11. શિખરનો પત્થર
હોસ્ટેલ લાઇફ તો બધાની સાવ બેફિકર જ હોય. આમ તો અમે બધા જ હોસ્ટેલાઇટ્સ સંપૂર્ણ અવ્યવસ્થિત, બેજવાબદાર . ભણવામાં વ્યસ્ત અને પાછા ઘરથી દૂર એકલા એટલે એમ જ હોય. પણ એ અમારા બધામાં સહુથી વધુ લઘરો લાગતો હતો. ત્રણ દિવસે તો નહાય. ભલે નજીક ઉભે એને ગંધાતો લાગે. કપડાં પણ કાર્ટૂન જેવાં પહેરે. ઉપરથી તેને પાનનો શોખ લાગ્યો. હોઠના ખૂણે લાલ થૂંક હોય જ. દોસ્તોની મઝાકનો એને ફેર નહોતો પડતો.
જવા દો, દેખાવને શું કરવું છે? પણ જિંદગીમાં અમુક કામ માટે આપણે જવાબદારી લઈએ તો વ્યવસ્થિત રીતે નિભાવવી તો પડે ને? આને તો જવાબદારી એટલે શું એ સમજાતું ન હતું. તે સમજવા પણ માંગતો નહોતો. બેફિકરાઈ અને અસ્તવ્યસ્તપણાની પરાકાષ્ઠા એટલે એ મિત્ર.
પણ એક વાત કબૂલ કરવી પડે. ભણવામાં તે હોંશિયાર હતો.
એમાં છેલ્લા વર્ષના અંતે અમારા બધાના કેમ્પસ ઇન્ટરવ્યૂ આવ્યા.
તેને પણ ઇન્ટરવ્યૂમાં બેસવું હતું. અમે સહુએ એને તૈયાર કર્યો કે ત્યાં જરાતરા દેખાવ કરી લે. માર્કશીટ માગે નહીં તો થોડા ફાંકા પણ મારી લે. એ અમારી આ વાતમાં કબૂલ ન થયો. જરાય કોપી કોઈના માંથી નહીં કરવાની, બીજા કોઈ દેખાવ કરે એમ નહીં, પોતાને યોગ્ય લાગે એ જ દેખાવ કરવાનો. પોતાના અભ્યાસ, આવેલા ટકા કે પિતાના અભ્યાસ, ધંધો, પોતાનું કુટુંબ વગેરે વિશે ખોટું નહીં બોલવાનું. સાચું બોલી જે છે તેવા દેખાવા પ્રયત્ન કરવાનો. પછી થવું હોય તેમ થાય. તેણે સહુને એમ કહ્યું.
'ક્યારેક સાચા નહીં, સારા દેખાવું પડે' અમે કહ્યું અને તેને સમજાવ્યો. સદ્ભાગ્યે એણે અમારી શિખામણ માની. એનાં નસીબે એને પૂછેલા પ્રશ્નો પણ એને સારી રીતે આવડ્યા. અમારા સહુની નવાઈ સાથે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તે સિલેક્ટ પણ થઈ ગયો!
એ પછી તો એની સાથે ખાસ સંપર્ક રહ્યો નહીં.
ઘણા વખતે એક વખત કોઈ કામ માટે અમે અમુક જૂના મિત્રો એની કંપનીમાં ગયા તો એ મળ્યો. અત્યારે હોસ્ટેલમાં હતો એ કરતાં સાવ જ જુદો લાગતો હતો. તે એ કંપનીમાં મોટો સાહેબ હતો. અત્યારે એણે વ્યવસ્થિત ડ્રેસ પહેરેલો. બોલચાલ અને વર્તણુંક પરથી એ પૂરો જવાબદાર લાગતો હતો. કામના નિર્ણયો તે ફટાફટ લેતો હતો અને દેખાઈ આવે કે સંપૂર્ણ જવાબદારી સાથે એ કામ કરતો હતો. એ પણ જરાય ટેન્શન વગર.
હા, નવું એ વાતનું લાગ્યું કે હવે તે પૂરેપૂરો નિર્વ્યસની બની ગયો લાગ્યો. એક જમાનામાં હોઠને છેડેથી પાનના લાલ રેલા ઉતરતા દેખાતા એ આજે સદંતર ગુમ હતા.
અમને ખૂબ નવાઈ લાગી. અમે એને તેનામાં આ ધરમૂળથી ફેરફાર આવવાનું કારણ પૂછ્યું તો એ કહે,
"જુઓ, આમ તો હું અંદર બહારથી એ વખતે હતો એ જ છું. પણ હું પાયામાંથી ચડતો આગળ જતો ગયો એમ મારી કુટેવો મારે છોડવી જ પડી. કંપનીની પ્રતિષ્ઠા ખાતર બહારની વ્યક્તિઓને માટે મારે સારા દેખાવું પડે. ટોચ સામે દુનિયા ડોક ઊંચી કરીને જુએ છે. એમાં મારી હાલચાલ, બોલવાચાલવાની ટેવો સુધારવી પડી. હું કપડામાં વ્યવસ્થિત થયો. એ ઉપરાંત સમય પ્રત્યે સતત સભાન રહેવું પડે છે. એમ કરું છું ત્યારે આ ખૂબ ઉચ્ચ પદે પહોંચીને ત્યાં ટક્યો છું."
"ચાલો અમે સહુ ખુશ થયા. એના માનમાં સાંજે પાર્ટી. ઠાંસીને જમશું, ઠટકાવશું. પાન ખાશુંને?" અમે હક્કથી કહ્યું.
"આમ તો હવે કોઈ વ્યસન નથી રહ્યું છતાં જોઈએ. પણ હવે બાજુમાં રેલા નહીં ઉતરે. પાન છૂટયાં, પીતો તો નથી. જેમ ઉપર જાઓ તેમ દાખલો બનવું પડે. કંપની પહેલાં હું બધે મારી જાતને જવાબદાર છું. હું અત્યારે શિખરની ટોચનો પત્થર છું.
શિખરના પથ્થરે તો સહુથી વધુ ઘસાવું પડે, સતત સચેત રહેવું પડે અને પર્વતનું લોક નજરે માન જાળવવા ઉજળા રહેવું પડે." તેણે કહ્યું.
***