Nitu - 67 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 67

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 67

નિતુ : ૬૭(નવીન)


નિતુનાં જીવનમાં શું નવું થશે એ કહેવું મુશ્કેલ હતું. એ પોતે હાલ એ જ ગડમથલમાં હતી અને એના કારણે તે પોતાના પર  સરખું ધ્યાન નહોતી આપી શકતી. સાંજનો સમય થયો અને લગભગનો સ્ટાફ પોતાના ઘર તરફ રવાના થઈ ચુક્યો હતો. નવીનનો સમય નિતુ કરતા મોડો હતો.

તેણે નોંધ્યું કે આજે નીતિકા કોઈ વિચારોમાં ખોવાયેલી છે અને તેણે તેને ડિસ્ટર્બ કરવાનું પસંદ ના કર્યું. લંચ પછી વિદ્યાની કેબિનમાંથી પાછી આવી ત્યારથી તેનું કામમાં ધ્યાન નથી અને બેધ્યાન બની તે ખુરશીને ટેકવીને બેઠી છે. આજે સમય થયો હોવા છતાં તે કેબિનથી બહાર નહોતી નીકળી. નવીને એ સમયે પણ તેને કશું ના કહ્યું.

અંતે તેણે પોતાનો રોજ પતાવી બેગ ઉપાડી અને નિતુનાં ટેબલ પાસે જઈને ઉભો રહ્યો. "મેડમ." તેણે સાદ કર્યો પણ નિતુને તે સંભળાયો એ ન સાંભળ્યા બરાબર થયો. "મેડમ" તેણે થોડા ઊંચા અવાજે કહ્યું. પણ તે બેધ્યાન જ હતી.

તે તેની નજીક ગયો અને તેને હબડાવી ભાનમાં લાવી કહ્યું, "નીતિકા મેડમ!"

"હાં..." તે સભાન થતાં બોલી.

"મેમ ઓલમોસ્ટ સાત વાગી ગયા છે. તમે હજુ બેઠા જ છો."

નવીનનું વાક્ય સાંભળી તેણે ઘડિયાર તરફ નજર કરી અને સ્વસ્થ થતાં બોલી," યા..હ... મારું ધ્યાન જ ના રહ્યું." તેણે નવીન તરફ જોઈને એક સ્માઈલ આપી અને પર્સ લઈને ઉભી થઈ. મોબાઈલ ચેક કર્યો તો કરુણાનાં ત્રણ મિસ્ડ કોલ. "ઓહ ગોડ, કરુણાનાં ત્રણ મિસ્ડ કોલ આવી ગયા છે!"

"આર યુ ઓકે?"

"હા."

"મને લાગે છે તમારી તબિયત બરાબર નથી. હું તમને ડ્રોપ કરી દઉં છું."

"થેન્ક્સ નવીન પણ એની જરૂર નથી."

"ઈટ્સ ફાઈન મેમ, હું આવું છુંને."

"ઈવન ઇટ્સ ફાઈન ટુ મી નવીન. હું જતી રહીશ. થેન્ક્સ."

"શ્યોર. એટલીસ્ટ બહાર રોડ સુધી."

"ઓકે." કહી તે ઉભી થઈ અને નવીન સાથે બહાર નીકળી. વિદ્યા ઘરે જવા માટે નીકળી અને કેબીનનાં દરવાજે પહોંચી કે નવીન અને નિતુ સાથે બહાર જઈ રહ્યા હતા. વિદ્યા ત્યાં જ થોભાઈ ગઈ અને અનિમેષ એને જતાં જોઈ રહી. ઓફિસની બહાર જઈ નવીન પોતાની ગાડી લઈ જઈ રહ્યો હતો કે નિતુ તેને "બાય" કહી પોતાના ઘર તરફ ચાલી. તેની ગાડી દૂર ગઈ કે તુરંત તેણે કરુણાને ફોન લગાવ્યો.

"યાર નીતિકા ક્યાં રહી ગઈ? હું તને ફોન કરું છું તો રિસીવ પણ નથી કરતી."

"સોરી યાર, હું અહીં ઓફિસથી નીકળી છું. તારો ફોન આવતો હશે પણ મારુ ધ્યાન ના રહ્યું."

"ઠીક છે, ચાલ એ બધું છોડ હું અહીં ગાર્ડન પાસે તારી રાહે છું. તું આવ એટલે મળીને છુટા પડીયે."

"ઓકે. હું રસ્તામાં છું, બસ પહોંચું છું."

તે ગાર્ડન પાસે પહોંચી અને જોયું તો કરુણા ગાર્ડનની અંદર હોવાને બદલે બહાર ગાર્ડનની દિવાલને લગોલગ મુકેલ બેન્ચ પર બેઠી હતી. "આજે કેમ લેટ થયું?" ના પ્રશ્ન સાથે કરુણાએ શરૂઆત કરી. દિવસ દરમિયાન બનેલ ઘટનાને કહેતા તેણે તેની અને વિદ્યા વચ્ચે થયેલ વાતોની આપ- લે કરી. આજે તેઓ મોડી હતી એટલે ગાર્ડનમાં બેસીને વાતો કરવા કરતાં ચાલતા જવાનો નિર્ણય કર્યો.

ગાર્ડનથી તેનું ઘર વધારે દૂર નહોતું અને ચાલતા બસ પાંચ દસ મિનિટમાં પહોંચી શકાય. વાતો કરવામાં તેઓ મશગૂલ હતી. વિદ્યા દ્વારા બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરતી બંને સહેલી ધીમા પગે ચાલી રહી હતી. આગળ જઈને તેમને ગાર્ડનથી પોતાના ઘર તરફનો રોડ ક્રોસ કરવાનો હતો. રોડ ક્રોસ કરતી વેળાએ ઝીબ્રા ક્રોસિંગ પર પાછળ કોઈ વાહન નથી આવતુંને એ જાણવા નિતુએ પાછુવાળી જોયું અને ઉભી રહી ગઈ. કરુણા બે ડગ ચાલી ગઈ અને નિતુ સાથે નથી એવો અહેસાસ થતાં તેણે પણ પગ થોભવ્યા.

"શું થયું નીતિકા? કેમ ઉભી રહી?"

"કરુણા..." તેણે ગાર્ડનની પાછળની બાજુના રસ્તા પર પાર્ક કરેલી વિદ્યાની ગાડી તરફ ઈશારો કર્યો.

કરુણાએ તે જોઈ કહ્યું, "આ તો મેડમની ગાડી છેને."

"હા!"

"એ અહીં શું કરે છે?"

"ચાલ જઈને પૂછીએ." કહેતી નીતિકા નીડરતાથી ચાલવા લાગી.

"નીતિકા એક મિનિટ. મેડમને આપણે..." ડરેલી કરુણાની વાતને વચ્ચે રોકતાં તે બોલી, "બસ બૌ થયું કરુણા. આ બાઈએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે. મારે નથી રાખવો એની સાથે કોઈ સંબંધ. એ મારા પર એના એટલા હક કઈ રીતે જતાવી શકે?"

કરુણાએ તેનો હાથ પકડ્યો અને બોલી, "નીતિકા કંઈકનું કંઈક થઈ જશે. તું ઓલરેડી એની ઓફરમાં ફસાયેલી છે અને અત્યારે આ બધી રામાયણ કરીશ તો નકામું વધી જશે."

"જે થવું હોય તે થાય. હવે વધારે મને એની પરવાહ નથી. મારી પાછળ પાછળ તે અહીં સુધી આવી પહોંચી." તે તેનો હાથ છોડાવી વિદ્યાની ગાડી તરફ આગળ વધી અને કરુણા તેની પાછળ પાછળ આવી.

ત્યાં આવીને જોયું તો ગાડીમાં કોઈ નહોતું. બંધ ગાડીની ચારેય સીટની તપાસ કરતી નિતુ આજુબાજુ આંખો ફેરવવા લાગી.

"ગાડીમાં તો કોઈ નથી." કરુણા બોલી. નિતુએ આશ્વર્યથી કહ્યું, "ગાડીમાં કોઈ નથી તો મેડમની ગાડી અહીં શું કરે છે? ક્યાં હશે તે?"

"કદાચ અંદર ગાર્ડનમાં તો નહિ હોય ને!" કરુણા બોલી. તેની સંભાવના અંગે બંને વિચારતી હતી એવામાં વિદ્યાનો ડ્રાઈવર ત્યાં આવી પહોંચ્યો.

"શું થયું મેડમ?"

"અરે તમે, મેડમ ક્યાં છે?" કરુણાએ પૂછ્યું.

"મેડમ! એ તો તમારી સાથે હતાને?"

"અમારી સાથે?"

"હા... એ રોજે તમારી સાથે જ તો આંય આવે છે."

તે બંનેને કશું ના સમજાયું અને એકબીજાની સામે જોઈ રહી. તે આગળ બોલ્યો, "તમે રોજે સાથે જ હોવ છોને!"

નીતિકાએ પૂછ્યું, "આવું તને કોણે કહ્યું?"

તે કહેવા લાગ્યો, "શું મેડમ તમે પણ મજાક કરો છો... મેડમે પોતે મને કહ્યું. તે થોડા દિવસોથી અહીં રોજે આવવા લાગ્યા તો મેં એકવાર તેને પૂછી લીધું કે અહીં આજ કાલ રોજે કેમ આવો છો? તો એ કહે, કે તમારી બંને પાસે બેસવા આવે છે."

"એવું મેડમે કહ્યું?" કરુણાએ દ્વિધા વશ પૂછ્યુ.

"હં... ને એમાં કહેવાનું શું હોય! મેં મારી નજરે જોયુ છે. તમે બંને ઓફિસથી નીકળી અહીં આવો છો એ પછી મેડમ પણ ઓફિસથી નીકળી અહીં આવે છે. હું અહીં પાછળના ગલ્લે બેઠો બેઠો બીડી પીવ છું. તમે બનેં જાવ એટલે થોડીવારમાં મેડમ પણ આવી જાય છે."

"એવું કેટલા સમયથી થાય છે?" નિતુએ પૂછ્યું.

"તમે તો એમ પૂછો છો જાણે કશું જાણતા જ ના હોય. રોજે મેડમ સાથે અંદર બેસીને ગપ્પા લાડવો છો અને બહાર આવી મને એમ પૂછો છો કે કેટલા સમયથી આવું થાય છે." વ્યંગ કરતા ડ્રાઈવર બોલ્યો.

"તો મેડમ હજુ અંદર છે? બહાર નથી આવ્યાં?"

"ના. તમે લોકો આવી ગયા પણ એ હજુ નથી આવ્યા. મને થયું કે તમે આવ્યા એટલે મેડમ પણ આવતા હશે. હું મારી બીડી ફેંકીને ફટાફટ આઈવો પણ મેડમ હજુ ના આવ્યા. હં..હ.. નક્કામી બીડી ફ્રેન્કી દીધી."

"લાગે છે કશેક અટવાઈ ગયા હશે, અમે જોઈને આવીએ." હોંશિયારી પૂર્વક ડ્રાઈવરને જવાબ આપી નિતુ કરુણાનો હાથ પકડી ગાર્ડનના પાછળના દરવાજેથી અંદર પ્રવેશી.

રોજે તેઓ જે બેન્ચ પર બેસીને વાતો કરતી એ બેન્ચ પર નજર કરી. ત્યાં કોઈ નહોતું અને બેન્ચ એકદમ ખાલી હતી. કરુણાએ ચારેય બાજુ નજર ઘુમાવવાની શરૂ કરી અને બોલી, "અહીં તો કોઈ નથી દેખાતું. તો પછી મેડમ ક્યાં હશે? ડ્રાઈવર ખોટું બોલતો હતો?"

"ના. એ સાચું જ બોલતો હતો. ત્યાં જો." જે બેન્ચ પર તેઓ રોજે બેસતી તેની પાછળની બેન્ચ તરફ નિતુએ ઈશારો કર્યો.

સ્કાર્ફ બાંધીને ચહેરો ઢાંકેલી એક સ્ત્રી બેઠી હતી. કરુણા બોલી, "આર યુ શ્યોર કે એ મેડમ જ છે."

"હા, તને યાદ છે આપણે પહેલા દિવસે અહીં મળ્યા ત્યારે પણ એક સ્ત્રી અહીં બેઠી હતી. આ જ રીતે મોઢું સંતાડીને અને રોજે બેઠી હોય છે."

"હા."

"તું માન કે ના માન, આ મેડમ છે જે રોજે આપણી વાતો સાંભળવા અહીં આવીને બેસે છે. એને થયું હશે કે આપણે આજે પણ અહીં આવીને બેસીશું. એટલે અહીં આપણી પહેલા આવીને રોજીન્દુ સ્થાન લઈ લીધું." નીતિકા આજે પહેલીવાર ક્રોધિક દેખાઈ રહી હતી.

કરુણા તેનાં આવેશમાં થતાં વધારાને જોઈને બોલી, "નીતિકા મને ડર લાગે છે, તું શું કરવાનું વિચારી રહી છે?"

"જે મારે ઘણા સમય પહેલા કરી દેવું જોઈતું હતું. હું હમણાં જ મેડમ પાસે જઈશ અને કહી દઈશ કે મારી લાઈફમાંથી બેદખલ થઈ જાય."

જોર જોરથી ચાલી રહેલા નીતિકાના શ્વાસ જોઈ કરુણા ડરી ગઈ અને તેને મનાવતા કહ્યું, "ઠીક છે. પછી શું? તું મેડમને જઈને કહીશ કે તારાથી દૂર થઈ જાય અને પછી જ્યારે તે તેની શરત બધા સામે રાખી તને કહેશે કે તે એની ઓફર સ્વીકારી છે અને એની પાસેથી પૈસા લીધા છે ત્યારે?"

"તો શું કરું હું? કંટાળી ગઈ છું, ત્રાસી ગઈ છું હું એના આવા વાહિયાત વર્તનથી. ઘૃણા આવે છે મને એ કેમ નથી સમજતી?"

"તને કેવું ફીલ થાય છે એ હું સમજી શકું છું પણ વાત કરવા માટે આ યોગ્ય સમય નથી." કરુણાએ એનો હાથ પકડી આગળ વધતા અટકાવી અને આગળ ઉમેર્યું, "એ કેવી નિર્દય અને નિર્લજ્જ સ્ત્રી છે એનો ભાંડો આપણે જરૂર ફોડીશું. પણ અત્યારે નહિ. આ સમયે શાંત રહેવામાં જ ભલાઈ છે." નિતુ અટકી અને બન્નેએ વિદ્યા તરફ જોયું.

ફોનમાં સમય જોતાં વિદ્યા બબડી, "નીતિકા કે કરુણા હજુ આવ્યા નથી. લાગે છે નીતિકા ઓફિસથી મોડી નીકળી એટલે આજે બંને સીધી ઘેર જતી રહી હશે!" એક નિઃસાસો નાખ્યો અને હળવું હસી. "હ્હ... નિતુ પણ કમાલ છે! ક્યારે શું કરે એ જ ના સમજાય." ફોન પર્સમાં નાંખી તે ઉભી થઈ. મોઢા પરથી સ્કાર્ફ હટાવ્યો અને પર્સ ખભે લટકાવતી તે ગાર્ડનનાં પાછળના ગેટ તરફ ચાલતી થઈ. પોતાનાં સ્કાર્ફને પર્સમાં સરખી રીતે નાંખતી તે ચાલી રહી હતી.

પર્સની ચેઈન બંધ કરી તેણે માથું ઊંચક્યું તો સામે નિતુ અને કરુણા ઉભેલા. એકચિત્ત બની નીતિકાની નજર વિદ્યાની આંખોમાં ચોંટેલી હતી. જાણે ચોરી પકડાઈ હોય એમ વિદ્યા તૂટેલા શબ્દોમાં ગભરાતા બોલી, "ત... તમે બંને?"

"હા... અમે બન્ને." તેને ઘૂરી રહેલી નિતુએ કહ્યું.