Love Revenge Spin Off Season - 2 - 29 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29

લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-29

           

            “તમે લોકોએ કેમ કઈં મંગાયું નથી....!?” કેન્ટીનમાં પહોંચીને ચેયરમાં બેઠેલાં રોનકની પીઠ પર હળવેથી ધબ્બો મારતાં સિદ્ધાર્થ બોલ્યો. ટેબલ નીચેથી એક ચેયર ખેંચી કાઢીને તેણે લાવણ્યાને બેસવાં ઈશારો કર્યો.

            “વાહ....! ક્વિન વિકટોરિયા....!”  અંકિતાએ ટીખળ કરી.

            બધાં હળવું હસ્યાં. સિદ્ધાર્થ પણ.

            ચેયરમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ ઘુરકીને અંકિતા સામે જોયું. અંકિતાએ તેનાં ચાળાં પાડ્યાં.  સિદ્ધાર્થ લાવણ્યાની બાજુની ચેયરમાં બેઠો.

            “એ બચ્ચન....!” લાવણ્યાએ હાથ કરી “બચ્ચન” તરફ જોઈને બૂમ પાડી.

            ઊંચો-લાંબો અને શરીરે પાતળો “બચ્ચન” ઉતાવળાં પગલે તેમનાં તરફ આવવાં લાગ્યો.

            કેન્ટીનમાં રોજની જેમજ કોલેજનાં સ્ટુડન્ટ્સની ભીડ લાગેલી હતી. નવરાત્રિ હોવાથી લગભગ બધાંજ ટેબલ ઉપર જામેલી મિત્રોની ભીડમાં ગરબા, નવરાત્રિની શોપિંગ વગેરેની જ ચર્ચાઓ થઈ રહી હતી.

            લાવણ્યા આજુબાજુ જોઈ રહી. ઘણાં સ્ટુડન્ટ્સ એવા હતાં જેમને આગલાં દિવસે લૉ-ગાર્ડન નવરાત્રિની શોપિંગ કરતાં લાવણ્યાએ જોયાં હતાં. લાવણ્યા & ગેંગ જે સેલોનમાં બ્યુટી ટ્રીટમેન્ટ માટે ગયાં ત્યાં પણ કોલેજની અન્ય છોકરીઓને લાવણ્યાએ જોઈ હતી. બધાંનાં મોઢાં ઉપર નવરાત્રિનો ઉત્સાહ અને મનમાં સાંજે શરૂ થનારાં ગરબાનો થનગનાટ દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થની સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરવાનો લાવણ્યાનાં મનનો થનગનાટ પણ તેનાં ચેહરાં ઉપર દેખાઈ રહ્યો હતો અને તે મલકાઈ રહી હતી. 

            “કરે મન મોર બની થનગાટ કરે....! મારું મન મોર બની થનગાટ કરે....!” લાવણ્યા આજુબાજુ જોઈ મલકાઈ રહી હતી ત્યાંજ રાષ્ટ્રીય શાયર એવાં શ્રી ઝવેરચંદ મેઘાણીની ફેમસ રચનાંની પંક્તિઓ ગાતો-ગાતો બચ્ચન આવી પહોંચ્યો.

            “બોલો....! આપકી સેવાંમે ક્યાં પેશ કરે હાઇ.....!” બચ્ચને તરતજ તેનો સ્વર બદલીને કહ્યું.

            “જબરું કરે છે તું તો....!” અંકિતા બોલી “ગુજરાતી ગાતો-ગાતો હિન્દીમાં શિફ્ટ થઈ જાય છે…”

            “મારાં માટે બોર્નવિટાવાળું દૂધ લાવજેને ભાઈ જલદી...!” સિદ્ધાર્થ સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

            “અરે કેમ...!? આટલી ઉતાવળ શેની છે....!?” અંકિતા સિદ્ધાર્થને ચીડાંવવાંનાં આશયથી બોલી “અભી-અભી.....તો...આયે.....!”

            “અંકિતા...!” લાવણ્યાને અંકિતાને વચ્ચે ટોકી “એને મોડું થાય છે....! એને હેરાન નાં કર...!”

            “કોઈ પ્રોબ્લેમ છે....!?” સામેની ચેયરમાં બેઠેલાં પ્રેમે પૂછ્યું.

ત્રિશા અને કામ્યા પણ તેમની બાજુ જોવાં લાગ્યાં. રોનક હજી સુધી આવ્યો નહોતો.

            “રાત્રે પડેલાં વરસાદને લીધે જે પાર્ટી પ્લોટમાં કોલેજનાં ગરબા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે....!” લાવણ્યા બધાંની સામે જોઈને ધીરેથી બોલી.

“નેહા આવે એ પે’લ્લા નીકળી જવું છે.....!” સિદ્ધાર્થ કઈં બોલ્યાં વગર આમતેમ જોઈ મનમાં વિચારી રહ્યો.

            “ઓહ....!” અંકિતા બોલી અને સિદ્ધાર્થ સામે જોયું.

            “એટ્લે સિદ્ધાર્થ આજે આખો દિવસ ત્યાં બીઝી છે...! એ ખાલી મને...અ....! આઈ મીન આપણને મળવાં થોડીવાર માટેજ આયો છે...!”

            “અરે એમાં આટલી શરમાય છે શું....!?” અંકિતા પાછી મજાકનાં મૂડમાં આવી ગઈ “તનેજ મળવાં આયો છે એમ કે’વામાં શું જાય છે...!?”

            અંકિતાએ તેની આંખો નચાવતાં લાવણ્યા ઘુરકીને તેની સામે જોઈ રહી.

            “શું ડિસ્કસ કરવાનું હતું...!?” પરેશાન ચેહરે સિદ્ધાર્થ હવે વાત બદલતાં બોલ્યો.

            “અરે....!?” અંકિતા હજીપણ મજાકનાં મૂડમાંજ હતી.

            “એજ કે સાંજે ગરબા માટે બધાયે ક્યાં ભેગાં થવું છે...!?” પ્રેમ બોલ્યો “આ લોકોતો તૈયાર થવાં માટે સાંજે લૉ ગાર્ડન પાર્લરમાં જશે....! હું અને રોનક અમારાં ઘરે તૈયાર થઈને અહીંયા કોલેજ આઈએ કે પછી બધાયે લૉ ગાર્ડન ભેગાં થઇ ત્યાંથી ગરબા માટે જવું છે....!?”

            “આજે તમે લોકો વ્હીક્લ્સ લઈને આવ્યાં છો...!?” સિદ્ધાર્થે કામ્યા અને ત્રિશા તરફ જોઈને પૂછ્યું પછી છેલ્લે અંકિતા તરફ જોયું.

            “હા....!” ત્રણેય લગભગ સાથેજ બોલ્યાં.   

            “એક કામ કરજો....!” સિદ્ધાર્થ વારાફરતી બધાં તરફ જોઈને બોલ્યો “તમે લોકો તૈયાર થઈને લૉ-ગાર્ડનથી પાછાં ઓટોમાં અહીંયાજ આઈ જજો...! પ્રેમ....!” સિદ્ધાર્થે હવે પ્રેમ સામે જોયું “તું પણ રોનકને કઈ દેજે કે બધાં અંહિયાં ભેગાં થવાનું છે...!  હું અંકલની કાર અહીંયાજ બોલાઈ દઇશ....! એમાં તું, પ્રેમ, કામ્યા, અંકિતા અને ત્રિશા આઈ જજો....!”

            “અને...અને...લાવણ્યા...!? એ કોની જોડે....!?” અંકિતાએ સિદ્ધાર્થને ચીડાંવવાં તેની આઇબ્રો નચાવી.

            “એ મ્હારી છે....!” સિદ્ધાર્થથી અજાણતાં જ બોલી જવાયું.

લાવણ્યાનું મોઢું શરમથી લાલ થઈ ગયું.

            “આઈ મીન મારી જોડે આવશે...!” પછી તે થોથવાતાં બોલ્યો.

            “હા...હા... સમજી ગઈ હોં....! તારે એક્સપ્લેંઇન કરવાની જરૂર નથી...!” અંકિતા તેની સામે હાથ કરીને બોલી.

લાવણ્યા ઘુરકીને તેની સામે સ્મિત કરતી-કરતી જોઈ રહી.

            “તમે લોકો તમારાં વ્હીકલ અંહિયાંજ મૂકીદેજો...! પછી અહીંથીજ ડાયરેક્ટ ગરબા અને ત્યાંથી પછી કારમાંજ તમને તમારાં ઘરે ડ્રોપ કરાઈ દઇશું...!” સિદ્ધાર્થે ત્રિશા અને અંકિતા સામે જોઈને કહ્યું “તમારાં વ્હીકલ અહીંયાં કોલેજમાંજ રે’શે તોય વાંધો નઈ....!”

            “હાં....! એ તો અમને પણ નથી...!” ત્રિશા બોલી “પણ રોનક તો અમારી જોડે રે’શેને...! કારમાં...!?”

            “હાં...! ચોક્કસ....!” પ્રેમ બોલ્યો.

            “અરે સાહેબ....!” ક્યારનો જોડે ઉભેલો બચ્ચન હવે બોલ્યો “હવે કઈંક ઓર્ડર આપો કે પછી હું જાઉં....!?”

            “એક કામ કર....!” અંકિતા મજાકીયા સ્વરમાં બોલી “આજે તો તું બધાં માટે બોર્નવિટાવાળું દૂધ લઈ આવ....! એની માને....!”

            “અંકિતા....!?” લાવણ્યા હસી પડી “શું બોલે છે તું …!? શું થયું છે આ છોકરીને આજે...! કેમ આટલી બધી વંઠી છે...!?”

            લાવણ્યાએ કામ્યા સામે જોઈને પૂછ્યું. પ્રેમ, ત્રિશા, કામ્યા સહિત બધાં મલકાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ પણ હવે પરાણે હસી રહ્યો હતો.

            બચ્ચન ઓર્ડર લઈને જતો રહ્યો. બધાં વાતોમાં મશગુલ બન્યાં.

            “એ રખડેલ માટે થઈને હવે તું મારી જોડે જુઠ્ઠું બોલતો થઈ ગ્યો...!?” કેન્ટીનના એન્ટ્રન્સ પાસે ઉભેલી નેહા દુરથી ગ્રુપના મિત્રો સાથે બેઠેલાં સિદ્ધાર્થને જોઈ મનમાં ગુસ્સે થતાં બબડી.

            સિદ્ધાર્થ ખોટું બોલતાં નેહાના મનમાં જાણે આગ લાગી ગઈ હતી.

            થોડીવાર એન્ટ્રન્સ પાસે ઉભા રહી છેવટે એવાજ ગુસ્સેલ ચેહરે તે ઉતાવળા પગલે ગ્રુપના ટેબલ તરફ જવા લાગી.   

અંકિતાની મજાક-મસ્તી હજી ચાલુજ ચાલું હતી.

            “વાહ શું વાત છે....! મંડળી જામી છે બાકી....!” બધાં વાતોમાં મશગુલ હતાં ત્યાંજ નેહાએ આવીને અચાનકજ તેનું બેગ ટેબલની વચ્ચો-વચ્ચ પછાડીને મૂકતાં કહ્યું.

તેણે પ્રેમની બાજુમાં ખાલી પડેલી એક ચેયર ખેંચી અને તેની જોડે બેસી ગઈ. તેની બીજી બાજુ હવે ત્રિશા બેઠી હતી.

            નેહાને જોઈને સિદ્ધાર્થનાં ચેહરાનાં ભાવ બદલાઈ ગયાં. લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરાનાં એ અણગમાંને નોટિસ કરી લીધો. તેને હવે સિદ્ધાર્થની વાત નહીં માની તેને કેન્ટીનમાં લઈ આવવાની વાત ઉપર પસ્તાવો થવાં લાગ્યો. લાવણ્યા હવે સહેજ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થ પણ તેની સામે જ જોઈ રહ્યો હતો..

            “નેહા....!” કામ્યાએ કઠોર સ્વરમાં તેની તરફ હાથ કરીને કહ્યું “નવરાત્રિનાં નવ દિવસ કોઈ માથાકૂટ નાં જોઈએ....!”

            “અરે રિલેક્સ....!” નેહા તેની આંખ મીંચકારીને બોલી “હું તો ફક્ત યૂથ ફેસ્ટિવલનાં નોમિનેશન માટેનાં નામો લખવાં માટે આવી છું...!”

            “યૂથ ફેસ્ટિવલ....!?” અંકિતાએ આશ્ચર્યથી નેહાની સામે જોયું.

            “હાં કેમ....!? દશેરાંના દિવસે યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ સ્ટાર્ટ થવાનો છે...! ખબર નથી...!?” નેહાએ બધાંની સામે આશ્ચર્યથી જોયું.

            સિદ્ધાર્થ પણ મૂંઝાઈને તેણી સામે જોઈ રહ્યો.

            “ઓહ હાં....! ભુલાઈ ગ્યું’તું.....!” કામ્યા બોલી.

            “જોયું....! હું ના હોત તો દશેરાંના દિવસેજ આપડી કોલેજનું ઘોડું ના દોડત....!” નેહાએ તેનાં ચેહરા ઉપર ઘમંડના ભાવ લાવીને કહ્યું અને સિદ્ધાર્થ સામે વેધક નજર નાંખી જોઈ લીધું.

            લાવણ્યા ચિંતાતુર નજરે સિદ્ધાર્થનો ચેહરો જોઈ રહી. તેનાં ચેહરાં ઉપર સ્ટ્રેસ અને અણગમાંના ભાવ હવે ધીરે-ધીરે વધી રહ્યાં હતાં.

            “પણ યૂથ ફેસ્ટિવલની નોમિનેશન વગેરેની તૈયારી તો દર વખતે લાવણ્યા કરે છેને...!?” પ્રેમે પહેલાં લાવણ્યા અને પછી નેહા સામે જોઈને પૂછ્યું.

            “હાં.....! પણ....!” નેહાએ હવે વેધક નજરે લાવણ્યા અને સિદ્ધાર્થની સામે જોયું “As you know “Miss Hot” આજકાલ “Miss Busy” બની ગયાં છે....!”

            નેહાએ કુટિલ સ્મિત કરી ખૂબ વેધક સ્વરમાં ટોંન્ટ મારતાં સિદ્ધાર્થે ચિડાઈને તેની સામે જોયું. સિદ્ધાર્થ કઈંક બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનો હાથ પકડીને માથું ધૂણાવીને “ના” પાડી.

            “તો...! સિદ...!” નેહા હજીપણ એવાંજ સ્વરમાં બોલી રહી હતી “રેમ્પ વૉકમાં મેં તારું નામ લખ્યું છે....! અને બોયઝ સિંગિંગમાં પણ તારું નામ લખ્યું છે....!”

            “તું....!”

            “સુરેશ અંકલે કીધું છે....!” સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ નેહા વચ્ચે બોલી પડી “રેમ્પ વૉકમાં તો તારે રે’વાનું છેજ....! અને સિંગિંગમાં મને કોઈ બીજું મળ્યું નથી....! તો તારે બોયઝ સિંગિંગમાં પણ રે’વુંજ પડશે....! મને ખબર છે ત્યાં સુધી તું સારું ગાઈ પણ શકે છે....! અને ગિટાર પણ વગાડી શકે છે...! યાદ છેને ….!? ઓલાં તારા ફ્રેન્ડ અ...! આકાશની બર્થડે પાર્ટીમાં તે ગાયું’તું....!?”

            નેહા બોલે જતી હતી. સિદ્ધાર્થ અણગમાંનાં ભાવ સાથે પોતાનાં કપાળને આંગળીઓ વડે દબાવી રહ્યો હતો. બધાં જોઈ રહ્યાં હતાં કે નેહા વેધક ભાષાંમાં ફક્ત શબ્દો વડેજ સિદ્ધાર્થને તકલીફ આપી રહી હતી.

            લાવણ્યાની આંખ હવે ભીંજાઇ ગઈ. તેને સિદ્ધાર્થનો ચેહરો જોઈને તેની ઉપર દયા આવી ગઈ અને પોતાની ઉપર ગુસ્સો.

            “અને હાં...! લાવણ્યા....!” નેહાએ હવે લાવણ્યાની સામે જોયું “તારે પણ રેમ્પ વૉક અને ગર્લ્સ સિંગિંગમાં.....! ઓકે....!?”

            “મ...મને કોઈ ઇન્ટરેસ્ટ નઈ....!” લાવણ્યા પરાણે બોલી.

            “અરે ….!? કેમ....!?” નેહાએ હજી વેધક સ્વરમાંજ બોલવાનું ચાલુ રાખ્યું હતું “એવું ચાલે....!? કોલેજની સૌથી હોટ છોકરી રેમ્પ વૉક નાં કરે....!? No ways….! અને સિંગિંગમાં તું ઓલું તારું ફેમસ સોંગ ગાઈ લેજેને....! કયું....!? “બેપનાહ” વાળું....!”

            લાવણ્યાએ હવે દયામણી નજરે અંકિતા સામે જોયું. અંકિતાનો ચેહરો પણ હવે ઉતરી ગયો. લાવણ્યાએ હવે પાછું સિદ્ધાર્થ સામે જોયું. તેનાં ચેહરા ઉપરનાં સ્ટ્રેસમાં હવે થોડો વધારો થયો હતો.

            “એણે કીધુંને....!” સિદ્ધાર્થ છેવટે ઠંડા સ્વરમાં બોલ્યો “એને કોઈ ઇન્ટરેસ્ટ નઈ....!”

            “ઓહો... મિસ્ટર પ્રોટેક્ટર બોલ્યાં.....!” નેહાએ દાંત ભીંચીને વધુ એક ટોંન્ટ માર્યો “કઈં વાંધો નઈ....! સુરેશ અંકલ તમને બેયને એમની ચેમ્બરમાં બોલાવીને “હાં” પડાવશે પછી તો માનશોને...!?”

            “તું..!” સિદ્ધાર્થ હવે વધુ ચિડાયો.

            “હું રેમ્પ વૉક કરીશ.....!” સિદ્ધાર્થ અકળાઈને નેહાને કઈં બોલે એ પહેલાં જ લાવણ્યા વચ્ચે બોલી પડી “અ....અને સિંગિંગ પણ ...! તું જ.....જ...જે કે’ એ બસ....!”

            “પણ લવ....!” સિદ્ધાર્થ અધિર્યા સ્વરમાં બોલ્યો.

            “ક....કોઈ વાંધો નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ સહેજ વધુ સખતરીતે પકડાતાં બોલી “લાસ્ટ યર જ છેને....! જવાંદેને....! હું....હું કરી લઇશ બધું...! તું...તું...ચિંતા નાં કરને.....!”

            “સાલી હરામી....!” નેહાએ મનમાં જ લાવણ્યાને ગાળો દીધી.

            “Aww….! ચો ચ્વિટ....!” ચિડાઈને તેણે લાવણ્યાના ચાળાં પાડ્યાં “અને હાં....! રેમ્પ વૉકની થીમ હુંજ ડીસાઇડ કરીને કહીશ ઓકે...!”  

            “ત....તારે હવે પતી ગ્યુંને...!?” લાવણ્યાએ માંડ પૂછ્યું “તો...તો એને ટોર્ચર નાં કર....!”

            “હાં....! હાં....!” નેહાએ તેનાં વાળ ઝાટક્યાં અને ટેબલ ઉપરથી તેની બેગ લઈને ઊભી થઈ “ચાલો....! તૈયારી શરું કરી દેજો....! બાય.....!”

            કુટિલ હાસ્ય રેલાવતી નેહા ત્યાંથી ચાલી ગઈ. જતાં-જતાં તેણીએ વધુ એકવાર સિદ્ધાર્થ સામે ગુસ્સેથી કતરાઈને જોઈ લીધું.  

            નેહાના જતાં રહ્યાં પછી પણ કેટલીક ક્ષણો સુધી બધાં મૌન બેસી રહ્યાં.

સિદ્ધાર્થ માંડ પોતાનો ગુસ્સો દબાવીને બેસી રહ્યો. લાવણ્યાએ ભીની આંખે તેનો હાથ પોતાનાં હાથમાં લઈને દબાવી રાખ્યો હતો.              

            “મારે મોડું થાય છે....!” સિદ્ધાર્થ છેવટે ઊભો થઈ ગયો “સાંજે મળીએ...!”

            “સિદ.....! જાન....!” સિદ્ધાર્થ તેનો હાથ છોડવીને ચાલવાં લાગતાં લાવણ્યા પણ ઊભી થઈ “હું .....! હું પણ આઉ છું ચલ...!”

            “તું પાર્ટી પ્લૉટ આઈને શું કરીશ...!?” સિદ્ધાર્થે થોડું નવાઈપૂર્વક પૂછ્યું.

            “નાં....નાં....! ત્યાં નઈ.....! હું તો ખાલી પ....પાર્કિંગ સુધી આવું છું....! પછી અંહિયાં પાછી આવતી રઈશ...!” લાવણ્યા રડમસ ચેહરે વિનંતીનાં સૂરમાં બોલી “આ’વાં દેને મને જોડે પ્લીઝ....!”

            “હમ્મ....!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો અને ચાલવાં લાગ્યો.

            જતાં-જતાં તેણે કામ્યા અને પ્રેમ સામે જોઈને હકારમાં ડોકું ધૂણાવી દીધું.

 ***

            “સિદ....! જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને કહ્યું.

            બંને પાર્કિંગમાં આવી ગયાં હતાં. ત્યાંસુધી જતાં-જતાં લાવણ્યાએ સિદ્ધાર્થની જોડે કઈંપણ વાત કરવાનું ટાળ્યું હતું અને સિદ્ધાર્થનો ગુસ્સો શાંત થવાં દીધો હતો.

            પાર્કિંગ સુધી આવતાં-આવતાં સિદ્ધાર્થ નેહા વિષે અને તેણીના એવા વર્તન વિષે જ વિચારતો રહ્યો હતો.

            “તારે “હાં” ન’તી પાડવાની.....!” સિદ્ધાર્થ સહેજ નારાજ સ્વરમાં બોલ્યો અને આડું જોવાં લાગ્યો.

            “જો હું “હા” નાં પાડત .....તો ..તો એ તને ટોર્ચરજ કર્યા કરત....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પોતાની તરફ ફેરવ્યો.

            “પણ તું કોઈ પ્રદર્શનની વસ્તુ છે...!?” સિદ્ધાર્થ સહેજ વધુ ચિડાયો “એ હવે જાણી-જોઈને તારું બોડી વધુ એક્સપોઝ થાય એવાં કપડાં રાખશે....!”

            લાવણ્યા પ્રેમથી સ્મિત કરીને ભીંજાયેલી આંખે સિદ્ધાર્થની સામે જોઈ રહી.

            “કાશ...! આજ વાત હું પોતે પણ પે’લ્લાં સમજી શકી હોત....!” સિદ્ધાર્થની સામે જોઈ રહીને લાવણ્યાએ ધીરેથી કહ્યું“શરીર દેખાડવાંને હું મોડર્ન હોવું સમજતી’તી....! તે મને સમજાયું ....કે એવું કરવાથી કોઈ મોડર્ન નઈ બની જતું...!”

            “લવ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાનાં ચેહરાને પ્રેમથી પકડ્યો “હું....હું....તને રોકી નઈ રહ્યો.... તને ગમતાં કોઈપણ કપડાં પે’રતાં....! જો તું તારી મરજીથી....! તારાં પોતાનાં માટે પે’રતી હોઉં તો એ અલગ વાત છે....! પણ ....! જોરજોરાઈથી નઈ....!”

            “સિદ....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હાથ મૂકી દીધો “જ...જવાંદેને....! કોઈ વાંધો નઈ....! એમપણ .....! રેમ્પ ઉપર ખાલી થોડી સેકન્ડ જ તો ચાલવાનું હોયછે....! સ્ટેજનાં છેડે સુધી આવવાનું અને પાછું જતું રે’વાનું...! ફટાફટ પતી જશે...! પછી હું તરતજ કપડાં બદલી લઇશ...!” 

            ઢીલું મોઢું કરીને સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વિના લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું. લાવણ્યા તેને બાથમાં ભરી લઈને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી.

            “સ્ટ્રેસ નાં લઇશ જાન.....!” લાવણ્યા વ્હાલથી બોલી અને તેણીનો એક હાથ સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવવાં લાગી.

            નાના બાળકની જેમ સિદ્ધાર્થ તેણીને વળગી રહ્યો. દર વખતની જેમજ, લાવણ્યાના એ ઉષ્માભર્યા આલીંગનમાં સિદ્ધાર્થ રાહત મળતી હોય એમ તેના મનનો ભાર હળવો થવા લાગ્યો. 

            થોડીવાર સુધી બંને એમજ એકબીજાંને વળગીને ઊભાં રહ્યાં.

            “અને મને ન’તી ખબર કે તું સોંગ પણ ગાઈ શકે છે....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનું મૂડ ફ્રેશ કરવાં કહ્યું “અને ગિટાર પણ વગાડી જાણે છે....!?”

            “અરે યાર....!” સિદ્ધાર્થ સહેજ હસીને બોલ્યો “એ કઈં પણ બોલે છે....! હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે મારાં ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગાયું’તું....! અને ગિટાર પણ જેમતેમ વગાડ્યું’તું....! ખાલી ગિટારનાં તાર ઉપર હાથની આંગળીઓ ફેરવવાની એને કઈં વગાડ્યું કે’વાય...!?”

            “હાં.....! હાં.....! હાં.....!” લાવણ્યા ખડખડાંટ હસી પડી “aww….! તું બહુ ક્યૂટ છે...હોં.....!”

            લાવણ્યાનાં હસતાં ચેહરાંને સિદ્ધાર્થ કેટલીક ક્ષણો જોઈ રહ્યો પછી પ્રેમથી તેની કમર પકડી પોતાની તરફ ખેંચતાં બોલ્યો –“તું આમ હસતી જ સરસ લાગે છે....!”

            “સિદ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર તેનું માથું ઢાળી દીધું. તેનાં શરીરમાંથી આવી રહેલી સુખડનાં અત્તરની એ મહેકને લાવણ્યા પોતાનાં શ્વાસમાં ભરી રહી. કેટલીક ક્ષણો એમજ વીતી.

            “સ...સાંજે થોડો વે’લ્લો ફ્રી થજેને....!” થોડીવાર પછી લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “મારે કામ છે તારું....!”

            “બોલને શું કામ છે...!?”

            “નાં....નાં...અત્યારે નઈ....! સાંજે.....!” લાવણ્યા નાના બાળકની જેમ ખભાં ઉછાળીને કાલા સ્વરમાં બોલી “તું વેલ્લો ફ્રી થજે....! પછી મારે એક નાનું કામ છે તારું....! એ પતાઈ લઈશું અને પછી રિવરફ્રન્ટ જઈને તું મને તારી એ વાત કે’જે તું ક્યારનો કે’વાં  માંગે છે....!હમ્મ...!”

            “ઓકે...!” સિદ્ધાર્થે છેવટે કહ્યું “તમારે કેટલાં વાગ્યે તૈયાર થવાં જવાંનું છે...!?”

            “છ વાગ્યે....!”

            “એટલાં વે’લ્લાં.....!?” સિદ્ધાર્થને નવાઈ લાગી.         

            “સ્કીન વ્હાઇનીંગની ટ્રીટમેન્ટ બાકી છે બધાને....!”

            “પણ તારે ક્યાં જરૂર છે....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને કમરમાંથી પકડીને પોતાની બાજુ ખેંચી “તું આટલી ગોરી તો છે....! માખણ જેવી...!”

            “શેનાં જેવી.....!?” લાવણ્યા નવાઈ પામી અને ખુશ થઈ આંખો મોટી કરીને પૂછવાં લાગી.

            “ક...કઈં નઈ....!” સિદ્ધાર્થ થોથવાઈ ગયો હોય એમ બોલ્યો.

            “અરે....! બોલને....! કેમ આવું કરે છે....!?”

            “નાં....!” સિદ્ધર્થે લાવણ્યાને ચિડાવી .  

            “સિદ....!”

            લાવણ્યા કઈં વધુ બોલે એ પહેલાં સિદ્ધાર્થે તેણીને બાથમાં ભરીને જોરથી આલિંગન ભરી લીધું અને તરતજ તેણીને મુક્ત કરીને બાઇક ઉપર બેસી ગયો.

            સિદ્ધાર્થનાં અચાનક બદલાઈ ગયેલાં બિહેવિયરથી લાવણ્યાને હવે વધુ નવાઈ લાગી અને તે આશ્ચર્યપૂર્વક ખુશ થઈને સિદ્ધાર્થને જોઈ રહી. તેની આંખો ભીંજાઇ ગઈ.

            “સિદ....! ઊભોતો રે’…..!” લાવણ્યા બાઇકનાં સ્ટિયરિંગ ઉપર હાથ મૂકીને તેને રોકવાં લાગી.

            “જો પછી અત્યારે મોડું થશે....! તો સાંજનું કઈં નક્કી નઈ હોં....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાને ચિડાવી રહ્યો.

            “તું દર વખતે કેમ બિવડાવે છે....! આ રીતે...!?” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

            “અરે.....!” સિદ્ધાર્થ સહેજ હસી પડ્યો “તું કેમ આમ નાની-નાની વાતમાં નાનાં બેબીની જેમ ઈમોશનલ થઈ જાય છે...!? કીધું તો ખરાં....! હું આઈ જઈશ....! અને જો શક્ય હશે તો ત્રણેક વાગ્યે ફ્રી થવાનો ટ્રાય કરીશ....!ઓકે....!”

            “સાચે....!” લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું.

            “હાં.....! હવે બાય....!” સિદ્ધાર્થે બાઇકનો સેલ માર્યો અને બાઇક સીધું કોલેજનાં ગેટ તરફ મારી મૂક્યું.

            લાવણ્યા સ્મિત કરીને  તેને જતો જોઈ રહી.

            ગેટની બહાર નીકળ્યાં પછી સિદ્ધાર્થ તેની નજરોથી ઓઝલ થયો. લાવણ્યા કેટલીક ક્ષણો સુધી તેનું પ્રતિબિંબ ત્યાં કલ્પી રહી.

            “તારાં વગર દિવસ આખો કેમનો પસાર કરવો જાન.....!?” સિદ્ધાર્થને યાદ કરીને લાવણ્યા મનમાં બબડી “એક એક સેકન્ડ આખી એક સદી બરાબર થઈ જાય છે....!”

            દિવસ વીતવાની અને સિદ્ધાર્થને ફરી મળવાની આતુરતાંપૂર્વક રાહ જોતી-જોતી લાવણ્યાએ કેટલીક ક્ષણો ત્યાંજ ઊભી રહ્યાં પછી છેવટે કેન્ટીન તરફ જવાં પગ ઉપાડયાં. 

***

            “તું જુઠ્ઠું કેમ બોલ્યો....!?” ફોન ઉપર નેહા સિદ્ધાર્થ સાથે ઝઘડી રહી હતી “તું કૉલેજ આ’વાનો હતો ...તોય તે કેમ નાં પાડી....!?”

            તે પાર્ટી પ્લોટ હજી તો જસ્ટ પહોંચ્યો જ હતો ને નેહાએ ફોન કર્યો હતો. સિદ્ધાર્થે ફોન ઉઠાવતાં જ નેહા તેણી સાથે ઝઘડી પડી હતી.

            “મારે ઉતાવળ હતી એટલે.....!” સિદ્ધાર્થે સહેજ ઉડાઉ જવાબ આપ્યો.  

            “તું આ રીતે મારી જોડે કેમ વાત કરે છે....!?” નેહાએ ચિડાઈને પૂછ્યું “પ્રોબ્લેમ શું છે તારી...!?”

            “હું કંટાળી ગ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો.

            “મારાથી ....!?” નેહાએ ટોન્ટ માર્યો.

            “જોયું....!? તું કાયમ આવી રીતે જ બિહેવ કરે છે....!” સિદ્ધાર્થે અકળાઈને કહ્યું પછી મનમાં બબડ્યો “તું મને મારી તકલીફ પૂછતી પણ નઈ....!”

            “તો શું કઉ...!?” નેહા હજી પણ ટોન્ટમાં બોલી રહી હતી.

            “મારે અત્યારે કશું નઈ સાંભળવું....!” સિદ્ધાર્થ બોલ્યો “હું અહિયાં પાર્ટી પ્લોટ આઈ ગ્યો છું....! મારે કામ છે બાય.....!”

            રૂડલી બોલીને સિદ્ધાર્થે કૉલ કટ કરી દીધો.

            “તને કોઈ પડી જ નથી....!” બબડતો-બબડતો સિદ્ધાર્થ બાઈક પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરી પાર્ટી પ્લોટ તરફ જવા લાગ્યો. 

******

            “હાશ.....! મઝા આઈ ગઈ હો યાર આ બેબી સ્ટેપ ગરબાંમાં તો....!” ત્રિશા બોલી.

            લંચ બ્રેક પછી લગભગ કલ્લાકેક જેવુ ગરબાં પ્રેક્ટિસ કર્યા પછી બધાં ડ્રામા સ્ટુડીઓમાં ટોળું વળીને બેઠાં હતાં. લંચબ્રેક પૂરો થઈ જતાં ડ્રામાં સ્ટુડિયોમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ઓછી થઈ હતી. જોકે લાવણ્યાના ગ્રૂપની જેમજ કેટલાંક અન્ય ગ્રૂપના સ્ટુડન્ટ્સ પણ હતાં જેઓ લેક્ચર છોડીને હજીપણ ગરબાં પ્રેક્ટિસ  કરી રહ્યાં હતાં. લાવણ્યાનું મૂડ હવે ફ્રેશ થઈ ગયું હતું.  ટાઈમ મળે તે સિદ્ધાર્થ સાથે વાત કરી લેતી હતી.

            “હાય લાવણ્યા....!”  બધાં વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ ડ્રામાં સ્ટુડિયોનાં દરવાજા તરફ પીઠ કરીને બેઠેલી અંકિતાની પાછળ વિવાને આવીને ઊભાં રહેતાં કહ્યું “ગરબાં પ્રેક્ટિસ પૂરી...!?”

            વિવાને બધાંની સામે જોઈને પાછું લાવણ્યા સામે જોયું. નીચે બેઠેલાં બધાં હવે વિવાન સામે જોઈ રહ્યાં. અંકિતાએ પણ તેનું મોઢું પાછું ફેરવી નજર ઊંચી કરીને વિવાન સામે જોયું.

            “આ તારું ગ્રૂપ નથી....!” અંકિતાએ એમજ નીચે બેસીને તેની સામે જોતાં-જોતાં કહ્યું “તું રસ્તો ભટકી ગ્યો લાગે છે...!”

            “તું તો એવું બોલે છે જાણે હું બોર્ડર ક્રોસ કરીને ભૂલીથી પાકિસ્તાનમાં આવી ગ્યો હોવ...!” વિવાને અંકિતાથી સહેજ દૂર અને લાવણ્યાની જોડે બેસતાંજ કહ્યું.

            બેસતી વખતે વિવાને અંકિતાની સામે જોયું અને તેની “કાનુડાં” જેવી નટખટ સ્માઇલ કરી.

            “બાપરે....!” કોલેજનાં સૌથી હેન્ડસમ છોકરાં વિવાનની સ્માઇલ જોઈને ત્રિશાથી બોલી પડાયું. વિવાન સહિત બધાંએ તેની સામે જોયું.

            “સોરી બોલાઈ ગયું....!” ત્રિશાએ વાત વાળતાં કહ્યું.

            “વેલકમ વિવાન....!” લાવણ્યા સ્મિત કરીને બોલી અને તેણે અંકિતા સામે જોયું.

            વિવાને સ્મિત કરીને લાવણ્યા સામે જોઈને અંકિતા સામે જોયું.

            “મારી સામે શું જોવે છે...!?” અંકિતા અકળાઈને બોલી “એણે તને વેલકમ કીધું છે...! મેં નઈ....!”

            “તું કેમ આટલો બધો ગુસ્સો કરે છે......!?” લાવણ્યા હવે રમતિયાળ સ્મિત કરતી-કરતી અંકિતાને ચિડાવતી હોય એમ બોલી “એ બિચારો હજીતો આવીને બેઠો પણ નથી...!”    

            “પણ હું એજ પૂછું છું કે એનું અહીંયાં શું કામ....!?”  અંકિતા હવે વધુ અકળાઈને બોલી “આપડાં ગ્રૂપમાં નથી એ...!”

            “અરે યાર તું ઓવર રીએક્ટ કેમ કરે છે...!?” સામે બેઠેલો રોનક બોલ્યો “આપડાં ગ્રૂપમાં નથી....! આપડી કોલેજમાંતો છેને...!?”

            “હાસ્તો....!” લાવણ્યા એજરીતે સ્મિત કરતાં બોલી “અને કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો છે...!”

            “કોણ....!?” અંકિતાએ અજાણ બનીને પૂછ્યું.          

            “વિવાન....! બીજું કોણ...!” લાવણ્યાએ તેણે વધુ ચિડાવી.

            “હી..હી...! હેન્ડસમ...!?” અંકિતાએ વિવાન સામે જોઈને તેની મશ્કરી કરી “ત્રણ વર્ષમાં એકેય છોકરીએ એની સામેતો જોયું નથી....! અને પાછો હેન્ડસમ...!?”

            “એ હેલ્લો...!?” વિવાન હવે ચિડાઈને બોલ્યો “હું કોઈને ભાવ નથી આપતો ઓકે....!”

            “હમ્મ....! લાફો મારીને ગાલ લાલ રાખવાનો નઈ...!?” અંકિતા હવે તેને વધુ ચિડાવવાં લાગી “કે પછી દ્રાક્ષ ખાટી છે....એમ...!?”

            “બે યાર આ તો જો...!?” વિવાને લાવણ્યાની સામે જોયું.

            બધાં હવે મલકાઈ રહ્યાં હતાં.

            “સાચી વાત છે હો વિવાન...!” લાવણ્યાએ વિવાનની સામે જોઈને તેની આંખ મીંચકારી “અંકિતાને પણ કોઈ ભાવ નથી આપતું....!”

            “ઓયે....! હું કોઈને ભાવ નથી આપતી...!ઓકે...!” અંકિતા અદાથી તેનાં વાળ ઝાટકીને બોલી.

            “કે પછી દ્રાક્ષ ખાટી છે...!?” હવે વિવાન સ્મિત કરીને અંકિતાનાં ચાળાં પાડતાં બોલ્યો.

            “ના...ના....! લાફો મારીને ગાલ રાખવાનો...!” લાવણ્યા પણ હવે અંકિતાનાં ચાળાં પાડવાં લાગી.

            “અરે તું મારી ફ્રેન્ડ છે કે એની યાર....!?” અંકિતા હવે અકળાઈ ગઈ.

            “કેમ...કેમ....!?” લાવણ્યા હવે તેની આઈબ્રો નચાવતી બોલી “Test your own medicine baby….!ક્યારની મને ચિડાવતી’તી”

            “તો તું બદલો લઇશ એમ...!?”

            “અરે એમાં બદલો શું....!?” કામ્યા બોલી “તું બધાંને ચિડાવે એ ચાલે.....! પણ તને કોઈ ચિડાવે એ ના ચાલે...!? લાવણ્યા....!” કામ્યાએ લાવણ્યાની સામે જોયું “દે ઘુમાકે....! ચિડાવ તું તારે એને...!”

            “અરે એ એકલી શું કરવાં.....!” રોનકે સૂર પુરાવ્યો “હુંય અંકિતાના ત્રાસનો ભોગ રોજ બનું છું....! હુંય ચિડાઈશ....!”

            “હું પણ...!” પ્રેમ બોલ્યો.

            ­બધાં હવે ભેગાંમળીને અંકિતાને ચિડાવવાં લાગ્યાં.

***

            “રાકેશભાઈ....! હું હવે અડધો કલ્લાક રાહ જોવું તમારી....! તમે નઈ આવો....તો હું બીજેથી માટીનું ટ્રેક્ટર મંગાઈ લઈશ.....!” સિદ્ધાર્થ ચિડાઈને ફોન ઉપર માટીના ટ્રેક્ટરવાળાને કહી રહ્યો હતો “સવારથી તમે આઉ છું આઉ છું કરો છો યાર....!”

            “અરે પણ ભાઈ....! વરસાદને લીધે મારે ઘણી જગ્યાએ માટી નાંખવા જવાનું થયું છે...!” સામેથી રાકેશભાઈ બોલ્યાં “અત્યારે હું તમારા ત્યાંજ આવવા નીકળી ગ્યો છું....!”

            “જલ્દી કરો ભાઈ...! મારે હજી બીજું ઘણું કામ બાકી છે....!”

            વાત કરી સિદ્ધાર્થે કૉલ કટ કર્યો. પાર્ટી પ્લોટ ઉપર આવ્યા પછી સિદ્ધાર્થે એક પછી એક કામો અંગે ફોનો કરવા લાગ્યાં હતાં. પાર્ટી પ્લોટમાં જ્યાં ગરબા ગાવાના હતાં ત્યાં ગરબા ચોકમાં સારું એવું પાણી ભરાઈ જતાં માટી નાંખવા માટે ટ્રેક્ટર, ગરબા ચોકની આજુબાજુ લાકડાની વાડ, ફૂડ સ્ટોલોની વ્યવસ્થા, સ્ટેજ અને નવરાત્રીનું બીજું ડેકોરેશન વગેરે તોફાની વરસાદમાં સારું એવું ખરાબ થઇ જતાં એ બધું ફરી કરાવું પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. મોટેભાગે સિદ્ધાર્થે બધાજ કામના માણસોને ફોન કરીને બોલાવી સવારથી કામ ચાલુ કરાવી દીધું હતું અને મોટેભાગે કામ પતવા પણ આવ્યું હતું. માત્ર માટી નાંખવાંનું અને સ્ટેજનું થોડું ડેકોરેશનનું કામ બાકી હતી જે હાલ ચાલી રહ્યું હતું.

            આ બધી ભાગદોડની વચ્ચે પણ સિદ્ધાર્થના મનમાંથી લાવણ્યાના વિચારો જતાં નહોતા. ટાઈમ મળે તે લાવણ્યા સાથે વાત કરી લેતો હતો.

            “ડ......ડ....ડર લાગે છે ....!”

            “બ....બઉ ડર લાગે છે....!”

            લાવણ્યા સાથે જ્યારે સિદ્ધાર્થ ફૉન ઉપર વાત કરી રહ્યો ત્યારે લાવણ્યા ગભરાયેલાં તૂટક સ્વરમાં બોલી હતી એ સિદ્ધાર્થને યાદ આવી ગયું.

            “શું વાત હશે....!? નેહાએ કંઈ કીધું હશે....!” સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો હતો “હા એવુંજ હશે....મેં એની જોડે ખરાબ વાત કરી એટલે એણે લાવણ્યા ઉપર ગુસ્સો ઉતાર્યો હશે....!”

            નેહાથી સિદ્ધાર્થ હવે રીતસરનો કંટાળી ગયો હતો. મેરેજને હવે ગણતરીના દિવસો બાકી હતાં, તોય સિદ્ધાર્થનું મન લાવણ્યામાં જ પરોવાઈ ગયું હતું. એક સમયે આરવની એવી હાલત માટે જવાબદાર જે લાવણ્યાને તુચ્છ ગણી નફરત કરતો હતો અને જેનું મોઢું પણ જોવા નહોતો ઈચ્છાતો એ લાવણ્યા વગર એને હવે એક સેકન્ડ પણ રહેવું અઘરું લાગતું હતું, તેનું મન સતત લાવણ્યાનું એ ઉષ્માભર્યું આલિંગન ઝંખતું હતું, આખો દિવસ તેણીના ઉરજો ઉપર માથું મૂકી તેણીને વળગી જ રહેવું એવી સતત ઈચ્છા થયા કરતી અને જે નેહા તેનો પ્રથમ પ્રેમ હતી અને જેના માટે તે અમદાવાદ આવ્યો હતો, તે નેહાની હાજરી માત્ર હવે તેને ત્રાસ આપતી હતી.

બધી જ બાબતોના એ સ્ટ્રેસથી માથું સખત દુઃખાવા લાગતાં સિદ્ધાર્થને લાવણ્યા સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવી.

“લાવણ્યા નામની દવાની જરૂર છે....!” પોતાની સાથે જ વાત કરતાં-કરતાં સિદ્ધાર્થે તેણીનો નંબર ડાયલ કર્યો અને મલકાઈ રહ્યો હતો.

નંબર ડાયલ કરી લાવણ્યા ક્યારે એના માટે “દવા” બની ગઈ એ વિષે તે વિચારી રહ્યો.

            “હાં....! બોલને જાન....!” સામેથી લાવણ્યાએ સિદ્ધાર્થનો કૉલ રીસીવ કરીને કહ્યું.

            “શું કરે છે...!?” સિદ્ધાર્થે ઉતાવળા સ્વરમાં પૂછ્યું.

            “શું કરતી હોઉ....!? તને જ યાદ કરતી’તી....!” લાવણ્યા ઉત્સાહથી બોલી “બોલને કેમ ફોન કર્યો....!?”

            “બસ....!એમજ....!” સિદ્ધાર્થ બોલ્યો “તારી ચિંતા થતી’તી....!”

            “Aww…! માલું બેબી....!” લાવણ્યા કાલી ભાષામાં બોલી.

            “હી...હી...! તું મને આરીતે કેમ બોલતી હોય છે....!” સિદ્ધાર્થે સ્મિત કરીને પૂછ્યું અને નીચે પાર્ટીપ્લોટમાં આમ-તેમ ચાલવા લાગ્યો.

            “તો શું વળી....સાવ નાના બેબીની રિસાઈ જાય છે...!” લાવણ્યા મીઠો છણકો કરતાં બોલી.

            “અરે ક્યાં રિસાયો છું...!? વાત તો કરું જ છુંને...? મેં સામેથી તો કૉલ કર્યો...!?”

            “હી...હી...આજની નઈ....ગઈકાલની વાત કરું છું...!” લાવણ્યા બોલી “તું જેવું રિસાય એવું તો નાના બાળકો જ રિસાય...!”

            મૌન રહીને સિદ્ધાર્થ એ વિષે વિચારી રહ્યો અને પાર્ટીપ્લોટની લોન ઉપર આમતેમ આંટા મારી રહ્યો. સામે લાવણ્યા પણ કેટલીક ક્ષણો સુધી મૌન રહી.

            “કેવી ચાલે છે ગરબાની પ્રેક્ટીસ...!?”છેવટે વાત બદલાતાં સિદ્ધાર્થે પૂછ્યું.

            “મસ્ત ચાલે છે...!” લાવણ્યા ઔપચારિક સ્વરમાં બોલી “તે બપોરે જ્યારે કીધું કે ઐશ્વર્યા મજમુદાર આ’વાની છે....એ સાંભળીને બધાં ખૂશ થઈને ઉત્સાહમાં આઈ ગ્યા છે...!”

            “હમ્મ...સરસ...!”

            “સાહેબ....!” ત્યાંજ પાર્ટીપ્લોટમાં કામ કરી રહેલ કોઈ માણસે સિદ્ધાર્થને બૂમ પાડી.

            પાછું ફરીને સિદ્ધાર્થે જોયું તો સ્ટેજ પાસે ઉભેલો કોઈ માણસ સિદ્ધાર્થને હાથ હલાવી બોલાવી રહ્યો હતો.

            “મને બોલાવે છે...! ચલ પછી વાત કરું...!” સિદ્ધાર્થે કહ્યું “મૂકું ફોન..!?”

            “નાં....! નઈ મૂકવાનો....!” લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

            “જો છે ...! તું પોતે નાનાં બેબીની જેમ જિદ્દ કરે છે ‘ને પાછી મને “બેબી-બેબી” કે’છે”

            “થોડીવાર વાત કરને પ્લીઝ....!” લાવણ્યા એજરીતે બોલી.

            “અરે મને બોલાવે છે....! કામ પતાઈને મારે તને મલવું છે....! મૂકવાંદેને….!” સિદ્ધાર્થ વિનંતી કરતો હોય એમ બોલ્યો.

            “જલદી આવજે ને ....!” લાવણ્યા પ્રેમથી બોલી.

            “હાં...હાં....! હું બને એટલું જલદી આવુંજ છુ....! હમ્મ.. બાય...!”

            “બાય....!” લાવણ્યાએ કમને કૉલ કટ કર્યો. 

            કૉલ કટ કરી લાવણ્યા વિષે વિચારતો-વિચારતો સિદ્ધાર્થ સ્ટેજ તરફ ચાલવા લાગ્યો.

***

            “હરામખોર સાલી.....! પે’લ્લા આરવને મારાથી છીનવી લીધો.....!” સિદ્ધાર્થે રૂડલી બિહેવ કરતાં નેહા ક્યારની અકળાયેલી હતી અને ગુસ્સે થઈને મનમાં બબડતાં-બબડતાં લેડીઝ વોશરૂમ તરફ જઈ રહી હતી.

            “અને હવે સિદ્ધાર્થને મારાથી છીનવા માંગે છે....રખડેલ....!” લાવણ્યાને મનમાં અપશબ્દો બોલતી-બોલતી નેહા લેડીઝ વોશરૂમમાં જસ્ટ એન્ટર જ થઇ હતી ત્યાં તેણે જોયું કે લાવણ્યા નીચા નમી વૉશ બેસિનનો નળ ચાલુ કરી પોતાનું મોઢું ધોઈ રહી હતી.    

            લાવણ્યાને જોતા જ નેહાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને તે અંગારાની જેમ તેનું હૃદય ધગધગી ઉઠ્યું.

            મોઢું ધોઈ રહેલી લાવણ્યાની પાછળ જઈને નેહા ઉભી રહી.

            “પાણીથી મોઢાં ઉપર લાગેલાં ડાઘતો ધોવાઈ જશે...! પણ કેરેક્ટર ઉપર લાગેલાં ડાઘ કઈરીતે ધોવાશે....!?”

            લાવણ્યા નીચું નમીને મોઢું ધોઈ રહી હતી કે ત્યાંજ તેને નેહા ભારોભાર નફરત અને તુચ્છકારથી બોલી. નેહાનો અવાજ સાંભળી મોઢું ધોઈ રહેલી લાવણ્યાએ ચોંકીને સીધાં થઈ પહેલાં કાંચમાં જોયું પછી નેહાનું પ્રતિબિંબ તેમાં દેખાતાં લાવણ્યાએ પાછાં ફરીને નેહા સામે જોયું.

            “શ....શું....!?” નેહાની હાજરીથી ફફડી ઉઠેલી લાવણ્યાથી માંડ-માંડ બોલાયું.

            “અરે....!? કેમ આમ સાવ અજાણી બને છે...!?” નેહાએ વેધક સ્વરમાં ટોંન્ટ મારતાં કહ્યું.

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર મૂંઝાઇને તેની તરફ બીતાં-બીતાં જોઈ રહી. તેણીનાં માથે હવે પરસેવાંની હળવી બુંદો બાઝવાં લાગી અને તેનાં હ્રદયનાં ધબકારાં ધીરે-ધીરે વધવાં લાગ્યાં.  

            લાવણ્યાને ગભરું પારેવડાંની જેમ ફફડતાં જોઇને નેહા વધુ જોશમાં આવી ગઈ. તેણે ઉપરથી લઈને નીચે સુધી લાવણ્યા ઉપર એક તુચ્છકારભરી નજર ફેરવી.  

            “શું વાત છે....!?” નેહાએ હવે લાવણ્યાને પગથી લઈને માથાં સુધી જોતાં કહ્યું “આજકાલ તું આમ બઉ ટ્રેડિશનલ- ટ્રેડિશનલ કપડાં પે’રવાં લાગી છે....!?હમ્મ...!?”

            “સ....સિદ……! સિદ્ધાર્થને હું બ...બઉ એક્સપોઝ થાય અ....એવાં કપડાં પે’રું એ ન....નઈ ગમતું....!” થોથવાતી જીભે લાવણ્યા બોલી. ડરીને તે હવે વૉશબેસિન તરફ પાછાં પગલે સહેજ ખસી.

            “ઓ...ઓ....! સિદ.....! એમ...!? તો તું આ બધું સિદ્ધાર્થ માટે કરી રહી છે એમ...!?” નેહાએ તેનો સ્વર વધુ વેધક કરી ટોંન્ટ માર્યો.

            કશું પણ બોલ્યાં વગર લાવણ્યા એમજ ઊભી રહી અને ધ્રૂજવાં માંડી.

            “તને શું લાગે છે....!?” નેહા હવે એકદમજ લાવણ્યાની નજીક આવી ગઈ અને તેનો વેધક સ્વર હવે  કઠોર કરીને તેનાં ચેહરાંને લાવણ્યાનાં ચેહરાંની એકદમ નજીક લાવીને બોલી “ કે કપડાંથી તું આ શરીરને ઢાંકીને તારાં કેરેક્ટર ઉપર લાગેલાં એ ડાઘાને પણ ઢાંકી દઇશ....! હમ્મ..!?”   

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર ગભરાઈને જોઈ રહી.

            “કપડાંથી તું તારું શરીર ઢાંકી દઇશ....! પણ તારાં પાસ્ટને....! કેમની ઢાંકીશ...!?” નેહાએ હવે કુટિલ સ્મિત કર્યું અને અત્યંત ઘૃણાસ્પદ સ્વરમાં બોલી “ખબર છેને...! કેટલાં જોડે સૂઈ ચૂકી છું તું...!?”

            લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ અને તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં. રૂંધાયેલાં સ્વરમાં માંડ-માંડ તે બોલી શકી “સ.....સિદ.....સિદ્ધાર્થને બ....બધું ખબર છે....! મ્મ....મેં એને બધું ક.....કઈ દીધું’તું....!”

            “વાહ....! એટ્લે તને એમ લાગે છે કે તે તારાં ચિતરાયેલાં પાસ્ટ વિષે એને બધું કઈ દઈને તે મોટી ધાડ મારી દીધી એમ....!?  નેહા લાવણ્યાની વધુ નજીક આવી અને ગુસ્સે થઈને દાંત ભીંચીને બોલી.  

            “તને એમ લાગે છે કે તું આવાં કપડાં પે’રીશ....! સિદ્ધાર્થને બહુ આમ...આમ લાડ લડાવીશ....!”  પોતાનો સ્વર સહેજ વધુ ઊંચો કરી નેહા બોલી “તો સિદ્ધાર્થ તને અપનાઈ લેશે....! એમ...? તારી જોડે મેરેજ કરી લેશે...!? એમ...!?”

            લાવણ્યાની આંખો હવે ભીંજાઇ ગઈ.

            “લૂક એટ યુ લાવણ્યા....!” નેહાએ સુરેશસિંઘની જેમ તુચ્છ નજરે લાવણ્યાને જોયું અને તેનું બાવડું સખત રીતે પકડીને વૉશબેસિનની દીવાલ ઉપર લાગેલાં કાંચ બાજુ ફેરવી.

લાવણ્યા કાંચમાં પોતાનાં પ્રતિબિંબને જોઈ રહી.

            “what are you….! હા....!?” નેહાએ અણગમાંભર્યા સ્વરમાં કહ્યું “you are a sl*t  લાવણ્યા....! you are a b**ch….a wh*re….!”

            “અ.....આવું ન....ના...!”

            “you are a garbage લાવણ્યા....!” નેહાએ કાંચમાં લાવણ્યાની સામે જોઈ રહીને કહ્યું “ કચરો છે તું.....!”

            “તને લાગે છે કે તું સિદ્ધાર્થનાં લાયક છે...!હમ્મ...!?” નેહાએ કાંચમાં જોઈ રહીને લાવણ્યાને પૂછ્યું “અરે તું તો એની રખેલ બનવાંનાં પણ લાયક નથી....!”

            લાવણ્યા હવે ભાંગી પડી અને તેની આંખમાંથી પાણી વહેવાં માંડ્યુ. નેહાને પોતાને ભાન ના રહ્યું કે ક્યારે તે ગુસ્સમાં પોતાની હદ ઓળંગતી ગઈ.

            “એ રોયલ ફેમિલીનો છે લાવણ્યા....!” નેહાએ હવે તેની પકડ લાવણ્યાનાં બાવડાં ઉપર વધુ કસી “એનાં ઘરનાં ડસ્ટબીન પણ તારાં કેરેક્ટર કરતાં વધું સાફ હશે...!”

            “....આમ જો મારી સામે...!” નેહાએ હવે ઉદ્ધત રીતે લાવણ્યાની દાઢી પકડી તેનું મોઢું પોતાની બાજુ ફેરવ્યું “કીચડ છે તું.....! અને તને સ્પર્શ કરીને સિદ્ધાર્થનાં હાથ પણ ગંદા થયાં છે...!”  

            બોલતાં-બોલતાં નેહા અંદરથી ધ્રુજી. સિદ્ધાર્થ માટેની બધીજ ફિલિંગ્સ જાણે ઉછાળો મારીને બહાર આવી ગઈ હોય એમ નેહાની આંખ ભીની થવા લાગી. કોઈ વિફરેલી પઝેસીવ પ્રેમિકાની જેમ નેહાનું હૃદય જોરશોરથી ધડકી ઉઠ્યું. પોતાની આંખ ભીની થતાં તેણીએ માંડ રોકી રાખી અને લાવણ્યા માટે પોતાની નફરતને ઉભરાવા દીધી.

            “તે સિદ્ધાર્થને સ્પર્શ કરીને એનું કેરેક્ટર અભડાયું છે લાવણ્યા....!”

લાવણ્યાએ શરમથી તેનું માથું નીચું ઝુકાવી દીધું. નેહાએ ફરીવાર તેનું મોઢું ઉદ્ધતરીતે તેની સામે કર્યું અને ભારોભાર નફરતથી કહ્યું “એક સીધાં-સાદાં છોકરાંને અભડાયો છે....!”

            “ન....ને..નેહા....આવું...!”

            “તું લાયક નથી એનાં....! યાદ રાખજે....! અને એનાંથી દૂર રે’જે હવે....!” જાણે ચેતવણી આપતી હોય એમ ફરીવાર લાવણ્યાનું બાવડું પકડી તેણીને ખેંચીને નેહાએ અંગારા વરસાવતી આંખે કહ્યું “તું એનાં જોડે કે એનાં ઘરમાં શોભે એવી નથી....! દૂર રે’જે એનાથી....! સમજી...!”

            લાવણ્યાનું બાવડું ઝાટકીને નેહાએ તેણીને સહેજ ધક્કો માર્યો અને પાછી ફરીને ઝડપથી વૉશરૂમમાંથી બહાર નીકળી ગઈ.

            આઘાતથી હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા હવે કાંચમાં તેનું પ્રતિબિંબ જોવાં લાગી.

ઉતાવળા પગલે લેડીઝ વોશરૂમની બહાર નીકળતાં-નીકળતાં તો નેહાની આંખમાંથી અત્યાર સુધી રોકી રાખેલી પાણી ઉભરાઈ આવ્યું.

“તે સિદ્ધાર્થને સ્પર્શ કરીને એનું કેરેક્ટર અભડાવ્યું છે”

“કીચડ છે તું.....! અને તને સ્પર્શ કરીને સિદ્ધાર્થનાં હાથ પણ ગંદા થયાં છે...!”

            પોતાનાં જ એ શબ્દો હવે નેહાના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.

            “નઈ...નઈ નેહા....!” પોતાની ભીની આંખો લૂંછતા- લૂંછતા નેહા પોતાનું મન કઠોર કરતાં બોલી “આરવનો સવાલ છે....રિવેન્જ તો પૂરો થવો જ જોઈએ....ગમે ભોગે....!”

****

            “અરે.....! આ કોણ રડે છે.....!?” જેંટ્સ રેસ્ટરૂમ તરફ જતાં વિવાન લેડિઝ રેસ્ટરૂમનાં બ્લોક જોડેથી પસાર થઈ રહ્યો હતો ત્યાંજ તેણે લેડિઝ રેસ્ટરૂમ તરફથી કોઈ છોકરીનાં રડવાનો અવાજ સાંભળ્યો.

            “આતો....!” રડનાર  છોકરીનાં એ અવાજને ઓળખતો હોઈ વિવાન મૂંઝાઈને વિચારી રહ્યો “અરે આ તો લાવણ્યાનો અવાજ છે....!”

            વિવાન હવે ચોંકી ગયો અને તરતજ લેડિઝ રેસ્ટરૂમ તરફ જવાં લાગ્યો.

            “અરે આ છોકરો લેડિઝ રેસ્ટરૂમ બાજુ કેમ વળી ગયો...!?” વિવાનની પાછળ થોડે દૂર કોરિડોરમાં આવી રહેલી ત્રિશા બોલી.

            “શું ખબર…!?” અંકિતા અચરજભર્યા સ્વરમાં ખભાં ઉછાળીને બોલી “ચાલ જલદી....! જોઈએતો ખરાં....!”   

            બંને હવે ઉતાવળાં પગલે એ તરફ જવાં લાગ્યાં.

            ઉતાવળાં પગલે વિવાન હવે લેડિઝ રેસ્ટરૂમનાં દરવાજામાંથી અંદર દાખલ થયો.

            “અરે લાવણ્યા....!” વૉશબેસિનની દીવાલને અડીને નીચે બેઠેલી લાવણ્યાને જોઈને વિવાન હેબતાઈ ગયો. ડૂસકાં લેતી-લેતી લાવણ્યા રડી રહી હતી.

            “શું થયું તને...!? કેમ રડે છે યાર....!?”  વિવાન તરતજ લાવણ્યાની જોડે ઘૂંટણીયે બેસી ગયો “બાપરે તારો ચેહરો તો....!?”

            ચિંતાતુર સ્વરમાં વિવાને લાવણ્યાનાં ચેહરા સામે જોયું જે રડી-રડીને આઈલાઇનરથી ખરડાઈ ગયો હતો.

            “શાંત થા યાર....! શું થયું તને....!?” વિવાને લાવણ્યાનાં ખભે હાથ મૂક્યો.   

            “વ.....વિવાન.....! વ....વિવ...!” ડૂસકાં લેતી-લેતી લાવણ્યાએ બોલવાંનો પ્રયત્ન કર્યો.

            “હાં....હાં.....! તું શાંતથા પે’લ્લાં.....!” વિવાન હવે લાવણ્યાનાં ચેહરા પરનાં આંસુઓને લૂંછતો-લૂંછતો તેણીને શાંત કરાવાંનો પ્રયત્ન કરવાં લાગ્યો.

            “અરે તું લેડિઝ રેસ્ટરૂમમાં શું ક....!” અંકિતાએ અંદર દાખલ થતાંજ વિવાનને જોઈને કહ્યું. વિવાનને નીચે લાવણ્યા જોડે બેસેલો જોઈ તે ચોંકીને અટકી ગઈ. પાછળ ત્રિશા પણ હતી.

            “અરે લાવણ્યા...! શું થયું તને....!?” અંકિતા પણ ચિંતાતુર ચેહરે નીચે બેસી ગઈ.

            “અંકિતાં....અંકિતા....! હું...! એનાં લાયક નઈ....! હું...હું..એનાં લાયક નઈ...!?” ડૂસકાં લેતી-લેતી લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી.

            “શું બોલે છે તું....!? અચાનક શું થઈ ગયું તને...!? કેમ રડે આટલું બધુ....!?” અંકિતાએ લાવણ્યાને શાંત કરાવાં તેનાં માથે હાથ મૂક્યો “ત્રિશા....!” અંકિતાએ તેની જોડેજ નીચે બેસેલી ત્રિશા સામે જોયું “જા....! જલદી કેન્ટીનમાંથી પાણીની બોટલ લઈ આવ....!?”

            “હાં....!” ત્રિશા બોલી અને ઊભી થઈને વૉશરૂમની બહાર દોડી ગઈ.

            “લાવણ્યા....!? આમજો મારી સામે....!?” અંકિતાએ તેણીનું મોઢું તેનાં બંને હાથમાં પકડીને તેની તરફ ફેરવ્યું “શું થયું....!? હમ્મ...!? કેમ રોવે છે....!? કે’ મને...!”

            “હું.....હું...સ....સિદનાં લાયક નથી....!” લાવણ્યા રડતાં-રડતાં બોલવાં લાગી “એનાં ઘરમાં હું....હું....સૂટ નાં થાઉં.....!”

            “લાવણ્યા શું બોલે છે તું આ બધુ....!?” અંકિતાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

            જોડે બેઠેલો વિવાન પણ એવાંજ ચેહરે તેણીની સામે જોઈ રહ્યો.

***

            “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ઓટોમાં બેસીને ઘરે જય રહેલી નેહા ક્યારની સિદ્ધાર્થને કૉલ કરી રહી હતી.

            ચાર-પાંચ વખત રીંગો કર્યા પછી પણ સિદ્ધાર્થ તેણીનો કૉલ ઉઠાવી નહોતો રહ્યો.

            “મને ખબર છે તું જાણી જોઈને કૉલ નથી ઉઠાઇ ‘ર્યો....!”  સિદ્ધાર્થે એકેય વખત કૉલ ના ઉઠાવતાં નેહા મનમાં બબડી.

            શું કરવું....!? શું ના કરવું....!? એ અંગે નેહા મૂંઝાઈ હતી.

            સિદ્ધાર્થના એવા બિહેવિયરથી નેહા ગભરાઈ ગઈ હતી. સૌથી વધારે ડર નેહાને એ વાતનો લાગી રહ્યો હતો કે તે પોતે પહેલેથી જાણતી હતી કે સિદ્ધાર્થ તેણીને લવ કરે છે. સિદ્ધાર્થની આંખોમાં તેણે પોતાનાં માટેની એ મુગ્ધતાના ભાવો ડર વખતે જોયા હતાં. પણ હવે એ ભાવો જાણે તેની આંખોમાંથી ક્યાંક ખોવાઈ ગયાં હતાં.

            “ઓલી રખડેલેજ કઈંક મંતરીને ખવડાઈ દીધું લાગે છે....!” આંખ ભીની થઈ આવતાં નેહા મનમાં બબડી “મારાં આરવને પણ એણે જ એવું કઈંક કરી નાંખ્યું ‘તું.....ને હવે સિદને પણ.....!”

            નેહા મનમાં બબડી રહી. ઓટોમાં બેઠી હોવાં છતાંય તે હવે રડું-રડું થઈ ગઈ.

            “પણ સિદને તો તે પોતેજ લાવણ્યા પાસે ધકેલ્યો ને....!?” ત્યાંજ નેહાનાં મનનાં કોઈ અત્યંત ઊંડા ખૂણેથી અવાજ આવ્યો.

              “સિદને તો તે પોતેજ લાવણ્યા પાસે ધકેલ્યો ને....!? લાવણ્યા પાસે ધકેલ્યો ને....!?”

            “નઈ નઈ.....! મેં એને નઈ ધકેલ્યો....મેં તો આરવનો બદલો લેવા માટે એને મોકલ્યો ‘તો...!” પોતાનો બચાવ કરતી હોય એમ નેહા “પલાયનાત્મક બચાવ પ્રયુક્તિ” કરતાં મનમાં બબડી “આરવ સિદનોય ભાઈ છે જ ને....! તો તો...સિદ્ધાર્થનો પણ હક છે જ ને....બદલો લેવાનો...!?”

            “સિદ્ધાર્થે બદલો લેવો કે નઈ...! એ તું થોડી નક્કી કરી શકું....!?” નેહા હવે પોતાનાં આંતરમન સાથે જ લડી પડી.

            તે હવે મનમાં જ પોતાની સાથે દલીલબાજી કરવા લાગી અને એક પછી એક સાચાને બદલે “સારાં” લાગે એવાં કારણો આપી પોતાનાં આંતરમનની સાથે જ “યૌક્તિકીકરણ” કરવાં લાગી.  

            “પણ લાવણ્યા તડપવાને લાયક જ છે....!”

            “એણે જ આરવનું મગજ ખરાબ કરી નાંખ્યું...!”

            “એને સજા મલવી જ જોઈએ....!”

            વગેરે જેવા પોતાને સાચાં લાગતાં કારણો વડે તે પોતાને સાચી કરવાં મથી રહી. પોતાનાં આંતરમન સાથેની એ દલીલબાજીમાં જોકે છેવટે તે હારવા લાગી. પોતાની જ ભૂલોને તે સિદ્ધાર્થને ખોઈ બેઠી છે એવો ડર હવે તેણીનાં મનમાં વધારે ઘેરો થવા લાગ્યો.

            “જે હોય તે....પણ હવે શું કરવું....!? આમરાં મેરેજ થવાના છે....! તો સિદ આવું બિહેવ કરે એ થોડી ચાલે કઈં...!?”

            છેવટે પોતાનાં આંતરમન સાથેની દલીલબાજી પડતી મૂકીને નેહા શું કરવું એ વિષે વિચારવા લાગી.          “સુરેશઅંકલ જોડે વાત કરી જોવું.....!?”

***

            “સિદ્ધાર્થને તારાં પાસ્ટ વિષે બધું ખબર છેને...!? બોલ...!?” વિવાને લાવણ્યાની આંખોમાં આંખો નાંખીને પૂછ્યું “એને બધું ખબર છેને....!?”

            લાવણ્યાની વાત સાંભળી અંકિતાની આંખમાંથી હવે પાણી વહી રહ્યું હતું.    

            “હ...હાં....! મ...મેં...મેં...એને બધુંજ કીધું’તું....!” લાવણ્યા વિવાન તરફ નાનાં બાળકની જેમ હકારમાં ડોકું ધૂણાવીને બોલી “અ.....એને બ.....બ....બધું ખબર છે....! મેં બધું કીધું’તું…! સાચે...! બધું સાચું ક....કઈ દીધું’તું...!”

            “અને છતાંય એણે તને એકસેપ્ટ કરી લીધીને....!?” વિવાને એજરીતે લાવણ્યાની આંખોમાં જોઈને મૃદુ સ્વરમાં કહ્યું.

            “બોલ....! એણે કોઈ દિવસ તારાં પાસ્ટ સામે કે પછી પાસ્ટનાં કોઈપણ અફેયર સામે વાંધો લીધો....!?” વિવાને ફરીવાર પ્રેમથી પૂછ્યું “એણે તારાં કેરેકટર સામે કોઈ દિવસ આંગળી ચીંધી....!? કે પછી એ વિષે કોઈ ઓબ્જેક્શન લીધું....!? હમ્મ....! બોલ...!?”

            “ન....નાં.....!” લાવણ્યા વિવાન સામે શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી. તેનાં ડૂસકાં હવે શાંત થવાં લાગ્યાં “એ તો એટલો ઈનોસન્ટ છે....! કે કે...ક..કોઈ દિવસ મને એવું કઈં નઈ કે’તો...! એણે કદીપણ મ્મ...મારાં પાસ્ટ સામે કોઈ વ...વાંધો નઈ લીધો....! કદી કશું નઈ કીધું.....! એણેતો....એણેતો મને કશું પૂછ્યું પણ ન’તું....! મેં જ સામેથી એને મારો પાસ્ટ કઈ દીધોતો....! ‘ને...એણે...!” લાવણ્યાની આંખ સામે હવે સિદ્ધાર્થનો ઈનોસન્ટ ચેહરો તરવરી ઉઠ્યો “એણે તો હું જ...જેવીછું એવીજ એકસેપ્ટ કરી લીધી....!” 

            “બસ તો પછી....!” વિવાને હળવું સ્મિત કર્યું અને લાવણ્યાનાં બંને ગાલ પ્રેમથી લૂંછયા “જો એણે તને એકસેપ્ટ કરી લીધી છે....! તો પછી બીજા કોઈને કોઈજ હક નથી તારાં કેરેક્ટર સામે આંગળી ચીંધવાનો....!હમ્મ...!”

            લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને વિવાન સામે ભીની આંખે જોઈ રહી. 

            “તારાં કેરેક્ટર સામે કે પછી તારાં પાસ્ટ સામે....!” વિવાને લાવણ્યનાં વાળની લટો સરખી કરીને કહ્યું “જો કોઈને પણ વાંધો લેવાનો હક હોય....! તો એ હક ફક્ત સિદ્ધાર્થનેજ છે....! કેમકે એને તારી જોડે રે’વાનું છે....! એકસેપ્ટ એણે તને કરવાની છે....! અને એ એકસેપ્ટ કરી ચૂક્યો છે....! તું જેવી છે એવીજ....! તો પછી હવે ચિંતા છોડ....! અને આ નવરાત્રિની એક એક ક્ષણ કોઈપણ જાતનાં ખચકાટ વિના કે ડર વિના....! એની જોડે જીવીલે.....! માણીલે….! હમ્મ...!”

            લાવણ્યા હવે પ્રેમથી વિવાન સામે જોઈ રહી. લાવણ્યાને જોઈને અંકિતાએ તેની આંખો લૂંછવાં માંડી.

            “અને આટલી રોમેન્ટીક નજરે મારી સામે નાં જોઈ રહીશ....!” વિવાને હવે તરતજ તેનો સ્વર બદલ્યો અને તેનું કાતિલ સ્મિત રેલાવીને ટીખળભર્યા સ્વરમાં બોલ્યો “નઈ તો હું અંકિતાને લાઇન મારવાનું છોડીને તને લાઇન મારવાનું ચાલુ કરી દઇશ...!”  

            “what…..!” અંકિતાએ ચોંકીને પેહલાં લાવણ્યા સામે પછી વિવાન સામે જોયું “તું મને લાઇન મારતો’તો....!?”

            “અરે....એટ્લે એવું નઈ....!” વિવાનની જીભ થોથવાઈ ગઈ “લાઇન મારતો’તો...એટ્લે....!અ....! લાવણ્યા....!” વિવાને હવે લાવણ્યા સામે જોયું “અરે કે’ને આને….!’

            “અરે એમાં એ શું કે’વાની...!?” અંકિતાએ હવે અકળાઈને કીધું “આમ મારી સામે  જોઈને બોલ....! મને લાઇન મારવાની હિમ્મત કેમની થઈ તારી...!?”

            “હિમ્મત....!?” વિવાન સહેજ ગભરાયો હોય એમ બોલ્યો “લાવણ્યા આતો જો....! કેવું બોલે છે....!?” 

            “કેવું બોલેછે એટ્લે...!?” અંકિતાએ હવે વિવાનને હળવેથી ધક્કો માર્યો. ઘૂંટણવાળીને નીચે બેઠેલાં વિવાનનું બેલેન્સ જતાં તે રેસ્ટરૂમની ફર્શ ઉપર સાવ નીચે બેસી ગયો.

            “અરે આ તો જો...! કેવી ડેંન્જર છે...!” વિવાને લાવણ્યા સામે જોઈને કહ્યું.

            “ડેંન્જર કે’છે મને પાછો....!” અંકિતાએ હવે વિવાનના પગે જોરથી પંચ કર્યો.

            “અરે યાર તું તો છોકરી છે કઈં....!” વિવાન બોલ્યો.

            “અરે બસ કરો બેય જણાં....!” બેયની “ફાઇટ”માં વચ્ચે પડતાં લાવણ્યા બોલી. તેણે અંકિતાનો હાથ પકડી લીધો “શું નાનાં બાળકોની જેમ ઝઘડો છો....!”

            “કોણ ઝઘડે છે...!?” રેસ્ટરૂમના દરવાજા બાજુથી અવાજ આવ્યો. બધાંએ એ તરફ જોયું. એ કામ્યા હતી. પાછળ , રોનક અને પ્રેમ પણ હતાં.

            “લાવણ્યા....!?” કામ્યા હવે લાવણ્યાની નજીક આવી ગઈ અને નીચે બેસતાં બોલી “શું થયું...!? કેમ આમ નીચે બેસી છે....!? તું રડતી’તી....!?”

            “હાં....!” પાછળ ઊભેલી ત્રિશા બોલી.

            “તને પાણીની બોટલ લેવાં મોકલી’તીને....! તું બધાંને લઈ આવી...!?” અંકિતાએ ઘુરકીને ત્રિશાની સામે જોયું.   

            “અરે પણ.....!”

            “અંકિતા....! તું કેમ આમ બધાંને કરડવાં દોડે છે...!?” લાવણ્યાએ હવે અંકિતાના ખભે ટપલી મારી.

            “નાનપણમાં કૂતરું કઈડી ગ્યું હશે....!” વિવાન અંકિતાની ઉડાવતાં બોલ્યો.

            “હી...હી...હી....!” લાવણ્યાથી ખડખડાટ હસી પડાયું.

            “તું...!” લાવણ્યાને હસતાં જોઈને અંકિતા અટકી ગઈ. તેને ભાન થયું કે વિવાને બહું સરળતાથી લાવણ્યાનું ધ્યાન ડાઈવર્ટ કરી દીધું હતું.

            “હવે બોલ્યો છેને....! તો તને કઈડી જઈશ...!” અંકિતા નકલી ગુસ્સો કરતી હોય એમ વિવાન સામે હાથ કરીને બોલી.

            “અરે બસ હવે....!” લાવણ્યાએ હવે ફરીવાર તેનો હાથ પકડી લીધો “બંધ કર...!”

            “અરે પણ તું આમ કેમ બેઠી’તી....!?” સામે બેઠેલી કામ્યાએ મુંઝાયેલાં ચેહરે પૂછ્યું “શું ચાલેછે આ બધું.....!?”

            “અરે કઈં નઈ....!” લાવણ્યા બોલી “બધું પતી ગયું હવે....! અને વિવાન....! તું લેડિઝ ટોઇલેટમાં શું કરે છે...!?”

            “અરે....!?”

            “અને પ્રેમ...! રોનક...!” વિવાન આગળ બોલે એ પહેલાંજ લાવણ્યાએ સામે ઉભેલાં પ્રેમ અને રોનકની સામે જોયું “તમને લોકોને પણ શરમ નથી આવતી....!? ચાલો નીકળો બા’ર”

            લાવણ્યા હવે ઊભી થઈ ગઈ. વિવાન, કામ્યા અને અંકિતા પણ જોડે ઊભાં થઈ ગયાં.  

            “અરે પણ અમને તો ત્રિશા લઈ આવી....!” મૂંઝાયેલો પ્રેમ અને રોનક હવે લેડિઝ રેસ્ટરૂમની બહાર નીકળવાં લાગ્યાં.

            “તને અલગથી કે’વાનું છે....!?” લાવણ્યાની જોડે હજીપણ ઉભેલાં વિવાનને અંકિતાએ ખખડાવતી હોય એમ કહ્યું “જાય છે કે પછી ટોઇલેટમાં પૂરી દઉં....!?”

            “બે યાર આ છોકરી તો જો...!” વિવાને ફરીવાર લાવણ્યા અને કામ્યા સામે જોયું. બંને હવે મલકાઈ રહી હતી.

            “શું ખાધું તું તારી મમ્મીએ....!?” વિવાને ટોંન્ટ માર્યો અને ત્યાંથી બહાર નીકળવાં લાગ્યો.

            “લસણિયું મરચું....!” જઈ રહેલાં વિવાનને ઉદ્દેશીને અંકિતાએ ટોંન્ટમાં જવાબ આપતાં કહ્યું.

            “એટ્લેજ આવી છું તું....!” જતાં-જતાં વિવાને મોઢું પાછું ફેરવીને કઈ દીધું અને રેસ્ટરૂમમાંથી બહાર નીકળી ગયો.

            “બાપરે....! તું તો જબરી છે હોં....!” લાવણ્યાએ મોઢું બનાવતાં અંકિતા સામે જોઈને કહ્યું.

            “તો શું...!? બિચારાંની પાછળજ પડી જાય છે....!” જોડે ઊભેલી ત્રિશા બોલી.

            “હવે મને કે’ શું થયું’તું....!?” કામ્યાએ છેવટે લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

            “હાં....! મને પણ કે’….!” અંકિતા બોલી “આ બધી બકવાસ તને કોણે કહી....!?”

            “શેની બકવાસ...!?” કામ્યાએ પૂછ્યું.

            લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો ધિમાં સ્વરમાં બધી વાત કરવાં માંડી.

***

             “હેલ્લો....! હાં....! બોલને....જા....!”

            સિદ્ધાર્થે કૉલ કરતાં લાવણ્યાએ સામેથી ભાવપૂર્વક કહ્યું.

            “શું થયું કેમ અટકી ગઈ...!?” લાવણ્યા સિદને તેનાં પેટ નેમથી બોલાવવાંજ જતી હતી ત્યાંજ તે અટકી જતાં સિદ્ધાર્થે પૂછ્યું.

            “નઈ...! બસ....! તું બોલને...!” લાવણ્યા સહેજ ધિમાં સ્વરમાં બોલી.    

            “કદાચ બધાં બેઠાં છે એટલે ....!” લાવણ્યાના મોબાઈલમાંથી આવતો કેન્ટીનનો કોલાહલનો સ્વર સાંભળી સિદ્ધાર્થે મનમાં વિચાર્યું.

            “સિદ....!?”

            “હું કોલેજનાં ગેટ આગળ ઊભો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “આય જલદી....!”

            “હેં સાચે....!?” લાવણ્યા ખુશ થઈ ગઈ. તેણીને કેન્ટીનમાં બેઠેલાં બીજા ફ્રેન્ડ્સ જોડે વાત કરતી સિદ્ધાર્થ ફૉન ઉપર સાંભળી રહ્યો.

            “અમ્મ...! સિદ છે....!”

            “એ બા’ર ઊભો છે....! ગેટ પાસે....! જ...જઉં...!?”

            “અરે કેમ....!? એ અંદર નઈ આવતો...!?” રોનકે પૂછ્યું.

            “નાં....! મારે બા’ર જવું છે એની જોડે....!” લાવણ્યા બોલી “મ...મોડું થાય છે...! જઉં...!?”

            “હાં....હાં...! તું જલદી જા.....!” અંકિતા સ્મિત કરીને બોલી.

             “હું આઈ ગઈ હોં....!” લાવણ્યાએ સિદ્ધાર્થને ફોન ઉપર કહ્યું.

            કૉલેજના ગેટની બહાર રોડ ઉપરજ એન્ફિલ્ડ લઈને ઉભેલો સિદ્ધાર્થ મલકાઈ ઉઠ્યો. કેન્ટીનમાં નેહા હોય અને કઈં માથાકૂટ કરે એટલે સિદ્ધાર્થે અંદર જવાનું ટાળ્યું હતું અને બાઇક લઈને બહાર જ ઊભો રહ્યો હતો.

            થોડીવાર પછી તેણે લાવણ્યાને કોલેજનાં બિલ્ડિંગની બહાર મેઇન ગેટ તરફ જતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર આવતાં જોઈ. લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થ ખુશ થઈ ગયો અને વધુ મલકાઈ ઉઠ્યો અને બાઇકની સીટ ઉપરથી નીચે ઉતરી ઊભો રહ્યો. સામેથી આવી રહેલી લાવણ્યા પણ સિદ્ધાર્થને સ્માઇલ કરતાં જોઈને ખુશ થઈ ગઈ. 

            “સિદ....!” ઓલમોસ્ટ ગેટની બહાર પહોંચવાં આવતાં જ લાવણ્યા સહેજ ઉતાવળાં સ્વરમાં બોલી  પડી અને તરતજ કૂદીને તેને વળગી પડી.

            “અરે....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી લાવણ્યાને ઝીલી લઈને તેને આલિંગનમાં જકડતા કહ્યું “શું થયું....!?”

            “કઈં નઈ....!ત... તને બઉ મિસ કર્યો....!” લાવણ્યા સિદ્ધાર્થની ચેસ્ટમાં તેનું માથું ભરાવીને બોલી “તું તો વે’લ્લાં વે’લ્લાં આઈ ગ્યો....!” લાવણ્યાએ તેની સામે જોયું “હજીતો સાડાં ત્રણ થયાં છે....!?”    

            “તે ફોન ઉપર વાત અધૂરી મૂકીતો ....! તો મારું મન જ નાં લાગ્યું કશે....!” સિદ્ધાર્થ હવે લાવણ્યાની કમર ફરતે તેનાં હાથ ભેરવીને બોલ્યો.

            “ઓહ બેબી....!સોરી....! મેં ત...તને ફાલતુમાં ટેન્શન આપી દીધી...!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

            “બોલને શું વાત હતી....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “અરે...કોઈ ખાસ વાત ન’તી....!” લાવણ્યા તેનું માથું ધૂણાવીને બોલી “એતો બસ....! મારી મમ....!” લાવણ્યા ખચકાઈ “મ....મને એક ખરાબ સપનું આ’યુંતું....! એટ્લે મને ટેન્શન થઈ ગ્યું’તું બસ....!”

            “સાચું....!?” સિદ્ધાર્થે આંખ ઝીણી કરીને પૂછ્યું

            “હાં...હાં.... સાચું...!” લાવણ્યા નજર ચોરી કરતાં બોલી “તું જવાંદેને એ બધી વાત....! ચલને જલદી...! તું વે’લ્લો આયો છેતો ....! તો....આપડે ફટાફટ મારું કામ પતાવીને રિવરફ્રન્ટ જઈએ....! એટલો વધારે ટ...ટાઈમ સ્પેન્ડ કરવાં મલશે....!”

            “સારું...! પણ ક્યાં જવું છે...!? એતો કે’….!?” બાઇકનાં લોકમાં ભરાવેલી ચાવી ઘુમાવીને સિદ્ધાર્થ બાઇક ઉપર બેઠો.

            લાવણ્યા ઘોડો કરીને તેની પાછળ બેસી ગઈ.

            “તને કીધું છેને....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં બંને હાથ પકડીને પોતાની ચેસ્ટ ઉપર મૂક્યાં “તારે કાયમ મારી પાછળ આજરીતે બેસવાનું...!”

            “હું બસ હાથ મૂકવાનીજ હતી....!”  લાવણ્યાએ હવે તેની દાઢી સિદ્ધાર્થનાં ખભાં ઉપર ટેકવી અને સરકીને તેને ચીપકી ગઈ“ચાલ...! લૉ ગાર્ડન લઈલે...!”

            “લૉ ગાર્ડન....!? કઈં લેવાનું રઈ ગ્યું કે શું....!?” બાઇકને ગિયરમાં નાંખીને સિદ્ધાર્થે બાઇક ચલાવી દીધું.

            “હાં....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં કાને એક હળવી બાઇટ કરીને કહ્યું “કઇંક લેવાનું છે....!”

            “હી...હી....!” લાવણ્યાએ કાને બાઇટ કરતાં સિદ્ધાર્થથી હળવું હસાઈ ગયું.

            “શું લેવાનું છે....એ તો કે....!?” સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું અને બાઇકની ઝડપ વધારી.

            “ના....નઈ કે’વું....! ત્યાંજ જઈને કઇશ....!” છેક લૉ ગાર્ડન પહોંચ્યાં સુધી તે સિદ્ધાર્થને ચિડાવતી રહી.

***

            “પાંત્રીસો રૂપિયાનો તો કઈં કુર્તો હોતો હશે યાર....!” સિદ્ધાર્થ ફરી સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

            “હોય તોજ લોકો વેચતાં હોયને....!” લાવણ્યા તેની સામે જોયાં વગર ચાલતાં-ચાલતાં બોલી.

            સિદ્ધાર્થની ના છતાં પણ લૉ ગાર્ડન લઈ આવેલી લાવણ્યાએ સિદ્ધાર્થ માટે કુર્તો ખરીદવાંની પોતાની જિદ્દ પૂરી કરી હતી. લગભગ એક કલ્લાક જેટલું લૉ ગાર્ડનના માર્કેટમાં છ-સાત સ્ટૉલોમાં ફેરવ્યાં પછી લાવણ્યાએ છેવટે એક સ્ટૉલમાંથી બ્લેક કલરનો કુર્તો ગમાડયો હતો. પોતાને ગરબા આવડતાં નથી, ગરબાનો શોખ નથી વગેરે સિદ્ધાર્થનું એકેય બહાનું લાવણ્યાએ ચલાવ્યું નહોતું અને બ્લેક કલરનો જરીવાળો કુરતો લઈ લીધો હતો.

            “અને આખો કલ્લાક પૂરો કરી નાંખ્યો.....!” સિદ્ધાર્થ હવે વધુ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો. 

            તે લાવણ્યાને મેરેજ વિષે કહેવાં ઉતાવળો થયો હતો પણ કોઈને કોઈએ કારણસર તેની વાત કહેવાની રહી જ જતી હતી અને સમય લંબાતો જ જતો હતો.

            બંને હવે ચાલીને સિદ્ધાર્થે પાર્ક કરેલાં તેનાં રોયલ એનફિલ્ડ પાસે આવીને ઊભાં રહ્યાં. આગલાં દિવસની જેમજ નવરાત્રિની ભીડને લીધે સિદ્ધાર્થે તેનું બાઇક ચણિયાચોલી માર્કેટથી થોડું દૂર પાર્ક કર્યું હતું.

            “પાંચ વાગી ગ્યાં....!” સિદ્ધાર્થ તેનાં મોબાઇલની સ્ક્રીનમાં ટાઈમ બતાવતાં બાળક જેવુ મોઢું કરીને બોલ્યો “મારે તારી જોડે રિવરફ્રન્ટ જવું’તું.....!”

            “હાં તો...મારે પણ જવુંજ છેને...! હું ક્યાં ના પાડું છું....! ચલને....!” લાવણ્યા મનાવતી હોય એમ પ્રેમથી ભારપૂર્વક બોલી.

            “શું ચલને....!?” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો “પંદર મિનિટ જવાની ને પંદર મિનિટ આવવાંની....! સાડાં પાંચ તો એમજ થઈ જશે....! તો શું અડધો કલ્લાક માટેજ જોડે રેવાનું...!?”

            “Aww માલું બેબી.....!” લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂકીને બોલી “શું કામ આવો ગુચ્ચો કલે છે....! હું છુંતો ખલા તાલી જોડે....! અડધો કલ્લાક શું કરવાં...!? તું કે’ ત્યાંસુધી રોકાઈશું....!”

            “એકતો તું મને આરીતે “બેબી-બેબી” કે’વાનું બંધકર....!” લાવણ્યાનો હાથ પોતાનાં ગાલ ઉપરથી હટાવીને સિદ્ધાર્થ એવાજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “એય પાછી તું આ રીતે કાલી ભાષાંમાં બોલે છે....! મને નઈ ગમતું....!”

            “હું તો કે’વાનીજ...! તું કેવો નાનાં બેબીની જેમજ ગુસ્સો કરે છે જોને...!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ગાલ ખેંચ્યો.

            “લાવણ્યા અ....!” સિદ્ધાર્થ હવે વીલું મોઢું કરીને તેની સામે જોઈ રહ્યો “મારે ખરેખર તારી જોડે ટાઇમ સ્પેન્ડ કરવો’તો યાર....!”

            “તો....તો...! તું આમ અપસેટ કેમ થઈ જાય છે જાન....!” લાવણ્યા હવે ફરી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂકીને બોલી “મેં કીધું તો ખરાં....! મારે પણ તારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે....! આપડે મોડાં સુધી રોકાઈશું...!”

            “શું મોડાં સુધી રોકાઈશુ....!?” સિદ્ધાર્થ ફરી સહેજ ચિડાયો “છ વાગે તો તારે અહિયાં જ પાર્લરમાં પાછું તૈયાર થવાં આવવાંનું છે....! પાંચ તો વાગી ગ્યાં...!”

            “નઈ આવું છ વાગે મારે...! હું સાત વાગ્યા સુધી રોકાઇશ બસ....!” લાવણ્યા મીઠો છણકો કરીને બોલી “એમ પણ...! મારે ક્યાં સ્કીન વ્હાઇટનિંગની જરૂર છે....!? હું તો “મા...ખણ” જેવી નથી....!હમ્મ..!?”

            લાવણ્યા જેરીતે તેની આઇબ્રો નચાવી લહેકો લઈને બોલી સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું.

            “ઓહો....! કેટલો ક્યૂટ લાગે છે....! હસને...હસ....!” લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચવાં માંડ્યાં.

            “સ...અરે....ધીરે પણ....! આટલું જોરથી કોઈ ખેંચે....!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ છોડાવ્યો.

            “ચાલ....! હવે જલદી....!” લાવણ્યાએ કુર્તાની બેગ એનફિલ્ડના હૂકમાં ભરાવી.

            “હૂકમાં ના ભરાઈશ....!” સિદ્ધાર્થે કુર્તાની બેગ લીધી અને તેને વચ્ચેથી ફોલ્ડ કરી દઈને એનફિલ્ડ બાઇકની એક બાજુએ લાગેલી લેધરની ચોરસ મજબૂત બેગમાં મૂકી દીધી.

            “જોડે લઈને ફરવું ના પડેને....!”  બેગને લોક મારતો સિદ્ધાર્થ બોલ્યો “અને સેફ પણ રે’... પાંત્રીસો રૂપિયાનો કુર્તો....હુંહ....!”

            ટોંન્ટ મારતો હોય એમ સિદ્ધાર્થ લાવણ્યા સામે ત્રાંસી આંખે જોઈને બોલ્યો અને એન્ફિલ્ડની બેગને આપેલાં લોકને બંધ કરવાં લાગ્યો.

            લાવણ્યા પણ મીઠો ગુસ્સો કરતો હોય એમ સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            લોક મારી સિદ્ધાર્થે ચાવી એન્ફિલ્ડના સ્ટિયરિંગ લોકમાં ભરાવી લોક ખોલ્યું અને બાઇક ઉપર બેસી સેલ માર્યો. લાવણ્યા ઘોડો કરીને તેને ચીપકીને બેસી ગઈ.

            “સીધુંજ લઈલે....! નળવાળાં સર્કલથી...! ગુજરાત કોલેજનો ઓવર બ્રિજછેને એની નીચેથી સીધું એલિસ બ્રિજ....!” લાવણ્યાએ સિદ્ધાર્થને રસ્તો બતાવવાં માંડ્યો.

            “હાં....!હાં....મિસ GPS….!” સિદ્ધાર્થ તેને ચિડાવતાં બોલ્યો.

            લાવણ્યાએ કીધાં પ્રમાણેના રસ્તે સિદ્ધાર્થે બાઇક મારી મૂક્યું. 

***

            “લવ....! દિવાળીમાં મારાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે......!” ભીની આંખે સિદ્ધાર્થે ઠંડા સ્વરમાં ધડાકો કરતાં કહ્યું “નેહાએ હાં પાડી દીધી છે....!”

            રિવરફ્રન્ટ આવીને બંને નીચેનાં ભાગે વૉક કરી રહ્યાં હતાં. સાંજનાં લગભગ સાડાં છ થઈ ગ્યાં હતાં.  શિયાળામાં વહેલાં સૂર્યાસ્તને લીધે રિવરફ્રન્ટની લાઇટ્સ ચાલુ કરી દેવાઈ હતી. નવરાત્રિને લીધે રિવરફ્રન્ટ ઉપર પણ સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું હતું. વરસાદનાં ભીનાં વાદળછાયાં વાતાવરણને લીધે રિવરફ્રન્ટનાં રોમેન્ટીક સુંદર માહોલમાં વધારો થયો હતો.   જોકે નવરાત્રીને લીધે અત્યારે  ભીડ થોડી ઓછી હતી. રિવરફ્રન્ટ આવ્યાં પછી વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ મોટેભાગે મૌન જ ચાલતો રહ્યો હતો અને લાવણ્યાને કહેવું કે ના કહેવુંની ભારે ગડમથલ પછી સિદ્ધાર્થે છેવટે લાવણ્યાને કહીજ દીધું.

            “આ દિવાળીએ મેરેજ છે અમારાં....!” સિદ્ધાર્થ બોલ્યો.

            લાવણ્યા હતપ્રભ ચેહરે સિદ્ધાર્થ સામે આઘાતથી જોઈ રહી હતી. તેણીની આંખમાં પાણી ધસી આવ્યું હતું. છેવટે ક્યારનો વરસું-વરસું કરી રહ્યો હોય એવાં ધોધમાર વરસાદની માફક લાવણ્યાની આંખમાંથી અચાનક આંસુઓનો વરસાદ “તૂટી” પડ્યો.  કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી. તેણીની એવી હાલત જોઈને સિદ્ધાર્થને પોતાની ઉપર જ ગુસ્સો આવવા લાગ્યો. ક્યાંય સુધી મૌન થઈને લાવણ્યા વિચારતી રહી અને તેની આંખોમાંથી પાણી વહેતું રહ્યું.

            “તો....તો....! તું સ...સ...સાચે નેહા....જ....જોડે મેરેજ કરી લઇશ...!?” નાનાં બાળક જેવું મોઢું બનાવી લાવણ્યાએ માંડ-માંડ તૂટતાં સ્વરમાં પૂછ્યું.

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર ભીંજાયેલી આંખે તેની સામે જોઈ રહ્યો.

            “મ્મ...મ...હું.....સ.....સારી છ...છોકરી નઈ એટ્લેને....!?”  

            “તું કેમ આવું ....!” સિદ્ધાર્થે વ્હાલથી તેણીના ગાલ ઉપર હાથ મૂક્યો.

            “હ...હું....ત....તારી કેયર નઈ કરતી એટ.....એટ્લેને....!?બોલ....!?” લાવણ્યા પરાણે પોતાને ભાંગી પડતી રોકી રહી હતી. 

            “લાવણ્યા....અ..!”

            “પણ....પણ સિદ.....! એ....એ. છ....છોકરી નઈ સારી તારાં માટે.....!” લાવણ્યા રડતી આંખે બોલી “એ તને કેટલું ટ...ટોર્ચર કરે  છે....! મેરેજ પ.....પછી પણ ત....તને ટોર્ચર કરશે તો....!?”

            “હું ....! હું મજબૂર છું લવ....!” કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થે માત્ર આંખો વડે કહ્યું.

            લાવણ્યા તેની આંખોમાં એ શબ્દો વાંચી ગઈ. 

            “અ....આવું થ.... થોડી ચાલે..... સિદ....!? ત....તને....તને એ ....ના...ગમતી હોય...તો.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર  પ્રેમથી હાથ મૂક્યો “તોય....ત...તારી ઉપર બધાં જ....જોરજોરાઈ કરે....! એવું થોડી ચાલે....!? તું....તું...તારાં ફેમિલીને કે’ને...ક....કે તને એ નઈ ગમતી....! એ નઈ સારી....! કે’ને એમને...!”

            “લવ....હું....!” ભીંજાયેલી આંખે સિદ્ધાર્થે લાવણ્યાની સામે દયામણી નજરે જોયું.    

            “તો...તો...હું કઉં...! તારાં ફેમિલીને...!?” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “હું આવું તારાં ઘરે....!?”

            “લવ...!”

            “નઈ...નઈ...! હું....કેમની આવું...!? મ્મ....મનેતો...! તારાં ફેમિલીવાળાં….! તારાં ઘ...ઘરમાં પણ નઈ ઘૂસવાંદેને......!” ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી “હું તો...હું...તો....ક...કચરો છુંને......! કચરો...!”

            “લાવણ્યા....!?” આઘાત લાગ્યો હોય એમ સિદ્ધાર્થ હતપ્રભ થઈને ભીંજાયેલી આંખે તેણીની સામે જોઈ રહ્યો.

            “ત....તારાં....તારાં....ઘરનાં ડ...ડસ્ટબીન પણ....મારાં ક...કરતાં વધારે ચ...ચોખ્ખાં હશેને....!?”

            “શું બોલે છે તું આ બધું.....!?”  લાવણ્યાના એવાં શબ્દો સાંભળીને સિદ્ધાર્થને હવે આશ્ચર્ય થયું.  

            “હું તો....હું...તો ક.....ક...કચરો છું સિદ....! તારાં ઘરમાં હું...હું...સૂટ ના થાઉં.....!”

            “લાવણ્યા .......! શું થઈ ગયું તને....!? આ બધું શું ..!”

            “I’m....a sl*t….! A b*tch…..! a wh*re….!” લાવણ્યા હવે ભાન ભૂલીને બબડાટ કરવાં લાગી “મને થોડી તું ઘ...ઘ...ઘરે લઈ જઈ શકે...!”

            “ઓહ ગોડ લવ....! આવું બધું કોણ કે છે તને....!? કેમ બોલે છે તું આ બધું..!?” સિદ્ધાર્થે હવે લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડી લીધો.

            “મને હાથ ન....ના લગાડ....! સિદ.....મને ના...અડને....!” લાવણ્યા પોતાનાં ચેહરાં ઉપરથી સિદ્ધાર્થનાં હાથ દૂર કરી તેનાંથી છેટે ખસતાં બોલી “ત...તારાં.....હ....હાથ ગંદા થઈ જશે....! તું...તું...અભડાઈ જઇશ....! ત....તારું કેરેકટર અભ...અભડાઈ જશે...!”

            “પ્લીઝ લવ શાંત થઈજા.....!” સિદ્ધાર્થ કાંપતાં સ્વરમાં ભીંજાયેલી આંખે તેની તરફ હાથ લંબાવીને બોલ્યો.

            “હું...હું...કીચડ છું.....! મ્મ...મને હાથ ના લગાડને....!”  સિદ્ધાર્થે તેની તરફ હાથ લંબાવતાં લાવણ્યા તરતજ તેનાથી વધુ દૂર ખસી ગઈ “મેં...ક...કીધુંને ....! હું...હું તો કીચડ છું....! મને અડીશ તો...તો...તારાં હ...હાથ ગંદા થશે....! દૂર રે’ને.....!”

            “લાવણ્યા કેમ આવું કરે છે યાર.....!?” સિદ્ધાર્થ પણ હવે રડું-રડું થઈ ગયો અને તેણે એકદમજ લાવણ્યાનાં બંને હાથ પકડીને પોતાની બાજુ ખેંચી લીધી.

            “મને...મને ના અડને....!” લાવણ્યા પોતાનાં હાથ મચેડતી છૂટવાં મથી રહી “તું....તું...અભડાઈ જઈશ....!”

            “લાવણ્યા...પ..પ્લીઝ....આવું બધુ ના બોલ યાર....!” સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે બોલતો રહ્યો.

            સિદ્ધાર્થને સાંભળ્યા વગર જ લાવણ્યા પણ હવે વધુને વધુ બબડાટ કરવાં લાગી.

            “હું...હું તો...હું. તો....તારી...તારી ર...રખેલ બનવાં પણ લાયક નથી...આ...!” ભાંગી પડેલી લાવણ્યા છેવટે મોટેથી રડી પડી અને પોતાનો ચેહરો તેનાં બંને હાથ વડે ઢાંકી દીધો “તારી રખેલ બનવાં પણ લાયક નથી.....!”

            “લાવણ્યા....! પ્લીઝ...! આવું બધું ના બોલને...!” સિદ્ધાર્થ પણ છેવટે રડી પડ્યો અને લાવણ્યાને પોતાનાં આલિંગનમાં દબાવી દીધી.

            “હું તારી રખેલ બનવાં પણ લાયક નથી.....!” લાવણ્યા ક્યાંય સુધી રડતી રહી અને બબડાટ કરતી રહી.

            સિદ્ધાર્થ તેણીને પોતાનાં આલિંગનમાં જકડીને શાંત કરાવાનો પ્રયત્ન કરતો રહ્યો. વાદળોનાં ગડગડાંટની વચ્ચે લાવણ્યાનું રુદન દબાવાં લાગ્યું.

***

            “આ બધું  તને નેહાએ કીધુંને.....!?” સિદ્ધાર્થ સાબરમતી નદીનાં પાણી તરફ શૂન્યમનસ્ક તાકી રહેલી લાવણ્યાને પૂછી રહ્યો હતો.

            બંને રિવરફ્રન્ટ ઉપર ત્યાંજ બનેલી બેઠકમાં સાબરમતી નદી તરફ મ્હોં રાખીને બેઠાં હતાં. ખાસ્સાં પ્રયત્ન બાદ લાવણ્યા છેવટે શાંત થઈ હતી. જોકે તે હજીપણ સૂનમૂન બનીને નદી તરફ તાકી રહી હતી. તેની આંખોમાંથી હજીપણ કોઈ કોઈવાર આંસુઓની ધાર વહીને નીકળી જતી હતી.

            “બોલ લવ.....!?” લાવણ્યાએ કોઈ જવાબ નાં આપતાં સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું “તને આ બધું નેહાએ કીધુંને....!?”

            “સાચું જ તો કીધું એણે....!” નદી સામે જોઈ રહીને લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી “હું....હું તારાં....લાયક નઈ સિદ....!”

            મનમાં નેહા ઉપર ગુસ્સે થયેલો સિદ્ધાર્થ દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

            “પ...પણ સિદ.....! ન....નેહા પણ તારાં માટે સારી છ...છોકરી નથી.....!” લાવણ્યા ડરતાં-ડરતાં બોલી “તું....તું....કોઈ બીજી સારી છ...છોકરી જોડે મેરેજ કરને....!”

            સિદ્ધાર્થ હજીપણ દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

            “મ્મ...મારી જોડે નઈ કે’તી.....! હું....હું....સારી છોકરી નઈ....! એટ્લે મારી જોડે નઈ” લાવણ્યા નાનાં બાળક જેવું મોઢું બનાવી નકારમાં માથું ધૂણાવી રહી “ ક....કોઈ બીજી સારી છ...છોકરી જોડે કઉ છું.......!”

            “લવ....તું....કેમ આવું....!”  વારે ઘડીએ લાવણ્યાના બદલાઈ જતાં બિહેવિયર અને મૂડને લીધે સિદ્ધાર્થને હવે ચિંતા થવા લાગી. 

            “ક...કામ્યા જોડે મેરેજ કરી લેને....!” લાવણ્યા ફરીવાર ઈમોશનલ થઈ ગઈ અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “એ...એ...બઉ સરસ છોકરી છે....! એ...એ તારી બહું કેયર કરશે....! ત...તને ટોર્ચર પણ નઈ કરે....!અને....અને...એ...વ...વર્જીન પણ છે...! હું...હું....વર્જીન નઈ એટ્લે હું તારાં માટે લાયક નથી.....!” 

            “લવ.....!” સિદ્ધાર્થની આંખ ફરી ભીંજાઇ ગઈ, તેણે પ્રેમથી લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “પ્લીઝ....! તું તારાં માટે આવું બધું બોલીને મને હર્ટ કરી રહી છું....!”

            “હું.....હું.....તને....!”

            “લાવણ્યા....!” સિદ્ધાર્થ હવે રડી પડતાં વચ્ચે બોલ્યો “મેં તને કદી એ રીતે નઈ જોઈ....! તું આવું બોલીને મનેજ હર્ટ કરે છે....!”

            “સિદ....હું...!”

            “આજ સુધી...જો કોઈએ મારી સૌથી વધુ કેયર કરી હોય....! તો એ તુંજ છે લવ....! અને જે લાવણ્યા ….! મારી એટલી કેયર કરે છે...! મારાં મનમાં એની એક અલગ ઇમેજ છે લવ....! કમસે કમ....! તું તો એ ઇમેજને ખરાબ નાં કર.....! પ્લીઝ....! એ ઇમેજને નાં ખરાબ કર.....!” બેઠક ઉપર બેઠાં-બેઠાંજ સિદ્ધાર્થ છેવટે લાવણ્યાનાં ખભે માથું મૂકીને રડી પડ્યો.

            “તું....તું....કેમ રડે છે....! જાન....!? આમજો....!મારી સામે જોને....!” સિદ્ધાર્થ રડી પડતાં લાવણ્યાએ તેનું મોઢું વ્હાલથી પકડી લીધું. આવું પ્રથમવાર થયું હતું કે સિદ્ધાર્થ જાહેરમાં આરીતે લાવણ્યા સામે રડ્યો હોય.

            “તું...તું નાં રોઈશને...! આમજો...! જાન.......! મારી સામેતો જો.....!”  લાવણ્યા પણ ફરી હવે ફરી રડી પડી “હું.....હું.....તો તને ખુશ જોવાં માંગુ છું...! ત.....તને હર્ટ થોડી કરવાં માંગુ છું....!? મ્મ.....મારાં લીધે તું....તું. રોવે.....! એ થોડી ચાલે....!? મને ના ગમે એવું....! પ્લીઝ જાન....! ના રો’ને.....!”

            લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલે આવી ગયેલાં આંસુઓને લૂંછવાં લાગી.

            “સિદ.....! તું....તું...રડતો નઈ સારો લાગતો....!” સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડીને લાવણ્યા બોલી “સોરી....સોરી....! હું...હું કોઈ દિવસ ત.....તને નઈ રોવાં દઉં.....!”

            લાવણ્યાએ સિદ્ધાર્થને આલિંગનમાં જકડી લીધો. સિદ્ધાર્થે પણ તેનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લઈને લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું.

            વરસાદી વાતાવરણનાં વાઈ રહેલાં ઠંડા પવનમાં લાવણ્યાના ઉષ્માભર્યા શરીરના આલિંગનથી સિદ્ધાર્થને રાહત થવાં લાગ્યો. લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.

            “બસ એમ થાય છે કે તને આમ જ વળગી રહું....!” લાંબા સમયનો થાક જાણે ઊતરતો હોય એવું અનુભવતાં લાવણ્યાને વળગીને સિદ્ધાર્થ વિચારી રહ્યો.

            થોડીવારનાં આલિંગન પછી સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે પોતાની પકડ વધુ કસી અને વધુ ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો.

            “ઓહ.....!” સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાં સહેજ વધુ સખત રીતે જકડતાં લાવણ્યાથી ઊંહકારો ભરાઈ ગયો. લાવણ્યાનાં ઉરજો હવે સિદ્ધાર્થ કઠોર છાતીને ભીંસાઈ ગયાં. આલિંગંનમાં વળગી રહીને લાવણ્યા હવે સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવી રહી.

            “હવે જઈએ....!?” છેવટે કેટલીક વધુ ક્ષણો વીતી ગયાં પછી સિદ્ધાર્થ લાવણ્યા સામે જોઈને બોલ્યો “બહુ મોડું થઈ ગ્યું છે....!”

            સિદ્ધાર્થ આજુ-બાજુ નજર ફેરવતાં બોલ્યો. કાળાં ડિબાંગ વાદળોને લીધે અંધારું વહેલું ઘેરાઈ ગયું હતું.

            “નઈ જવું....!” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવી માથું ધૂણાવવાં લાગી “તું....! આય....!” લાવણ્યાએ તેનાં બંને હાથ ખોલીને સિદ્ધાર્થને ફરી આલિંગનમાં લઈ લીધો “તું....તું....! રિલેક્સ થાં....! મ્મ...હું તને મૂકીને ક્યાંય નઈ જવું....! હમ્મ...!”

            “કોઈ વાંધો નઈ લવ….! ચાલશે....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં લાવણ્યાની સામે જોઈને બોલ્યો.

            “ક......કેમ....!? હું નઈ ગમતી....!? મારું...મારું આલિંગન પણ ન...નઈ ગમતું...!?” લાવણ્યા પાછી ઈમોશનલ સ્વરમાં બોલી “ત...તું તો કે’તો’તો....! તને બહુ ગમે છે....! અને...અને તું રિલેક્સ પણ થઈ જ....જાય છે....! તો....તો હવે કેમ વળગવાંની ના પાડે છે...!? હું...હું નઈ ગમતીને તને....! બોલ...!?”

            “એવું નથી લવ....!” સિદ્ધાર્થ એવાંજ ધિમાં સ્વરમાં ઉદાસ ચેહરે બોલ્યો અને લાવણ્યાને ફરીવાર એજરીતે જોરથી જકડી લીધી.

            “ઓહ....! સિદ...! ધીરે....!” સિદ્ધાર્થે એટલું સખતરીતે આલિંગન આપ્યું કે લાવણ્યાની પીઠ  સિદ્ધાર્થનાં મજબૂત હાથની પકડથી ભીંસાઈ ગઈ.

            “થોડું સહન કરીલેને લવ....!” સિદ્ધાર્થ એજરીતે વળગી રહીને ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો “હવે પછી તું….. તું મને થોડી મળવાની....!? બરોડાં જતાં રહ્યાં પછી....! ક્યાં તને વળગવાં મલવાનું...!?”     

            “તું.....તું....આવું કેમ બોલે છે....!?” લાવણ્યાનો સ્વર ફરી ગળગળો થઈ ગયો અને તે સિદ્ધાર્થનાં ચેહરાંને વ્હાલથી પકડીને બોલી “હું....હું....તારીજ તો છું....! તારે...જ...જ્યારે મને વળગવું હોય....ત...તારો હકછે.....! મારી ઉપર....! હું.....! હું.....આઈશને બરોડાં....! આઈ પ્રોમિસ...! ત....તને જ્યારે જરૂર પડે ત્યારે મને કે’જેને....!”

            ““હું....હું....તારીજ તો છું....!”

             “તારે...જ...જ્યારે મને વળગવું હોય....ત...તારો હકછે.....! મારી ઉપર....! મારી ઉપર....!”

            “કાશ આવું થઈ શકતું હોત...!” લાવણ્યાના એ શબ્દો મનમાં પડઘાતા હોય એમ સિદ્ધાર્થ મનમાં વિચારી બબડ્યો અને કઈંપણ બોલ્યાં વગર આડું જોઈ રહ્યો.

            “મ....મેરેજ પછી....! ત...તું મને નઈ મલે....!?” લાવણ્યા આંખો મોટી કરીને નાનાં બાળકની જેમ મોઢું બનાવીને પૂછી રહી “ન....નેહા....! તને મારી જોડે વાત નઈ કરવાંદે...!? મ....મ....મલવાં પણ નઈદે....!?”

            ફરીવાર સિદ્ધાર્થ સૂચક મૌન જાળવી રહ્યો અને તેની સામે ભીંજાયેલી નજરે જોઈ રહ્યો.

            “આવું....આવું...થોડી ચાલે કઈં....!?” લાવણ્યા ફરી રડી પડી અને નારાજ સૂરમાં બોલી “ મારે....! મલવું હોય તો ....તો....!? તો કઈં મલાય પણ નઈ....!? મ....મ...મારો ક...કોઈ હક નઈ......!?”  

            “લાવણ્યા...! પ્લીઝ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને પોતાની નજીક ખેંચી લીધી.

            “થ.....થોડો હક પણ ન...નઈ આપે મને....!?” લાવણ્યા દયામણું મોઢું કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            “લવ.......!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂક્યો અને તેનાં કપાળે પોતાનું કપાળ અડાડ્યું.

            “સિદ....સિદ....! થોડો...થોડો હકતો આપજે....! એક...એક ફ્રેન્ડ તરીકે....! ફ...ફ્રેન્ડ તો hug કરીજ શકેને...!?” લાવણ્યા હવે નાનાં બાળકોની જેમ બહાનાં ગોતવાં લાગી “હું....હું....ફ્રેન્ડતો છુંજને તારી...!?”

            “મને...મને પણ તને વળગવું ગ..ગમે છે સિદ....! બઉ ગમે છે.....! મને પણ જરૂર હોય છે.....! તો...તો....હું ક્યાં જઈશ....!?” લાવણ્યા એજરીતે બોલી.

            “બસ લવ....! હવે આ બધું છોડ....!” સિદ્ધાર્થ લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં બોલ્યો અને ફરીવાર તેણીને વળગી પડ્યો “ફ્યુચરની ચિંતા નાં કર....! બસ....! તું જ્યાં સુધી છે મારી જોડે ત્યાંસુધી....! ત્યાંસુધી મને મનભરીને વળગી લેવાંદે....! મનભરીને વળગી લેવાદે....!”

            “ઓહ મારું બેબી.....!” લાવણ્યા હવે વધુ રડવાં લાગી “મારું બેબી.....! તું....તું...ક્યાં જઈશ પછી મારાં વગર....!?”  

             સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાને વળગી રહ્યો. ક્યાંય સુધી વળગીને બંને એકબીજાંનું મન હળવું કરતાં રહ્યાં.

            “તો....તો....તું સાચે દિવાળી વ...વેકેશન શરૂ થશે એટ્લે જતો રઈશ....!?” થોડીવાર પછી લાવણ્યા એજરીતે દયામણું મોઢું કરીને બોલી.

            “લવ...! મેં કીધુંને....! પપ્પાએ પે’લ્લેથી શરત કરીનેજ મોકલ્યો’તો....! દિવાળીએ પાછાં આવતાં રે’વાની.....!”

            લાવણ્યા હવે નાનાં બાળકની જેમ પોતાનાં હાથની આંગળીઓનાં વેઢાં ગણવાં લાગી.

            “આ શું કરે છે તું....લવ..!?”  વેઢાં ગણી રહેલી લાવણ્યાને જોઈને સિદ્ધાર્થને નવાઈ લાગી.

            “દ.....દિવસો ગ.....ગણું છું....!” લાવણ્યા એજરીતે વેઢાં ગણતાં બોલી “ખ.....ખાલી...એકવીસ દિવસજ જોડે રે’વાં મલશે.....!?”

            “લવ.....!” લાવણ્યાનાં રઘવાટને જોઈને સિદ્ધાર્થે પ્રેમથી તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો.

            “તું....તું...ખાલી એકવીસ દિવસજ રે’વાનો મારી જોડે...!?” લાવણ્યા ફરી સૂધબૂધ ખોઈ બેઠી “પ...પછી તું..તું... મને ક.... કાયમ....! છોડીને જતો રે’વાનો....!?”

            સિદ્ધાર્થે ફરી એકવાર લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી. ફરીવાર એજ લાગણીઓનું ઘોડાંપૂર ઉમટી પડ્યું.   

            “સિદ...સિદ....હું....હું...ત...તારી જોડે એક પ્રોમિસ માંગુ તો....તો આપીશ....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં બંને હાથ તેનાં હાથમાં પકડી લઈને નાનાં બાળકની જેમ આંખો કરીને પૂછ્યું.

            “શું....!? બ....બોલને....!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.

            “આ....આ..એકવીસ દિવસ મારી જ....જોડેજ રે’જેને....!” લાવણ્યા દયામણા સ્વરમાં ડિમાન્ડ કરતી હોય એમ સિદ્ધાર્થનાં હાથ બેચેનીપૂર્વક દબાવતી-દબાવતી બોલી “પ્રોમિસ કર...! તું....તું એકેય દિવસ ર....રજા નઈ પાડે....! પ્રોમિસ કરને...!એક....એકેય રજા નઈ પાડે...! પ્લીઝ....!”

            “અ....આઈ પ્રોમિસ લવ....!” સિદ્ધાર્થ પરાણે તેનો સ્વર સરખો કરતાં બોલ્યો “એકેય રજા નઈ પાડું....! હમ્મ...!”

            સિદ્ધાર્થે લાવણ્યાનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવ્યો.

            “સ.....સન્ડે પણ મ.....મારી જોડે રે’જેને....!પ્લીઝ....!” લાવણ્યા આશાભરી નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            “પ્લીઝ લવ....! તું આવું ના કર....!” સિદ્ધાર્થ છેવટે ફરીવાર લાવણ્યાને વળગી પડ્યો “એટલો પ્રેમ ના કર કે તારાંથી દૂર જતાં-જતાં મારો જીવ નીકળી જાય...!”

            “હાય બાપરે....!” લાવણ્યા હબકી ગઈ “તું....તું આવું કેમ બોલે છે...!?”

            “લાવણ્યા હું...!”

            “સિદ.....! જાન....!”  લાવણ્યાએ વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂક્યો “તારાં વગરની લાઇફ....! હું...હું....! તો ઈમેજિન પણ નઈ કરી શકતી.....!” લાવણ્યાને હવે સિદ્ધાર્થનાં એકસીડેંન્ટ વાળાં દિવસો યાદ આવી ગયાં “તું....તું....! આવું ના બોલને....!”

            “તું કેમ આવી છે યાર....!?” સિદ્ધાર્થ લાવણ્યા સામે ભીંજાયેલી આંખે જોઈ રહ્યો અને મનમાં બબડ્યો.

            “સિદ.....! તને કઇંક થઈ ગ્યું.....! તો....તો....હું ક્યાં જઈશ....!? મ્મ....મારુ શું થશે...!? બોલ....!?”      

            “તારી આદત પડી ગઈ છે લવ.....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો “જરૂરિયાત બની ગઈ છે તું મારી....!”

            “તો...તો....! હું....હું....તારીજ તો છું જાન....!” પોતાનાં બંને હાથમાં સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડી લાવણ્યા ભારપૂર્વક બોલી “આઈ પ્રોમિસ....! તું...તું જ્યારે કઈશ.....! ત...તને જ્યારે જરૂર પડે .....! ત્યારે હું તારી જ...જોડે આઈ જઈશ બસ....! હું....હું...તારીજ છું....! હોને....!”

            લાવણ્યા છેવટે સિદ્ધાર્થને આલિંગનમાં જકડી લઈને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી. ક્યાંય સુધી બંને એકબીજાંને વળગી રહ્યાં.

 

***

            “હજીતો બધાં અંહિયાંજ ઊભાં છે….!?”  

લાવણ્યાનો હાથ પકડીને લૉ-ગાર્ડનનાં ચણિયાચોલી માર્કેટની પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલતાં-ચાલતાં સામેની બાજુ જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

પાર્લરમાં જવાનો ટાઈમ ક્યારનો થઇ ગયો હોવાથી રિવરફ્રન્ટથી નીકળી તેઓ લૉ-ગાર્ડન આવી ગયાં હતાં. છેલ્લી ઘડીની ખરીદીની ભીડ હોવાથી અગાઉની જેમજ બાઇક સહેજ દૂર પાર્ક કરીને બંને ચણિયાચોલી માર્કેટની આગળ બનેલી  પેવમેંન્ટ ઉપર ચાલી રહ્યાં હતા અને સામેનાં જે મોલમાં નવરાત્રિ માટે તૈયાર થવાં લાવણ્યા &  ફ્રેન્ડ્સને જવાનું હતું તે તરફ  જઈ રહ્યાં હતાં.

            “સવાં સાત થઈ ગયાં.....!” સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરીને બીજી તરફ જવાં લાગ્યો “તો પણ બધાં તારી વેઇટ કરે છે....!”

            સિદ્ધાર્થે લાવણ્યા બાજુ જોયું. રસ્તાંનાં ડિવાઇડર ઉપર બંને ઊભાં હતાં. લાવણ્યા સામે મોલની આગળનાં કમ્પાઉન્ડમાં ઉભેલાં કામ્યા, અંકિતા અને ત્રિશા સામે જોઈ રહી. ત્રણેય આજુબાજુ ડાફોળિયાં મારી રહ્યાં હતાં અને લાવણ્યા કઈં બાજુથી આવશે તે જોઈ રહ્યાં હતાં.

            “એ...! લાવણ્યા....!?” બંને હવે લગભગ મોલનાં કમ્પાઉન્ડની નજીક પહોંચવાં આવતાંજ તેમને જોઈને કામ્યા અને અંકિતાની વચ્ચે ઊભેલી ત્રિશા મોટેથી બોલી પડી. કામ્યા અને અંકિતાએ એ તરફ જોયું. 

            “લાવણ્યા....! શું યાર તું પણ.....!” કમ્પાઉન્ડનાં પગથિયાં ચઢીને જોડે આવી ગયેલી લાવણ્યાને ઉદ્દેશીને અંકિતા નારાજ સ્વરમાં મોટેથી બોલી “કેટલાં ફોન કર્યા  તને....!?”

            “સોરી....!” લાવણ્યા ઔપચારિકતા ખાતર બોલતી હોય તેમ ભાવવિહીન સ્વરમાં બોલી.

            “શું સોરી...!?”અંકિતા વધુ ચિડાઈ “તામારાં બેયનો ફોન એક સાથે બંધ કરી દીધો....!? આ ટાઈમ તો જો...... સવા સાત થઈ ગયાં યાર....! અમે લોકો છ વાગ્યાંનાં રાહ જોઈએ છે....!        

            “સિદ્ધાર્થ....! યાર તારેતો કમસે કમ સમજવુંતું....!” કામ્યા ધિમાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

            “તો ....શું....!?” સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાંજ અંકિતા ઉગ્ર સ્વરમાં બોલી “તનેય ખબર નથી પડતી કે અમારે પાર્લરમાં ટાઈમ જશે....!?”

            “તમે લોકો એને કઈં નાં કો....!” લાવણ્યા સહેજ ચિડાઇને પહેલાં કામ્યા સામે અને પછી અંકિતા સામે જોઈને બોલી “એનો કોઈ વાંક નથી...! બધો વાંક મારોજ છે...! મેં અમારાં બેયનાં ફોન સ્વિચ ઓફ કરી દીધાં’તાં અને....અને....મેં જ એને રોકી રાખ્યો’તો.....એ તો...એતો ક્યારનો મને અંહિયાં આવવાંનું કે’તો’તો....! હુંજ ન’તી આવતી....! મારેજ એની જ...જોડે ટાઈમ સ્પેન્ડ કરવો’તો એટ્લે......!”

            “જો છે...!” લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં બોલતાં અંકિતા વધુ અકળાઈ “એકતો મોડાં આવવાનું....! અને પાછું આરીતે વાત કરવાનું....! મારે નઈ આવવું હવે....! જાઓ હવે તમે લોકો....!” બોલતાં-બોલતાં અંકિતા રડી પડી અને ત્યાંથી કમ્પાઉન્ડની બહાર જતાં પગથિયાં ઉતરી જવાં લાગી.

            “અરે અંકિતા....!” કામ્યા અને ત્રિશા લગભગ સાથેજ બોલ્યાં અને અંકિતાને મનાવવાં માટે તેની પાછળ ગયાં.

            “અંકિતા....! શું તું પણ....!” કામ્યાએ અંકિતાનું બાવડું પકડીને ઊભી રાખી “સાવ નાનાં બાળકો જેવું કરે છે......!”

            “અંકિતા....!”  સિદ્ધાર્થ હવે પાછળથી આવીને અંકિતાની આગળ ઊભો રહ્યો. અંકિતાનાં હાથ પોતાનાં હાથમાં લઈને વાત કરવાં લાગ્યો. હાઇટમાં અંકિતાથી ખાસ્સો ઊંચો હોવાને લીધે તે નીચું જોઈને બોલી રહ્યો.

            “પ્લીઝ....! સોરી યાર....!” ઉદાસ ચેહરે સિદ્ધાર્થે એકદમ ધિમાં સ્વરમાં અંકિતા સામે જોઈને કહ્યું “મારાં લીધે મોડું થઈ ગયું....! પ્લીઝ.....! સોરી અગેઈન....! હવે તૈયાર થઈ જાઓ...! અને અડધો કલ્લાક મોડું થશેતો પણ ચાલશે...! હમ્મ....!”

            સિદ્ધાર્થનાં ઉદાસ અને નિસ્તેજ થઈ ગયેલાં ચેહરાંને અને તેનાં ઊર્જા વિનાનાં સ્વરને સાંભળીને અંકિતાનો બધો ગુસ્સો તરતજ ઉતરી ગયો અને તેની સાથે કામ્યા અને ત્રિશા પણ નવાઈ પામીને તેની સામે જોઈ રહ્યાં.   

            “તૈયાર થઈને કોલેજ આવો....! હું પણ આવુંજ છું.....!” લાવણ્યા સામે જોઈને સિદ્ધાર્થ એવાંજ ઉદાસ ચેહરે અને એવાંજ ધિમાં સ્વરમાં બોલ્યો “બાય....!”

            બધાં સામે જોઈને પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન કરીને સિદ્ધાર્થ મોલનાં કમ્પાઉન્ડનાં પગથિયાં ઉતરી ગયો અને રસ્તો ક્રોસ કરીને બીજી બાજુ જવાં લાગ્યો. લાવણ્યા સહિત અંકિતા, કામ્યા અને ત્રિશા પણ તેની પીઠ સામે તાકી રહ્યાં. જતાં-જતાં સિદ્ધાર્થે એકવાર પણ પાછું વળીને જોયું નહીં.

            “લાવણ્યા....!?” કામ્યાએ હવે લાવણ્યા સામે જોઈને કહ્યું.

            લાવણ્યા પણ સિદ્ધાર્થને જતો જોઈ રહી હતી. ભાંગી પડેલાં સિદ્ધાર્થનાં એ વ્યવહારથી લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઇ ગઈ. 

            “શું થઈ ગયું આ છોકરાંને....!?” કામ્યાએ ઢીલી થઈ ગયેલી લાવણ્યાને પૂછ્યું.

            “હાં....! અચાનક શું થઈ ગયું....!?” ત્રિશાએ પણ પૂછ્યું.

            કઇંક “મોટી” વાત છે એની આશંકાથી ડરેલી અંકિતા ભીંજાયેલી આંખે લાવણ્યાની સામે જોઈ રહી. લાવણ્યા હજીપણ ભીની આંખે જઈ રહેલાં સિદ્ધાર્થને જોઈ રહી હતી. તે હવે સામેની બાજુ ચણિયાચોલી માર્કેટની ભીડમાં ચાલી રહ્યો હતો.

            “લાવણ્યા....! શું વાત છે બોલને....!?” છેવટે અંકિતાએ કાંપતાં-કાંપતાં પૂછ્યું “કેમ આ છોકરો સાવ આવો થઈ ગ્યો....!”

            “મૂરઝાઇ ગ્યો બિચારો....!” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા સિદ્ધાર્થનાં એ નિસ્તેજ ચેહરાંને યાદ કરતાં ભીનાં સ્વરમાં બોલી “દિવાળીમાં.....દિવાળીમાં.....! એનાં...એનાં....! મેરેજ ફિક્સ થઈ ગયાં “ડૂસકાં લેતી-લેતી લાવણ્યા માંડ બોલી “નેહા.....નેહા....નેહાએ “હા” પાડી દીધી.....!”

            “હે ભગવાન.....!” કામ્યા હતપ્રભ થઈ ગઈ અને આંખો મોટી કરીને બોલી.

            આઘાતની મારી અંકિતાથી તેનાં હોંઠ ઉપર હાથ મુકાઇ ગયો. ત્રિશા પણ ફાટી આંખે લાવણ્યા સામે જોઈ રહી. કામ્યા અને અંકિતા એકબીજાંનાં મોઢાં તાકી રહ્યાં.

            ડૂસકાં ભરતાં-ભરતાં લાવણ્યાએ આખી વાત કહેવાની શરૂ કરી. 

***

            “હું....હું....તારીજ તો છું જાન....! તારીજ તો છું જાન....!”

 “આઈ પ્રોમિસ....! તું જ્યારે કઈશ.....!

તને જ્યારે જરૂર પડે .....! ત્યારે હું તારી જોડે આઈ જઈશ....!

હું....હું...તારીજ છું....! હોને....!”

અત્યંત ભાવપૂર્વક લાવણ્યાએ કહેલાં એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં હજી પણ પડઘાઈ રહ્યાં હતાં.

લૉ-ગાર્ડન પાર્લરમાં લાવણ્યાને ઉતારીને સિદ્ધાર્થ યુનિવર્સીટી ઋતુરાજ ચાની કીટલીએ ચા પીવા આવ્યો હતો. લાવણ્યાએ જાણે તેનું આખું હૃદય અને મન તેણીના વિચારોથી ભરી દીધું હોય એમ સિદ્ધાર્થ એક સેકન્ડ માટે પણ લાવણ્યાના વિચારોથી મુક્ત નહોતો થઇ શકતો.

             “તારાં વગરની લાઇફ.. તો હું ઈમેજિન પણ નઈ કરી શકતી.....! ઈમેજિન પણ નઈ કરી શકતી.....!”

            “જેની સાથે આખી લાઈફ વિતા’વી ‘તી...!” લાવણ્યાના એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થ બબડ્યો “એને બસ બદલો જ લેવો છે....! અને તું.....!”

            જાણે લાવણ્યા સાથે વાત કરી રહ્યો હોય એમ સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            “તું લવ....તું મારાં વગરની લાઈફ ઈમેજીન પણ નઈ કરી શકતી....!”

“આ....આ..એકવીસ દિવસ મારી જ....જોડેજ રે’જેને....!”

અત્યંત દયામણા સ્વરમાં જયારે લાવણ્યાએ ડિમાન્ડ કરી ત્યારે સિદ્ધાર્થથી પોતાને રોકી ના શકાયું.

“એક -એક સેકન્ડ તું મારી જોડે વિતા’વા તરસે છે...! અને જેની સાથે આખી જિંદગી વિતા’વાની છે....એને મારી જોડે એક સેકન્ડ પણ વાત કરવાની ફુરસદ નથી....! દર સેકન્ડે ખાલી બદલો જ દેખાય છે....!”

“ત...તારો હકછે.....! મારી ઉપર....! મારી ઉપર....!”

“કોઈ જાતના બંધન વિના જ કે સંબંધ વિના જ તે મને તારી ઉપર હક આપી દીધો લવ....! તું ખરેખર ઉખાણાં જેવી છે....! તને સમજવી બઉ અઘરી છે....!” 

“આઈ પ્રોમિસ...! તને જ્યારે જરૂર પડે ત્યારે મને કે’જે....! હું આઈશને બરોડાં....! આઈશને બરોડાં ...!”

ચા ની કીટલીએ બેઠાબેઠા ક્યાંય સુધી સિદ્ધાર્થ લાવણ્યા વિષે વિચારતો રહ્યો. ઇચ્છાવા છતાંય તે લાવણ્યાના વિચારોમાંથી મુકત ના થઇ શક્યો.

“ટ્રીન...ટ્રીન.....ટ્રીન.....!” ત્યાંજ તેનો ફોન રણક્યો.

જીન્સના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી સિદ્ધાર્થે નંબર જોયો. કૉલ નેહાનો હતો.

“હું તો તારી રખેલ બનવાં પણ લાયક નથી....!”

નેહાનો નંબર જોતાજ સિદ્ધાર્થને એ બધાં શબ્દો યાદ આવી ગયા જે લાવણ્યાને નેહાએ કહ્યાં હતાં. અને રડતાં-રડતાં લાવણ્યાએ એ બધું સિદ્ધાર્થને કહ્યું હતું.

            “હું તો....હું...તો ક.....ક...કચરો છું સિદ....! તારાં ઘરમાં હું...હું...સૂટ ના થાઉં.....! .સૂટ ના થાઉં.....!”

            “I’m....a sl*t….! A b*tch…..! a wh*re….!”

            “મને હાથ ના લગાડ....!”

“તારાં.....હાથ ગંદા થઈ જશે....! તું....અભડાઈ જઇશ....! તારું કેરેકટર અભડાઈ જશે...!”

            “હું...કીચડ છું.....! કીચડ છું.....!”

            નેહાનો નંબર જોતાજ અને એ બધું યાદ આવી જતાં સિદ્ધાર્થને નેહા ઉપર ચીડ ચઢી.

            “તું આટલી આંધળી કેવી રીતે થઇ શકે....!? કોઈ છોકરી વિષે તું આટલું ગંદુ કેવી રીતે બોલી શકે....!?”

            સ્ક્રીન સામે જોઈ રહીને સિદ્ધાર્થ “નેહાને” પૂછી રહ્યો. આખી રીંગ વાગી જવા સિદ્ધાર્થે નેહાનો કૉલ રીસીવ ના કર્યો.

            મોબાઈલ શર્ટના ખિસ્સામાં મૂકી સિદ્ધાર્થ પાછો વિચારે ચઢી ગયો.

            ગરબા માટે લાવણ્યાને લેવા જવાનો ટાઈમ થાય ત્યાં સુધી સિદ્ધાર્થ ત્યાંજ બેસીને વિચારતો રહ્યો. લગભગ દોઢ-બે કલ્લાક સુધી સિદ્ધાર્થ ત્યાં કેટલી ઉપર બેસી રહ્યો. ભયંકર એકલતા અનુભવાતા સિદ્ધાર્થને વિકટ યાદ આવી ગયો.  

            “દોસ્ત તારી બઉ ભયંકર જરૂર છે...!” વિકટ વિષે વિચારી સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને માથું ધુણાવી રહ્યો.

            કલ્લાકની ઉપર ટાઈમ વીતી જતાં સિદ્ધાર્થે મોબાઈલની સ્ક્રીન ઉપર ટાઈમ જોયો.

            “ઓહો....! પોણા આઠ થઇ ગયાં....! નવ વાગે તો ગરબામાં પો’ચવાનું છે....!” બાઈકની સીટ ઉપર સીધા થઈ સિદ્ધાર્થે બાઈકના ઇગ્નીશનમાં ભરાવેલી ચાવી ફેરવી અને બાઈકનો સેલ મારી બાઈક ચાલુ કર્યું.

            યુનિવર્સીટીથી નીકળી સિદ્ધાર્થ છેવટે બાઈક લઈને સુરેશસિંઘના ફ્લેટે આવી ગયો.

લાવણ્યાએ લઈ આપેલો બ્લેક કુરતો પહેરી ઝડપથી તૈયાર થઇ તે કૉલેજ જવા નીકળી ગયો.

“નવરાત્રિમાં એકેય રજા ના  પાડતો....! આખી નવરાત્રિ મારી જોડે સ્પેન્ડ કરેજેને....!”

“આખી નવરાત્રિ મારી જોડે સ્પેન્ડ કરેજેને....! કરેજેને....!”

બાઇક લઈને કૉલેજ જઈ રહેલાં સિદ્ધાર્થને પાછાં લાવણ્યાનાં એ શબ્દો યાદ આવી ગયાં. 

“હાં....હવે નવરાત્રિ તો તારી જોડે સ્પેન્ડ કરવી જ છે....!” બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ બબડ્યો અને મલકાઈ ઉઠ્યો “તને પ્રોમિસ પણ કરી છે....અને મારે પણ તારી સાથે આ છેલ્લા દિવસો જીવી લેવા છે....!”

વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થે બાઇકની ઝડપ વધારી દીધી.

****

“અરે યાર....! આ છોકરાઓ ક્યાં રહી ગ્યાં.....!?” કામ્યા બેબાકળાં સ્વરમાં બોલી.

            અગાઉ નક્કી થયાં મુજબ લાવણ્યા, અંકિતા, કામ્યા અને ત્રિશા તૈયાર થઈને કોલેજ આવી ગયાં હતાં અને કોલેજ કમ્પાઉન્ડમાં ઊભાં-ઊભાં બધાં બોયઝની આતુરતાંપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.

            “આતો ઊંધું છે નઈ.....!?” ત્રિશા ટીખળ કરતી હોય એમ બોલી “છોકરીઓની જગ્યાએ છોકરાઓ મોડાં પડ્યાં.....!”

            લાવણ્યા સહિત બધાંએ હળવું સ્મિત કર્યું.

            “લાવણ્યા....! સિદ ક્યાં છે...!? કોઈ વાત થઈ...!?” અંકિતાએ લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

            “હાં....બસ એ....!”

            “બીપ....બીપ....!” લાવણ્યા બોલવાં જ જતી ત્યાંજ કોલેજના ગેટમાંથી રોયલ એનફિલ્ડનો ભારે અવાજ આવ્યો.

            લાવણ્યા સહિત બધાંએ એ તરફ જોયું. એ સિદ્ધાર્થ હતો જેણે કમ્પાઉન્ડના ગેટમાંથી અંદર આવતી વખતે બાઇકનો હોર્ન વગાડયો હતો.

            સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેનાં ચેહરાં ઉપર લાલી પથરાઈ ગઈ. સિદ્ધાર્થ બાઇક લઈને તેમની તરફજ આવી રહ્યો હતો.

            “આઈ ગ્યો....!” અંકિતાએ પહેલાં સિદ્ધાર્થ તરફ અને પછી ટીખળભર્યા સ્વરમાં લાવણ્યા સામે જોઈને કહ્યું “માખણચોર....!”

            “હાં...હા..હાં....!” જોડે ઉભેલાં કામ્યા સહિત બધાં જોરથી હસી પડ્યાં.

            લાવણ્યાએ પહેલાં ઘુરકીને અંકિતા સામે જોયું. પછી સિદ્ધાર્થ સામે જોતાંજ તેનાથી પણ હસાઈ ગયું.

            “માખણચોર.....! હી હી ....!” લાવણ્યા મનમાં બબડી અને સિદ્ધાર્થ સામે જોઈને મલકાઈ રહી.

            સિદ્ધાર્થે હવે બાઇક બધાંથી સહેજ દૂર પેવમેન્ટની એક સાઈડે ઊભું કર્યું અને સ્ટેન્ડ કરીને નીચે ઉતાર્યો. લાવણ્યા સામે જોઈને મલકાતો-મલકાતો હવે તે બધાં તરફ જવાં લાગ્યો.

            “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!”  પેવમેન્ટ ઉપર ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ બધા તરફ જઈ રહ્યો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

            સહેજ ધીમા પડી તેણે કુર્તાનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નંબર જોયો.

            “નેહા....!” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને ફોન પાછો કુર્તાનાં ખિસ્સામાં સરકાવી દીધો.

            “નઈ વાત કરવી....!” લાવણ્યા તરફ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ બબડ્યો “એકની એક માથાકૂટ કરશે પાછી....!”

            નેહા વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થની નજર હવે બધાની જોડે ઊભેલી લાવણ્યા ઉપર પડી. લૉ વેસ્ટ ચણિયા ચોળીમાં લાવણ્યા સાક્ષાત કોઈ અપ્સરા સામાન લાગી રહી હતી. એમાંય લૉ વેસ્ટ ચણિયાને લીધે તેણીની આખી કમર ખુલ્લી હતી. કમનીય નદી જેવો વળાંક ધરાવતી લાવણ્યાની એવી કમર જોઈને સિદ્ધાર્થ ઈચ્છવા છતાંય નજર હટાવી નાં શક્યો. માંડ કરીને સિદ્ધાર્થે પોતાના આવેગો ઉપર કાબૂ મેળવ્યો અને લાવણ્યા સામે જોઈ સ્મિત કરીને તેણી તરફ જવા લાગ્યો.  

            “હાય...!” સિદ્ધાર્થ હવે બધાંની નજીક આવી લાવણ્યાની જોડે ઊભો રહ્યો “રોનક અને પ્રેમ નઈ દેખાયાં....!?”

            “તું તારી વાત કરને...!” અંકિતા ટોંન્ટ મારતી હોય એમ બોલી “તું કેમ આટલો મોડો આયો.....!? આ તારી “માખણ” જેવી ક્યારની રાહ જોઈ જોઈને ઓગળી રહી છે...!” અંકિતાએ લાવણ્યા સામે જોઈને તેની આંખો નચાવી.

            “અંકલી....!?” લાવણ્યાએ આંખો મોટી કરીને અંકિતાની સામે જોયું.

            વાતથી અજાણ હોવાથી સિદ્ધાર્થ સિવાય બધાં હસી પડ્યાં. લાવણ્યા પણ સિદ્ધાર્થ સામે જોઈને મલકાઈ.

            “અમ્મ...!? માખણ જેવી...!?” સિદ્ધાર્થ મૂંઝાયેલું મોઢું કરીને  બધાંની સામે જોઈ રહ્યો.

            “હાસ્તો....! આટલું બધું મોડું કરાય....!” અંકિતા હવે સિદ્ધાર્થને વધુ છેડવાં લાગી “માખણચોર...!”

            “એ અંકલી બસ હવે....!” લાવણ્યા હવે ચિડાઈ. જોકે તે મીઠો ગુસ્સો કરી રહી અને મલકાઈ રહી હતી.

            “માખણચોર....!?” સિદ્ધાર્થ હવે વધુ મૂંઝાયો અને એજરીતે બધાંની સામે જોઈ રહ્યો.

            “aww….! કેટલો ઈનોસંન્ટ ……!” અંકિતા સિદ્ધાર્થના ગાલ ખેંચતાં બોલી.

            “આહ....! ધીરે પણ....!”  વાત સમજાઈ જતાં સિદ્ધાર્થ હવે સ્મિત કરીને સૂચક નજરે લાવણ્યા સામે જોઈને બોલ્યો “માખણચોર હમ્મ...!?”                            

             “સોરી....! ભ....ભૂલથી કઈ દીધું.....!” મોઢું દયામણું કરીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી.

            “કઈં વાંધો નઈ....!” સિદ્ધાર્થે સ્મિત કરીને લાવણ્યાનો હાથ પકડી પોતાની નજીક ખેંચી લીધી “માખણ જેવીજ છે તું....!”

            બધાંની હાજરી ભૂલીને સિદ્ધાર્થ પ્રેમથી લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યા પણ મુગ્ઘનજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            “માખણ જેવી છે તું....!” સિદ્ધાર્થ તેનું મ્હોં લાવણ્યાની વધુ નજીક લઈ જઈને ધીરેથી બોલ્યો “અને હું....! તારો માખણચોર...!”

            “ઓ...ઓ....! માખણચોર....!” બધાએ સિદ્ધાર્થને ચિડાવતાં હોય એમ એકસાથે ચાળાં પાડ્યાં.

            સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. શરમાઈ ગયેલી લાવણ્યાએ પરાણે સ્મિત કરતાં-કરતાં બધાં સામે જોયું પછી સિદ્ધાર્થને જકડી લઈ તેની ચેસ્ટમાં તેનું માથું ભરાવી દીધું.

            “અરે લવ....!” સિદ્ધાર્થે નવાઈપૂર્વક લાવણ્યાના બાવડે હાથ મૂક્યો.

            લાવણ્યા હવે ડૂસકાં ભરવાં લાગી હતી.

            “અરે....! અચાનક શું થઈ ગયું....!?” સિદ્ધાર્થે વધુ આશ્ચર્ય સાથે લાવણ્યાનું મોઢું સહેજ ઊંચું કરીને પૂછ્યું “કેમ રડે છે યાર...!?”

            “લાવણ્યા....!?” અંકિતા બોલી. કામ્યા અને ત્રિશા પણ હવે ગંભીર થઈને તેની સામે જોઈ રહ્યાં.

            “અરે લવ....! જો તારું આઈલાઇનર ખરાબ થાયછે...! જો...! કેમ રડે છે...!?” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે આવેલાં આંસુ હળવેથી લૂંછતો-લૂંછતો બોલ્યો.

            “ક....કઈં નઈ....!” લાવણ્યા પરાણે પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરતાં બોલી “ત.....તે....વાળ કેમ નઈ ઓળ્યા....! હમ્મ...!?”

            લાવણ્યા વાત બદલવાં માંગતી હોય એમ નકલી ગુસ્સો કરીને બોલી.

            “અચાનક શું થયું....!?” સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને મૂંઝાઇને તેની સામે જોઈ રહયો.

            “અંકિતા....!” લાવણ્યાએ માંડ તેનાં ચેહરાંના ભાવો બદલતાં કહ્યું “ક....કાંસકો આપને....! હું...! હું સિદના વાળ સરખાં કરું...!”

            અંકિતાએ તેનાં ખભે લટકાવેલી હેન્ડબેગમાંથી કાંસકો કાઢીને લાવણ્યાને આપ્યો.

            સિદ્ધાર્થ ઊંચો હોવાથી લાવણ્યા હવે પેવમેન્ટ પાળી ઉપર ચઢી ગઈ અને એક હાથવડે સિદ્ધાર્થનું મોઢું પકડીને નાનાં બાળકના વાળ ઓળતી હોય એમ તેનાં વાળ ઓળવાં લાગી.

            “કઈં ધ્યાન નઈ રાખતો તું.....!” લાવણ્યા મીઠો ગુસ્સો કરતી મોઢું મચકોડીને બોલી “આટલો સરસ તૈયાર થયો અને વાળ પણ ઓળતો....! આવું કરે કોઈ..!?”

            “પણ મને કાંસકો ફેરવવાંનો નઈ ગમતો....!” સિદ્ધાર્થ નાનાં બાળકની જેમ દલીલ કરતો હોય એમ બોલ્યો.

            “આટલાં લાંબા વાળમાં કાંસકો ના ફેરવો એવું ચાલે....!?” લાવણ્યા સિદ્ધાર્થને ખખડાવતી હોય એમ બોલી.

            અંકિતા, કામ્યા અને ત્રિશા સ્મિત કરતાં-કરતાં લાવણ્યા અને સિદ્ધાર્થને જોઈ રહ્યાં.

            “હવે તું આટલી કેયર કરે છે....! તો પછી હું કોઈ દિવસ નઈ ઓળું...જા.....!” સિદ્ધાર્થ પણ નાનાં બાળકની જેમ મોઢું બગાડીને બોલ્યો.

            લાવણ્યા જાણે નકલી ગુસ્સો કરતી હોય એમ એની સામે આંખો કાઢીને જોવાં લાગી.

            “બહુ ચપ્પટ રીતે ના ઓળાવતી...!” સિદ્ધાર્થ બોલ્યો.  

            “હમ્મ....! લે થઈ ગ્યાં...!” લાવણ્યા બોલી અને કાંસકો પાછો અંકિતાને આપ્યો.

            “હવે તો વધારે જોરદાર લાગે છે....!” ત્રિશા ફ્લર્ટ કરતી હોય એમ બોલી.

            બધાંએ સ્મિત કર્યું અને એકબીજાં સામે જોયું. એકબીજાં જોડે મસ્તી કરતાં-કરતાં બધાં હવે રોનક અને પ્રેમની રાહ જોવાં લાગ્યાં.

            “લવ.....!” સિદ્ધાર્થે કોઈનું ધ્યાન ના જાય એરીતે લાવણ્યાનો હાથ ખેંચીને ઈશારો કર્યો “થોડું આમ દૂર આયને....! મારે વાત કરવી છે...!”

            લાવણ્યાએ સ્મિત કરીને પહેલાં સિદ્ધાર્થ સામે જોયું પછી અંકિતા અને બીજાં સામે. બધાં ટોળુંવળીને ગપ્પાં મારી રહ્યાં હતાં.

            “ચાલ....!” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થને ખેંચીને સહેજ દૂર લઈ ગઈ.

            “અરે..લા....!”

            “રે’વાદે....!” અંકિતા લાવણ્યાને ટોકે એ પહેલાંજ કામ્યાએ તેને રોકી લીધી “એમને થોડીવાર જોડે ટાઈમ સ્પેન્ડ કરવાંદે....!” 

            “બોલ....હવે....! શું હતું....!?” સિદ્ધાર્થ સામે રમતિયાળ સ્મિત કરીને લાવણ્યા જોઈ રહી.

            “અ.....!” સિદ્ધાર્થ સહેજ ખચકાયો “લ....લવ....!”

            “એને ખોટું તો નઈ લાગેને...!?” ખચકાઈને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            “બોલને જાન.....!” લાવણ્યાએ ભારપૂર્વક પૂછ્યું.

            “બઉ મસ્ત લાગે છે....!?” લાવણ્યાથી સહેજ દૂર ખસીને સિદ્ધાર્થ બોલ્યો.

            “હેં...ને...!” લાવણ્યા ખુશ થઈ ગઈ અને ગોળ-ગોળ ફરીને સિદ્ધાર્થને ચણિયાચોલી બતાવવાં લાગી “તને ગમીને આ ચણિયાચોલી....!?”

            “હાસ્તો.....!” લાવણ્યાને ખૂશ જોઈને સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

            “અને મારી કમર...!?” લાવણ્યા તેની ઘાટીલી કમર ઉપર હાથ મૂકીને બોલી.

            લાવણ્યાએ લેમન યેલ્લો કલરની ચોલી અને બ્લ્યુ કલરનો લૉ-વેઈસ્ટ ચણિયો પહેર્યો હતો. લૉ-વેઈસ્ટ ચણિયામાં લાવણ્યાની ગોરી કમરનો ઘાટ વધુ લાંબો અને ઘાટીલો દેખાઈ રહ્યો હતો.

            “અમ્મ...મસ્ત લાગે છે....!” સિદ્ધાર્થે ખચકાતાં-ખચકાતાં લાવણ્યાની કમર ઉપર એક  નજર નાંખી.

            “માખણ જેવીને...!?” લાવણ્યાએ તેની આઈબ્રો નચાવીને સિદ્ધાર્થને પૂછ્યું.

            સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને આડું જોઈ લીધું.

            “અરે.....!” લાવણ્યા હવે એકદમજ સિદ્ધાર્થની નજીક આવી ગઈ “તારાં માટે તૈયાર થઈછું....! સરખું જોતો ખરો....!”

            “લવ….!” સિદ્ધાર્થે લાવણ્યાની વાળની લટને આંગળીથી અડી લાવણ્યાનાં કાન પાછળ ભરાવી.

            “તારો હક છે જાન....!” લાવણ્યાએ તેનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની એકદમ નજીક લઈ જઈને બોલી  “મને ટચ તો કર.....!” તેણીએ હવે સિદ્ધાર્થનો હાથ લઈને તેની કમર ઉપર મૂકી દીધો.         

            “અરે શું કરે છે...!?” લાવણ્યાએ ફરીવાર “અનએકસ્પેકટેડ” બિહેવ કરતાં આશ્ચર્યથી સિદ્ધાર્થે એકદમ તેનો હાથ પાછો ખેંચી લીધો “બધાં જોવે છે...!” સિદ્ધાર્થે થોડે દૂર ઉભેલાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સામે જોઈને લાવણ્યા સામે જોયું.

            “હું....હું.....! સ...સારી નઈને....!? હું નઈ ગમતી એટ્લે ટચ નઈ કરતોને...!?” લાવણ્યા સહેજ ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખ ભીંજાઈ ગઈ.       

            “લવ……!” સિદ્ધાર્થે છેવટે લાવણ્યાની ખુલ્લી કમરનાં ઘાટ ઉપર હળવેથી તેનો હાથ મૂકી સ્પર્શ કર્યો અને પોતાનું કપાળ લાવણ્યાનાં કપાળે અડાડી રાખીને ધિમાં સ્વરમાં બોલ્યો “જો હું તને કહી દઉં કે તું મને કેટલી ગમે છે....! તો આપડે એકબીજાંથી કદી દૂરજ નઈ જઈ શકીએ...!”

            લાવણ્યાની અત્યંત ઘાટીલી કમર ઉપર બંને બાજુ હાથ મૂકતાં જ સિદ્ધાર્થ શરીરમાં હળવી ઉત્તેજના વહેવા લાગી. પોતાનાં હ્રદયનાં ધબકારા તેણે ધીરે-ધીરે વધતાં અનુભવ્યાં.

            “તો....હું ક્યાં તારાંથી દૂર જવાં માંગુ છું સિદ....!” લાવણ્યા ઊંડા-ઊંડા શ્વાસ ભરતાં બોલી. તેણીની કમર ઉપર સિદ્ધાર્થનાં હાથનાં સ્પર્શથી લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં “મારે...તો બસ.....!” લાવણ્યા તેનાં હોંઠ ફરી સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ “તારામાંજ સમાઈ જવું છે.....! કાયમ માટે....!”

            બંનેનાં શ્વાસ હવે એકબીજાંને અથડાઈ રહ્યાં. લાવણ્યા હવે તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ અને સિદ્ધાર્થનાં હોંઠની વધુ નજીક ગઈ.

            “અરે CCTV લાગેલાં છે....!” છેટે ઊભેલી અંકિતાએ એ તરફ જોયું અને બૂમ પાડી “પછી મારું નામ નાં લેતી કે મેં વિડીયો વાઇરલ કર્યો.....!”            

            અંકિતાનો અવાજ સાંભળીને સિદ્ધાર્થે લાવણ્યાની કમર ઉપરથી તેનો હાથ લઈ લીધો અને સહેજ પાછો ખસી ગયો.

            “અંકલી....!” લાવણ્યા ચિડાઈ ગઈ અને જોરથી ઘાંટો પાડીને અંકિતા તરફ ઉતાવળાં પગલે જવાં લાગી “તને ભાન નથી પડતી ....! નઈ.....!”

            “સ...સોરી...!” લાવણ્યાનો ગુસ્સો જોઈને અંકિતા ડઘાઈ ગઈ અને કામ્યાની પાછળ લપાઈ ગઈ “હું તો મજાક કરતી’તી.....!”

            “તને ખબર નથી પડતી....! જોયાં વગર બસ કઈંપણ બોલે છે...!?” લાવણ્યા હવે જોડે આવીને ઊભી રહી અને એવાજ ઊંચા સ્વરમાં બોલી.

            “લાવણ્યા....! શાંત થઈજા.....!” કામ્યાએ લાવણ્યાને રોકતાં હાથ કરીને કહ્યું.

            “ઇટ્સ ઓકે લવ....!” સિદ્ધાર્થ હવે જોડે આવીને ઊભો રહ્યો અને લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો “એ મસ્તી કરેછે....!”

            લાવણ્યા હજીપણ ગુસ્સાંથી કામ્યાની પાછળ લપાઈ રહેલી અંકિતાને જોઈ રહી હતી.

            “લાવણ્યા સોરી....! પ્લીઝ....!” અંકિતા આંખ ભીની કરીને બોલી.

            “હવે સિદ થોડાં દિવસજ મારી જોડે રે’વાનો છે...!” લાવણ્યા કાંપતાં સ્વરમાં બોલી “પ્લીઝ તું થોડાં દિવસ હેરાન ના કરને.....!”

            “લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને પોતાની તરફ ફેરવી અને આલિંગનમાં જકડી લીધી.

            લાવણ્યાએ સિદ્ધાર્થની છાતી ઉપર માથું ઢાળી દીધું અને ડૂસકાં ભરવાં લાગી.

            “અરે.....અ.....! આ રોનક અને પ્રેમ ક્યાં રઈ ગ્યાં....!” બધાંનું મૂડ સારું થાય એટ્લે વાત બદલતાં ત્રિશા બોલી.

            “ચાલ.....! આપડે રિવરફ્રન્ટ જઈએ....!” સિદ્ધાર્થ સામે મ્હોં ઊંચું કરીને લાવણ્યા બોલી પછી અંકિતા સામે જોઈને ટોંન્ટમાં બોલી “ત્યાં કોઈ ડિસ્ટર્બ નઈ કરે....!”

            “અરે ....! પછી ગરબા....!?” અંકિતાએ કામ્યાની પાછળ રહીનેજ પૂછ્યું.

            “નઈ ગાવાં મારે તારી જોડે ગરબાં” લાવણ્યા ચિડાઈને બોલી “હું સિદ જોડે ગાઈ લઇશ રિવરફ્રન્ટ ઉપર ....”

            “પણ મને ગરબાં નઈ આવડતાં.....!” લાવણ્યાનું મન ડાયવર્ટ થાય એટલે સિદ્ધાર્થે પણ રમત કરતાં હોંઠ દબાવીને કહ્યું.

            લાવણ્યા સિવાય બધાં હસી પડ્યાં. સિદ્ધાર્થ માંડ પોતાનું હસવું દબાવી રહ્યો. લાવણ્યા નારાજ નજરે સિદ્ધાર્થની સામે જોઈ રહી.

            “મેં કીધું’તું તો ખરાં ......!” સિદ્ધાર્થે પોતાનું હસવું દબાવી રાખીને કહ્યું.

            “અરે સિદ....! તું તો આ કુર્તામાં જોરદાર લાગે છે હોં....!” હવે કામ્યા વાત બદલતી હોય એમ બોલી.

            “હાં.....! આ લાવણ્યાએ લઈ આપ્યો...!” સિદ્ધાર્થ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈને બોલ્યો અને પછી ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “પાંઆઆ....ત્રીસો રૂપિયાનો....!”

            “હાં..હાં...હાં... !” સિદ્ધાર્થે એ રીતે બોલતા બધા હસી પડ્યા લાવણ્યા પણ પરાણે હસી પડી.

            તેણે લાવણ્યાએ લઈ આપેલો ચાઇનીઝ કોલરવાળો બ્લેક કુર્તો પહેર્યો. કામ્યાએ સિદ્ધાર્થને છેક ઉપરથી લઈને નીચે સુધી જોયો પછી ફરી બોલી ­–“લાવણ્યા....! આજે પાકું આને નજર લાગશે હોં.....!”

            “સિડ ….! કામ્યા પણ મસ્ત લાગે છેને....!?” લાવણ્યાએ પહેલાં કામ્યા અને પછી સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

            “હાસ્તો....!” સિદ્ધાર્થ મલકાઈને કામ્યા સામે જોઈ રહ્યો “મસ્ત વાંકડિયા વાળ....! ઓહો...! અને તે પણ લવની જેમજ લૉ વેઈસ્ટ ચણિયાચોલી પે’રી છે....!?”

            “હાસ્તો.....!” લાવણ્યા બોલી “કેટલી જબરજસ્તી કરી ત્યારે લીધી....!”

            “અરે એવું કઈં નઇ....!” કામ્યા બોલી

            “શું કઈં નથી...!? સિડ સાચું કે’જે.....!” લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું “કામ્યાને લૉ વેઈસ્ટ સરસ લાગેછેને...! એની કમર મસ્ત છેને....! પતલી- પતલી.....!?”

            “અમ્મ....!” સિદ્ધાર્થે તેનાં હોંઠ દબાવીને કામ્યાને ફરીવાર જોયું. એક ક્ષણ તેની કમર ઉપર નજર નાંખીને સિદ્ધાર્થ બોલ્યો “હાં....! એતો છે હોં....!”

            “અરે શું યાર....!” કામ્યા હવે શરમાઈ ગઈ.

            “અમે બધાંએ પણ લૉ વેઈસ્ટજ પે’રી છે હોં....!” અંકિતા નારાજ હોવાનો ડોળ કરતી હોય એમ બોલી “અમે પણ તૈયાર થયાં છે...!” 

            “ચાલો-ચાલો બધાનો ફોટો પાડીએ....!”  સિદ્ધાર્થે તેનાં કુર્તાનાં પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને બધાંનો ફોટો પાડવાં લાગ્યો.

            “એક મિનિટ હોં...!” લાવણ્યા સહિત બધાં હવે એકબીજાં જોડે ઊભાં રહી ગયાં.

            અંકિતાતો જાણે લાવણ્યાને કિસ કરતી હોય એમ મોઢું બનાવીને ઊભી રહી. અંકિતા અને ત્રિશા બંને કોઈને કોઈ નખરાં કરતાં રહ્યાં. સિદ્ધાર્થ તેમનાં ફોટાં પાડતો રહ્યો.

            “ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” થોડીવાર પછી સિદ્ધાર્થનાં ફોનની રિંગ વાગી.

            “સુરેશમામા....!?”  સ્ક્રીન ઉપર સુરેશસિંઘનો નંબર જોઈને સિદ્ધાર્થ આશ્ચર્યથી બબડ્યો.

■■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014