સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું નૃસિંહના દિવ્ય મંત્રોનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. આ જ મંત્રોની આરાધના કરીને બ્રહ્માદિએ સૃષ્ટિ આદિનાં રચનાત્મક કર્મ કર્યાં.
સંવર્તક (ક્ષ), ચંદ્ર (અનુસ્વાર), મૌલી (ઔ) અને વહ્ની (ર) થી શોભાયમાન એકાક્ષર મંત્ર ‘ક્ષ્રૌં’ કહેવામાં આવ્યો છે. આની સાધના કરનારાઓને તે સુરપાદપ અર્થાત કલ્પવૃક્ષના જેવું ફળ આપે છે. અર્થાત આ મંત્રની ઉપાસના કરનારની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. આ મંત્રના ઋષિ અત્રિ છે, છંદ જગતી છે, દેવતા નૃહરિ છે; સર્વ કાર્યોની સિદ્ધિના હેતુ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. ક્ષં બીજ છે, ઈ શક્તિ છે.
ધનુષ, ચક્રને ધારણ કરનારા તથા અભયમુદ્રાને દર્શાવનારા નૃહરિનું ધ્યાન કરવું. આ એકાક્ષરનો એક લાખ વાર જપ કરવો અને ઘી તથા પાયસ (ખીર) થી દશાંશ હોમ કરવો. પૂર્વોક્તપીઠ પર એમની મૂર્તિની કલ્પના કરી આવાહન તથા પૂજન કરવું. કમળનાં કેસરોમાં અંગપૂજન કરવું. ખગેશ, શંકર, શેષ, શતાનંદ, શ્રી, હ્રી, ધૃતિ, પુષ્ટિનું અનુક્રમે દિશાઓ અને ખૂણાઓમાં પૂજન કરવું. પીઠસ્થાન ઉપર નૃહરિ, કૃષ્ણ, રુદ્ર, મહાઘોર, ભીમ, ભીષણ, ઉજ્જવલ, કરાલ, વિકરાલ, દૈત્યાંત, મધુસૂદન, રક્તાક્ષ, પિંગલાક્ષ, અંજન, દિપ્તરુચિ, સુઘોરક, સુહનુ, વિશ્વક, રાક્ષસાન્તક, વિશાલક, ધૂમ્રકેશ, હયગ્રીવ, ઘનસ્વન, મેઘવર્ણ, કુંભકર્ણ, કૃતાન્ત, તીવ્રતેજસ, અગ્નિવર્ણ, મહોગ્ર, વિશ્વવિભૂષણ, વિઘ્નક્ષમ, મહાસેન-આ બત્રીસ સિંહ કહ્યા છે-આ માનોથી પીઠસ્થાન ઉપર નૃસિંહ ભગવાનનું પૂજન કરવું. એવી જ રીતે ઈન્દ્રાદિ લોકપાલોનું આયુધો સહિત પૂર્વાદિ દિશાઓમાં પૂજન કરવું, આ પ્રમાણે મંત્ર સિદ્ધ થતાં સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
‘ॐ ह्रीं नमो भगवते नृहरये पुरुषोत्तमाय अतिविक्रमाय’ બાવીસ અક્ષરનો આ મંત્ર સામ્રાજ્ય આપનારો છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ છે. ગાયત્રી અનુષ્ટુપ છંદ છે, સર્વ ઇષ્ટ ફળને આપનારા નૃહરિ દેવતા છે, હં બીજ છે અને ઇં શક્તિ છે. સર્વ ઇષ્ટફળની પ્રાપ્તિમાં આનો વિનિયોગ થાય છે. ષડંગન્યાસ આ પ્રમાણે કરવા. ૐ હ્રાં હૃદયાય નમ:, હ્રીં શિરસે સ્વાહા, હ્રૂં શિખાયૈ વષટ્, ह्रैं કવચાય હુમ્, ह्रौं નેત્રત્રયાય વૌષટ્, હ્ર: અસ્ત્રાય ફટ્. આ પ્રમાણે ષડંગન્યાસ કર્યા પછી વ્યાપક અંગન્યાસ કરવા.
ૐ મૂર્ન્ધિ નૃસિંહાય નમ:, ૐ ભાલે કેસરિણે નમ:, ૐ નેત્રયો: રુદ્રાય નમ:, ૐ મુખે મહાઘોરાય નમ:, ૐ બાહ્વો: ભીમાય નમ:, ૐ સ્તનયો: નૃહરયે નમ:, ૐ ચરણયો: ભીષણાય નમ:, ૐ સંધ્યગ્રેષુ ઉજ્જવલાય નમ:, ૐ કુક્ષૌ કરાલાય નમ:, ૐ હૃદિ વિકરાલાય નમ:, ૐ કંઠે દૈત્યાન્તાય નમ:, ૐ પાર્શ્વદ્વયે મધુસૂદનાય નમ:, ૐ પૃષ્ઠે રક્તાક્ષાય નમ:, ૐ કકુદિ પિંગલાક્ષાય નમ:, ૐ ભ્રુવોર્મધ્યે અંજનાય નમ:, ૐ કર્ણયો: દિપ્તરુચયે નમ:, ૐ કપોલયો: સુઘોરકાય નમ:, ૐ નાસિકાયામ્ કૃષ્ણાય નમ:, ૐ ચિબુકે સુહાનવે નમ:, ૐ ઓષ્ઠયો: વિશ્વકાય નમ:, ૐ નાભિમંડલે રાક્ષસન્તકાય નમ:, ૐ કટ્યાં વિશાલકાય નમ:, ૐ મેઢ્રે ધૂમ્રકેશાય નમ:, ૐ ઊર્વો: હયગ્રીવાય નમ:, ૐ જાન્વો: ઘનસ્વનાય નમ:, ૐ જંઘયો: મેઘવર્ણાય નમ:, ૐ ગુલ્ફે કુંભકર્ણાય નમ:, ૐ પાદકરાંગુલ્યો: કૃતાન્તાય નમ:, ૐ સર્વસંધિષુ તીવ્રતેજસે નમ:, ૐ રોમસુ અગ્નિવર્ણાય નમ:, ૐ રક્તાસ્થિમજ્જાસુ મહોગ્રાય નમ:, ૐ પક્ષ્મસુ વિશ્વવિભૂષણાય નમ:, ૐ પ્રાણેષુ વિઘ્નક્ષમાય નમ:, ૐ સર્વાંગે મહાસેનાય નમ:
મૂલમંત્ર ‘ક્ષ્રૌં’ થી પગથી નાભિ સુધી; નાભિથી હૃદય સુધી અને હૃદયથી મસ્તક પર્યંત ન્યાસ કરવો. વ્યાપક અંગન્યાસ ઉપર જણાવ્યા પ્રમાણેનાં નામોથી કરવો. આ ન્યાસને ‘હરિન્યાસ’ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ન્યાસવિધિ કર્યા પછી હૃદયમાં નૃહરિનું ધ્યાન કરવું.
‘દીર્ઘ બાહુઓથી શોભતા, કમળ અને ચક્રને ધારણ કરનારા, ગરદન પર કેશોવલિથી વિભૂષિત, નખના અગ્રભાગથી દૈત્યોના ઈશ હિરણ્યકશિપુને વિદારનારા, પોતાના તેજથી પ્રકાશિત થતાં, દિપ્ત જિહ્વાવાળા, ત્રણ નેત્રથી સુશોભિત, ભયંકર દાઢયુક્ત મુખવાળા, જળ, સ્થળ અને ગગનમાં ગતિ કરનારા ભગવાન નૃસિંહ સદા અમારી રક્ષા કરો.’ આ પ્રમાણે નૃસિંહ ભગવાનનું ધ્યાન કરી નારસિહીં મુદ્રા તેમને દેખાડવી. તે આ પ્રમાણે કરવી.
પ્રથમ ઉભડક બેસવું. બંને ઢીંચણોની વચ્ચે હડપચી અને હોઠ સમાન રેખામાં સીધા રાખવા. બંને હાથ જમીન પર ટેકવીને વારંવાર કંપન કરવું. મુખ પહોળું રાખી જીભથી મુખના ખૂણા ચાટવા. આ મુદ્રાને ‘નારસિહીં’ પ્રધાન મુદ્રા કહેવામાં આવે છે. ડાબા અંગૂઠાથી જમણા હાથની કનિષ્ઠ અંગૂલી, અનામિકા અને મધ્યમા , આ ત્રણ આંગળીઓને પકડી રાખી ત્રિશૂલની જેમ પોતાની સમ્મુખ અદ્ધર રાખી કરવામાં આવતી મુદ્રાને ‘નૃસિંહગા’ મુદ્રા કહેવાય છે.
બંને હાથના અંગૂઠાઓથી બંને ટચલી આંગળીઓ પકડી રાખીને બાકીની આંગળીઓને અધોમુખ રાખવાથી થતી મુદ્રા ‘નૃહરિ’ કહેવાય છે. બંને હાથ લટકતા રાખી ધીમે ધીમે તેમને નાભિ પ્રદેશ તરફ લઇ જવા. ત્યાં બંને તર્જની આંગળીઓ નાભિને અડાડીને તેને પોતાના બંને ખભા તરફ લઇ જવાથી ‘આંત્રણ’ મુદ્રા બને છે.
બંને હાથ ઊંચે લઇ જઈને અદ્ધર રાખવા. પછી ડાબી અનામિકામાં જમણા હાથની અનામિકા ભેરવવી. બંને તર્જની આંગળીઓને પાછળથી બંને અંગૂઠાઓથી પકડી રાખવાથી થતી મુદ્રાને ‘ચક્ર’ મુદ્રા કહેવામાં આવે છે. આવી રીતે ચક્રમુદ્રા કરીને બંને તર્જની આંગળીઓ વડે બંને મધ્યમાં આંગળીઓ વડે દબાવવામાં આવે તો ‘દંષ્ટ્ર’ મુદ્રા થાય છે. નૃસિંહ ભગવાનની આ મુદ્રાઓ સર્વ મંત્રોમાં યોજવી.
સૌમ્ય કાર્યમાં ભગવાનના સૌમ્ય સ્વરૂપનું અને ક્રૂર કાર્યમાં ક્રૂર સ્વરૂપનું સ્મરણ કરવું. પ્રતિદિન આળસરહિત થઈને મૂલમંત્રનો એકસો આઠ વાર જપ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. હવે હું સર્વ સિદ્ધિઓને આપનારાં ભિન્ન ભિન્ન ધ્યાન વિષે કહું છું.
લક્ષ્મીની કામના ધરાવનારા માણસે ઉપર જણાવવામાં આવેલ ભગવાન નૃહરિનું ધ્યાન કરવું. તેમના ડાબા ખોળામાં હાથમાં કમળને ધારણ કરીને લક્ષ્મીજી બેઠેલાં છે અને ભગવાનને તેઓ આલિંગન કરી રહ્યાં છે.
સર્વ પ્રકારની વ્યાધિઓમાંથી મુક્તિ મેળવવા માટે તેમ જ વિષ, મૃત્યુ અને ક્ષુદ્રરોગ તથા મહારોગ વગેરે ઉપદ્રવનો નાશ થવા માટે મહાભયંકર નરસિંહ ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવું. તેઓ પ્રલયકાળના અગ્નિના જેવી પ્રભાવાળા છે. આંતરડાની માળાને ધારણ કરી રહેલા છે, રુદ્રરૂપ છે, કંઠમાં હારથી સુશોભિત છે, નાગરૂપ યજ્ઞોપવીતવાળા છે, પાંચ મુખવાળા છે, ચંદ્રમાને મસ્તક પર તેમણે ધારણ કરેલો છે, તેઓ નીલકંઠ છે, તેમના પ્રત્યેક મુખ પરના ભાલપ્રદેશ પર ત્રણ ત્રણ નેત્ર છે. પરિઘના જેવા તેમના દશ હાથો અક્ષસૂત્ર, ગદા, પદ્મ, ગાયના દૂધ જેવા વર્ણવાળા, ધવલ શંખ, ધનુષ, મુશળ, ચક્ર, ખડ્ગ, શૂલ અને બાણ ધારણ કરવાથી શોભી રહ્યા છે, એવા રુદ્રરૂપ નૃહરિને વંદન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રના સાધકે અકાળ મૃત્યુનું હરણ કરનારા, સ્મરણ કરવામાં આવતાં જ સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા ભગવાન નૃસિંહના એકાક્ષર મંત્રનો પ્રણવ સહિત એક હજાર આઠ વાર જપ કરવો. (ૐ ક્ષ્રૌં).
જ્યારે કોઈ મહત કર્મ કરવું હોય ત્યારે સર્વ લોકના ઈશ, સર્વ આભારણોથી ભૂષિત, સોળ હાથવાળા નરસિંહ ભગવાનનું ધ્યાન કરવું. વિદારણ કર્મ કરતા બે હાથ; આંતરડાને ખેંચતા બે હાથ; શંખ અને ચક્રને ધારણ કરનારા બે હાથ; ધનુષ અને બાણને ધરાવનારા બે હાથ; ખડ્ગ અને ખેટ સહિતના બે હાથ; ગદા અને પદ્મને ધારણ કરતા બે હાથ; પાશ અને અંકુશ ધારણ કરનારા બે હાથ; રિપુના મુકુટને અર્પિત કરતા બે હાથ-આ પ્રમાણે હે નારદ, ઉગ્ર કામમાં પ્રવૃત્તિ કરનારા અનન્ય બુદ્ધિવાળા મનુષ્યે સોળ ભુજદંડથી શોભતા નીલમણિની કાંતિવાળા વિભુ નૃહરિનું ધ્યાન કરવું.
મહત્તમ અર્થાત અત્યંત ઉગ્ર કર્મમાં સર્વ સિદ્ધિને આપનારા સર્વ ભૂતોના ઈશ ભગવાન નૃસિંહના બત્રીસ હાથયુક્ત સ્વરૂપનું ધ્યાન કરવું. જમણા હાથોમાં ચક્ર, પદ્મ, પરશુ, પાશ, હલ, મુશળ, અભય, અંકુશ, પટ્ટિશ, ભિંદિપાલ, ખડ્ગ, મુદગર અને તોમર; ડાબા હાથોમાં શંખ, ખેટ, પાશ, શૂલ, અગ્નિ, વરદ, શક્તિ, કુંડિકા, કાર્મુક, તર્જની મુદ્રા, ગદા, ડમરું અને શૂર્પકને ધારણ કરેલાં છે. બે હાથોથી રિપુનાં ઢીંચણ અને મસ્તકનું પીડન કરી રહ્યા છે. નીચે રાખેલા બે હાથોથી હિરણ્યકશિપુનું વિદારણ કરી રહ્યા છે અને ઊંચા રાખેલા બે હાથોથી આંતરડાની માળાને ધારણ કરી રહેલા છે. એવા દૈત્યોના માટે ભયંકર તથા ભક્તોના માટે પ્રિય કરનારા તથા મહામૃત્યુના ભયને દૂર કરનારા બત્રીસ હાથથી સુશોભિત ભગવાન નરસિંહના સ્વરૂપનું ધ્યાન કરવું. મંત્રના સાધકે સર્વ કાર્યની સિદ્ધિ માટે અગાઉ જણાવ્યા પ્રમાણે એકાક્ષર મંત્રનો એક હજાર આઠવાર જપ કરવો.
હવે મુખના રોગોને મટાડનાર બીજું ધ્યાન કહેવામાં આવે છે. સુવર્ણના જેવા વર્ણવાળા, ગરુડ પર આરૂઢ થયેલા, વિદ્યુત કિરણોની આભાવાળા; કરોડો પૂર્ણચંદ્રની દ્યુતિ સમાન મુખવાળા; પીત વસ્ત્રથી સુશોભિત શાંત આકારવાળા; શંખ, ચક્ર, અભય વરને ધારણ કરનારા ભગવાન નૃસિંહનું વિષબાધા તથા રોગોની શાંતિ માટે ધ્યાન કરવું.”
ક્રમશ: