૪
ચંદ્રશાળા
પ્રતાપચંદ્ર દેખાતો બંધ થયો કે તરત જ કરણરાયને પોતે ક્યાં ઊભો હતો તેનું તીવ્ર ભાન થઇ આવ્યું. એણે જો ગૌરવ જાળવવું હોય, એણે જો પાટણને બચવવું હોય, એણે જે તુરુષ્કોનો જ્યારે એ આવે ત્યારે સામનો કરવો હોય તો એક પળ પણ એનાથી હવે ગુમાવાય તેવું ન હતું. તુરુષ્ક બળવાન હતો અને લોહી ચાખી ગયો હતો. દેવગિરિ પછી એ ગમે ત્યાં આવવાનો હતો.
રાજાએ તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. એ જે નિર્ણય લે તેના ઉપર પાટણનું ભાવિ લટકતું હતું. નમવું ને જીવવું, કે જુદ્ધ કરવું ને નષ્ટ કરવું. એ બે જ માર્ગ એની સમક્ષ હતા. પ્રતાપચંદ્રની વાતમાંથી એ વસ્તુ દિવા જેવી સ્પષ્ટ દેખાતી હતી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી દિલ્હી ક્યાં પડ્યું હતું એની આ બાજુ કોઈને પડી ન હતી. સૌ પોતે પોતપોતાના જુદ્ધમાં મસ્ત હતા. હજી તો ગઈ કાલે જ, કરણરાય પોતે જ, મહારાજ સારંગદેવના સમયમાં પાટણની ચતુરંગી સેના લઈને મહારાજ સાથે જુદ્ધ કરવા નીકળ્યો હતો. મહારાજ સારંગદેવે યાદવરાજ રામચંદ્રને અને માલવરાજ ભોજદેવ (ભોજદેવ બીજો) બંનેને એકીસાથે હરાવ્યા હતા. પાટણનો જ ધ્વજ સર્વોપરી ઠર્યો હતો. આ સઘળું હજી તો ગઈ કાલે જ બન્યું હતું. અને આજે એ સ્વતંત્ર હોય તેમ વાતો કરવા આવતા હતા.
એટલો બધો આજ સમય પલટાઈ ગયો હતો. ચાલીસ ચાલીસ વર્ષ સુધી દિલ્હીથી કોઈ આ બાજુ ફરક્યું ન હતું. કારણકે ત્યાં મોગલોનાં ધાડાં ને ધાડાં આવતાં હતાં. દિલ્હી છોડનારો બાદશાહ, દિલ્હી છોડ્યા પછી પાછો ફરે ત્યારે દિલ્હી એના હાથમાં હશે કે નહિ, એ વાતની જ કોઈ ખાતરી આપી શકે તેવું ન હતું! એટલે દિલ્હીથી આ બાજુ કોઈ ફરકી શકે તેમ ન હતું! અને કોઈ ફરક્યું પણ ન હતું. મહારાણી નાયિકાદેવીએ ઘોરીને હરાવ્યો, પછી પાટણમાં તો એ વાત જૂની થઇ ગઈ હતી.
પણ ખીલજી અલાઉદ્દીને હવે પહેલ કરી હતી. એણે મોગલોને જ લૂંટમાં ભાગ આપવાનો કરીને, જબરદસ્ત સૈન્ય ઊભું કર્યું હતું. એ આ બાજુ આવવાનો જ, એ ચોક્કસ હતું.
મહારાજ ભીમદેવના સમયમાં જેમ મહમ્મદ ગિજની વાવંટોળની માફક આવી ગયો હતો તેમ આ આવી ન ચડે, માટે દિલ્હીથી પાટણ સુધીના સઘળા માર્ગો ઉપર હવે તો રાત-દીના ચોકી પહેરાની જરૂર હતી. અર્બુદમંડલને દ્રઢ કરવાનું હતું, મરુભૂમિને સંદેશ મોકલવાનો હતો. મેદપાટને માપવાના હતા. જૂનું વેર તાજું કરીને, એ જો પાટણ ઉપર આવવાનો રસ્તો આપી દે, તો પાટણ આડે પડેલું બીજું બધું જ રક્ષણ એક કોડીનું થઇ જાય. કરણરાયે આ તમામ પ્રશ્નોના નિર્ણય લેવાના હતા, અને આંહીંના પ્રશ્નો પણ હતા. અને તે સઘળું આજકાલમાં જ કરવાનું હતું. આજ થતું હોય તો કાલે નહિ એ સ્થિતિ હતી.
કરણરાયની દ્રષ્ટિ અત્યારે સપ્તભૂમી પ્રાસાદની ચંદ્રશાલા (અગાશી) ઉપર ગઈ. એ ચંદ્રશાલાએ અનેક સોલંકી રાજાઓને પ્રેરણા આપી હતી. ત્યાંથી જ એક વખત મહારાજ સિદ્ધરાજના સૈન્ય પ્રસ્થાનના રાત્રિનિર્ણયો બહાર પડતા હતા. પાટણના મહાસમર્થ મંત્રીઓએ, ચતુરંગી વિજયી સેનાને ઊપડવાની મંત્રણાઓ ત્યાં કરી હતી.
કપરામાં કપરા સંજોગોમાં આ ચંદ્રશાલાએ પાટણની નૌકાને તોફાની સમુદ્રમાથી પાર કરવાનાં બીડાં અનેક વખત ઝડપ્યાં હતાં. આહીંથી જ પાટણે બબ્બે ત્રણ ત્રણ વાર તુરુષ્કોને વિજયી જુદ્ધ આપ્યાં હતાં. મેદપાટ, માલવા, લાટ, અને સ્થાન આ ચંદ્રશાલાના પ્રતાપે જીતાયા હતા. ત્યાં ભરેલી વિદ્વદસભાઓમાં કવિજનોએ ગયેલી પાટણ નગરની પ્રશસ્તિઓ હજી પણ ત્યાની હવામાં ગુંજી રહી હતી. ચંદ્રશાલા ને બીજી રાણીની વાવ, એ બંનેના અનોખાં જ વ્યક્તિત્વ હતાં. ચાંદની રાતે ચંદ્રશાલા તો ચંદ્રશાલા રહેતી જ નહિ; એ તો ઇન્દ્રવૈભવી ભવનના ભૂલા પડેલા ખંડ સમી કૃતિ થઇ જતી!
કરણરાયને પણ આ ચંદ્રશાલા અત્યારે સાંભરી આવી. એણે થયું કે એ મને કાંઈક રસ્તો બતાવશે.
પ્રભાતનું રણશિંગું ફૂંકાવાને હજી વાર હતી. તેણે સોઢલને સંજ્ઞા કરી: ‘સોઢલજી! હું ઉપર ચંદ્રશાલામાં છું. કોઈને ત્યાં ફરકવા દેતા નહિ. જે કોઈ આવે, આંહીં રોકાઈ જાય!’
સોઢલજી વાત સમજી ગયો. મહારાજ કોઈ અટપટા પ્રશ્નને ઉકેલી રહ્યા હતા. તેનો એ જૂનો અનુભવ હતો. તે બે હાથ જોડીને ત્યાં ઊભો રહી ગયો.
કરણરાય એકલો ધીમે ધીમે પગલે ચંદ્રશાલા ઉપર ગયો.
તે ત્યાં પહોંચ્યો. તેણે ચારે તરફ દ્રષ્ટિ કરી. પળભર શાંત ઊભો રહ્યો. પછી ધીમે ધીમે ટહેલતો થયો. દરેક પગલે એના મનમાં એક અજબ પ્રકારની ધીરજ આવી રહી હતી!
સૌ કહેતાં કે ચંદ્રશાલા પ્રેરણાદાયી છે. એ વાતની એને પોતાને આજે ખાતરી થતી જણાઈ.
પાટણના ભવ્ય રાજમહાલય ‘સપ્તભૂમિપ્રાસાદ’ની ચંદ્રશાલાએ કોઈ દિવસ કોઈને હીણો નિર્ણય લેવા દીધો ન હતો, એવી લોકોક્તિ પરંપરાથી ચાલતી હતી. ગુજરાતના અનેક દુર્ભેધ દુર્ગોની જેમ, અનેક વીરગાથાઓની જેમ, મહારાજ પાટણપતિની આ ચંદ્રશાલા, એ પણ એક અજબની પ્રેરણા આપનારી જીવંત વસ્તુ બની હતી!
કરણરાયને અત્યારે એનો અનુભવ થયો. એના મનમાં ત્યાં ફરતાં ફરતાં અનેક વિચારો આવી ગયા. એ ક્યારના ઘોળાતા તો હતા જ. ચારે તરફની છિન્નભિન્ન થતી પાટણની સત્તા ફરી સ્થાપવા માટે શું કરવું જોઈએ એની વિચારણા એને આવી. સ્થાનિક ઉગ્ર મતભેદો પાટણને નબળું બનાવી રહ્યા હતા તે વાત પણ એને દીવા જેવી ચોખ્ખી સમજાઈ ગઈ! તુરુષ્ક આવશે જ, એ પણ ઊગી આવ્યું અને કદાચ વહેલો જ આવી જશે.
પણ આ બધાનો ઉપાય શું હતો?
કોઈ પણ રીતે પરાજિત માનસના પડઘા પાટણમાંથી ઊડી જવા જોઈએ. એક પણ માણસ નમવાની વાત ન કરે, તો જ એ શક્ય હતું.
ખીલજી અલાઉદ્દીનના જબરજસ્ત સૈન્યની અનેક વાતો એને કાને આવી હતી. એનાથી ડરીને એક પછી એક સૌ નમતું જોખવામાં માનતા થયા હતા. એ વાત પણ હવામાં હતી! પાટણે નમતું જોખીને પોતાનું સંભાળી લેવું એમ? કે ન કરે નારાયણ ને જુદ્ધ આવે, તો ખતરનાક જુદ્ધ આપવું? કાં જીતવું કાં મરવું? બીજા ગમે તે કરે, ચૌલુક્યો શું કરે? કરણરાયના મનનો પ્રશ્ન એ જ હતો.
પાટણ માટે કયો રસ્તો હતો?
કરણરાય ટહેલતો ટહેલતો એક પળભર ચંદ્રશાલામાં અટકી ગયો. પાટણને માટે કયો રસ્તો હતો?
તેણે નગરના કોટ કિલ્લાની પાર આછા અજવાળા અંધારામાં એક દ્રષ્ટિ કરી.
નજર પહોંચે ત્યાં સુધી પાટણની હરિયાળી ભોંમાં લીલી કુંજો જાણે ચાંદનીમાં નાહવા માટે આવી હોય તેવી દેખાતી ત્યાં ઊભી હતી. દૂર દૂર સરસ્વતીનો તટ કિનારા ઉપરનાં તાપણાંમાથી વાંકોચૂકો માર્ગ બનાવતો શોભી રહ્યો હતો. ઠેકાણે ઠેકાણે જાગ્રત ચોકીદારોનાં તાપણાં દેખાતાં હતાં. સ્થળે સ્થળેથી પ્રતિહારોના ઘોષ ઊઠતા હતા.
રાજાની દ્રષ્ટિ નગરીને નિહાળતી ચારે તરફ ફરી વળી. પાટણના ગૌરવપૂર્ણ ભવ્ય જાહોજલાલી દર્શાવતા સેંકડો મહાલયોના આકાશદીપો જાણે ગગનમાં તારાની જેમ શોભી રહ્યા હતા.
સેંકડો ધજાઓ ત્યાં હવામાં ફરફરી રહી હતી. મંદિરોની શિખર ઘંટડીઓ મધુર રણકાર કરતી હતી.
રાજાએ સર્વ દ્રશ્યો ઉપર એક નજર કરી. નગરી આખી, કોઈ મહાકવિના મહાસ્વપ્ન સમી, શોભી રહી હતી.
સહસ્ત્રલિંગ સરોવરના જલકિનારા ઉપરથી કોઈકે ફૂંકેલો શંખ એ વખતે અચાનક સંભળાયો.
રાજા કરણરાયે જાણે મનમાં કોઈ તાત્કાલિક નિર્ણય લીધો હોય, જાણે આ શંખનાદ એનો જ સૂચક હોય તેમ એક પળભર એનો હાથ જાણે હવામાં ઊંચો થયો. અને તરત નીચે આવ્યો. ધીમે, શાંત, વજ્જરફૂલ જેવા, સ્વત બોલતા શબ્દો સંભળાયા.
‘નિર્ણય તો એ જ! આ નગરી નમે, ત્યારે હું નમતો નથી, સાત પેઢીના સોલંકીઓ નમે છે. મહારાજ સિદ્ધરાજ જેવા નમે છે. આ નગરી નમે તો નહિ જ, એ નષ્ટ થાય; એ નમે તો નહિ જ!’
રાજાનો છેલ્લો શબ્દ જરાક મોટેથી બોલાયો હતો. તેનો એક ઉતાવળો મધુર પ્રત્યુત્તર હવામાંથી પાછળથી આવ્યો. ‘મહારાજ? કોની વાત કરો છો? કોણ નષ્ટ થવાનું? ને કોણ નહિ નમવાનું!’
રાજાએ ઉતાવળે પાછું ફરીને જોયું. મહારાણી કમલાવતી ત્યાં ઊભી હતી.