👩👧"માઁ " વિશે તો કાયમ સાંભળતા જ હોઈએ છીએ આજે આપણે વાત કરીએ એક પિતા ની કે જેનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય છે. એમ કેહવાય છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટેજ જીવે છે.
માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી.
મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે. મા પોતે ભૂખી રહી બાળકને પેટ ભરીને જમાડશે. મા ની એ અધૂરી થાળી બધાને દેખાય છે.
પણ પુત્રને ‘branded’ શૂઝ લઇ દેવા પપ્પાના ચપ્પલના ઘસાય ગયેલા તળિયા આપણાં ધ્યાનમાં નથી આવતા.
આપણી જીદ માટે 😡વઢતા પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે. પણ રાત્રે આપણે જ્યારે સુતા પછી કેટલીયે વાર સુધી આપણાં માથે હાથ ફેરવતા એ કોમળ હાથથી આપણે અજાણ રહી જઈએ છીએ. આપણાં સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ વેચી દે છે અને દિવસ રાત એક કરી ને આપણા સપના પુરા કરે છે. એક પિતા પોતાના માટે વસ્તુ ના હોય તો ચલાવી લેસે પરંતુ પોતાના સંતાન જો કોઈ વસ્તુ માંગે કે એની જરૂરિયાત હોય તો સાહેબ એક પિતા કાળી મજૂરી કરી ને પણ તેના સંતાન ને તે વસ્તુ અપાવે છે. આ ત્યાગ માત્ર પિતાજ કરી શકે છે.
એક પુરુષ હજી રડી શકે છે,પણ એક બાપ (દીકરીની વિદાય સિવાય) કદી રડી શકતો નથી. કારણકે દરેક સંતાન માટે પિતા એક ઢાલ સમાન હોય છે અને ઢાલ ને ઓગળવાનો હક નથી હોતો. તેને તો બસ દરેક પરિસ્થિતિમાં કઠોર જ રહેવાનું હોય છે. બાળપણમાં રહેલો પિતાના નામનો ડર ક્યારે હિંમતમાં ફરી જાય છે આપણને ખ્યાલજ નથી રહેતો. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, હ્રદયમાં એક અવાજ આવતો, “પપ્પા છે ને!? થઇ જશે બધું સરખું”અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દેતા…પણ મોટાભાગે આપણને જાણ ન પડે એમ સરખું કરી દેતા.😇 સામન્ય રીતે પિતાને ઘડપણ જલ્દી આવે છે. કારણકે જુવાનીમાં પોતાના સ્વપ્નાઓ પાછળ દોડતો પુરુષ જ્યારે પિતા બને છે ત્યારથી પોતાના સંતાનના સ્વપ્નોનો ભાર ઉપાડવા માંડે છે. ક્યારેય પપ્પાની ઊંડી ઉતરી ગયેલી આંખો ધ્યાનથી જોઈ છે?
એમની એ આંખોમાં તમને તમારા સપનાઓ એકદમ ચોખ્ખા દેખાશે. તમારા સપનાઓને ખાતર પણ એમના સપના પુરા કરજો, તમારા સ્વપ્નો આપોઆપ પુરા થઇ જશે. એમના ચેહરા ના સ્મિત પાછળ બીજા ઘણા દુઃખો છૂપાયેલા છે જે ક્યારે પણ બહાર આવતાં નથી. એમની લાગણીઓ ને છુપાવી ને સંતાનો મોટા કરવામાં આખું જીવન પૂરું કરી નાખે છે. આ એક પિતાની વેદના તેમની લાગણી ત્યારેજ સમજાય છે જયારે આપણે એક ખુદ પિતા બનીએ છીએ. ત્યારે એમ અનુભવ થાય છે કે આ સમાજ મા રહીને લોકો ની કેટકેટલી ટીકાઓ સહન કરીને આપણા માટે લોકો સાથે લડીને લોકોએ કરેલું અપમાન પણ સહન કરીને આપણા સપના પુરા કર્યાં.
એક પુરુષ સમાજ ના બનાવેલા નિયમો અનુસાર તે પોતાની લાગણી પણ બહાર બતાવી શકતા નથી. એક પુરુષ પોતાની લાગણી, પ્રેમ, દુઃખ કોઈ પણ વસ્તુ ને પોતાના પરિવાર સામે આવવા નથી દેતા માત્ર ને માત્ર એમના પરિવાર ના સુખ શાંતિ માટે. એમ કેહવાય છે કે શિવ જગત ના પિતા છે પરંતુ દરેક વ્યક્તિ માટે તેના પિતાજ શિવ છે...💗
"પરિવાર ની તમામ જવાદારીઓ પોતાના ખભા પર ઉપાડીને બેવડ વળી જવા છતાં આંખમાં આંસુ ન લાવે તેનું નામ પિતા"
બસ આટલું જ કહીશ કે એક પિતા ના પણ સપના હોય છે તેમની લાગણી ની કદર કરી તેમને પણ ખુબજ સ્નેહ, માન સન્માન આપો કે જેના હકદાર છે. તેમને પણ પોતાના જીવન માં કરેલા ત્યાગ સામે પ્રેમ મળે અને તેમનું પણ જીવન આનંદ થી પસાર થાય.🙏