Nitu - 68 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 68

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 68


નિતુ : ૬૮ (નવીન)


નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી. જાણે ચોરી પકડાઈ હોય એમ વિદ્યા તૂટેલા શબ્દોમાં ગભરાઈને બોલી, "ત... તમે બંને?"

"હા... અમે બન્ને."

શું કહેવું એ વિદ્યાને સમજાતું નહોતું. પર્સના નાકાની પટ્ટી પર હાથ મસળતા તે આમ- તેમ જોવા લાગી. "તમે ટહેલવા માટે આવ્યા હશોને!" વિચાર કરીને તે બોલી.

"હા... અમે ટહેલવા માટે જ આવ્યા છીએ. કોઈની જાસૂસી કરવા નથી આવ્યા." નિતુ બોલી કે તુરંત કરુણાએ પોતાના હાથમાં તેનો હાથ જાલી પાંચેય આંગળ વડે જોરથી દબાવ્યુ અને તેને આંખો મોટી કરીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

"તું કશું બોલી?" વિદ્યા એ તેની વાતની ખરાઈ કરવા પૂછ્યું

નિતુ કશું બોલે એ પહેલા જ કરુણાએ બોલવાનું શરૂ કરી દીધું, "નીતિકાનું કહેવાનું એમ હતું, કે અમે ટહેલવા માટે જ આવ્યા છીએ અને જુઓને જોગાનું જોગ તમે પણ અમને અહીં જ મળી ગયા!"

"હું અહીંથી પસાર થતી હતી, કે થોડીવાર ખુલ્લી હવા ખાવાનું મન થયું અને આ ગાર્ડનમાં આવી ગઈ." વિદ્યાએ પોતાની વાત મૂકી.

"એમ!" નિતુ આજે પીછેહઠ કરવાના મૂડમાં નહોતી.

"મારે લેટ થાય છે." કહેતા વિદ્યા એ વધારાની રકજક કરવા કરતા ચાલી જવાનો નિર્ણય કર્યો. તે બંને એકબાજુ જતી રહી અને વિદ્યા બાજુમાંથી પસાર થઈ ગઈ. 

"જોયું તે કેટલું ચતુરાઈ વાપરી રહી હતી." નિતુએ કહ્યું. તેના પર અફસોસ ઠાલવતા કરુણા તેને કહેવા લાગી, "હા, મેં જોયું. તું પણ કમાલ કરે છે નીતિકા! તને ખબર છેને કે આપણે એનાં અનુગ્રહી છીએ... પ્લીઝ યાર... મને ખબર છે કે તને એનાથી કેટલી ચીડ ચડે છે. પણ આ સમય નથી કે આપણે એની સામે બોલીયે."

"ચલ યાર... મને થયું કે આજે એણે મને એની વાતો કરી કરીને થાકવાડી દીધી છે તો બે મિનિટ તારી સાથે મુલાકાત કરતી જાઉં. મનને થોડી રાહત મળશે. પણ આ કાળા કામણ કરનારી અહીં પણ આવી પહોંચી."

બંને સહેલી તેની પાછળ ગાર્ડનનાં પાછલા ગેટ બહાર નીકળી અને વિદ્યા પોતાની ગાડી પાસે ઉભી હતી. બંને ત્યાં આવીને અટકી, એટલામાં વિદ્યાનો ડ્રાઈવર દોડતો આવ્યો. "માફ કરજો, હું જરા બાજુના.... ગલ્લે... " બોલતાં તે અટક્યો.

"ચાલ હવે." વિદ્યાએ આદેશ આપ્યો અને ગાડીમાં બેસીને જતી રહી. બંને સહેલી પણ ચાલતી થઈ.

ઘરમાં રોજ કરતાં આજનો માહોલ અલગ હતો એ શારદાએ નોંધ્યું. રસોડામાંથી પોતાનું કામ પતાવી નેપકીને હાથ સાફ કરતી તે બહાર આવી અને ગુમસુમ બનીને ઝૂલા પર બેઠીલી નિતુ સામે જોતી એકબાજુંનાં સોફા પર બેસી ગઈ. તે એકીટશે નિતુ સામે જોઈ રહી હતી. તેનું ધ્યાન કોઈ વાતોએ ભરમાઈ રહ્યું હતું.

"કઈ દૂનિયામાં જતી રહી?" શરદાએ પૂછ્યું.

"ક્યાંય નથી ગઈ મમ્મી. અહીં જ છું."

"રોજે ગપાટા મારતી આવે છે ને આજ તો આઈવી તયુની આમ હોગીયું કરીને બેઠીસ."

"કાંય નથી મમ્મી, બસ થોડી થાકી ગઈ છું એટલે. તું થાકે છે ત્યારે છાનીમાની નથી બેસતી?"

"હું થાકુને તઈ થાકોડો કાઢવાનો કાંઈક ઉપાય કરી લઉં છું. આ તારી જેમ હોગીયું મોઢું કરીને નથી બેઠી રહેતી."

"હાં તો થતો હશે. આખો દિવસ આંહી ના ગમે ત્યારે તું બાજુવાળા ગીતા આંટીને ત્યાં જતી રહે છે. હું અડધી રાતે આવું છું, અત્યારે હવે હું શું ઉપાય કરું?"

"આજ દિ'હાળે અનંતનો ફોન આઈવો 'તો, કે'તો 'તો કે હમણાંથી તું એને ફોન-બોન કાંય કરતી જ નથી." હાથમાં ફોન લઈને તેણે પોતાનું કોન્ટેક્ટ લિસ્ટ ચેક કર્યુ અને વિચાર કરતી તે અચાનક ઉભી થઈ અને ઉપર અગાસીમાં જતી રહી. શારદા તેને જતા જોઈ રહી અને બબડી, "આ છોડીનેય આજકાલ હુ હુજે છે ઈ જ નથી હમજાતું."

અગાસીમાં જઈને તેણે અનંતને ફોન લગાવી દીધો.

"લાગે છે આજે અમારા પર રહેમ વરસાવવાની ઈચ્છા થઈ છે." અનંતે ફોન ઉંચકતા જ કહ્યું.

નીતિકાએ પૂછ્યું, "કેમ?"

અનંતે કહ્યું, "ઘણાં સમયે ભાઈની યાદ આવીને કંઈ! બાકી મને તો થતું હતું કે તું મને ભૂલી જ ગઈ છે."

"હોતું હશે. હું મારા ભાઈને કઈ રીતે ભૂલી શકું."

"હમ... આંટીએ કહ્યું હશે. આજે મેં એને ફોન કર્યો ત્યારે એણે મને પૂછ્યું કે તારી સાથે વાત થાય છે કે નહિ? અને મેં કહી દીધું, તું મને યાદ જ ક્યાં રાખે છે! જરૂર એણે તને ફરિયાદ કરી હશે. એટલે જ તે ફોન કર્યોને?"

"ના હવે..."

"સાચે?"

"એક્ચ્યુલી, મમ્મીએ તારું નામ લીધું એટલે."

"એ તો હું જાણતો જ હતો. ચાલ બોલ હવે, તે મને અમસ્તા જ ફોન કર્યો છે કે કોઈ કામથી?"

"તને શું લાગે છે?"

"અચ્છા મને એમ કહે, તારા પેલા પ્રોબ્લેમનું શું થયું? સોલ્વ થયો કે નહિ?"

"સાચું કહુંને તો એના માટે જ મેં તને ફોન કર્યો છે."

"તો એમ પણ જણાવ કે શું ચાલી રહ્યું છે? ગુડ કે બેડ?"

ધીમા અવાજે નિતુ એક ક્ષણ પછી જવાબ આપ્યો, "સાચું કહું તો મને નથી સમજાતું કે મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે! એક જ વ્યક્તિ છે જેણે મારી લાઈફમાં ઉથલ પાથલ મચાવી છે. એકવાર લાગે છે કે એના લીધે હું ઘણું બધું સહી રહી છું. તો બીજી ક્ષણે આભાસ થાય છે કે એ ખોટી પણ નથી. એનાં શબ્દો પર ન ઈચ્છવા છતાં હું વિશ્વાસ મૂકી બેસું છું. પછી થાય છે કે એ મારા ફાયદો ઉઠાવી લે છે."

"નિતુ! ઍવેરીથીંગ ઇઝ ઓલરાઇટ ના? કેમ એમ બોલે છે?"

"વધારે ચિન્તા કરવાની જરૂર નથી અનંત. બધું ઠીક છે. તે મને કહ્યું હતુને કે મારે પ્રોબ્લેમનાં મૂળ સુધી જવું જોઈએ. બસ એ જ પ્રયત્ન કરી રહી છું. બસ એક કડી શોધવાની બાકી છે. એ મળશે એટલે મારી લાઈફના બધાં જ પ્રોબ્લેમ દૂર થઈ જશે."

"હમ. એમ તો મારી બહેન ખુબ સ્માર્ટ છે." કહેતાં તે હસી પડ્યો અને નીતિકા પણ હસવા મજબૂર થઈ.

"તું જે સમજ તે."

"નીતિકા આજ સુધી મને કંઈ નથી કહ્યું. બસ ગોળ ગોળ વાતો ફેરવ્યા કરે છે, જો કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો મને જણાવ. હું તારી બધી હેલ્પ કરીશ."

"જાણું છું અનંત. તારી જરૂર હશે તે દિવસે તને પણ યાદ કરી લઈશ. અત્યારે તો હું અને તું ક્ષેમ કુશળ છીએ એટલું જ પર્યાપ્ત છે."

"ઠીક છે. જેવી તારી મરજી."

"મારે એક કોલ આવે છે. હું પછી વાત કરું?" ફોન પર વાગી રહેલ અન્ય રિંગ પર નજર કરતાં તેણે કહ્યું.

"ઓકે. બાય એન્ડ ટેક કેર."

"બાય." કહી તેણે અનંતનો ફોન કટ કર્યો અને નવીનનો ફોન રિસીવ કર્યો. 

"હાય." નવીને જુસ્સાભેર કહ્યું. 

"હાય નવીન. કેમ કોલ કર્યો?"

"જો તમને ના ગમે તો હું રાખું?" નવીને કહ્યું. 

તે બોલી, "અરે ના. અચાનક તારો કોલ આવ્યો એટલે પૂછ્યું." 

"આજે ઓફિસમાં તમારી તબિયત બરાબર નહોતી લાગતી, મને તમારી ચિન્તા થઈ એટલે કોલ કર્યો."

"ચિન્તા કરવાની જરૂર નથી. બસ જરા મૂડ ઓફ હતું એટલે."

"તો આપનું મૂડ સારું કરવાનો ઉપાય છે મારી પાસે."

નિતુએ પૂછ્યું, "અને તે શું છે?"

"હું તમને મસ્ત જોક સંભળાવું. તમારું બધું જ બગડેલું મૂડ સારું થઈ જશે."

"અચ્છા?"

"હા, કહેવાય છે કે જે વ્યક્તિ ખીલીને હસી શકે એને કોઈ સમસ્યા નથી નડતી અને તમારી આ બગડેલા મૂડની સમસ્યાનો ઉપાય તો હસવાથી જ દૂર થશે."

"ઠીક છે તો પછી હસાવ મને."

"શું સાંભળશો? હાથી-કીડીનાં જોક્સ?"

"કમોન નવીન, હું શું નાની કીકલી છું કે તું મને આવા નાના બાળકો સાંભળે એવા હાથી- કીડીના કે પ્રાણીઓનાં જોક્સ સંભળાવીને હસાવીશ." 

"હું શાહબુદ્દીન રાઠોડ અને મનન દેસાઈનો પણ એટલો જ મોટો ફેન છું. જો હિન્દી જોઈએ તો સુરેન્દ્દ શર્મા અને એહસાન કુરેશી, એમાં પણ લેટેસ્ટ સાંભળવા હોય તો અભિષેક ઉપમન્યુ, અનુભવ બસ્સી, ફાતેમા આયશા..."

"અરે બસ બસ, આટલી બધી વેરાઈટી."

"માત્ર તમારા માટે. તમારું મૂડ સાજું કરવા માટે."

"તને જે મન થાય તે સંભળાવ. હું ટ્રાય કરીશ હસવાની."

"ટ્રાય કરશો! તો તો મને લાગે છે કે આજે મારે તમને હસાવવા જ પડશે."

નવીને તેને હસાવવા માટે એક પછી એક જોક્સ કહેવાના અને નતનવી કોમેડી કરવાનું શરુ કર્યું. શરૂઆતમાં તે માત્ર નવીનની વાતોને સાંભળતી રહી. પણ અંતે તેનાથી હસી ના રોકી શકાય અને તે બંને હસી હસીને વાતો કરવા લાગ્યા. નવીન સાથે વાતો કરવામાં એ એટલી મશગૂલ થઈ ગઈ કે તેને કશું ભાન ના રહ્યું. અગાસીના દાદર પર ઉભેલી શારદા આ બધું સાંભળતી નીચે જવા લાગી.