9..સાવ અજાણતાં
એ તો હું જ સહન કરી શકું. રોજનું થયું. હું પરણીને આવી ત્યારથી એમનો ગુસ્સો સહન કરતી આવેલી. ગમે ત્યારે નજીવી બાબતમાં એકદમ ગુસ્સે તો થઈ જાય, જે હાથમાં આવે એનો મારી ઉપર ઘા કરે. મારા હાથ, બાવડું, વાળ, જે અંગ પહેલું હાથમાં આવે એની ઉપર અત્યાચાર થયો સમજવો. તમાચા, ધોલ ને લાતો પણ ખરી. આવી મારકૂટ મારે તો રોજની થઈ ગઈ.
બહાર બધું કોને કહેવું? નાહક ઘરના ભવાડા બહાર પાડવા? વાતમાં કાઈં દમ હોય નહીં ને બસ, કારણ વગર મિજાજ જાય એટલે એમનો હાથ ઉપડે. હું તેઓ હાથ ઉપાડે ત્યારે ચૂપચાપ માર ખાઈ એક ખૂણે બેસી આંસુ સારી લેતી. વધુ વાગ્યું હોય તો જાતે મલમ લગાવી લેતી કે હળદરનો શેક કરી લેતી. બીજું હું કરી પણ શું શકું?
આજે પણ તેઓ સાવ નજીવી વાતમાં મારી પર ગુસ્સે થઈ ગયા. હંમેશની મુજબ મને ચોટલો ઝાલી ખેચી, ઝંઝોડી નાખી. બે ચાર તમાચા ખાઈ હું તમતમતા ગાલ પંપાળતી આંસુ લૂછતી એક ખૂણે બેસી રહી.
એમ તો અમારી વચ્ચે કોઈ દહેજનો પ્રશ્ન ન હતો, ન મારા ચારિત્ર પર તેઓ કે કોઈ પણ શંકા કરી શકે તેવું. આડોશ પાડોશમાં સહુ મને જાણે છે. છતાં તેઓ નાનીનાની વાતમાં, એમ કહો કે મને જોતાં જ ગુસ્સે થઇ જાય. ગુસ્સે થાય એટલે પહેલાં બૂમો પાડે. હું હવે તો સામા જવાબ દેવાને બદલે મૌન રહું. એમાં એમનો ગુસ્સો શાંત થવાને બદલે એકદમ ઝડપથી વધતો જ જાય. મારી પર હાથ ઉપાડી લે.
એક વાર એમને એવો જ ગુસ્સો આવ્યો. સીધા હું કાઈં સમજું તે પહેલાં મારી તરફ ધસી આવ્યા. મને જોરથી મોં પર મારતાં મારો આગળનો દાંત હલી જઈ લોહી નીકળ્યું. એક વાર એમણે જોરથી મારો હાથ ખેંચતાં મારો ખભો ઉતરી ગયો.
આવી આવી ઘરેલુ હિંસાની વાતો રોજ ઊઠીને કોને કહું? હું બસ, માર ખાવાનું પૂરું થાય એટલે એક ખૂણે બેસી મોટો અવાજ ન થાય એમ ડૂસકાં ભરી લઉં. ઘરની દીવાલો કાયમ મારાં ડૂસકાંઓની સાક્ષી રહેતી.
આજે પણ કોઈ સાવ નાખી દેવા જેવી વાતમાં તેઓ અકારણ ખૂબ ગુસ્સે થઈ ગયા. હું એક તરફ જતી રહી. વધુ ને વધુ ગુસ્સામાં આવી તેઓ મને મારવા ધસ્યા. હું પાછળ ધસી ગઈ. મેં હમણાં જોરદાર તમાચાથી ગાલ ચમચમી ઉઠશે એ અપેક્ષાએ મારી આંખો બંધ કરી દીધી પણ તમાચો આવ્યો નહીં. મેં આંખો ખોલી અને તેમને ધસતા જોઈ ચીસ પાડતી પાછળ ધસી. મારાથી મોટેથી ચીસ પડાઈ ગઈ. તેમણે તો મારાં પેટ પર પાટુ મારવા પગ ઉગામ્યો. હું એકદમ ડરીને ધ્રુજવા લાગી. એક ક્ષણ મારી આંખો બંધ થઈ ગઈ. ફરીથી ખુલી તો મારી આંખો ફાટી રહી.
તેઓ સાવ નજીક હતા. મારી આંખો ભયથી મોટી થઈ ગઈ. ભયથી જાણે મારો શ્વાસ થંભી ગયો. તેઓએ મારું બાવડું પકડી મારી પર પ્રહાર કરવા લાત મારવા પગ ઉગામ્યો. ગભરાટમાં મારાથી એમનો ઉગામેલો પગ ઊંચકાઈ ગયો. હું સાવ અજાણતાં જ એ ઊંચકેલો પગ હાથમાં ઝાલી બીજી બાજુ ખસી ગઈ. તેમનો પગ ખેંચાતાં તેઓ પીઠભર પડ્યા. તમ્મર ખાઈ ભૂંડી ગાળ બોલતા પડ્યા. તેમને માથાં પાછળ જોરદાર વાગેલું. છતાં તેઓ દાંત પીસી ઊભા થવા ગયા અને બીજા પગે લાત ઉગામી. હું પગ છોડી બારણું ખોલી ભાગી.
મારાથી બહારથી બારણું બંધ કરાઈ ગયું. અંદરથી સાડી ખેંચાઈ જે મેં ખેંચીને ફાટવા દીધી. ફરી અંદરથી પીડા સાથે એક ભયંકર ગાળ સંભળાઈ.
મારી અત્યારે બારણું ખોલી અંદર જવાની હિંમત નહોતી.
બે કલાકે હું પાછી ફરી. તેઓ માથાં પાછળ લોહી જામેલા પડેલા. તેમને મેં હળદર લગાવી પાટો બાંધ્યો.
ફરી ક્યારેય તેમણે મને મારવાની હિંમત નથી કરી. હવે મારી મોટી આંખો જોઈ બીવે છે.
***