Love Revenge Spin Off Season - 2 - 27 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-27

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-27

લવ રિવેન્જ

Spin Off Season-2

પ્રકરણ-27

           

            "બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે પાછળ તેને ચીપકી બેઠેલી લાવણ્યાને કહ્યું.

            તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં.

            "આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઈક ઊભું કરવાં જણાવ્યું.

            સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઈકનાં સાઈડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઈક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું.

            રોયલ એનફિલ્ડનો ઘેરો અવાજ સાંભળીને અંકિતા સહિત બધાંએ એ દિશામાં જોયું.

            બાઈક ધીમું થતાં સિદ્ધાર્થે છેવટે ઊભું રાખ્યું. લાવણ્યા બાઈક ઉપરથી નીચે ઉતરી અને સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહી. થોડીવાર સુધી લાવણ્યા અને સિદ્ધાર્થે એકબીજાની સામે જોયે રાખ્યું.

            "તારે કઈંક કે'વું છે.....! પણ તું બોલતો નથી...!" સિદ્ધાર્થની આંખોમાં રહેલી વાત વાંચી લઈને લાવણ્યા મનમાં બબડી.

            "બાય....!" મેરેજવાળી કહેવાનું મન  હોવાં છતાં ઢીલા સ્વરમાં સિદ્ધાર્થ બોલ્યો.

            "બાય જાન....!" લાવણ્યા ભાવથી બોલી અને થોડી વધુવાર તેની સામે જોઈ રહીને ગેટ તરફ ચાલવાં લાગી.

            "અ....! લવ....!" જઇ રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે છેવટે ટોકી અને તેનો હાથ પકડીને પાછી પોતાની નજીક ખેંચી લીધી.

            તેની કમરનાં ઘાટ ઉપર હાથ મૂકીને સિદ્ધાર્થે સહેજ ભીની આંખે તેની સામે જોયું. લાવણ્યા સામે જોઈ સિદ્ધાર્થે એક નજર ગેટ પાસે ઉભેલાં ગ્રૂપનાં મિત્રો તરફ નાંખી. અંકિતા સહિત બધાં તેમની બાજુજ જોઈ રહ્યાં હતાં. લાવણ્યાએ પણ એ તરફ જોયું.

            લાવણ્યા હજીતો સિદ્ધાર્થ તરફ પાછું જોવે એ પહેલાંજ સિદ્ધાર્થે બાઈક ઉપર બેઠાં-બેઠાંજ લાવણ્યાને પોતાની તરફ એક હળવો ઝટકો આપીને વધુ નજીક ખેંચી લીધી અને તેનાં ઉરજો ઉપર પોતાનું માથું મૂકી દીધું.

            લાવણ્યા અચરજ પામી ગઈ. બધાં મિત્રો તેમની સામે જોઈ રહ્યાં હોય છતાંપણ આવું વર્તન અગાઉ સિદ્ધાર્થે માત્ર હોસ્પિટલમાં કર્યું હતું. એજ દિવસની જેમ સિદ્ધાર્થે હવે તેનો હાથ લાવણ્યાની કમરનાં ઘાટ ઉપરથી સરકાવીને પાછળ સુધી લઈ ગયો અને તેની પકડ વધુ કસી. તે હવે ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો. તેનાં શ્વાસની ગરમી લાવણ્યાનાં ઉરજો ઉપર અથડાઇ રહી હતી.    

            "શક્ય હોયતો શોપિંગ વે'લ્લી પતાવજેને....!" સિદ્ધાર્થ સજળ આંખે લાવણ્યા તરફ જોઈને ગળગળાં સ્વરમાં બોલ્યો "મારે સાંજે તને મલવું છે....!"      

            "શ....શું વાત છે....!? શું થઈ ગયું તને અચાનક...!?" સિદ્ધાર્થની ભીની આંખો અને ઢીલો થઈ ગયેલો ચેહરો જોઈને લાવણ્યા અદ્ધર શ્વાસે બોલી "આમ કેમ ઢીલો થઈ ગયો જાન....!?"

            સિદ્ધાર્થ કઇંપણ બોલ્યાં વગર ભીની આંખે તેની સામે થોડીવાર જોઈ રહ્યો.

            "સ....સોરી....! લવ....!" સિદ્ધાર્થ માંડમાંડ બોલ્યો.

            "સોરી...!?" લાવણ્યાને નવાઈ લાગી "સોરી કેમ કે'છે...!? ક....કોઈ મોટી વાતછેને ...!?" લાવણ્યાએ વ્હાલથી તેનો ચેહરો પકડી લીધો "બોલને...!? બરોડા...! બરોડામાં તારી જોડે કઈંક મોટું થયું છે....! હેં ને...!?"

            "તને કેવીરીતે ખબર...!" સિદ્ધાર્થ નવાઈ પામીને બોલતાં-બોલતાં અટકી ગયો.

            "જો...જો...! છેને....!? મને...મને ખબર હતી...! શું વાતછે જાન મને કે'ને...! પ્લીઝ...!?" લાવણ્યા હવે રડુંરડું થઈ ગઈ "મને ખબર છે ...! કોઈક મોટી વાત છે પણ તું ....તું કહી નઈ શકતો....!"

            "અ....એવું કઈ નથી....!" વાત ટાળવા સિદ્ધાર્થે નજર ફેરવી લીધી.

            "મારી સામેતો જો...!" લાવણ્યાએ ફરીવાર તેનું મોઢું પકડીને તેની તરફ ફેરવ્યું "શું વાતછે જાન...!? બોલને...!? મારો જીવ અદ્ધર થઈ ગયો છે....! શોપિંગમાં પણ મારો જીવ નઈ લાગે...!"

            " તું શાંતિથી જા....! એવું કઇં નથી...!"

            "અરે લાવણ્યા...!" ગેટ પાસે ઊભેલી અંકિતા બે ડગલાં આગળ આવીને ઊંચા સ્વરમાં તેને બોલાવવાં લાગી "ચાલને હવે મોડું થાયછે...! હજી તમારે બેયને પતતુંજ નથી...!?"

            "શાંતિ રાખને તું....!" લાવણ્યા ગુસ્સે થઈ ગઈ અને ઘાંટો પાડીને બોલી.

            અંકિતા ડઘાઈને ત્યાંજ ઊભી રહી ગઈ. સિદ્ધાર્થે તેને જોઈને લાવણ્યા તરફ જોયું. 

            "ચાલ....! ચાલ....! આપડે તારી કોઈ ફેવરિટ જગ્યાએ જઈએ...! બ....બધાંથી દૂર...! હમ્મ...! બસ તું અને હુંજ ...! ત્યાં...ત્યાં આપડને કોઈ ડિસ્ટર્બ નઈ કરે...! પછી તું ત્યાં જઈને શાંતિથી મને બધુ કે'...!" લાવણ્યા તેનો હાથ પકડી બોલી "મ....મોઢેરાં જવુંછે...!?"

            "અરે...! નાં લવ....! તું જા...! બધાં રાહ જોવેછે તારી...!"

            "આવું શું કરેછે જાન.....!? તું એકલો-એકલો કેમ મૂંઝાયછે....!? આપડે આટલાં ક્લોઝ થઈ ગયાં પછી પણ તું મને નઈ કઈ શકતો...!?" લાવણ્યાની આંખમાંથી હવે આંસુ પડવાં લાગ્યાં "ન....નેહા...!?અ...એણે કઇં કીધુંને...!? બરોડામાં ક...કઇં થયુંને...!?"

            "લવ....! એવું કઇં નથી થયું...! બરોડાની બધી વાત મેં તને કીધીતો ખરાં...!" સિદ્ધાર્થ હવે શાંતિથી બોલ્યો "હવે તું જા....! તું મોડી જઈશ...! તો પાછી સાંજે મળવાં નઇ મળે...!"

            "પણ...પણ..!"

            "મારે સાંજે તને મળવુંછે લવ....! પ્લીઝ...!" સિદ્ધાર્થ ફરી ઢીલો થઈ ગળગળાં સ્વરમાં બોલ્યો "તું અત્યારે જલ્દી જા...!નઈતો મોડું થશે અને મલાશે નઈ...!"

            સિદ્ધાર્થ હવે ભારપૂર્વક બોલ્યો. 

            "નાં...ના....! તું...ચિંતા નાં કર...!" લાવણ્યા હવે તેનું મોઢું લૂંછવાં લાગી "હું...હું ફટાફટ શોપિંગ કરી લઈશ....! પછી ....પછી...! આપડે મલશું....! હોંને....!? તું....તું તારો ફોન ચાલુજ રાખજે....! હું ફોન કરીશ...!"

            "હાં...! સારું....!" સિદ્ધાર્થે પરાણે સ્મિત કરતાં કહ્યું "અને અંકિતા અને ત્રિશાને કે'જે કે એમનાં મોમ-ડેડને નવરાત્રિ માટે મનાવવાં પણ આજે સાંજેજ એમનાં ઘરે આઈશ...! યાદછેને..!?"

            "હાં....! સારું....!" લાવણ્યા કમને તેનાથી આઘી ખસી. 

            "બાય....!" થોડીવાર તેની તરફ જોઈ રહીને તે હવે ગ્રૂપનાં મિત્રો તરફ ચાલવાં લાગી.

            સિદ્ધાર્થે હવે બાઈકનો સેલ માર્યો અને ધીમી સ્પીડે બાઇક ચલાવી લીધું. લાવણ્યા હવે બધાં જોડે પહોંચીજ ગઈ હતી.

            બાઈક ચલાવતાં-ચલાવતાંજ સિદ્ધાર્થે પહેલાં લાવણ્યા તરફ નજર નાંખી અને પછી બીજાં ફ્રેન્ડ્સ તરફ નજર નાંખીને ડોકું હકારમાં ધુણાવ્યું અને સામે જોઈને બાઈકની રેસ વધારી ત્યાંથી નીકળી ગયો.           

            "ચાલો જલ્દી ....!" લાવણ્યાએ કામ્યાની જોડે પહોંચીને કહ્યું. અંકિતાએ નારાજ થઈને આડું જોઈ લીધું. 

            "ઓટોમાં જવુંછે કે એક્ટિવા લઈને...!?" જોડે ઉભેલાં પ્રેમે પૂછ્યું.

            "નાં...! શોપિંગનો બધો સામાન લઈને એક્ટિવા ઉપર નઈ ફાવે....! અને એમપણ...!" કામ્યા બોલી "કાલથી નવરાત્રિ શરૂ થતી હોવાથી આજે લૉ ગાર્ડન તો એટલી ભયંકર ભીડ હશે કે પાર્કિંગની માથાકૂટ થશે...!"

            "તો હું ઓટો ઊભી રાખું છું...!" પ્રેમની જોડે ઉભેલો રોનક બોલ્યો.

            "પણ તમે બેય જણાં આવીને શું કરશો...!?" અંકિતા લાવણ્યાનો ગુસ્સો ઉતારતી હોય એમ થોડાં ઉગ્ર સ્વરમાં બોલી "અમે પે'લ્લાં પાર્લરમાં જઈશું...! શોપિંગમાં પછી જઈશું...!"            

             "તમારું પાર્લર પતે ત્યાંસુધી અમે અમારી કુર્તા વગેરેની શોપિંગ કરી લઈશું...!" રોનક બોલ્યો.

            "હાસ્તો....!" ત્રિશા મજાક કરતાં બોલી "પછી આપણી શોપિંગ વખતે તમે બેય જણાં તમારી શોપિંગ કરશો તો અમારો સામાન કોણ ઉઠાવશે....!?"

            બધાં હસી પડ્યાં. સિદ્ધાર્થના વિચારોમાં ખોવાયેલી લાવણ્યએ પરાણે સ્મિત કર્યું.

            "અરે લાવણ્યા....!?" કામ્યાએ લાવણ્યાની સામે જોઈને કહ્યું "શેનાં વિચારોમાં ખોવાયેલી છે...!?"

            "એમાં શું પૂછવાનું...!" અંકિતા ટોંટ મારતાં બોલી "એનાં રોમિયોના વિચારોમાંજ ખોવાયેલી હોયને....!"

            "એને રોમિયો-રોમિયો કેમ કે'છે તું....!?" લાવણ્યા રડી પડી અને ઉગ્ર સ્વરમાં બોલી "એ કોઈ સડકછાપ છોકરો નથી....!"

            "અરે chill લાવણ્યા....! અંકિતા મજાક કરેછે....!" પ્રેમ બોલ્યો.

            "મને નઈ ગમતો આવો મજાક....!" લાવણ્યા રડતાં-રડતાં અંકિતાની સામે જોઈનેજ બોલી "જ્યારે જોવો ત્યારે મજાક....! તને બધુ મજાકમાંજ જાયછે...! મેસેજ પણ વાઈરલ કરી દીધો...! એ પણ મજાક....!"

            "સોરી યાર. ...! હવે તો એ વાત માટે મને માફ કરીદે...!" અંકિતા છોભીલી પડી ગઈ અને ઢીલાં મોઢે બોલી.

            "તારાં સોરી કે'વાથી બધુ સરખું થઈ જાય ...! નઈ...!?" રડતાં-રડતાં લાવણ્યા હજીપણ ગુસ્સાંમાં બોલી રહી હતી.

            "લાવણ્યા....! શાંત થઈજા....!" કામ્યા લાવણ્યાનાં ખભાં ઉપર હાથ મૂકીને બોલી "અંકિતા...! તું હવે એને બહુ છેડીશ નઈ....! શોપિંગનો મૂડ ખરાબ થઈ ગયો યાર...!"

            "અચ્છા....! આઈ પ્રોમિસ લવ...!" અંકિતાએ લાવણ્યાના બંને હાથ તેનાં હાથમાં પકડ્યાં "હું તને હર્ટ થાય એવું હવે કઈં નઈ કઉં બસ.....! અને સિદ વિષે પણ એવું કઈં નઇ બોલું.....!"

            "મને "લવ" કે'વાનો હક ફક્ત સિદનેજ છે....!" લાવણ્યા બાળકની જેમ નારાજ સ્વરમાં બોલી "અને તારે એને "સિદ-સિદ" પણ નઈ કે'વાનું....!"

            "હા....હા....હા...!" અંકિતા સહિત બધાંજ હસી પડ્યાં.

            "બહુ પઝેસિવ થઈ ગઈ છું તું તો....!" અંકિતા હસતાં-હસતાં બોલી.

            "તને હજુપણ મઝાક સૂઝે છે...!?" લાવણ્યા એવાજ સ્વરમાં બોલી

            "આ છેલ્લું વર્ષ છે....!" અંકિતા હવે ભાવુક થઈને બોલી "પ્લીઝ લાવણ્યા....! થોડું સહન કરીલે....! પછી કોને ખબર આપણે મળશું કે નઈ....!?"

            "હવે તમે લોકો આ બધો ઈમોશનલ ડ્રામા બંધ કરશો....!?" રોનક સહેજ ઊંચાં સ્વરમાં બોલ્યો. તેણે ગેટના ઢાળ ઉપરથી ઉતરીને બે ઓટોવાળાને ઊભાં રાખ્યાં હતાં "અને ઓટોમાં બેસશો તો શોપિંગનું કામ પતે યાર....!"      

            "હાં...હાં...જલ્દી ચાલો....!" લાવણ્યા તેનું મોઢું લૂંછતાં-લૂંછતાં ઢાળ ઉતરી ગઈ અને આગળ ઊભેલી ઓટોમાં બેસવાં લાગી.

            "અરે ઊભી'રે ....! પેલ્લાં હું બેસું પછી તું અને પછી કામ્યા....!" અંકિતા બોલી અને દોડીને પહેલાં ઓટોમાં એક છેડે સરકીને બેસી ગઈ. પછી લાવણ્યા બેઠી અને પછી કામ્યા.

            "લૉ ગાર્ડનજ ઊભી રાખજો...!" કામ્યાએ ઓટોમાં બેસતાં પહેલાં પ્રેમ અને રોનકને ઉદ્દેશીને કહ્યું. બંનેએ ડોકી હલાવી.

            ત્રિશા, રોનક અને પ્રેમ ત્રણેય પાછળ ઊભેલી બીજી ઓટોમાં બેસી ગયા. બંને ઓટોવાળાઓએ ઓટો લૉ-ગાર્ડન તરફ હંકારી મૂકી.

***

"તું લૉ વેસ્ટ ચણીયા ચોલી લઈશ ....!?" બાઈક ચલાવી રહેલા સિદ્ધાર્થના મનમાં પોતે લાવણ્યાને કરેલી એ "ડિમાન્ડ" ના એ શબ્દો પડઘાઈ રહ્યાં હતાં.

સિદ્ધાર્થને પોતાને મૂંઝવણ થઇ રહી હતી કે તેણે પોતે લાવણ્યા જોડે આવી ડિમાન્ડ શા માટે કરી નાંખી. એકબાજુ નેહા સાથે દિવાળીમાં લગ્ન નક્કી થઇ ગયા છે એ વાત સિદ્ધાર્થે લાવણ્યાને કહી દેવાનું નક્કી કરી લીધું હતું તો બીજી બાજુ સિદ્ધાર્થે લાવણ્યાને લૉ વેસ્ટ ચણીયા ચોલી લેવાની ડિમાન્ડ કરી હતી. 

"કેટલી લૉ-વેઈસ્ટ.....!?"

"આટલી લૉ-વેઈસ્ટ.....! કે પછી....!"

"જબરી મસ્તીખોર છે આ છોકરી તો ....!"

સિદ્ધાર્થની ડિમાન્ડ ઉપર લાવણ્યાએ જ્યારે એવો શરારતભર્યો જવાબ આપ્યો ત્યારે સિદ્ધાર્થને વધુ એકવાર લાવણ્યાના એ વર્તન ઉપર આશ્ચર્ય થયું હતું. આમ તો લાવણ્યા ગમે ત્યારે સિદ્ધાર્થની સિદ્ધાર્થની છેડતી કરી દેતી, બચકાં ભરતી રહેતી, તેણીના એવા વર્તનની સિદ્ધાર્થને કોઈ જ નવાઈ નહોતી. આમ છતાં, આજે સામેથી જયારે સિદ્ધાર્થે લૉ વેસ્ટ ચણીયા ચોલીની ડિમાન્ડ કરી ત્યારે લાવણ્યાએ સહેજ પણ ખચકાટ વિના સિદ્ધાર્થની એ ડિમાન્ડ પુરી કરવાની હા પણ પાડી દીધી અને સામેથી સિદ્ધાર્થની ચૉઈસ પૂછવા લાગી.  

લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડીને તેની ટી-શર્ટનાં આવરણ ઉપર નાભીથી સહેજ નીચે મૂકી તેણીની કમર ઉપર સહેજ વધુ નીચે સરકાવ્યો હતો. ટી-શર્ટનું આવરણ હોવા છતાંય સિદ્ધાર્થે જાણે લાવણ્યાની સ્કિન ઉપર સ્પર્શ કર્યો હોય તેવો રોમાંચ અનુભવ્યો હતો. દર વખતે લાવણ્યાનું કોઈને કોઈ પ્રકારનું બિહેવિયર સિદ્ધાર્થને આશ્ચર્યચકીત કરી દેતું હતું અને પછી ક્યાંય સુધી સિદ્ધાર્થ લાવણ્યા વિષે વિચારતો રહેતો. પોતાનાં મનમાં ઉઠતાં આવેગોને સિદ્ધાર્થ ભલે નહોતો વ્યક્ત કરતો પણ લાવણ્યા કદી પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરવામાં ખચકાતી નહોતી. પણ સિદ્ધાર્થના સંયમને લીધે તેણી પોતે પોતાની ઉપર કાબૂ રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરતી.  આખો દિવસ હવે લાવણ્યા વિશેના વિચારોથી સિદ્ધાર્થનું મન ઘેરાયેલું જ રહેવાનું હતું.

***

"જગ્યા એકદમ પરફેક્ટ છે...!" સિદ્ધાર્થ ફૉન ઉપર કરણસીંઘ સાથે વાત કરી રહ્યો હતો "હાઇવેથી બઉ અંદર પણ નઈ ....અને સાવ હાઈવે ઉપર પણ નઈ .....! શૅડ સુધી જવા આ'વા માટે પાકો રસ્તોય છે....!"

"હમ્મ ....! તો ટોકન આપીદે....!" સામેથી કરણસીંઘ બોલ્યાં "ચેકબુક લઈ ગ્યો છેને તું જોડે ...!?"

"હા ...લાયો છું ....!" સિદ્ધાર્થ બોલ્યો.

"સરસ ....! તો એગ્રીમેન્ટનું નક્કી કરીલે અને એ પછીની ડેટનો ટોકનનો ચેક લખીને આપી દે ....!" કરણસિંઘ બોલ્યાં.

"સારું ....!"

"અને અહિયાંથી ફ્રી થાય ...એટલે બોપલ સુરેશના નવા ઘેર જતો આયને ....! ત્યાં મોટેભાગે ફર્નિચરનું કામ પૂરું થવા આવ્યું છે....એક નજર મારી લેજે ...!" કરણસિંઘ સહેજ આદેશાત્મક સ્વરમાં બોલ્યાં 

"અરે યાર...છેક બોપલ....!" મનમાં નિ:સાસો નાંખતાં સિદ્ધાર્થ બબડ્યો "તો તો અડધો દિવસ પૂરો થઇ જશે જઈને આ'વામાં ......!"

"અને બોપલથી રિટર્ન થઉં .....એટલે બપોરે લૉ ગાર્ડન જતો આય .....! SBIમાં ...!" કરણસિંઘ આગળ બોલ્યાં "ત્યાં પ્રકાશને મલી લેજે ....પ્રોજેક્ટ લૉન માટે....મારે વાત થયેલી જ છે....તારી સિગ્નેચરની જરૂર છે.....!"

"ઓકે.....!" સિદ્ધાર્થ સહેજ નિરાશ સૂરમાં બોલ્યો પછી મનમાં બબડ્યો "તો તો આખો દિવસ પૂરો ....!"

"કોઈ જરૂર પડે તો કૉલ કરજે ....!" કરણસિંઘ બોલ્યા.

તેમની સાથે વાત કરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને જોડે ઉભેલા બ્રોકર સામે ફર્યો.

"એગ્રીમેન્ટ તૈયાર છે....!?"

"ના....હજી ફિક્સ ન'તું ...એટલે નઈ બનાયો ....!" બ્રોકર બોલ્યો "પણ ડ્રાફ્ટ તો છેજ....તમે એક -બે કલ્લાક આપો ....! હું વકીલને ત્યાં જઈને ડ્રાફ્ટમાં નામ વગેરે લખાઈને તૈયાર કરાઈ દઉ  છું...પછી આપડે નોટરીને ત્યાં સહી-સિક્કા કરાઈ દઈએ....!"

"તમે બધું રેડી કરાઈને મને કૉલ કરો ...!" સિદ્ધાર્થ બોલ્યો "હું ત્યાં સુધી બોપલ જતો આઉં...મારું એક કામ પતે ...!"

"ઓકે ....!" બ્રોકર બોલ્યો.

નિરાશ થયેલો સિદ્ધાર્થ મનમાં લાવણ્યા વિષે વિચારતો-વિચારતો ત્યાંથી બોપલ જવા નીકળી ગયો.

****

            "ફટાફટ કરોને....!" હાથ ઉપર વેક્સ કરાવી રહેલી લાવણ્યા ઉતાવળાં સ્વરમાં બોલી.

            જ્યારથી તેઓ આવ્યાં હતાં ત્યારથી લાવણ્યા દરેક કામમાં ઉતાવળ કરવાં કહેતી રહેતી હતી. કામ્યા, ત્રિશા અને અંકિતા લાવણ્યાના આ રઘવાટ જોઈને મલકી રહ્યાં હતાં.

            "હાશ....! હજીતો મેનીક્યોરને બધુ પણ બાકી છે...!" અંકિતા બોલી.

            લગભગ બે કલ્લાક પછી ફૂલ બોડી વેક્સ પતાવી ફ્રેશ થયાં પછી લાવણ્યા સહિત બધાં સેલોનના સોફાંમાં આરામથી બેઠાં હતાં.

            "લાવણ્યા....! તું પાછો ફોન મંતરવા માંડી...!?" સામેનાં સોફાંમાં બેઠેલી ત્રિશાએ પૂછ્યું. 

            "હમ્મ....! સિદને ફોન કરવો પડેને....!" અંકિતાએ ટીખળ કરી.

            લાવણ્યાએ હસીને પ્રતીભાવ આપ્યો અને પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

----

            "ટ્રીન .....ટ્રીન .....!" બોપલ પહોંચવા આવેલા સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

"અરે યાર ....!" એન્ફિલ્ડ ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે સાઈડ મિરરમાં જોયું.

પાછળથી આવતાં હેવી ટ્રાફિકને મિરરમાં જોઈને સિદ્ધાર્થે બાઈક સાઈડમાં લીધું અને ક્રમશઃ સ્પીડ ધીમી કરીને હાઈવેની એક બાજુએ ઉભું રાખ્યું.

ફૉનની રિંગ ત્યાં સુધીમાં કટ થઇ ગઈ.

"પપ્પાનો જ હશે.....!" જીન્સના પૉકેટમાંથી ફૉન કાઢતાં સિદ્ધાર્થ બબડ્યો "બીજું કઈંક કામ યાદ આ'યુ હશે ....!"

મોબાઈલ કાઢીને સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર મિસ્ડ કૉલનો નંબર જોયો.

"લાવણ્યા ....!?" મિસ્ડ કૉલમાં લાવણ્યાનું નામ જોતા જ સિદ્ધાર્થના ચેહરા ઉપ્પર સ્મિત રેલાઈ ગયું.

ફૉન અનલોક કરીને તે હજી તો લાવણ્યાને કૉલ કરવા જ જતો ત્યાંજ ફરીવાર લાવણ્યાનો સામેથી કૉલ આઈ ગયો.

            "હાં ...! લવ....! બોલને...!?" બીજી-ત્રીજી રિંગ વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.

            "તું ફોન કેમ નથી ઉઠાવતો જાન....!?"   સામેથી લાવણ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું "તું....તું.....! ઠીકતો છેને...!?"

            "હાં...હાં....! ડોન્ટ વરી લવ ...! હું ઠીકજ છું....! હું બાઇક ઉપર છું....! એટ્લે બાઇક ઊભું રાખવાં ગયો ત્યાં સુધીમાં તારો ફોન કટ થઈ ગયો.....! પાછો તને કોલ કરું ત્યાંસુધીમાં તારો ફરી ફોન આવી ગયો.....!" રોડનાં ટ્રાફિકમાં સંભળાય એટ્લે સિદ્ધાર્થ ઊંચા સ્વરમાં બોલ્યો.

            "તું...તું...! બાઈક ઉપર છેતો શું લેવાં ફોન ઉપાડયો....!?" લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવવાં લાગી.

             "અરે વાત કરવાં માટે સાઈડમાં ઊભો રહ્યો છું...!" લાવણ્યાના સ્વરમાં પોતાના માટેની ચિંતાના ભાવ પારખી જતા સિદ્ધાર્થ પરાણે પોતાનું સ્મિત રોકી રાખીને બોલ્યો.

            "હાં....હાં....! સારું....!તું ફ્રી થાય એટ્લે ફોન કરજે...! હોને જાન....!?" લાવણ્યા વ્હાલથી બોલી.

            "ઓહ લવ...! તું આટલું પ્રેમથી "જાન" બોલે છે....! તો એમ થાયછે કે તને ત્યાં આવીને વળગી પડું...!"   

            "તો...તો....આવને જાન.....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને ઉમળકાથી બોલી "લૉ ગાર્ડનની સામેનાં મોલમાં બેલેઝા સેલોન છે...! પે’લ્લેમાળ....! તું આવતો રે'....! હું બા'ર ઊભી રઉ છું....! "

            "લવ....!" સિદ્ધાર્થથી હળવું હસાઈ ગયું "તું શાંતિથી બધું પતાવીલે....! આપણે સાંજે મળીએ....!હમ્મ...!"

            "ઓકે જાન....! પણ તું બાઈક ધીમું ચલાવજે...! હોને...!?વરસાદની સિઝન છે..!" લાવણ્યા ભીના ચિંતાતુર સ્વરમાં બોલી "અને...અને...હું ફોન કે મેસેજ કરું......! તો ...તો રિપ્લાય કરજે....! મારો જીવ અદ્ધર થઈ જાયછે....!"

            "હાં...! પ્રોમિસ બસ...! હવેથી ચોક્કસ રિપ્લાય કરીશ...!” સિદ્ધાર્થે કહ્યું “ચલ બાય....!"

            "બાય જાન....!" લાવણ્યાએ ફરીવાર એજરીતે વ્હાલથી કહ્યું. છેવટે બંનેએ ફોન કટ કર્યો.

            "તું બાઈક ધીમું ચલાવજે...! હોને...!?વરસાદની સિઝન છે..!" અત્યંત ભાવથી લાવણ્યાએ કહેલા એ શબ્દો સિદ્ધાર્થ યાદ કરી સ્મિત કરી રહ્યો.

લાવણ્યાના આવા કેરિંગ વર્તનથી સિદ્ધાર્થ કાયમ જાણે ભીંજાઈ જતો.  સ્મિત  કરતાં-કરતાં સિદ્ધાર્થે માથું ધુણાવ્યું અને મોબાઈલ ખિસ્સામાં મૂકી બાઇકનો સેલ માર્યો.

“બીપ.....બીપ.....!”

તે હજી તો થોડું આગળજ પહોંચ્યો હતો ને ત્યાંજ ફરીવાર મેસેજની નોટિફિકેશન આવી.

“લાવણ્યા જ હશે.....!” સ્મિત કરીને વિચારી ચાલુ બાઈકેજ સિદ્ધાર્થે ફૉન પોકેટમાંથી કાઢી એક હાથમાં કાઢ્યો અને સ્ક્રીન ઉપર જોયું.

“હી....હી....ખબર જ હતી....!” whatsappમાં લાવણ્યાના મેસેજની નોટિફિકેશન જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને બાઇક પાછું ધીમું કર્યું.

હાઇવેની સાઇડે એક ચ્હાની કીટલી દેખાતાં સિદ્ધાર્થે બાઇક ધીમી સ્પીડે કીટલી સુધી લઈ લીધું અને રોડથી નીચે ઉતારી કીટલીની નજીક સાઈડમાં ઊભું રાખ્યું.

બાઇક સ્ટેન્ડ કરી સીટ ઉપર બેસી કીટલી ચ્હાની કીટલી ઉપર કામ કરતાં છોકરાને સિદ્ધાર્થે એક ચ્હા લાવવા આંગળી બતાવી ઈશારો કર્યો. ચ્હા આવે ત્યાં સુધી સિદ્ધાર્થ મોબાઈલ અનલોક કરી સિદ્ધાર્થે whatsappમાં લાવણ્યાનો મેસેજ વાંચવા માંડ્યો.

“મુઝે ઈક પલ ચેનના આવે...હોં મુઝે ઈક પલ ચેનના આયે...”

            પોતાની મનોસ્થિતિ વર્ણવતી હોય એમ લાવણ્યાએ સોંગના લિરિક્સ લખીને મોકલ્યા હતાં. સોંગની લાઈનોની જોડે કેટલાંક હાર્ટશેપનાં અને લવનાં સ્માઇલીઝ પણ લાવણ્યાએ મોકલી દીધાં.

            સોંગની લાઇન્સ વાંચીને સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. તેને પણ સામે વળતું કોઈ સોંગ લખીને મોકલવાની ઈચ્છા થઈ આવી. ચ્હાવાળો છોકરો ચ્હા આપી જતાં કપમાંથી ચ્હા પીતાં-પીતાં સિદ્ધાર્થ સોંગ વિચારવા લાગ્યો.

            “એણે એની ફીલિંગ કીધી.....હુંય મારી કઈને મોકલું....!” મનમાં બબડી સિદ્ધાર્થે પણ સોંગ વિચારવા માંડ્યુ.

             કઈંક યાદ આવ્યું હોય એમ સિદ્ધાર્થે ચ્હાનો કપ એન્ફિલ્ડના ગોળ મિરરને આડો કરી તેની ઉપર મૂક્યો અને પોતાના મોબાઈલમાં મેસેજ ટાઈપ કરવા લાગ્યો.

"હું મને શોધ્યાં કરું...!

પણ હું તને પામ્યાં કરું....!

તું લઈને આવે લાગણીનો મેળો રે....!"

            પોતે શા માટે એવી લાઈ લખી એ સિદ્ધાર્થ પણ વિચારી રહ્યો. સ્મિત કરીને સિદ્ધાર્થે છેવટે લાવણ્યાને મેસેજ સેન્ડ કરી દીધો અને લાવણ્યાનો રિપ્લાય આવાવની રાહ જોઈ રહ્યો.

            “મેરેજની વાત જાણ્યા પછી ખબર નઇ તું કેવું રીએક્ટ કરીશ....!” હાઇવેની એકબાજુએ બાઇક ઉપર બેઠા-બેઠાં હાઇવે ઉપર આવતા-જતાં વાહનો સામે જોઈ રહી સિદ્ધાર્થમાં વિચારી રહ્યો “સોરી લવ......! સોરી....!”

            એક ક્ષણ માટે લાવણ્યા સાથે વિતાવેલી એ બધી મધુર ક્ષણો તેને યાદ આવવા લાગી. ખાસ કરીને લાવણ્યાનું અતિશય કેરિંગ વર્તન.

            “બેબી...બેબી કરે છે....! અને એજ રીતે કેર પણ કરે છે....!”  હળવું સ્મિત કરીને સિદ્ધાર્થ બબડ્યો.

            લાવણ્યાનો મીઠો ગુસ્સો, તેણીનું હક્ક જતાવવું. એક પછી એક વારાફરતી સિદ્ધાર્થને બધુ યાદ આવવા લાગ્યું. 

            “બીપ....બીપ....!” મોબાઈલમાં મેસેજ ટોન વાગતા સિદ્ધાર્થને એ વિચારોમાં ભંગ પડ્યો.

            મેસેજ લાવણ્યાનો જ હશે એ જાણતો હોય સિદ્ધાર્થે તરતજ મોબાઈલની સ્ક્રીનમાં જોયું. હજી whatsappમાં લાવણ્યાની ચેટ ખુલ્લી જ હતી. 

"તારી બોલતી આંખો.....!

જાણે ખોલતી વાતો......!"

                       

             “વ્હાલમ આવોને આવોને.....!" લાવણ્યાએ કરેલા મેસેજ વાંચીને સિદ્ધાર્થને એ સોંન્ગ યાદ આવી જતાં તેણે સ્મિત કર્યું અને લાવણ્યાનો નંબર ડાયલ કરી દીધો.

 

            "હેલ્લો....! હાં...જાન ....! બોલને....!" લાવણ્યા ઉતાવળે સેલોનની બહાર આવી ગઈ અને મોલના કોરિડોરની પેરાપેટ જોડે ઊભી રહી નીચેની ભીડને જોતાં-જોતાં વાત કરવાં લાગી.

            "બસ....! કઈં નઇ.....!" સિદ્ધાર્થ બોલ્યો "સોંગ મગજમાં ફરવાં માંડયું છે...!"

            "મારાં મગજમાં પણ....!" લાવણ્યા હળવાં સ્મિત સાથે બોલી "તું બાઇકતો નઈ ચલાવતોને....!?"

            લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

            "ના....લવ....! હું તો અત્યારે ચ્હા પિવાં ઊભો છું....!" સિદ્ધાર્થ બોલ્યો અને મિરર ઉપર મૂકેલો કપ લઈને પાછો ચ્હા પીવા લાગ્યો"અને એ સોંગ મગજમાં ગણગણું છું....!"

            "તો પછી આવોને વ્હાલમ.....!" લાવણ્યા ટીખળ કરતાં બોલી "બઉ મિસ થાય છે જાન.....!"       

             "તું આવીરીતે "જાન-જાન" ના બોલને...!" સિદ્ધાર્થ બોલ્યો.

            "હું તો બોલવાની...!" લાવણ્યા તેને ચિડાવતાં લહેકો લઈને બોલી "જા...ન.....!"

            હાઇવે ઉપર આવતાં-જતાં વાહનો તરફ જોઈ રહી ચ્હા પીતાં-પીતાં સિદ્ધાર્થ હસી પડ્યો. બંને થોડીવાર મૌન થઈ ગયાં.

            "સિદ.....!"

            "હમ્મ....!"

            "સ....સાંજે આઈશને ....!?" લાવણ્યા હવે થોડી ઈમોશનલ થઈ "અમારે પાર્લર પતવાંજ આયું છે....! પછી શોપિંગ ફટાફટ પતાવી લઈશું...!"

            "તમારે બધું પતવાં આવે એટ્લે મને ફોન કરજે...!" સિદ્ધાર્થ બોલ્યો "હું નજીકમાંજ હોઈશ...! માંડ દસ-પંદર મિનિટ થશે લૉ ગાર્ડન પોં'ચતા...!"

            "ઓકે....!"

            "તો હવે મૂકું....!?"

            "ના.....!"

            "તો પછી મોડું થશે હોં....!" લાવણ્યાને ચીડવતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો.

            "ઓકે ઓકે.....! બાય...જાન....!" લાવણ્યાએ તરતજ કીધું અને સિદ્ધાર્થે પણ "બાય" કહી દેતાં લાવણ્યાએ ફોન કટ કર્યો.

            “અરે હા....! નવરાત્રિમાં શોપિંગ માટે એને પૈસાની જરૂર હશે ....!” મનમાં વિચારી સિદ્ધાર્થ પાછો લાવણ્યાનો નંબર ડાયલ કરવા હતો ત્યાંજ તેને યાદ આવ્યું “તું પ્રોમિસ કર.....! તું મારી પાછળ પૈસાની નઈ ખરચે....!”

            “લાવણ્યાએ ના પાડી ‘તી....!” લાવણ્યાએ સિદ્ધાર્થ પાસેથી લીધેલું એ વચન યાદ આવી જતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો.

            “ના.....એણે ના પાડી’તી....!” માથું ધૂણાવી સિદ્ધાર્થ બબડ્યો “કદાચ એને નઈ ગમે....! હું એને પૈસા આપવાની વાત કરીશ તો....! રેવાદે દોસ્ત.....!”

            સિદ્ધાર્થનું મન પાછું લાવણ્યા વિશેના વિચારોમાં ખોવાઈ ગયું. પોતાની વાત લાવણ્યાને કેવી રીતે કહેવી એ અંગે સિદ્ધાર્થ વધુને વધુ મૂંઝાઇ ગયો. વધુ એક ચ્હા ઑર્ડર કરી સિદ્ધાર્થ વિચારતો રહ્યો. લગભગ અડધો કલ્લાક પછી છેવટે બોપલ જવા તે નીકળી ગયો.

*****

            "ટ્રીંગ.....! ટ્રીંગ.....! ટ્રીંગ.....! ટ્રીંગ.....!"

            સિદ્ધાર્થ સાથે વાત કરી લાવણ્યા મોલના કોરિડોરમાં ઊભાં-ઊભાં જ સિદ્ધાર્થના વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ ફરીવાર તેનાં ફોનની રિંગ ફરી વાગી.  

            લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીનમાં નંબર જોયો.

            "વિશાલ....!?" લાવણ્યાને નવાઈ લાગી.

            સ્ક્રીન ઉપર ટચ કરીને તેણે વિશાલનો કૉલ રિસીવ કર્યો.    

            "આવતી કાલથી નવરાત્રિ શરૂ થાય છે...!" લાવણ્યાએ ફોન રિસીવ કરતાંજ વિશાલ બોલ્યો "તારે હવે ચણિયાચોલી ક્યારે લેવાની છે....!? યાદ છેને....!? ચણિયાચોલી વગેરે બધું મારાં તરફથી છે...!?"

            "અરે બાપરે.....!?" વિશાલે યાદ અપાવતાં લાવણ્યા મનમાં બબડી અને પોતાનાં માથે હાથ દઈને ત્યાંજ ઊભી રહી ગઈ "હુંતો ભૂલીજ ગઈ'તી....! મારાં મોટાભાગનાં પૈસાં તો વૉચ લેવામાં વપરાઇ ગ્યાં છે...!"

            "તો પછી...!" વિશાલ બોલ્યો "હવે બોલ.....! ક્યારે જવું છે...!?"

            "પણ હું તો પાર્લરમાં છું....! લૉ ગાર્ડન.....! અને અમે પાર્લર પતાઈને પછી સામે માર્કેટમાંજ ચણિયાચોલી વગેરેની શોપિંગ કરશું....!"

            "તો એક કામ કર.....!"  વિશાલ બોલ્યો "મને તારો બેન્ક અકાઉંટ નંબર આપ....! હું પૈસાં ટ્રાન્સફર કરી દઉં.....! તું ATMમાં જઈને ઉપાડી લેજે.....!"

            "હાં ....! સારું....! હું whatsapp કરું છું....!"

            "ઓકે....બાય....!"

            "બાય....!"

            લાવણ્યાએ ફોન કટ કર્યો અને whatsapp ઓપન કરી વિશાલને તેનાં મોબાઇલમાં અગાઉથી સેવ કરેલો બેન્કનો અકાઉંટ નંબર મેસેજ કરી દીધો.

            "લાવણ્યા....!" અંકિતાએ સેલોનના કાંચના વૉલપેપેર લાગેલાં દરવાજાંને સહેજ ખોલીને ડોકી કાઢીને બૂમ મારી "ચાલ.....! જલ્દી....! હેયર સ્ટ્રેટનીંગમાં આપણો નંબર આવી ગયો....!"

            "કે વ્હાલમ આવોને આવોને....

     મન ભીંજા...વોને... આવોને

કેવી આ દિલની સગાઇ

કે માંડી છે લવની ભવાઈ....!"

            લાવણ્યા તેનો ફોન લોક કરી "વ્હાલમ આવોને" સોંગને મનમાં ગણગણતી સેલોનમાં જવાં લાગી.

***

            “એક સહી અહિયાં કરો....!” બેન્કના મેનેજરે સિદ્ધાર્થને કહ્યું.

            બોપલ કામ પતાવી સિદ્ધાર્થ લૉ ગાર્ડન SBI બેન્કમાં આવી ગયો હતો. અહિયાં આવીને કરણસિંઘે કહ્યું હતું એ પ્રકાશભાઈને મળીને તે ફેક્ટરીના નવા શેડ માટેના લૉન પેપર્સ ઉપર સાઈન કરી રહ્યો હતો. પ્રકાશભાઈ બ્રાન્ચ મેનેજર હતાં. જોકે બોપલ ગયા પછી સુરેશસિંઘે નવા ઘરના વાસ્તુ માટે પણ બે-ત્રણ વસ્તુઓના કામ સોંપી દીધા હતા. એમાંજ સિદ્ધાર્થની બપોર લગભગ પૂરી થઈ ગઈ હતી. પ્રકાશભાઈ ઓળખીતા હોવાને લીધે સિદ્ધાર્થ સાંજ પડતાં બેન્કે આવ્યો હતો.

            “હવે ક્યાંય સિગ્નેચર બાકી....!?” સિદ્ધાર્થે સહી કર્યા પછી પૂછ્યું.

            “ના...! પૂરું થઈ ગયું....!” પ્રકાશભાઈ બોલ્યા અને ડોક્યુમેંન્ટ્સ પોતાના હાથમાં લઈને ચેક કરવા લાગ્યાં.

            “હમ્મ....! મારુ કામ ના હોય તો હું નિકળું....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “અરે કેમ...!? ચ્હા-કૉફી કઈં નઈ....!?” પ્રકાશભાઈએ સ્મિત કરીને પૂછ્યું.

            “ના....મારે હજી બ્રોકર જોડે એગ્રીમેન્ટમાં સહી કરાઇ પછી નોટરી માટે જવાનું છે....!” સિદ્ધાર્થ ઔપચારિક સ્મિત કરતાં-કરતાં ઊભો થયો અને કેબિનમાંથી બહાર જવા લાગ્યો.

            “પછી લાવણ્યાને પણ મલવું છે....! મોડું થઈ ગ્યું યાર....!” મનમાં બબડતો-બબડતો સિદ્ધાર્થ બેન્કની બહાર જવા લાગ્યો.

            “ઓકે...મળીએ ત્યારે....!” પ્રકાશભાઈ ઔપચારિક સ્મિત કરીને બોલ્યા.

            તેમની સાથે મિલાવી સિદ્ધાર્થ કેબિનમાંથી બહાર નીકળ્યો અને પોતાના મોબાઈલમાંથી બ્રોકરને કૉલ જોડવા લાગ્યો.

            “હું ફ્રી થઈ ગ્યો છું.....! તમે કો...તો તમારી ઓફિસે આઈ જઉ.....!” બ્રોકરે ફૉન ઊપડતાં સિદ્ધાર્થે પૂછ્યું.

            “એગ્રીમેન્ટનો મેળ કાલે પડશે.....!” બ્રોકરે સામેથી માફીસૂચક સ્વરમાં કહ્યું “મારે થોડું અર્જન્ટ મેટરમાં કોર્ટ જવું પડે એવું છે....! મેં હાલજ કરણભાઈને કૉલ કરીને કીધું....!”

            “બીપ.....બીપ.....!” ત્યાંજ સિદ્ધાર્થના મોબાઈલમાં બીજો કૉલ વેઇટિંગમાં આવ્યો.

            સિદ્ધાર્થે મોબાઈલ કાનેથી હટાવીને જોયું તો કરણસિંઘનો નંબર હતો.

            “ઓકે...!” બ્રોકરને કહીને સિદ્ધાર્થે કરણસિંઘનો વેઈટિંગમાં આવતો કૉલ રિસીવ કરી લીધો.

            “હા પપ્પા....! હાલજ વાત થઈ બ્રોકર જોડે....!” સિદ્ધાર્થે તરતજ કહ્યું.

            “સારું....તો આજની રાત અમદાવાદ રોકાઈજા......!” કરણસિંઘે કહ્યું “સુરેશના ફ્લેટની ચાવી છે ને...!?”     

            “હા છે....!” સિદ્ધાર્થ બોલ્યો અને મનમાં ખુશ થઈ ગયો.

            “ભલે....અમે અહિયાં મેરેજની તૈયારીઓ જોઈ લઈશું....!” કરણસિંઘ બોલ્યા “તારે ત્યાં રોકાવાનું થાય...તોય તું કામ પતાઈને આય....! એવું હોય...તો પ્રકાશભાઈની જોડે પણ વાત કરતો રે’જે.....! પ્રોજેકટ લૉન ઝડપથી સેન્કશન થાય એ માટે એક-બે દિવસ ત્યાં રોકાઈ ધક્કા ખાઈ લેજે....! કદાચ કોઈ ડોકયુમેંન્ટની જરૂર પડે તો તું ત્યાં હોય...તો જલ્દી પો’ચતુ પણ કરી શકાય....!”

        “અરે વાહ.....તો તો એક -બે દિવસ લાવણ્યાની જોડે રે’વા મલશે....!” મનમાં ખુશ થતાં સિદ્ધાર્થ બબડ્યો.

        “સારું....!” સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો “ટોકનનો ચેક આવતી કાલે આપું કે આજેજ....!”   

        “હવે કાલેજ આપજે....!” કરણસિંઘ બોલ્યા.

        “ઓકે....!”

        કરણસિંઘ સાથે વાત પૂરી કરી સિદ્ધાર્થે ફૉન કટ કર્યો. મનમાં ખુશ થઈ ગયેલા સિદ્ધાર્થે પોતાના મોબાઈલની સ્ક્રીન સામે જોયું.

        “હજી તો ચાર જ  વાગ્યા છે....! લાવણ્યાને કૉલ કરી જોવું....!” મનમાં બબડતો-બબડતો સિદ્ધાર્થ પાર્કિંગમાં આવી બાઇક ઉપર બેઠો અને લાવણ્યાને કૉલ કરવા લાગ્યો “જો એને પૂરું થઈ ગ્યું હોય....તો જોડે ટાઈમ સ્પેન્ડ કરવા મલે....!”

        “હા જાન....! બોલ....!” સિદ્ધાર્થે કૉલ કરતાંજ લાવણ્યાએ સામેથી કૉલ રિસીવ કરીને પ્રેમથી કહ્યું.

        “પતી ગઈ શોપિંગ....!?” સિદ્ધાર્થે અધિર્યા સ્વરમાં પૂછ્યું.

        “હજી વાર લાગશે ....!” સામેથી લાવણ્યાએ ઊંચા સ્વરમાં કહ્યું.

        ભીડ હોવાથી લાવણ્યા મોટેથી બોલી રહી હતી.

        “સારું....!” સિદ્ધાર્થ નિરાશ થયો “પતે....એટ્લે કે’જે.....!”

        લાવણ્યા સાથે વાત કરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

        “ચ્હા પીવી પડશે....!” સિદ્ધાર્થ માથું ધૂણાવી મનમાં બબડ્યો અને ત્યાંથી નીકળી આજુબાજુ ક્યાંય ચ્હાની કીટલી તરફ જવા નીકળી ગયો.

****

          "આ કેવી લાગે છે....!?" લાવણ્યાએ એક ચણિયાચોલીનાં ચણિયાને તેની જીન્સની બેલ્ટ ઉપર ધરીને બતાવી.

            ત્રણ-ચાર કલ્લાક પહેલાંજ તેઓ પાર્લર પતાવીને મોલની સામેજ ચણિયાચોલી માર્કેટમાં શોપિંગ કરી રહ્યાં હતાં. વિશાલે પ્રોમિસ કર્યા મુજબ નવ દિવસની ચણિયાચોલી અને બીજી બધી વસ્તુઓ માટે લાવણ્યાનાં એકાઉન્ટમાં લગભગ ચાલીસેક હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. લાવણ્યાએ મોલમાંજ આવેલાં ATMમાંથી પૈસાં ઉપાડી લીધાં હતાં. સાંજનાં લગભગ સાડાં છ વાગવાં આવ્યાં હતાં. બધાં લગભગ ત્રણ-ચાર કલ્લાકથી શોપિંગ કરી રહ્યાં હતાં. પાર્લર પત્યાં પછી બધાંએ લૉ ગાર્ડનનાં મેઇન ગેટની સામે આવેલાં અમદાવાદની ઓળખ સમાન એવાં ખાણી-પીણી બજારમાં જમી લીધું હતું.

            લાવણ્યાને જ્યારે-જ્યારે સમય મળ્યો ત્યારે-ત્યારે તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો કે રોમેન્ટીક મેસેજ કર્યા હતાં. સિદ્ધાર્થે બધાંજ ફોન કોલ્સનો તેમજ મેસેજીસનો રિપ્લાય આપ્યો હતો. લાવણ્યાનો દિવસ આખો ખુશનુમાં વિત્યો હતો. તેની ખુશી તેનાં ચેહરા ઉપરથી છલકાઈ રહી હતી. સિદ્ધાર્થે પહેલીવાર તેની જોડે કોઈ ડિમાન્ડ કરી હોવાથી લાવણ્યાએ બધીજ ચણિયાચોલી લૉ વેઇસ્ટ ખરીદી હતી.

            "અરે તું બધાં ચણિયા લૉ વેઇસ્ટજ લઈશ....!?" અંકિતાએ લાવણ્યાએ સિલેક્ટ કરીને નીચે મુકેલી બાકીની ચણિયાચોલીની થપ્પીની તરફ જોઈને કહ્યું. 

            "હાસ્તો.....!" લાવણ્યા તેની કમર ઉપર બીજો એક ચણિયો મૂકીને જોતાં-જોતાં બોલી "અને આ કેવોછે..!?"

            "મસ્ત છે....!" કામ્યા તેની તરફ જોઈને બોલી.

            "અરે યાર તમારું લોકોનું પત્યું કે નઈ....!?" ચણિયાચોલીનાં સ્ટૉલની બહાર પ્રેમની જોડે ઉભેલો કંટાળેલો રોનક બોલ્યો.

            ચારેય છોકરીઓએ જે-જે ખરીદી કરી હતી તે બધો સામાન લઈને રોનક અને પ્રેમ સ્ટૉલની બહાર જોડેજ ઊભાં હતાં.

            લૉ ગાર્ડનની દીવાલને અડીને બનેલાં લગભગ બધાંજ સ્ટૉલ બહુ મોટાં કે નાનાં નહીં એવાં મધ્યમ કદનાં કહી શકાય તેટલાં હતાં. નવરાત્રિની ભીડને લીધે સ્ટૉલમાં ઓલરેડી જગ્યાં ઓછી હોવાથી બંને છોકરાંઓ સામાન લઈને બહારજ ઊભાં રહ્યાં હતાં. જે-જે સ્ટૉલમાં છોકરીઓ સામાન ખરીદવાં જતી, એ બધાંજ સ્ટોલોમાં બંને જણાં જોડે-જોડે ફરતાં.

            એકેય છોકરીએ રોનકને જવાબ નાં આપ્યો અને તેમની ખરીદીમાં મશગુલ રહી.

            "પગની તો કઢી થઈ ગઈછે....!" અકળાયેલો રોનક મોઢું બગાડતાં બોલ્યો "આ સિદ્ધાર્થ જબરો છટકી ગયો....! નઈ....!?"  રોનકે જોડે ઉભેલાં પ્રેમને જોઈને કહ્યું.

            કંટાળેલાં મોઢે પ્રેમે પણ માથું ધૂણાવ્યું. તે પણ પોતાનો અને રોનકનો સામાન સહિત છોકરીઓનો પણ કેટલોક સામાન લઈને ઊભો હતો.

            "અરે ચાર કલ્લાકથી ઉપર થયું યાર....! હજી નથી પતતું તમારું લોકોનું...!?" થોડી વધુવાર વીતી ગયાં પછી હવે પ્રેમ બોલ્યો.

            "શું છે તમારે...!?" ત્રિશા સ્ટૉલનાં પગથિયે આવીને ઊભી રહેતાં બોલી "હજીતો ચણિયાચોલીની મેચિંગ એક્સેસરીઝ બાકીછે....!"

            "બે એ.....!" પ્રેમ હાથ કરીને બોલ્યો "તમારે અમને બેયને શહીદ કરાવી દેવાંછે...!? આ ટાઈમતો જોવો...!"

            "અરે તમે લોકો પે'લ્લીવાર શોપિંગ માટે આવ્યાં અમારી જોડે....!?" ત્રિશા સ્ટૉલમાં જઈને પાછી બહાર આવતાં બોલી. તેનાં હાથ ત્રણ-ચાર મોટી પોલીથીનની બેગ હતી.

            "આલો પકડો ....!" રોનક વધુ નજીક ઊભો હોવાથી ત્રિશાએ બધી બેગો તેની તરફ ધરી "આમાં મારી અને અંકિતાની ચણિયાચોલી છે....!"

            "ટેમ્પો બોલવાવો છે....!?" પ્રેમે ટીખળ કરી.

            ત્રિશા હસી અને પાછી સ્ટૉલમાં ઘૂસી ગઈ.

            "એ કામ્યા....!" ચણિયાચોલીનો ચણિયો પોતાની કમર ઉપર મૂકીને ટ્રાય કરી રહેલી કામ્યાને જોઈને લાવણ્યા બોલી "તું પણ એકાદી લૉ-વેઇસ્ટ ટ્રાય કરને....! તારી કમર પણ કેટલી મસ્ત છે પતલી-પતલી.....!"

            એટલું કહીને લાવણ્યા તેની નજીક આવી ગઈ અને તેનાં હાથમાં રહેલો લૉ-વેઇસ્ટ ચણિયો કામ્યાની કમરે મૂકી દીધો અને તેને બતાવવાં લાગી.

            "અરે.....!" કામ્યાએ લાવણ્યાએ સામે જોયું "મારે શું કરવી છે લૉ-વેઇસ્ટ!? મારે ક્યાં કોઈ "સિદ્ધાર્થ" છે....! જેણે મારી જોડે ડિમાન્ડ કરી હોય....!?"

            "અરે એવું થોડું હોય....!" લાવણ્યા બોલી "કેવો લાગેછે કલર...!?"

            લાવણ્યાએ કામ્યાને પૂછ્યું પછી અંકિતા સામે જોયું.

            "હાં.....! હાં....! સરસ કલર છે કામ્યા....! લાવણ્યા બરાબર કે'છે....! તારી કમર મસ્ત છે....! પતલી-પતલી....!" અંકિતાએ કામ્યાની ટી-શર્ટમાંથી સહેજ દેખાઈ રહેલાં તેની પાતળી કમરના ઘાટને જોઈને તેની ઉપર ચૂંટલી ખણતાં કહ્યું.

            "અરે તમે બેય જણાં....!" કામ્યાએ દાંત દબાવીને ધીરેથી કહ્યું અને ઝટકાં સાથે અંકિતાનો હાથ દૂર કર્યો"આ દુકાનવાળો જોવે છે....! મારે કઈં લૉ-વેઈસ્ટ નથી લેવી...! મારી ચણિયાચોલીની શોપિંગ પતી ગઈ હવે.....!"

            "ના...ના..ના.!" લાવણ્યા હવે નાનાં બાળકની જેમ તેનાં ખભાં ઉછાળવાં લાગી "એકતો લેવીજ પડશે...! આમાંથી ગમેતે એક પાછી આપીદે.....!" લાવણ્યાએ કામ્યાની ચણિયાચોલીની બેગમાંથી ચણિયાચોલી કાઢવાં લાગી.

            "અને એની બદલે આ લૉ-વેઇસ્ટ લઈલે...!" લાવણ્યા બોલી.

            "અરે પણ....!"

            "મેં કીધુંને ....!" કામ્યા બોલવાં જતી હતી ત્યાંજ લાવણ્યા વચ્ચે છણકો કરતાં બોલી "આ લેવાની એટ્લે લેવાની....બસ..!"

            "અરે ભાઈ...!" લાવણ્યાએ હવે સ્ટૉલમાં ચણિયાચોલી બતાવી રહેલાં એક ભાઈ તરફ ફરીને કહ્યું "આમાંથી એક પાછી લઈલો અને એનાં બદલાંમાં આ લૉ-વેઇસ્ટવાળી આપીદો....!"

            "કઈં પાછી લેવાની....!?" એ ભાઈએ પૂછ્યું.

            "તને જે ના ગમતી હોય એ કે...!" લાવણ્યાએ કામ્યા તરફ જોઈને કહ્યું.

            "આલો....!" કામ્યાએ તેની ચણિયાચોલીની પ્લાસ્ટિક બેગમાંથી પરાણે એક ચણિયાચોલી પાછી આપી અને બદલાંમાં લાવણ્યાએ સિલેક્ટ કરેલી લૉ-વેઇસ્ટ ચણિયાચોલી લઈ લીધી.

***

            “પતી કે નઈ શોપિંગ....!?” લગભગ કલ્લાકેકથી ચ્હાની કીટલી ઉપર બેઠાં-બેઠાં કંટાળેલા સિદ્ધાર્થે લાવણ્યાને પૂછ્યું.

            “હજી કેટલીવાર લાગશે યાર....!?” સિદ્ધાર્થે એવાજ અધિર્યાં સ્વરમાં પૂછ્યું.

            “હજી.....અડધો -પોણો કલ્લાક લાગશે....!” લાવણ્યા પણ સામે ઢીલા સ્વરમાં બોલી “હું શક્ય એટલું જલ્દી પતાવું છું જાન....!”

            “સારું.....!” સિદ્ધાર્થે નિરાશ સ્વરમાં કહ્યું.

            માથું ધૂણાવતા-ધૂણાવતા સિદ્ધાર્થે કૉલ કટ કર્યો. સિદ્ધાર્થે હજી તો લાવણ્યાનો કૉલ કટ કર્યોજ ત્યાંજ નેહાનો કૉલ આવ્યો.

            “અરે યાર....!” સિદ્ધાર્થે નિ:શ્વાસ નાંખ્યો અને કંટાળીને માથું ધુણાવ્યું.

            થોડીવાર રિંગ વાગવા દઈને સિદ્ધાર્થે છેવટે તેણીનો કૉલ રિસીવ કર્યો.

            “તે મને કીધું પણ નઈ....અને તું અમદાવાદ જતો’ર્યો....!?” કૉલ રિસીવ કરીને હજીતો સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાજ નેહા સામેથી વેધક સ્વરમાં બોલી પડી.

            “ગઈકાલે રાતે જ્યારે પપ્પાએ મને કીધું.....ત્યારે તું ત્યાં હતીજને....!?” સિદ્ધાર્થ પણ ચિડાઈને બોલ્યો “મારે અલગથી તને કે’વાનું....!? અને ક્યાંય પણ જતાં પે’લ્લ.....મારે તને કે’વાનું....એમ....!?”

            “હું એમ નઈ કે’તી....!” સિદ્ધાર્થે ચિડાઈને જવાબ આપતા નેહા ઢીલા સ્વરમાં બોલી “તું કીધા વગર જતો’ર્યો....! મારે શોપિંગ કરવા જવું ‘તું....! મેરેજ અને નવરાત્રિ બેય માટે....!”

            “તને કીધું’તું તો ખરા....! બધા જવાના છેજ ....એ વખતે કરી લેજે....!” સિદ્ધાર્થ બોલ્યો “હું અહિયાં કામ માટે આયો છું....!”

            “સારું....!”

            “બાય....!” નેહા કઈં આગળ બોલે એ પહેલાજ સિદ્ધાર્થે કૉલ કટ કરી દીધો.

           

****

            “ક્યાંય પણ જતાં પે’લ્લ.....મારે તને કે’વાનું....એમ....!?”

            સિદ્ધાર્થે જે રીતે અકળાઈને વાત કરી, નેહાને લાગી આવ્યું હતું. છેલ્લાં ઘણાં સમયથી સિદ્ધાર્થનું વર્તન નેહા તરફ બદલાઈ ગયું હતું. નેહા પોતે આ અનુભવી ચૂકી હતી. ઘરના કામો માટે દોડાદોડી, રિવેન્જ માટે પોતે જે રીતે સિદ્ધાર્થને ટોર્ચર કરી રહી હતી, એવા બધા કારણોને લ્ધે સિદ્ધાર્થ અકળાયેલો રહેતો હશે એવું નેહાને લાગતું હતું. પણ નેહા હવે સમજી ગઈ હતી, કે તે પોતે આવું વિચારી-વિચારીને ફક્ત પોતાનું મન મનાવી રહી હતી. અક્ષયે જે ભય દર્શાવ્યો હતો, તે કદાચ હવે ધીરે-ધીરે સાચો થઈ રહ્યો હોવાનું નેહાને લાગી રહ્યું હતું.

            “મારે શોપિંગ કરવા જવું ‘તું....! મેરેજ અને નવરાત્રિ બેય માટે....! બેય માટે....!”

            સિદ્ધાર્થે કૉલ કટ કરી દેતાં નેહા મોબાઈલ હાથમાં પકડીને નિરાશ ચેહરે ઊભી રહી. શોપિંગ કરવાનો બધોજ ઉત્સાહ પણ મરી ગયો. 

****

            ચણિયાચોલીની શોપિંગ પતાવ્યાં પછી વધુ દોઢેક કલ્લાક સુધી એક્સેસરીઝ વગેરેની શોપિંગ ચાલી. આખી શોપિંગ દરમ્યાન લાવણ્યા ટાઈમ મળે સિદ્ધાર્થને ફોન કરી લેતી. દર વખતે અધિર્યા સ્વરમાં સિદ્ધાર્થ એકજ પ્રશ્ન પૂછ્યાં કરતો -

            "કેટલીવાર લાગશે....!?" સિદ્ધાર્થનાં સ્વરમાં રહેલી એ આતુરતાં લાવણ્યાને દર વખતે હચમચાવી નાંખતી. અને તે બધાંને શોપિંગમાં ઉતાવળ કરાવતી. ઘણી ઉતાવળ કરવાં છતાં પાર્લર અને શોપિંગમાં લગભગ આખો દિવસ પૂરો થઈ ગયો. 

            શોપિંગ લગભગ પતવાં આવતાં લાવણ્યાએ સિદ્ધાર્થને ફોન કર્યો.

            "હાય.....! શું કરેછે જાન....!?" સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાંજ લાવણ્યાનો ભાવભીનો સ્વર સંભળાયો. 

            "હાશ....! તારાંજ ફોનની રાહ જોતો'તો...!" ચ્હાની કીટલીની આગળ એન્ફિલ્ડની સીટ ઉપર બેઠેલો સિદ્ધાર્થ ખુશ થઈને બોલ્યો અને સીટ ઉપર ઘોડો કરીને બેઠો "બહુવાર કરી તમે લોકોએતો....! સાડા છ થવાં આવ્યાં....! આખો દિવસ પૂરો કરી નાંખ્યો....!"

            "સોરી જાન....!" સામેથી લાવણ્યા ઈમોશનલ સ્વરમાં બોલી "પણ શું કરું....!? બહુ ટ્રાય કર્યો તોય મોડું થઈ ગયું...!"

            "સારું...! કઈં વાંધો નઈ....! હવે તો આઈ જાઉંને...!?" સિદ્ધાર્થે આધિર્યા સ્વરમાં પૂછ્યું.

            "હાં....હાં....! આઈજા....! અમારે બસ પતવા જ આ’યું છે...!" લાવણ્યાએ ઉત્સાહપૂર્વક કહ્યું "લૉ ગાર્ડનના મેઇન ગેટ પાસે ના આવતો...! અમે લોકો ઓલાં "નળ"વાળાં સર્કલની સામે એક્સેસરીઝ લેવાં ઊભાં છીએ...!"

            "હાં....! સારું....! હું નજીકજ છું...! દસેક મિનિટમાં આયો....! " હાશકારો અનુભવતો સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં બોલ્યો અને બાઇકનો સેલ માર્યો.

            "હાં...! સારું....! બાય જાન.....!"

            "બાય...!"

            "અરે એકલું 'બાય'...!" લાવણ્યા નારાજ સ્વરમાં બોલી "બાય લવ"....! એવું આખું બોલને...!"

            "બાય લ....વ....!" સિદ્ધાર્થે સ્મિત કરીને લહેકો લઈને કહ્યું અને ફોન કટ કર્યો.

***

            “અરે યાર....! આટલી બધી ભીડ....!” લાવણ્યાએ કહેલાં તે લૉ ગાર્ડનના નળવાળા સર્કલે આવતાં રસ્તામાં સિદ્ધાર્થે સ્વસ્તિક ચાર રસ્તાની આગળના ચાર રસ્તાએ જામેલા ભયંકર ટ્રાફિકને જોતાંજ સિદ્ધાર્થ બબડયો.

            “પીઈઈપ....પીપ....પીપ......!”  

             ચારેય બાજુ ટ્રાફિકના હૉર્નનો ઘોંઘાટ હતો.

            “અહિયાં જ મૂકી દેવું પડશે....!” તેની સાઇડે રોડની બાજુમાં દેખાતાં એક બેન્કના પાર્કિંગ પ્લૉટ સામે જોઈને સિદ્ધાર્થ બબડયો અને ઝડપથી એ તરફ વળાવી લીધું.  

            “એટીએમમાંથી કેશ પણ ઉપાડી લેવી છે....!” પાર્કિંગમાં બાઇક લઈ જતાં-જતાં સિદ્ધાર્થે બેન્કની જોડેજ એજ બિલ્ડીંગમાં એટીએમ જોતાંજ વિચાર્યું.

            એન્ફિલ્ડ પાર્ક કરીને સિદ્ધાર્થ એટીએમમાં આવ્યો. થોડાં પૈસા કેશ ઉપાડીને સિદ્ધાર્થ ચાલતો મુખ્ય રોડ ઉપર આવ્યો. ફૂટપાથ ઉપર પણ લૉ ગાર્ડનના ચણિયા ચોલી માર્કેટ તરફ ચાલતાં આવતી-જતી ભીડ જોઈને સિદ્ધાર્થને નવાઈ લાગી રહી હતી. તેમની વચ્ચેથી જગ્યા કરીને સિદ્ધાર્થ ધીમે-ધીમે ચાલતો રહ્યો. નળવાળું સર્કલ દેખાતાં સિદ્ધાર્થે રોડ ક્રોસ કર્યો અને બે રોડ વચ્ચે ડિવાઈડર ઉપર ઊભો રહ્યો.  ડિવાઈડર ઉપર ઊભા-ઊભાજ સિદ્ધાર્થે નળવાળા સર્કલની સામેની બાજુ લૉ ગાર્ડનની દીવાલને અડીને બનેલા ચણિયાચોળના માર્કેટ તરફ નજર દોડાવી ભીડમાં લાવણ્યાને શોધવાનો પ્રયત્ન કર્યો.       

            "સિદ્ધાર્થ....!"

            ત્યાંજ લૉ ગાર્ડનના ગેટની પાસેજ ઉભેલાં એક્સેસરીઝ વાળાના સ્ટૉલ પાસે ઊભેલી લાવણ્યાએ સિદ્ધાર્થને જોઈ લેતા ઊંચા સ્વરમાં બૂમ પાડીને તેની તરફ હાથ હલાવ્યો.

            લાવણ્યાને જોઈને સિદ્ધાર્થે સ્મિત કર્યું અને પ્રતીભાવમાં તેનો હાથ થોડો ઊંચો કરી હલાવ્યો. હવે તે ડિવાઇડર ઉપરથી ઉતરીને તેમની તરફ જવાં લાગ્યો.

            તેણે સવારમાં બ્લેઝરવાળાં જે કપડાં પહેર્યા હતાં એજ કપડાં પહેરી રાખ્યાં હોવાથી લાવણ્યા મુગ્ધપણે તેને આવતો જોઈ રહી.

            "પતી ગ્યું તમારે....!?" તેમની જોડે આવીને ઊભો રહેતાં સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં બોલ્યો "તો ચાલો ફટાફટ....! અંકિતા અને ત્રિશાનાં ઘરે....!"

            "ઓહો....!" અંકિતા હવે ટીખળ કરતાં બોલી "જોતો....! કેટલી ઉતાવળ છે....!"

            લાવણ્યાએ સ્મિત કરીને તેની સામે જોયું. બધાં સિદ્ધાર્થ સામે જોઈને રમતિયાળ સ્મિત કરી રહ્યાં.

            "તું આખો દિવસ બ્લેઝર પે'રીને ફર્યો...!?" અંકિતાએ તેની આંખો નચાવતાં પૂછ્યું.

            "એક મિટિંગમાં જવાનું હતું....!" સિદ્ધાર્થ બોલ્યો "એટ્લે પછી પે'રીજ રાખ્યું....! મને તમારી જેમ વારેઘડીએ કપડાં બદલવાંની આદત નથી....!"

            "પણ તું બહુ હોટ લાગેછે હો.....!" અંકિતાએ ફરીવાર તેની આંખો નચાવી અને લાવણ્યા સામે જોયું.

            "બસ હવે....!" લાવણ્યા અકળાઈ.

            અંકિતાએ તેનાં કાન પકડી લીધાં.

            "લાય...! હું તારી બેગ પકડી લઉં...!" સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું અને સહેજ વાંકાવળીને લાવણ્યાનાં હાથમાંથી તેનાં સામાનની બધી શોપિંગ બેગ્સ લેવાં લાગ્યો.

            "નાં...!નાં....! તું રે'વા દેને....!" લાવણ્યાએ બધી બેગ્સ તેની પાછળ સંતાડવાં માંડી "તું આખાં દિવસનો થાક્યો હોઈશ....! હું મેનેજ કરી લઇશ....!"

            "ઓહો...!" રોનક વ્યંગ કરતાં બોલ્યો "અમે બેય આખાં દિવસનાં આટલો બધો સામાન પકડીને ફર્યા કરીએછે....! તોય અમારો કોઈ ભાવ નથી પૂછતું અને આ રાજકુમાર હજીતો જસ્ટ આ’યા છે....! ‘ને એમને આટલો બધો ભાવ....!?"

            "અરે બસ કરો....!" કામ્યા થોડું અકળાઇને બોલી "હવે ચાલોને યાર....!"

            "નાં....!" અંકિતા તેનો પગ પછાડતાં બોલી "મને ભૂખ લાગીછે....! પે’લ્લાં કઈંક ખવડાવો....!"

            "અરે શું યાર....!" લાવણ્યા હવે થોડી અકળાઈ "તું ઘરે જઈને જમી લેજેને...! આપણે તારાં ઘરેજ તો જઈએ છે....!"

            "નાં....! આજેતો મારે સિદ્ધાર્થ જોડે પાર્ટી જોઈએજ છે....!" અંકિતા ફરીવાર નારાજ થવાનો દેખાડો કરતાં બોલી.

            "પણ....પણ....! પછી મોડું થાયછે....!" લાવણ્યા હવે દયામણા સ્વરમાં બોલી "પ્લીઝ અંકિતા....! સમજને ....!"

            લાવણ્યા ઢીલી થઈને તેની સામે જોઈ રહી. કામ્યા અને ત્રિશાએ હવે અંકિતા સામે જોયું.

            "પણ પછી ક્યાં રોજ-રોજ આવું મસ્ત ભીડભાડવાળું એટમોસ્ફિયર મળશે યાર ...!" અંકિતાએ આજુબાજુ હાથ કર્યા "અને તને પણ સિદ્ધાર્થ જોડે બેસીને જમવાંની મઝા આવશે...!" અંકિતાએ તેની આંખ મિચકારી.

            લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. ઈચ્છા નાં હોવાં છતાં તેણે પરાણે સ્મિત કર્યું.

            "ચાલો....!" સિદ્ધાર્થ બોલ્યો અને પાછો વાંકો વળ્યો "લાય બેગ્સ મને આપીદે હવે....!"

            "પ્લીઝ બેગમાં જોતો નઈ....!" લાવણ્યાએ છેવટે તેનાં સામાનની બેગ્સ સિદ્ધાર્થને આપતાં કહ્યું "તારાં માટે બધી ચણિયાચોલી સરપ્રાઇઝ છે...!"

            "હાં સારું....!" સિદ્ધાર્થ બોલ્યો "હવે જઈએ....!?"

            "હાં...હાં...ચાલો...! મારે પણ પતી જ ગયુંછે....!" અંકિતા બોલી. 

            "બપોરે ખાધું'તું ત્યાંજ પાઉંભાજી ખાઈશું...!?" ત્રિશાએ પૂછ્યું.

            "હાં...! ત્યાંજ ખાઈ લઈએ....! બીજે બધે ભટકવાં રઇશું તો મોડું થશે....!" લાવણ્યા બોલી.

            "તો ચાલો...!" અંકિતા બોલી અને આગળ ચાલવાં લાગી.

            બધાં હવે લૉ ગાર્ડનનાં મુખ્ય ગેટ તરફ ચાલવાં લાગ્યાં. ત્રિશા, અંકિતા, કામ્યા અને પ્રેમ સૌથી આગળ ચાલી રહ્યાં હતાં. રોનક વચ્ચે ચાલી રહ્યો હતો. તો લાવણ્યા અને સિદ્ધાર્થ બધાંની પાછળ સહેજ અંતર રાખીને ચાલી રહ્યાં હતાં.

            ચાલતાં-ચાલતાં લાવણ્યાએ સિદ્ધાર્થનું બાવડું પકડી લીધું અને વ્હાલથી તેની ઉપર હાથ ફેરવી રહી.         

            "મને ખબર છે....! તારે કોઈ મોટીવાત શેયર કરવી છે...!" સિદ્ધાર્થનાં બાવડાં ઉપર હાથ ફેરવતી-ફેરવતી લાવણ્યા તેની સામે પ્રેમથી જોઈ મનમાં બબડી "પણ શું કરું...!? કોઈને કોઈ અડચણ આવીજ જાય છે....! અને મોડું થતુંજ જાયછે...!"

            સહેજ નિરાશ અને લાવણ્યાને બધુ કહી દેવા ઉતાવળા થયેલાં સિદ્ધાર્થે ચાલતાં-ચાલતાં પરાણે સ્મિત કરીને તેની સામે જોયું અને ફરી આગળ જોઈને ચાલવાં લાગ્યો.

            અંદર-અંદર મજાક મસ્તી કરતું ગ્રૂપ છેવટે ખાણી-પીણી બજારમાં આવી પહોંચ્યું. ચણિયાચોલી બજારની જેમજ ખાણીપાણી બજારમાં પણ એટલીજ ભીડ હતી. રસ્તાની એક બાજુ પાઉંભાજી, પંજાબી, ફાસ્ટફૂડ વગેરેનાં અનેક ઠેલાંવાળાં કે નાનાં-મોટાં સ્ટોલોવાળાં હતાં. બપોરે બધાં જે જગ્યાએ તેઓ જમ્યા હતાં ત્યાંજ જમવાં બેસી ગયાં. લાલ કલરનાં પ્લાસ્ટિકનાં લંબચોરસ ટેબલ અને ચેયરમાં બધાં સામ-સામે ગોઠવાઈ ગયાં. લાવણ્યા સિદ્ધાર્થની જોડે એકદમ ચોંટીને બેસી ગઈ. બધાં તેને જોઈને મલકાઈ રહ્યાં.

            ઓર્ડર કર્યા પછી થોડીવારમાં બધાં માટે પાઉંભાજી આવી ગયું. બધાંએ જમવાનું શરૂ પણ કરી દીધું. શોપિંગનાં થાક અને ભૂખને લીધે બધાં જમવાં ઉપર રીતસરનાં તૂટી પડ્યાં.

            "હમ્મ....!" લાવણ્યાએ ભાજીમાં પાઉંનો ટુકડો ડૂબાડીને સિદ્ધાર્થ સામે ધર્યો.

            સિદ્ધાર્થે બીજાં ફ્રેન્ડ્સ સામે જોયું. લાવણ્યાએ પણ બધાં સામે જોયું. બધાં તેમની સામે જોઈને મલકી રહ્યાં હતાં.

            બધાંનાં દેખતાં સિદ્ધાર્થ નઇ ખાય એમ માની લાવણ્યા ઢીલી થઈ ગઈ અને સિદ્ધાર્થને ધારેલો કોળિયો પાછો લેવાં લાગી.

            પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને કોળિયો તેનાં મોઢાંમાં મૂકી દીધો. કોળિયો ભરતી વખતે સિદ્ધાર્થે લાવણ્યાનાં હાથની આંગળીઓ ઉપર હળવેથી બાઇટ કરી લીધી. એવું કરતી વખતે તેણે એક શરારતી સ્મિત કરીને લાવણ્યા તરફ જોયું.                

            લાવણ્યા ભીંજયેલી આંખે હસી પડી.

            "Aww.....! એક ફોટો...એક ફોટો...!" અંકિતા કાલી ભાષાંમાં બોલી અને ફોટો પાડવાં તેનો ફોન હાથમાં લેવાં લાગી.

            "એ ફોટોવાળી....!" લાવણ્યા ચિડાઈ ગઈ અને અંકિતાનો ફોન ઝૂંટવી લીધો "વાઇરલ માસી...!"

            "વાઇરલ માસી...!?" અંકિતાએ મોઢું મચકોડયું.

            "હાં તારું નવું નામ....!" લાવણ્યા બોલી અને બધાં હસી પડ્યાં.

            મજાક-મસ્તી કરતાં-કરતાં બધાંએ છેવટે જમવાનું પતાવી લીધું. પોતાનું વોલેટ કાઢીને સિદ્ધાર્થ બિલ પે કરવા માટે પૈસા કાઢવા લાગ્યો.

            “અમ્મ.....! તું નઈ....તું રે’વાદેને....!” પાણીની બોટલમાંથી પાણી પી બોટલ નીચે મૂકતા-મૂકાતા લાવણ્યા છણકો કરીને સિદ્ધાર્થને કહેવા લાગી.

            “અરે કેમ....!? પાર્ટી તો સિદે જ આપવાની છેને....!?” ત્યાંજ અંકિતા બોલી પડી.

            “ના....! એ પૈસા નઈ આપે....!” લાવણ્યાએ આંખો મોટી કરીને પહેલા અંકિતા સામે જોયું પછી સિદ સામે.

            “પણ કેન્ટીનમાં પણ બધાનું બિલ સિદ જ પે કરે છે....!”  અંકિતાની જોડે બેઠેલી ત્રિશા બોલી.

            “અહિયાં નહીં...સિદ નઈ આપે....!” લાવણ્યા હકથી બોલી.

            “વાહ....અત્યારથી જ બચત....હમ્મ...હમ્મ....!” અંકિતાએ આઈબ્રો નચાવી.

            લાવણ્યાએ આંખો કાઢીને તેણી સામે જોયું.

            “સિદ....તને યાદ છેને....!?” લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને દયામણું મોઢું કરીને પૂછ્યું.

            “પ્રોમિસ કર....તું મારી પાછળ કોઈ દિવસ પૈસા નઈ ખરચે.....! નઈ ખરચે.....!’”

            “હમ્મ.....!” લાવણ્યાને આપેલું પ્રોમિસ યાદ આવી જતાં સિદ્ધાર્થે પ્રેમથી હુંકારો ભરી માથું ધૂણાવ્યું અને પોતાનું વોલેટ પાછું પોતાના જીન્સના પોકેટમાં મૂક્યું.

            લાવણ્યાએ બધાનું બિલ પે કરી દીધું.

            "તું બાઇક લીધાં વગર આ’યો છે...!?" જમીને બધાં ઊભાં થયાં ત્યાંજ અંકિતાએ સિદ્ધાર્થને પૂછ્યું.

            "નાં....! નળવાળાં સર્કલની આગળનાં ચાર રસ્તાંએ બેન્કનાં પાર્કિંગમાં મૂક્યું છે....!" સિદ્ધાર્થ બોલ્યો "અહીં સુધી વ્હીકલ નઈ લવાય એવું...!"  

            "તમે લોકો...!?" સિદ્ધાર્થે પૂછ્યું.

            "અમારું વ્હીકલ તો કોલેજનાં પાર્કિંગમાં પડ્યું છે...!" કામ્યા બોલી.

            "તો એક કામ કરીયે....! હું કાર મંગાઈ લઉં....! તમે બધાં અને તમારો સામાન કારમાં....! વારાફરતી બધાંને ઘરે પહોંચાડી દઇશું.....!" સિદ્ધાર્થે સૂચવ્યું.

            "નાં.....!" લાવણ્યા તરતજ અધિર્યા સ્વરમાં સિદ્ધાર્થનો હાથ પકડીને બોલી "મારેતો તારાં બાઈક ઉપર જ જવુંછે...!"

            "અરે પણ બાઇક ઉપર આટલો બધો સામાન લઈને જતાં નઈ ફાવે એટ્લે કઉછું...!" સિદ્ધાર્થ સમજાવવાંનાં સૂરમાં બોલ્યો.

            "મને બધું ફાવશે....!" લાવણ્યા ભારપૂર્વક બોલી "હું તો બાઈક ઉપર જ જઈશ...!"

            લાવણ્યાની જિદ્દ જોઈને બધાં હસી પડ્યાં. અંકિતા થોડું વધુ જોરથી હસતાં લાવણ્યાએ તેની સામે ઘુરકીને જોયું. અંકિતાએ તરતજ તેનાં કાન પકડી લીધાં.

            "તો પછી તું અને લાવણ્યા બાઈક ઉપર આવો...!" કામ્યા સ્મિત કરતાં બોલી "અમે લોકો તું કાર મંગાઈશ એમાં આઈએ....! પે’લ્લાં મારું ઘર આવેછે તો મને ઉતારી દેજે....! પછી ત્રિશા અને અંકિતાને ઉતારી દેજે.....! એમનું ઘર એકબીજાંની આજુબાજુની સોસાયટીઓમાંજ છે.....!"

            "બધો સામાન પણ કારમાં જ લઈલોને ....!" પ્રેમે સૂચવ્યું.

            "સાચી વાત....!" ત્રિશા બોલી "પણ કામ્યા તું પે’લ્લાં ઉતરી જઈશ પછી અમે બેય કારમાં એકલાં બોર નઈ થઈએ....!?"

            "બે જણાં એકલાં કેવીરીતે કે'વાય....!?" રોનકે ટીખળ કરી.

            "અરે પણ અમે કોઈ અજાણી વ્યક્તિ જોડે કારમાં ઘરે જઈશું તો પપ્પા ચિડાઈ જશે....!" અંકિતા બોલી.

            "પણ હું જોડે આવુંછુંને ....!" રોનક બોલ્યો "આપડને બધાંને ઉતારીને કાર પાછી આ બાજુ આવશે એટ્લે હું જોડે આવીશ અને કોલેજમાંથી મારું બાઈક લઈને પાછો ઘેર જતો રઈશ....!"

            "તો તો બહુ લેટ નહીં થાય...!?" કામ્યાએ પૂછ્યું.

            "અરે નારે....! અમે તો એમપણ રખડેલ માણસો છે...! મોડાં સુધી રખડતાંજ હોઈએછે...!"

            "તો ચાલશે...! તું પણ અમારાં ઘરે જોડે રે'જે....! અમારાં મોમ-ડેડને મનાવવામાં સિદ્ધાર્થને સપોર્ટ કરવાં....!" અંકિતા બોલી.

            "અને પ્રેમ તું....!?" કામ્યાએ પ્રેમને જોઈને પૂછ્યું.

            "હું તો કોલેજમાંથી મારું બાઈક લઈને સીધો ઘરે હવે....!" પ્રેમ બોલ્યો.

            બધાં વાતો કરતાં હતાં ત્યાંસુધી સિદ્ધાર્થે તેનાં અંકલ સુરેશસિંઘને ફોન કરીને તેમની કાર મંગાવી લીધી. પંદરેક મિનિટ પછી કાર આવી પહોંચતાં લાવણ્યા અને સિદ્ધાર્થ સિવાય રોનક, કામ્યા, અંકિતા અને ત્રિશા કારમાં જતાં રહ્યાં. પ્રેમ કોલેજ જવાં ઓટોમાં જતો રહ્યો અને સિદ્ધાર્થે બાઈક કારની પાછળ-પાછળ સલામત અંતરે ચલાવી લીધું.

            કામ્યાને ઉતારીને સિદ્ધાર્થ, લાવણ્યા અને રોનક પહેલાં ત્રિશા અને પછી અંકિતાનાં ઘરે તેમનાં પેરેન્ટ્સને મનાવવાં ગયાં. સિદ્ધાર્થ કોલેજનાં ટ્રસ્ટીનો છોકરોછે અને કોલેજનાં ટ્રસ્ટીનીજ કાર ત્રિશાને લેવાં-મૂકવાં આવશે એ વાત સાંભળીને ત્રિશાનાં પેરેન્ટ્સે વધુ આનાકાની કર્યા વિના ત્રિશાને નવરાત્રિ માટે બધાં જોડે જવાની "હાં" પાડી દીધી. અંકિતાનાં પેરેન્ટ્સને સમજાવવાંમાં થોડો વધુ સમય ગયો. છેવટે રોનકે જ્યારે કહ્યું કે કારમાં લેવાં-મુકવાં એમ બંને વખતે તે જોડેજ રહેશે ત્યારે અંકિતાનાં પેરેન્ટ્સ પણ માની ગયાં.

            રોનક કારમાં પાછો કોલેજ ગયો અને ત્યાંથી બાઈક લઈને પોતાનાં ઘરે જતો રહ્યો. બધું પતાવીને લાવણ્યા અને સિદ્ધાર્થ હવે પાછાં ફરવાં લાગ્યાં.

            "લાવણ્યા....!" પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટ પાસે ઊભેલી અંકિતા બોલી "સોરી.....!"

            લાવણ્યા તેની જોડે ઊભી હતી. સિદ્ધાર્થ બાઇક ઉપર બેસવાંજ જતો હતો.

            "સોરી કેમ...!?" લાવણ્યાએ આશ્ચર્યથી પૂછ્યું.

            "મને ખબર છે ....!આજે મેં તમારો બેયનો બઉ ટાઈમ ખરાબ કર્યો....!" અંકિતા ઢીલાં સ્વરમાં બોલી "તમારે બેયને આજે જોડે ટાઈમ સ્પેન્ડ કરવોતો....! પણ મારાં લીધે....!"

            અંકિતાનો સ્વર ગળગળો થઈ જતાં તે અટકી.

            "અરે....! અંકિતા....!" લાવણ્યા બોલવાં ગઈ.

            "લાવણ્યા....!" અંકિતા વચ્ચે બોલી "આ છેલ્લું વર્ષ છે....! છેલ્લી નવરાત્રિ....! પછી બધાં છૂટાં પડી જઈશું...! કોને ખબર મળશું કે નઈ....!? હું બસ શક્ય એટલી મેમરીઝ ક્રિએટ કરી તેને મનભરી જીવી લેવાં માંગુ છું...!"

            અંકિતા ફરી થોડું અટકી અને વારાફરતી બંને બાજુ જોઈને ભીનાં સ્વરમાં બોલવાં લાગી-

            "તને ચીડવવાનું, સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કરવાનું....! કેન્ટીનમાં બધાં જોડે મસ્તી કરવાની....! બધુ બહુ યાદ આવશે....! બહુ યાદ આવશે...." છેવટે અંકિતા રડી પડી.

            "અરે....! ઇટ્સ ઓકે યાર.....!" લાવણ્યાએ અંકિતાને બાથમાં ભરી લીધી.

            "સિદ્ધાર્થ.....!" અંકિતાએ સિદ્ધાર્થની સામે જોયું "મેસેજ વાઇરલ કરવાં માટે સોરી....! લાવણ્યાનો કોઈ વાંક નો’તો....!" 

            "કઈં વાંધો નઈ.....!" સિદ્ધાર્થે હળવેથી અંકિતાના ખભે ટપલી મારી.

            થોડીવાર સુધી અંકિતા જોડે ઊભાં રહ્યાં બાદ બંને છેવટે બાઈક ઉપર પાછાં જવાં નીકળી ગયાં.   

            જતાં અને પાછાં ફરતી એમ બંને વખતે, આખાય રસ્તે લાવણ્યા સિદ્ધાર્થને ચીપકીને બેસી રહી હતી. ક્યારે તે સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર તેનાં હાથ રબ કરતી તો ક્યારેક તેનાં ગાલ, કાન કે ગળાં ઉપર હળવેથી બાઈટ કરતી. વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ જોકે મોટેભાગે નાનકડાં સ્મિત જેટલો ઠંડો પ્રતીભાવ આપતો. અગાઉ કરતાં અલગ સિદ્ધાર્થનાં આ વખતે પ્રતીભાવમાં લાવણ્યાને પણ એ ઉષ્મા નહોતી વર્તાઈ રહી જે દરવખતે લાવણ્યાની એવી હરકતોનાં જવાબમાં હોતી.   

            "મને ખબરછે....! જ્યાંસુધી તું મારી જોડે એ વાત શેયર નઈ કરે ત્યાંસુધી આવોજ રઈશ....!" સિદ્ધાર્થની બેક ઉપર માથું ઢાળીને લાવણ્યા મનમાં બબડી " મૂંઝાયેલો.... મૂંઝાયેલો.....!"

            મનમાં વિચારી રહેલી લાવણ્યાએ સિદ્ધાર્થ ફરતે તેની પકડ વધુ કસી. તેનાં ઉરજો હવે સિદ્ધાર્થની કઠોર બેક ઉપર વધુ ભીંસાયાં. લાવણ્યાનું શરીર હળવી ઉત્તેજનાંથી ધ્રૂજવાં લાગ્યું. તો સામે સિદ્ધાર્થના શરીરે પણ હળવી ધ્રુજારી અનુભવતા તેના વિચારો ભંગ થયા.  

            "સિદ.....!" લાવણ્યાએ તેની દાઢી સિદ્ધાર્થનાં ખભાં ઉપર ટેકવી "રિવરફ્રન્ટ જવાંદે....!"

            "તારે મોડું થશે....!" સિદ્ધાર્થ સુકાં સ્વરમાં બોલ્યો.

            ભારે અવાજ કરતું રોયલ એનફિલ્ડ હવે જમાલપૂર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. નવરાત્રિ હોવાથી AMC દ્વારાં અમદાવાદનાં લગભગ બધાંજ ફલાયઓવર અને બ્રિજને ખૂબસુરત લાઇટિંગથી સજાવાયાં હતાં.

            થોડીવાર સુધી બંને મૌન થઈ ગયાં. સિદ્ધાર્થ પાછો વિચારોમાં ખોવાઈ ગયો. છેવટે જમાલપૂર બ્રિજનો છેડો આવી ગયો. લાવણ્યાનાં ઘરે જવાં માટે સીધું જવાનું હતું. જ્યારે રિવરફ્રન્ટ જવાં બ્રિજની ડાબી બાજુનાં રસ્તે. બ્રિજનાં છેડે પહોંચવાં આવતાં સિદ્ધાર્થે છેવટે બાઈક ધીમું કર્યું અને છેવટે ઊભું રાખ્યું.

            "તું થોડી મોડી જઈશ તો નઈ ચાલે....!?" સિદ્ધાર્થે સહેજ પાછું મોઢું કરીને લાવણ્યાને પૂછ્યું.

            "તો મેં કીધુંતો ખરાં .....! કે રિવરફ્રન્ટ લઈલે....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "તો ....તો ...તું કેવાં સાવ રૂખાં-સુખાં સ્વરમાં બોલ્યો....!"

            સિદ્ધાર્થ મૌન થઈને ઢીલાં ચેહરે આગળ જોવાં લાગ્યો.

            "હું સાચું કઉ છું જાન.....!" લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ "મેં....મેં બઉ ટ્રાય કર્યો'તો શોપિંગ જલ્દી પતાવાંનો....! પણ બધાંની જોડે મોડું થઈ ગયું....!"

            "હાં સારું....!" સિદ્ધાર્થ બોલ્યો "તો....! હું જવાં દઉંને રિવરફ્રન્ટ ....!?"

            "હાસ્તો....! જાન....! એમાં શું પૂછેછે....!"

            સિદ્ધાર્થે છેવટે બાઈક બ્રિજની ડાબી બાજુનાં રસ્તે ઉતારી લીધું રિવરફ્રન્ટ તરફ ચલાવી લીધું.

            રિવરફ્રન્ટ પહોંચીને તેનાં ઉપરનાં ભાગે બાઈક ઊભું રાખી બંને ઉતાર્યા. થોડીવાર સુધી બંને બાઈકની જોડેજ ઊભાં રહ્યાં. રાતનાં લગભગ સવા આઠ થયાં હતાં. શિયાળાંનો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. એમાય રાત્રે-રાત્રે પડી જતાં જોરદાર વરસાદી ઝાપટાંઓને લીધે ઑક્ટોબર મહિનામાં વાતાવરણ ડિસેમ્બરની ઠંડી જેવુ થઈ ગયું હતું. સિદ્ધાર્થ અને લાવણ્યાની જેમ અનેક કપલ્સ આજુબાજુ ઊભાં હતાં.  થોડીવાર સુધી સિદ્ધાર્થ આમતેમ જોતો રહ્યો. લાવણ્યા તેની નજર ફેરવ્યાં વગર સિદ્ધાર્થની સામેજ વ્હાલથી જોઈ રહી.

            "તું આ વ્હાઇટ ટી-શર્ટમાં અને જીન્સમાં પણ મસ્ત લાગેછે..!" સિદ્ધાર્થે પરાણે કોઈ વાત કરતાં કહ્યું અને તેણે લાવણ્યાનાં વખાણ કરી દીધાં.

            ચુસ્ત વ્હાઇટ ટી-શર્ટ અને સ્કાય બ્લ્યુ જીન્સમાં લાવણ્યા સુંદર લાગી રહી હતી. સિદ્ધાર્થ સ્મિત કરીને થોડીવાર તેની સામે જોઈ રહ્યો પછી ફરીવાર તેણે નજર ફેરવી લીધી. 

            "સિદ....!" સિદ્ધાર્થની વધુ નજીક સરકીને લાવણ્યા છેવટે પ્રેમથી બોલી "શું વાત કે'વીછે તારે જાન....!"

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેનાં હોંઠ ફફડાવી રહ્યો જાણે તે બોલવાનો પ્રયન્ત કરી રહ્યો હોય. બધુજ લાવણ્યાને કહી દેવાનું તેને મન થઈ આવ્યું, પણ કેવી રીતે એ ના સમજાયું. ઈચ્છવા છતાય તેનાથી કશું કહી ના શકાયું.

            "સિદ.....!" લાવણ્યાએ સિદ્ધાર્થ ચેસ્ટ ઉપર હ્રદયના ભાગે હાથ મૂક્યો "મારું મન ગભરાય છે.....! જીવ અદ્ધર થઈ ગયો છે જાન....!બોલને...!"

            "નીચે ચાલવાં જઈએ....!?" સિદ્ધાર્થ પરાણે બોલ્યો "અહીં બઉ બધાં કપલ્સ ઊભાં છે....!"

            "હમ્મ...!" લાવણ્યાએ હકારમાં માથું ધુણાવ્યું અને સિદ્ધાર્થનો હાથ પકડી લીધો.

            બંને હવે રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગે જવાનાં રસ્તા તરફ ચાલવાં લાગ્યાં.

            "અરે એક મિનિટ....!" જતાં-જતાં લાવણ્યા અટકી અને બાઇક તરફ જોઈને બોલી "મારો બધો સામાન....! કોઈ લઈ જશેતો....!?"

            સિદ્ધર્થે હવે બાઈકનાં બંન્ને બાજુનાં હૂક ઉપર ભરાવેલી લાવણ્યાનાં સામાનની બેગો જોઈ. બંને બાજુનાં હૂક ઉપર લગભગ સાતેક જેટલી મોટી પ્લાસ્ટિક બેગો ભરાવેલી હતી. 

            "અરે બાપરે....! આ બધી બેગો તારીજ છે...!?"સિદ્ધાર્થે નવાઈ પામીને પૂછ્યું "હુંતો વિચારોમાં એવો ખોવાયેલો હતો કે મારુંતો ધ્યાનજ ન’તું ગયું....! એટલું બધું શું છે બધી બેગોમાં...!?"

            "અરે કેમ આમ કરેછે....!" લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ પકડીને તેને બાઇક જોડે ખેંચી ગઈ "બધી ચણિયાચોલીજ છે...! અને એક્સેસરીઝ વગેરે....!?"

            લાવણ્યાએ હવે એક થેલી હૂકમાંથી કાઢી અને અંદરથી ચણિયાચોલી કાઢવાં લાગી.

            "હું તને બતાઉ....!" લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી "લૉ-વેઇસ્ટજ લીધી છે....! નવ દિવસની નવ લીધી છે....! બધી જુદાં-જુદાં કલરની...!"

            "આખી નવ....!" સિદ્ધાર્થ આંખો મોટી કરી અચરજથી બોલ્યો "એક કેટલાંમાં આઈ...!?"

            "ત્રણેક હજારની....!" લાવણ્યાએ હવે થેલીમાંથી ચણિયો બહાર કાઢ્યો "જો....! સરસછેને....!?"

            "ત્રણ હજારની એટ્લે....!" સિદ્ધાર્થ હવે મનમાં ગણતરી કરતાં બોલ્યો "તો સત્યાવીસ હજારની તો ખાલી ચણિયાચોલીજ થઈ....!"

            આશ્ચર્યથી આંખો મોટી કરી સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોઈને બોલ્યો.

            "હાં....!" લાવણ્યા સ્વાભાવિક બોલી "આ જોતો ખરાં કેવીછે...!?"

            "તો પછી....! બધી ચણિયાચોલીની એક્સેસરીઝ....! તારાં પાર્લરનો ખર્ચો....! અને નવ દિવસ તૈયાર થવાનું તમારું પેકેજ....! લાવણ્યા...! કેટલો પૈસાં ખર્ચ્યા તે...!?"

            "પિસ્તાલીસ હજાર..!" લાવણ્યા ફરીવાર એજરીતે બોલી "કેમ...!?"

            "હે ભગવાન...!?" સિદ્ધાર્થ ફરીવાર ચોંકીને બોલ્યો "લાવણ્યા ....! શું કરવાં આટલો બધો ખર્ચો કર્યો તે....!? અને આટલાં બધાં પૈસાં ક્યાંથી લાઈ તું....!?"

            "અરે બાબા....!" બેગ્સ ફેંદી રહેલી લાવણ્યા હજીપણ એવાજ ઉત્સાહ સાથે સ્વાભાવિક સ્વરમાં બોલી ગઈ "મેં બઉ પૈસાં નઈ ખર્ચ્યા....! વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...! ચણિયાચોલી અને એક્સેસરીઝ લેવાં માટે....!"

            પોતાનાં હાથમાં ચણિયો આમતેમ ફેરવતી લાવણ્યા બોલી ગઈ.

            "મેં બઉ પૈસાં નઈ ખર્ચ્યા....! નઈ ખર્ચ્યા....!”

            “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!”

            “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!”

            સિદ્ધાર્થને જાણે આઘાત લાગ્યો હોય એમ તે લાવણ્યા સામે ભીની પણ કઠોર આંખે જોઈ રહ્યો.

            કઈંક અનહદ તીક્ષ્ણ અને ધારદાર જાણે સિદ્ધાર્થના હ્રદયને ચીરી નાંખતું હોય એવું સિદ્ધાર્થને ફીલ થયું અને સિદ્ધાર્થ મનમાં જ લાવણ્યાને એ પ્રશ્ન પૂછી બેઠો “કેમ લાવણ્યા.....!?”

            ચણિયા ચોલી જોઈ રહેલી લાવણ્યાને અચાનક તેને ભાન થયું કે સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વિના તેની સામે જોઈ રહ્યો છે. લાવણ્યાએ હવે ચણિયા ઉપરથી તેનું ધ્યાન હટાવીને સિદ્ધાર્થનાં ચેહરા તરફ જોયું.

            તેનો ચેહરાં ઉપરનાં ભાવ પૂરેપૂરાં બદલાઈ ગયાં હતાં. સિદ્ધાર્થ કઠોર ચેહરે અને ભીની આંખે લાવણ્યાની સામે જોઈ રહ્યો હતો.

            "તે વિશાલ જોડેથી પૈસાં લીધાં....!?" સિદ્ધાર્થ કાંપતાં પણ કઠોર સ્વરમાં બોલ્યો "એ છોકરો જેણે તારી છેડતી કરી'તી....!?"

            તેની આંખો ભીની થઈ ગઈ.  

            "ન...નઇ....! સિદ...! એ....!"

            "એ છોકરાં જોડેથી જેની જોડે તું વન નાઈટ...!" સિદ્ધાર્થ એજરીતે બોલતાં-બોલતાં અટકી ગયો અને આડું જોઈ ગયો.

            લાવણ્યાને એકજ ક્ષણમાં પોતાની ભૂલ સમજાઈ ગઈ.

            "સિદ....સિદ...! I'm sorry....! I'm sorry....! I'm so sorry....!" લાવણ્યાએ હવે ચણિયો બાઇકની સીટ ઉપર મૂકી દીધો અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂકી દીધો. સિદ્ધાર્થે છતાંપણ લાવણ્યાથી નજર મિલાવવાંનું ટાળ્યું અને આડું જોવાં લાગ્યો.

            "સિદ....! સિદ...! આવું ના કરને ...! મારી ....મારી સામેતો જો...!" લાવણ્યા હવે રડી પડી " I'm sorry....! I'm sorry....! પ્લીઝ સિદ....! આમતો જો....! મારી સામેતો જાન...!"

            "લાવણ્યા....!" સિદ્ધાર્થ ફરીવાર કાંપતા સ્વરમાં બોલ્યો.

            આ વખતે તેની આંખો થોડી વધું ભીંજાઇ ગઈ હતી.

            "એકવાર....! તે એકવાર મને કીધુંપણ નઈ....!" સિદ્ધાર્થે લાવણ્યાનાં બંને ખભાં સહેજ જોરથી પકડી લીધાં "એકવાર મારી જોડે પૈસાં માંગ્યા હોતતો...!?"

            "I....I'm sorry....! સિદ....!પ્લીઝ I'm so sorry....!" લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂક્યો "મ....મારી વાત....! વાતતો સંભાળ"

            “તે મને હમણાં જમવાના પણ પૈસા ના કાઢવા દીધા.....!” સિદ્ધાર્થે યાદ આપવ્યું.

            તેના સ્વરમાં રહેલી પારાવાર પીડાથી લાવણ્યાનું હ્રદય જાણે ચિરાઈ ગયું.  

            "મને એમ હતુંકે હું તને પૈસાં આપીશ....! કે પછી મારી જોડેથી પૈસાં લેવાનું કઈશ તો ....તો તારી સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થશે....!" સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે આડું જોઈ ગયો.

      "અને તું.....!" સિદ્ધાર્થે પાછું લાવણ્યા સામે ભીની આખે જોયું. તે હવે વધુ કાંપતાં સ્વરમાં બોલ્યો "તું એ છોકરાંનાં પૈસાંથી ચણિયાચોલી લાવી અને મને સરપ્રાઇઝ આપવાની વાત કરેછે જેની જોડે તું એક રાત..!"

            હિમ્મત કરવાં છતાંપણ સિદ્ધાર્થ લાવણ્યા માટે "એ વાત" વધુ આગળ ના બોલી શક્યો. તેની આંખો વધુ ભીંજાઈ જતાં તે ફરી આડું જોઈ ગયો અને તેનું મોઢું તેનાં બંને પંજા વડે ઢાંકી દીધું.

            "આ... આવું નાકર....! પ્લીઝ સિદ....! આવી રીતે મોઢું ના ફેરવને...!" લાવણ્યા હવે રઘવાઈ થઈ ગઈ અને સિદ્ધાર્થનો ચેહરો પોતાની તરફ ફેરવવાં મથી રહી "આમ જોને....! મારી સામે તો જાન...!"

            "બાઇક ઉપર બેસ લાવણ્યા...!" લાવણ્યાનો હાથ હટાવી સિદ્ધાર્થ ભીની આંખે માંડ બોલ્યો અને સીટ ઉપર લાવણ્યાએ મૂકેલો ચણિયો ઉઠાવીને ગુસ્સાંમાં બેગમાં ઠૂંસવાં લાગ્યો.

            "ઓહ ગોડ....! તું ....તું રડતો નઈ જાન....!" સિદ્ધાર્થની આંખમાં આવી ગયેલાં આંસુ જોઈને લાવણ્યા ભાંગી પડી "સિદ...સિદ...! મને...મને એકવાર એક્સપ્લેઇન તો....ક...કરવાંદે....! જાન આવ....આવું ના કરને...!"

            "લાવણ્યા....! કીધુંને બાઇક ઉપર બેસ....!" સિદ્ધાર્થે પ્લાસ્ટિકને એ બેગને પાછી હુકમાં ભરાવી દીધી.

            "એક...એકવાર મ....મ....મારી વાત...!"

            "લાવણ્યા...! ચૂપચાપ બાઇક ઉપર બેસ કીધુંને....!" સિદ્ધાર્થ માંડ ગુસ્સો દબાવતાં ભીનાં સ્વરમાં બોલ્યો અને પોતે સ્ટિયરિંગ પકડીને બાઇકની સીટ ઉપર બેસી ગયો.

            બાઇકનો સેલ મારી તે લાવણ્યાનાં બેસવાંની રાહ જોઈ રહ્યો.

            "સિદ...પ્લીઝ...! મારી વાત....!"

            "બેસ.....!" સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોયાં વિના થોડાં કઠોર સ્વરમાં બોલ્યો. તે ઊંડા-ઊંડા શ્વાસ લેવા લાગતાં તેની છાતી ધમણની જેમ ફૂલવા લાગી.

            સિદ્ધાર્થે બાઇક ઉપર બેસવા કહ્યું છતાંપણ લાવણ્યા તેની સામે દયામણી નજરે જોઈ રહી.

            તેની આંખમાંથી દડદડ આંસુ વહેવાં લાગ્યાં.

            “મારી વ.... વાત સંભાળને પ્લીઝ....!” રડતાં-રડતાં લાવણ્યા કરગરી પડી.

            "મને વધારે હર્ટ નાં કરવાં માંગતી હોયતો....! બેસ...!" સિદ્ધાર્થ ફરીવાર બોલ્યો.

            લાવણ્યા પરાણે બાઇક ઉપર બેઠી. પાછળ બેસી તેણે સિદ્ધાર્થને રોજની જેમ કચકચાવીને પકડી લીધો.

            "એક પણ શબ્દ હવે નાં બોલતી....!" સિદ્ધાર્થ હવે વધુ કઠોર સ્વરમાં બોલ્યો અને બાઇક ગિયરમાં નાંખી ઝડપથી બાઇક રિવરફ્રન્ટથી મુખ્ય રોડ ઉપર લઈ લીધું.

***

            "ઘ...ઘરે નઇ આવે....!?" સિદ્ધાર્થે બાઈક લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખતાં લાવણ્યા બાઈક ઉપરથી ઉતરી સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહેતાં બોલી "હું....હું....સરસ ચ....ચ...ચ્હા પીવડાવું....!"

            સિદ્ધાર્થે સખત શબ્દોમાં બોલવાંની નાં પાડી દેતાં આખાં રસ્તે લાવણ્યા માંડ-માંડ મૌન રહીને બેસી શકી હતી.  આખાય રસ્તે સિદ્ધાર્થ પણ ગુસ્સેથી એકના એક વિચારોના વમળોમાં વીંટલાયેલો રહ્યો હતો.

            "સીધી ઘરેજા....!" સિદ્ધાર્થે હવે લાવણ્યાની બધીજ શોપિંગ બેગ્સ બાઈકનાં બંને બાજુનાં હુકમાંથી કાઢીને લાવણ્યાનાં હાથમાંથી પકડાવી દીધી "અને તને મારાં સોગંધ જો પાછું વળીને જોયું તો...!"

            "સિદ...સિદ...! આવું શું કામ બોલેછે....!" શોપિંગ બેગ્સ હાથમાં પકડીને લાવણ્યા કરગરવાં લાગી "જાન ....! એકવાર....પ્લીઝ...! એકવાર તો મારી વાત સાંભળ...!"

            " મને એમ તું સોગંધમાં માનતી હોઈશ...!" સિદ્ધાર્થ વેધક સ્વરમાં વ્યંગ કરતાં બોલ્યો.

            "પ...પાછુંવળીને પણ નઇ જોવાનું....!? કેવો જબરો છે તું તો...!" લાવણ્યા હવે ફરી રડુંરડું થઈ ગઈ "આવું નાં કરને જાન....!"  

            સિદ્ધાર્થ કઈં નાં બોલ્યો અને સામેની બાજુ જોઈ રહ્યો. લાવણ્યા દયામણી નજરે તેની સામે જોઈ રહી.

            "તું....તું....! કાલે આઈશને...!" લાવણ્યા હવે માંડ બોલી.

            "જા લાવણ્યા.....!"  સિદ્ધાર્થ તેની સામે જોયાં વિનાજ બોલ્યો.

            "લાવણ્યા....! લાવણ્યા શું કામ કેછે....!? "લવ" કે'ને....!"

            સિદ્ધાર્થ ફરીવાર ચૂપ રહ્યો.

            "તું .....! તું શાંતિથી બાઇક...બાઈક ચાલવજે....!" લાવણ્યાએ હવે તેનાં એક હાથમાં રહેલી શોપિંગ બેગ્સ નીચે રોડ ઉપર મૂકી અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ અડાડવા ગઈ.

            ગુસ્સે થયેલાં સિદ્ધાર્થે તરતજ મોઢું બીજી દિશામાં ફેરવી લીધું.

            "હ...હાથતો લગાડવાંદે....! આવું નાં કરને જાન...!"

            "તું જઈશ હવે..!?" સિદ્ધાર્થ ભીની આંખે ગળગળાં સ્વરમાં તેની સામે જોઈને કહ્યું.

            “સિદ પ્લીઝ....!”

            “જા....!” સિદ્ધાર્થ માંડ-માંડ તેનો સ્વર કઠોર કરતાં બોલ્યો.

            ભારે હ્રદયે લાવણ્યા છેવટે પાછી ફરી અને રોડ ઉપર મૂકેલી શોપિંગ બેગ ઉઠાવીને રોસ ક્રોસ કરી સોસાયટીમાં જવાં લાગી. હાથમાં ઘણી બધી બેગ્સ લઈને સોસાયટી તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થથી ના રહેવાયું અને અત્યંત નારાજ હોવા છતાય તે બાઇક સ્ટેન્ડ કરીને ઉતાવળા પગલે તેણી તરફ દોડી ગયો.

            લાવણ્યા સોસાયટીમાં હજી થોડું અંદર પહોંચીજ હતી કે પાછળથી સિદ્ધાર્થ દોડીને આવ્યો અને લાવણ્યા કઈંપણ સમજે એ પહેલાંજ તેણે તેણીના બંને હાથમાંથી શોપિંગ બેગ્સ લઈ લીધી અને આગળ થઈને ઉતાવળાં પગલે ચાલવા લાગ્યો.

            “સિદ....સિદ.....!” તેની જોડે થવાં મથી રહેલી લાવણ્યા કરગરી ઉઠી

            સિદ્ધાર્થ વધુ ઉતાવળાં પગલે દોડી તેણીનાં ઘરે પહોંચી ગયો.

            કમ્પાઉન્ડમાં લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેન ઊભાં-ઊભાં તેમનાં પાડોશનાં કોઈ બહેન સાથે વાત કરી રહ્યાં હતાં.

            સિદ્ધાર્થને જોઈને તેમણે કમ્પાઉન્ડનો ગેટ ખોલી દીધો.

            "લાય મને બેગ આપ...!" સુભદ્રાબેને કહેતાં સિદ્ધાર્થે બધી બેગ્સ તેમને આપી દીધી.

            "આજે મારે મોડું થાય છે હોં આંટી બાય...સોરી...!" તે હવે ઝડપથી પાછો ફરીને એજરીતે ઉતાવળા પગલે જવાં લાગ્યો.

            "અરે પણ બેટાં....!" સુભદ્રાબેન બોલી રહ્યાં પણ સિદ્ધાર્થ ઉતાવળાં પગલે જતો રહ્યો.

            "હું આવું મમ્મી...!" હજી માંડ આવીને ઊભી રહેલી લાવણ્યા પાછી સિદ્ધાર્થની પાછળ દોડી.

            "સિદ...સિદ...!" લાવણ્યા હવે સિદ્ધાર્થની નજીક પહોંચી ગઈ.

            ઉતાવળાં પગલે ચાલતો-ચાલતો સિદ્ધાર્થ હવે સોસાયટીની બહાર નીકળી રોડ ક્રોસ કરી પાછો આવીને હવે બાઇક ઉપર બેસવાં લાગ્યો.   

            "મારી વાતતો સાંભળ...!" હાંફળી-ફાંફળી લાવણ્યા

            "ઘરે જા લાવણ્યા....!" સિદ્ધાર્થે હવે બાઇકનો સેલ માર્યો.

            "તું તું....ધીમે-ધીમે જજે....! અને હું ફોન કરું તો...તો ઉપાડજે...!" સિદ્ધાર્થનો ગુસ્સો જોઈ ચિંતામાં મુકાઈ ગયેલી લાવણ્યા તેને લાવણ્યા રઘવાઈ થઈ ગઈ.

            "ઘરે જતી રે'જે....!" સિદ્ધાર્થ બોલ્યો અને છેવટે બાઇકનું એક્સિલેટર ઘુમાવીને બાઇક મારી મૂકી.

            "સિદ...સિદ...!" રઘવાટભર્યા સ્વરમાં બૂમો પાડી રહેલી લાવણ્યાને બાઇકના સાઈડમાં મિરરમાં ઓઝલ થઈ ત્યાં સુધી સિદ્ધાર્થે જોયે રાખી.  

■■■■

 

નોધ : વાર્તામાં ઉપયોગમાં લીધેલ કોઈપણ સોંગ્સના લિરિક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014