Tari Pidano Hu Anubhavi Part-24 in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 24

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 24

‘પછી શું?’ એ દિવસ મારી લાઈફનો બેસ્ટ ડે હતો. જ્યારે મને દાદાના દર્શન થયા. પહેલી જ મુલાકાતમાં એ મારા દિલમાં પરમાત્મ પ્રેમ જગાવી ગયા.
‘પરમાત્મ પ્રેમ? એ કેવી રીતે?’
‘કહું... કહું...’ સાંજે ચાર વાગે અમે એમના ઘરે પહોંચ્યા. હું અટકી. પારૂલ આન્ટીએ અંદર આવવા કહ્યું. એક બાજુ પાર વગરની શંકાઓ હતી અને બીજી બાજુ પારૂલ આન્ટી પ્રત્યે વિશ્વાસ. અમે ઘરમાં પ્રવેશ્યા.
ઘર સામાન્ય લાગતું હતું. જૂના જમાનાનું હોય એવું દેખાતું હતું. વાતાવરણમાં સાદાઈ અને સજ્જનતાના પડઘા પડી રહ્યા હતા. પવિત્રતા ઘરના ખૂણેખાંચરેથી બહાર ડોકાઈ રહી હતી. જાણે પોતાના અસ્તિત્વનો ઢંઢેરો ન પીટાવતી હોય! ઘરમાં અદ્ભુત શાંતિ વર્તાતી હતી, મંદિર જેવી જ નીરવ શાંતિ! મને ઠંડક લાગતી હતી, છતાં મન શાંત નહોતું થતું.
ત્યાં તો સફેદ પંજાબી ડ્રેસમાં એક બહેન આવ્યા.
‘જય સચ્ચિદાનંદ, પારૂલબેન.’
‘જય સચ્ચિદાનંદ, કાનનબેન.’
‘જય સચ્ચિદાનંદ.’ તેમણે મારી અને મમ્મીની સામે હાથ જોડીને કહ્યું.
અમે આછા સ્મિત સાથે હાથ જોડ્યા.
‘આવો બેસો.’ એમણે અમને પલંગ પર બેસવા કહ્યું.
‘દાદા છે ને અંદર?’ પારૂલ આન્ટીએ પૂછ્યું.
‘હા, છે. તમારી પહેલા જે આવ્યા હતા, તેઓની સાથે વાત કરે છે. પાંચ મિનિટ લાગશે.’
‘વાંધો નહીં.’
પલંગ પર બેસતા જ જાણે ભવોભવની ભટકામણનો વિસામો ખાવા બેઠા હોય એની ટાઢક લાગી. મન ઠર્યું. રૂમમાં કોઈ ખાસ ફર્નિચર નહોતું. ઘરની દીવાલો પર આછો રંગ હતો અને પહેલાના જમાનાનો દરવાજો હતો. બધે સ્વચ્છતા અને મોકળાશ દેખાતા હતા. વધારાનો કોઈ સામાન ક્યાંય પડ્યો નહોતો. ક્યાંય કોઈ વસ્તુ એવી નહોતી જેનાથી આંખોને ખેંચાણ થાય, છતાં પણ મનને ખેંચાણ થતું હતું. જાણે કોઈ સંતના ઘરે આવ્યા હોય એવો અનુભવ થયો.
‘આટલી બધી ઠંડક! બહારના બફારાને અહીં આવવાની મનાઈ હોય, એવો આ ઠંડકનો પ્રભાવ છે.’ કંઈ પણ વિચારી ન શકનારી હું પણ આટલો અનુભવ તો કરી જ શકી.
એટલામાં રૂમમાંથી એક ભાઈ અને બહેન બહાર નીકળ્યા. કાનનબહેનને ‘જય સચ્ચિદાનંદ’ કહીને હસતા ચહેરે બંને ત્યાંથી ગયા.
‘ચાલો, અંદર.’ કાનનબેને પારૂલ આન્ટીને કહ્યું.
‘હા. આવો.’ પારૂલ આન્ટીએ તરત ઊભા થઈ મને અને મમ્મીને અંદર આવવા કહ્યું.
અમે ધીમા પગલે એમની પાછળ રૂમમાં પ્રવેશ્યા. મનમાં અનેક પ્રકારની ભાવનાઓ હતી. થોડી કુતૂહલતા અને થોડી શંકાઓથી મન ઘેરાયેલું હતું.
દાદાનો રૂમ એકદમ સાદગીવાળો હતો, છતાં મનમોહક લાગતો હતો. ત્યાંની અપાર શાંતિના કારણે. દાદા સામે જ બેઠા હતા. કાનનબેન દાદાની પાસે નીચે બેઠા.
પારૂલ આન્ટી સીધા જઈને એમને પગે લાગ્યા.
‘જય સચ્ચિદાનંદ.’ પારૂલ આન્ટીએ નમીને કહ્યું.
‘જય સચ્ચિદાનંદ.’ દાદાએ સામો પ્રતિસાદ આપ્યો.
હું મમ્મી સાથે પાછળ ઊભી હતી. દાદાએ અમારી સામે જોયું. મારી દષ્ટિ પહેલીવાર એમની સાથે મળી. કેટલાય અવતારોની ઓળખાણ હોય એવી આત્મિયતા એ દૃષ્ટિમાં હતી. એ દૃષ્ટિ આજે પણ મારી આંખોમાં અકબંધ છે.
એમણે મારી તરફ જોયું. મારી નજર તો એમના ચહેરા પરના સ્મિત અને આંખોની પવિત્ર અને નિર્મળ ચમક પર જ ચોટી ગઈ હતી. દાદા માટે મનમાં જે કંઈ શંકાઓ હતી તે બધી વીખરાવા લાગી. એમના મોઢા પરના તેજ અને સૌમ્યતા, બંનેના પ્રભાવ મારા દિલ પર છવાયા. હૃદય જાણે એકદમ ઠરી ગયું. તોફાને ચઢેલું મન એકદમ શાંત પડી ગયું. આ બધું માત્ર એક-બે ક્ષણમાં જ અનુભવાઈ ગયું.
‘બેસો બધા.’ દાદાના અવાજમાં ખૂબ નરમાશ હતી.
અમે પાછળ જ્યાં ઊભા હતા ત્યાં જ મમ્મી બેઠી. હું મમ્મીની બાજુમાં બેસી ગઈ. મારી અંદર શું ચાલી રહ્યું હતું એ તો મને સમજ નહોતી પડતી. બસ સમય જાણે થંભી ગયો હોય એવું લાગ્યું.
‘આગળ જઈને બેસો, દાદા પાસે.’ કાનનબેને કહ્યું.
‘ના ચાલશે. અહીંયા બરાબર છે.’ મમ્મીએ કહ્યું.
પહેલાના ખાધેલા મારના આ પડઘા હતા.
‘દાદા, આ સંયુક્તા છે અને આ એના મમ્મી રશ્મિબેન.’ પારૂલ આન્ટી ઓળખાણ આપતા બોલ્યા.
‘પહેલીવાર આવ્યા છે?’
‘હા, દાદા.’
‘શેમાં ભણે છે?’ દાદાએ મારી સામે જોઈને પૂછ્યું.
‘આમ તો કોલેજમાં છે પણ... દાદા, તમારા આશીર્વાદ લેવા જ આવ્યા છીએ. સંયુક્તા હમણાં થોડી ડિસ્ટર્બ રહે છે.’
‘કંઈ વાંધો નહીં. દુનિયામાં બધા ડિસ્ટર્બ જ છે ને.’ દાદાએ હસીને કહ્યું. 
‘એમ નહીં, દાદા. આને થોડો પ્રોબ્લેમ છે.’ પારૂલ આન્ટીએ સ્પષ્ટતા કરવા કોશિશ કરી.
‘એમ? એ તો બધું પાર પડશે ધીમે ધીમે. વાદળો કંઈ કાયમ ઘેરાયેલા ના હોય. સૂર્યનો પ્રકાશ આવશે એટલે બધું ક્લિયર થઈ જશે.’
‘હા દાદા.’ પારૂલ આન્ટી કદાચ દાદાના વાક્યને સમજ્યા હોય એમ શાંત થયા.
રૂમમાં શાંતિ છવાઈ ગઈ. દાદાના જવાબ પછી પારૂલ આન્ટી શાંત બેસી રહ્યા અને એમની સામે જ જોઈ રહ્યા. મેં પારૂલ આન્ટી સામે સહેજ નજર કરી. એમની નજર દાદા પર સ્થિર અને મન ભક્તિભાવમાં ઓતપ્રોત હતું.
‘તમારે કંઈ પૂછવું હોય તો પૂછજો.’ દાદાએ મમ્મીને કહ્યું.
‘હા.’ મમ્મી એટલું જ બોલી.
મારી નજર બધા પર ફરતા ફરતા ફરી દાદા પર સ્થિર થઈ. કોણ જાણે કેમ એમની સામે જોતા મારું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાં પાણી તરવરી આવ્યા. રડવાનું તો મારા માટે સાવ સામાન્ય હતું, પણ આજે આંખો ભીની થઈ એનું કારણ દાદા હતા. એ એટલા બધા પોતાના લાગ્યા કે મારા દિલમાં તરત સ્વીકાર થઈ ગયા.
શું આ બધું હકીકત છે? હું કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહીને? આવું મને કેમ થાય છે? મેં પોતાના આંસુઓ પર કંટ્રોલ કરવાની કોશિશ કરી.
‘તમારી મૂંઝવણ ખાલી કરી લો અહીંયા.’ પારૂલ આન્ટીએ મમ્મીને કહ્યું. 
ત્યાં કાનનબેન અંદર આવ્યા. એમણે દાદા પાસે જઈને ધીમેથી કહ્યું, ‘દાદા, પુનાથી તન્મયનો ફોન છે. બહુ ખુશ લાગે છે. એને હમણાં જ તમારી સાથે વાત કરવી છે.’
‘એમ? આપો ત્યારે.’
અમારી સાથે વાત અધૂરી મૂકીને દાદાએ તન્મયનો ફોન રિસીવ કર્યો, એ મને ન ગમ્યું. મેં મમ્મી સામે જોયું. એ પણ થોડા ભોંઠા પડી ગયા હતા. મારી નજર પારૂલ આન્ટી તરફ ગઈ. તેઓ તો એ જ ભક્તિભાવમાં બેઠા હતા.
કાનનબેન ફોન સ્પીકર પર રાખી પકડીને ઊભા રહ્યા.
‘જય સચ્ચિદાનંદ તન્મય.’
દાદાનો અવાજ સાંભળતા જ તન્મયનો અવાજ ઢીલો થઈ ગયો.
‘જય સચ્ચિદાનંદ દાદા. સોલી, મેં તમાલી સાથે અત્યાલે જ વાત કલવા માટે જિદ કલી. પન દાદા, આજે હું બહુ ખુશ છું, માટે માલે તમાલી સાથે અત્યાલે જ વાત કલવી'તી. તમે ખલેખલ માલા પલ ખૂબ ઉપકાલ કલ્યો છે. મેં ક્યાલેય વિચાલ્યું નો’તું કે હું ફલીથી નોલ્મલી જીવી શકું છું. હું પન બીજાની જેમ ખુશ લહી શકું છું. લાઈફ એન્જોય કલી શકું છું. મને તો એવું જ હતું કે માલી આખી જિંદગી આવી એક અંધાલી લૂમમાં જ જશે. પન તમે માલી જિંદગીમાં એવું અજવાલું કહ્યું જે મેં ક્યાલેય જોયું જ નો'તું.’
‘કોણ હશે આ તન્મય? એનો પ્રોબ્લેમ તો સમજાય છે કે એની સ્પીચ સ્પષ્ટ નથી. દાદાએ એવું તે શું કર્યું હશે કે એ દાદાનો આટલો બધો ઉપકાર માની રહ્યો છે?’ આવા અનેક સવાલોથી મારું મન ઘેરાઈ ગયું. મેં મમ્મી સામે જોયું. મમ્મી પણ કુતૂહલવશાત્ દાદા સામે જોઈ રહી હતી. મારી નજર મમ્મી પરથી હટીને પારૂલ આન્ટી પર ગઈ. એમને જોઈને એવું લાગ્યું જાણે એમના માટે આ પરિસ્થિતિ કંઈ નવી ન હતી. તેઓ એ જ ભક્તિભાવ સાથે દાદા સામે જોઈ રહ્યા હતા. એમના મોઢા પર હળવી સ્માઈલ હતી. મારા કાન ફરી તન્મયની વાત સાંભળવા સરવા થયા.
‘દાદા, તમે માલો હાથ પકલીને ફલી મને અજવાલામાં ચાલતા શિખવાડ્યું. જ્યાલે જીવનમાં જીવવાના કોઈ કાલણો લહેતા નો'તા, ત્યાલે તમે એક મોટું કાલન બનીને માલા જીવનમાં આવ્યા. અને એવો આધાલ આપ્યો. જેના કાલને હું આજે માલા પગ પલ ઊભો છું. લોકોની સામે નજલ મેલવી શકું છું. શાંતિથી લોકોના સવાલોના જવાબ આપી શકું છું. બોલતા બોલતા જીભ લથલાય તો બધાની સાથે હું પન હવે હસી શકું છું.’
તન્મય એકીશ્વાસે બોલ્યે જ જતો હતો. એના બોલવામાં ક્યાંય પૂર્ણવરામ નહોતું. એના અવાજમાં ઉછાળો હતો. જ્યારે દાદા ખૂબ સ્થિરતાથી એની વાત સાંભળી રહ્યા હતા. ન એને વચ્ચે અટકાવતા હતા કે ન કંઈ બોલતા હતા. અને કાનનબેન પણ જરાય કંટાળ્યા વગર ફોન પકડીને ઊભા હતા. એમના મોઢા પર પણ ‘આ ઝટ ફોન મૂકે તો સારું’ એવો કોઈ ભાવ નહોતો.
‘દાદા, પહેલાનો તન્મય, જેને બહાલ જવાનું જ બંધ કલી દીધું’તું, લોકોની સાથે હલતા-મલતા જેને સંકોચ અનુભવાતો'તો, એ જ તન્મય આજે બહાલ જઈ લોકો સાથે હલે-મલે છે. કોલેજના નવા પ્લોજેક્ટમાં ભાગ લે છે. દાદા, તમાલી ખૂબ કલુપા છે માલા પલ. કોઈ દવા આવું કામ ના કલે, જે કામ તમાલા પ્લેમે કર્યું છે. તમને જ્યારે હું પહેલી વાલ મળ્યો, ત્યાલે તમાલી જ એક દૃલષ્ટિ એવી હતી જેને મને નોલ્મલ જોયો હતો. તમે ક્યાલેય માલામાં કોઈ ખોડ છે એવું જોયું જ નથી. તમાલી એ દલષ્ટિએ મને ખૂબ બલ આપ્યું છે. દાદા, તમે આવી રીતે માલા પલ ક્લુપા વલસાવતા લહેજો.’
હવે દાદા બોલ્યા, ‘અમારી કૃપા તારી સાથે જ છે. અમે કહ્યું એ પ્રમાણે તું કરતો રહેજે. બધું સારું થઈ જશે. અમે તારી સાથે જ છીએ.’
‘એ તો હું અનુભવું જ છું દાદા.’
‘હા, ચાલ વિધિ કરી લે.’ કહી દાદા આંખો બંધ કરી મનમાં કંઈક બોલવા લાગ્યા. હું એમને જોતી જ રહી, એમના મુખ પર અલૌકિક તેજ હતું. તન્મય ત્યારે કેવો અનુભવ કરી રહ્યો હશે, એ તો મને ખબર નથી પણ મને અદ્ભુત શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો.
‘જય સચ્ચિદાનંદ.’ દાદા વિધિ પૂરી કરતા બોલ્યા.
‘જય સચ્ચિદાનંદ, દાદા.’ કહી તન્મયે ફોન મૂક્યો.
ફોન સામેથી મૂકતા દાદા અને કાનનબેન વચ્ચે એક આછા સ્મિત સાથે મૌન લેવડ-દેવડ થઈ. કાનનબેન ફોન બંધ કરીને એક સાઈડ પર નીચે બેસી ગયા.
‘જોયું? પ્રોબ્લેમ કોની લાઈફમાં નથી હોતા. પણ સાચી સમજણથી બધા દુ:ખો દૂર થઈ શકે એમ છે. અત્યારે આટલો ખુશ દેખાતો તન્મય જ્યારે મારી પાસે આવ્યો હતો ત્યારે ડિપ્રેશનમાં હતો.’
 ‘ડિપ્રેશન...!’ મમ્મીથી બોલાઈ ગયું. પણ મારી સામે જોતા તરત એ ચૂપ થઈ ગઈ.
દાદાએ મારી સામે જોયું અને બોલ્યા, ‘આ તન્મય તારા જેટલી ઉંમરનો જ છે. નાનપણથી એ તોતડું બોલતો હતો. ઘણા ઉપચાર કરાવ્યા પણ કોઈ ફરક નહોતો પડતો. જ્યાં જાય ત્યાં બધા એની હાંસી ઉડાવતા. ધીમે ધીમે એ પોતાનો આત્મવિશ્વાસ સાવ ખોઈ બેઠો.’
‘મારા પર પણ બધા હસે છે.’ કોણ જાણે કેમ પણ મારાથી આટલું બોલાઈ ગયું.
‘દુનિયા પાસે નિર્દોષ આનંદના કોઈ રસ્તા નથી, એટલે આવું તેવું કરીને આનંદ મેળવે છે. પણ એને ખબર નથી કે એમાં કેટલી મોટી જોખમદારી વ્હોરે છે. પણ આપણી પાસે એવી સમજણ હોવી જોઈએ કે આપણે એ હસીમજાકને પચાવી શકીએ અને બિચારા અજાણતાથી ગુના કરી રહેલા જગતને માફ કરી શકીએ.’ દાદાના આટલા શબ્દોએ ક્ષણવાર માટે મને વિચારતી કરી દીધી.
‘જગત... બિચારું?... અને એને માફ કરી દેવાનું?’ દાદાના શબ્દો પચવામાં ભારે લાગ્યા પણ એમની વાણીમાં ભારોભાર કરુણા નીતરતી હતી, એ સ્પર્શી ગઈ.
‘દાદા, સંયુક્તાને પણ તન્મય જેવું જ થાય છે.’ અંતે પારૂલ આન્ટીએ આડકતરી રીતે દાદાને કહ્યું.
‘એમ? તો ગૌરવભાઈ સાથે થોડી વાત કરો ને. એમણે આનું જ ભણ્યું છે. સરસ સમજાવશે. આને પણ સારું થઈ જશે બધું. અમે પ્રાર્થના કરીશું.’
દાદાએ કાનનબેન તરફ જોયું. કાનનબેન તરત ઊભા થઈ ગયા. તેઓ અમારા ઊભા થવાની રાહ જોતા હતા.
પારૂલ આન્ટી બહુ વિનમ્રતા સાથે દાદાને હાથ જોડીને ઊભા થયા. એમણે મને અને મમ્મીને બહાર આવવા કહ્યું. હું અને મમ્મી ઊભા થયા. દાદા સામે સહેજ માથું નમાવી અમે બહાર ગયા.
‘બેસો.’ અમને પલંગ પર બેસવાનું કહીને કાનનબેન ગૌરવભાઈને બોલાવવા ગયા.
અમે ત્રણે ગોઠવાયા.
‘જય સચ્ચિદાનંદ.’ હળવા સ્મિત સાથે એમણે અમારી તરફ હાથ જોડીને કહ્યું. ગૌરવભાઈના ચહેરા પર પણ એક અલગ તેજ દેખાતું હતું. નાની ઉંમરમાં ચહેરા પર સરળતા સાથેની સ્થિરતા અને વર્તનમાં વિનય ઝળકતો હતો.
‘આ ગૌરવભાઈ છે. એ પણ કાનનબેનની જેમ જ દાદાને સમર્પિત થયેલા છે. એમની સાથે તમે નિઃસંકોચ વાત કરી શકો છો.’ પારૂલ આન્ટીએ મમ્મીને કહ્યું. 
થોડી ઔપચારિક વાતો પછી પારૂલ આન્ટીએ મમ્મીને કહ્યું, ‘ગૌરવભાઈને તમે વિસ્તારથી કહો ને આપણી દીકરીની વાત.’
મેં મમ્મી સામે જોયું. એના શબ્દો જાણે અટકી ગયા હતા. એણે માથું હલાવતા મારી સામે જોયું. પછી પારૂલ આન્ટી સામે જોયું. મમ્મીનો ઈશારો સમજી ગયા હોય, એમ પારૂલ આન્ટીએ મારો હાથ પકડીને કહ્યું, ‘ચાલ સંયુક્તા, તને દાદાનું ઘર બતાવું.’ કહી મને લઈ ગયા.
અમારા ગયા પછી મમ્મીએ એમને મારા વિશે વિગતવાર વાત કરી અને સજળ નયને પૂછ્યું, ‘મારી દીકરી ડિપ્રેશનમાં છે. મને ડર છે કે એ પાગલ તો નથી થઈ ગઈ ને!’
‘ના, ના. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે ડિપ્રેશન માનસિક બીમારી છે. અને દરેક માનસિક બીમારી એટલે પાગલ એવી એક માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે. ખરેખર તો આ પણ એક શારીરિક (મગજની) બિમારી જ છે. ડિપ્રેશન એ પાગલપન નથી. પણ મગજમાં અમુક કેમિકલ્સ ચેન્જીસને કારણે માણસને નેગેટિવ વિચારો વધારે આવતા હોય છે. જેથી તે નકારાત્મક લાગણીઓના પ્રભાવમાં વધારે હોય છે. આપણને આ ન સમજાતા આપણે એને પાગલ સમજીએ છીએ. અંતે આપણા જ વાઈબ્રેશન એને પાગલ બનાવતા જાય છે. માટે એવું માનવાની ભૂલ ના કરશો. અને એને ખૂબ પ્રેમ આપજો. ગૌરવભાઈના અવાજમાં ખૂબ આત્મિયતા છલકાતી હતી.
‘એટલે શું એનું મગજ નબળું પડી ગયું છે?’
‘ના. ડિપ્રેશન એટલે મગજની નબળાઈ એ વાત ખોટી છે. પહેલા તમે આવા ખોટા ભ્રમમાંથી બહાર નીકળી સ્વસ્થ બનો. તો જ તમે એને બહાર નીકળવામાં મદદરૂપ થઈ શકશો.’
‘કેવી રીતે ગૌરવભાઈ?’
‘તમે કયા ધર્મના છો?’
‘વૈષ્ણવ.’
‘તો તમને ખબર જ હશે કે અર્જુન મહાભારતના યુદ્ધમાં, રણમેદાનમાં સામે પક્ષે પોતાના જ કાકા, દાદા, ભાઈ-ભાંડુઓને જોઈને સાવ ભાંગી પડેલો. એ ડિપ્રેશન જ હતું એકજાતનું. ત્યારે શ્રીકૃષ્ણે એને બોધ આપી ઠીક કર્યો. આજની ભાષામાં એ એકજાતનો સાયકોથેરાપી જ હતી. આ બધું ભગવત ગીતાના વિષાદયોગ અને કર્મયોગમાં વર્ણવવામાં આવ્યું છે.’
મમ્મીએ માથું હલાવ્યું.
‘તો શું એ અર્જુનના મગજની નબળાઈ હતી?’
મમ્મી વિચારવા લાગી.
‘ના, અમુક પ્રસંગની મગજ પર એવી અસર થાય છે કે એનાથી મગજમાં કેમિકલ ચેન્જીસ થાય છે. અને નેગેટિવ વિચારો શરૂ થઈ જાય છે. પછી વ્યક્તિને આગળ કંઈ પણ સૂઝતું બંધ થઈ જાય. એ નાસીપાસ થઈ જાય. અને પછી નેગેટિવિટીમાં જાય છે. એને મેડિકલ ટર્મમાં ડિપ્રેશન કહેવાય છે.’
‘ઓહ!’
‘તમે ઈતિહાસ જોશો ને તોય ખ્યાલ આવશે કે કેટલાય મહાન પુરુષોને એમના જીવનમાં ડિપ્રેશનનો સામનો કરવો પડેલો. માટે ડિપ્રેશન એ શરમજનક સ્થિતિ છે, એ માન્યતા જ ખોટી છે. પહેલા તમે એમાંથી બહાર નીકળો. તો જ તમે તમારી દીકરીને યોગ્ય સમયે યોગ્ય આધાર આપી શકશો.’
મમ્મી પોતાના આંસુ લૂછી સ્વસ્થ બન્યા.
‘અત્યારે એને શારીરિક તેમ જ માનસિક બંને આધારની સતત જરૂર છે. ખાસ કરીને પ્રેમ અને હૂંફની. તે તમે તમારી આંખો, શબ્દો, વર્તન અને હાસ્ય દ્વારા એની પોસે વ્યક્ત કરો. એને પ્રેમની લાગણીઓનો અનુભવ થવા દો. તમને ખબર છે, પ્રેમ આપનાર અને મેળવનાર બંનેને હીલિંગ થાય છે. એવું હમણાંના સંશોધનોમાં પણ પુરવાર થયું છે.’
મમ્મી શાંતિથી સાંભળતા હતા.
‘બીજું, એની સાથે ખૂલીને વાત કરો. ખાસ કરીને એને ખૂબ સાંભળો. આમ થવાથી એની અંદર ઘૂંટાઈ રહેલી લાગણીઓને બહાર આવવાની જગ્યા મળશે. અને એ રાહત અનુભવશે. જો એની લાગણીઓ બહાર નહીં આવે તો એને વધારે એકલા પડી ગયા હોવાનો અનુભવ થશે. માટે એને બહાર આવવા દો, એને સમજો અને સ્વીકારો.
અને ખાસ, આવા સમયે એને સલાહની નહીં, પણ પ્રશંસાની જરૂર હોય છે. માટે એના પોઝિટિવ ગુણોની પ્રશંસા કરો. એનામાં કંઈ સારું તો હશે ને?’ 
‘એ ડ્રોઈંગ બહુ સારું કરે છે, રસોઈ સારી બનાવે છે.’
‘તો એની એ ક્વોલિટીના એની પાસે વખાણ કરો અને ધીમે ધીમે એને એમાં પરોવવા પ્રેરિત કરો.’
‘એને સારું થઈ જશે?’
‘ચોક્કસ.’
ત્યાં તો હું આવી ગઈ. મારી પાછળ આન્ટી પણ આવ્યા.
‘મમ્મી, ચાલ ને ઘરે.’ હું ધીમેથી બોલી.
‘હા, જઈએ બેટા.’ આ વખતે મમ્મીના મોઢા પરથી ટેન્શન જાણે ગાયબ થઈ ગયું હતું. પ્રેમાળ હાસ્ય સાથે એણે મારા માથા પર હાથ ફેરવ્યો.
ગૌરવભાઈએ ફરીથી એટલા જ વિનય સાથે હાથ જોડીને અમને જય સચ્ચિદાનંદ કહ્યા.
ગૌરવભાઈએ કહ્યું, ‘એકવાર દાદાને મળી લો.’
‘વાતો કરી બધી?’ અંદર જતા જ દાદાએ ગૌરવભાઈને પૂછ્યું.
ગૌરવભાઈએ હા કહ્યું.
‘તમને ગમી બધી વાતો? સમાધાન થયું?’ દાદાએ મમ્મીને પૂછ્યું.
‘હા. ઘણી હળવાશ લાગે છે.’
‘તને ગમ્યું અહીં?’ દાદાએ મને પૂછ્યું.
મેં મૌન હા પાડી.
‘તારે કંઈ વાત કરવી છે?’
હું વિચારવા લાગી. જીવનમાં વણઉકેલ્યા પ્રશ્નો તો ઘણા હતા પણ પૂછતા જીભ નહોતી ઊપડતી.
‘કંઈ વાંધો નહીં. તને મન થાય ત્યારે પૂછજે. મારી વાત માનીશ?’ દાદા જાણે મને બહુ નજીકથી ઓળખતા હોય, એવી આત્મિયતા સાથે મારી સાથે વાત કરી રહ્યા હતા.
‘શું?’
‘અમે અહીં જ છીએ થોડા દિવસ. આવતી રહેજે. તને સારું લાગશે.’
મેં આંખોથી જ સ્વીકૃતિ આપી.
પારૂલ આન્ટી દાદાને પગે લાગ્યા. અને એમની પાછળ અમે બંને પણ. દાદાએ અમને પ્રસાદી આપી.
‘કાલે આવીશું.’ પારૂલ આન્ટીએ કહ્યું. અને અમે ત્રણેય રૂમમાંથી નીકળી ગયા. કાનનબેન અમારી પાછળ દરવાજા સુધી આવ્યા. હસતા ચહેરે એમણે અમને વિદાય આપી.
રસ્તામાં પારૂલ આન્ટીએ મમ્મીને પૂછ્યું, ‘કેવું લાગ્યું?’
મમ્મીએ હળવાશ સાથે કહ્યું, ‘સારું લાગ્યું. દાદા સંત પુરુષ જેવા જ લાગ્યા. બહુ વાત ન થઈ છતાં અંદર બધું શાંત પડી ગયું છે. કાનનબેન અને ગૌરવભાઈ પણ જાણે આપણા જ હોય એવું લાગ્યું. બંને બહુ વર્ષોથી દાદા સાથે રહે છે?’
‘હા, ઘણા વર્ષોથી દાદાની સેવામાં છે.’ પારૂલ આન્ટી બોલ્યા. હું ચૂપચાપ સાંભળતી હતી.
‘ગૌરવભાઈને પણ સારું એવું નોલેજ છે. એમની સાથે વાતો કરવાથી નવી દિશા મળી. કેટલાય વર્ષોનો ભાર જાણે ઊતરી ગયો. એમની સાથે વાત કરીને એવું લાગ્યું કે ગૌરવભાઈ આવા છે તો દાદા કેવા હશે?’
‘દાદાની તો શું વાત કરવી! તેઓ તો આશ્ચર્યની પ્રતિમા કહેવાય. એમના માટે જેટલા શબ્દો કહું, વામણા લાગે. તમે જાતે જ અનુભવ કરજોને ધીમે ધીમે. આપણે કાલે પણ જઈશું ને?’
મેં જોયું કે મમ્મીએ કોઈ આનાકાની ન કરી.
‘એવી તે શું વાતો કરી હશે ગૌરવભાઈએ મમ્મી સાથે?’ હું પણ ચકિત હતી. કેટલા વર્ષે મેં મમ્મીને રિલેક્સ જોઈ.
‘દાદા આશ્ચર્યની પ્રતિમા? એટલે શું? એવું તે શું હશે દાદામાં?’ એક બાજુ મારા મનમાં પ્રશ્નોની વણઝાર હતી અને બીજી બાજુ સમાધાન પણ હતું કારણ કે હું પણ દાદા પાસે જઈને ઠરી ગઈ હતી. જાણે કેટલાય જન્મોથી મારી અંદર બળી રહેલી બળતરા આજે શાંત થઈ હતી.
‘સંયુકતા, બેટા તને સારું લાગ્યું?’ આન્ટીએ મારી તરફ જોતા પૂછ્યું.
‘હા.’ હું એટલું જ બોલી શકી.
હું પણ ઘણા સમય પછી એવી જગ્યાએ ગઈ હતી, જ્યાં મને જોઈને કોઈ હાયકારો કે હસાહસી કે એવા કોઈ એબ્નોર્મલ એક્સપ્રેશન નહોતો જોવામાં આવ્યા. અને એની મને સૌથી વધારે શાંતિ લાગી હતી.
‘મને ખૂબ ખુશી થઈ આ વાત સાંભળીને. આપણે કાલે ફરી જઈશું. તને ચોક્કસ સારું થઈ જશે.’
ઘરે જવાના આખા રસ્તે દાદાનો ચહેરો મને વારંવાર યાદ આવ્યા કરતો હતો. દાદાની આમ તો અમને કોઈ ખાસ ઓળખાણ નહોતી. છતાં એમણે જાણે અમારા મન પર એક આગવી છાપ જરૂર છોડી દીધી હતી. ‘દાદા બધાથી કંઈક જુદા જ છે’ એવું સતત થયા કરતું હતું.
અને મમ્મી...
મમ્મી તો હળવી ફૂલ થઈ ગઈ હતી. વર્ષો પછી મેં એમનું મોઢું ભાર વગરનું જોયું.
આટલી વાતચીત થઈ ત્યાં તો ધર આવી ગયું. અમે છૂટા પડ્યા. પારૂલ આન્ટી જતા જતા પાછું વળીને મારી સામે હસીને ગયા.