર્શાવી છે, પરંતુ તે માટે આયેશાએ તેની સાથે ઘર માંડવું જરૂરી બનતું હતું ! મા રડી પડેલી ને આયેશા આવનાર પાનખરના સૂકા રંગ આંખમાં ભરી સુનમુન બેસી રહેલી.
“પોલિસને ખબર કરી સાલાને અંદર કરી દો.” ઉગ્ર જપને શરૂઆત કરી.
“બેટા, એ લંપટ છે, તમામ ખોટાં કાર્યોમાં માહેર છે, બધે ઓળખાણ છે એની... આપણે શું બગાડી લેવાના એનું...” આયેશાની માએ જવાબ આપેલો.
“બે મહિનાનું ભાડું ચૂકવી ઘર બદલી નાખો માસી... એની ખરાબ નજરથી આયેશાને તમે બચાવી નહિ શકો.” મેં વ્યાવહારિક ઉકેલ સૂચવ્યો.
“બીજે ક્યાં જઈએ અમે હવે... અને ક્યાં સુધી બચાવીશ મારી દીકરીને... આખી દુનિયા ખરાબ છે બેટા...” કહેતાં માજી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં.
અમે સાંત્વના આપી પાછા ફર્યા. બીજા દિવસે બાજુવાળાના ઘરેથી આયેશાની મમ્મીનો મીરાં પર ફોન આવ્યો કે મકાનમાલિક જબરજસ્તી કરી આયેશાને ખેંચી ગયો છે. અમે તાબડતોબ ચાલીમાં પહોંચ્યા ને ચાલીના છેડે આવેલા મકાનમાલિકના ઘરનો દરવાજો પછાડી અંદર ઘૂસ્યા. મકાનમાલિક નફટાઈની તમામ હદ વટાવી ગયેલો. ભાડાના પૈસા તેના મોઢાં પર મારી, આયેશા અને તેની માને તાત્કાલિક ચારસો કિલોમીટર દૂર આવેલા એમના ગામની ટ્રેઈનમાં બેસાડી દીધા. એક છોકરીની જિંદગી બચાવ્યાની ખુશી લઇ અમે સૌ પોતપોતાના જીવનમાં ભળી ગયા.
વર્ષો વીત્યા. હું વકીલાતનો અભ્યાસ પૂરો કરી વકીલ બન્યો. મીરાં સ્નાતક થઈ કોઈ સારા સ્થાને લગ્ન કરી જીવનમાં ગોઠવાઈ ગઈ. જપને મેનેજમેન્ટની ડિગ્રી લઇ મુંબઈમાં પોતાનો વ્યવસાય શરુ કર્યો. એક વખત મારા વ્યવસાયને કામે મારે મુંબઈ જવાનું થયું. મેં જપનનો સંપર્ક કર્યો, એ આગ્રહ કરી તેના ઘરે લઇ ગયો. ચા-નાસ્તા સાથે કોલેજના દિવસો યાદ કર્યા. અચાનક મેં પૂછ્યું, “આયેશાના કોઈ ખબર ?” જપન ઉત્તર આપતા જરા થોથવાયો. તેણે કહ્યું કે આયેશા મુંબઈમાં જ છે એવા સમાચાર તેને થોડા સમય પહેલા મળ્યા હતા. મેં તપાસ કરી મળવા જવા આગ્રહ કર્યો. જપને મને ટાળવાનો ઘણો પ્રયાસ કર્યો પણ મેં આગ્રહ છોડ્યો નહિ. જપનની ગાડીમાં અમે બે નીકળ્યા. જપને મને અણસાર આપ્યો કે સામાન્ય રીતે એ વિસ્તારમાં કોઈ સારા માણસો જતા હોતા નથી.
નાલાસોપારા પહેલાં આવતાં એક વિસ્તારમાં રેલ્વે-લાઈનને અડીને આવેલી એક કાચા મકાનોની વસાહત બહાર જપને કાર પાર્ક કરી ને ખિસ્સામાંથી સરનામાનો કાગળ કાઢ્યો. અમે પૂછતા-પૂછતા એક મકાનના બારણે અટક્યા. મકાનનું બારણું ખુલ્લું હતું અને અંદરથી એક કરડો અવાજ આવી રહ્યો હતો,
“યે તેરે નખરે સહેને કે લિયે નહિ લાયા હૂં યહાં મેં તેરે કો... તું કોઈ હિરોઈન નહિ હૈ કિ રોજ કે ચાર કસ્ટમર ભી ન સમ્હાલ સકે...” ધમધમ કરતો એક ખડતલ કાળો પુરુષ ઘરમાંથી બહાર નીકળી જતો રહ્યો. જપન સ્તબ્ધ થઈ ઊભો રહી ગયો. મારી આંખો ફાટી ગઈ, હૃદય જોર-જોરથી ધબકવા લાગેલું. મેં અંદર જઈ યુવાનીમાં વૃદ્ધ થતી જતી આયેશાને જોઈ. મારાથી રહેવાયું નહિ. મેં હાથ ઉપાડી એક તમાચો મારી દીધો. આંખમાં નિસ્તેજ ઝળહળાટ લઇ કોઈ ગ્રાહકને જોતી હોય એવી નિર્લેપતાથી આયેશા મને તાકી રહી અને બીજી જ ક્ષણે ઘૂઘવતા દરિયા જેવું રડી પડતાં મને વળગી પડી. આંસુભીની આંખે મને તેની માના શબ્દો યાદ આવ્યા,
“ક્યાં સુધી બચાવીશ મારી દીકરીને... આખી દુનિયા ખરાબ છે બેટા...”
-સાકેત દવે