લવ રિવેન્જ-2
Spin off Season-2
પ્રકરણ-35
“કૂઉઉઉઉ....!”
“પ્લેટફૉર્મ નંબર ત્રણ ઉપર આવનારી શતાબ્દી એકપ્રેસ .....!”
કાલુપુર રેલ્વે સ્ટેશનનાં સ્પીકરમાં એનાઉન્સમેન્ટ સંભળાઈ.
ઘોંઘાટ જેવો સ્પીકરનો મોટો અવાજ છતાંય વિચારોનાં ઘોંઘાટમાં ખોવેયલાં અને સ્ટેશનનાં પ્લેટફૉર્મનાં બાંકડે બેઠેલાં સિદ્ધાર્થનું ધ્યાનભંગ ના થયું.
સુરેન્દ્રનગરથી વિકટ સિદ્ધાર્થને મળવા સીધો અમદાવાદ આવી રહ્યો હતો. અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવામાં વીસેક મિનિટ બાકી હતી ને વિકટે સિદ્ધાર્થને કૉલ કર્યો હતો અને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવાંનું કહ્યું હતું. પોતાનાં ખાસ ભાઈબંધને મળવાની અધિરાઈને લીધે જ બરોડા ઘરે જવાની જગ્યાએ વિકટ સુરેન્દ્રનગરથી સીધો જ અમદાવાદ આવી રહ્યો હતો.
વિકટનો અવાજ સાંભળતા જ સિદ્ધાર્થને અડધી રાહત થઈ ગઈ હતી. ડૂબતાંને તણખલું મળ્યું હોય એમ કારમાં ગભરામણ અનુભવી રહેલાં સિદ્ધાર્થને જાણે જીવમાં જીવ આવ્યો હતો. ઝડપથી કાર લઈને તે કાલુપુર રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યો હતો અને પ્લેટફૉર્મ ટિકિટ કઢાવી બાંકડે બેસીને વિકટની રાહ જોઈ રહ્યો હતો. વહેલી સવારનાં લગભગ પાંચ-સવા પાંચ વાગ્યાનો સમય હોવાથી સ્ટેશન ઉપર ભીડ પાંખી હતી. રેલ્વે સ્ટેશનનાં ટી-સ્ટોલ્સ અને નાસ્તાની ઘણી દુકાનો જોકે ખુલ્લી હતી. ઘણાં બધાં પ્લેટફૉર્મ ઉપર ટ્રેનોનું આવનજાવન ચાલુ હતું અને તે અંગેની એનાઉન્સમેન્ટ પણ વારેઘડીએ સ્પીકરોમાં થયાં કરતી.
“નેહા ઓલરેડી વચન તોડી ચૂકી છે.... વચન તોડી ચૂકી છે...!”
“એણે જ્યારે તને મેરેજ ના પાડી અને સબંધ તોડ્યો.....! ત્યારે જ તું એ સબંધ માટેનું વચન નિભાવવાંની ફરજથી છૂટો થઈ ગ્યો છું.....!”
સ્ટેશનના બાંકડે બેઠાં-બેઠાં સિદ્ધાર્થ લાવણ્યાની એ વાતો ઉપર વિચારી રહ્યો હતો.
“ફરીવાર જ્યારે તમારાં મેરેજ નક્કી થયાં.....! ત્યારે તને કોઈએ પૂછ્યું .....! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!? તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!?”
લાવણ્યાએ જ્યારથી કહ્યું ત્યારથી સિદ્ધાર્થનું મન એ બાબતે સતત વિચારે ચઢી ગયું હતું. ઘણા વિચારો પછી તેને લાવણ્યાની એ વાત સાચી પણ લાગી હતી કે નેહાએ પોતાની મરજીથી સબંધ તોડ્યો હતો અને પછી બીજીવાર પણ નેહાની મરજીથી જ સબંધ જોડાયો હતો. સિદ્ધાર્થની મરજીની કોઈએ પરવા નહોતી કરી કે પછી કોઈએ સિદ્ધાર્થની મરજી નહોતી પૂછી.
“જ્યારે ફરીવાર આ સબંધ બંધાયો....ત્યારે તને કોઈએ પૂછ્યું.....! કે તારે સબંધ બાંધવો છે કે નઈ....! બોલ...!?”
માથું નીચે ઝુકાવીને તે ઘૂંટણ ઉપર હાથની કોણીનો ટેકો આપીને બેઠાં-બેઠાં વિચારી રહ્યો હતો.
“સંભવી વખતે પણ તમે મને ન’તું પૂછ્યું....!” પિતા કરણસિંઘને કહી રહ્યો હોય એમ સિદ્ધાર્થ નિરાશ સૂરમાં બોલ્યો.
“તે ફરીવાર મેરેજ કરવાં માટે “હાં” નઈ પાડી.. તો પછી તું ...કોઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો....!”
લાવણ્યાની વાતમાં તર્ક પણ હતો અને સિદ્ધાર્થને એ વાત ગળે ઉતરી પણ હતી. આમ છતાંય સિદ્ધાર્થનું મન હજીયે મૂંઝાયેલું હતું.
ત્યાંજ બાંકડે બેઠાં-બેઠાં ગાઢ વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થના ખભે કોઈએ હાથ મૂક્યો.
“લાગે છે તને હવે ડૉક્ટર જોડે લઈ જવો પડશે....!” સિદ્ધાર્થે પાછું ફરીને જોતાં જ વિકટે કહ્યું.
“કેમ ડૉક્ટર....!?” બાંકડામાંથી ઊભા થઈને સિદ્ધાર્થે સ્મિત કરીને પૂછ્યું.
“તો શું....! ખોવાઈ જવાનો નવો રોગ લાગી ગયો છે ને તને!.. એટલે ડૉક્ટર પાસે લઈ જવો છે....!” વિકટ બોલ્યો અને સિદ્ધાર્થને ભેટયો.
“ક્યાંય નહોતો ખોવાયો યાર અહિયાં જ હતો....!?” સિદ્ધાર્થ લૂલો બચાવ કરતાં બોલ્યો.
“બે તું જુઠ્ઠું બોલતો થઈ ગ્યો....! એ પણ મારી મારી જોડે....!?” સિદ્ધાર્થના બાવડે પંચ મારી વિકટ બોલ્યો “અહીં તારી પાછળ જ પાંચ મિનિટથી આઈને ઊભો છું... ને પાછો મને ઉલ્લુ બનાવે છે ...!?”
“પણ તું આજે આવાનો છે એ તે મને પે’લ્લાં કૉલ કરીને કેમ ના કીધું...!?” વાત બદલાતાં સિદ્ધાર્થે કહ્યું “મેં ફૉન ના ઉઠાયો હોત....! તો તારે અમદાવાદનો ધક્કો ના પડત....!?”
સિદ્ધાર્થ બોલ્યો અને ત્યાંજ બાંકડાથી થોડાં જ ડગલાં દૂર બનેલી ટી-સ્ટૉલ તરફ ચાલવા લાગ્યો.
ટી-સ્ટૉલ નજીક હોવાથી વિકટે પણ પોતાનાં સામાનની બેગ્સ ત્યાંજ બાંકડા પાસે રહેવા દઈ જોડે ચાલવા માંડ્યુ.
“ના...મને વિશ્વાસ હતો કે તું ફૉન ઉઠાઈશ જ....!” પોતાની આદત પ્રમાણે વિકટ મજાકીયા સ્વરમાં બોલ્યો “કેમકે છેલ્લું નોરતું હતું....ને તારે તો એક સાથે બે સાચવવાની....એટ્લે મને ખબર જ હતી કે તું જાગતો જ હોઈશ...!”
વિકટે આંખ મિચકારીને કહ્યું અને બંને ટી-સ્ટૉલે આવીને ઊભા રહ્યાં. દબાયેલું સ્મિત કરીને સિદ્ધાર્થે ઈશારો કરી બે ચ્હાનો ઓર્ડર આપ્યો.
મજાક છતાંય સિદ્ધાર્થના ચેહરા ઉપરના એ ભાવો બદલાયા નહીં. વિકટ સમજી ગયો કે સિદ્ધાર્થ કોઈ મોટી મૂંઝવણમાં ખોવાયેલો છે.
“બોલ....કેવી રઈ સુરેન્દ્રનગરની ટ્રીપ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“રોલો પાડી દીધો એની માને....!” વિકટે નકલી ઘમંડ કરતાં માથું ઊંચું કરીને કહ્યું.
વિકટની મજાક ઉપર સિદ્ધાર્થ પાછું હસ્યો અને ચ્હાવાળાએ ચ્હાના કપ ભરીને મૂકતાં બંનેએ કપ હાથમાં લઈને ચ્હા પીવા માંડી.
---
“શું વાત છે....!? કઈશ અવે....!?” ચ્હાનાં કપમાંથી ચ્હાનો ઘૂંટ ભરતાં-ભરતાં વિકટે પૂછ્યું “બે કપ ચ્હા તો પીવાઇ પણ ગઈ....! ને મારી બરોડા ટ્રેનનો ટાઈમ પણ થવા આયો....!”
સ્ટેશનની ટી- સ્ટૉલ પર ઊભાં-ઊભાં બંને ઓલરેડી બે કપ ચ્હા પી ચૂકી હતાં. વિકટને પોતાની વાત કેવી રીતે કહેવી એ અંગે સિદ્ધાર્થ હજી પણ મૂંઝવણમાં હતો. બબ્બે કપ ચ્હા પીવાઇ ત્યાં સુધી સિદ્ધાર્થ મોટેભાગે મૌન જ રહ્યો હતો. ઔપચારિકતા ખાતર તેણે વિકટને તેની સુરેન્દ્રનગરની ટ્રીપ વિષે પૂછ્યું હતું. એ સિવાય કોઈ ખાસ વાતચિત નહોતી થઈ.
“તું અહિંથી જ પાછો જાય છે...!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“હું તો ખાલી તને મલવા માટે જ અહિયાં આયો..! બાકી સુરેન્દ્રનગરથી સીધો બરોડા જ જતો ‘તો....!” વિકટ બોલ્યો.
સિદ્ધાર્થે પાછું આડું જોયું અને વિચારી રહ્યો. વિકટ તેની સામે જોઈ રહ્યો.
“દિવાળીએ મારાં અને નેહાના મેરેજ છે......!” સિદ્ધાર્થે ચ્હા પીતા-પીતા કહ્યું.
ચ્હાનાં કપમાંથી ઘૂંટ ભરવા જતો વિકટ એક ક્ષણ માટે અટકીને સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો. કેટલીક ક્ષણો સુધી વિકટનાં ચેહરા ઉપર આશ્ચર્યનાં ભાવો હતાં.
“તો લાવો કંકોત્રી...!” સિદ્ધાર્થને ચિડાવતો હોય એમ વિકટ સ્મિત કરીને બોલ્યો “કે પછી ચ્હા પીવડાઈને જ પૂરું કરવું છે...!?”
સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું અને તેણે આડું જોઈ લીધું. વિકટ પણ હસ્યો.
“બતકીયા સાલા.....! વીસ દિવસ પછી મેરેજ છે...! ને તું કયારનો ચ્હા પીધે રાખે છે...મને કે’તો પણ નઈ....!”
સિદ્ધાર્થની છાતી ઉપર વિકટે હળવેથી પંચ મારીને કહ્યું.
“તો રિવેન્જનું શું થ્યું....!?” વિકટે પૂછ્યું “તું તો નેહાભાભી માટે રિવેન્જ લેવા ‘ને એમને મેરેજ માટે મના’વા અમદાવાદ આયો તો ને.....!?હવે મેરેજ નક્કી થઇ ગ્યા તો એનો અર્થ એ થ્યો કે રિવેન્જ પૂરો થઇ ગ્યો...! રાઈટ..!?”
“આવતી કાલે રિવેન્જનો છેલ્લો દિવસ છે....!” સિદ્ધાર્થ બોલ્યો “નેહાએ કીધું છે દશેરાનાં દિવસે યૂથ ફેસ્ટિવલ પતે પછી હું એને આપેલાં વચનોથી છૂટ્ટો અને રિવેન્જ ગેમથી પણ છૂટ્ટો....!”
“દશેરા આજે છે ભાઈ....! સવાર પડી ગઈ....! નવમું નોરતું ગઈકાલે હતું....!” સિદ્ધાર્થને ચીડવતો હોય એમ વિકટ સ્મિત કરીને બોલ્યો.
સિદ્ધાર્થે ઘુરકીને તેની સામે જોયું અને ચ્હાનાં કપમાંથી ઘૂંટ ભર્યો.
“તો....! કાલે તું આ બધી રિવેન્જની જફામાંથી આઝાદ થવાનો એની ખૂશીમાં ક્યારનો ચ્હા પીવડાવે છે....!?” વિકટે પાછો ટોણો માર્યો.
પરાણે સ્મિત કરીને સિદ્ધાર્થે આડું જોયું અને કપમાંથી ચ્હાનો ઘૂંટ ભર્યો. તે જાણતો હતો કે વિકટનો ટોંન્ટ મારવાનો અર્થ શું હતું. તે મૂળ મુદ્દાની વાત પૂછી રહ્યો હતો. સિદ્ધાર્થ હજીપણ નક્કી નહોતો કરી શક્યો, પોતે લાવણ્યા સાથે મર્યાદા ઓળંગી ચુક્યો છે એ વાત વિકટને કેવી રીતે કહેવી.
“ડૉક્ટરનાં ત્યાં જઈએ...તો જે દુ:ખતું હોય એ કહીએ....!” આડું જોઈ રહી ચા પી રહેલાં સિદ્ધાર્થને જોઈ વિકટ ટોંન્ટમાં બોલ્યો.
“મને એવું લાગે છે કે નેહા એવું કંઈક કરવાની છે....જેથી લાવણ્યા બઉ હર્ટ થશે....!” સિદ્ધાર્થ બોલ્યો “શું...એ મને નઈ ખબર.....!”
“તો તું શું કામ આટલું વિચારે છે....!?” વિકટ બોલ્યો અને ચાનો ઘૂંટ ભર્યો “એમ પણ આખી રિવેન્જ ગેમ નેહાએ જ રમી છે....તે તો તારું વચન નિભાવા માટે એણે જે કીધું એ પ્રમાણે કર્યું છે...અને હવે છેલ્લીવાર પણ તારે એ જે કે’ એ કરી લઇ આ ગેમમાંથી છુટું થઇ જવાનું છે....તો પછી નાહકનો સ્ટ્રેસ શા માટે લે છે..!?”
“તું સમજતો નઈ....!” સિદ્ધાર્થ બોલ્યો “છેવટે તો લાવણ્યાને હર્ટ હું જ કરવાનો ને....!?”
“એમાં તારે હર્ટ કરવાની વાત ક્યાં આઈ.....!?” વિકટ બોલ્યો “એણે આરવ સાથે જે કર્યું....એનો બદલો નેહાને લેવો તો....તે નેહાને જે વચન આપ્યું ‘તું...એનાથી તું બંધાયેલો હતો...એટલે તારે નેહા માટે જે કરવું પડ્યું એ તે કર્યું...! રઈ વાત લાવણ્યાની...તો તે ના કર્યું હોત...તો નેહાએ કોઈ બીજા જોડે આ બધું કરાયું હોત....! એ કિસ્સામાં લાવણ્યા વધારે હર્ટ થાત....!”
બંને પાછા થોડીવાર માટે મૌન થઇ ગયાં. વિકટ પાછો વિચારવા લાગ્યો.
“તો એને શું “સજા” મળશે...!?” વિકટે પાછું ટોન્ટભર્યા સ્વરમાં પૂછ્યું.
તેનાં સ્વરમાં રહેલો ટોન્ટ સિદ્ધાર્થને ના સમજાયો.
“એને જયારે ખબર પડશે...કે હું આરવનો ભાઈ છું...!” સિદ્ધાર્થ સહેજ ખિન્ન સ્વરમાં બોલ્યો “અને હું જયારે એને બધું સાચું કઈશ....જે આઘાત એને લાગશે....! કદાચ એ જ એની સજા હશે...!”
“સાચું જાણવા મળવું એ પણ સજા હોઈ શકે.....!” સિદ્ધાર્થ સામે જોઈ વેધક સ્મિત કરી વિકટે પાછો ટોન્ટ માર્યો “એ આજે ખબર પડી...!”
વિકટના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં. તે મૌન રહ્યો અને આડું જોઈ વિચારી રહ્યો.
“મારી વાત માન....! હવે ગણતરીના કલ્લાકો બાકી છે....! પછી તું આ વચનના ભારમાંથી છુટ્ટો થઇ જવાનો છે...!” વિકટ સમજાવતા બોલ્યો “નેહાએ સામેથી તને કીધું જ છે...તો તારે એવું કંઈ ના કરવું જોઈએ...જેથી એ છંછેડાઈ જાય અને આ રિવેન્જની ગેમ વધારે આગળ ખેંચી નાંખે....! આજ સુધી તે એનું કીધું કર્યું જ છે...અને લાવણ્યાને હર્ટ કરી જ છે....તો પછી હવે આ છેલ્લીવાર છે....આ સમય પસાર થઇ જવા દે....!”
“આ સમય પસાર થઇ જવા દે....! પસાર થઇ જવા દે....!” થોડીવાર આડું જોઈ રહીને સિદ્ધાર્થે વિચારે રાખ્યું.
“કૂઉઉઉઉ....!”
ત્યાંજ ટ્રેનની વ્હીસલ વાગવાનો અવાજ સંભળાયો અને સિદ્ધાર્થે સ્મિત કરીને વિકટ સામે જોયું.
“હમ્મ...તું સાચું કે’ છે...!” પરાણે સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો “તારી ટ્રેન જવાનો ટાઈમ થઇ ગયો...!”
સિદ્ધાર્થના ચેહરા સામે વિકટ બે ઘડી જોઈ રહ્યો. આવું પહેલીવાર થયું હતું કે વિકટે સિદ્ધાર્થની પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું હોય છતાંય સિદ્ધાર્થના ચેહરા ઉપર સ્ટ્રેસ હોય.
“કોઈ બીજી વાત તને પરેશાન કરે છે....!” સિદ્ધાર્થના ચેહરા ઉપરના એ નકલી સ્મિતને જોઇને વિકટ સમજી ગયો કે સિદ્ધાર્થ કંઈક છુપાવી રહ્યો છે.
“પણ શું અને શા માટે ...!?” વિકટે પોતાને જ એ પ્રશ્ન પૂછ્યો.
ત્યાંજ ફરીવાર ટ્રેનની વ્હીસલ સંભળાઈ અને ઘીમી ગતિએ પ્લેટફોર્મ ઉપર ઉભેલી બરોડા જતી ટ્રેન ઉપાડવા લાગી.
“કદાચ....! હજી એ નક્કી નઈ કરી શક્યો...કે કે’વું કે ના કે’વું....!” વિકટે વિચાર્યું.
“કૂઉઉઉઉ....!”
“ચલ....! નીકળું....!” નીચા નમી પોતાનાં સામાનની બેગ્સ ખભે ભરાવી વિકટ બોલ્યો.
બાકીની એક-બે બેગ્સ સિદ્ધાર્થે નીચા નમીને હાથમાં લઇ લીધી. બંને હવે ટ્રેન તરફ ચાલવા લાગ્યાં. હજી સ્પીડ ધીમી હોવાથી વિકટ પ્લેટફોર્મની કિનારીએથી ઠેકડો મારીને અંદર ડબ્બામાં ચઢી ગયો. ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે બાકીની બેગ્સ વિકટને આપી દીધી.
સિદ્ધાર્થ કંઈક છુપાવતો હોવાનું એ સમજી ગયો હતો. પણ શું અને શા માટે એ નહોતું ખબર. જોકે વિકટ એ પણ જાણતો હતો કે વહેલાં મોડાં સિદ્ધાર્થ કહ્યાં વગર નઈ રહે.
“હવે હું થોડાં દિવસ બરોડા જ છું...!” વિકટ સ્મિત કરીને ભેદી સ્વરમાં બોલ્યો.
સિદ્ધાર્થ જોકે સમજી ગયો કે વિકટે જાણી જોઇને અધૂરું વાક્ય કહ્યું હતું.
“કંઈ કામ હોય તો હવે હું થોડાં દિવસ બરોડા જ છું...!” એ અધૂરું વાક્ય સિદ્ધાર્થે જાતે જ મનમાં પૂરું કરી લીધું અને ટ્રેનની ઝડપ વધી જતાં પ્લેટફોર્મ ઉપર અટકી ગયો.
એકાદ બે-ક્ષણ ટ્રેનના ડબ્બાના દરવાજે ઉભા રહીને વિકટે પ્લેટફોર્મ ઉપર અટકી ગયેલાં સિદ્ધાર્થને દૂર થતાં જોયો અને પછી અંદર જતો રહ્યો.
■■■■
“સિદ્ધાર્થ”
instagram@siddharth_01082014