Nitu - 69 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 69

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 69

નિતુ : ૬૯ (નવીન તુક્કા)


નિતુ પ્રત્યેની નવીનની લાગણી દિવસે ને દિવસે દ્રઢ બનતી જઈ રહી હતી. કોઈને કોઈએ વિષય કે બહાનું શોધી તે તેની સાથે વાતો કરી જ લેતો. જોકે આ વાતે નિતુને પણ હવે કોઈ ઇન્કાર નહોતો. એક સારા મિત્રની જેમ એ પણ ક્યારેય તેની કોઈ વાતનું ખોટું ના લગાડતી કે ના તેની વાતોના પ્રત્યુર વગર રહેતી. તેને નવીનનાં રૂપમાં એક નવો દોસ્ત મળ્યો હતો. તેને જરાકેય અહેસાસ થાય, કે નિતુની ખુશીમાં ભંગાણ થઈ રહ્યું છે, તુરંત તે અવનવા પ્રયોગો કરી ફરી તેને જુસ્સાથી ભરી દેતો.

કેન્ટીનમાં રોજે સાથે લન્ચ કરતા કરતા તે તેને હસાવ્યા જ કરતો. આજે તેઓ લંચ માટે સૌથી પહેલા આવીને બેસી ગયા હતા. અનુરાધા અને સ્વાતિને પણ નિતુની સાથે નવીનની નતનવી વાતોનો અને જોક્સનો લ્હાવો લેવાની ટેવ પડી ગઈ હતી.

કેન્ટીન તરફ જતા રસ્તામાં કરુણા, અશોક અને ભાર્ગવ નવા થનારા મેનેજર અંગે ચર્ચા કરતા કેન્ટીન તરફ આવી રહ્યા હતા. અશોકે પૂછ્યું, "શું લાગે છે ભાર્ગવ? આપણા આટલા બધા એમ્પ્લોઇઝ છે, તો એચ. આર. ટીમ કોની પસંદગી કરશે?"

ભાર્ગવ કહે, "જો અશોકભાઈ, એકવાત તો સાફ છે કે લગભગ અઢીસો જેટલા એમ્પ્લોઇઝ છે. હવે એમાંથી છાવણી મરીયે તો પણ મારી નજરમાં દસથી પંદર એવા લોકો છે જેને જોઈને એમ કહી શકાય, કે તે મેનેજર તરીકેની યોગ્યતા ધરાવે છે."

"હમ... વાત તો તારી સાચી."

કરુણા તેઓની વચ્ચે બોલતા કહે, "એ બધી તો પછીની વાત છે જ્યારે તમે નહીં હો."

"એટલે?" ભાર્ગવે પૂછ્યું.

"જુઓ ભાર્ગવભાઈ, અશોકભાઈ, તમે બન્ને ભલે ગમે તેમ વિચારો, પણ વાત જ્યાં સુધી મેનેજરની છે તો એ કહેવું ઘટે, કે મેનેજર તરીકે એની પસંદગી થશે જે આખી કંપનીને સંભાળી શકે અને બધાને ખબર છે કે આપણી આખી ઓફિસમાં તમારા બન્નેથી સારા ટીમ લીડર બીજા કોઈ નથી."

" તારી વાત બરાબર છે કરુણા. પણ એક ટીમ લીડરમાં અને મેનેજરમાં ફેર હોય છે."

"હા... ફેર તો હોય છે. પણ મેનેજર બનવા માટે એક સારા ટીમ લીડર હોવું એટલું જ જરૂરી છેને! મારૂ માનવું છે કે તમારા બન્નેમાંથી કોઈ એક ની પસંદગી થવી જોઈએ."

તેઓ કેન્ટીનમાં પાહોંચ્યા અને રોજવાળા ટેબલ પર બેસતા અશોકે હસીને કહ્યું, "આપણાં માનવા ન માનવાથી કોઈ ફેર નથી પડવાનો. અંતે તો એચ. આર. ટીમ નહિ પણ સુપ્રીમ કહેવાતા આપણા વિદ્યા મેડમનો નિર્ણય જ માન્ય ગણાશે. બાકી બધી વ્યર્થ ઉપાધી કરવાનો કોઈ અર્થ નથી."

"કેમ નથી?..." ભાર્ગવે નેણ ઊંચા કરી, આંખોથી નિતુના ટેબલ તરફ ઈશારો કર્યો અને આગળ કહ્યું, "... ત્યાં જુઓ. આપણી ઓફિસમાં આ પણ એક નવી કહાણીનું સર્જન થઈ રહ્યું છે." અશોક અને કરુણાએ પણ ખડખડાટ હસીને સાથે લન્ચ કરતા નવીન, નિતુ, અનુરાધા અને સ્વાતિને જોયા.

"શું તમે પણ રાયનો પહાડ બનાવો છો! મને એ અંગે ખાત્રી છે કે નીતિકનાં મનમાં નવીન માટે કશું નથી અને મારું માનો તો એની કરવા કરતાં લંચ કરવામાં ધ્યાન આપો." કરુણાએ સૂચન કર્યું.

"એવું તને લાગે છે." અશોકે કહ્યું.

કરુણા ફરી બોલી, " જ્યાં સુધી હું નીતિકાને સમજુ છું, આ મારું દ્રઢતાથી માનવું છે. "

તેની વાત નકારતા ભાર્ગવ બોલ્યો, "અરે કરુણા હમણાં જ તો અશોકે કહ્યું કે આપણા માનવા ન માનવાથી કશોય ફેર નથી પડવાનો. એ વાત અહીં પણ એટલી જ લાગુ પડે છે, સમજી? કાલે સવારે જો તેનું મન ફર્યું અને નવીનને પસંદ કરી બેઠી તો?"

તેઓએ જમવાનું શરૂ કર્યું એટલીવારમાં નીતિકાના ટેબલ પર બેઠેલાં લોકોનું જમવાનું પતી ગયું. બધા ઉભા થઈને પોતાની જગ્યાએ પરત જાય એ પહેલા નવીને બધાને પાછા બેસારી દીધાં. 

"અરે એક મિનિટ, બેસો બેસો... હજુ એક વસ્તુ બાકી છે."

"શું?" અનુરાધાએ પૂછ્યું.

નવીન ક્હે, "આજે મારા તરફથી તમને દરેકને હું આઈસ્ક્રીમની ટ્રીટ આપી રહ્યો છું."

સ્વાતિ બોલી, "ઓહો... શું વાત છે! ચાલો એ પણ જણાવી દ્યો કે કયો આઈસ્ક્રીમ ખવરાવી રહ્યા છો?"

"શું લેશો બટર પીકન કે મુજ ટ્રેક?"

"બસ, બે જ ઓપશન છે?"

"હા, કારણકે મને ખબર છે કે આ બંને નીતિકા મેમ ના ફેવરિટ છે."

સ્વાતિ અને અનુરાધા બંને એકબીજાની સામે જોવા લાગ્યા અને નીતિકાએ નવીનને પૂછ્યું, "અચ્છા, તો તને કોણે કહ્યું કે આ બંને મારા ફેવરિટ છે?"

"સમજીલો કે મેં તમારા મનને પૂછ્યું અને એણે મને આન્સર આપી દીધો. તમારા ફેવરિટ એ જ બે આઈસ્ક્રીમ છેને?"

હસીને તેણે માથું હલાવી હા કહ્યું. નવીને તુરંત આ બંને આઈસ્ક્રીમનો ઓર્ડર આપી દીધો. સ્વાતિએ કહ્યું, "તે બંનેનો ઓર્ડર કેમ આપ્યો?"

"બંને નીતિકા મેડમના ફેવરિટ છે, એને જે જોઈએ એ લેશે."

"અને અમારા માટે?" અનુરાધાએ પૂછ્યું.

"જે વધે એમાંથી તમારે સમજી લેવાનું, બીજું શું."

અનુરાધાએ ફરી કહ્યું, "તમે આજ કાલ તમારા મેડમનું એટલું બધું ધ્યાન કેમ રાખવા લાગ્યા છો?"

નવીને કહ્યું, "કારણ કે હવે એ માત્ર મારા મેડમ નથી, અમે બન્ને સારા એવા ફ્રેન્ડ બની ગયા છીએ, તો... ફ્રેન્ડ્સ લોકોમાં આવું ચાલ્યા કરે."

"અચ્છા!" આંખો પહોળી કરી સ્વાતિ બોલી.

"હા..."

અશોક અને ભાર્ગવ લંચ કરતા કરતા તેઓની આ ઠઠ્ઠા મસ્તી જોઈ રહ્યા હતા. થોડીવારમાં એક ડિલિવરી બોય તેઓની પાસે આવ્યો અને આઈસ્ક્રીમ આપી ચાલ્યો ગયો.

અશોકે ભાર્ગવ તરફ નમીને હળવાશથી કહ્યું, "જોયું ભાર્ગવભાઈ, નીતિકાનો ફેવરિટ આઈસ્ક્રીમ મંગાવવામાં આવ્યો છે અને એ પણ નવીન તરફથી. હવે તો નક્કી દાળમાં કંઈક કાળું છે."

તેણે પણ એવાં જ રવે ઉત્તર આપ્યો, "હમ્મ... નીતિકા એટલું જ એન્જોય કરી રહી છે જેટલું નવીન ઈચ્છે છે. દાળમાં કાળું તો છે જ."

ત્રાસીને કરુણાએ કહ્યું, "તમને લોકોને શરમ નથી આવતી? તમારી સામે હું બેઠી છું છતાંય આવી વાતો કરો છો."

ભાર્ગવ કહે, "લૂક કરુણા. તું જમીને છૂટી. પણ આજે આ નવીન શું કરી રહ્યો છે એના મૂળ સુધી તો અમે પહોંચીને જ રહીશું."

"ફાઈન... ખરા છો તમે બંને પણ. હુંહન..." કરતી નિસાસો નાખી તે ઉભી થઈ ગઈ અને આગળ બોલી, "હું જાઉં છું. તમારે જે કરવું એ કરો."

"હ... હ... "કરતા મોઢામાં ચમસી મૂકતા બંનેએ તેના તરફ જોયા વિના જ તેને જતા રહેવા કહ્યું અને બનેંની નજર સામેનાં ટેબલ પર ચોંટેલી હતી. કરુણા માથું ફૂટતી ત્યાંથી જતી રહી. અશોક અને ભાર્ગવે અવનવા તારણો કાઢતા તેઓને જોઈ રહ્યા. અંતે આઈસ્ક્રીમની પાર્ટી પતાવી તેઓ જવાની તૈય્યારી કરી રહ્યા હતા કે ભાર્ગવે સાદ કર્યો, "નવીન, જરાં અહીં આવજે."

"તમે લોકો જાવ હું આવું." કહીને તેણે ત્રણેયને વિદાય આપી દીધી અને તે અશોક અને ભાર્ગવની સામે જઈને બેસી ગયો.

"હા બોલો ભાર્ગવભાઈ. શું થયું? કોઈ કામ હતું?"

બહાર નીકળતાં જ સ્વાતિએ કહ્યું, "ઓહ ગોડ, હું મારો ફોન કેન્ટીનમાં જ ભૂલી ગઈ. તમે જાવ હું આવું છું." એ કેન્ટીનમાં પહોંચે એ પહેલા દરવાજેથી જ તેને ત્રણેયનો અવાજ સંભળાયો. તે કેન્ટીનના દરવાજાની ઓથે ઉભી રહીને તેઓની વાત સાંભળવા લાગી.

ભાર્ગવે કહ્યું, "ભાઈ જો, અમારે કામ તો તારું ખાસ છે. પહેલા તું અમને એમ ક્હે કે આ બધું શું ચાલી રહ્યું છે?"

"શેનું?"

"નવીન અજાણ નહિ બન." અશોકે થોડી કડકાઈથી કહ્યું.

"હું અજાણ નથી બનતો. તમે મને ચોખવટ કરો કે શેના વિશે પૂછો છો તો હું કંઈક કહુંને."

"તું અમારી સાથે રોજે લંચ કરતો અને અચાનક ટેબલ ફેરવ્યું. આજ કાલ તારા લંચ ટેબલ પર જે ઠઠ્ઠા મસ્તી જામી રહી છેને એ અમે જોઈએ છીએ."

"એ તો ચાલ્યા કરે એમાં તમે..."

"નવીન, હોંશિયાર ના બન. અમને બધું સમજાય છે. હાં..!"

"અરે એવું કંઈ નથી. તમે ક્યાંનું ક્યાં લઈ જઈ રહ્યા છો."

ભાર્ગવે કહ્યું, "અમે તારા સિનિયર છીએ અને અમને મૂરખ બનાવવાની કોશિશ ના કર. અમને બધું સમજાય છે."

અશોકે તેમાં ઉમેર્યું, "આ નીતિકા સાથે તારું શું ચાલી રહ્યું છે?"

તે ગભરાતા બોલ્યો, "કશું નહિ... આ શું બોલો છો."

ભાર્ગવે કહ્યું, "એટલે જ મોડે મોડે સુધી ફોન થાય છે. આખો દિવસ ઓફિસમાં સાથેને સાથે અને કેન્ટીનમાં એના ફેવરિટ આઈસ્ક્રીમની ટ્રીટ અપાઈ રહી છે. કેમ?"

નવીનને શું જવાબ આપવો એ નહોતું સમજાતું. તેની એવી સ્થિતિ જોઈ અશોક તેની બાજુમાં બેસીને તેના માથા પર હાથ ફેરવતાં કહેવા લાગ્યો, "ભાર્ગવ શું કરે છે યાર? બિચારો ડરી ગયો."

"તમે લોકો વાત જ એવી કરો છોને..." નવીન બોલ્યો.

ભાર્ગવ કહે, "અરે ભાઈ મજાક હતી. હવે શાંતિથી સાંભળ, અમે જોઈ રહ્યા છીએ કે તારામાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે. સાચું કહે જે, તને નીતિકા પસંદ આવી ગઈને?"

શર્માતા તે કહેવા લાગ્યો, " તમે લોકો પણ ગજબ કરો છો."

"સાચું જ બોલી રહ્યા છીએ."

"ના ના."

અશોકે કહ્યું, "આ નનૈયાની પૂંછડી થામાં. અમને બધી જાણ છે. યાર આવું કશુંક હોય તો તારે અમને પૂછવું જોઈએ. સાચું કહેજે, તારી અને નીતિકા વચ્ચે શું શું વાતો જામી રહી છે?"

"યાર તમે લોકો આ રીતે મારી ટેર ના ખેંચો હા. કહી દઉં છું."

"અરે... તું સમજતો નથી. અમે તારી ટેર નથી ખેંચતા, અમે તો જે જોયું એની ખાત્રી કરીયે છીએ."

"આ કંઈ ખાતરી કરવા જેવી વાત છે."

અશોકે કહ્યું, "નવીન, અમને પહેલા તને કીધું કે અમને મૂરખ ના બનાવ. જો, અમે બન્ને તારા સિનિયર છીએ અને ઉપરથી બંને પરણેલા. યાર આવી બાબતમાં તારે અમારી હેલ્પ લેવી જોઈએ."

ભાર્ગવે તેમાં ઉમેર્યું, "તું એક કામ કર. સીધું જઈને તેને પ્રપોઝ કરી દે."

તુરંત નવીન બોલ્યો, "ના ના, આ રીતે સીધું થોડીને પ્રપોઝ કરાય. નીતિકા શું સમજશે?"

ખુશ થતાં ભાર્ગવે કહ્યું, "હાં... જોયું જોયું અશોકભાઈ, મેં તમને કહેલુંને કે નવીન નીતિકાના ચક્કરમાં જ છે."

નવીનને ખબર ના રહી એ રીતે બંનેએ ભેગા મળી તેના મોઢે બોલાવી દીધું. પોતાની વાત ઢાંકતા તે કહેવા લાગ્યો, "મારો કહેવનો આશય એ નહોતો."

અશોકે કહ્યું, "છોડ તારા આશય- બાશાયને. આમારીથી શું છુપાવવાનું. હવે કહી દે જે તારા મનમાં છે એ."

"શરમાઈને તે બોલ્યો, "સાચું કહું... યાર મેં પહેલી વાર એને જોઈને ત્યારથી જ એ મને પસંદ આવી ગઈ હતી, પણ એને કઈ રીતે કહેવું એ નહોતું સમજાતું."

ભાર્ગવે કહ્યું, "હાં.... અબ આયા ના... ઊંટ પહાડ કે નીચે... હેં..."

અશોક નવીનને કહેવા લાગ્યો, "યાર તારે અમારી પાસેથી એડ્વાઇસ લેવી જોઈએ."

"તમારી પાસેથી?"

"હાં... જો મારી પાસે એક મસ્ત પ્લાન છે." અશોક અને ભાર્ગવે તેને એક એડ્વાઇસ આપી. એટલામાં દરવાજે ઉભેલી સ્વાતિ અંદર આવી અને કશું થયું જ ના હોય એમ વર્તતા તે તેનો ફોન લઈને સીધી જ અનુરાધા પાસે જતી રહી.

ત્યાં જઈ તેણે અનુરાધાને કહ્યું, "અનુરાધા એક બ્રેકીંગ ન્યુઝ છે."