Road to Heaven in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | રોડ ટુ હેવન

Featured Books
Categories
Share

રોડ ટુ હેવન

રોડ ટુ હેવન, કચ્છ

સફેદ રણ જોવા અમે 2012 માં ગયેલ ત્યારે તો ભુજ DSP ઓફિસમાંથી અને BSF ની રણ પાસેથી પરમિશન લેવી પડતી અને ઓથોરાઇઝ્ડ ગાઇડ સાથે જ રણમાં અમુક અંતર સુધી જઈ શકાતું. 

એ પછી 2014 કે 15 થી દર ડિસેમ્બરમાં રણોત્સવ થાય છે અને હવે કોઈ પરમિશન લેવી પડતી નથી. કાળો ડુંગર નજીક સફેદ રણ પર આ કારણે  કદાચ ડિસેમ્બર પૂરતું ભારણ વધી ગયું છે.

કદાચ એ ભારણ ઘટાડવા, કદાચ વધુ ટુરિસ્ટ બીજી નજીકની જગ્યાએ આકર્ષવા અને સાથે કચ્છના છેક પશ્ચિમ વિસ્તારને ઉત્તર ગુજરાત થઈ  ઉત્તર ભારત સાથે જોડવા આ  અફાટ સફેદ રણ  વચ્ચેથી પાકો ડામરનો હાઈવે બાંધી રાધનપુર જતો હાઈવે કર્યો છે જેને રોડ ટુ હેવન  નામ આપ્યું છે. સાચે જ  સદેહે સ્વર્ગમાં મુસાફરી કરતા હો એવો અનુભવ ચોક્કસ થાય છે.

રસ્તો એકદમ સ્મૂધ, સરસરાટ જવાય એવો છે.

અમે રોડ ટુ હેવન જોવા સવારે 8 વાગે ભુજ બસપોર્ટ નજીકથી ટેક્સી દ્વારા નિકળ્યાં. જો માતાનો મઢ અને કોટેશ્વર જવા દક્ષિણ તરફ જવું પડે તો આ સફેદ રણ અને રોડ ટુ હેવન જોવા ઉત્તર તરફ જવું પડે. ભુજમાં અમદાવાદ તરફથી આવતી ટ્રેનોનું સ્ટેશન ભુજ. ત્યાંથી આગળ નખત્રાણા તરફ જતી ટ્રેનોનું રેલવે ક્રોસિંગ અને ત્યાં જ સફેદ રણ જતા  રસ્તાનું બોર્ડ આવે. 

એ સમયે કારો અને ટૂરિસ્ટ વેહિકલ્સ થી રસ્તો છલકાતો હતો.

છેક ભીરંડીયારા ગામ સુધી આશરે દોઢ કલાક ચલાવે જ ગયા. એ ભીરંડીયારા ગામ આવે એટલે બેય બાજુ નાસ્તા હાઉસોની લાઇન આવે. એ જ છેલ્લી જગ્યા જ્યાં ખાવા કે ચા પીવા મળે. પછી કશું જ નથી એટલે ત્યાં જ નાસ્તો વગેરે પતાવી લેવાં.  પાણી બોટલ પણ અહીંથી રાખવી. 

ઘણા ટૂરિસ્ટો ત્યાં નાસ્તો કરતા હતા. અમે પણ ત્યાં  દહીં નાખેલ સ્વાદિષ્ટ ખમણ, ગરમ ફાફડા મેથીગીટા વગેરે પતાવી આગળ ગયાં.

અર્ધો કલાક પછી ખાવડા આવે જ્યાંનો માવો વખણાય છે. ત્યાંથી બે ફાંટા પડે. એક જાય કાળો ડુંગર થઈ  ધોરડો પાસેના સફેદ રણ અને ટેન્ટ સીટી. બીજો જાય રાધનપુર તરફ. 

ખાવડાથી 60 કિમી ધોળાવીરા છે અને બીજા 100 કિમી રાધનપુર. એ રસ્તે આગળ વધ્યા.

દસ જ મિનિટ પછી જે સ્વર્ગીય અનુભવ થયો!

સવારના દસ આસપાસનું ધુમ્મસ વગરનું આકાશ, રસ્તાની બેય બાજુ સફેદ બરફની ચાદર જેવું રણ અને એ સંપૂર્ણ સફેદ આવરણ વાળું નહીં, પાણીના સ્તર વાળું. એ પાણી વલયો વગર સ્થિર હોય એટલે જાણે અફાટ અરીસો ભૂમિ પર પાથર્યો હોય એવું. એમાં સવારના તડકાનું પ્રતિબિંબ પડતાં નીચે બીજું આકાશ હોય એવું જ લાગે. ખબર જ ન પડે કે તમે પ્લેનમાં ઊડો છો ને નીચે વાદળ વગરનું આકાશ છે કે હાઇવે પર છો. માત્ર ડ્રાઈવરની સામે હાઈવેની કાળી પટ્ટી દેખાય. 

અમે અહીં કારની સ્પીડ ધીમી કરાવી જેથી આ સ્વર્ગમાં મુસાફરીનો લ્હાવો સહેજ લાંબો સમય ચાલે.

ડ્રાઇવરની બાજુમાં કે પાછળ બેઠેલાઓ ને બે બાજુ તેમ જ ઉપર નીચે નજર પહોંચે ત્યાં સુધી ફક્ત અફાટ આકાશ જ દેખાય.

સાચે જ સ્વર્ગમાં ઊડતા હોઈએ એવો અનુભવ થયો એટલે નામ રોડ ટુ હેવન સાર્થક લાગ્યું.

એક જગ્યાએ  સોલિડ ભૂમિ વાળું સફેદ રણ બે બાજુ આવ્યું.  ત્યાં નીચે ઉતરી શકાય એવું હતું. અમે ઉતર્યાં. અનેક લોકો ત્યાં  બરફ જેવી સફેદ  ભૂમિ પર કિલ્લોલ કરતાં ફરતાં હતાં. એમ જ લાગે કે તમે દક્ષિણ ધ્રુવ પર છો અને અનંત અંતર સુધી બરફ પર ઊભા છો.

ત્યાં રંગબેરંગી ડ્રેસ લટકાવેલા થાંભલા  હતા. વણઝારા જેવા લોકો 100 રૂ. માં ડ્રેસ ભાડે આપી તમને પહેરાવી  તમારા મોબાઇલ કે કેમેરો થી ફોટો લઈ આપતા હતા. ત્યાં પાછાં નકકર જમીન પર તમારાં પગલાં પડે. તમે તમારી બરફ જેવી જગ્યા પર ફૂટપ્રિન્ટ જોઈ, ફોટો લઈ શકો.

કોઈએ કહ્યું કે આ રણમાં આવી નકકર જગ્યાઓ છે પણ નક્કી નહીં ક્યાં. બીજે ગમે ત્યાં તમે  ઉતરીને પગ મૂકવા જાઓ તો બને કે સીધા એ મીઠાની પાતળી પરત માંથી સોંસરવા જમીનમાં ઊભા દટાઈ જાઓ. કદાચ એટલે જ સરકારે આ એક જ જગ્યા નીચે ઉતરી શકાય એવી બનાવી છે.

હવે માત્ર 20 કિમી દૂર ધોળાવીરા, પ્રાચીન નગરના અવશેષો આવે. એ વીસ કિમી. જતાં બે બાજુ પહેલાં એકદમ દૂધનો દરિયો હોય એવી  એકદમ  શ્વેત સફેદ ખાડી, પછી ક્ષારો નું પ્રમાણ વધતાં અને તડકાનો એંગલ બદલાતાં પિંક રણ આવે. એકદમ આછું ગુલાબી. થોડો કટકો  પાણીનાં એકદમ પાતળાં સ્તરની ખાડી આવે એટલે ભૂરું રણ, સહેજ જ આગળ એ લીલું, ખાખી ટુકડો આવે.

બસ, હવે પછી મીઠાની પરત વાળું સફેદ રણ અને પછી આપણા ગુજરાત, કચ્છની ખાખી જેવા રંગની, કાંટાળી વનસ્પતિ ઉગેલી ભૂમિ આવે અને ધોળાવીરા ત્યાંથી એકદમ નજીક.

ત્યાં ધોળાવીરાના દસેક કિમી. પહેલાં રીસોર્ટ્સની હારમાળા આવે. અહીં રહી  વહેલી સવારના રણનો, સહન થાય તો બપોરનો, ખાસ તો અદ્ભુત રંગો વચ્ચે તમારો આત્મા ઉડી રહ્યો છે એવી ફિલિંગ માટે સૂર્યાસ્ત પછી તેનો અને અફાટ આકાશમાં તારાઓ વચ્ચે વેરાન સફેદ ભૂમિ પર આછા, જાણે દૈવી પ્રકાશનો આનંદ લઈ શકો. જે સમય અનુકૂળ હોય તે સમયે. એ તમારું વાહન હોય અને ત્યાં રિસોર્ટમાં સ્ટે કર્યો હોય તો શક્ય બને.

અમે ધોળાવીરાથી વળતાં  એક હેવન રિસોર્ટ અને હોટલ હેવન ખાતે જમ્યાં. એ રિસોર્ટમાં નવો જ હોઈ ધોરડો ખાતે હોય એ કરતાં ઘણા ઓછા ભાવે નાની વિલાઓ હતી.

મને વિચાર આવ્યો કે નવપરિણીતો કાશ્મીર કે ગોવા જાય છે એને બદલે આ  સદેહે સ્વર્ગમાં મુસાફરી કરી ત્યાં રીસોર્ટમાં બે દિવસ રહે તો એકાંતનું એકાંત ને સુંદરતાની ટોચ. સસ્તું ભાડું (ટેક્સી નું) અને સ્વર્ગીય જગ્યાની યાત્રા!

આ રોડ પર જવા બને એટલા વહેલા નીકળવું હિતાવહ કેમ કે બપોર પડતાં તો એ જ સફેદ ચાદર પર આંખ ન માંડી શકાય અને તડકો સહન ન થાય.

ભુજ થી આશરે સવા બે થી અઢી કલાકનો રસ્તો છે તેથી સવારે સાડા છ કે  હજી વહેલાં, સૂર્યોદયના  કલાક અગાઉ નીકળો તો ત્યાં પહોંચી એકદમ અકથ્ય આણંદ ભર્યો અનુભવ થાય.

***