અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે. કેલેન્ડરના છેલ્લા પાને અટકેલા સપનાઓ, ઈચ્છાઓ, કંઈક નવું કરવાના વિચારો, કોશિશો, વાયદાઓ, અનુભૂતિ, અભિવ્યક્તિ, પ્રયત્નો, આવનારા વર્ષના મુઠ્ઠી બાંધીને લઈ જઈને મન ભરીને જીવી શકાય એવી નવા વર્ષની શુભેચ્છાઓ. દરેક સપનાઓને હકીકતમાં સાચા સ્વરૂપે જીવી શકાય, મન ભરીને, મનમાં ભરીને નહીં, તો સપના સાચા અર્થમાં સાર્થક છે. જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે ઘણા લોકો પોતાની જાત સાથે અમુક વાયદાઓ કરતા હોય છે. જેમ કે નવા વર્ષથી રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ, કે નવા વર્ષથી આ વ્યસનને મુકવાનું છે, આ વર્ષમાં આ ગોલ મેળવવાનો છે, કે પેલું ધ્યેય પ્રાપ્ત કરવાનું છે, વગેરે વગેરે. આરંભે સુરાના કથન પ્રમાણે શરૂઆતમાં તો પોતાની વાત - વચનને વળગી રહેવાય છે પરંતુ જો દ્રઢ મનોબળ ના હોય તો કઠણ કાળજું કરીને વટ વચન ને વોટ્સેપ સાથે લેવાયેલા રિસોલ્યુશન પણ મધદરિયે ઢીલા નાંગર નાખીને જોલા ખાતા હોય એવું અનુભવ્યું છે.
વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે શાંતિથી, પ્રકૃતિ સાથે બેસીને ક્યારેય વિચાર્યું છે કે આખા વર્ષ દરમિયાન કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું છે. આથમતી સાંજે રોજમેળ લઈને આવક જાવક નો હિસાબ કરતો માણસ પોતાના સપનાઓ, ઈચ્છાઓનું રોજમેળ ખોલવાનું પણ ભૂલી જાય છે. ખરેખર ક્યારેય વિચાર્યું છે કે ત્રણસો પાસઠ દિવસની આઠ હજાર સાતસો સાઠ કલાકમાંથી આપણે પોતાના માટે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના સપનાઓ, મરજી પ્રમાણે કેટલી કલાક જીવ્યા છીએ. અરે આંખ બંધ કરીને ફ્લેશબેકમાં જઈને અત્યારે જ વિચારી જુઓ, વિચાર આવશે કે વર્ષમાં બે ચાર દિવસ જેવા કે બર્થ ડે, એનિવર્સરી કે પછી કોઈ નજીકના મિત્ર કે સગા વહાલા ના લગ્ન, કે પછી કોઈ સારા તહેવારમાં જો અડધો દિવસ નીકળી જવાયું હોય તો કુલ મળીને બેતાલીસ કલાક એટલે કે આખા વર્ષ દરમિયાન માણસ પોતાના માટે બે આખા દિવસ જીવ્યો હશે. કરુણતા કહો કે મજબૂરી પરંતુ સામાન્ય માણસની આ જ હકીકત છે.
વર્ષના છેલ્લા દિવસે આખા વર્ષનો ફ્લેશબેક જોવાનો મોકો બધાને મળે છે પરંતુ કોઈ નથી જાણતું કે ક્યો દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની જાય છે અને જ્યારે જીંદગી નો છેલ્લો દિવસ હોય છે ત્યારે જીવનનો ફલેશબેક જોવાનો કોઈ મોકો નથી મળતો. જિંદગી વીતી જાય ત્યારે સમજાય છે કે જિંદગી માણવાની હતી, જીવવાની હતી. સવારથી સાંજ સુધી ચાલી રહેલી હોડમાં સુખના બદલતા સરનામા ને પહોંચી વળવા લાગેલી દોડધામમાં માણસ દોડી દોડીને એટલું તો થાકી જાય છે કે જ્યાં પહોંચવા માટે જિંદગીના આટલા વર્ષો ખરચી નાખ્યા હોય, છેલ્લા શ્વાસ સુધીના દાવ લગાવી દીધા હોય, ત્યાં પહોંચીને એ લક્ષ્યને મેળવવાની કોઈ જ ખુશી માણવાની ક્ષમતા નથી રહેતી. કારણ કે આપણને બ્રાન્ડેડ ખુશી જોઈએ છે. જેને મેળવવા ઊંચી કિંમત ચૂકવવી પડે છે. અને એ કિંમત ચૂકવવા માટે આપણે એ બધું છોડવા તૈયાર હોઈએ જે વાસ્તવ માં મૂલ્યવાન હોય છે. જેની કોઈ કિંમત ના આંકી શકાય એવું હોય છે. નોન બ્રાન્ડેડ ચિલ્લા ચાલુ ખુશીમાં આપણને કોઈ રસ નથી હોતો. જેમ કે સવાર સવારમાં ઉઠતા ની સાથે બ્રાન્ડેડ કપમાં કોફી મળવી જોઈએ. (બ્રાન્ડેડ ખુશી). જ્યારે વિખરાયેલા વાળ સાથે, કલરથી ઝાંખું પડી ગયેલું નાઈટ સૂટ પહેરીને કોઈપણ પરિસ્થિતિમાં ગરમા ગરમ ચા બનાવીને ચા નો કપ આપણા હાથમાં પકડાવનાર સ્ત્રીને એ ચા ના કપના બદલામાં એક સ્માઈલ આપવાનું પણ ભૂલી જઈએ છીએ. ક્યારેક એ ગરમા ગરમચાનો કપ લેતા એની સામે જોઈને સ્માઈલ કરી જોજો પછી એના ચહેરા પર જે જોવા મળશે એ હોય છે, નોન બ્રાન્ડેડ ખુશી. એ સ્ત્રી દિવસભર થાક્યા વગર કામ કરી શકશે. વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્યાં જરૂર છે. બાળક જ્યારે પહેલીવાર કંઈક નવું કરીને, લખીને કે શીખીને આવે ત્યારે એ કેટલું એક્સાઇટેડ હોય છે મમ્મી કે પપ્પાને જણાવવા માટે. જ્યારે શાળાએથી આવે ત્યારે એને કેટલું બોલવું હોય છે પરંતુ જેવું એ બોલવાનું શરૂ કરે દરેક મમ્મીનું પહેલું રિએક્શન એ હોય કે 'બેગ સરખી રીતે મૂક' ,'યુનિફોર્મ કાઢીને જગ્યાએ મુક',' લંચ બોક્સ બોટલ જગ્યા એ muk'. એટલું કરી લે ત્યાં સુધીમાં તો બાળકનો બધો ઉત્સાહ ઠંડો ગાર થઈ ગયેલો હોય. બાળક આવે ત્યારે એની સામે જોઈને ક્યારેક એને શાંતિથી સાંભળી તો જોજો એને ચહેરા પર પણ દેખાશે એ નોન બ્રાન્ડેડ ખુશી. આવા નાના નાના ઇન્વેસ્ટમેન્ટ જ યાદ આવશે જ્યારે છેલ્લો દિવસ હશે જિંદગીનો.
કાર લઈને જતી વખતે ક્યારેય કોઈ વોચમેન હાથ ઊંચો કરીને સલામ કરે તો બે સેકન્ડ થોભીને સ્માઈલ સાથે 'કેમ છો' એમ પૂછજો, ક્યારેક એના ચહેરા પર પણ દેખાશે ખુશી. ઘરમાં આવતી, તમારુ રોજનું ટાઈમ ટેબલ સાચવતી, તમારા ઘરને સ્વચ્છ રાખતી કામવાળી બાઈ ને ક્યારેક માસિક સમયે માગ્યા વગર બે દિવસની રજા આપી જો, એના ચહેરા પર પણ દેખાશે એ ખુશી. ક્યારેક ડ્રાઇવરને મોડા આવવાને કારણે ઠપકો આપવાને બદલે એના ખભા પર હાથ મૂકીને એના મોડા આવવાનું કારણ પૂછજો, એના ચહેરા પર પણ દેખાશે એ ખુશી. રોજ ઘર - શેરીને ચોખ્ખું ચણાક રાખનાર સફાઈ કામદાર અને કચરો હટાવનારને ક્યારેક એક ગ્લાસ પાણીનો ભરીને સ્માઈલ સાથે આપી જો, એના ચહેરા પર પણ દેખાશે એ ખુશી. અને આ જે નાની નાની ખુશીઓની વહેંચણી છે એનું વળતર ખૂબ મોટું મળે છે. વર્ષના છેલ્લા દિવસે કોઈ રિસોલ્યુશન લેવાનું વિચારતા હોય તો આવી નોન બ્રાન્ડેડ ખુશીઓ લૂંટાવવાનું વિચારજો. દરેક પરિસ્થિતિમાં પરવડે એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે હંમેશા બમણું થઈને વ્યાજ સાથે મળશે. કોઇ ની માફી માંગી લેજો અને કોઈને માફ કરી દેજો. જે મન માં હોય એ પ્રિયજન સામે રજૂ કરવામાં ક્યારેય ના અચકાવું. નવા વર્ષથી નવી જીંદગી ને નવી રીતે જીવી શકાય માણી શકાય એવી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ.