લૂફથાન્સા લૂંટ
અમેરિકાના જે. એફ. કેનેડી એરપોર્ટ પર પેસેન્જરનો ટ્રાફિક સમી રહ્યો હતો પણ એરકાર્ગોનો ટ્રાફિક અકબંધ હતો. એરપોર્ટના રન વે પર લંગારાયેલાં હવાઈ જહાજોની પાસે અલગ અલગ સાઈઝની ટ્રક ગોઠવાઈ ગઈ હતી અને એ ટ્રકમાંથી માલ પ્લેનમાં ભરવામાં આવી રહ્યો હતો. સિત્તેરના દાયકામાં એરકાર્ગોનો ઉપયોગ મોટેભાગે કીમતી સામાન પહોંચાડવા માટે થતો હોવાથી એરકાર્ગોમાં મોટાભાગે ટ્રાન્ઝિસ્ટર, ટીવી, ટેપરેકોર્ડર અને ફ્રીજ જેવોઇલેક્ટ્રિક સામાન મોકલવામાં આવતો. ક્યારેક આ સામાનની આડશમાં હીરા અને સોનાનાં બિસ્કિટ્સ તથા હેરોઈન અને મારિજુઆના જેવા ડ્રગ્સની પણ સપ્લાય કરાતી. આ આખો એ સમયગાળો હતો કે જે સમયે અમેરિકા માત્ર અલગ અલગ રાજ્યનો બનેલો એક દેશ નહીં પણ અલગ અલગ દેશોમાંથી અમેરિકામાં આવેલા ગુંડાઓનો એક દેશ હતો. અમેરિકાની માફિયાગીરી ચરમસીમાએ પહોંચી હતી. એશિયન માફિયા, નિગ્રો માફિયા, શ્રીલંકન માફિયા, મેક્સિકન માફિયા અને એ બધા ઉપરાંત અમેરિકાની લોકલ ગેંગ્સ. મોટાભાગની આ બધી ગેંગ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતી. આ માફિયાઓના ત્રાસ વચ્ચે સાંજ પડતા જ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એફબીઆઈ એક્ટિવ થઈ જતું અને ચેકિંગ વધારી દેતું હતું. એ ચેકિંગ એ હદે ટાઈટ થઈ જતું કે અઢી ઇંચના ચકલાને પણ ફરકવાની બીક લાગતી. આવા ભયના માહોલ વચ્ચે પણ અમેરિકાને શરમાવી દે એવી લૂંટ થઈ અને એમાં ૫૮ લાખ ડોલરની કેશ અને જ્વેલરી લૂંટવામાં આવી. અચંબાની વાત એ છે કે આ લૂંટ શહેરના કોઈ અંતરિયાળ વિસ્તારમાં નહીં પણ એરપોર્ટ જેવા અત્યંત મહત્ત્વના કહેવાય એવા ભાગમાં થઈ અને જગપ્રસિદ્ધ એરલાઈન્સ લૂફથાન્સાના કાર્ગો પ્લેનને જ લૂંટી લેવામાં આવ્યું. જે દિવસે લૂંટ થઈ એ દિવસ હતો - ૧૧મી ડિસેમ્બર, ૧૯૭૮. સમય - વહેલી સવારના લગભગ ત્રણ વાગ્યે.
લૂફથાન્સા એરલાઈન્સ વર્લ્ડની ટોચની એરલાઈન્સ છે. લૂફથાન્સા એરલાઈન્સ પાસે પ્લેન વધુ હતાં પણ એ સમયે પેસેન્જરને પ્લેનની ટિકિટ મોંઘી લાગતી હોવાથી ટ્રાફિક જોઈએ એવો મળતો નહોતો અને એ જ કારણે લૂફથાન્સાના મેનેજમેન્ટે પોતાનાં પ્લેન કાર્ગો ર્સિવસ માટે આપ્યાં હતાં. લૂફથાન્સા એરવેઈઝના પ્લેનમાં દરરોજ અલગ અલગ માલ રવાના થતો પણ મહિનામાં એક વાર એરકાર્ગોમાં કીમતી જ્વેલરી અને કેશ ફંડ મોકલવામાં આવતું હતું. લૂંટનો પ્લાન બનાવનારા જિમી બર્કને આના વિશે ઇન્ફર્મેશન મળી અને જિમીએ આ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. જિમી મૂળભૂત રીતે ફિલાડેલ્ફિયાની એક ગેંગ સાથે જોડાયેલો હતો અને હોર્સરેસ કે ફૂટબોલની મેચ વખતે બેટિંગના આંકડા લેવાનું કામ કરતો પણ એ કામમાં એને ખાલી કમિશન મળતું હતું અને જિમીને કમિશનમાં રસ નહોતો. એને રાતોરાત ડોલરદાર થવું હતું.
જિમીને જેમ રાતોરાત ડોલર કમાવવા હતા એમ માર્ટીન ક્રગમેનને પણ પૈસાની જરૂર હતી. માર્ટિન દર વીકએન્ડમાં લાસવેગાસ જઈને જુગાર રમતો હતો. માર્ટિનનાં તકદીર એવાં ખરાબ હતાં કે તે મોટાભાગે જુગારમાં હારતો રહેતો. છેલ્લા ચાર મહિનામાં માર્ટિન પર અઢાર હજાર ડોલરનું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે માર્ટિનને કોઈ પણ શોર્ટકટની જરૂર હતી. માર્ટિન અને જિમી બંને એકબીજાને અઢી વર્ષથી ઓળખતા હતા. જિમીને ખબર હતી કે માર્ટિન પૈસા માટે કંઈ પણ કરી શકે છે એટલે જ તેણે સૌથી પહેલો કોન્ટેક્ટ માર્ટિનનો કર્યો અને માર્ટિને તરત હા પાડી દીધી. પછી તેમની સાથે અન્ય ચાર વ્યક્તિઓ જોડાઈ અને આમ છની ટીમ બની. ટીમમાં જોડાયેલા એ છેલ્લા ચાર શખ્સને છેલ્લી ઘડી સુધી જાણ કરવામાં નહોતી આવી કે તે લોકો ક્યાં લૂંટ કરવાના છે. છેક દસમી ડિસેમ્બરની રાતે પોણા બાર વાગ્યે એ ચારેયને કહેવામાં આવ્યું કે કેનેડી એરપોર્ટ પર રાખવામાં આવેલા લૂફથાન્સા કાર્ગોના પ્લેનમાં ચોરી કરવાની છે. ચોરી કરવાનું સ્થળ સાંભળતાં જ ત્યાં તૈનાત રહેતી ટાઇટ સિક્યુરિટીને કારણે તે ચારેય ચોંકી ઊઠયા હતા.
હકીકત એ હતી જિમીની ગર્લફ્રેન્ડ કાલરા લૂફથાન્સામાં જોબ કરતી હતી. કાલરાને કારણે જ જિમીને કાર્ગોની બધી ઇન્ફર્મેશન મળી રહી હતી. કાલરા પાસેથી જિમીએ જાણી લીધું હતું કે પ્લેનમાં જ્યારે કેશ અને જ્વેલરી ભરાતી હોય છે ત્યારે એ જગ્યાએ ચાર સિક્યુરિટી ગાર્ડ હોય છે અને બધું ભરાઈ જાય ત્યારે પ્લેન પાસે બે ગાર્ડ ડયુટી પર રહે છે. જિમી અને તેના સાથીઓ રાતે ત્રણ વાગ્યે કેનેડી એરપોર્ટમાં ઘૂસ્યા. બધાંએ લૂફથાન્સા એરલાઈન્સનો ડ્રેસ પહેર્યો હતો અને આઈકાર્ડ પણ તેમની પાસે હતું. કેનેડી એરપોર્ટમાં એન્ટ્રી લઈને બધાં પ્લેનની પાછળના ભાગમાં જઈને ગોઠવાઈ ગયા.
પોણા ત્રણ વાગ્યે પ્લેનમાં માલ ભરાઈ ગયો અને વધારાના ગાર્ડ રવાના થયા એટલે એક પછી એક બધાં બહાર આવ્યા અને પોતાના કામે લાગી ગયા. બે ગાર્ડને બાંધી દેવામાં આવ્યા. બધો માલસામાન કબજામાં સરળતાથી આવી ગયો. પરફેક્ટ પ્લાન સાથે બધું ચાલી રહ્યું હતું. પણ એ જ સમયે પ્લેન પાસેથી એરપોર્ટ સિક્યુરિટીનો ગાર્ડ કેલી વોલન પસાર થયો. કેલીએ પ્લેન પાસે પડેલી બ્લેક ફોર્ડ જોઈ, પણ તેના પર એરપોર્ટનું સ્ટિકર ન જોયું. કેલી ફોર્ડ પાસે ઊભો રહ્યો અને કાર ચેક કરવા ગયો કે તરત જ તેની સામે કાળા કલરનાં કપડાં અને માસ્ક સાથેના છ લોકો આવી ગયા. એ બધાંએ કેલીને પકડી લીધો. કેલીએ કાર પાસે જતાં પહેલા રોફ રેબમન નામના એક બીજા ગાર્ડને વોકીટોકીથી માહિતી આપી હતી. કેલીની પાછળ જ તરત રોફ રેબમન આવી ગયો. રોફને પણ પકડી લેવામાં આવ્યો. આ આખી ઘટના દરમિયાન આ લૂંટારાઓએ કુલ અગિયારને બંદી બનાવ્યા હતા અને લૂંટ ચલાવી હતી.
ગાડી અંદર આવવી, એક્ઝેક્ટ એવા જ સમયે આવવી જે સમયે પ્લેનમાં જ્વેલરી અને કેશ ભરાઈ જાય અને એ બધાં પછી એવી રીતે લૂંટ કરવી કે જેમાં એક પણ ફિંગરપ્રિન્ટ ન રહે. ૬૪ મિનિટમાં લૂંટ પૂરી કરીને એરપોર્ટના ગેટ ઉપર કાર બહાર જવાની નોટ પણ આપવી, આ કોન્ફિડન્સ જોઈને જ એફબીઆઈને સૌથી પહેલી શંકા લૂફથાન્સાના સ્ટાફ પર ગઈ, જે લૂફથાન્સા એરવેઈઝની કામગીરીથી વાકેફ હતા. ઇન્કવાયરીની શરૂઆતમાં જે તે સમયે હાજર રહેલા એરપોર્ટના સ્ટાફની સિત્તેર વ્યક્તિઓ ને લૂફથાન્સાના ચાલીસ લોકોની પૂછપરછ થઈ પણ વાત અહીંથી નહોતી અટકતી એટલે કંપનીના એવા બધા કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા જેની ડયૂટી પૂરી થઈ ચૂકી હતી. અને કાં તો જેને એ દિવસે છુટ્ટી હતી.
પોલીસે ઇન્કવાયરી પછી શંકાસ્પદ લાગતા હતા એ બધાં પર પહેરો ભર્યો હતો, તેમની પાછળ ડિટેક્ટિવ મૂક્યા હતા. એ બધાંમાં આ કાલરા પણ એક હતી. કાલરાને પણ જિમી પર કોઈ શક ગયો નહોતો. કાલરા અને જિમી બંને રેગ્યુલર મળી રહ્યાં હતાં અને એમ છતાં પણ પોલીસને ક્યાંય બંને પર શંકા ગઈ નહોતી. છેક ૧૯૮૨ સુધી પોલીસ કોઈને પકડી શકી નહીં. ૧૯૮૧ના અંત ભાગમાં તો પોલીસે આ કેસ ક્યારેય સોલ્વ નહીં થાય એવી ધારણા બાંધીને કેસ પર ફોકસ કરવાનું પણ છોડી દીધું પણ ત્યાં જ ભૂલ થઈ માર્ટિનથી. લાસવેગાસના શોખીન એવા માર્ટિને તેના ભાગમાં આવેલી જ્વેલરી એક ક્લબમાં ગીરવે મૂકી અને પૈસા ચૂકવવામાં ફેલ ગયો. નિર્ધારિત સમયે પેલો માણસ એ જ્વેલરી વેચવા ગયો અને આખો ભાંડો ફૂટયો. માર્ટિનની શોધખોળ શરૂ થઈ અને માર્ટિનનાં બદનસીબે તે દસ જ દિવસમાં ફરીથી એ જ ક્લબમાં જુગાર રમવા આવ્યો, જે ક્લબનો માલિક ફસાયો હતો. પેલાએ ઇમિજિએટલી પોલીસને બોલાવી અને માર્ટિન પકડાયો. શરૂઆતમાં તો તેણે બહુ આનાકાની કરી પણ પછી તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસ એ પછી જિમી સુધી પહોંચે એ પહેલાં તે ફરાર થઈ ચૂક્યો હતો. માર્ટિને જે ચાર સાથીદારો પોતાની સાથે લીધા હતા એ ચારમાંથી પણ ત્રણ જ પકડાયા. માર્ટિન પાસેથી પોલીસને ખબર પડી કે કેશ બધી જિમી પાસે હતી. પોલીસ રોકડ રકમના સિરિયલ નંબરનું ચેકિંગ કરશે એવી અગમચેતીરૂપે તેણે હજુ સુધી માત્ર જ્વેલરીનો ભાગ પાડયો હતો અને કેશ પોતાના ઘરના ગાર્ડનમાં સંતાડી દીધી હતી. પોલીસે આખું ગાર્ડન ફેંદી નાખ્યું પણ કંઇ મળ્યું નહીં. જોકે ૧૯૮૦માં તે પોલીસનાં હાથ લાગ્યો હતો અને તેના પર રિચાર્ડ એટનની હત્યાનો કેસ ચાલ્યો હતો અને તે ત્યારબાદ મોત સુધી જેલમાંથી બહાર નિકળી શક્યો ન હતો.૬૪ વર્ષની વયે લંગ કેન્સરને કારણે તેનું મોત થયું હતું.
જિમી બર્ક અનાથ હતો. તેની આગળ પાછળ કે ઉપર નીચે કોઈ નહોતું. ફિલાડેલ્ફિયાની ગંદવાડભરી શેરીઓમાં એ મોટો થયો હતો અને બાર વર્ષની ઉંમરથી ડ્રગ્સ વેચવાના રવાડે ચડી ગયો હતો. જિમીને પકડવા માટે પોલીસે કાલરા પર નજર રાખી પણ કંઈ વળ્યું નહીં. ૧૯૯૫ સુધી કાલરાએ પોલીસ બોલાવે ત્યારે ડિપાર્ટમેન્ટમાં હાજર થવું પડતું હતું. કાલરા પાસેથી જ પોલીસ જિમીનાં અલગ અલગ રહેઠાણો પર રેડ પાડી હતી. આ રેડ પાડી ત્યારે તેના દરેક ઘરમાંથી અંગ્રેજી ફિલ્મ ’ગુડફેલાસ’ મળી હતી. અન્ડરવર્લ્ડમાં ટોચ પર પહોચવું એ જિમીની નેમ હતી અને તેની દરેક વાતોમાં આ અંગ્રેજી ફિલ્મનો પ્રભાવ હતો. એ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.તેને અંડર વર્લ્ડમાં ટોચે પહોંચવું હતું અને તે કારણે જ તેણે લુફથાન્સા જેવી અમેરિકાની એ સમયની સૌથી મોટી ગણાતી લુંટને અંજામ આપ્યો હતો.જો કે તેને એ નાણાં ખર્ચ કરવાનો સમય મળ્યો ન હતો.૨૦૧૫માં આ સમગ્ર લુંટ પર એક પુસ્તક ધ લુફથાન્સા હીસ્ટ પ્રકાશિત થયું હતું આ કેસ અમેરિકાની તપાસની હીસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલેલો કેસ હતો પોલીસે પાંત્રીસ વર્ષ સુધીતેની તપાસ કરી હતી છેલ્લે ૨૦૧૪માં આ પ્રકરણે પોલીસે ધરપકડ કરી હતી.
આ લુંટ સાથે સંકળાયેલા મોટા ભાગને કરૂણ મોતનો સામનો કરવો પડ્યો હતો.જિમ્મી બર્ક ૬૪ની વયે લંગ કેન્સરથી મર્યો હતો.પોલ વેરિયો પણ ૭૩ની વયે જેલમાં મોતને ભેટ્યો હતો.હેન્રી હીલ તેની ૬૯મી બર્થડેનાં બીજા દિવસે જ ૧૨મી જુન ૨૦૧૨નાં રોજ લોસ એન્જલ્સની હોસ્પિટલમાં મોતને ભેટ્યો હતો.ટોની રોડ્રીગ્સ માત્ર ત્રીસ વર્ષની વયે લોંગ આઈલેન્ડનાં તેના ઘરમાં ઉંઘમાં જ હૃદયની બિમારીથી મોતને ભેટ્યો હતો.જોસેફ કોસ્ટાનો મૃતદેહ ક્યારેય મળ્યો નહી તો આ લુંટનો ભાંડો જેના કારણે ફુટ્યો તે માર્ટિન ક્રુગમેનું શરીર પણ ક્યારેય મળ્યું ન હતું.તે તો લુંટનાં નાણાં વાપરી ન શક્યો પણ તેના મોતની જાહેરાત બાદ તેની પત્ની ફ્રાનને ૧૩૫૦૦૦ ડોલરની રકમ ઇન્સ્યોરન્સ પેટે મળી હતી.માર્ક સેન્ટેંગલીએ જ્યારે આ લુંટની રકમમાંથી હિસ્સો માંગ્યો ત્યારે માફિયાએ તેના શરીરનાં ટુકેડા ટુકડા કરી નાંખ્યા હતા.પાઓલો લિ કાસ્ટ્રી, જો મેનરિક્વેઝ, રોબર્ટ મેકમોહન અને એન્જેલો સેપેની હત્યાનો ભેદ ક્યારેય ખુલ્યો નહી.લુઇ કેફોરા અને તેની પત્ની જોઅન્નાનો મૃતદેહ પણ ક્યારેય મળ્યો નહી.ટોમી ડિસિમોનીનો મૃતદેહ પણ પોલીસને હાથ લાગ્યો ન હતો.પીટર ગ્રુનવેલ્ડ,બિલ ફિશેટી,ફ્રાંક મેન્ના ગુમ થઇ ગયા હતા.
નોર્ધન બેન્ક રોબરી
૧૯મી ડિસેમ્બર, ૨૦૦૪ અને રવિવાર.
રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો અને આયર્લેન્ડના બેલફાસ્ટ શહેરના કન્ટ્રીડાઉન એરિયામાં નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. આ જ શહેરના પોલગ્લાસ વિસ્તારની પણ એ જ હાલત હતી. શહેરમાં જવલ્લે જ ગેરકાનૂની કામો થતાં હોવાથી આયર્લેન્ડ પોલીસ પણ નિષ્ફિકર થઈને આરામથી પોલીસ સ્ટેશનમાં બેઠી હતી અને સિટીમાં રાઉન્ડમાં નીકળેલી પોલીસ પણ વેનનું હીટર ચાલુ કરીને ડિસેમ્બરની કડકડતી ઠંડી ભગાડવાનું કામ કરી રહ્યા હતા. સવા બે વાગવાની આસપાસ શહેરના પોલગ્લાસ અને કન્ટ્રીડાઉન, એમ બન્ને એરિયામાં બે જુદી જુદી વેન દાખલ થઈ અને એક એક ઘરે જઈને ઊભી રહી. બન્ને વેનની એકેક વ્યક્તિએ મોબાઈલ ફોન પર ટાઈમિંગ મેળવી લીધા અને એકઝેક્ટ અઢી વાગ્યે એકબીજા સાથે મોબાઈલ પર વાત કરીને મિશનની શરૂઆત કરી. આઈરિશ ડિટેક્ટિવ સુપરિન્ટેડન્ટ એન્ડ્રુ સ્પ્રોઉલ આખો કેસ રિકલેક્ટ કરતાં કહે છે, “બન્ને વેન શહેરના અલગ - અલગ ભાગમાં હતી પણ બન્ને વેનમાં બેઠેલાઓએ કામ એક સરખી રીતે કર્યું હતું. વેનમાંથી ઊતરેલા એ શખ્સોની એક ટીમે ક્રિશ વોર્ડ તથા તેના ફેમિલીને પોતાના કબજામાં લીધા. વોર્ડને કબજામાં લીધા પછી આ જ ટીમના બે મેમ્બર વોર્ડને લઈને કેવિન મેકમુલનના ઘરે આવ્યા. એ સમયે કેવિન મેકમુલન અને તેના ફેમિલી મેમ્બરને બીજી ટીમે કબજામાં લઈ લીધા હતા.” ક્રિશ વોર્ડ અને કેવિન બન્ને નોર્ધન બેન્કના ઓફિસરો હતા, જેમની પાસે બેન્કની અગત્યની ચાવીઓ તથા લોકરના પાસવર્ડ રહેતાં હતાં.
ક્રિશ વોર્ડે પોતાના સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે, “એ રાતે મારી પાસે બે બુકાનીધારી ગુંડાઓ જ ઊભા હતા. મારું ફેમિલી ઘરે હતું પણ ઘર પર કબજો આ ગુંડાઓના સાથીઓના હાથમાં હતો અને કેવિનની વાઈફને લઈને બીજા ગુંડાઓ રવાના થઈ ગયા હતા. અમે બેન્કના નોકરિયાત હતા. અમારી પાસેથી કંઈ લાખો પાઉન્ડ મળવાના નહોતા અને એમ છતાં અમારા ફેમિલી મેમ્બરને બાનમાં લેવામાં આવ્યા હતા. આ લોકો શું ઇચ્છતા હતા એની અમારાથી કોઈ કલ્પના નહોતી થઈ શકતી, પણ જ્યારે તેમણે અમારી સમક્ષ ડિમાન્ડ મૂકી ત્યારે અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ.”
ધરતી સરકી જાય એવી જ આ લૂંટારાઓની ડિમાન્ડ હતી. ક્રિશે કહ્યું હતું કે, “જો અમારે અમારા ફેમિલી મેમ્બરને બચાવવા હોય તો બેન્કમાં પડેલી બધી કેશ બીજા દિવસે આ લૂંટારાઓને સોંપી દેવાની હતી. કેશ-ફલો મને હંમેશાં ખબર હોય છે. જેવી આ ડિમાન્ડ મારી સામે મૂકવામાં આવી કે તરત જ હું સમજી ગયો કે આ લૂંટારાઓને બેન્કમાં પડેલા ૨૬.૫ મિલિયન પાઉન્ડ લૂંટવા છે.” અને એ પછી ૨૦મી ડિસેમ્બરે જે કંઈ બન્યું એ દુનિયાની આંખમાં અચરજ આંજનારં હતું.૨૬.૫ મિલિયન પાઉન્ડ એ કંઈ નાનીસૂની રકમ નથી. આટલા પાઉન્ડથી દુનિયાના પાંચેક નાના દેશોનું વાર્ષિક બજેટ આરામથી બની શકે છે. પોતાના ફેમિલી મેમ્બરને બચાવવા માટે લૂંટારાઓને લૂંટમાં સાથ આપવા સિવાય ક્રિશ કે કેવિન પાસે બીજો કોઈ છુટકારો નહોતો. ક્રિશના પાંચ ફેમિલી મેમ્બર અને કેવિનની પ્રેગ્નન્ટ વાઈફ લૂંટારાઓના કબજામાં હતી. રવિવારની એ આખી રાત ક્રિશ અને કેવિન લૂંટારાઓની સાથે રહ્યા અને લૂંટારાઓની ઇચ્છા મુજબ બીજા દિવસે તેમણે શું - શું કરવાનું છે એના વિશે પાક્કી જાણકારી લીધી. લૂંટારાઓનું આયોજન જડબેસલાક હતું. બીજી સવારે એક્ઝેક્ટ લંચ બ્રેકમાં ક્રિસ વોર્ડે બેન્કમાંથી એક મિલિયન પાઉન્ડ કાઢીને એક સ્પોટ્ર્સ બેગમાં ભર્યા અને એ પાઉન્ડ લઈને તે વેલિંગ્ટન સ્ટ્રીટ થઈને ક્વીન સ્ટ્રીટમાં આવેલા લોકલ બસ સ્ટોપ પર પહોંચ્યો. એ જગ્યાએ પહેલેથી લૂંટારાની ટીમનો એક મેમ્બર ઊભો હતો. ક્રિશે તેને એક મિલિયન પાઉન્ડની બેગ પકડાવી દીધી અને પછી તે પાછો આવી ગયો. ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ્રુ સ્પ્રોઉલે જ્યારે લૂંટની તપાસ શરૂ કરી ત્યારે ક્લોઝ સર્કિટ ટીવીમાં આ વિઝયુઅલ્સ જોયા હતા. તેને ક્રિસની ચાલમાં કોઈ ડર દેખાયો નહોતો અને એ જ કારણે તેને સૌથી પહેલી શંકા ક્રિશ પર ગઈ હતી. એન્ડ્રુએ ક્રિશ સામે આરોપ દાખલ પણ કરી દીધો પણ એ પુરવાર થયો નહીં. મૂળ વાત પર આવીએ.બસ સ્ટોપ પર આપવામાં આવેલા આ મિલિયન પાઉન્ડની બેગ આંશિક રીતે સંકેત તરીકે આપવામાં આવી હતી કે અમે તમારા કહ્યા મુજબ કામ કરવા માટે તૈયાર છીએ. મિલિયન પાઉન્ડની બેગ મળ્યા પછી આગળનો પ્લાન હતો એ જ રીતે કામ ચાલ્યું અને સાંજે સાડા પાંચ વાગ્યે બેન્કની કામગીરી પૂરી થઈ એટલે ક્રિશ અને કેવીન કામના બહાને બેન્કમાં જ રોકાયા. જેવો બાકીનો સ્ટાફ રવાના થયો કે તરત જ ક્રિશે પોતાના ઘરે ફોન કરીને લૂંટારાઓને બેન્કે બોલાવી લીધા. લૂંટારાઓમાંથી બે ક્રિશના ઘરમાં રોકાયા અને બાકીના બધા નોર્ધન બેન્ક પર પહોંચ્યા. લૂંટારાઓ આવે એ પહેલાં ક્રિશ અને કેવીને બેન્કનાં સીસી ટીવી બંધ કરી દીધાં હતાં. જોકે એ બન્નેએ ક્યારેય સ્વીકાર્યું નથી કે તેમણે કેમેરાને હાથ લગાડયો છે, પણ હકીકત એ છે કે જે કેમેરાએ ક્રિશને પાઉન્ડની બેગ લઈને જતો કેપ્ચર કર્યો એ જ કેમેરાએ સાડા પાંચ વાગ્યા પછીની બેન્કની એક પણ ગતિવિધિ રેકોર્ડ કરી નથી. ક્રિશ વોર્ડ પર શંકા મજબૂત થવાનું આ વધુ એક કારણ હતું.લૂંટારાઓ પહોંચે ત્યાં સુધીમાં ક્રિશ અને કેવિને લૂંટારાઓ વતી અડધું કામ પૂરું કરી દીધું હતું અને પાઉન્ડનાં બોક્સ વેનમાં મૂકવાનાં બાકી હતાં. લૂંટારાઓએ તરત જ આ ફંડ વેનમાં મૂક્યું અને પછી વેન લઈને ભાગી ગયા. ૬૨ મિનિટ ચાલેલી લૂંટ પછી લૂંટની ચૌદમી મિનિટે ક્રિશને તેની વાઈફનો ફોન આવી ગયો હતો કે તે લોકો હવે આઝાદ છે અને એ ફોનની પાંચ મિનિટ પછી કેવિનની વાઈફનો ફોન આવ્યો હતો કે લૂંટારાઓએ તેને હાઈવે પર છોડી દીધી છે. બન્ને પહેલાં પરિવારોને કબજામાં લીધા અને એ પછી પોલીસને બેન્ક લૂંટની જાણકારી આપી. પોલીસનું માનવું છે કે, આ જે સમય પસાર થયો એ સમયગાળા દરમિયાન લૂંટારાઓને શહેરથી દૂર નીકળી જવાની પૂરતી તક મળી ગઈ.આ લૂંટની તપાસનો ક્યારેય કોઈ નિવેડો આવ્યો નથી. નોર્ધન બેન્કની પહેલી એરેસ્ટ ફેબ્રુઆરી,૨૦૦૫માં થઈ હતી. એ સમયે આયરિશ પોલીસે સત્તાવાર જાહેરાત કરી હતી કે બે મિલિયન પાઉન્ડ સાથે કુલ સાત વ્યક્તિની એરેસ્ટ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મળેલા બે મિલિયન પાઉન્ડમાંથી ૬૦,૦૦૦ પાઉન્ડ એ જ છે જે બેન્કમાંથી લૂંટવામાં આવ્યા હતા. પોલીસે એવું પણ જાહેર કર્યું કે પકડવામાં આવેલાઓમાંથી બે વ્યક્તિ બેન્ક લૂંટના આરોપીઓ છે. પાછળથી પોલીસે ફેરવી તોળવું પડયું કે એ બન્નેને આ લૂંટ સાથે કોઈ નિસબત નથી. એક તબક્કે ક્રિશ વોર્ડ પર પણ શંકા હતી જે છેક ૨૦૦૭ના અંતભાગ સુધી રહી. ડિટેક્ટિવ ટીમે મૂકેલ રિપોર્ટમાં તો ક્રિશને જ કસૂરવાર ગણવામાં આવ્યો હતો પણ આયર્લેન્ડ કોર્ટે ક્રિશની કામગીરીની ટીકા કરીને તેને નોકરીમાંથી કાઢી મૂકવાના ઓર્ડર સાથે આ લૂંટના કેસમાંથી નિર્દોષ છોડયો. કેવિન પર પણ શંકા કરવામાં આવી હતી પણ કેવિન પર થયેલી શંકામાં કોઈ દૃઢતા નહોતી. એક તબક્કે તો પોલીસ ડિપાર્ટમેન્ટે એવી પણ શંકા કરી હતી કે આયર્લેન્ડમાં નવી પોલિટિકલ પાર્ટી બનાવવા માગતા કેટલાક ચળવળખોરોએ જ આ બેન્ક લૂંટી હશે અને બેન્કના ફંડનો ઉપયોગ પોતાની ચળવળમાં કર્યો હશે. આ શંકાના કોઈ પુરાવાઓ નહોતા સિવાય કે ક્રિશ અને કેવિનનું શંકાસ્પદ વર્તન. આઈરિશ ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ્રુ સ્પ્રોઉલે કહ્યું હતું કે, “એક તબક્કે પ્રેસિડેન્ટ મેરી મેકએલિસ સામે બળવાનું વાતાવરણ હતું. આ બળવાના વાતાવરણ વચ્ચે બળવા-ખોરોને એક પણ પ્રકારની આર્થિક સહાય ન મળે એવી ગોઠવણ થઈ હોવાથી શક્ય છે કે બળવાખોરોએ બેન્કના ફંડનો ઉપયોગ કરવાનું વિચાર્યું હોય. શક્ય છે કે ક્રિશ અને કેવિન પણ મેરી મેકએલિસની નીતિઓથી નાખુશ હોય અને એટલે બળવાખોરોને મદદ કરવા માટે લૂંટમાં સાથ આપવા તૈયાર થઈ ગયા હોય.” આ આખા કેસમાં જો કોઈને સૌથી વધુ રસ પડયો હોય તો એ છે ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ્રુ સ્પ્રોઉલને. એન્ડ્રુ પાસેથી આ તપાસ પાછી લઈ લેવામાં આવી એટલે એન્ડ્રુએ પોતાની જોબ પરથી રેઝિગ્નેશન આપી દીધું હતું અને ખાનગી રાહે તપાસ ચાલુ રાખી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્ડ્રુએ કબૂલ કર્યું હતું કે “આ ઘટના અને ઘટનાના આરોપીઓની તે સાવ નજીક પહોંચી ગયો છે, પણ તે બધા રાજકીય પહોંચ ધરાવતાં હોવાથી પુરાવાઓના અભાવે તે કોઈ એક્શન લઈ શકે એમ નથી.” એન્ડ્રુને પબ્લિશર્સ તરફથી આ ઘટના વિશે પુસ્તક લખવાનું પણ આમંત્રણ મળેલું.