Tu Maru Kanvan in Gujarati Magazine by Rizawan Ghanchi books and stories PDF | તું મારું કંવન

Featured Books
Categories
Share

તું મારું કંવન

“તું... મારું કંવન”

  • મ.રીઝવાન ઘાંચી
  • પ્રેમ, એક અનુભૂતિ અને સ્પંદનનો ખજાનો. “તું.. મારું કંવન” એટલે પ્રેમની આવીજ અનુભૂતિઓ, નાના-નાના પ્રસંગો અને હ્રદયની માલીપા હિલ્લોળે લેતી ઘટનાઓનું શબ્દ સ્વરૂપ. પ્રેમના સંવેદનમાં ભીંજાયેલ સહુ આ પ્રસંગોના અનુભવી રહ્યા હશે.

    શબ્દો અહી મણકા સ્વરૂપ ગોઠવાયા નથી પણ લાગણીના પ્રવાહે વહ્યા છે. આ કંવન શબ્દોને અતિક્રમી જો કોઈની હોઠોની મુસ્કાન અથવા આંખોની ભીનાશ બનશે તો સ્પંદનોને પોતાનું સરનામું મળશે.

    મ.રીઝવાન ઘાંચી

    મો. ૯૭૨૫૬૪૬૯૫૧
    rijju_are18@rediffmail.com

    કઈ કહેવાનું બાકી છે ખરું ?

    તું સઘળું જાણે જ છે ને.....

    અહી તો,

    થોડું

    સ્મૃતિનું બટન

    રિવાઈન્ડ કરવા માટે.

    (૨૭ દ્રશ્યો અને મારા સ્પંદનો)


    ૧.

    એક ક્ષણ,

    તારી બેસેલી આંખોનો

    મારી દોડતી આંખો સાથેનો

    અકસ્માત,

    અને...

    તારું

    મારામાં

    વિલીનીકરણ.

    તારી જાણ બહાર જ.


    ૨.

    તું

    આમ તો

    કાઇ નથી

    મારા માટે

    પણ,

    હું જે છું

    તારા થકી જ.

    ***

    હતો પણ નહી

    સિવાય એક અનાડી

    તું ન હતી જ્યારે...

    ને

    થઈ ગયો છું અનાડી

    તું નથી જ્યારે.

    ***

    વિષાદ

    સાલે છે તારો

    આનંદ મહી

    ને

    આનંદિત

    વિષાદમાં

    તારા સ્મરણે જ તો.


    ૩.

    નિશાની

    આમ તો કઈ નથી

    તારી

    મારા પાસે.

    પણ છે,

    તું

    મારા સમગ્ર શ્વાસમાં

    વિશ્વાસમાં..

    મારા

    હર એક સ્મરણમાં

    રાતમાં સજાવેલા

    હર એક શમણાંમાં.

    આંખોની કાલાશમાં

    હોઠોની લાલાશમાં

    ને ને

    હથેળીની હર એક રેખાઓમાં.

    તું છે,

    બગીચાનાં

    હર એક ગુલાબમાં

    જે તે આપ્યું ન હતું

    ને

    નોટબુકનાં એ પાનાઓમાં

    જે તે ફાડીને ફેંક્યા હતા,

    તું છે, તું છે, તું..... છે.


    ૪.

    એકલા

    બેસીને જોયેલી ફિલ્મોમાં

    બાજુની ખુરશી પર.....

    પડદા પર

    દોડતી હિરોઈન પાછળ

    હીરોની આંખોમાં,

    વરસાદી ઝરમરે

    પ્રણય દ્રશ્યોની

    પ્રેમની અનુભૂતિમાં,

    તું છે, તું છે, તું ..... છે.


    ૫.

    પોપકોર્નનાં

    ખાલી ખોખામાં

    છેલ્લા કોર્ન માટે

    અથડાતી

    બે આંગળીઓમાં

    એક તું છે.

    થિયેટરમાંથી

    નીકળું બહાર એકલા

    ને

    ટિકીટ બારીએ

    ઊભેલી બેલડી જોઈ

    આંખોએ ઉમટી પડે

    ઝરણું

    ને

    ઝરણાની એ ભીનાશે

    તું છે, તું છે, તું ..... છે.


    ૬.

    તારા નામને

    મારા નામ

    સાથે

    વણી લેવાની ઝંખના

    અને

    પાછો ડર !

    અમસ્તો જ.

    ને

    તો’યે

    તારું તાકી રહેવું

    દૂર થી.


    ૭.

    દૂરથી

    તાકી રહેતી નઝર

    નજદીક આવે

    મને આસપાસ ન જોઈ,

    ને

    સામો મળું

    તો

    પાછી તારી એ જ

    જૂની

    હાઉકલી.


    ૮.

    (તારી રમતો)

    તારી નોટબુકમાં

    જાતે જ

    આડા-અવળા

    તાણી લીટા

    દઈ દીધેલું

    મારુ નામ.

    ને

    મારી સજા

    ક્લાસ સામે

    ઊભા રહેવાની.

    મને

    નજર સમક્ષ

    રાખવા માટેની

    તારી જીદ જ તો.


    ૯.

    તું

    અચકાતી

    કદાચ, આજે ય અચકાય છે !

    મારુ નામ લેતા.

    કાયમ એજ,

    અરે વો, અપને ક્લાસમે હે જો

    વગેરહ વગેરહ...

    આ પાછળ કોઈ કારણ ?

    કે પછી

    ભારતીય સ્ત્રીની પેલી વિચારસરણી !


    ૧૦.

    જાણીજોઈને

    કરેલી ભૂલો

    કે બીજું ?

    તારા હસ્તાક્ષર

    મારા નામનાં પ્રથમ મૂળાક્ષરે

    ને

    મારુ પણ કઇંક

    આવું જ.

    અદલાબદલીની

    આ ભૂલ

    કે

    અલગ હોવા છતાં

    એક થવાની અભિપ્સા.


    ૧૧.

    હું પાસે ન આવતો,

    હાં... કબૂલ,

    કે

    હું અજીબ વર્તતો.

    પણ,

    મતલબ કદાપિ ન હતો

    કે

    લાગણીઓને ટૂંપો દઈ

    તારે’ય

    પાસે ન આવવું.

    આપણે બનવા

    એક

    નાનું પગલું

    અતિ આવશ્યક.


    ૧૨.

    પહેલા

    રંગ એટલે ?

    લાલ, લીલો, પીળો.....

    કાળો, સફેદ.

    અને,

    એક દિવસ

    વાહ... શું તારી ખૂબસૂરતી,

    જરીકામ કરેલા

    એ વાદળી ડ્રેસમાં.

    બસ,

    ત્યારથી

    મારે મન

    રંગ એટલે

    વાદળી.


    ૧૩.

    તારી ફટફટી,

    યાદ છે તને ?

    લે,

    શરત મારી !

    તને નહી હોય યાદ

    ચાર આંકડાની

    એ નંબર પ્લેટ.

    કારણ....

    તારા માટે

    આવન-જાવન

    હેતુક

    ને

    મારે માટે

    તને સંગ રાખવા

    પાસવર્ડ માટેનું

    હાથવગું સાધન.


    ૧૪.

    તું આમ

    ફરે છે સરેઆમ

    હથેળી પર,

    મારુ હૃદય લઈ.

    સંભાળજે,

    એકનું એક છે ને

    પાછું

    તને દીધેલું છે.


    ૧૫.

    દરિયા કિનારે જઇ

    વળી

    કોરુ રહેવાતું હશે ??

    પાણીની એલર્જી તો શું થયું,

    પ્રેમની તો નથી ને !!

    તો,

    ચાલ ભીંજાઈએ

    સરાબોળ થઈ.


    ૧૬.

    તને

    ભીંજાવું પસંદ

    એટલે

    ચોમાસું ગમે.

    અને,

    મને !! ?

    એક છત્રીમાં

    અડધા પડધા

    ભીંજાવાનો મળતો

    લ્હાવો.


    ૧૭.

    તારા મુજ સંગ

    મિલનનો

    કારસો

    મારો એકલાનો જ નથી,

    લાલ ચટ્ટાક ફૂલોએ

    મોહી પડી

    તું હાથ જ્યાં લંબાવે,

    ડાળી

    સરરર્ર.... ઉપર.

    લાલચટ્ટાક ફૂલોને

    પામવા મથતી તું, ને

    તને પામવા મથતો હું,

    તને
    આગોશે લઈ

    આકાશે ધરું

    ને

    ડાળ વરસી પડે છે

    બેશરમ થઈ.


    ૧૮.

    હું તને માંગુ...

    એમાં વળી

    શી રીત અનોખી !!

    તને ખુદને

    તારે માંગવી પડે

    મારા કનેથી,

    એટલી

    મે

    તને

    વસાવી લીધી છે

    મુજ હૃદયે.


    ૧૯.

    અફાટ

    અણખૂટ

    આ દરિયો પણ

    કેવો સંકોરાઈ

    રહ્યો છે

    દૂર ક્ષિતિજે.

    ધગધગતી લાવા ભરી

    તને

    સમાવી લેવી છે

    મારે’ય

    અદ્દલ એ જ અદાએ,

    દરિયાની સાક્ષીએ.


    ૨૦.

    હૃદયની માલીપા

    આખેઆખો

    હું

    ઢબૂરાયો છું

    છતાં

    તું

    લાલચ ન રોકી શકે

    બારી બહાર ડોકાવાની.

    જરા નજર તો ફેરવ,

    અહી જ

    હાજરા હુજૂર છું

    તારો

    પડછાયો થઈ.


    ૨૧.

    તને યાદ છે ???

    તારી પેલી ૭૨ એમ.એમ. સ્માઇલ !!

    ભરબપોરે'ય

    કેવો

    ઝળહળાં ઝળહળાં

    થઈ ગયો હતો

    ખેતરના ખૂણે ઉભેલો

    કાયમ બંધ રહેતો

    પેલો

    લાઇટનો થાંભલો,

    અદ્દલ મારી જેમ જ.


    ૨૨.

    તારી આંખોમાં

    ઉમડતો

    અનેરો ઉમંગ
    અને
    ઉમંગનું સરનામું,
    નાની નાની ખુશીઓનો
    સરવાળો.

    મારી આંખોમાં
    અસ્સલ
    એ જ ઉમંગ,
    મુકામ પોસ્ટ-
    મારી ખુશીની ખુશી.


    ૨૩.

    તારી શોધ
    કંઈ વ્યર્થ ન હતી,
    સખી !

    તેં,
    હાં, તેં જ
    ઝંકીકૃત કરેલ

    પ્રેમાળ સ્પંદન
    હૃદયની હૂંફ
    ભીની ભીની લાગણી
    અને
    તારી પ્રેમાળ માંગણી
    રોજ
    મને
    મારામાં
    ફરી

    જન્માવી જાય છે.


    ૨૪.

    “તેરા
    મુજસે હે પેહલે કા
    નાતા કોઈ,
    યું હી નહિ
    દિલ લુભાતા કોઈ”

    તારું, મારું
    સહિયારું
    ગમતીલું ગીત.

    તો ચાલ
    ભૂતકાળને
    ફરી
    વર્તમાનમાં જીવીએ.


    ૨૫.

    મારી સરખામણી,
    કઈ ફિલ્મ ?
    કઈ અભિનેત્રી ?.
    તારા સવાલે
    હજી કહું..
    ૩ ઈડિયટ...
    ત્યાં તો
    સહસા
    મને અટકાવી
    કહી ઉઠી,

    આપણા બે સિવાય
    છે કોઈ ત્રીજાનું કામ ?

    વાહ,
    શું અદા,
    શું હયા
    અને
    મારો ગમતીલો
    ગુઢ એકરાર.



    ૨૬.

    ફૂલ અને ભમરાનું ગુંજન,
    બગીચામાં ઉજવાયેલો
    આ પ્રસંગ
    ઘૂઘવી ગયો બે હૈયાને.
    લાગણીઓ ઘુઘવાઈ
    કવિતા થઇ
    અવતરી કાગળ પર
    અને
    ત્યાં જ
    લખી દીધું મેં નામ
    તારું,
    મારા નામ સાથે જ તો.
    નામને અવલંબન મળ્યું ને
    ચહેરા હરખાઇ ઉઠ્યા.

    આહ
    શું તારા હરખાવાપણું ??
    શરમની લાલિમા સંગ
    ફૂલ સમ
    ખીલેલો ચહેરો,
    મને ભમરો બનાવી ગયો.

    અને
    બગીચાનું દ્રશ્ય
    ફરી ભજવાઈ ગયું.

    ૨૭.

    મેળવી આપે છે
    ખુદા સમયસર એને
    જિંદગીમાં જે ખાસ હોય છે,
    તારા
    આ પ્રેમ સંદેશે
    તને
    મળી ગયો હતો
    હું, સમયસર.

    બસ,
    આમ જ
    તું મળી જજે મને
    એ જ.. સમયસર.

    મળીશ ને ?
    કદાચ
    તારા વિશ્વાસે
    ખુદા મેળવી આપશે.