Man me Laddu Phoota, Kyan? in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?

Featured Books
Categories
Share

મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?

patel.kandarp555@gmail.com

+91 9687515557

“મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?...”

હિંદુ પરંપરા મુજબ વ્યક્તિને આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે ‘વિવાહ સંસ્કાર’. લગ્નની આદિકાળથી ચાલતી આવતી પ્રથા મુજબ તેને એક સંસ્કાર તરીકે ગણાવ્યો છે. ખેર, આ સંસ્કાર વિષે પછી ક્યારેક વિસ્તૃત છણાવટ કરીશ. અત્યારે તો વાત છે, પૂર જોશમાં ચાલતી રહેલી ‘લગ્ન સીઝન’ પર કેટલીક વાતોની પુષ્ટિ કરવાનો.

“કેટલા વર્ષ થયા,બેટા? “..

“જી,દાદા ૨૨ મુ ચાલે છે..”

પપ્પા તરફ જોઇને , “કન્યા ગોતવી પડશે હવે તો, વરરાજો તૈયાર થઇ ગયો છે.” અને એ પછી, દાદા ..

કેવી શોધવી કન્યા? કોની કોની હાજર સ્ટોકમાં પડેલી છે? કોનું કુટુંબ ‘બહુ સોજુ’ છે? કોની દીકરી ભણેલી છે? ... ‘અત’ થી ‘ઇતિ’ સુધીની સફર કરાવે.

ક્યારેક મમ્મી પાસે જવાનું થાય ચાલુ લગ્નમાં, ત્યારે આજુબાજુ બેઠેલી ‘મોટા બા – મોટા મમ્મી – ભાભી – બહેનો’ ..દરેક બિચારાની અણી કાઢવામાં થોડુક પણ બાકી ના રાખે.

બહેનો તો વળી, ‘ખી ખી ખી’ ..કરતી જાય ને મમ્મીને પાનો ચડાવતી જાય.

બહેનને ચોટલો પકડીને બંધ કરાવવાનું મન થાય પણ શું કરવું..?

ભાભીઓ તો ...પ્રણામ છે એ જાતિને તો. “ચણીયાચોળીનો અત્યારથી ઓર્ડર આપી દીધો છે, લાલુભાઈ. હવે જલ્દી લઇ આવો ભાભી, અને અમને તમારા ‘લગન’માં નાચવાનો મોકો આપો.”

આપણું મન કહે, ‘ભાભી, મોકો તમને આપવો જ છે હવે મારેય.’ અને, ગાલમાં હસવું આવે.(સાચુકલું હો....!)

મોટી બા એટલે મોટી બા પણ બાકી. વિચિત્ર પ્રકારનું મોઢું હોય અને મોટું ૧૦૦ કિલો નું શરીર કરીને બેઠા હોય અને ત્રાંસો હોઠ કરતી જાય અને કેહતી જાય, “હા, બટા. હવે ગોતવાનું ચાલુ કરી દ્યો ત્યારે વર્ષે માંડ મેલ પડશે. એમાં પણ હવે બૌ તકલીફ વધતી જાય છે.”

ત્યારે મનમાં એમ થાય, ‘તકલીફ શું પડે મોટી બા, હીરા સમું તો જુઓ એક વાર.’

આ બધી વાતો તો ચાલુ જ રહે. એમાય જો થોડુક ભૂલથી સિન્સિયરલી કામ થઇ જાય લગ્નમાં એટલે પૂરું.

“કોનો છોકરો છે..?”

“તમારો લાલો, સવારનો કામ કરે છે આજે.”

“બહુ ડાયો છોકરો છે, પાણી પાયું બધાને, ગાદલા ગોઠવ્યા, બધાને વેવાઈના ઘરે મૂકી ગયો.”

અને વાતો પછી ચાલુ. સાયકલ રીપીટ આગળની વાતોની.

અને, રાસ-ગરબા હવે લગ્નમાં એક ફરજીયાત વિધિની જેમ મેનુ એડ કરવામાં આવે છે કંકોત્રીમાં હવે તો. અને કોઈની આંખે ચડવાનો અને બીજાની વાતોનો ચર્ચા કરવાનો ટોપિક બનવાનો સૌથી સારો મોકો.

શરમના માર્યા , શરૂઆતમાં તો બધાને નાં પડીએ.

“અરે, ના..નાં..તમે જાવ ને..! મને નહિ ફાવતું.”

જવું તો હોય જ પાછુ એ તો સ્યોર વાત છે એકદમ.

બે-ત્રણ વાર કોઈ કહે પછી જ જવું એવો નિયમ પાછો. અને એમાં પણ મોટા વડીલ કહે, “હવે તારો જ વારો છે બેટા, તારા લગનમાં જોઈ લેજે, કોઈ ની નાચીએ અમે.”

અને થોડુક ખોટું પણ લાગી જાય.કે સાલું, એક વાર લગન કરવા અને એમાય આ બધા ની નાચ્યા તો????

અને, હીરો ચડી જાય ગરબાના ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર અને ચાલુ કરી દે ગરબીની રમઝટ.

એમાં પણ છેલ્લે ‘ફટાફટ સોંગ’..અરે આપણું ડીડીડીડી..ડીજે ડોલ્બી. ભલે પગ ઝડપીના કુદે પણ ટ્રાય તો પુરેપુરી કરે મારો વાલીડો.

એમાં પણ જો ઘરે જ જમવાનું હોય અને પીરસવામાં ઉભા રહ્યા હોઈએ એટલે દરેક સગા-સંબંધી-કુટુંબની બહેનો શાક-પૂરી-રસ-ઢોકળા લેતા જાય અને કહેતા જાય, “હવે ,ક્યારે...?”, અને આપણે તરત જ ગાલમાં હસીએ. અને કઈ શરમાઈએ...અહહાહા..! જાણે સાચે જ કન્યા મળી ગઈ હોય અને કોઈ પૂછી લે કે,”હવે, છોકરા ક્યારે?”

તલવાર-સાફો-ફેંટો-શેરવાની-મોજડી- અને ખાસ તો વારે ઘડીએ બધું વરરાજાને સરખું કાર્ય કરતો ‘અણવર’. ક્યારે આ દિવસો આવશે એવું એક દિવસ તો લાગે જ.રસ્તા પર બગી માં બેઠેલો ભોળો-શાનો છોકરો નીકળે અને ત્યારે આખી દુનિયા એને જોઇને માપદંડ સ્થાપિત કરી મુકે. મજા છે ભાઈ ૨ દિવસની. અને આ તો એવું છે કે ,” કરે એ પણ પસ્તાય, ના કરે એ પણ પસ્તાય.’

પણ ત્યારે એવો વિચાર નથી આવતો કે, ‘આ બકરો તો હલાલ થવા જઈ રહ્યો છે અને એટલે જ શણગારાઇ રહ્યો છે.’ હા હા હા...

ખરેખર, આ જ તો મજા છે ને દોસ્ત. આખું કુટુંબ સાથે હોય ત્યારે, આપણી નોંધ લેવાવાળા ઘણા લોકો છે એવું લાગે. એક ગઝબ ઉલ્લાસ, આત્મીયતા, મુલાકાત, અનુભવ, વિવેચન, વિચારશીલતા, પોતીકાપણું.

આ દરેકનો સમન્વય એટલે જ તો લગ્નની મજા છે દોસ્ત.

અંતે, ‘મન મેં લડ્ડુ ફૂટા...’ ની પરિસ્થિતિ જો કોઈને પણ એક પણ વાર ના આવી હોઈ તો કૈક તકલીફ છે આપણામાં હવે, એમનામાં નહિ.

ટહુકો: એક પ્રસિદ્ધ ગુજરાતી કવિએ કહેલું,

“જ્યાં જ્યાં નઝર મારી ઠરે.

યાદી ભરી ત્યાં આપની.”

ચિત્ર તો બન્યું જ છે જ. કેન્વાસમાં નહિ, દિલમાં.