Bharatma Bhrashtachar Sanskrutik Jatil Pasu in Gujarati Philosophy by Bhupendrasinh Raol books and stories PDF | ભારતમાં ભ્રષ્ટાચાર સાંસ્કૃતિક જટિલ પાસું

Featured Books
Categories
Share

ભારતમાં ભ્રષ્ટાચાર સાંસ્કૃતિક જટિલ પાસું

ભારતમાં ભ્રષ્ટાચાર સાંસ્કૃતિક જટિલ પાસું

ભારતમાં ભ્રષ્ટાચાર સાંસ્કૃતિક એવું જટિલ પાસું છે. ભારતીયોને ભ્રષ્ટાચારમાં કશું વિચિત્ર દેખાતું નથી. ભ્રષ્ટાચાર અહીં ઈશ્વર જેવો સર્વવ્યાપી છે. ભારતીયો ભ્રષ્ટાચારને દૂર કરવાને બદલે કે ભ્રષ્ટાચારી રીત રસમો સુધારવાને બદલે એને સહ્યે જતા હોય છે. આ એક બાબતમાં આપણે ખૂબ સહિષ્ણુ છીએ. ઘણીવાર સાંસ્કૃતિક ખામીઓ કોમને ભ્રષ્ટાચારી બનાવતી હોય છે. અહીં જુઓ, કહેવાતો ધર્મ એ લેવડદેવડ છે. મંદિરોમાં ભગવાન આગળ લોકો પૈસા નાખતા હોય છે. કે પ્રસાદ ધરાવતા હોય. બધું એકનું એક જ કહેવાય. કેમ કે પ્રભુ મારું કામ કરજે. મારી ફેવર કરજે. ચાલો આપણે બાધા શું કામ રાખીએ છીએ? આપણું કામ થઈ જાય તો માનતા પૂરી કરીશું, બાકી નહિ. એક જાતનો વેપાર થયો કે નહિ? લેવડ દેવડ થઈ કે નહિ?

અમારા એક મિત્ર છે. પહેલા અહીં અમેરિકા આવ્યા લોટરી વિસા ઉપર. પણ એમની દીકરીને ૨૧ વર્ષ થઈ ગયા હતા તો વિસા ના મળ્યા. આવતા પહેલા બાધા રાખી હશે કે બધા અહીં આવી જઈશું તો કથા કરાવીશું. પણ દીકરી આવી ના શકી તો કથા કરી નહિ, કે તે પણ આવી જાય પછી કથા કરાવીશું. હવે નવી પોલિસી મુજબ હમણાં હજારો લોકોને વિસા આપવાનું સ્થગિત છે. અને લંબાય જાય છે. તો વહેમ પડ્યો કે કથા કરાવી નથી માટે વિસા મળતા નથી કે ફાઈલ આગળ ધપતી નથી. એટલે ગયા શનિવારે કથા કરાવી, અમને એ બહાને લાડુ ખાવા મળ્યા. જાણે એ કથા ઉપર અમેરિકન સરકારની વિસા પોલિસી ચાલતી ના હોય? હવે કોઈ તલાટી કે સરકારી અધિકારી કામ કરતો ના હોય અને કામ લંબાવે જતો હોય તો આપણે થોડા પૈસા આપી દેશું લાંચ તરીકે. ઘણીવાર કામ પૂરું થાય ત્યારે આપી દઈએ છીએ અને ઘણીવાર કામ પતે માટે અગાઉથી આપી દઈએ છીએ. ખબર જ છે કે લાંચ આપ્યા વગર આમેય કામ કરવાનો જ નથી તો પહેલા જ આપી દઈએ.

એટલે પહેલું તો આપણે લાંચ રુશવત આપવાનું શીખીએ છીએ ભગવાનને પ્રસાદ ધરાવી, બાધા આખડી, માનતા રાખીને. એટલે આપણને કોઈ માણસ એનું કામ પતાવવા લાંચ માંગે તો કશું ખોટું લાગતું જ નથી. આ તો વહેવાર છે, જે કાયમ ભગવાન સાથે કરતા આવ્યા છીએ. આ બધું આજનું નથી, આ તો પ્રાચીન છે. પહેલા યજ્ઞો કરી દેવોને ભાગ આપતા હતા કે એ સમયે મંદિરો હતા નહિ. યજ્ઞોમાં પશુ, પક્ષી, અનાજ અને ક્વચિત માનવ હોમીને ભાગ આપતા હતા. જેથી દેવો ખુશ રહે. ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ, યજ્ઞોની જગ્યા મંદિરોએ લીધી. તો મંદિરોમાં ધન આપો. સામાન્ય લોકો પૈસા આપશે ધનિક લોકો મંદિરોમાં ધન અને સોનું આપશે. સોનાના મુકુટ આપશે. જેને ખાવાના ફાકા છે તેવા લોકોને પૈસા આપવા તો વેઇસ્ટ જાય, મંદિરમાં આપીએ તો ભગવાન સાથે કરેલો વહેવાર સચવાઈ જાય. કર્ણાટકના કોઈ મંત્રીએ ૪૫ કરોડનો સોનાનો હીરાજડિત મુકુટ તિરુપતિ બાલાજી મંદિરમાં આપેલો. હવે ૪૫ કરોડ તો ડેડ ઇન્વેસ્ટમેંટ થઈ ગયું. આ ૪૫ કરોડ મંદિરના ખજાનામાં ઠપ્પ થઈ ગયા, આટલો પૈસો જે માર્કેટમાં ફરતો હતો તે બંધ થઈ ગયો.

ભારતના મંદિરો એટલાં બધા રૂપિયા, ધન, સોનું સંગ્રહીને બેઠાં છે કે તેમને ખબર પણ હોતી નથી કે આટલાં બધા ધનનું શું કરવું તે સમજ પણ હોતી નથી. અબજો રૂપિયા મંદિરોમાં સ્થગિત થઈને પડ્યા છે.

આપણે માનીએ છીએ કે ભગવાન આપણું જ ભલું કરવા પૈસો સ્વીકારે છે તો પછી આવું આચરણ બીજા કોઈ જોડે કરવામાં વાંધો શું? કોઈ તલાટી કે પોલીસને કામ પતાવવા માટે પૈસા આપવામાં વાંધો શું ભલા? બસ આમજ આપણે સાવ સહેલાઈથી લાંચિયા બની જતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ કોઈ કારકુન લાંચ ના માંગતો હોય છતાં બળજબરીથી આપીએ છીએ કે વહેવાર કહેવાય, ખુશીના છે, ખુશીથી આપીએ છીએ લઈ લો યાર!! અહીં લાંચ આપવી અને દેવી નૈતિકતા છે. કરપ્ટ નેતાઓ ફરી ચૂંટાય તે ભારતમાં શક્ય છે.

ભારતનું બુદ્ધિધન જુઓ. એને પણ ખોટું કઈ રીતે લાગે કે એક યા બીજા બહાને ભગવાનને લાંચ આપે છે? જુઓ કહેવાતો મહાનાયક તિરુપતિ દોટ મૂકશે કે મઝાર પર ચાદર ચડાવવા દોડી જશે. એની અંધશ્રદ્ધા જુઓ એવું વાંચેલું કે એના દીકરાના લગ્ન કરાવતા પહેલા વિશ્વસુંદરી વહુના લગ્ન વૃક્ષ સાથે કરાવેલા. હવે ભગવાનની જગ્યા પાછી ગુરુઓએ લીધી છે. એટલે હવે લાંચ ગુરુઓને આપો. એમની હોટ લાઈન ભગવાન સાથે જોડાયેલી છે. સીધું બિનતારી જોડાણ છે. મોબાઈલ દ્વારા સીધા વાત કરી શકનારા આ કહેવાતા ભગવાનો એવા ગુરુઓ હવે માલામાલ થવા લાગ્યા છે.

ભારતમાં લાંચ, રિશ્વત, ભ્રષ્ટાચાર ધાર્મિક નૈતિકતા સ્વરૂપે વિરાજમાન છે. ભારતમાં કોઈ ધનવાન થશે તો પહેલો મંદિરે દોડવાનો. આપણે પશ્ચિમના દેશોમાં ગયા તો પણ પહેલા મંદિરો જ બાંધ્યા.

ધાર્મિકતાનું બવંડર હવે દિવસે દિવસે વધતું જાય છે.

વર્ષો પહેલા એક મિત્રને બનાસકાંઠાનાં કોઈ ખડતલ ખેતમજૂરની ખેતરમાં કામ કરવા માટે જરૂર હતી, તો એક આવા ઓછા પરિચિત બનાસકાંઠાવાસી એવા ભાઈને મળવા અમે જીપ લઈને ગયેલા. રણ નજીકનું ગામ હતું. સાંજનો સમય હતો, અમે તે ભાઈને મળવા ખેતરમાં ગયેલા અને મેં દૂર આકાશમાં એક મોટું વાદળ ઊભરાતું જોયું. પેલાં ભાઈ કહે હવે જલદી ઘેર ભાગવું પડશે. મને એમ કે વરસાદ આવશે. પેલાં ભાઈ કહે આ વાદળ તો જરા લાલાશ પડતું દેખાય છે ને? આ વરસાદ નથી ધૂળનું વાદળ છે. હવે ધૂળનું બવંડર આવશે. અમે બધા જીપમાં ભાગ્યા ગામ તરફ. જીપમાંથી ઊતરીને ઘરમાં ઘૂસીએ તે પહેલા તો ધૂળનો વંટોળિઓ પહોચી ગયો. લગભગ અરધી રાત લગી ફૂંકાતો રહ્યો. ગામ, ઘરો અને રસ્તાઓ બધું ધૂળ ધૂળ, કશું બાકી નહિ. કોઈ જગ્યા બાકી નાં હોય જ્યાં ધૂળ છવાઈ ગઈ નાં હોય. સમગ્ર ભારતમાં આવું એક ધાર્મિક બવંડર છવાઈ ગયું છે. પ્રૉબ્લેમ એ છે કે ધર્મ શું છે તેની કોઈને ખબર નથી.

આઝાદી પહેલાનો સમય સામાજિક સુધારણાનો સમય હતો. ગાંધીજી આફ્રિકાથી આવ્યા તે પહેલા અનેક રાજકીય નેતાઓએ મંચ તૈયાર કરી રાખ્યો હતો. ગાંધીજીની વિચારક્રાંતિએ દેશને એક નવા મોડ પર લાવીને ખડો કરી દીધો હતો. મોટાભાગના નેતાઓ ઇંગ્લૅન્ડ જઈને ભણી આવેલા બૅરિસ્ટર હતા. ગાંધીજીની ધર્મની વ્યાખ્યા જુદી હતી. સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણ જોઇતો સંગ્રહ ના કરવો વગેરે સિદ્ધાંતો નવેસરથી આપ્યા. ગાંધીજી પણ આસ્તિક અને ધાર્મિક જ હતા. પણ મંદિરમાં જઈને પ્રાર્થના કરવાને બદલે એમને હરીજનવાસમાં જઈને પ્રાર્થના કરવાનું વધારે યોગ્ય લાગતું. હરિજનના ઝૂંપડાને મંદિર માની વર્ણ વ્યવસ્થાને તહસનહસ કરી નાખવામાં એમનો મોટો ફાળો રહ્યો છે. એમને માનવમાં ભગવાન દેખાતો હતો તે વાત તો નક્કી હતી. તે સમયે આજના જેટલી અંધશ્રદ્ધા દેખાતી નહોતી. તે સમયે પણ ગુરુઓ તો હશે પણ આજના જેટલા પ્રસિદ્ધ અને કોઈ ઔદ્યોગિક સામ્રાજ્ય જેટલા બળવાન નહોતા જણાતાં. ખોટા રીતરિવાજોમાંથી મુક્ત થવાનો સુધારાનો એક પવન ફૂંકાતો હતો અને તેની અસર મેં પણ નાનપણમાં જોઈએ છે. હું તો આઝાદીના દસ વર્ષ પછી જન્મેલો, પણ સ્કૂલમાં શિક્ષકો નવા સામાજિક સુધારાની વાતો કરતા થાકતા નહિ.

અમારા રાજપૂતોમાં દહેજ અને ચાંલ્લા પ્રથા ચાલતી હતી, હજુ પણ ચાલે જ છે. કોઈ મૃત્યુ પામે તેની પાછળ સગવડ ના હોય છતાં હદ ઉપરાંત જમાડવા વગેરેના ખર્ચ થતા. મરણ પાછળ રોવા ફૂટવાના રિવાજો હતા. મારા પિતાશ્રીએ આ કુરિવાજ દૂર કરવા માણસામાં એમના મિત્રો સાથે સારી એવી ઝુંબેશ ઉઠાવેલી. તે સમયે સ્કૂલમાં શિક્ષકો કોઈ ચમત્કારની વાતો કરતા મેં સાંભળ્યા નથી. લોકો ધાર્મિક હતા પણ આટલી બધી ઘેલછા જોવા ના મળતી. તે સમયે પણ લોકો અંબાજી ચાલતા જતા હશે પણ મને એની જાણ નહોતી કે કોઈ ખાસ પ્રચાર આ વાતનો નહોતો. છેક ૧૯૮૨ પછી મને ખબર પડી કે મૂર્ખાઓની એક જમાત અને તે પણ લાખોની સંખ્યામાં ચાલતા અંબાજી જાય છે. માણસાથી એક સંઘ ચાલતો અંબાજી જતો તે અઠવાડીએ પહોચતો, એક સંઘ પેટલાદથી જતો તેને બીજા મિત્રો અહોભાવથી એક્સપ્રેસ સંઘ કહેતા. એક સંઘ વળી છેક પુનાથી આવતો. માણસાથી એક ભાવુક મિત્રોની નાનકડી ટોળકી તો વળી ત્રણ દિવસમાં ૧૫૦ માઈલ કાપીને અંબાજી પહોચી જતી. આખો દિવસ ચાલવાનું સાંજે કોઈ ધરમશાળામાં કે મંદિરમાં રહેવાનું. સવારે ફાકાફૂકી કરી લેવાની અને સાંજે પાકું જમણ કોઈ ભાવિક ભક્ત તરફથી હોય, બહુ મજા આવી જાય તેવી વાતો સાંભળી અને મિત્રોના આગ્રહથી કે તું ભલે નાં માનતો હોય પણ એકવાર તો આવ, અને હું પણ એકવાર જોડાઈ ગયેલો. ચાલો કંઈક જાણવા,અભ્યાસ કરવા મળશે. વન પરિભ્રમણ, એક ચેઇન્જ અને ચાલવાનો આનંદ ઉઠાવવા ખાસ તો ગયેલો.

એમાં ઘણા મિત્રોને એવી આશા પણ ખરી કે આ બગડેલો નાસ્તિક એ બહાને સુધરી જાય. ફક્ત ત્રણ દિવસમાં પહોચવાવાળી ટુકડી વળી માણસાથી છેક ભાવનગર ખોડિયાર પણ ચાલતી જતી. એક લારીમાં તો પાણી ભરેલા માટલાં પણ સાથે લઈ જતા. કેટલું કષ્ટ આ લોકો વેઠતાં? હું આ લોકોને કાયમ મજાકમાં કહેતો કે જુઓ માતાજીએ માનવને બુદ્ધિ આપી જેથી એણે યંત્રો શોધ્યા, એમ બસો શોધી કાઢી. જેથી માતાજીને એમકે મારા ભક્તો બિચારાં ચાલીને આવે એના બદલે બસમાં બેસીને આવે, પણ તમે મૂર્ખાઓ માતાજીએ આપેલી બુદ્ધિની કદર કરતા નથીને બસો હોવા છતાં ચાલતા જાવ છો, આમ તો એક રીતે માતાજીનું અપમાન કહેવાય. માતાજી વિચારતા હશે કે આ મૂર્ખાઓ નહિ સુધરે. મારી આવી વાતો સાંભળી એ લોકો કહેતા કે તું નહિ સુધરે. આ જન્મે તો સુધરવું નથી અને બીજા જન્મમાં વિશ્વાસ નથી.

આઝાદી સમયે જે નવો સુધારાનો પવન ફૂંકાયો હતો તેનો લાભ લેવાનું સમાજનો એક બહુ મોટો વર્ગ જેને આપણે મધ્યમ વર્ગ કહીએ છીએ તે ચૂકી ગયો છે તેવું આજે લાગે છે. આઝાદી સમયની આસ્તિક અને ધાર્મિક પેઢીને ચીડ ચડે તેટલી હદે આજનો યુગ ધાર્મિક બનતો જાય છે. મને જે જે વયોવૃદ્ધ મિત્રો મળ્યા છે અને મેં આવા મિત્રો સાથે વાતો કરી છે તેમના વાણી વિચારોમાં મને આ ચીડ દેખાઈ છે. હવે તો કહેવાય છે ભાદરવા પૂનમે અંબાજીમાં જાઓ તો મંદિર સુધી પહોચો જ નહિ. ગામની ભાગોળેથી દૂરથી મંદિરની ધજાના દર્શન કરી પાછાં આવવાનું. લાખો કરોડો લોકો જે આવી યાત્રાઓ અંબાજી, ડાકોરની કે ખોડિયારની કરતા હશે તેમાંથી કેટલા જણાએ ગીતા વાંચી હશે? ગીતા ઘરમાં હશે એની નાં નથી, પણ કેટલા મિત્રોએ ગીતાનું અધ્યયન કર્યું હશે? કોઈને ખબર હશે કે લોકમાન્ય તિલકે ગીતા પર ભાષ્ય લખ્યું છે? કે સંત જ્ઞાનેશ્વરની ટિપ્પણી સાથે પણ જ્ઞાનેશ્વરી ગીતા હોય છે? ચાર વેદના નામ આવડતા હશે પણ એકેય વેદનું એકાદ પાનું પણ ખોલ્યું હશે? બ્રાહ્મણ એ ગ્રંથોના નામ છે તે પણ કોને ખબર હશે? શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં પાઈનું માપ (π as 339/108 ≈ 3.139 ) લખેલું છે તે કોને ખબર હશે?

વેદકાળમાં બૃહસ્પતિએ બર્હ્સ્પત્ય દર્શન લખેલું. આજે પ્રાપ્ત નથી, પણ તેમના મતનું ખંડન કરવા માટે સંશયવાદ અને ભૌતિકવાદ જેવા શબ્દો બીજા શાસ્ત્રોમાં વાપરેલા છે. ષડ્દર્શન કોને ખબર હશે? તેમાંનું સાંખ્ય દર્શન કપિલે લખ્યું તે પણ આ યાત્રાળુઓને ખબર નહિ હોય. જૈન, બૌદ્ધ, સાંખ્ય, ચાર્વાક લગભગ ચાર પાંચ વિચારધારાઓ નિરીશ્વરવાદી છે. યોગમાં પણ કોણ ઈશ્વરને ભજે છે? ધર્મની ફિલોસોફીમાં કોને રસ છે? ધર્મ ક્યાંક અટવાઈ ગયો છે. ચાર્વાકને ગાળો દેનારાઓને ખબર નથી કે ચાર્વાક ભારતનો જ હતો અને તે એકલો ઈશ્વરનો ઇનકાર કરનારો નહોતો બીજા ઘણા બધા હતા.

ગુજરાત સમાચારમાં આવેલા એક લેખ પ્રમાણે ઈ.સ. ૨૦૦0ની આસપાસ ભારતમાં શાળાઓની સંખ્યા ૧૫ લાખ, હોસ્પિટલોની સંખ્યા ૭૫,૦૦૦ અને સામે મંદિરોની સંખ્યા ૨૫ લાખ હતી. તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત દર વર્ષે કરોડો લોકો લેતા હોય છે. સામે ભારતની ૧૨૧ કરોડની વસ્તીમાંથી નવી વૈજ્ઞાનિક શોધો ( અનુકરણ વગરની) આંગળીના વેઢે ગણાય તેટલી પણ નથી. ભારતમાં રામ મંદિરો કરતા હનુમાન મંદિરો વધુ છે. ધર્મ અહીં એક મોટો કોર્પોરેટ બિઝનેસ બની ગયો છે અને તે પણ બહુરાષ્ટ્રિય. બાબાઓનો પ્રભાવ વધતો જાય છે. નિત નવા બાબાઓ ફૂટી નીકળે છે. શિરડીવાલે ગુજરી ગયે વર્ષો વીતી ગયા પણ એમના ભક્તોની સંખ્યા વધતી જાય છે. પેકેજ્ડ ટુરની મોટાભાગની ટુર ધાર્મિક હોય છે. કોઈને સૌથી વધુ મંદિર બનાવ્યાના રેકૉર્ડ બનાવવા છે તો કોઈને સૌથી વધુ કથા કરી તેના. આપણી તમામ ટીવી સીરીયલો તર્કવિહીન ચમત્કારની વાતો વડે ભરેલી હોય છે.

આઝાદી સમયે પ્રજામાં એક બળ પેદા થયું હતું, સ્વતંત્ર બનવું હતું. અંગ્રેજો સામે લડવું હતું. એની અસર હશે કે ગમે તે બળ વગર તમે કોઈ નવું સાહસ કરી શકો નહિ. તે સમયે પ્રજામાં એક પ્રચંડ જોમ હતું. સામાજિક સુધારા પણ નવું સાહસ માંગે છે. જેમ જેમ પ્રજા નિર્બળ થતી જાય તેમ ભગવાનમાં વિશ્વાસ વધુ કરતી જતી હોય છે. રિસ્ક કોણ લે? નાખો ભગવાનને માથે. જેમ જેમ પ્રજા આળસુ થતી જાય તેમ ભક્તિભાવ ભગવાન પ્રત્યે વધાતો જવાનો. ભજન ગાઓ, આર્તનાદ કરો ભગવાન આવશે મામેરું ભરી જશે. આપણે તો આ ચાલ્યા ડાકોર તારે મારી નોકરી સાચવવી હોય તો મારે બદલે તું જા સ્કૂલમાં. નિર્બળતા એટલી હદે વધતી જાય કે ક્યાંથી કૃપા મેળવી લઉં? કયા ભગવાન પાસે જાઉં? કયા ગુરુના ચરણ ચાટશું? કોઈ બાકી રહી ના જવો જોઈએ, તો પછી મઝાર તો મઝાર અને દરગાહ તો દરગાહ પણ લાભ મળવો જોઈએ. આ કોઈ ધર્મનિરપેક્ષતા નથી. અહીં તો અજમેર અને તિરુપતિ બંને જગ્યાએ લાભ લેવાનો છે.

આ દેશની ઘોર ખોદી નાખી હોય તો ભક્તિમાર્ગે. પ્રજા માનેલા કહેવાતા ભગવાનના નામે રાસડા લીધે જાય. પ્રર્થાનાઓ અને પૂજા કરતી જાય, આર્તનાદો અને પોકારો પાડતી જ જાય. બધું ભગવાનને માથે નાખો. ગીતા ખાલી લુલા બચાવ કરવા અને કોર્ટમાં સોગંદ ખાવા પૂરતી વાપરીએ છીએ. કર્મ કરો તે મૂળ ગીતાનો સંદેશો તો ભક્તોએ ભૂસી નાખ્યો છે. યોગમાં પણ સાધના કરવી પડે છે, કષ્ટ ઉઠાવવું પડે છે, નિયમો પાળવા પડે છે, આસનો પ્રાણાયામ કરવા પડે છે, ધ્યાન કરવું પડે છે, વર્ષો સુધી ધીરજ ધરવી પડે છે. પછી શું મળે છે તેની મને ખબર નથી. પણ સમથીંગ કરવું તો પડે જ છે. આળસુ ભારતીયોએ લગભગ યોગને વિદાય આપી દીધી. રડ્યાખડ્યાં લોકો યોગ સાધના કરતા હશે. આજે સૌથી વધારે યોગ વિષયક પેટન્ટ અમેરિકા પાસે છે, ભારત પાસે નહિ. અહીં ઘણી બધી કંપનીઓ એમના કર્મચારીઓ સ્ટ્રેસ મુક્ત થઈને કામ કરે માટે માઈન્ડફૂલનેસ મેડીટેશન પ્રોગ્રામ રાખતા હોય છે. બાબા રામદેવ ભગત વધારે, યોગી ઓછા છે. ખાલી આસનો અને પ્રાણાયામ માસ્તર છે કોઈ યોગી જેવા લખ્ખણ દેખાતા નથી. છતાં નિર્મળ બાબા કરતા એમની સભામાં જવું વધારે સારું. એ બહાને જે કસરત શીખાય તે ખરી, શરીરને અને ફેફસાંને ફાયદો થવાનો જ છે. પણ મેં જોયું બાબા રામદેવ આસનો કસરત કરતા હોય ત્યારે જનતા મોઢું વકાસીને ઊભી હોય છે કોઈ ભાગ્યેજ ટ્રાય કરતું હોય છે. જો કે આસનો અઘરા છે એકદમ કરાય નહિ. બહુ પ્રેકટીશ માંગી લે તેવા હોય છે. હું વડોદરા લાલબાગ સ્વીમીંગ પુલમાં પદ્માસન વાળી આરામથી પાણી ઉપર ડેડબોડીની જેમ કલાક સુધી પડી રહેતો, એને પ્લાવની પ્રાણાયામ કહેવાય. જો કે આમાં કોઈ મહેનત કરવી પડતી નથી, અનુભવે શીખી જવાય. મેડીટેશન ઉપર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે. નિયમિત મેડીટેશન કરતા લોકોના બ્રેઈનના તર્ક, ગણિત વિભાગના ગ્રે મૅટરમાં વધારો નોંધાયો છે, મતલબ લાગણીઓ અને કલ્પનાઓ ઉપર બુદ્ધિનો કાબૂ. નકારાત્મક લાગણીઓ જેવી કે ડર, ફોબિઆ, નિરાશા માટે કારણભૂત એવા બ્રેઈન વિભાગ પર મેડીટેશન કરીને હકારાત્મક લાગણીઓ જેવી કે પ્રેમ, કરુણા, મુદિતા, મૈત્રી દ્વારા કાબૂ મેળવી શકાય છે. પણ આ બધું કરે કોણ? કરવું તો મરવું બરોબર છે. માટે આપણે તો ભજન સારા, “મારી હૂંડી સ્વીકારો મા’ રાજ રે શામળા ગિરધારી”. સાથે સાથે રશ્મીભાઈ કહે છે તેમ ‘ પરધન નવ ઝાલે હાથ રે’ તે પણ ગાવાનું.

ઘેલછા જેવી ધાર્મિક ક્રિયાઓ વધતી જાય છે. હમણાં કોઈ જગ્યાએ સવા કરોડ લાડુ યજ્ઞમાં બાળી નાખ્યા. અલ્યા આટલાં લાડવા ગરીબોને ખવડાવ્યા હોત તો તમારો કહેવાતો ભગવાન રાજી થાત. ખરેખર શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કરેલો તેમાં જે તે અશ્વ એટલે ઘોડાનું બલિદાન એનો વધ કરીને અપાતું. હવે યજ્ઞોની જરૂર જ નથી ત્યાં નવી વ્યાખ્યાઓ કરવાની કોઈ જરૂર નથી છતાં ગાયત્રી પરિવાર અશ્વમેઘ યજ્ઞો યોજે છે જેમાં અશ્વની કોઈ હાજરી હોતી નથી, જરૂરી પણ નથી. ચપટી હવન સામગ્રી હોમવાથી જાણે સ્વર્ગ મળી જવાનું હોય તેમ હું રહી જઈશ તો? ન્યાયે ૨૨ જણા ભાગદોડમાં કચડાઈને મરી ગયા. ગાયત્રી પરિવાર જેવી ઇન્ટરનેશનલ ઔદ્યોગિક સંસ્થા ઉપર તપાસ પણ કોણ કરે? ડોલરમાં કમાણી ગુમાવવી પાલવે? અહીં અમારા પીસ્કાટાવે, ન્યુ જર્સીમાં પણ ગાયત્રી પરિવારનું મંદિર ખૂલી ગયું છે.

આમ ભક્તિ મુવમેન્ટે આ દેશની પત્તર ઝીંકી નાખી છે. તર્કનું તો નામ નિશાન રહેવા દીધું નથી. આપણાં મહાન કહેવાતા એવૉર્ડ વિજેતા ફિલોસોફર્સના તર્ક વાંચીને ઍટેક આવી જાય તેવું હોય છે. મિત્ર હિંમતભાઈ પટેલ દ્વારા જાણ્યું કે ભારતને આઝાદી ભગવાને અપાવી તે તર્ક તો પાંડુરંગ દાદાનો છે જાણી મને હળવો ઍટેક આવી ગયેલો. ફરી પાછાં શિરીષ દવે સાહેબ કહે વાલીનો વધ વાજબી હતો કે વાનર શાખા મૃગ કહેવાય આ તર્ક પણ દાદાનો છે જાણીને ફરી ઍટેક આવતા રહી ગયો. હવે ઍટેક પ્રૂફ બનવું પડશે. હવે આવા તર્ક જાણવા મળે તો નુસરત ફતેહઅલીનું ગીત ગાવાનું, ‘આફરીન આફરીન!!!’ આપણ ભારતીયોને લોજિક બ્લાઈંડ બનાવવામાં ભક્તિમાર્ગનો મહત્વનો ફાળો રહ્યો છે. જૈન દર્શન ખરેખર નિરીશ્વરવાદી છે. મહાવીર કોઈ ભક્તિમાર્ગના પ્રણેતા નહોતા. નથી એમણે કોઈ દેરાસર બંધાવ્યા નથી કદી કોઈ પ્રાર્થના કરી. પણ આજે જૈનોને ભજન ગાતા સાંભળી મહાવીર આવે તો એમને પણ ગુસ્સો આવે. મહાવીરના હાથમાં કેસર ચંદનની થાળી અને સફેદ રેશમી વસ્ત્ર કલ્પના આવે ખરી? કોઈ કર્મકાંડ પૂજાવિધિ મહાવીરે આવા આદેશો ક્યારે આપેલા? એક ગજબની ફિલોસોફી એક અદ્ભુત તત્વજ્ઞાન જૈનોના પૂજાપાઠ, કેસર ચંદન, ભવ્ય સફેદ આરસના મંદિરો અને સફેદ વસ્ત્રોમાં ભુલાતું જાય છે. ડરપોક માનસ ભગવાનમાં માન્યા વગર રહી શકતું નથી. અસલ ધર્મને જડમૂળથી બદલી નાખે છે. કોઈ બળવાન મક્કમ મનવાળી પ્રજાના હાથમાં આ નિરીશ્વરવાદી ધર્મ પડ્યો હોત તો?

ધાર્મિકતાનો આ વંટોળિઓ ફેલાતો જોઇને ગર્વ લેવા જેવી બાબત નથી, પ્રજા ઓર કમજોર પડતી જાય છે. જેમ જેમ પ્રજા કમજોર પડતી જવાની તેમ વળી આ ધર્મ ઘેલછાઓ ઓર વધતી જવાની. કમજોર લોકો ભગવાનની મદદની અને આળસુ લોકો ચમત્કારની આશા રાખતા હોય છે. એટલે કહેવાનું મન થાય છે કે ‘ ભગતડા છોડો મારો દેશ રે.’

રણછોડે રૂપ ધર્યું માનવીનું:

વડોદરા પાસેના છાણી ગામના સ્વ.મનસુખ માસ્તર ડાકોરના રણછોડરાયના ખાસ ભગત. દર પૂનમે ડાકોર જવાનું. શાળામાં દર પૂનમે રવિવાર હોય નહિ તો પણ ડાકોર જવાનું એટલે જવાનું. માસ્તર સ્વભાવે બહુ સારા હતા, વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમના વિરોધીઓએ એમને નીચા પાડવાના કાવતરા કર્યા કરતા. શિક્ષણ અધિકારીઓને ચેકિંગ માટે બોલાવતા પણ માસ્તરની સારી વર્તણૂક અને લોકપ્રિયતા જોઈ અધિકારીઓ દર વખતે એમનો બેપાંચ રૂપિયા પગાર વધારીને જતા રહેતા. છેવટે એક પૂનમે માસ્તર શાળા ચાલુ હતી છતાં ડાકોર પહોચી ગયા, અને અગાઉ ઘડી કાઢેલી યોજના એમના દુશ્મનોએ શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા બોલાવી લીધેલાં.

આ બાજુ માસ્તર તો ડાકોરમાં હતા. એમને આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ દેખાયું નહિ. બીજી બાજુ રણછોડરાયને ચિંતા થઈ કે મારા ભગતની નોકરી આજે જવાની, તો માસ્તરનું રૂપ લઈને શાળામાં આવી ગયા. અહીં શિક્ષણ અધિકારીઓ સાથે વાતો કરી. વિરોધીઓ નવાઈ પામ્યા કે માસ્તર તો ડાકોર હતા અને અહીં કઈ રીતે હાજર? અધિકારીઓ પાંચ રૂપિયા પગાર વધારી સ્ટેશને જવા રવાના થયા. અહીં સ્ટેશને મૂળ મનસુખ માસ્તર ટ્રેનમાંથી નીચે ઊતર્યા, સામે ટ્રેનમાં બેસવા આવેલા શિક્ષણ અધિકારીને જોઇને પગે પડી ગયા કે માફ કરો. અહીં બધાને નવાઈ લાગી કે માસ્તર તો શાળામાં હતા, અહીં ટ્રેઇનમાંથી આ કોણ ઊતર્યું? માસ્તર બોલી ઊઠ્યા કે હવે સમજ્યો કે આજે મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું? એનું કારણ એ હતું કે રણછોડરાય માસ્તર બનીને અહીં શાળામાં આવી ગયેલા. છાણી ગામમાં સ્વ. મનસુખ માસ્તરનું સ્મારક આજે ઊભું છે.

ઉપરની વાર્તા વાંચીને કેવું લાગ્યું પ્યારાં મિત્રો? મને તો વાર્તા મનઘડંત લાગી.

૧) મૂર્તિમાં આવું તેજ હોય ખરું જે નરી આંખે દેખાય?

૨) ભગવાન શું મૂર્તિમાં જ સમાયેલો હોય છે?

૩) મૂર્તિમાંથી બહાર નીકળી ભગવાન માસ્તરનું રૂપ લઈને શાળામાં હાજરી આપે ખરો?

૪) આવા તો કેટલા મૂરખ ભક્તો ભગવાને પાળી રાખ્યા હશે? કે એમના રૂપ ડગલે ને પગલે લેવા પડતા હશે? બીજો કોઈ કામધંધો છે ખરો? આ જગત ચલાવવાનું છે કે નહિ?

૫) શિક્ષણ અધિકારીઓ આમ ચેકિંગ વખતે આવીને સારી કામગીરી બદલ પગાર વધારી શકે ખરા?

૬) ઘણી વાર સંજોગો અચાનક એવા બને કે નોકરી પર જઈ શકાય નહિ. માસ્તર સ્કૂલમાં આવે નહિ, અચાનક રજા પાડી દેતો હેડ માસ્તર શું કરે? એમની રજા મૂકી દે કે નહિ?

૭) પૂનમે શાળામાં રજા મૂકીને જવાય કે નહિ? ચાલુ શાળાએ જ જવું પડે તેવું ખરું?

પ્રશ્નો પૂછીએ તો અગણિત પ્રશ્નો ઉભા થાય તેમ છે. કે પછી ભલા ભોળા માસ્તરની દર પૂનમે ડાકોર જવાની ટેવને ચમત્કારમાં પરિવર્તિત કરવામાં આવી છે? કે પછી આખી વાર્તા જ બનાવટી છે? આ વાર્તા રીડ ગુજરાતીમાં આવેલી તેવું એક મિત્રનું કહેવું છે. મને રીડગુજરાતીમાં મળી નહિ. તેઓએ લીંક આપી પણ ખૂલી નહિ.

ભાદર ડેમ પર ૨૦૦૬મા મોરારીબાપુએ દેવીપૂજક સમાજની અંધશ્રદ્ધા દૂર કરવા કથા કરેલી. ડાકલા પણ વગાડેલા, ભૂતપ્રેત, મેલડી(મહાકાળી) ભૂલી જાઓ. ઉપરોક્ત મનસુખ માસ્તરની ચમત્કારિક વાર્તા મોરારીબાપુએ ભાદર ડેમ કથામાં કહેલી તેવું પેલાં મિત્રનું કહેવું છે. બીજા એક મિત્રે કહ્યું કે આ વાર્તા તો બાપુ કાયમ એમની કથાઓમાં કહેતા હોય છે. મિત્ર શ્રી અરવિંદ બારોટના કહેવા મુજબ મેલડી મહાકાલી હોય અને માતાજીની વરાડી સામવેદની ઋચાઓ હોય, ડાકલું સૃષ્ટિનું આદ્ય વાદ્ય હોય જેને ભગવાન શંકરે વગાડેલું, તો આ પુરાણી સંસ્કૃતિ જાળવી રાખવા બદલ દેવીપૂજક સમાજનું બહુમાન કરવું જોઈએ કે નહિ? ડાકલા અને વરાડી કે વરેડી ઉપર રિસર્ચ કરવું જોઈએ, સરકારે આવું ઋચા ગાન, સામગાન જાળવી રાખવા બદલ દેવીપૂજક સમાજને ઇનામો આપવા જોઈએ કે નહિ?

આપણે સમજીએ છીએ કે ઈશ્વર, ભગવાન, ગુરુ અને ધાર્મિક ગ્રંથો જેવા કહેવાતા ઊંચા તત્વોમાં અફર વિશ્વાસ રાખવો તે શ્રદ્ધા, અને ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ, જાદુટોનામાં વિશ્વાસ રાખવો તે અંધશ્રદ્ધા. ભગવાનને શીરો ધરાવો કે ભૂતને બાકળા મનોદશા બંનેની સરખી જ છે. પણ એક કહેવાય શ્રદ્ધા અને બીજું કહેવાય અંધશ્રદ્ધા. આપણે આદિવાસીઓ અને પછાત વર્ગના, ગરીબ વર્ગના લોકોની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. ઊંચા અને ઊજળા પૈસાદાર શિક્ષિત વર્ગના લોકોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. કોઈ ગરીબનું કામ એના માનેલા માતાજી કરે તો અંધશ્રદ્ધા અને મનસુખ માસ્તરનું કામ રણછોડ કરી જાય તો શ્રદ્ધા.

શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નહિ. અંધશ્રદ્ધામાં શ્રદ્ધા સમાઈ જાય છે. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે તેવું કહીને એક શિક્ષક મિત્ર આ મનસુખભાઈની વાર્તાનો ખૂબ પ્રચાર કરતા હોય છે. મોરારીબાપુ પણ એક શિક્ષક છે. જે દેશના શિક્ષકો આવું અવૈજ્ઞાનિક મનઘડંત બુદ્ધીવગરની માન્યતાઓ ધરાવતા હોય ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષા રાખીશું?

અખાથી ઓશો સુધી, નસ્તરની પીડા:

અખાથી ઓશો સુધી ઘણા બધા એ ધાર્મિક ભ્રષ્ટાચાર અને પાખંડની ખૂબ ભર્ત્સના કરી છે. ધાર્મિક પાખંડ વિરુદ્ધ બોલ્યા તો ખલાસ. જાતજાતના બહાના એને રોકવાના થવાના. કે બૌદ્ધિક લોકોને કોઈ વિષય જડતો નથી, કે નેગેટિવ જ બધું દેખાય છે, કે પોજીટીવ અને સારું છે ધર્મોમાં તે દેખાતું નથી, કે લોકોને વારંવાર આવી હીન વસ્તુઓ બતાવી બતાવી વધારે હીન બનાવો છો, કે હીનતાની ગ્રંથી કાયમ બંધાઈ જાય, વગેરે વગેરે.

આ દેશમાં બીમારને બીમાર ના કહેવાય, બીમારી વધી જાય. એક પહેલાવાનજી હતા. પગમાં કશું વાગ્યું હશે, ધ્યાન નહિ આપ્યું હોય, ગેન્ગ્રીન થઈ ગયેલું. કોઈએ કહ્યું કે આ પાકેલું મટતું નથી જરા કોઈ ડૉક્ટરને બતાવો.તો કહે તમને નેગેટિવ જ સૂજે છે. જુઓ મારા બાઈસેપ્સ કેટલા મજબૂત છે. કોઈ મિત્રે કહ્યું કે તમે મજબૂત છો પણ શક્ય હોય કે વારસાગત મધુપ્રમેહ થયો હોઈ શકે કે પાકેલું મટતું નથી.જરા તપાસ કરવો. તો કહે જરા પોજીટીવ વિચારો મારું હાર્ટ જુઓ કેટલું મજબૂત છે કોઈ કોલેસ્ટેરોલ જરા પણ નથી. ચેસ્ટ જુઓ, સોલ્ડર જુઓ, જે ખરાબ છે તે જ તમને દેખાય છે. સારું કેમ દેખાતું નથી? છેવટે કાયમ પોજીટીવ અને સારી વસ્તુઓ જોવાવાળા પહેલાવાનજી એમની બીમારી જોઈ શક્યા નહિ, બીમારીને બીમારી માની શક્યા નહિ અને ગેન્ગ્રીન વધી ગયું, પગ કપાવવો પડ્યો અને લંગડા થઈ ગયા.

ભારતને એની બીમારીઓ બતાવવાની કોશિશ ઘણા બધાએ કરી પણ એને અવગણીને ભારત લંગડું બની ગયું. દેશ આઠસો,નવસો વર્ષ ગુલામ રહ્યો, પણ હજુએ આંખો ખૂલતી નથી, કે બીમારીનું કારણ જડતું નથી, કે બીમારીને બીમારી સમજતા નથી, કે બીમારીને જોવા માટે દ્રષ્ટિ નથી, કે સમજ્યા છતાં શાહમૃગ વૃત્તિ કેળવી છે? આજ માનસિકતાએ હમણાં સુધી કોઈ બીમાર માણસને ડોક્ટર્સ એનો ગંભીર રોગ હોય તો કહેતા નહિ,સગા સંબંધીઓ પણ કહેતા નહિ. દર્દીના કોઈ સગાને જરા ‘બાહર આઇએ કુછ બાત કરની હૈ’ એવા સંવાદો અને દ્રશ્યો આજે પણ ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં દેખાય છે.બીમારને ખબર હોવી જોઈએ કે શું રોગ એને થયો છે.ક્યાં સુધી સત્યથી આંખમિચોલી ખેલવાની?

અખાએ પાખંડની ખૂબ ઝાટકણી કાઢેલી. દયાનંદ સરસ્વતીએ અનેક સંપ્રદાયો સાથે સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયોના પાખંડ ખુલ્લા પાડેલા, એમાં એમનો જીવ ગયો. ઓશો જરાપણ શરમ કે શેહ રાખ્યા વગર કોઈને છોડતા નહિ. શું આ બધા હીનતાની ગ્રંથી વધારવાનું કામ કરતા હતા? કાયમ સારપની વાતો કરી કરીને લોકો સારા બની જાય છે? એવી વાતો અને ઉપદેશ તો કાયમ સંતો સાધુઓ, કથાકારો કાયમ કરતા જ આવ્યા છે ને? શું ભારત સદાચારી બની ગયું છે? સૌથી ભ્રષ્ટ પ્રજાનો ઓસ્કાર એવૉર્ડ કેમ મળી ગયો? સાધુ સંતોની અઢળક મહેનત છતાં? મજબૂત છું,મજબૂત છું એવું વિચારવા માત્રથી શું મજબૂત બની જવાય ખરું? કે ડમ્બેલ્સ હાથમાં લેવા પડે કે નહિ? તમે સિંહ છો, સિંહ છો એવું કહેવા માત્રથી શું સિંહ બની જવાય? સિંહ જેવા હોત તો ભારતની વસ્તી આટલી બધી હોત ખરી? સિંહોનાં ટોળા હોય ખરા? પણ આપણે ઘેટાં છીએ તેવું કબૂલવા મન થતું નથી.

ઓશોને મેં ખૂબ વાંચ્યા અને સાંભળ્યા છે, પણ તેઓ આત્મા,પરમાત્મા અને પુનર્જન્મ વેગેરેમાં માનતા હતા, હું માની શકતો નથી. સમયે સમયે પાખંડ અને ધાર્મિક ભ્રષ્ટાચારને વખોડતા જ રહેવું પડતું હોય છે. એમાં રિપીટેશન પણ થયા કરતું હોય છે. નવા લોકો દર વર્ષે જન્મતા હોય છે મોટા થતા જતા હોય છે. બીમારીઓ જણાવતા રહેવું પડતું હોય છે. અખો, દયાનંદ, ઓશો, સચ્ચિદાનંદ જેવા સંતો, સુબોધ શાહ, રમણ પાઠક, વલ્લભ ઈટાલીયા, રશ્મીકાંત દેસાઈ, મુરજી ગડા, દિનેશ પંચાલ, દીપક ધોળકિયા જેવા અનેક નામી અનામી મહાનુભવો સમયાન્તરે પાખંડને વખોડતા રહેતા જ હોય છે. બીમારીઓ પ્રત્યે દ્રષ્ટિ સૂચન કરતા જ રહેતા હોય છે. આ બધા કોઈ ભગવા કપડાધારી નથી હોતા. જોકે ભગવા કપડા પહેરીને કહેવામાં ભારતીય માનસિકતા મુજબ અસર વધુ પડે, પણ તેવી કાયમ જરૂર હોય નહિ. અને બધા કોઈ મહાન ડિગ્રીધારી હોય તેવું પણ જરૂરી નથી. તેમ બધા નાસ્તિક હોય તેવું પણ જરૂરી નથી. જરૂર છે નવા દ્રષ્ટિકોણની. ઓશો ફિલોસોફીના પ્રોફેસર હતા, પણ મનોવિજ્ઞાન વિશેનું એમનું જ્ઞાન અદ્ભુત હતું. આજના ન્યુરોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ માટે પ્રિય એવા બુદ્ધ કઈ કૉલેજમાં ભણવા ગયેલા? બીલ ગેટ્સ, ફેસબુકના ઝુકરબર્ગ કૉલેજ અધુરી છોડી દીધેલા જીનીયસ છે. એપલ, આઈપોડ, આઈફોન, આઈપેડ નામ કોણે નહિ સાંભળ્યા હોય? એપલ કંપનીના માલિક ૫૬ વર્ષના વિઝનરી જીનીયસ સ્ટીવ જૉબ,પેન્ક્રિયાટીક કેન્સરના કારણે મૃત્યુ પામ્યા તેઓ પણ કૉલેજ અધુરી છોડી દેનારા મહાનુભાવ હતા. જ્ઞાનની ભૂખ કોઈ કૉલેજની ડિગ્રીમાં સીમિત બંધાઈને રહેતી નથી હોતી.

મૂળ વાત એ છે કે ગૂમડા ઉપર નસ્તર મૂકવાથી પીડા થાય છે. બીજી વાત એ છે કે આપણી બીમારીઓ લોકો જાણી જાય અને નીચું પડી જાય છે. જાતજાતની મહાનતાના ગૂમડા આપણે પાળીને મોટા કરી રાખ્યા છે તે એક ગૂમડું છે તેવું માનવા મન કબૂલ કરતું નથી. હમણાં એક મિત્રે દશેરા નિમિત્તે આવું મહાનતાનું બણગું ફૂંક્યું કે આ એક જ દેશ એવો છે કે જે શસ્ત્રોની પૂજા કરે છે. અને પોતાના સ્વાર્થ ખાતર બીજા કોઈ ઉપર એનો ઉપયોગ કર્યો નથી. લોકોએ વાહ વાહ કરી નાખી. વિચારશીલ મિત્રોએ પણ વાહ વાહ કરી. આપણે ફક્ત એક સ્ટેપ આગળ વિચારતા નથી, સીધી વાહ વાહ? મેં પ્રતિભાવ આપ્યો કે શસ્ત્રોની પૂજા કરનારો દેશ ૯૦૦ વર્ષ ગુલામ કેમ રહ્યો? સ્વબચાવ એ પણ પોતાનો સ્વાર્થ થયો માટે શસ્ત્રો નહિ વાપર્યા હોય કે શું?

આ સાંસ્કૃતિક ગૂમડાઓને રોગ સમજવાની પ્રમાણિકતા આપણે ગુમાવી ચૂક્યા છીએ.

આપણે ધાર્મિક છીએ નૈતિક નહીં:

સમૂહમાં રહેવાથી સર્વાઈવ સારી રીતે સહેલાઈથી થવાય છે તેવું શીખ્યા પછી સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામ્યા. અને સમૂહમાં રહેવું હોય તો આખા સમૂહની વ્યવસ્થા સારી રીતે ચાલે માટે અમુક નિયમો સ્વયંભુ પાળવા પડે. નીતિ નિયમો શું છે? કે સમાજ વ્યવસ્થા સારી રીતે ચાલે માટે આપણે સ્વયં અપનાવેલા નિયમો છે. એક સાદો દાખલો આપું તો ચોરી કરવાથી સમૂહની વ્યવસ્થા જોખમાય છે માટે ચોરી નાં કરવી એ નીતિમત્તા બની ગઈ. દાખલા તરીકે સમૂહની કોઈ સેવા કે વ્યવસ્થાનું કામ તમે સંભાળતા હોવ અને તેના બદલામાં તમને પૂરતું મહેનતાણું મળતું હોય છે, એટલે તમારી ફરજ હોવા છતાં તમે એવું કામ કરવા માટે વધારાના પૈસા લો તો અયોગ્ય ગણાય. એટલે લાંચ લેવી અનૈતિક ગણાય. કોઈને છેતરીએ તે માનવી પણ સમૂહનો જ સભ્ય હોવાથી સમૂહની વ્યવસ્થા જોખમાય જ છે માટે છેતરવું અનૈતિક ગણાય છે. આમ નીતિનિયમો અલગ વસ્તુ છે. નીતિનિયમો સમૂહમાં વસતા તમામ માનવો માટે લાભદાયી હોવાથી માનવતાવાદી કહેવાય.

ધર્મોની શરૂઆત થઈ છે ભયમાંથી. પ્રાણીઓ પાસે લિમ્બિક સિસ્ટિમ મતલબ કહેવાતું નાનું મગજ મોટું છે અને કોર્ટેક્સ મતલબ વિચારશીલ મગજ નાનું છે. માટે તેઓ લિમ્બિક સિસ્ટિમ કહે તેમ જીવતા હોય છે વિચારવાનું બહુ હોતું નથી. માનવી પાસે કરોડો વરસથી સર્વાઈવલ માટે વિકસેલી મજબૂત લિમ્બિક સિસ્ટિમ(નાનું મગજ) છે તો સાથે સાથે ખૂબ વિચારે તેવું કોર્ટેક્સ મોટું મગજ પણ છે. વરસાદ, વાવાઝોડા, સુનામી, ભૂકંપ, જ્વાળામુખી જેવા સર્વનાશી નિયમો સમજાતા નહોતા. તો સમૂહનો લીડર પણ ખૂબ ગુસ્સે થતો ત્યારે અને ખૂબ બળવાન હોવાથી સમૂહના બીજા સભ્યોને ખૂબ હેરાન પરેશાન કરી મૂકતો, સજાઓ આપતો સાથે સાથે સમૂહના સભ્યોનું શોષણ પણ કરતો. આજ માનસિકતાએ ઉપરથી વરસતા વરસાદ એના લીધે આવતા સર્વનાશી પુર, વાવાઝોડા, ભૂકંપ જેવાં અજ્ઞાત નિયમોનું કોઈ અજ્ઞાત શક્તિ સંચાલન કરતી હશે તેવું માની જેમ સમૂહના લીડરને શરણે થઈ જવામાં શ્રેય હતું તેમ અજ્ઞાત શક્તિને શરણે થઈ જાઓ. એમાંથી પેદા થઈ ભગવાનની કલ્પના. અને મોટા મગજે શરુ કર્યું વ્યાખ્યાઓ કરવાનું. પછી શરુ થયું સમૂહના લીડરની જેમ એને રીઝવવાનું. ધરાવો ભોગ, આપો બલિદાન. પ્રાચીન સંસ્કૃતિઓ તો પશુઓ સાથે માનવ બલિદાનો પણ આપતી માનેલા ભગવાનને રીઝવવા. પશુઓના બલિદાન આપતા ય ફેર નથી પડતો તો આપો માનવ બલિદાન. મોટાભાગના હિન્દુઓએ તો બલિદાન આપવાનું બંધ કર્યું પણ હજુ બીજા લોકોની ફાટે છે તે બંધ કરતાં, ક્યાંક નારાજ થઈ જાય તો?

એમાંથી પેદા થયા જાતજાતના ધાર્મિક કર્મકાંડ. તો અમુક હોશિયાર લોકોએ એને બનાવી દીધો બિઝનેસ. આમ ધાર્મિક રીતરિવાજો કર્મકાંડ અને નૈતિકતા અલગ પડી જાય છે. ધર્મોના થોથાંમાં ભલે નૈતિકતાનો વાતો લખી હોય પણ આચરણમાં હોતી નથી. ધાર્મિક હોવું એટલે નૈતિક હોવું જરૂરી નથી. મેમલ બ્રેન એટલે કે લિમ્બિક સિસ્ટિમ એટલે કે નાનું મગજ સર્વાઈવલ માટે માર્ગદર્શન આપવા વિકસેલું છે, માર્ગદર્શન શું આપે સીધો અમલ જ કરાવે છે. એની આડે કોઈ કહેવાતા નીતિ નિયમો આવે તો ગાંઠતું નથી. મોટું બ્રેન વિચારશીલ હોવાથી અને તેની પાસે શબ્દોની ભાષા હોવાથી વ્યાખ્યાઓ કરે રાખે છે. એમાંથી પેદા થઈ ફિલોસફી. આમ ધર્મો, ભગવાન, સ્વર્ગ નરક, લોક પરલોક બધું લિમ્બિક સિસ્ટિમ અને મોટા વિચારશીલ મગજ બંનેની સહિયારી ઊપજ હોવા છતાં એનો મુખ્ય આધાર લિમ્બિક સિસ્ટિમ છે. જ્યારે નૈતિકતા, નીતિ નિયમો પણ બંનેની સહિયારી ઊપજ હોવા છતાં મોટા વિચારશીલ મગજ ઉપર વધુ આધારિત છે. હવે સર્વાઈવલ માટે વિકસેલી લિમ્બિક સિસ્ટિમ પાસે કોઈ શબ્દોની ભાષા જ નથી એની ભાષા છે ન્ય્રુરોકેમિકલ્સ. તો એ જે કરાવે તેની વ્યાખ્યા કરવી કે એને વાજબી કોઈ પણ હિસાબે ઠરાવવાનું કામ કરશે મોટું મગજ કોર્ટેક્સ જેની પાસે શબ્દો છે.

આપણા ષડ્દર્શન જુઓ, એમાં ઈશ્વર બહુ પાછળથી ઉત્તર મીમાંસાથી ઘૂસ્યો છે. જ્યારે યુરોપ ડાર્ક એજ-અંધકાર યુગમાં જીવતું હતું ત્યારે ભારતના બુદ્ધિજીવી આર્યો પાસે ફીલોસફીની છ છ સ્કૂલ્સ હતી. આ બધું વિચારશીલ કોર્ટેક્સનું કામ હતું. પણ પછી આવ્યો ભક્તિમાર્ગ ટોટલ સબમીશન અને તે લિમ્બિક સિસ્ટમનું કામ છે. કે સર્વાઈવલ માટે થ્રેટ અનુભવો એટલે પહેલા બે રિસ્પૉન્સ એક તો સામે થઈને લડો મતલબ ફાઈટ અથવા ભાગો ફ્લાઇટ. ફ્લાઈટના બે પ્રકાર છે એક તો દમ હોય તો બહુ દૂર ભાગી જાઓ અથવા શરણે થઈ જાઓ. જમીન પર આળોટી પડો. કહી દો હું તારી ગાય છું. તારા શરણે છું તું જે કહીશ તે કરીશ. તમે શેરીમાં કૂતરાને લડતા જોયા છે? બળવાન ડાઘિયા કૂતરા સામે નબળું કૂતરું આળોટી પડે છે. જમીન પર લોટી જાય છે. પૂછડી પટપટાવતો શરણે થઈ જાય છે. આ આળોટી પડેલા કૂતરા અને આપણા અજ્ઞાત શક્તિને શરણે થઈ ચૂકેલા ભક્તિમાર્ગને વરેલા ભક્તોમાં કોઈ ફરક નથી. બંનેની બ્રેન સર્કિટ સરખી જ છે. હવે અજ્ઞાત શક્તિ આગળ અમથાં અમથાં નમવામાં મજા નો આવે તો બનાવો એના પ્રતીક, બનાવો એની મૂર્તિઓ.

સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા પ્રાણીઓ લીડરને અનુસરવા, લીડરની ખુશામત કરવા, લીડરને ખુશ કરવા ટેવાયેલા જ હોય છે. આપણો અજ્ઞાત ભગવાન પણ આ લીડરની પ્રતિકૃતિ જ છે. બસ એને ખુશ કરવાના તમામ કર્મકાંડ એટલે ધર્મો. એટલે ધર્મો નૈતિકતાની વાતો કરશે પણ અમલમાં મૂકશે જ્યારે સર્વાઈવલ માટે જરૂર પડે ત્યારે જ. હવે ભાઈઓને મારવામાં કોઈ નૈતિકતા નહોતી પણ સર્વાઈવલ માટે ભાઈઓને મારવા જરૂરી હતા તો તેને વાજબી ઠરાવવા ફિલોસોફી રચાઈ તેનું નામ ગીતા. પણ અર્જુનનું કોર્ટેક્સ જરા વધુ કામ કરતું હતું એટલે એણે સવાલ પર સવાલ ઉઠાવ્યા. તો કૃષ્ણ પણ ઓછી માયા નહોતી ઉત્તર આપે જ રાખ્યા અને છેવટે કશું નાં ચાલ્યું તો કહી દીધું કે સંશયાત્મા વિનશ્યતી અને મામેકં શરણં વ્રજ. હું તારો મિત્ર છું, શુભેચ્છક છું તારું ભલું ઈચ્છું છું હવે શંકા કરીશ નહિ મારી શરણમાં આવી આજ હું કહું તેમ જ કર. અર્જુન એલ્ફા નર આગળ આળોટી પડ્યો. પ્રભુ તમે તો મહાન છો વિશ્વરૂપ છો હું હવે તમારી શરણે. અસલ જૈનો પાસે અનેકાંતવાદ છે સ્યાદ્વાદ છે, એક સત્ય સાત જુદા જુદા પ્રકારે કહી શકાય છે તેવું કોર્ટેક્સ છે. એટલે એમને મેમલ બ્રેન દ્વારા સર્વાઈવલ માટે કરાતી ભાઈઓની હત્યા ગળે ઊતરી નહિ અને કૃષ્ણને નાખ્યા સાતમાં નરકમાં. અમસ્તાં નથી નાખ્યા. હાલના જૈનોની વાત નો કરશો.

એટલે એક બહુ મોટી ગેરસમજ છે કે ધર્મો વગર ચાલે જ નહિ.

ધર્મો નહિ હોય તો કોઈ નીતિમતા જ નહિ રહે. ધર્મો નહિ હોય તો દુનિયામાં કોઈ શિસ્ત કે વ્યવસ્થા જ નહિ રહે. દુનિયા રસાતાળ જશે. ધર્મો છે તો દુનિયા ટકી રહી છે, નહિ તો બધા એકબીજાને મારી નાખશે.

હજારો વર્ષોથી ધર્મો છે આ દુનિયા ઉપર. કોઈ શાંતિ દેખાય છે ખરી? કોઈ નીતિમત્તા દેખાય છે ખરી? માનવ સંહાર બંધ થયો છે ખરો? જૂનામાં જુનો ધર્મ હિંદુ. હજારો વર્ષથી ભારત ધાર્મિક છે. હજાર વર્ષ ભારત ગુલામ રહ્યું છે. શું ગુલામ રહેવું પોતાનું કોઈ અસ્તિત્વ ના હોવું તે ધર્મો શીખવે છે? ભારતમાં કોઈ શિસ્ત છે ખરી? ચાલો બીજા દેશોમાં બાઈબલ પર હાથ મૂકીને શપથ લે છે અને ભારતમાં બિનસાંપ્રદાયિકતાના નામે શપથ લેવાય છે. તો ભારત ખરા અર્થમાં બિનસાંપ્રદાયિક છે ખરું? કે ખાલી શપથ જ લઈએ છીએ? આપણે કઈ નીતિમત્તાની વાતો કરીએ છીએ? દ્રૌપદીને ભરી સભામાં જુગારમાં મૂકનાર ધર્મરાજ તો હતા. અને ધર્મના ઠેકેદાર ભીષ્મ અને ગુરુ દ્રોણ તો હાજર હતા એને નગ્ન જોવા માટે. વિકર્ણ નામના યુવાને સામે બોલવાની હિંમત કરી હતી, તો આ ઘરડા ખૂસટ સભા છોડી જઈ શક્ય હોત. શું આ નીતિમત્તા હતી?

એક રેલવેના ડબામાં સળગીને બફાઈ ચૂકેલી લાશો જોઈ ને તમારી આંખમાંથી આશું નહિ આવે જો એ જોનારા તમે મુસલમાન હશો તો, અને એક પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી લાકડાના કબાટમાં જીવતી શેકાઈ જાય છે, ત્યારે એ રોસ્ટેડ લાશ જોઇને તમારી આંખોમાંથી આશુ નહિ આવે જો તમે હિંદુ હશો તો.. ધર્મો શીખવે છે લાગણી વિહીનતા. કોઈ પણ એક ધર્મના માણસ ને બીજા ધર્મના માણસ પ્રત્યે ઘૃણા જ રહેવાની. ધર્મોની સુફીયાણી વાતો ફક્ત થોથામાં જ સારી હોય છે, અમલમાં નહિ. પાળતું કોઈ નથી, શીખવતું કોઈ નથી. નહિ તો પછી ગુરુજનો ભૂખે મરે.

ધર્મો શીખવે છે બીજા ધર્મો પાળનાર પ્રત્યે ઘૃણા. તમે ખાલી હિંદુ હતા માટે બેસ્ટ બેકરીના ૧૪ નિર્દોષ લોકોને જીવતા જલાવી શક્યા છો. ખાલી માનવ માત્ર હોત તો આવું નાં કરી શક્યા હોત. તમે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને હજારો નિર્દોષ લોકોને મારી શકયા છો કારણ તમે મુસલમાન છો, ખાલી માનવ હોત તો આવું ના કરી શક્યા હોત. તમે જિસસ જેવા પ્રેમના અવતારને ખીલા ઠોકી ક્રોસ ઉપર લટકાવી શક્યા છો કે કારણ તમે યહૂદી હતા, માનવ નહોતા. તમે નાના ભૂલકાઓ સમેત ૬૦ લાખ યહૂદીઓને જીવતા બાફી શક્યા છો કારણ તમે ક્રિશ્ચિયન હતા, માનવ નહોતા. શું કરીશું આ ધર્મોનું? તમે મૂળ દ્રવિડિયન લોકોને અસુર કહી કહીને એમનો સંહાર કરે જ રાખ્યો છે. એને વ્યાજબી ઠેરવવા એ લોકો રાક્ષસ હતા, અને તમે દેવ હતા એવું કહ્યે જ રાખ્યું છે. જો તમે ખાલી માનવો હોત તો આવું નાં કરી શક્યા હોત.

અરે ભારતમાં તો એક જ હિંદુ ધર્મ ૨૫૦૦૦ ફાંટાં છે. છે કોઈને એકબીજા પ્રત્યે પ્રેમભાવ? શું આ ધર્મો વગર દુનિયા નહિ ટકે? શું આ લોકો કોઈ નીતિમત્તા વાળા છે ખરા? ડુંગળી ના ખાવી કે લસણ ના ખાવું તે નીતિમતા વગર નહિ ચાલે? જય જિનેન્દ્ર, જયશ્રી કૃષ્ણ કે જય સ્વામીનારાયણ કહ્યા વગર ઘરમાંથી બહાર નાં નીકળનારા આ લોકો જ આખીને આખી બેંકો ખાઈ ગયા છે. આ કોઈ નીતિમત્તા છે? શું આ ધર્મો વગર જરાય નહિ ચાલે?

તમે કોઈ હરિજનને મોટી પીપ જેવી ડોલમાં દુર્ગંધ મારતો મળ માથે લઈને જતા જોયો છે? નથી જોયોને? મેં જોયો છે. અરે કોઈનો ધક્કો વાગતા આખા શરીરે મળ વડે ખરડાયેલો ને ગાળો બોલતો બોલતો જતા જોયો છે. હું તો ખૂબ નાનો હતો. લોકો હસતા હતા. અને મને એની લાચાર આંખોમાં પાંચ હજાર વર્ષથી અપાયેલી પીડા દેખાતી હતી. બસ એ દિવસથી મારા વિચારોનું ‘કુરુક્ષેત્ર’ ચાલુ થયેલું છે. હરિજન નામ તો ગાંધીજીએ આપ્યું. પણ નામ બદલવાથી એમના પ્રત્યેની ઘૃણામાં કોઈ ફેર પડે ખરો? ગળામાં થૂંકવા માટે કુલડી ભરાવવી પડતી હતી ને પાછળ કમરે ઝાડુ બાંધવું પડતું હતું, એમના અપવિત્ર પગલાની છાપ ભૂસવા માટે. શું આ લોકો પશુથી બદતર હતા? માનવ નહોતા? શું ધર્મો આ નીતિમત્તા શીખવતા હતા? ૫૦૦૦ વર્ષ તો આજ કર્યું ને?

જે ધર્મ કે સંપ્રદાયની ઇમારત આજે ભવ્ય બની ગઈ છે, આકાશે આંબી રહી છે, રોજ નિત નવા ને ભવ્ય મંદિરો ઉપર મંદિરો બને જાય છે, એના પાયામાં ભોળા ને મૂર્ખ ભગતો અને સંતોની લાશો દટાયેલી છે. જીવતે શરીર સાથે સ્વર્ગમાં લઈ જવાનો કૉન્સેપ્ટ કઈ નીતિમત્તા હતો? એક બ્રહ્મચારી સાધુ ગુજરાત આવીને એક સંપ્રદાયનો કબજો લઈ, પોતાને ભગવાન જાહેર કરી, સદેહે સ્વર્ગમાં લઈ જવાના વચનો આપી એક નવો મૂરખ કૉન્સેપ્ટ આપી, વારસદારો ને બોલાવીને પેઢીઓ સુધીની રાહત કરી આપે છે. ના કોઈ કામ , ના કોઈ ઉદ્યમ બેઠાં બેઠાં ભોળા લોકોને છેતરો ને ખાધે રાખો. આ છે નીતિમત્તા.

૫૦૦ વર્ષ પહેલા એક વ્રજવાસી બસ નાની નાની મૂર્તિઓ નવડાવો, ધોવડાવો, એને સુવડાવો, જગાડો એવું શીખવી તમને બાળકમાંથી મોટા ના થવાનો મહામુર્ખ કૉન્સેપ્ટ લઈ આવે છે. બસ એની પેઢીઓ ૫૦૦ વર્ષ થી કશું પણ કર્યા વગર એશોઆરામ ફરમાવી રહી છે. ખાવાની કે રોટલાની ક્યાં માંડો છો? અરે એના વારસદારો માટે સેક્સ ભોગવવાના રમકડા જોઈએ, એની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. બ્રહ્મ સંબંધ બાંધો કશું નહિ કરો તો પણ સાતમી પેઢીએ વૈકુંઠ પ્રાપ્ત. આ છે નીતિમત્તા ધર્મોની. એના વગર પૃથ્વીનો નાશ થવાનો.

કોઈ પણ ઓફીસમાં જાવ રોજ મંદિરે નિયમિત જવા વાળા દીવો કર્યા વગર નહિ ખાનાર, નિયમિત સભામાં કે સ્વાધ્યાયમાં જનારા ટેબલ નીચે રૂપિયા મૂક્યા વગર કામ કરતા નથી. કઈ નીતિમત્તાની વાતો આપણે કરીએ છીએ ?

હું કોઈ એક ધર્મની વાત નથી કરતો. નિયમિત રવિવારે ચર્ચમાં જનારે અને મંદિરમાં જનારાઓએ ભોપાલ કાંડ થવા દીધો છે. એક રાતમાં ૧૫૦૦૦ કરતા વધારે લોકો માર્યા ગયા છે. ઘરમાં ભગવાનના ફોટાને પગે લાગ્યા વગર બહાર ના જનારા લોકો એ ૨૫ વર્ષે ૧૫૦૦૦ મૃતાત્માઓની હંસી ઉડાવતો ચુકાદો આપ્યો છે. દંભી લોકો કહેશે અમને તો ન્યાયતંત્રમાં બહુ વિશ્વાસ છે. શું ખાક વિશ્વાસ રાખવાનો? આ આલસ્ય શિરોમણિ ન્યાયાધીશો ચેમ્બરમાં બેસી રહે છે. એમને કોઈ જવાબદારીનું ભાન જ નથી. જવાબદારી લેવી જ નથી. ગુનેગારો તો સાવ બુઢ્ઢા થઈ ગયા છે, કબરમાં પગ લટકાવીને બેઠાં છે. શું સજા કરશો? લ્યાનત છે જો ધર્મો આવી નીતિમત્તા શીખવતા હોય તો? નથી શીખવતા, તો શું થયું છે આ ધાર્મિક દુનિયાને? તો પછી ધર્મોની શી જરૂર છે?

કર્મના નિયમે તમારી સંવેદનાને મારી નાખી છે. મુંબઈમાં લોકો મરે તો બીજા રાજ્યોમાં કોઈ ને કશું થતું નથી. કર્મ એમના, અમે શું કરીએ? આપણે સલામત છીએ ને? બહુ થયું. ૧૫૦૦૦ માણસોએ એક સાથે કર્મ કર્યા હશે માટે ગેસ લીક થયો? અને કશું સારું થયું તો કહેશે અમારી કૃપા છે માટે. અને ખોટું થયું કે ફટાક કરતો કર્મનો નિયમ આગળ કરી દેવાનો કર્મ તો ભોગવવા પડે. મેં તો જાતે અનુભવેલું છે. તો હરામી કર્મનો નિયમ બરોબર કામ કરતો હોય તો તારી જરૂર જ શી છે?

“ધર્મોએ તમને કઠોર બનાવી દીધા છે. ધાર્મિક ગુરુઓને અને રાજકારણીઓને તમારા ઉપર હુકમત કરવી છે. જૂઠની પરાકાષ્ઠા છે આ લોકો. ગ્રેટ લાયર. એટલે તમારા બ્રેન વૉશ કરી રહ્યા છે. તમે પુખ્ત મેચ્યોર થાવ જ નહિ તેના તમામ ઉપાયો કરી રહ્યા છે. તમને ઘેંટા બનાવે છે જેથી તમને દોરી શકે. એમની ધારેલી જગ્યાએ હાંકી શકે. આ યુનિવર્સ તો એન્ડલેસ છે. કયા ભગવાનની તમે વાતો કરો છો? ભગવાન કોઈ વ્યક્તિ છે? આ જગત નિયમથી ચાલી રહ્યું છે. દરેકનો ભગવાન અલગ અલગ કઈ રીતે હોઈ શકે?” આ તમામ શબ્દો મારા નિકારાગુઆના સ્પેનીશ બોસ હુલીઓના છે. એની ઉત્તેજિત આંખોમાં આછું પાણી દેખાય છે. અને હું ચર્ચા ટૂંકાવીને સરી જાઉં છું.

સત્ય એક જ છે વિદ્વાનો એને જુદાજુદા સ્વરૂપે કહે છે. તો પછી ઝગડો શેનો છે? મહમદનું અને કૃષ્ણનું સત્ય એક છે, જીસસ, બુદ્ધ, લાઓત્સે અને મહાવીરનું સત્ય એક છે તો પછી આ ઝગડો, આ કત્લેઆમ, આ ડબા સળગાવવા, આ બાળકીઓને શેકાઈ જવું પડે છે. શા માટે? આ નીતિમત્તા છે? ૫૦૦૦ વર્ષ સુધી કહેવાતા શૂદ્રોને શેકાવું પડે છે. ક્યાં ગયું? “વસુધૈવ કુટુમ્બકમ” આ હરિજનો કુટુંબીઓ નહોતા?

કોઈ વાઘ કે સિંહ ભૂખ વગર હિંસા કરતો નથી. ધર્મ વગરના પ્રાણીઓ. નીતિમત્તાના મહાન આદર્શો વગર જીવતા પ્રાણીઓ. આદર્શ અને પવિત્ર લગ્ન વ્યવસ્થા વગર જીવતા પ્રાણીઓ. ગેસ ચેમ્બરમાં પૂરી એના ભાઈઓની હત્યા નાં કરનારા પ્રાણીઓ. આ મગર તો ડાયનોસોરના વખતનો છે ભાઈ. આ પ્રાણીઓ તો કરોડો વર્ષોથી જીવે છે ધર્મ વગર. આપણે તો ફક્ત ૨૫ લાખ વર્ષ જ થયા છે. અને તે પણ આજના બ્રેન વાળા થયે તો થોડાક હજારો વર્ષ જ થયા છે. ફક્ત થોડા બ્રેન વાળા માનવ પ્રાણીઓ એમના જેટલું આયુષ્ય ભોગવી શકીશું ખરા?

જેણે જીવમાત્રમાં પરમાત્માને જોયો છે એમની વાત હું નથી કરતો. એમને તો કોઈ ધર્મ હોય કે નાં હોય કશો ફેર પડતો નથી.

ધાર્મિક ક્રીમીનલ્સ, મર્ડરર, સીરીયલ કીલર્સ:

કોઈ નાસ્તિકે જેટલા મર્ડર કે ક્રાઇમ નહિ કર્યા હોય તેટલા બલકે અનેક ગણા ધાર્મિક લોકોએ કર્યાં હશે. જે ભગવાન જોયો નથી એનામાં એમને વિશ્વાસ છે. પણ જે માનવ જાત એમની બંધુ છે એનામાં એમને વિશ્વાસ નથી. જેને જોયો નથી એના માટે થઈ પોતાના જ ભાઈઓને કાપતા વિચારતો નથી. કેવી રુગ્ણતા? શા માટે આપણે ભગવાનને માનીએ છીએ? મારો જ ભગવાન સાચો ને તારો ખોટો, કાપો સાલાઓને. શું પરમાત્માને આ બધી ખબર છે? ગોધરામાં ડબો સળગાવ્યો તે લોકો પણ ધાર્મિક હતા અને પછી જે થયું તેમાં પણ ધાર્મિક લોકો હતા. એક નાની બાળકી કબાટ માં ભૂંજાઈ જાય છે જીવતી ને જીવતી એનો કોઈ ધર્મ હોતો નથી. એને તો હજુ કુરાન શું છે કે ગીતા શું છે? એની ખબર જ નથી. એની જીવ બચાવવા રઘવાઈ થયેલી માતાના હાથમાંથી છટકી ગયેલી અને શેકાઈ ગયેલી. એની માતા હજુ આજે પોતાને માથે દોષ દેતી લગભગ રોજ રડતી હશે. કે કેમ કરીને વહાલસોઈ દીકરી હાથમાંથી છટકી ગઈ? રીલીજીયસ પીપલ્સ આર મોસ્ટ ડેન્જરસ. ધર્મના નામે મર્ડર, રેપ, ટૅરર ! કોઈ નાસ્તિક કદી આવું ના કરી શકે. અને કર્યું પણ નથી

હિટલરે ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાખ્યા. નાના બાળકોને પણ શેકી નાખ્યા. નાનપણમાં કોઈ પાદરીએ એના અચેતન મનમાં ભૂસું ભેરવી દીધું હશે કે યહુદીઓએ જીસસને મારી નાખ્યા. ક્રોસ પર લટકાવી દીધા. મૂળ તો જીસસને ક્રોસ પર લટકાવનારા રોમન લોકો હતા. પણ એ વખતે યહૂદીઓનું રાજ્ય રોમન લોકોના હાથ નીચે હતું. અને યહૂદી ધર્મગુરુઓના કહેવાથી રોમન લોકોએ જીસસને લટકાવી દીધા. એ લોકો પણ ધાર્મિક લોકો જ હતા. ધાર્મિક બ્રેન્વોશિંગ એ માનવજાતનું સૌથી મોટું મહાન કલંક છે. કદાચ આ ધર્મો જ ના હોત તો દુનિયા વધારે સુખી હોત.

ઈ.સ.૧૭૮૧ માં જન્મેલ એક ધાર્મિક નેતા ગુજરાત આવી ગયો. આ ક્રીમીનલ્સને ગુજરાત બહુ ફાવે. અહીં ભોળીને મૂર્ખ પ્રજા ને જેટલી ઉલ્લુ બનાવવી હોય તેટલી બનાવી શકાય. જીવતે લોકોને સ્વર્ગ મળે તેવું બ્રેન વોશિંગ ચાલુ થયું. સદેહે સ્વર્ગ, કેવી મજા!! મર્ડરનો કોઈ પુરાવો જ ના માંગે. ભાઈ એ તો જીવતો સ્વર્ગમાં ગયો ને સદેહે દેહ સાથે ગયો તો હાડકા શેના માંગે? આશરે ૨૦૦ વર્ષ પહેલા કોઈ એવી યોજના હતી ખરી કે આ દેહ કે શરીર સાથે સ્વર્ગમાં જવાય? એવા કોઈ પ્લેન હતા કે રોકેટ કે સ્પેસ શટલ હતા ખરા? મૂરખાઈની પણ એક હદ હોય. ચાલો ગુરુજી તો જીવતે ભગવાન બની ગયા. કપડા પણ એવા જ પહેરતા કે મૂર્ખ ભોળી પ્રજા ભગવાન જ માનતી. સમય થયે દેહનો ધર્મ કે જીવતે સ્વર્ગના માલિક પોતે સ્વર્ગ સિધાવ્યા. પણ પછી એમના ચેલાઓએ સિરિયલ કિલિંગ ચાલુ કર્યું.

સિરિયલ કીલર્સ માનસિક રીતે બીમાર અથવા જન્મજાત ક્રિમિનલ્સ હોય છે. તમે કોઈ ને કોઈ વાર ગુસ્સામાં એકાદ ઝાપટ મારી બેસો તો ગુનેગાર માઈન્ડના થઈ ગયા તેવું ના કહેવાય. પણ સિરિયલ કીલર્સ એક પછી એક મર્ડર કરતા જ જાય છે. સ્ત્રીઓ એનો ખાસ ભોગ બને છે. પહેલા બળાત્કાર રેપ અને પછી મર્ડર. આવા સિરિયલ કીલર્સ ભારતમાં નોંધાયા છે. અહીં અમેરિકામાં પણ આવા ઘણા માણસો હતા, પણ અહીં પકડાઈ જતા કોઈ દયા રાખ્યા વગર ફાંસીએ જ ચડાવી દેવામાં આવે છે.

મેરા ભારત મહાનમાં જલસા છે આવા માસ્ટર માઈન્ડ કોલ્ડ બ્લડેડ સિરિયલ કીલર્સ માટે. પેલાં ધાર્મિક પંથને ઉંચો લાવવા રમત કિલિંગની ચાલુ થઈ. ભાઈ ફલાણા ભગત તમારું નક્કી થઈ ગયું છે. ભગવાન પોતે વિમાન લઈને તમને તેડવા આવશે. ના કોઈ અસ્થિ માંગે ના કોઈ પુરાવા. ભગવાન ખુદ વિમાનમાં આવી ને લઈ ગયા. કુટુંબીઓ ધન્ય થઈ ગયા. પેલો ગયેલો એની શું દશા થઈ કોને ખબર પડે. ”સત્યાર્થ પ્રકાશ” માં સ્વામી દયાનંદે લખ્યું છે કે અંધારિયા કૂવામાં ફેંકી દેવાતા. આ તો સરાસર કોલ્ડ બ્લડેડ મર્ડર જ કહેવાય ને? હવે કેમ સદેહે લઈ જતા નથી? ૨૦૦ વર્ષમાં શું સ્વર્ગ નાબૂદ થઈ ગયું? કે તૂત જ હતું? મૂરખો વિચારો જરા, કોઈ સદેહે, આ શરીરે સ્વર્ગ જાય ખરું? પણ મૂર્ખાઓના દેશમાં પંથની બોલબાલા થઈ ગઈ. એક પછી એક કેટલાય વૃદ્ધ ભક્તો અને વૃદ્ધ થઈ ગયેલા એમનાં પંથના દીક્ષિત કહેવાતા સંતોને સદેહે સ્વર્ગમાં મોકલી દીધા. આ તો કોઈ ભયાનક સિરિયલ કિલિંગ કથા જેવું છે. પણ ના ધાર્મિકતાનો અંચળો ઓઢાડી દીધો એની સીરીયસનેસ હજુ કોઈને સમજતી નથી કે આ તો ક્રાઇમ કહેવાય, ભયંકર ક્રાઇમ કહેવાય.

બ્રિટીશ ઈમ્પીરીયલ ગવર્નમેન્ટ જોડે ખૂબ સારા સંબંધો હતા આ પંથના માટે ખાસ કોઈ જે ધ્યાન આપે તેવા હતા તેમણે જ ધ્યાન આપ્યું નહિ, અથવા બહુ ગુપ્ત રાખેલું હશે. અને બીજું ખાસ કારણ એ કે બ્રિટીશ સરકાર ધાર્મિક બાબતોમાં માથું મારતી ના હતી. બાકી તો ઠગ અને પીઢાંરાનો નાશ કરનારા બ્રિટિશરો આ ભયાનક ક્રિમિનલ્સ ને ફાંસીએ ચડાવી દીધા હોત. બીજો એક પંથ છે બળાત્કારીઓ નો. પ્રેમથી રેપ કરનારા.

ભક્તો ને કહેવાનું કે અમે જ કૃષ્ણ છીએ. અમને તમારી સ્ત્રીઓ અર્પણ કરો. બસ અને જલસાથી રેપ કરો કોઈ પકડે જ નહિ. હું નથી માનતો કે પતિઓ દ્વારા મોકલાયેલી પત્નીઓ કે બાપ દ્વારા મોકલાયેલી દીકરીઓ એમની પોતાની સંમતિથી આમાં ભાગીદાર બનતી હશે. એટલે આ તો સરાસર રેપ કહેવાય. પણ ના! કૃષ્ણ રૂપે મહારાજશ્રી પોતે રેપ કરતા હોય તેને કોણ પકડે? અને રેપ કર્યો છે તેવું પણ કોણ કહે? ભારતની સ્ત્રીઓની મજબૂરી તો જુવો, પતિ એ કહ્યું કે બાપે કહ્યું એટલે ઇચ્છા ના હોય છતાં પેલાં ગંધારા ગુરુ જોડે સૂઈ જવું પડે. આપણે ક્રીમીનલ્સને પૂજનારા મહાન ભારતીયો મહાન દંભી છીએ. ધાર્મિક પુર્વગ્રહોએ આ દેશના બુદ્ધિધનને જ લૂણો લગાવ્યો છે. યુવાધનને જ્યારે આવા પંથોમાં ભળેલા જોઇને મને થાય કે આ દેશનું કોઈ ભવિષ્ય નથી. સાયન્સ ક્યાં ગયું? આપણી કોઈ યુનિક પ્રોડક્ટ જ નથી, બધું એસેમ્બલ કરીએ છીએ. ૧૯૬૦ પછી કોઈ વિશ્વકક્ષાનો એક વૈજ્ઞાનિક પેદા કરી શક્યા નથી. એક ધ્રુવ નામનું હેલીકૉપ્ટર બનાવ્યું છે, પણ વેચ્યા કેટલા? કોઈએ ખરીદ્યાં? વિશ્વ કક્ષાનું છે ખરું? કાર સ્કૂટરથી માંડીને બધું નકલ જ નકલ. હું ત્યાં હતો ત્યારે તાતાની કારો આપણી લાગતી. અહીં આવ્યા પછી થયું કે આતો અહીંની કારોની નકલ જ હતી. નેનો જેવી કેટલીય કારો અહીં જોઈ છે. નેનો પણ અહીં આવશે ત્યારે બદલાઈ ને આવવું પડશે. આપણે ખાલી વાતો કરવામાં યુનિક છીએ. મહાનતાની વાતો ઉચ્ચ આદર્શો ની વાતો. અવૈજ્ઞાનિક વાતો, બસ વાતો જ વાતો.

આમ ભારતમાં ભ્રષ્ટાચાર સાંસ્કૃતિક જટિલ પાસું છે. તે જલદી નાબૂદ થાય તેમ નથી. એના મૂળિયાં ખુબ ઊંડા આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતામાં ખૂંપી ચૂકેલાં છે.