Talash 3 - 22 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 22

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 22

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"આ ડાયરી, એ જેમાં છે એ ખલતો અને એ ખલતો જેમાં રાખ્યો છે એ મંજુષ, હોલ્કર રાજની સંપત્તિ છે. રાજ આજ્ઞા વગર એનો ઉપયોગ કરવો નહિ. એમાં આપેલી સાંકેતિક વિગતો એક ખજાનાનું સ્થાન દર્શાવે છે. એક શાપિત ખજાનો, કે જે મૂળ શ્રીનાથદ્વારા મંદિરની માલિકીનો છે. અમે એક વાર એ લૂંટવાની ભૂલ કરેલી, અને એના ભયંકર ફળ ભોગવ્યા છે. ભૂલમાંય જો કોઈને એ ખજાના વિશે ખબર પડે, તો એ ખજાનો શ્રીનાથદ્વારા પહોંચાડવાનો પ્રયાસ કરવો. નહીં તો ભૂલી જવું કે એ ખજાના વિશે એને કઈ ખબર છે. નહીં તો આ ડાયરીમાં લખેલા ઉદાહરણ જેવા જ કે એનાથી પણ બુરા હાલ તમારા થશે."

"વિક્રમ સંવત 1858 ના પોષ મહિનામાં ઈસવીસન 1802ના જાન્યુઆરી મહિનામાં દોલતરાવ સિંધિયાથી હાર ખાઈને સૈન્ય અને શસ્ત્ર સહાય માટે જયારે જસવંત રાવ પ્રયાસ કરી રહ્યા હતા. અને અમે એમના સાથી હતા. ત્યારે કોઈ કુબુદ્ધિ વાળા સલાહકારની સલાહથી મેવાડમાં આવેલા શ્રી નાથદ્વારા મંદિરને લૂંટવાની અમે લોકો એ ભૂલ કરી, જેના ફળ હાલમાં ભોગવી રહ્યા છીએ. અમે જાણ્યું કે મેવાડ રાજ નિશ્ચિન્ત છે. કે આ જગત નિયંતા ના મંદિર પર કોઈ હિન્દુ હુમલો નહિ કરે. છેલ્લા 200 વર્ષમાં કોઈ મોગલ શાસકે પણ એવો પ્રયાસ કર્યો ન હતો. અમે એનો જ ફાયદો ઉઠાવ્યો."

"અમે વિચાર્યું કે અચાનક હુમલો કરી મંદિરના ઘરેણાં તથા ખજાનો લૂંટી આંધીની માફક નીકળી જઈશું. પણ કોઈ કે અમારા ત્યાં પહોંચ્યા પહેલા જ, અમારી આ યોજનાની જાણકારી ત્યાં પહોંચાડી દીધી હતી મેવાડ ના રાવે તરત જ આજુ બાજુના શૂરવીરોને ભેગા કાર્ય અને અમારો સામનો કર્યો. અનેક નિર્દોષ લોકો એ પોતાના આરાધ્યના રક્ષણ માટે જીવ ખોયો. અને મંદિરમાં સ્થાપિત ઈશ્વરની પ્રતિમા સહીસલામત ઉદયપુર પહોંચાડી. પણ...

પણ..ખજાનો ત્યાં જ હતો. નગરનો શ્રીમંત વેપારી વર્ગ અમારા દરબારમાં હાજર થયો અને મંદિર ન લૂંટવા વિનંતી કરી. અમે હરજાના અને ખર્ચ પેટે 10 લાખ ચાંદીના રૂપિયા માગ્યા. જે માટે એ લોકોએ અસમર્થતા દર્શાવી અને 1 લાખ રૂપિયા ભેગા કરી આપવાની અને સામે મંદિરને હાનિ પહોંચાડ્યા વગર પાછા ફરી જવા કહ્યું. રાવ એમાં સંમત થયા. અને ત્યાંથી પાછા ઇન્દોર જવા નીકળ્યા."

"પણ એ જેમને સેનાનો કારભાર સોંપી ગયા હતા એવા કેટલાક સામંતો જેમાં હું પણ સામેલ હતો. એમણે વિષ્ટી કરવા આવનાર ને કેદ કરી લીધા અને આખું શ્રી નાથદ્વારા અને મંદિર તાળા તોડીને લૂંટી લીધું. સામે થયા એને કાપી નાખ્યા, અને ગામ આખું સળગાવી માર્યું. ત્યારે મારા જેવા કેટલાક સામંતો એ એનો વિરોધ કરવાની કોશિશ કરી પણ અમારું કઈ ઉપજ્યું નહિ."

"ખજાના સાથે રાવને ખુશ ખબર આપવા ત્યાં હાજર સામંતો સાથે અમે લોકો નીકળ્યા પણ ઈશ્વરની સંપત્તિ એમની આજ્ઞા વગર, તેમના ભક્તોની કતલ કરીને લૂંટી લીધી હતી એ ઈશ્વરને જરાય ન ગમ્યું અને એનો કોપ તરત જ અમારા પર વરસ્યો. શ્રીનાથ દ્વારા થી ઇન્દોર પહોંચવાની 20-22 દિવસની મુસાફરીમાં આ ઈશ્વરીય કોપને કારણે, અચાનક કૈક અજીબ બીમારી થી સાવ સાજા સારા લોકો પાગલ જેવું વર્તન કરવા લાગ્યા, અને એક રાત્રે અમારો જે મુખ્ય સેનાની હતો એ બન્ને હાથમાં તલવાર લઈને નીકળ્યો, અને અમારી જ સેનાના માણસોને ભાજી મૂળા ની જેમ કાપવા માંડ્યો. બધા જ થાકેલા પોતપોતાની શિબિરમાં આરામ કરતા હતા, અડધી રાત્રે લોકોની મરણચીસો ગુંજવા મંડી. અને કઈ સમજાય એ પહેલાતો ખજાનો લૂંટવામાં સંમતિ આપનાર લગભગ બધા જ કપાઈ મુવા." 

"સવારનો સૂરજ ઊગ્યો ત્યારે અમે ઇન્દોરથી 2 મજલ (લગભગ 2 દિવસનો રસ્તો) દૂર હતા. અને અમે એટલા જ બચ્યા હતા, જેણે મંદિરને લૂંટવાનો વિરોધ કર્યો હતો. અમારી સેનાના સૈનિકો તો પહેલે થી જ મંદિર લૂંટવાના વિરોધમાં હતા. પણ સેનાએ નાયકોનો હુકમ એમને માનવો પડ્યો હતો. છેવટે મેં મહાવીર રાવે આ ખજાનો ઇન્દોર પહોંચાડ્યો. જસવંત રાવ ને બધા સમાચાર મળી ચુક્યા હતા. એ અમારા લોકો પર સખ્ખત નારાજ અને ગુસ્સામાં હતા. એમણે બધાને ઈન્દોર થી દૂરજ રહેવાનો સંદેશો મોકલ્યો કેમ કે કોઈ પંડિતે એમને આગલા દિવસે જ કહ્યું કે તમારા માણસો ઈશ્વરનું મંદિર લૂંટીને ખજાનો લાવે છે. એ ખજાના માંથી કઈ પણ ઉપયોગ કરશો તો તમારું ધનોત પનોત નીકળી જશે."

"આ મંદિર લૂંટવાના મામલે મેં મારા 2 ભાઈ અને બાપુ ને ગુમાવ્યા હતા. તો એક ભાઈ કે જેને આ ખજાનો લૂંટી ને પોતાના ભાગમાં આવનારી રકમથી જલસા કરવા હતા. એને આગલી રાત્રે પેલા અજીબ બીમારી થી પાગલ થયેલા મુખ્ય સેનાનીએ કાપી નાખ્યો હતો.અમારા આખા ખાનદાનમાં હું એક માત્ર પુરુષ બચ્યો હતો હતો."

"કેટલાક દિવસ ઇન્દોર ગઢ ની બહાર રાહ જોયા બાદ એક દિવસ મને જસવંત રાવને મળવા માટે એક ઘડી (લગભગ 15 મિનિટ) ફાળવવામાં આવી. કેમ કે રાવે હવે સિદ્ધા પુના પર ચઢાઈ કરવાનું નક્કી કર્યું હતું. એમને ય મારા જેવા વફાદાર અને રાજ માટે મરી ખૂંટનાર માણસની જરૂર હતી. દરમિયાનમાં મારી માં ને ગામમાં સાપ કરડ્યો અને એ તરત જ મરી ગઈ હતી. તો અમે હાજર ન હતા ત્યારે, અમારા ભાગમાં આવેલા ગામમાં હુમલો કરીને લૂંટારાઓ બધું લૂંટી ગયા અને મારી બહેન અને ભાભીઓને ઉપાડી ગયા હતા. આમ એ શાપિત ખજાનો ભેગો લઇ ને ફરતો હું મારા આખા કુટુંબનો એક માત્ર જીવિત વ્યક્તિ એના ફળ ભોગવી રહ્યો હતો."

"જશવંત રાવે ભર્યા દરબારમાં ઈશ્વરની માફી માંગી અને એ બધો ખજાનો પરત સહી સલામત શ્રીનાથદ્વારા પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી અને મારા અને બચેલા ભાયાતો ના ભાગમાં જે ગામ હતા એમાંથી દંડ રૂપે પોણા ભાગના ગામ પાછા રાજ માં ભેળવી દીધા અમારી જાગીર ચોથા ભાગની થઈ ગઈ. એમણે મને હુકમ કર્યો કે આપણે પુના ની લડાઈ જીતી લઈએ પછી હું સેના ના સંરક્ષણમાં ખજાનો પાછો શ્રીનાથદ્વારા પહોંચાડું."

"ખજાનો પરત કરવાની પ્રતિજ્ઞા પછી જસવંત રાવના સુવર્ણ દિવસો શરૂ થયા. પુનાના જે પેશ્વાના એક સૂબા હતા, એ પેશ્વાને એમણે હરાવ્યા. બીજી અનેક લડાઈ જીતી. અંગ્રેજોના સંરક્ષણ છતાં પેશ્વા એ ઈંદૌર ને સ્વતંત્રતા આપવી પડી ઉપરાંત કેટલીક જાગીરો આપવી પડી. જસવંત રાવે અંગ્રેજો સાથે પોતાની શરતે શાંતિ કરાર કર્યા. હું પણ બધું ભૂલી ગયો અને ખજાનો આપણા ગામની સીમમાં દાટી દીધો." 

xxx 

ટકલુની પાછળ આવતા ગિરધારીએ આ આખો એક્સીડંટ નિહાળ્યો હતો. ચોકમાં પહોંચીને એણે જોયું તો ટ્રક ડ્રાઈવર સામેની સાઇડથી આવતી એક બાઈક પાછળ બેસી ને ભાગ્યો હતો. ટકલુ જીવતો છે કે નહિ એ જોવાની પણ એણે દરકાર કરી ન હતી. એને પોતાની સુમો એક સાઈડ માં ઉભો રાખીને એ ભાગતો ટકલુ પાસે પહોંચ્યો. ટકલુ ની બાઇકના પૂરજે પૂર્જા છુટા પડી ગયા હતા. અને એના વ્હીલમાં ટકલુ ના બન્ને પગ અટવાયા હતા ને એના ઉપર ટ્રકના ભારે ભરખમ વહીલ ફરી વળ્યા હતા. ચાલીસ પચાસ ફૂટ ઘસડાવાના કારણે એનું આખું શરીર છોલાયું હતું. બન્ને હાથ લગભગ બેવડા વળી ગયા હતા દાંત તૂટી ગયા હતા. આખો ચહેરો અને શરીર લોહિલુહાણ હતા. પણ... 

મેં મહિનાની કાળઝાળ ગરમીમાં ઉદયપુર -શ્રીનાથદ્વારા વચ્ચેના ઘાટીઓમાં આવેલ એ સાંકડા રસ્તાઓમાં કોઈ વાહનની ભાગ્યે જ અવાર જવર થતી હતી એટલે જ ટકલુ એ એ મારગ પકડ્યો હતો. પણ પહેલેથી જ એની પર નજર રાખી રહેલા એના દુશમનો ને એના આ માર્ગનો અંદાજ આવી ગયો હતો અને એણે એને રસ્તામાંથી હટાવવાનું કામ બરાબર કર્યું હતું. મરણને આરે પહોંચેલો એ ટકલુ ઉર્ફે.મંગલ સિંહ. કંઈક અજીબ આશાથી પોતાનો શ્વાસ ટકાવી રહ્યો હતો. મહામહેનતે એણે પોતાની આંખો સ્થિર કરી અને પોતાની બાજુમાં આવીને ઉભેલી સુમો પર નજર માંડી. ગિરધારી એમાંથી ઉતર્યો અને દોડીને એની પાસે આવ્યો.

"શું થયું ભાઈ? કોણ હતો એ ડ્રાઈવર? મેં પાછળથી જોયું એણે જાણી જોઈને તમારી બાઈક સાથે પોતાની ટ્રક અથડાવી, હું હમણાં જ એમ્બ્યુલન્સ બોલવું છું. ચિંતા ન કરતા બધું સારું થઈ જશે."

 "છોક્કકરા... એ બધું છોઓઓઓડ. મારો શ્વાસ તૂટી રહ્યો છે. માંડ એકાદ મિનિટ મારી પ્પાઆસ્સસ્સ્સસ્સ્સસે છે. તુઉઉઉ જીતુભાનો સાથી છે. એ તને હમણાં નહિ, તો સાંજે, કાલે મળશે. એને એટલો મેસેજ દે જે કે... " આટલું બોલવામાં તો એના મોં માંથી લોહીની ઉલટી થઇ. ગિરધારી દોડીને પોતાની સુમો પાસે ગયો એમાંથી પાણીની બોટલ લાવીને એણે ટકલુના મોં પાસે સહેજ નમાવી. કાળઝાળ ગરમીમાં, મરતા મંગલ સિંહ ના મોં પર ઠંડા પાણીની હળવી ધાર થતા એ સહેજ હોશમાં આવ્યો. મહા મહેનતે એણે પોતાનું તૂટેલા જડબા વાળું મોં ખોલવાની કોશિશ કરી. ગિરધારી એ એના તૂટેલા મોને એક હાથે પકડ્યું અને થોડું પાણી એના મોં માં રેડ્યું. જે મંગલ સિંહે મહા મહેનતે પોતાના ગળા નીચે ઉતાર્યું. પછી ગિરધારી ને કહ્યું. "જીતુભા ને મારો સંદેશો આપજે કે શંકર રાવ એને ગમે એટલા રૂપિયા આપે પણ એ જે કામ કહે છે એ કરતો નહિ." 

"હું હમણાં મદદ બોલવું છું મારી કંપનીની બહુ જ પહોંચ છે જલ્દીથી એમ્બ્યુલન્સ આવી જશે." ગીરધરી એ એને હિંમત બંધાવવા કહ્યું.

"કોઈ ફાયદો નથી, હવે તું નીકળ અને હા એક કામ કર માર ફોન આટલામાં ક્યાંક પડ્યો હશે. એ પણ જીતુભાને આપી દેજો એને કહેજે એના કામ નું ઘઉંનૂ ઉઉઉ  માર .. ફોનનનનન્ન.. છીએએએ." મંગલ સિંહનો અંત આવી રહ્યો હતો.

"પ્લીઝ હિંમત થી કામ લો. આ જો કોઈક વાહન નો આવજ આવે છે." ગિરધારી એ કહ્યું. અને મંગલ સિંહ ની આખો ચમકી ઉઠી. પોતાના ગાળા માંથી એક ઘુરકાટ ભર્યા અવાજે એણે અંતિમ વાક્ય કહ્યું. "ભાગગગગગગગગગ, જ઼લ્દીઈઈઈઈ થી ફોનનન્ન ગોતી ને,,, નહિ,તોઓઓઓઓઓ  પાંચ જ  મિનિયઇઇઇટ માં મારી બાજુમાં આઆઆઆ તારી પણ લાશહ્હહ્હ્હ પડી હશે...." આટલું બોલતામાં એનું પ્રાણપંખેરુ ઉડી ગયું. 

xxx 

 મેં મહિનાની કાળઝાળ ગરમીમાં ઉદયપુરથી શ્રીનાથદ્વારા જવાના રસ્તે ચારેબાજું ફેલાયેલી ઉબડખાબડ ઘાટીઓની વચ્ચે કોતરેલા રસ્તામાંથી એક અગોચર રસ્તા પર ઉભેલો  ગિરધારી ભયથી કાંપતો હતો. પોતાના એરિયામાં (મથુરાની આજુબાજુના વિસ્તારમાં) એ ગમે તે પરિસ્થિતિ નો સામનો કરવાની હિંમત ધરાવતો હતો, પણ અહીં આ અજાણ્યા ગામમાં આ પરિસ્થિતિમાં એ મુંઝાયો હતો. એણે ફટાફટ આજુબાજુ નજર દોડાવી, બાઇકના ભંગાર વચ્ચે છેવટે 3-4 મિનિટે એને ટકલુનો ફોન દેખાયો. એની સ્ક્રીન તૂટી ગઈ હતી. એણે ફટાફટ પોતાના ગજવામાં એ ફોન નાખ્યો અને સુમોમાં બેસીને સુમો ભગાવી. માંડ પાંચ મિનિટ થઈ હશે. કે એને સમજાયું કે પોતે હલ્દીઘાટી બાજુ નહિ પણ ઉદયપુર તરફ જઇ રહ્યો છે. પણ સાંકડા રસ્તામાં ટર્ન મારવો મુશ્કેલ હતો. એણે કમને મુખ્ય રસ્તા સુધી જવું પડ્યું. જો એ તરત જ પાછો વળ્યો હોત તો એને જાણવા મળત કે ટકલુ ઉર્ફે મંગલસિંહ નું કાસળ કાઢવા પાછળ કોણ હતું.  

ક્રમશ:   

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.