10. હિતેચ્છુ
“અરે સાહેબ, હું તો તમારો મિત્ર અને હિતેચ્છુ છું. હું તો તમને મારા ક્લાયન્ટ જ નહીં, મારા અંગત ગણું છું. તમે મેં આપેલી પોલિસીઓ ઉપર આગળ જતાં મળતા લાભ માટે કાયમ મને યાદ રાખશો. મેં અપાવેલી પોલિસીઓ તમારી જિંદગી તો સુરક્ષિત કરશે જ, એ સાથે તમને જે લાભ આપશે.. તમે ત્યારે મને યાદ કરશો.
જુઓ સાહેબ, લાઈફ કવર સાથે આ તમને અપાવી એ પોલીસના બીજા બેનીફીટ્સ ખૂબ છે. અરે જોજો, ધનની વર્ષા થશે." કહેતાં એજન્ટે મલ્ટિપલ પોલિસીઓનાં પ્રીમિયમનો ચેક લઈ અનિમેષ સાથે હાથ મિલાવ્યા.
અનિમેષે જોયું. બધી એમ તો ટર્મ લાઇફ પોલીસીઓ હતી અને અલગ અલગ સમયે પાકતી હતી. અમુક વર્ષે પરત મળતી હતી. કોઈ 22 વર્ષની, કોઈ 25 વર્ષની, કોઈ 28 વર્ષની. આ બધી પોલિસીઓનું વર્ષે એકાદ લાખ ઉપર પ્રીમિયમ થતું હતું. અનિમેષને આ ખૂબ વધુ લાગ્યું પણ એજન્ટ કહે સેવિગમાં મૂકી રાખવા કે અજાણ્યા મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા કરતાં વધુ પ્રીમિયમ ભરી એનાં વીમા કંપની રોકાણો કરે એની ઉપર થતો લાભ અનેક દરજ્જે વધુ સારો છે.
અનિમેષે કહ્યું કે લાંબે ગાળે તમે કહો છો તેવા લાભ હશે પણ મને એક સાથે આટલું બધું પ્રીમિયમ પોષાય એમ નથી.
એજન્ટે કહ્યું કે રકમ મોટી છે તેવો વિચાર જ ન કરો. દોઢ લાખ રૂ. સુધી 80સી માં આ પ્રીમિયમ બાદ મળે છે. ટેકસ બચાવવા બીજે જ્યાં ત્યાં રોકવાને બદલે બધા જ ટેકસ સેવિંગ માટેના પૈસાનું વિમા પ્રીમિયમમાં જ રોકાણ કરી દો. વીમો જ વધારો. હું તમને સાવ સાચી સલાહ આપું છું.
એજન્ટે બીજા કેટલાક ક્લાયન્ટ્સના દાખલાઓ આપ્યા કે તેમને કેટલો બધો ફાયદો થયેલો જે વીસ બાવીસ વર્ષ પછી દેખાયેલો.
અનિમેષે જો કે આ તોતિંગ પ્રીમિયમો સિવાય થોડું 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ્સમાં પણ કવર કર્યું. તે બધું એક જગ્યાએ રોકાણ કરવાના મતનો ન હતો. એજન્ટ તો હજી પાછળ પડેલો. એમ કહો કે રોજ ઊઠીને થાક્યા વગર ફોન કર્યા જ કરે. પછી એજન્ટને થયું કે આ ક્લાયન્ટ નીચોવાઈ ગયો એટલે બીજા ફોન બંધ કર્યા.
ત્રણેક વર્ષ તો સારું કમાતા અનિમેષે આ બધાં પ્રીમિયમ ભર્યા કર્યાં. પછી તેનો સંસાર ચાલુ થયો. ઘરખર્ચ વધ્યો, મકાન પણ લીધું. એનો પણ હપ્તો શરૂ થઈ ગયો. બાળકોની ફી પણ ભરવાની આવી. આ બધા ખર્ચાઓ સાથે સારી એવી પણ આખરે તો ફિક્સ આવક માંથી આટલું બધું પ્રીમિયમ ભરતાં અનિમેષને તકલીફ પડવા લાગી. જો બધું પ્રીમિયમ ભર્યા કરે તો પછી બાળકને ઓછી સારી સ્કૂલમાં મૂકવું પડે કે ઘર ન લેવાય. અનિમેષ ઊંચાં પ્રીમિયમ ભરવા માટે સખત કરકસર કરવા માંડ્યો.
ગમે તેવી કરકસર છતાં આટલી મોટી રકમ પ્રીમિયમો ભરવા જુદી કાઢવી તેને અશક્ય લાગી.
આખરે તેણે ફરીથી એજન્ટને સાધ્યો. એ આશાએ કે હવે એ ઊંચાં પ્રીમિયમની જંજાળમાંથી કાંઈક રાહત અપાવશે.
ઊંચાં પ્રીમિયમ નહીં ભરાય કહી પોલીસીઓ સમાપ્ત કરવા કહ્યું. ભલે ધનના ઢગલા ન થાય. ભલે બેનિફિટ જાય. હવે પોલિસીઓ પ્રી પે કરવી જ છે, તેણે કહ્યું.
એજન્ટ તો તેની સામે જોઈ રહ્યા. અનિમેષના 'હિતેચ્છુ' એજન્ટે તો પહેલાં ખૂબ આનાકાની કરી પણ છેલ્લે કચવાતા મને ક્લાયન્ટની પોલીસીઓ પ્રી પે કરાવી આપવા તૈયાર થયો.
આખરે શાક વગર ખાધેલ દાળરોટીની કરકસરથી જીવતા અનિમેષનો વીમા પોલિસીઓથી છૂટકારો થયો પણ આજ સુધીનાં ભરેલાં સાતલાખ રૂપિયા પ્રીમિયમ સામે તેને ફક્ત ચારલાખ જ મળ્યા!
અનિમેષને પોતે છેતરાયાનું ભાન થયું. હવે કાઈં થાય નહીં છતાં તે એજન્ટને મળવા ગયો ત્યાં છાપામાં પોતાના એજન્ટ વિશે જાહેરાત જોઈ- શ્રી .. અબજપતિ એજન્ટ બન્યા બદલ તેનું બહુમાન વીમા કંપનીએ કર્યું.