લખપત - એક ભુલાયેલો ઇતિહાસ
તો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વરમાં તો સરસ વ્યવસ્થા હતી પણ નીચે મોટાં કમ્પાઉન્ડમાં અતિ અવ્યવસ્થા, કોઈ કોલેજની છોકરીઓની અશિસ્ત અને છૂટો દોર મળ્યો હોઈ અનસેન્સર્ડ ભાષા બોલતી હતી અને એક બે ભેળ વાળા પાસે તેમનું મોટું ટોળું હતું. સૂકી ભેળ લેવા પડાપડી હતી. વારો નહીં આવે એમ લાગતાં અમે એ છોડી ભૂખ્યાં જ કોટેશ્વરથી રવાના થયાં ત્યારે બપોરે 3.15 થયેલા.
જતા પહેલાં ફરીથી 30 પગથિયાં ઉંચે કોટેશ્વર મંદિરનાં શિખરને નમન કર્યાં અને દરિયાની અસીમ ભૂરાશ આંખોમાં ભરી લીધી. ફરીથી એ ટુંકી પણ દરિયા વચ્ચેની નાની કેડી પર દોડતો જઈ આવ્યો.
નજીક હોડીઓ ઊભેલી એ માટે કહેવાયું કે એ BSF દ્વારા સ્ટેન્ડબાય રાખેલી છે.
એ જ કોલેજ કન્યાઓનાં ગ્રુપમાંથી કોઈ સરખી કન્યા પાસે અમારો ફોટો પડાવ્યો અને એ, જેને હું પશ્ચિમનું કન્યાકુમારી કહીશ એ રમણીય કોટેશ્વર છોડ્યું.
ત્યાંથી લખપત શોર્ટ રસ્તો ગુગલે બતાવ્યો તે ટેક્સી ડ્રાઈવરે પકડ્યો. શરૂમાં તો બે બાજુ લીલાં ચરિયાણ, દૂર લીલા ડુંગરો જોઈ મઝા આવી પણ પછી નવો રસ્તો બનતો હશે એટલે ઠેરઠેર કપચીઓ ના ઢગલા, રસ્તે થોડી થોડી વારે મોટી કપચીઓ રસ્તા નીચેથી કારના તળિયે અથડાય. સાવ ધીમી સ્પીડે માંડ એ 37 કિ.મી. નો રસ્તો દોઢ કલાકે કાપ્યો.
એ રસ્તે એક બાજુ અલ્લા બંધ આવે છે જ્યાંથી સરસ્વતી નદીનો ભરપૂર પ્રવાહ વહેતો હતો પણ ભૂકંપે તેને બંધ કરી મીઠા પાણીનું સરોવર કરી નાખ્યું. એક વળાંક હાજી પીર નામની બોર્ડર અને સમુદ્ર કાંઠાની જગ્યાએ જતો હતો પણ સમયના અભાવે એ જગ્યા જવા દીધી.
આખરે બે બાજુ સૂકાં પીળાં ઘાસ વચ્ચેથી કેડી જેવા રસ્તે આવી પહોંચ્યા લખપત ફોર્ટ.
લખપત ફોર્ટ 18મી સદીમાં કિલ્લો છે. તે મોટા મોટા પીળા પથ્થરોથી બનેલો છે. ઉપર તોપ છોડવાની બારી છે. નીચે એકદમ ઊંચો, ખીલાઓ સાથેનો ગેટ છે. એ કોરી ખાડી નામની જગ્યા પર, ખાસ્સા સાત કિમી લાંબો પથરાયેલો છે. સિંધના રાજા લખપતજીનું અહીં રાજ હતું અને આ રસ્તે આજના પાકિસ્તાનમાં થઈ દૂર સુધી વેપાર થતો હતો. એ વખતે કિલ્લો રાજ્યનાં રક્ષણ માટે હતો. કાળક્રમે જમાદાર ફતેહ મહમદે તેનો વિસ્તાર કરેલો અને ક્યારેક લખપત વેપારથી ધમધમતું શહેર હતું. ચોખાની ખેતી થતી. આજે સાવ નાનું ગામ છે. ઇતિહાસનો સાક્ષી કિલ્લો ઠેકઠેકાણે ગોળાકાર દીવાલો અને વચ્ચે સીધી દિવાલો સાથે ઊભો છે. એની ઇંટો અત્યંત પ્રાચીન છે. વચ્ચે સમારકામો થયેલાં પણ મૂળ કિલ્લો ઇ.સ. 1540 આસપાસ બંધાયેલો.
કિલ્લાની ઊંચી દીવાલ ઉપર પગથિયાં દ્વારા ચડી ઉપરથી સામે અફાટ રણ અને દૂર દરિયાની કિનારી જોઈ શકાય છે.
રેફ્યુજી ફિલ્મમાં આ કિલ્લો અને નજીકની ગ્રામ્ય વસ્તી બતાવ્યાં છે.
બહુ ઓછાને ખબર છે કે કિલ્લાની અંદરથી જતાં સામે કાળું રણ આવે છે! 1861 આસપાસ મોટો ભૂકંપ આવ્યો ત્યારે કદાચ લાવા ફેલાઈ ચૂકેલો એથી કે કોઈ રીતે એકદમ કાળા દરિયાઈ કાદવનું રણ દેખાય છે. અમે નિરાંતે એ કાળું રણ નીચે ઊભી તેમ જ કિલ્લા પર ચડી જોયું.
નીચે આવીને ગયા કિલ્લાની નજીક જ આવેલ ગુરુદ્વારા જે વિશે કહેવાય છે કે ખુદ ગુરુ નાનક ત્યાં બે વખત રોકાયેલા. અત્યારે BSF તેનું સંચાલન કરતું હોય એમ લાગ્યું. લાલ છાપરાં વાળા મકાનો, રણ વચ્ચે સુંદર બગીચો, મુખ્ય મકાન ઉપર સોનેરી ઘુમ્મટ અને સુંદર જગ્યા.
અંદર માથે રૂમાલ કે વસ્ત્ર વીંટીને જવું ફરજિયાત છે.
અમને સવારે 10 પછી કશું ખાવા મળેલ નહીં એટલે જમવાના વાસણો જોઈ જસ્ટ પૂછ્યું કે લંગર ચાલુ છે? એના એક ભૂરા રંગના ગોઠણ સુધીના ઝબ્બાવાળા સેવકે આશ્ચર્યથી પૂછ્યું કે સાંજે 4 વાગે? મારાથી સ્થિતિ કહી દેવાઈ. એ કહે ગુરુને દ્વારેથી કોઈ ભૂખ્યું ન જાય. બેસી જાઓ. મને કંપની આપવા બે ચાર વિઝિટર્સ દર્શને આવેલા એણે પણ બેસાડી દીધા. સાંજે 4 વાગે ગરમ મોટી રોટી, ડુંગળી લસણ ન વઘાર વાળું સરસો કા સાગ પીરસ્યું. કહે કે બે બસ બપોરે આવી ગઈ નહીં તો છાશ પણ આપત. તૃપ્ત થઈ તેમનો પ્રાર્થના હોલ જોઈ બહાર નીકળ્યા.
નજીકમાં જ જૂનું હાટકેશ્વર મંદિર છે. 1852માં બંધાયેલું એ સાલ ઉપર લખેલી. એ વખતે દર વર્ષે નાગરો અહીં વાર તહેવારે એકત્ર થતા. એક જૂનું છાપરું, ઓસરી અને જૂના થાંભલા વાળું સ્ટ્રકચર કમ્પાઉન્ડમાં હતું. મંદિરમાં રોજ પૂજા થતી હોય એમ લાગ્યું. અમે ત્યાં દીવો કર્યો.
નમતી સાંજે અમારા સિવાય કોઈ નજીકમાં પણ ક્યાંય ન હતું. રસ્તો પણ કોઈ મસ્જિદની પાછળ વળાંક લઈ જવાનો, જલ્દી ખ્યાલ પણ ન આવે.
અહીંથી વેરાન રસ્તે દૂર ક્ષિતિજમાં સૂર્યાસ્ત જોતાં ભુજ જવા નીકળી ગયાં. વચ્ચે માનકુવા પાસે સરસ માવાના આઇસક્રીમ કુલ્ફી મળે છે તેનો આસ્વાદ માણ્યો. તે સ્વામિનારાયણ પંથનું યાત્રાધામ છે.
આખરે સાંજે સવા સાતે ભુજ આવી પહોંચ્યાં. બીજે દિવસે રોડ ટુ હેવન અને ધોળાવીરા જવાનું હતું.
**”