મદનમોહનની ગઝલ તરીકે ઘણી ખ્યાત રચનાઓ ગઝલ ન હતી
વર્ષોથી આપણે સૌ સંગીત - રસિકો સાંભળતા આવ્યા છીએ કે “મદન મોહન ‘ગ઼ઝલ-સમ્રાટ’ છે’’ અને “ગ઼ઝલ તો એમના ઘરની બાંદી છે” અને “એમણે બીજું કંઈ જ ન રચ્યું હોત અને માત્ર ‘અનપઢ’ ફિલ્મની લતાની બે અમર ‘ગ઼ઝલો’ રચી હોત તો પણ ફિલ્માકાશમાં તેઓ સદૈવ ઝળહળતા હોત”વગેરે વગેરે..હા, મદન મોહનજીની ગ઼ઝલ-બંદિશો પર કમાલની હથોટી હતી એમણે નિબદ્ધ કરેલી અનેક ગ઼ઝલો ફિલ્મસંગીતના વિશ્વમાં અજરઅમર રહેશે એની લગીર ના નહીં, પરંતુ હકીકત એ છે કે એમણે રચેલી સ્વર-રચનાઓમાંની અનેક કહેવાતી ગ઼ઝલો વાસ્તવમાં ગ઼ઝલ છે જ નહીં, ગીત કે નઝમ છે.
પરંતુ એ જાણવા અને સમજવા માટે સૌ પ્રથમ એ સમજી લેવું પડે કે ગ઼ઝલ એ ગાયન - પ્રકાર નહીં, લેખનનો પ્રકાર છે, કાવ્ય - પ્રકાર છે. ગીત, નઝમ, દુહા કે ભજનની જેમ. આનો અર્થ એ કે ગ઼ઝલને ભજનના લહેજામાં ગાઈએ તેથી એ ભજન બનતી નથી અને કોઈ ભજનને ગ઼ઝલના અંદાઝમાં બહેલાવીએ એથી એ ગ઼ઝલ બની જતું નથી.આ વાતને વિસ્તારથી સમજવા- આત્મસાત કરવા પ્રથમ તો ગ઼ઝલ શું છે, ગ઼ઝલ કોને કહેવાય એ જો સમજીએ - વિશેષતઃ ફિલ્મ સંગીતના સંદર્ભમાં - તો આપોઆપ કઈ બંદિશો અ-ગ઼ઝલ છે એ સ્પષ્ટ થઇ જશે. આપણે આ આખી વાત કેવળ મદન મોહનજીની રચનાઓના સંદર્ભે સમજવાનો પ્રયત્ન કરીશું.દરેક ગ઼ઝલ હંમેશાં કેટલાક ‘શેર’ની બનેલી હોય છે. શેર હંમેશા બે પંક્તિઓથી બને છે અને દરેક પંક્તિને ‘મિસરા’ કહે છે. પહેલા મિસરાને ‘ઉલા મિસરા“અને બીજાને ‘સાની મિસરા’ કહે છે. સામાન્યતઃ ગ઼ઝલ પાંચ કે તેથી વધુ શેરોથી બને છે પરંતુ એ ફરજિયાત નથી . દરેક શેર અને દરેક મિસરો એકસરખી લંબાઈનો હોય છે (જેને છંદ કહેવાય). કેટલાક શેર સ્વતંત્ર - એકલા હોય છે જે કોઈ ગ઼ઝલનો ભાગ હોતા નથી.ગ઼ઝલના પ્રથમ શેર ને ‘મત્લા’ કહે છે . આ મત્લાના બંને મિસરાની લંબાઈ તો ગ઼ઝલના અન્ય શેરોના મિસરા જેટલી જ હોય છે પરંતુ (સામાન્યતઃ) આ એક જ શેર એ ગ઼ઝલનો એવો શેર હોય છે જેના બંને મિસરામાં ‘કાફિયા’ અને ‘રદીફ’ આવે છે.
કાફિયા ને રદીફની મીમાંસા કરતાં પહેલા મદન મોહનજીની જ, કૈફી આઝમી રચિત, રફી સાહેબે ગાયેલી, એક બેનમૂન ગ઼ઝલ દ્વારા સમગ્ર વાત સમજીએઃ
તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં શામ કર લૂંગા
સફર એક ઉમ્ર કા પલ મેં તમામ કર લૂંગા
નઝર મિલાઈ તો પૂછુંગા ઈશ્ક કા અંજામ
નઝર ઝુકાઈ તો ખાલી સલામ કર લૂંગા
જહાંને - દિલ પે હુકુમત તુમ્હેં મુબારક હો
મિલી શિકસ્ત તો વો અપને નામ કર લૂંગા
( ફિલ્મ : નૌનિહાલ )
માત્ર ત્રણ જ શેર અને ગ઼ઝલ? જવાબ એ કે ફિલ્મમાં ૩ કે ૪ મિનિટના ગેય સ્વરૂપમાં ગ઼ઝલ સમાવિષ્ટ કરવાની હોઈ અને ફિલ્મની લંબાઈ અને દર્શકોની રસ - રુચીને પણ ધ્યાનમાં લેવાની હોઈ મૂળ ગ઼ઝલ વધુ શેરની હોય તો પણ કાંટ-છાંટ કરી એને ટુંકાવી નાખવી પડે. ફિલ્મ એ દૃશ્ય - શ્રાવ્ય માધ્યમ છે એના કારણે ઘણી વાર ગ઼ઝલની લંબાઈ મર્યાદિત કરવી પડે. બહુધા ફિલ્મની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી શાયરને તદનુસાર સૂચના આપવી પડે.બહરહાલ, આગળ કહ્યું તેમ ઉપરોક્ત ગ઼ઝલમાં પ્રથમ શેર મત્લા છે અને એ મત્લાની બધી જરૂરિયાતો સંતોષે છે. તમે જોશો કે મત્લાની બંને પંક્તિ (મિસરા) નો અંત ‘કર લૂંગા’ શબ્દ-સમૂહથી થાય છે. એ પછીના દરેક શેરની બીજી પંક્તિનો અંત પણ ‘કર લૂંગા’થી થાય છે. આ શબ્દ કે શબ્દ-સમૂહ , જે મત્લાના બંને મિસરામાં પુનરાવર્તિત થાય અને એ પછીના પ્રત્યેક શેરના માત્ર બીજા (સાની) મિસરામાં જ આવે તેને ‘રદીફ’ કહે છે. તો આ ગ઼ઝલ માં ‘કર લૂંગા’ રદીફ છે.રદીફ પહેલાં આવતો શબ્દ, જે મત્લાના બંને મિસરામાં અને પછીના શેરોના બીજા મિસરામાં આવે અને એક જ પ્રાસમાં હોય તેને કાફિયા કહે છે. અહીં મત્લામાં ‘શામ’ અને ‘તમામ’ અને એ પછીના શેરોમાં ‘સલામ’ અને ‘નામ’ એ શબ્દો કાફિયા છે .સમગ્ર રચનામાં બબ્બે પંક્તિના એકસરખી લંબાઈના ત્રણ શેર છે, મત્લા છે, નિયમાનુસાર કાફિયા છે, રદીફ છે. ગ઼ઝલની બધી મૂળભૂત જરૂરિયાતો સંતોષાય છે, માટે આ ગ઼ઝલ છે .હવે આ જ પરિપ્રેક્ષ્ય અને માપદંડથી ‘અનપઢ’ ફિલ્મની બંને સુવિખ્યાત ગઝલોને મૂલવીએ :
આપકી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે
દિલ કી અય ધડકન ઠહર જા મિલ ગઈ મંઝિલ મુઝે
આપકી મંઝિલ હૂં મૈં મેરી મંઝિલ આપ હૈં
કયું મૈં તૂફાં સે ડરું મેરા સાહિલ આપ હૈં
કોઈ તૂફાનો સે કહ દે મિલ ગયા સાહિલ મુઝે
પડ ગઈ દિલ પર મેરે આપ કી પરછાઇયાં
હર તરફ બજને લગી સૈકડો શહનાઇયાં
દો જહાં કી આજ ખુશિયાં હો ગઈ હાસિલ મુઝે
જી હમેં મંઝૂર હૈ આપ કા યે ફૈસલા
કહ રહી હૈ હર નઝર બંદા-પરવર શુક્રિયા
હંસ કે અપની ઝિંદગી મેં કર લિયા શામિલ મુઝે
પ્રથમ પંક્તિ મત્લાની બધી જ જરૂરિયાત સંતોષે છે. બે મિસરા છે, બંને લયમાં અને એકસરખી લંબાઈના છે. ‘કાબિલ’ અને ‘મંઝિલ’ શબ્દો સ્વરૂપે પ્રાસમાં બે કાફિયા છે અને ‘મુઝે’ શબ્દ રૂપે પુનરાવર્તિત થતો રદીફ પણ છે. માટે આને નિઃશંક મત્લાનો શેર કહેવાય.પરંતુ એ પછીની પંક્તિઓમાં શું થાય છે? દરેક અંતરો બેના બદલે ત્રણ પંક્તિનો છે! માટે ‘મંઝિલ’, ‘સાહિલ’, ‘હાસિલ’ અને ‘શામિલ’ શબ્દો પ્રાસમાં હોવા છતાં અને દરેક ત્રીજી પંક્તિના અંતે ‘મુઝે’ પુનરાવર્તિત થતું હોવા છતાં આ ગ઼ઝલ નથી! મત્લા બે મિસરાનો અને અન્ય કડી ત્રણ મિસરાની હોય એ ગ઼ઝલ કહેવાય જ નહિ! સિમ્પલ!
હવે આ જ ફિલ્મની બીજી રચના :
હૈ ઇસી મેં પ્યારકી આબરૂ વો ઝફા કરે મૈં વફા કરું
જો વફા ભી કામ ના આ સકે તો વો હી કહે કે મૈ ક્યા કરું
મુઝે ગ઼મ ભી ઉનકા અઝીઝ હૈ કે ઉન્હીં કી દી હુઈ ચીઝ હૈ
યહી ગ઼મ હૈ અબ મેરી ઝિંદગી ઇસે કૈસે દિલ સે જુદા કરું
જો ના બન સકે મૈ વો બાત હું જો ના ખત્મ હો મૈ વો રાત હું
યેહ લિખા હૈ મેરે નસીબ મેં યું હી શમ્મા બન કે જલા કરું
ના કિસી કે દિલકી હૂં આરઝુ ના કિસી નઝરકી હું જુસ્તજુ
મૈ વો ફૂલ હૂં જો ઉદાસ હો ના બહાર આયે તો ક્યા કરું
અહી પણ પ્રથમ શેર મત્લાની બધી શરતો પૂર્ણ કરે છે. (બંને મિસરામાં ‘કરું’ રદીફ છે . ‘વફા’ અને ‘ક્યા’ કાફિયા છે. બંને મિસરા સમાન મીટરના છે. અગત્યનું એ છે કે એ પછીના બંધ પણ બબ્બે મિસરાના જ છે અને દરેકના બીજા મિસરામાં કાફિયા સ્વરૂપે આ-કારાંત શબ્દો ‘જુદા’ , ‘જલા’ , અને ‘ક્યા’ આવે છે અને દરેક બંધના બીજા મિસરામાં ‘કરું’ શબ્દ પુનરાવર્તિત થયે રાખે છે રદીફ તરીકે માટે આ ગ઼ઝલ છે.યાદ રહે , ઉપરની બંને રચનાઓમાંથી એ પણ ફલિત થાય છે કે કોઈ કૃતિ ગ઼ઝલ છે કે નહિ એ નક્કી કરવા માટે આખી રચના વાંચવી (સાંભળવી નહિ) અનિવાર્ય છે. ઉપરની બંને રચનાઓની પ્રથમ પંક્તિઓ શેર અને મત્લાની શરતો પરિપૂર્ણ કરતી હોવા છતાં પ્રથમ રચના ગ઼ઝલ નથી અને બીજી છે, એ તો બંને રચનાઓ પૂરી વાંચ્યા પછી જ પ્રતિપાદિત થયું.લગે હાથોં એ પણ નોંધીએ કે ઉપરની બંને રચનાઓમાં બધા જ બંધમાં વિષયનું સાતત્ય જળવાય છે . અર્થાત પ્રથમ રચનામાં સમગ્રપણે પ્રેમી પ્રત્યેના અહોભાવ - આભારની લાગણી છલકાય છે તો બીજીમાં પ્રેમીનો દ્રોહ અને પરિણામે પ્રકટતી હતાશાનો ભાવ - પરંતુ ગ઼ઝલની વ્યાખ્યાનુસાર ગ઼ઝલના બધા જ શેરમાં સાવ જ અલગ અને વિપરીત ભાવ હોય તો પણ ચાલે. બીજા શબ્દોમાં, દરેક શેર સાવ જ સ્વતંત્ર અને નોખી વાત કહેતો હોય તો પણ એ ગ઼ઝલ જ કહેવાય. દરેક શેરનો સૂર કે ભાવ એકસૂત્રે સુસંગત હોય એ બિલકુલ જરૂરી નથી. ગ઼ઝલના અંતિમ શેરમાં જો રચયિતા - કવિનું નામ કે તખલ્લુસ (ઉપનામ) આવતું હોય તો એ શેર ને “મક્તા” કહેવાય. સામાન્યતઃ ફિલ્મી ગઝલોમાં મક્તા હોતો નથી.આ જ કસોટીની એરણે મદન મોહનની અન્ય બે મશહૂર રચનાઓને ચડાવીએ. બંને ફિલ્મ ‘વોહ કૌન થી’માંથી છે. આ વખતે નિર્ણય કરતી વખતે આસાની રહેવી જોઈએ, કારણ કે ગ઼ઝલના બેઝિક્સ આપણે જાણી ચૂક્યા છીએ .
લગ જા ગલે કે ફિર યેહ હંસી રાત હો ન હો
શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો
હમ કો મિલી હૈ આજ યેહ ઘડિયાં નસીબ સે
જી ભરકે દેખ લીજીયે હમકો કરીબ સે
ફિર આપકે નસીબમેં યેહ બાત હો ન હો..
ગ઼ઝલ છે ?ના નથી. સમજાવવાની જરૂર ખરી ?
જો હમને દાસ્તાં અપની સુનાઈ - આપ ક્યોં રોયે
તબાહી તો હમારે દિલ પે આઈ - આપ ક્યોં રોયે
હમારા દર્દો- ગમ હૈ યેહ ઇસે ક્યોં આપ સહતે હૈં
યેહ ક્યોં આંસુ હમારે આપકી આંખો સે બહતે હૈં
ગ઼મોં કી આગ હમને ખુદ લગાઈ - આપ ક્યોં રોયે
આ રચના પણ ગ઼ઝલ નથી !
ગ઼ઝલના બંધારણ અંગે આટલી સાદી વાત સુસ્પષ્ટ થઇ ચૂકી હોય તો હવે નીચેનાં ખૂબસૂરત મત્લા ધરાવતાં ગીતો એ ગ઼ઝલ કેમ નથી એ તુરંત વર્તાઈ આવશે :
આપકે પહલુ મેં આકે રો દિયે
દાસ્તાન-એ-ગમ સુનકે રો દિયે ( મેરા સાયા )
મેરી આંખોસે કોઈ નીંદ લિયે જાતા હૈ
દૂરસે પ્યાર કા પૈગામ દિયે જાતા હૈ ( પૂજા કે ફૂલ )
મૈં નિગાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે
લુટ ગયે હોશ તો ફિર હોશ મેં આઉં કૈસે ( આપકી પરછાઇયાં )
વોહ ચુપ રહે તો મેરે દિલકે દાગ઼ જલતે હૈ
જો બાત કર લે તો બુઝતે ચરાગ઼ જલતે હૈ ( જહાન આરા )
બાદ મુદ્દત કે યેહ ઘડી આઈ
આપ આયે તો ઝિંદગી આઈ ( જહાન આરા )
રંગ ઔર નૂરકી બારાત કિસે પેશ કરું
યેહ મુરાદોં કી હસીં રાત કિસે પેશ કરું ( ગ઼ઝલ )
( “ગ઼ઝલ ” ફિલ્મની બંદિશ હોવા છતાં ગ઼ઝલ નથી !! )
આખરી ગીત મુહબ્બત કા સુના લું તો ચલું
મૈં ચલા જાઉંગા દો અશ્ક઼ બહા લું તો ચલું ( નીલા આકાશ )
ફિર વોહી શામ વોહી ગમ વોહી તન્હાઈ હૈ
દિલકો સમજાને તેરી યાદ ચલી આઈ હૈ ( જહાન આરા )
હમસે આયા ન ગયા તુમસે બુલાયા ન ગયા
ફાસલા પ્યારમેં દોનોં સે મીટાયા ન ગયા ( દેખ કબીરા રોયા )
હૈ તેરે સાથ મેરી વફા - મૈં નહીં તો ક્યા
ઝીંદા રહેગા પ્યાર મેરા - મૈં નહીં તો ક્યા
( હિન્દુસ્તાન કી કસમ )
કેટલો અર્થ - સભર રદીફ ! ” મૈં નહીં તો ક્યા ” ! છતાં અફસોસ ! આ ગ઼ઝલ નથી )
અને
આજ સોચા તો આંસૂ ભર આયે
મુદ્દતેં હો ગઈ મુસ્કુરાયે ( હંસતે ઝખ્મ )
પણ ગઝલ કહી શકાય તેમ નથી એ સમજાય છે.
સામાન્ય ચહેરો અસામાન્ય અભિનય
જ્યારથી હિન્દી ફિલ્મોનું સર્જન આરંભાયુ ત્યારથી રૂપેરી પરદા પર નાયક અને નાયિકા માટે સુંદર ચહેરા અનિવાર્ય થઇ ગયા હતા અને ખાસ કરીને નાયક માટે તો ચોકલેટી ચહેરા લોકપ્રિય બની રહ્યાં હતા જો કે ત્યારે પણ મોતીલાલ જેવા નાયકોએ પોતાના અભિનયના જોરે એક અલગ જગા બનાવી હતી.ત્યારબાદ પણ ઘણાં એવા કલાકરો થયા જેમણે માત્ર પોતાની અભિનય શક્તિના જોરે નવી જ છાપ છોડી હતી.અમિતાભ પણ જ્યારે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ્યો ત્યારે તેનો ચહેરો સામાન્ય હતો અને ત્યારે બોલિવુડમાં રાજેશનો દબદબો હતો પણ અમિતાભે પોતાની રીતે પોતાનો પ્રશંસક વર્ગ ઉભો કર્યો હતો.ત્યારબાદ સમાન્તર ફિલ્મોનો એક પ્રવાહ ઉભો થયો હતો જેમાં શરૂઆત તો બલરાજ સહાની જેવા કલાકારોએ કરી હતી.એ જ પરંપરા નસિર અને ઓમપુરી જેવા કલાકારોએ સમૃદ્ધ બનાવી હતી.તેમાંય આ કલાકારોની સફળતા એક રીતે અભૂતપુર્વ હતી કારણકે તેમણે હિન્દી ફિલ્મોમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે.જે આ પહેલા કલ્પના પણ કરી શકાતી ન હતી કારણકે આપણે તો ખલનાયક પણ ચોકલેટી ચહેરાનો હોય તેવી પરંપરા ઉભી કરી હતી અને તેમાં વિનોદ ખન્ના કે પ્રાણને ગણાવી શકાય પણ હવે તો અભિનેતાઓનો એક અલગ જ વર્ગ ઉભો થયો છે જે આપણા પરંપરાગત નાયકોની વ્યાખ્યામાં ફિટ થતા નથી છતા તેમણે જોરદાર સફળતા હાંસલ કરી છે.હાલમાં ચોકલેટી હીરોની જગ્યાએ સાદગી અને સામાન્ય ચહેરા બોલીવુડમા ભારે પડી રહ્યા છે. હાઇવે નો રણદીપ હુડ્ડા, ભાગ મિલ્ખા ભાગનો હીરો ફરહાન અખ્તર અને પાન સિંહ તોમરનો એકટર ઇરફાન અભિનેતા છે તો રાજપાલ યાદવ સિતારો માનવામા આવે છે. નવાજુુદ્દીન સિદ્કી પણ ફિલ્મને સફળતા અપાવી શકે છે. મનોજ બાજપાઇની પ્રતિભાશાળી એકટિંગ કોઇ સુંદર ચહેરાની મોહતાઝ નથી. આ બધાની સાથે સાથે ધનુષ, પુલકિત સમ્રાટ, સુશાંત સિંહ રાજપુત, રણબીર સિંહ, યાદવ, ગીરીશ તોરાણી, હુમા કુરેશી, શિલ્પા શુકલા, અનુષ્કા શર્મા અત્યારે સ્ટાર બની ગયા છે. નિર્દેશકો આવા નવા સિતારાઓને લઇને પણ કરોડોની ફિલ્મ બનાવે છે.જે ચહેરાઓ પહેલા આપણે ફિલ્મમા નાની નાની ભૂમિકાઓમા જોતા હતા તે ચહેરાઓ હવે દર્શકો પસંદ કરવા લાગ્યા છે અત્યારે સમાજને આવા ચહેરા વધારે પસંદ છે. ચિકના અને ચોકલેટી હીરોને જોઇને દર્શકો પહેલા તેમના જેવા દેખાવા માટે સ્વપ્ન જોતા હતા.પરંતુ હવે ઇરફાનને અભિનેતાના રૂપમાં જોઇને દર્શકો પોતાની સરખામણી તેની સાથે કરી શકે છે. મનોજ બાજપાય, રાજકુમાર યાદવ જેવા અભિનેતા બનવાનુ તેમને ગમે છે. પહેલા દર્શકો માનતા હતા કે ફિલ્મનો હીરો તો સ્ટાર જ હોઇ શકે. તેથી સામાન્ય ચહેરાને અત્યાર સુધી સાઇડ ભૂમિકા ભજવવાની હતી. આવા સામાન્ય માણસમાં પ્રતિભા હોવા છતાં તે માત્ર સાઇડ એકટર બનીને રહી જતો હતો. તેની પ્રતિભાને ઓેળખવાનુ કામ કોઇ કરતુ ન હતુ. પરંતુ હવે બોલીવુડ સમજી ગયુ છે કે સામાન્ય ચહેરા પણ ખાસ બનાવીને દર્શકો સમક્ષ રજૂ કરવામા આવે. બલરાજ સહાનીની હીરોના રૂપમાં સામાન્ય માણસની રૂપરેખા વચ્ચે લાવવાની કોશિશ કરવામા આવી હતી. બલરાજ સહાનીએ ગરમ હવાના હીરો સલીમ પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કરીને ભરણપોષણ માટે લાલ ઝંડાના જૂલુસમા જોડાઇ જાય છે. તે સામાન્ય માણસ સાથે જોડાવાની સૌથી મોટી સાબિતી છે. રાજકપૂરની દરેક ફિલ્મોમા પાત્રો થી લઇને હીરો સુધી સામાન્ય માણસની વાસ્તવિકતા બતાવામા આવતી હતી. રાજકપુરે સામાન્ય માણસના દુઃખ, દર્દ અને નબળાઇઓને જીવંત અંદાજમા રૂપેરી પડદે પ્રસ્તત કર્યા હતા તે સમયે તેમણે પરાક્રમ અને ઐતિહાસિક કામ કર્યુ હતુ. અમોલ પાલેકર, શબાના આઝમી, ફારુખ શેખ, સ્મિતા પાટીલ, નૂતનથી લઇને આશુતોષ રાણા , રાજપાલ યાદવ, અંતરા માલી સહિત કોંકણા સેન સુધીના કલાકારોેએ પોતાના અભિનય દ્રારા ફિલ્મોમાં હીરો - હીરોઇનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ નિર્દેશક તિગ્માંશુ ધુલિયા માને છે કે લોકો હંમેશા હવા સાથે ચાલવાની કોશિશ કરતા હોય છે. તેથી ખાસ ચહેરાવાળાને જ ખાસ ભૂમિકા આપવામા આવે તેવી પરંપરા બની ગઇ છે. પરંતુ અત્યારે સમય બદલાઇ ગયો છે અને સમયની સાથે કેટલાક બીજા પરિવર્તનો પણ બોલીવુડમા આવી ગયા છે. આપણી ફિલ્મોમાં સામાન્ય માણસો કેટલીક ફિલ્મો સુધી જ સિમિત રહ્યા હતા પરંતુ ત્યાર પછી તેણે હીરો બનવાની શરૂઆત કરી. આવા સમયે કોણ હીરો કે હીરોઇને બધાને સામાન્ય ચહેરા જ માનવામા આવ્યા છે. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સમાજના બદલાતા દષ્ટિકોણ પર આધારિત છે. જયારે દર્શકોને ગ્લેમલર લુકવાળા હીરો પસંદ હતા ત્યારે અમે દર્શકોના પસંદ મુજબના હીરો પસંદ કરતા હતા. હવે દર્શકોને સામાન્ય ચહેરા ધરાવતા હીરો ગમે છે તો અમે તેવા હીરોને લઇને ફિલ્મો બનાવીએ છીએ. આ બધુ જ સમાજની ઇચ્છા પર આધાર રાખે છે. અમે દર્શકો જેવી ફિલ્મો અને હીરોને પસંદ કરતા હોય છે તેવી જ ફિલ્મો બનાવીને સફળ થાય તેવી અમારી ઇચ્છા હોય છે. તેથી ફિલ્મ પણ હિટ જાય અને દર્શકોને મનોરંજન મળે. જયારે સમાજ પોતાનો ચહેરો અરીસામા જોવે છે ત્યારે તે પોતાના હીરો સાથે સરખામણી કરવાની કોશિશ કરે છે પરંતુ હકીકત એ છે કે ગ્લેમરસ ચહેરા સાથે તેમનો કોઇ સબંધ હોતો નથી. તે