સોન કંસારી અને પાટણ
🌺
બરડાઈ બ્રાહ્મણોની શૌર્ય કથા બરડા ડુંગરની તળેટીમાં આવેલ ઘુમલી ગામનો વિનાશ,સોન કંસારીનો શ્રાપ અને બરડાઈ બ્રાહ્મણોની શૌર્ય કથા:-
ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે,જે બરડા પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે.પોરબંદરથી તે ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે.ઘુમલી આઠમી સદીની મધ્યથી દશમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી.ઘુમલી ત્યાર બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી.ઈ.સ.૧૨૨૦માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ઘુમલી ખસેડી.પુસ્તક ’મકરધ્વજવંશી મહિમાલા’ અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું.૧૨મી અને ૧૩મી સદીના ઘુમલીના જેઠવા શાસકો પાટણ ખાતે ગુજરાતના સોલંકી/વાઘેલા રાજાઓના શાસન હેઠળ હતા.આજે જર્જરીત થયેલું ઘુમલી તે સમયે એક મોટી પ્રાચીન નગરી હતી.સોલંકી યુગમાં ૧૨મી સદીમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતે ભવ્ય નવલખા મંદિર બનાવવામાં આવ્યુ હતુ.૧૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર ઘુમલી શહેર સૌરાષ્ટ્ર ખાતે હતું.અત્યારે તે કચ્છી મહેશ્વરીઓ માટે તે હજી પણ તીર્થ છે.ઘુમલી શી રીતે નષ્ટ થયું તેની પાછળ એક રસપ્રદ કથા છે.
૧૩મી સદીના અંતમાં શંખોદ્વાર બેટના શાસક "દુદાંશી વાધેલ"ના ઘરે પુત્રીનો જન્મ થયો,તે બે દાંત સાથે જન્મી હતી.જ્યોતિષીએ તેની જન્મકુંડળી જોઈને આગાહી કરી કે આ બાળકી પરિવારને માટે તથા તેના પતિ માટે બહુ અપશુકનિયાળ છે.આથી દુદાંશી વાધેલે પોતાના માણસોને નાની બાળકીને લાકડાની પેટીમાં મૂકી વહાણમાં લઈ જઈને રાજ્યની હદ બહાર સમુદ્ર કિનારે મૂકી દેવાનું કહ્યું.માણસો વહાણમાં તે પેટી લઈને મિયાંણી બંદરે પહોંચી કિનારા પાસેના મંદિરમાં મૂકી આવ્યા.ત્યાંથી તે બાળકી મિયાંણી ગામના ઝવેર નામના એક કંસારાને મળી આવી.કંસારો નિ:સંતાન હતો,તેણે તે બાળકીને દત્તક લીધી બાળકીનો સોનવર્ણો વાન જોઈને તેનું નામ "સોન" રાખ્યું અને પોતાની પુત્રી તરીકે ઉછેરી.સોન મોટી થઈ ત્યારે તેની સુંદરતા જોઈને મિયાંણીના શાસક "પ્રભાત ચાવડા"એ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.પણ ઝવેર કંસારાને તે મંજુર ન હતું.શાસકના ડરથી કંસારાએ કુટુંબ સાથે મિયાણી છોડી દીધું અને ઘુમલીમાં વસવાટ કર્યો.ઘુમલીમાં સોનકંસારી અને ત્યાંના શાસક ભાણ જેઠવાના સાળા રખાયત બાબરીયા સાથે પ્રેમ થઈ ગયો ભાણ જેઠવા પણ સોન કંસારી પર મોહિત થઈ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.પરંતુ સોન કંસારીએ રખાયત બાબરીયા સાથે લગ્ન કર્યા.એક વખત લૂંટારાઓ ગાયો અને ઢોર ઢાંખર લૂંટીને લઈ જતા હતા ત્યારે રખાયત તેમનો સામનો કરવા જતાં મૃત્યુ પામ્યો.સોન કંસારીએ પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું.આ તરફ ભાણ જેઠવાએ તેને સતી ન થવાનો અને પોતાની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો.સોન કંસારીએ તેનો આદેશ માનવાનો ઈન્કાર કર્યો અને ઘુમલીમાં વસવાટ કરતાં બરડાઈ બ્રાહ્મણોને શરણે ગઈ.ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારી પોતાને સોંપી દેવાનો આદેશ કર્યો.પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ પ્રાણના ભોગે પણ સોન કંસારીનું રક્ષણ કરવા નિર્ધાર કર્યો.રાણા ભાણે તેમની સામે સૈનિકો મોકલ્યા.સેંકડો બરડાઈ બ્રાહ્મણોએ સોન કંસારીનું રક્ષણ કરવા અને ટેક જાળવવા તે લડાઈમાં શૌર્યતાથી લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી.સોન કંસારી સતી થઈ અને તેણે ભાણ જેઠવાને શ્રાપ આપ્યો કે જા તારું ઘુમલી નાશ પામશે.એ વર્ષ હતું ઈ.સ.૧૩૧૫.ઈસ્વીસન ૧૩૧૬ માં સિંધના રાજકુમાર બારમણીયાજી જાડેજાએ તેના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા ઘુમલી પર આક્રમણ કર્યું અને તેને ખેદાન મેદાન કરી નષ્ટ કરી દીધું.રાણા ભાણ જેઠવાનો યુદ્ધમાં પરાજય થતાં તેઓ રાણપુર નાસી છૂટ્યાં.આજે ઘુમલીના ખંડેરોમાં,સોન કંસારીનું ખંડેર મંદિર છે.જે બ્રાહ્મણોએ સતી પાછળ બંધાવ્યું હતું.આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી નવલખા મંદિર સુધી પહાડી શિખર પર સ્થિત છે.મંદિર પાસે એક સરસ તળાવ છે.આ સોનકંસારી તળાવની આસપાસ ઘણાં નાનાં મંદિરો સાથે એક મોટો કૂવો તથા લાંબા મંડપનો સમાવેશ થાય છે.બરડા પર્વતમાળાની તે ટેકરીને સોન ટેકરી તરીકે ઓળખવામાં આવે છે.બરડાઈ બ્રાહ્મણોની અપ્રતિમ બહાદુરી અને સોન કંસારીના રક્ષણ માટે આપેલા તેમના બલિદાનની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકમાં વર્ણવી છે.દેવકુમાર મોઢા દ્વારા લિખીત એક ઐતિહાસિક ગુજરાતી નવલકથા ’સતિ સોનલની સખાતે’૧૯૭૦ માં પ્રકાશિત થઈ છે.સોન કંસારીની વાર્તા પરથી ૧૯૭૭ માં ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે.આ ક્લાત્મક,ઐતિહાસિક અને અવિનાશ વ્યાસ કૃત્ત "છેલાજી રે...પાટણથી પટોળાં લવજો" ગીત આજે પણ પાટણની આન બાન શાન જેમ ગુજરાત નહિ વિશ્વના સૌ લોકો નવરાત્રીમાં ગીત વાગતું સાંભળે એટલે કાં હોઠ મલકાય,કાં જીભ પર રમતું આ ગીત જેટલી વાર સાંભળીએ એટલું મીઠું લાગે.પાટણ વાસીઓના ગૌરવ સામાન આ ગીત,રાણીનીવાવ,સહસ્ત્રલિંગ તળાવ,વીર મેઘમાયો અને પટોળું તેમજ સિદ્ધરાજ સોલંકી યાદ આવે જ !આ સોન કંસારી ગુજરાતી ફિલ્મનું આ ઐતિહાસિક ગીત લખનાર શ્રીઅવિનાશ વ્યાસજી થોડા સમય પહેલાં અવસાન પામ્યા પરંતુ તેમનું આ ગીત જ્યાં સુધી ધરતીનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ગુંજતુ રહેશે.શાસ્ત્રીય સંગીત આધારિત આ ગીતને ઉષા મંગેશ્કરના મધુર સૂરથી મઢવામાં આવ્યું છે.અવિનાશ વ્યાસજીનું સંગીત હોય,કોકિલ કંઠી લત્તા દીદીની નાની બેન ઉષા મંગેશ્કરના કંઠે આ ગીત સને ૧૯૭૭ થી દરેક ગુજરાતી તેમજ વિશ્વના દરેક સિંગરના કંઠે ગવાતું હોય! ત્યાં મને પણ ગૌરવ છે કે હું પાટણનો છું અને પાટણ મને પ્યારું લાગે છે.પોતીકું લાગે છે.મારાં પ્રિયજનો,પાટણ નગરની રચના સાથે લોકમાતા સરસ્વતી નદી રેતી માં રમતી રમતી જ્યાં કલ કલ વહે છે તેનાં મીઠાં નિર્મળ નીરમાં સ્નાન અને યજ્ઞોપવિત,પતીત,પાવન ક્રિયા,મૃત્તકની અંતિમ ક્રિયા જેના કાંઠે થાય છે,તે સિધ્ધપુર અને પાટણ મારે મન કાશી કરતાં અતિ પવિત્ર છે.
(કથા બીજ ગુગલ આધારિત છે.)
- વાત્સલ્ય