૫
મહારાણી કૌલાદેવી
મહારાણી કમલાવતીનું બીજું નામ કૌલાદેવી. વધારે પરિચિત એ નામે જ હતી. અત્યારે એ આંહીં આવી ચડી તેમાં કોઈ નવાઈ ન હતી. એને ગળથૂથીમાથી એક વાત મળી હતી. એ રજપૂતાણી હતી, ને રજપૂતની સમશેરને એ વરી હતી! તેણે એક પરંપરા જોઈ હતી. રજપૂતોમાં કેસરિયાં કરવાની. રજપૂતાણીની જૌહર કરવાની. એના રોમેરોમમાં પણ એ જ અગ્નિ બેઠો હતો.
તે કરણરાયની વાત જાણતી હતી. પાટણ હજી ગોઠવાઈ રહે તે પહેલાં જો તુરુષ્ક વાવંટોળની માફક અહીં આવી ચડે, તો કરણરાયને કેસરિયાં સિવાય બીજો કોઈ જ માર્ગ ન હતો. હા, બીજો માર્ગ હતો. દેવગિરિનાં યાદવનો. નમી પડવાનો – નાક કાપવાનો.
એટલે તે કરણરાયને એકલો નિર્ણય કરતો જોઈ શકી નહિ.
એણે પણ ચંદ્રશાલાનો ઈતિહાસ જાણ્યો હતો. એણે પોતાના આવાસમાંથી કરણરાયને ત્યાં જતો દીઠો અને એ વાત તરત સમજી ગઈ. જીવનમૃત્યુનો કોઈ મહાપ્રશ્ન પાટણ નગરી ઉપર આવી રહ્યો હતો અને રાજા કોઈ નિર્ણય પર આવવા મથી રહ્યો હતો.
તે વિના ચંદ્રશાલાને આવે ટાણે કોઈ સંભારે નહિ.
એને પોતાને એક સ્વપ્ન આવ્યું હતું. બેત્રણ વખત એનું એ આવ્યું હતું. એમાં કરણરાય દેખાતો હતો... એનું મન આ સ્વપ્નું રાજાને કહેવા માટે તલસી રહ્યું હતું. રાજા તૈયાર થઇ જાય એ જરૂરી હતું. પછી ભલે બધી અફવાઓ ખોટી પડે. પાટણપતિનું નાક એક વખત કપાય તો પોતે રજપૂતાણી શાની? એટલે કૌલાદેવીએ નિશ્ચય કર્યો કે, આજ તો રાજાને કહી દેવું કે, આપણે માટે ખળભળતો સમુદ્ર હું જોઈ રહી છું. એક એક મોજું બબ્બે વાંસ વા પાણી ઉલાળે છે, એમાંથી હોડી લેવાની છે. આ નિર્ણિત વસ્તુ છે.
કરણરાયને એણે ચંદ્રશાલામાં જતો જોયો કે તરત જ સફાળી બેઠી થઇ ગઈ. પડખે એની પુત્રી દેવળદેવી મધુર નિંદ્રામાં પડી હતી. એક દાસીને જાગ્રત કરી. પોતે ઊભી થઈને ચાલી. સોઢલજી રોકે તે પહેલાં તો એ ચંદ્રશાલામાં પહોંચી પણ ગઈ. ત્યાં પહોંચીને જરાક થોભતાં રાજાના છેલ્લા શબ્દો એણે પકડી લીધા, અને પછી એ તરત બોલતી બોલતી જ આગળ આવી.
પણ રાય કરણરાયને મહારાણીને અચાનક આવેલ જોઇને પહેલાં તો જરાક અચંબો પામ્યો. પછી એને સાંભર્યું કે રાનીને એની હરેક વાતમાં રસ હતો.
એટલામાં સોઢલજી મહારાણીને રોકવા વ્યર્થ પ્રયત્ન કરતો પાછળ આવતો દેખાયો.
‘મહારાણી બા... બા...! મહારાજ...’ તે હાથ જોડીને બોલી રહ્યો હતો.
કરણરાય વાત સમજી ગયો. મહારાણી સોઢલજીની નજર ચૂકવીને આવી હતી.
કરણરાયે એક સંજ્ઞા આપી, સોઢલજી તરત પાછો ફરી ગયો.
કરણરાય ત્યાં ઊભેલી મહારાણીની સામે જોઈ રહ્યો. મહારાણી કમલાવતીમાં એક અદ્ભુત વસ્તુ એણે જોઈ હતી. જે સ્થળમાં એ ઊભી રહે, તે સ્થળને પોતાના પ્રતાપથી ભરી દે એવી એ ભવ્ય હતી. અત્યારે પણ એ એવી જ પ્રતાપી લાગતી હતી. એનો ઉત્તુંગ, પાતળો સોટા જેવો, સશક્ત, તેજસ્વી દેહ, ભરપટ ઊંચાઈમાં કોઈ તેજસ્વી સમો ઊભો હતો. રાજા પલ બે પલ આ તેજસ્વી નારીને જોઈ રહ્યો.
તેની નમણી નેહભીની વિશાળ આંખોમાં અસલ રજપૂતાણીનું ખમીર બેઠું હતું. એનો ગૌર રૂપમઢ્યો ચહેરો અત્યારે કાંઈક ફિક્કો હતો. છતાં અગ્નિશિખામાં બેઠેલી રૂપસુંદરી જેવી એ દેખાતી હતી. એની નાની સુંદર નાસિકામાં જે ગર્વ હતો, જે રૂપ હતું, તે તેજકિરણના જેવું પ્રતાપી રૂપ હતું. એના રૂપને જોનારો એક પ્રકારની ‘શેહ’ અનુભવે, એવું એ રૂપ હતું. કરણરાયને પ્રાચીન પરંપરા એનામાં જીવંત થતી લાગી. તેણે મહારાણીને જરાક આગળ આવવા સંજ્ઞા કરી.
મહારાણી કૌલાદેવી આગળ આવી. તેણે ત્યાં આવીને મહારાજના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘મહારાજ! શું કરવા અત્યારમાંથી જાગ્યા છો? સવારીને તો હજી ઘણી વાર છે. તમે કોને અણનમ રહેવાનું કહી રહ્યા હતા? આંહીં તો કોઈ દેખાતું નથી.’
‘એ તો તમને એમ લાગે મહારાણી! આહીં તો ચૌલુક્યોની* સાત સાત પેઢી બેઠી છે!’
(*ખરી રીતે વાઘેલા ચૌલુક્યો જ હતા. અર્ણોરાજને વ્યાઘ્રપલ્લી ગામ મળ્યું, તેથી તે વાઘેલા કહેવાયા.)
‘મહારાજ!...’ રાણીને કરણરાયના અવાજમાં સમુદ્રનું તોફાન ને ગંભીરતા દેખાયાં. પોતે જે વાત કહેવા આવી છે, તે જ રાજાના મનમાં છે કે શું! એને નવાઈ લાગી.
‘અને એ સાત પેઢી જોઈ રહી છે, મહારાણી, કે હું એમનાં માથાં નમાવું છું કે...’ કરણરાય શબ્દ ખાઈ ગયો.
‘કે શું મહારાજ?’ મહારાણીએ ઉતાવળે પૂછ્યું.
‘કે મારું માથું અણનમ રાખી શકું છું!’
મહારાણી ધીમે શાંત પગલે કરણરાયની છેક નજીક સરી ગઈ. તેણે પ્રેમથી તેના બંને હાથ તેના ખભા ઉપર મૂક્યા. એને એ નિહાળી રહી. રાજા મહાતોફાની સમુદ્રના વમળમાથી પોતાની નૌકા હાંકવા મથી રહ્યો હતો, એનું એને પોતાને પણ ભાન હતું. એના વીરત્વને એ અંતરથી નમી પડી. ‘મહારાજ!’ તેણે પ્રેમથી કહ્યું: ‘આંહીં આ સિંહાસન ઉપરથી કોઈ નમ્યું છે કે આજ હવે કોઈ નમશે?’
કરણરાયના મનમાં મંથન ચાલી રહ્યું. પોતાને સ્વપ્ન આવ્યું હતું તે રાનીને કહી દેવું? કે ન કહેવું?
કૌલાદેવી, અણનમ તેજસ્વી પડખોપડખ ઊભી રહેનારી પ્રતાપી સ્ત્રી હતી. રાજા કરણરાય આ જાણતો હતો. ઘણી વખત એણે એની સલાહ લીધી હતી. આજ પાટણ ઉપર જે ભય હતો, તે જેવોતેવો ન હતો. છતાં એને પોતાના સ્વપ્નની વાત કરીને ભડકાવી મૂકવી એ બરાબર હતું?
રાજા કાંઈ નિર્ણય કરી શક્યો નહિ. એટલામાં કૌલા બોલી: ‘મહારાજ! હું દૂબળી પડી જાઉં કે ભડકી જાઉં, એ બીકે તમે મને વાત નથી કરતા, પણ તમે કોને અણનમ રહેવાનું કહી રહ્યા હતા? બહારથી હવા આવે છે કે, દિલ્હીનું લાવલશ્કર આવવાનો સંભવ છે, એ સાચું છે મહારાજ?’
‘એ તો સાચું પડે ત્યારે, પણ દેવગિરિ લૂંટાયું, એટલે આપણે સાવધ રહેવાનું છે.’
‘મહારાજને હમણાં રાત-દી એનાં સ્વપ્નાં આવે છે?’ રાણીએ અચાનક પૂછ્યું.
‘એનાં સ્વપ્ના! ના, ના તમને કોણે કહ્યું?’ કરણરાજ ચોંકી ગયો. રાજાને સમજાયું નહિ. પોતે કોઈને વાત તો કરી નથી, રાણી સાધારણ વાત કરી રહી હતી, એ એને ધ્યાનમાં ન રહ્યું.
‘જુઓ મહારાજ!’ મહારાણી કૌલાદેવી બોલી: ‘તમારી ચિંતાઓનો પાર નથી. પણ અમે તમને કહી રાખીએ. તમારે અમારી ચિંતા કરવાની નથી. અમને ખબર છે, કયે વખતે શું કરવું તે. પણ વંટોળની માફક અચાનક જ આવી ચડે. તુરુષ્ક આવી ચડે, ઘર આંગણે જુદ્ધ આવે , કોને ખબર છે શું થાય? તો પાટણપતિનું એક નાનકડું બે દિવસનું શિશુ પણ જીવતું હશે તો પાટણ જીવતું રહેશે. પાટણ નગરીના સ્થાપકનું એ વરદાન છે. એટલે જાડેજીને ને ભટ્ટાણીને અત્યારથી જ સુરક્ષિત સ્થળે મોકલવાનો આપણે પહેલો બંદોબસ્ત કરો. પછી જે આવતું હોય તે ભલે આવે.
‘પાટણ પણ તૈયાર છે, મહારાણી! કોઈ આવવાનું નથી. આવે તો ફાવવાનું નથી. આપણી આડે અનેક અણનમ રજપૂત રાજ્યો પડ્યાં છે. એમાહતી માર્ગ કાઢવો સહેલો નથી.
મહારાણી કૌલાદેવી વિચાર કરી રહી.
કરણરાય બહાદુર હતો. પણ એ બહાદુર નરને ખબર હતી કે એક આવી રહેલા નિર્માણની સામે એને લડવાનું હતું.
મહારાણી એ વિચાર કરી રહી.
રાજાએ કહ્યું: ‘શો વિચાર કરો છો રાણી? આંહીં આજે ચતુરંગીસેના નીકળવાની છે. અર્બુદ, મેદપાટ ને મરુભૂમિના ત્રણેય માર્ગો ઉપરના હરેક કિલ્લેદારને આંહીં બોલાવેલ છે. પાટણમાં બંદોબસ્ત થઇ રહ્યો છે. આપણને કોઈ સૂતાં પકડી શકે એમ નથી. એક માત્ર જો પરાજિત માનસ કામ નહિ કરે, તો તુરુષ્ક ભલે આવતો. વિજય આપણો છે!’
રાણી સાંભળી રહી અને ફરીને વિચારમાં પડી ગઈ. અણનમ ખડક સમી વજ્જર છાતી હશે, એ જ તુરુષ્ક સામે ટકશે. એ વિચાર કરી રહી. દુર્ગ પણ નહિ ટકે, સેંકડો ને હજારોની હાથીસેના પણ નહિ ટકે. આજે યાદવ રામચંદ્ર કોણ હતો? એ ગુલામનો પણ ગુલામ ન હતો? અને એની હાથીસેના કેટલી હતી? એનો દુર્ગ કેવો હતો? અને એ પોતે કેવો હતો? એટલે ટકશે તો માત્ર માણસ ટકશે, એની સમશેર ટકશે. પોતાનો કરણરાય તુરુષ્કને નમે, નમવાનો વિચાર પણ કરે, તો કરણરાયના કુળની ને પોતાની કુળની એકોતેર પેઢી રૌરવ નરકમાં પડે. એ કરણરાયને વિપત્તિનું ભયંકરમાં ભયંકર રૂપ આપી દઈને વજ્જર પાણી પિવરાવવું શું જરૂરી ન હતું? અત્યારે જ શું એ જરૂરી ન હતું?
રાણી આ વિચારમાળામાં આગળ વધી.
બહાદુરમાં બહાદુર નરો પણ વિપત્તિને અમુક હદ સુધી સહી શક્યા છે. પછી નહિ. પછી એ નમ્યા છે. ને નમ્યા છે ત્યારે એવા નમ્યા છે કે એના પ્રમાણમાં યાદવ રામચંદ્ર તો ગૌરવશીલ ગણાય!
પોતાનો કરણરાય કોઈક દી એવું નહિ નમે? એવું નમશે? અને એવું નમશે તો? મહારાણી કૌલાદેવીને આ વિચાર આવતાં જ રોમેરોમમાં જાણે અગ્નિ પ્રગટ્યો. એના કુટુંબમાં કોઈ દિવસ કોઈ નમ્યું ન હતું. એ પરંપરા કરણરાય તોડે તો પછી પોતે જીવતાં મડદું જ ન હતી? તે ધીમેથી કરણરાયને કહેવા માંડી. એનો દરેક શબ્દ શાંત ધીમો પણ દ્રઢ હતો:
‘મહારાજ, જેણે વિપત્તિ માપી લીધી છે, તેને વિપત્તિ કોઈ દિવસ નમાવી શકતી નથી. મહારાજે તૈયારી આદરી છે. પાટણ તૈયાર છે. આડે અનેક બેઠા છે. આંહીં પણ જેવા તેવા પડ્યા નથી. એ બધું છે. પણ દેવગિરિ પાસે શું ન હતું? આપણી તો મહારાજ! મને એક સ્વપ્નું આવ્યું છે, એવી તૈયારી હોવી જોઈએ.’
રાજા સ્વપ્નાંની વાત સાંભળીને હવે ખરેખર ચમકી ગયો. એને લાગ્યું કે હવામાંથી જ કાંઈક ઊભું થઇ રહ્યું છે.
તે નવાઈ પામી ગયો. તેણે ઉતાવળે કહ્યું: ‘મહારાણીજી! તમને સ્વપ્નું આવ્યું છે? શાનું સ્વપ્નું છે?’
‘મહારાજ! એ જાણે દુ:સ્વપ્ન લાગે છે. પરંતુ એ આગાહી પણ હોય! એક વખત જાણે હું એક ભયંકર નિર્જળ પ્રદેશમાં જઈ ચડી ત્યાં ચારે તરફ રેત રેત ને રેત! બીજું કાંઈ જ નહિ. રેતનો ત્યાં સમંદર હતો. ભયંકર ખડકો ઊભા હતા રેતના. રેતમાં ઝાડ ઊભાં હતાં. પણ તદ્દન ઠૂંઠાં. વનસ્પતિનું ક્યાંય નામનિશાન ન હતું. છાયાની ક્યાંય રેખા ન હતી. કેવળ રેત હતી. તાપ હતો. શૂન્ય ખડકો હતા. ઠૂંઠાં ભયંકર ઝાડવાં હતાં. મારણને મારી ખાનારાં બેડોળ પંખીઓ એ ઝાડ ઉપર બેઠાં હતા! એવો ભયાનક એ પ્રદેશ હતો મહારાજ!...’
‘રાણી! રાણી! આ ક્યાં હતું?’ કરણરાયે ઉતાવળે, આકરે, વ્યગ્ર અવાજે પૂછ્યું, ‘સ્થળ કાંઈ સમજાતું હતું?’
‘હા, મહારાજ! જાણે આંહીં પાટણમાં હોય તેવું લાગતું હતું!’
કરણરાય બે ડગલાં પાછળ હઠી ગયો: ‘સાચું કહો છો રાણી?’
‘મહારાજ! આ જે મેં કહ્યું તે કાંઈ હિસાબમાં નથી. ખરું કહેવાનું તો હવે આવે છે. અને એજ આપણું જીવન! એ સ્વપ્ન હજી પણ હું જોઈ રહી છું. એટલું તાદ્રશ્ય નજર સામે બેઠું છે!’
રાજા સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો.