આનંદ બક્ષી
આનંદ બક્ષી આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડમાં તેમનું પ્રદાન અદ્વિતિય રહ્યું છે તે સ્વીકારવું પડશે. આનંદ બક્ષીના મૃત્યુને ઘણાં વર્ષ થયાં છે તેમ છતાં તેમના ગીત આજે પણ એટલા જ તરોતાજા લાગે છે. સૌ કોઇએ આનંદ બક્ષીની સફળતા જોઇ છે પરંતુ તેમનો સંઘર્ષ જોયો નથી. શરૂઆતથી વાત કરીએ તો આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડીમાં પોતાના પૂર્વજોના ઘરમાં થયો હતો. તેમના માતાનુ નામ સુમિત્રા બાલી અને પિતાનુ નામ મોહનલાલ વૈદ બક્ષી હતુ. પોતાના પુત્રને તેમણે આનંદ બક્ષી નામ આપ્યુ હતુ. આનંદ બક્ષીએ પોતાના લખેલા ગીતો દ્રારા બોલીવુડને માલામાલ કરી દીધું હતુ. આનંદ બક્ષી ૧૦ વર્ષના હતા ત્યારે તેમની માતાનુ અવસાન થયુ હતુ. તેથી તેમને બાળપણમાં અનેક દુઃખો વેઠવાપડયા હતા. આનંદ બક્ષીને બાળપણથી જ ગાવાનો શોખ હતો. કયારેક તે રામલીલા અને નાટકમાં પણ ભાગ લેતા હતા. ફિલ્મો જોવાનો શોેખ તો તેમને એટલો બધો હતો કે તેમની પાસે પૈસા ના હોય તો સ્કૂલના પુસ્તકો વેચીને ટીકીટ લેતા અને ફિલ્મ જોતા હતા. તેમનો ગાવાનો શોખ કયારે લખવામાં ફેરવાઇ ગયો તેનો અહેસાસ પણ તેમને થયો ન હતો. બાળપણમાં તેમણે નક્કી કર્યુ હતુ કે હું મોટો થઇને ફિલ્મોના ગીતો લખીશ. તેમણે નક્કી કર્યુ હતુ કે હું મોટો થઇને મુંબઇ જઇશ અન ફિલ્મી ગીતો લખવાનો મારો શોખ પૂરો કરીશ. તેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડીને ૧૨મી જુલાઇ ૧૯૪૪માં બોએ ૧ના રૂપમાં રોયલ ઇન્ડિયન નેવીમાં જોડાઇ ગયા. તેમને લાગતુ હતુ કે મારુ સ્વપ્ન હવે પૂરુ થવાનુ છે. પરંતુ એવુ ના થયુ ત્યારે તે નિરાશ થયા હતા.
આનંદ બક્ષીએ કિશોરઅવસ્થામા પ્રવેશ કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાન અલગ થઇને સ્વતંત્ર દેશ બન્યા હતા. રાવલપિંડીમાંથી કેટલાક લોકો ભારત આવી રહ્યા હતા. તે સમયે બધા પોતાના ઘરની ઉપયોગી ચીજવસ્તુઓ લેતા હતા. અને આનંદ બક્ષી માત્ર હાથમાં ફોટા સાચવીને ઊભા રહ્યા હતા. ત્યારે તેમના પિતાએ કહ્યુ કે તારે ઘર માટેની બધી વસ્તુઓ લેવાની નથી આ ફોટા તારે શા કામમાં આવવાના છે ?આ સાંભળીને આનંદજી બોલ્યા હતા કે પિતાજી જીવનમાં હું કમાઇને આ બીજી બધી વસ્તુઓ મેળવી શકીશ પરંતુ આ ફોટા હુંં જીવનમાં કયારેય પાછા નહીં આવે. મારી માટે આ ફોટા ખૂબ જ કીંમતી છે તેને હું હંમેશા મારી પાસે સાચવીને રાખીશ. ત્યાર પછી તે ભારતીય સેનામાં જોડાઇ ગયા. ૧૯૫૦માં તે ફોજ છોડીને પહેલી વાર મુંબઇ આવ્યા. કામની શોધ કરી, મહેનત કરી પરંતુ તેમને કોઇ કામ ના મળ્યું. બે મહિના સુધી કામની શોેધ કરતા હોવા છતાં કામ ના મળતા છેવટે નિરાશ થઇને પાછા પોતાના કામ તરફ મન વાળી લીધું. ત્યાર પછી તે ભારતીય સેનાની ઇન્ફૈટ્રીમાં જોડાયા. સાથે તેમણે એવી પણ કોશિશ કરી કે હું કોઇ એવુ કામ કરુ જેથી મુંબઇ જવાનો વિચાર મારા મનમાંથી નીકળી જાય. આવો વિચાર કરીને તેમણે કમલા મોહન સાથે લગ્ન કરી લીધા. તેમને ત્યાં બે સંતાન પુત્ર રાકેશ અને પુત્રી સુમન થયા. પરંતુ ગીતકાર બનવાનો કીડો તેમના મનમાં હજુ પણ સળવળતો હતો. ૨૭ ઓગષ્ટ ૧૯૫૬માં તે ફરીથી મુંબઇ આવી ગયા. આ વખતે તેમણે નિર્ણય કર્યો કે ગાવાની તક મળશે તો ગાઇ લઇશ અને લખવાની તક મળશે તો ગીત લખીશ પરંતુ રહેવાનું મારે મુંબઇમાં છે હવે પાછા જવુ નથી. પરંતુ આ વખતે પણ તેમણે બે ત્રણ મહિનાઓ સુધી કામની શોદ કરી. નિર્માતા અને નિર્દેશકોને મળ્યા પરંતુ તેમના ગીત માટે કોઇ પસંદ કરતુ ન હતુ. આર્થિક મુશ્કેલી વધવા લાગી તેમની પાસે ઘરનુ ભાડું આપવાના પણ પૈસા ના રહ્યા. ત્યારે છેવટે તેમણે પોતાના વતનમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. મુંબઇ રેલવે સ્ટેશનમાં ટિકીટ ચેકરે તેમનો મિત્ર બન્યો. આનંદ સાહેબે પોતાની વ્યથા તેને સંભળાવી અને કહ્યુ કે હવે મારે પાછા દિલ્લી જવુ છે. ત્યારે ટિકીટ ચેકરે કહ્યુ કે તમે અવશ્ય ગીતકાર બનશો. તમારે પાછા જવાનુ નથી તમે મારા ઘરે રહીને કામની શોધ કરજો.
આનંદ સાહેબ આ ટિકટ ચેકરને ત્યાં ૬ વર્ષ સુધી રહ્યા અને કામ શોધતા રહ્યા. ટિકિટ ચેકર તેમને ખાવાનું પણ આપતો અને તેમને થોડા પૈસા પણ આપતો હતો. આ ૬ વર્ષમાં તે કેટલીય સ્ટુડીયોમાં ફાંફા મારતા રહ્યા. જે મળે તેમની પાસે કામ માંગતા પણ કોઇ કામ આપતુ નહીં. ત્યારે અચાનક તેમની મુલાકાત ભગવાન દાદા સાથે થઇ. તે સમયે ભગવાન દાદા ભલા આદમી નામની ફિલ્મ બનાવાનો વિચાર કરતા હતા. તે પોતાના ફિલ્મના ગીતકારની રાહ જોઇને ઓફિસમાં બેઠા હતા. આનંદ બક્ષી યોગ્ય સમયે ત્યાં પહોંચ્યા અને જણાવ્યુ કે હું ગીતકાર છું. તેમણે કહ્યું તો તમે ગીત લખીને બતાવો. ૩-૫ દિવસમાં આનંદ બક્ષીએ ૪ ગીતો લખી દીધા હતા. તેમના બધા જ ગીતોને ફિલ્મમાં લીધા પરંતુ આ ફિલ્મ વધારે હિટ સાબિત ના થઇ. ત્યાર પછી ફરી પહેલા જેવી સ્થિતિ બની ગઇ. એક દિવસ સંગીતકાર રોશને તેમની માંગણીનો સ્વીકાર કર્યો અને ા બીજા દિવસે ૧૦ વાગે તેમને પોતાના ઘેર બોલાવ્યા હતા. તે રાત્રે ખૂબ જ વરસાદ પડયો હતો. ે વાહનો અને રસ્તા બંધ રાખવામા આવ્યા પરંતુ આનંદ બક્ષી છત્રી અને પોતાની ડાયરી લઇને પગપાળા સંગીતકાર રોશનને ઘેર પહોંચી ગયા. તેમને જોઇને સંગીતકાર રોશનલાલને નવાઇ લાગી કે આટલા બધા વરસાદમા તમારે મારે ઘેર આવવાની જરૂર ન હતી. ત્યારે આનંદ બક્ષી બોલ્યા હતા કે તમારે જરૂર ન હતી પરંતુ મારે તો તમારી જરૂર છે.
આનંદ બક્ષીને ફિલ્મ મહેંદી લગી મેરે હાથમાં ગીત લખવાની તક મળી હતી. આ ફિલ્મના ગીતો અને ફિલ્મ હિટ થઇ હોવાથી આનંદ બક્ષીને નવી ઓળખ મળી. ૧૯૬૫માં આવેલી ફિલ્મ જબ જબ ફૂલ ખીલે તેમની જીંદગીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ્આ ફિલ્મના ગીતો દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. ત્યાર પછી તો આનંદ બક્ષીએ કયારેય જીવનમાં પાછું વળીને જોયું ન હતુ.
આનંદ બક્ષી કહેતા હતા કે હુંં જયારે બોલીવુડમા આવ્યો ત્યારે સાહિર લુધિયાનવી, રાજા મહેંદી, શૈલેન્દ્ર, રાજેન્દ્ર કૃષ્ણ અને કૈફી આજમી જેવા જાણીતી હસ્તીઓ હતી. કેટલાક શાયરોએ આનંદજીને મદદ પણ કરી હતી. તે સમયે ૫ થી ૬ મહિનામાં થોડા ગીતો ગાવાની અને લખવાની તક મળી જાય તો તેમને ૫૦૦ રૂપિયા મળતા હતા. તેમને ફિલ્મી શાયરીમાં સૌથી વધારે પ્રભાવિત ડીએન મધાકે કર્યા હતા. તેમને મહાકવિની ઓળખ પણ આપવામાં આવી હતી. આનંદ બક્ષી માનતા હતા કે સાંભળવામા સરળ લાગતા ગીતો લખવામા ખૂબ જ કઠિન હોય છે. આનંદ બક્ષીએ માત્ર ધો ૭ પાસ ક્યુ હતુ. સંગીતકાર લક્ષ્મીકાંત - પ્યારેલાલ સાથે તેમણે સૌથી વધારે કામ ક્યુ હતુ. આ સંગીતકારની જોડીનું માનવુ હતુ કે આનંદ બક્ષી સાથે કામ કરવાથી ્આપણા સંગીતને પણ વધારે પ્રસિદ્ધિ મળશે. કયારેક સંગીતકારની જોડી ધૂન બનાવતી હોય ત્યારે જ આનંદ બક્ષી તેમના ગીતની રચના કરી લેતા હતા. જયારે ગીત અને ધૂન મળે ત્યારે બંને એકબીજા માટે બનેલા હોય તેવુ લાગતુ હતુ.
ફિલ્મોમાં ગીત લખવાની સાથે સાથે તેમને ગાવાનો શોખ હતો તે પણ ફિલ્મ મોમ કી ગુડીયામાં બાગો મેં બહાર આઇ, હોઠો પે પુકાર આઇ ગાઇને પૂરો કર્યો હતો. ફિલ્મ શોલે માટે ચાંદ સા કોઇ ચેહરા ના પહેલૂ મેં હો ગાયુ હતુ. આ સિવાય તેમણે મહાચોર, ચરસ, બાલિકા વધુ વગેરે ફિલ્મોમાંના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. આનંદ બક્ષી સાહેબને ફિલ્મ ફેયર એવોર્ડ માટે ૪૦ વખત નોમિનેટ કરવામા ્આવ્યા હતા. પરંત તેમને માત્ર ૪ ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યા હતા. તેમણે પોતાના જીવનમાં ૩૫૦૦ કરતા પણ વધારે ગીતો લખ્યા હતા.
વી. શાંતારામ
ફિલ્મનું માધ્યમ આજે એ સ્થિતિમાં છે કે તેને કોઈ નર્યા ઉદ્યોગનું જ માધ્યમ સમજે. હકીકત જુદી છે. તે ઉદ્યોગનું માધ્યમ હોય તોય પ્રથમ તો કળાનું માધ્યમ છે. કળા અને ઉદ્યોગદૃષ્ટિના મિશ્રણથી જ આજ સુધી તેનું અસ્તિત્વ ટક્યું છે. આમ તો માનવમન દરેક જગ્યાએ તેની નાટ્યાત્મક સક્રિયતા પ્રગટ કર્યા વિના રહી નથી શકતું. જ્યાં બે વ્યકિત મળે ત્યાં કશું જ ન બને એ શક્ય નથી. આમ છતાં પણ જે ક્ષેત્રમાં કળા સાથે સંકળાયેલી વ્યકિત મળે છે ત્યાં કદાચ સૌથી વધુ નાટ્યાત્મકતા સર્જાતી રહે છે. સંવેદનશીલ અને કલ્પનાશીલ માણસ હંમેશાં પોતાની સ્થિતિ, પોતાની સાથેની વ્યકિત વિશે વિચારતો, કલ્પના કરતો અને પરખ કરતો રહે છે. જેની અંદર આ બે તત્ત્વોની પ્રબળતા હોય તે ધીમે ધીમે સામાજિક માન્યતા અને નૈતિકતાના તૈયાર માપદંડો પડકારવા સુધી પહોંચે છે. સ્ત્રી-પુરુષના પરસ્પર સંબંધમાં આવું ઘણી વાર બન્યું છે.હિન્દી ફિલ્મજગતની અડધી ચર્ચા ફિલ્મો લે છે અને અડધી ચર્ચામાં એ ફિલ્મસ્ટારના જીવન હોય છે. તેમાંય એ ફિલ્મકલાકારોની પ્રેમકથા યા લફરાંઓમાં ફ્લ્મિચાહકોને સૌથી વધુ રસ પડે છે. રોજ ઊઠીને કોઈ નવા હીરો યા હિરોઈન સાથે અત્યંત નિકટ રહીને કામ કરવાનું હોય, છૂટકે - નાછૂટકે એકબીજાના જીવન અને અંગતતાના હિસ્સા બનવાનું હોય તો કશુંક થયા વિના રહે એવી અપેક્ષા સાવ ખોટી છે. ખરેખર તો હીરો-હિરોઈન જ નહીં, નિર્માતા અને હિરોઈન યા દિગ્દર્શક અને હિરોઈન કે ફોટોગ્રાફર યા ગીતકાર, સંગીતકાર, પટકથાકારનાંય દિલ આ દરમિયાન ધડકતાં હોય છે. એકબીજાના પ્રેમમાં પડતાં હોય છે. લોકોને વધુ રસ હીરો-હિરોઈનમાં હોય, કારણ કે પડદા પર તેઓ જ સૌથી વધુ હાજર હોય.
ફ્લ્મિજગતના શરૂઆતના દિવસોથી નિર્માતા - દિગ્દર્શક અને તેમના હિરોઈન સાથેના પ્રેમ અને લગ્નના કિસ્સા બનતા રહ્યાં છે. બોમ્બે ટોકીઝના સ્થાપક હિમાંશુ રાય તેમની હિરોઈન દેવિકાની સાથે પ્રેમમાં પડી પરણ્યા હતા. ન્યુ થિયેટર્સના પી. સી. બરુઆ પણ ‘દેવદાસ’ની પારો ‘જમના’ના દેવદાસ બન્યા હતા. ફિલ્મીસ્તાનના શરાધર મુખર્જીને નસીમબાનો જોડે ઘનિષ્ઠ નાતો હતો. સોહરાબ મોદી જેવા નિર્માત - દિગ્દર્શક અને અભિનેતા તેમની ફિલ્મોની હિરોઈન મહેતાબને પરણ્યા હતા. આવા કિસ્સા બહુ બધા છે. દિલીપકુમાર અભિનીત પ્રથમ ફિલ્મ ‘જવારભાટા’ ઉપરાંત ‘પતિતા’, ‘દાગ’, ‘સીમા’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મોના દિગ્દર્શક અમીય ચક્રવર્તી ઉષા કિરણના પ્રેમમાં હતા. મહેબૂબ ખાનને સરદાર અખ્તર સાથે પ્રેમ થયેલો અને પરણેલા. કમાલ અમરોહી તેમની ફિલ્મની હિરોઈન મધુબાલાને પરણવા આતુર હતા અને મીનાકુમારીને પરણેલા. મોહન સાયગલ જેવા દિગ્દર્શકને કિશોર શાહુની ફિલ્મનાં હિરોઈન તરીકે ચમકનાર આશા માથુર સાથે પ્રેમ થયેલો ને પરણેલા. ફણી મઝુમદારને મોનિક દેસાઈ સાથે પ્રેમ થયેલો ને પરણેલો. મોનિકા દેસાઈ ન્યુ થિયેટર્સની ‘લાખા રાની’નાં હિરોઈન અને અભિનેત્રી લીલા દેસાઈનાં બહેન હતાં. રાજકુમાર સંતોષીના પિતા અને પટકથા લેખક-દિગ્દર્શક પ્યારેલાલ સંતોષી રેહાના નામની હિરોઈન માટે બરબાદ થયેલા. રણજિત મૂવીટોનવાળા ચંદુલાલ શાહે તેમની ફિલ્મોની હિરોઈન ગૌહરબાનુ સાથે લગ્ન કર્યાં વિના લગ્નથીયે ઉત્તમ સંબંધ છેવટ સુધી જાળવેલો. કે. આસિફ સિતારા દેવીને પરણેલા અને ત્યાર બાદ પણ બીજા પ્રેમપ્રસંગો તેમની સાથે જોડાયેલા. બોની કપૂર જેવા નિર્માતા શ્રીદેવીને પરણ્યા. રાજકુમાર સંતોષી મીનાક્ષી શેષાદ્રિને પરણવા ખૂબ મથેલા. નવી પેઢીના દિગ્દર્શક વિપુલ શાહ શેફાલી (શાહ બન્યા પહેલાં છાયા અને તે પહેલાં પિતાની અટક શેટ્ટી)ને પરણ્યા છે. રાજકપૂરના નરગિસ સાથેના સંબંધમાં નિર્માતા - દિગ્દર્શક અને હિરોઈન વચ્ચેનો સંબંધ પણ હતો. ગુલઝાર જેવા ગીતકાર - દિગ્દર્શક છે જેમણે રાખીને કદી પોતાની દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં દિગ્દર્શિત ન કરી તોય બન્ને પરણ્યાં હતાં. ફિલ્મજગતમં એવું બન્યા કરે છે. સમય સાથે તેને નિસબત નથી, કારણ કે આ તો સ્ત્રી-પુરુષના મનની મૂળભૂત પ્રકૃતિ છે.વી. શાંતારામ મરાઠી અને હિન્દી ફિલ્મોના જગતમાં વિલક્ષણ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા તરીકે જાણીતા રહ્યાં છે. ગાંધર્વ નાટક મંડળીનાં નાટકના પડદા ઊંચકવાના કામમાંથી ફિલ્મ અભિનય, દિગ્દર્શન અને પછી પ્રભાત તથા રાજકમલ કલા મંદિર જેવી નિર્માણ સંસ્થાના માલિક બની સામાજિક ક્રાંતિની અને ત્યાર બાદ પૂર્ણપણે ભારતીય નૃત્ય, સંગીત અને દર્શનને કેન્દ્રમાં રાખી યાદગાર ફિલ્મો બનાવનાર વી. શાંતારામ તેમના સ્ત્રીસંબંધો બાબતે પણ જુદી માટીના હતા. અલબત્ત તેમના પ્રેમસંબંધો રાજ કપૂર, ગુરુ દત્ત જેવા બહુચર્ચિત નહોતા બનતા અને તેની પાછળ જુદાં કારણ હતાં. પહેલું કારણ કે તેમનાં જેની સાથે પ્રેમપ્રકરણો થયાં તે હિરોઈનો તેમની ફિલ્મોથી બહાર બહુ જાણીતી ન હતી. તે મધુબાલા, નરગિસ, મીનાકુમારી નહોતી યા દેવિકા રાની, શોભના સમર્થ, નસીમ બાનો પણ નહોતી. બીજું કારણ કદાચ એ કહી શકાય કે તેઓ જેના પ્રેમમાં પડ્યા તેને પરણી ગયા ને એમ કરવામાં તેમણે ચાર લગ્ન કર્યાં. નવી પ્રેમિકાને પરણવાના હોય ત્યારે જૂની પ્રેમિકાને ફરિયાદ થાય ને છૂટાછેડા આપે ત્યારે વધારે ફરિયાદ થાય, પરંતુ વી. શાંતારામને તેનો વાંધો ન હતો. તેમણે તેમની આ પ્રિયતમા - પત્નીઓ સાથેના સંંબંધનું પૃથક્કરણ કરતી ફિલ્મ બનાવી હોત તો કેવી હોત તે નક્કી કરવું મુશ્કેલ છે અને તેમણે જ જે રીતે સ્ત્રી પ્રશ્નો ઉઠાવતી ફિલ્મો બનાવેલી તેનાથી કયાંક વિરુદ્ધની વાસ્તવિકતા પણ તેમાં દેખાશે. તેમણે પોતાની ફિલ્મોમાં જે નાયિકા ચિત્રિત કરી, તેમાં તેમનો સહાનુભૂતિભર્યો ભાવ હંમેશ પ્રગટ થયો છે. સમાજમાં સ્ત્રીઓની અનેક રીતે બૂરી વલે થઈ હોય, અપમાન અને લાચારીભર્યું જીવન જીવતી હોય તેમાં વી. શાંતારામમાં રહેવા સમાજચિંતક અને કળાકારનું ચિત્ત હંમેશ હચમચ્યું છે. ‘અયોધ્યાચા રાજા’ જેવી ફિલ્મ બનાવનાર વી. શાંતારામ એક પત્નીમાં માનતા ન હતા. બલકે જેમ જેમ તેઓ નવી નવી સ્ત્રીના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ તેઓ ખુદને રોકી ન શકયા. ૧૯૦૧માં જન્મેલા વી. શાંતારામનાં પ્રથમ લગ્ન બાવીસમે વર્ષે થયેલાં. બાર વર્ષની અંબુ મુગલખોડ નામની બાળા તેમની પત્ની બની. તે જમાને પિયરનું નામ પિયરમાં જ રહી જતું ને સાસરે નવું અપનાવાતું તેમ તે અંબુનું નામ વિમલ થયેલું. અંબુ તેમની કોઈ ચોક્કસ પસંદગીનું પરિણામ ન હતું. બલકે તેઓ જેને ગુરુ માનતા હતા તે બાબુરાવ પેંઢારકર સાથે એક છોકરી જોવા ગયેલા. પેલી છોકરી એમને જમવાનું પીરસી ગઈ. બાબુરાવે પૂછયું, ‘તો શું છોકરી ગમે છે તને?’શાંતારામ બોલ્યા, ‘આવી વાતોમાં મારી સમજ છેવટે છે જ વળી શું?’‘અચ્છા, ભલે. પણ મારી વાત સાંભળ, મને તો તે યોગ્ય લાગે છે. ખાસ ભણેલી નથી, પણ તેનાથી શું ફરક પડે છે? આપણે ભણાવીશું.’વી. શાંતારામ પાસે કોઈ પ્રશ્ન ન હતા, કારણ કે છોકરીઓ વિશે ત્યારે તેમણે ખાસ વિચારેલુંય નહીં. એ છોકરી સાડી પહેરી સામે આવીને સંકોચપૂર્વક ઊભી રહી ગઈ. શાંતારામ બોલી પણ ન શકયા. વિચાર આવ્યો તો એટલો જ કે ના પાડીશ તો તેના મનમાં શું થશે? નિર્ણયની ઘડી હતી, પણ નિર્ણયનાં કારણ કયાં હતાં?