2024, મે 17, સુરત
ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વે સ્ટેશન પર અમદાવાદથી મુંબઇ તરફ જતી કર્ણાવતી ઍક્સપ્રેસનો તેના સંબંધિત પ્લૅટફોર્મ પર પહોંચવાનો સમય નિકટ હતો. સુરતમાં મે માહનો સમયગાળો 27 થી 34 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન ધરાવતો હોય છે. સવારનું તાપમાન તો આમેય ઓછું, અને ખુશનુમા જ રહેતું હોય છે. તે જ પ્રમાણે 17મી મેના દિવસે પણ સુરતનું સવારનું તાપમાન આશરે 27 ડિગ્રી સૅલ્સિયસની આસપાસ જ હતું. પરંતુ ભેજનું પ્રમાણ 64-70 ટકા જેટલું હતું, અને આથી જ વધુ ગરમી તો ન જ લાગે પણ શરીર પરસેવે નીતરતું જાય. પવન ફૂંકાતાની સાથે જ તે પરસેવો ઠંડક અનુભવડાવે. કર્ણાવતી, સામાન્ય રીતે, પ્લૅટફોર્મ નંબર 2 પર જ આવતી હોય છે. પ્લૅટફોર્મ મુંબઇ તરફ જનારા મુસાફરોથી ઉભરાઇ ચૂકેલું. ઉપરથી કર્ણાવતીની પાછળ જ મુંબઇ જતી બીજી અન્ય ટ્રેનો પણ આવતી હોવાના કારણે જે તે ટ્રેનોના મુસાફરો પણ સમય કરતા વહેલા આવી પહોંચ્યા હતા. જેમણે ભીડમાં વધારો કર્યો હતો. આમ પણ, રૅલ્વે સ્ટેશન ટ્રેનના નિર્ધારીત સમય કરતા કલાક વહેલા પહોંચવું જોઇએ. સમયનું માર્જીન રાખીને ચાલવું સારૂ. રોજબરોજના કામ સાથે સંકળાયેલા રૅલ્વે કર્મચારીઓ પ્લૅટફોર્મ પર તેમના કાર્યમાં વ્યસ્ત હતા. સુરત રૅલ્વે સ્ટેશન એવું છે, જ્યાં ચોક્કસ સમયાંતરે સૂકું અને ભીનું પોતું વાગે છે. ભીના પોતા માટે તો મોટરથી ચાલતી નાનકડી કાર જેવી રચનાનો ઉપયોગ થાય છે, જેમાં એક વ્યક્તિ બિરાજી શકે, અને તે કાર જ સંપૂર્ણ પ્લૅટફોર્મ પર ફરી, સફાઇ કરી આવે. એક તરફ મુસાફરોનો સામાન જગા રોકીને બેઠેલો હતો, તો બીજી તરફ પાર્સલ સુવિધા અંતર્ગત આવતા અસંખ્ય પાર્સલોથી ભરેલી લોખંડની લારીઓએ જમાવટ કરેલી હતી. આવી ભીડમાં પણ સફાઇ કર્મચારીઓ પોતાની ધૂનમાં જ કામે વળગેલા હતા. તેઓ કોઇ દિવસ માથુ ઊંચું કરીને જુએ જ નહીં. સામેથી કોઇ આવતું હોય, કે ડાબી-જમણી તરફથી કોઇ નીકળી રહ્યું હોય, તેનાથી કર્મચારીને કોઇ ફરક પડતો જ નથી. તે અર્જુનની માફક પોપટની આંખને એટલે કે પ્લૅટફોર્મ પર રહેલા કચરાને જ નિશાન તરીકે સાધે, અને પણછથી મુક્ત થયેલા તીરની માફક જ ઝાડુ ચલાવે. તીવ્ર ગતિથી કાર્યરત ઝાડુના માર્ગમાં કંઇ પણ આવે તેની પરવા કર્યા વિના કર્મચારી તેને વાઇપરની માફક ડાબેથી જમણી તરફ ગતિ કરાવ્યે જ રાખે. કેટલાંય મુસાફરોના પગ પર કચરો આવતો હશે, ઘણીવાર તો ઝાડુ પણ અડી જાય. પણ કંઇ ફરક ના પડે, ઝાડુ તેની ગતિમાં મસ્ત અને કર્મચારી તેને ગતિ આપવામાં વ્યસ્ત હોય. નજર તો પાછી જમીનમાં જ ખોડાઇ ગયેલી હોય. મુસાફરોનો કોલાહલ, ફેરીયાઓના અવાજો, લોખંડની ટ્રોલીઓના પ્લૅટફોર્મ સાથે ઘસાવાથી ઉત્પન્ન થતો ઘોંઘાટ, આઘા ખસી જવાની ચેતવણી આપતી એંજીનની વ્હિસલ વચ્ચે ઘોષણા સંભળાઈ, ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે... અહમદાબાદ સે મુંબઇ કી ઓર જાનેવાલી ટ્રેન ક્રમાંક એક...દો...નૌ...તીન...ચાર... કર્ણાવતી ઍક્સપ્રેસ અપને નિર્ધારિત સમય પે ચલ રહી હે.’ આ સાથે જ મુસાફરો તેમની અનુકૂળતા માટે પ્લૅટફોર્મ પર પ્રત્યેક કોચના અંતરને ગણતરીમાં લઇને નિયત અંતરે લટકાવેલ સાઇનબોર્ડ પર દેખાતા ડબ્બાઓના ક્રમ મુજબ સ્થાન લેવા લાગ્યા. મુસાફરોની ચહલપહલ દોડધામમાં રૂપાંતરીત થઇ ગઇ. તેમની ભાગાદોડીમાં પોતાને સોંપેલ જગાને જ વારંવાર સાફ કરતા સ્થાયી સફાઇ કર્મચારીઓ, જગા પર જ જડાઇ ગયેલી પાર્સલોથી સજ્જ લોખંડની લારીઓ, હંમેશા વિરૂદ્ધ દિશામાં જ ફરતા ફેરીયાઓ અડચણરૂપ બની રહ્યા હતા. આશરે પાંચેક મિનિટના અંતરે તો કર્ણાવતીએ ખાલી પાટાઓને રોકી લીધા, અને પ્લૅટફોર્મ નંબર 2 પર આવી પહોંચી. સુરત સુધી જ સફર કરનારા મુસાફરો ઉતરવા લાગ્યા, બીજી તરફ ટ્રેનમાં ચડનારાઓની ધીરજ ખૂટવા લાગી, ‘જલ્દી કરો’, ‘ઓ.. માજી, ઉતરોને ઝટ’, ‘ચાલની ભાઇ...’, છેલ્લા એક બે મુસાફર કોચની સીડી પાસે પહોંચે તે પહેલાં તો પ્લૅટફોર્મ પર માખીઓની માફક કોચના દ્વાર પાસે મધપૂડો બનાવી ઉભેલા મુસાફરો ચડવા લાગે. એટલે તે છેલ્લા એક બે મુસાફર હડસેલા ખાતા ખાતા માંડ માંડ સ્ટેશન પર પગ મૂકી શકે.
પાંચેક મિનિટના અંતરાલ પછી કર્ણાવતીએ સ્ટેશન છોડી દીધું. ત્રણ જ મિનિટમાં તે ઉધના જંકશનથી પસાર થતી હોય છે. પરંતુ આજે સુરત સ્ટેશન અને ઉધના જંકશન વચ્ચે તે રોકાઇ ગઇ. આશરે પંદરેક મિનિટ થઇ પણ તે હલી જ નહીં. ઉધના જંકશન તરફથી સિગ્નલ મળ્યું નહોતું. મુસાફરોમાં ચર્ચા થવા લાગી, ‘સ્ટેશન માસ્ટર સૂઇ ગયો લાગે છે.’, ‘ટ્રેકમાં ગાય ફસાઇ ગઇ હશે.’, ‘કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાયો લાગે છે.’, ‘રૅલ્વેમાં સિગ્નલના ધાંધિયા જ હોય છે.’ ટ્રેનમાં બેઠેલા મુસાફરો ટ્રેનથી આશરે બે કિલોમીટરના અંતરે શું બન્યું હશે, તેનું અનુમાન લગાવી રહ્યા હતા. અનુમાનોમાંથી જ એક પ્રબળ અફવા જન્મ લેતી હોય છે, અને જ્યારે અનુમાનો લગાવનારાઓ આવી પ્રબળ અફવાને સિક્કો મારે એટલે અફવા હકીકતના સ્વરૂપમાં આકાર પામતી હોય છે. ભલેને વાસ્તવિકતા સાથે તેનો કોઇ સંબંધ ન હોય. ઘણા મુસાફરોને એવી આદત હોય છે કે ટ્રેન ઊભી રહે ને એટલે તેમાંથી ઉતરી જાય, પછી એ પ્લૅટફોર્મ પર રોકાઇ હોય કે માર્ગમાં કોઇ વિરાન અવાવરૂ જગાએ રોકાઇ હોય. આવા જ ટ્રેનમાંથી ઉતરી પડનારાઓમાંથી એક વ્યક્તિની નજરે શણનો કોથળો ચડ્યો, તે ટ્રેન જે ટ્રેક પર હતી તેની બાજુના ટ્રેકની પાસે પડેલો હતો. વ્યક્તિએ એંજીનની દિશા તરફ નજર ઘુમાવી, હજુ પણ સિગ્નલ રૅડ જ હતું. આથી થોડી હિંમત કરી તે કોથળાની નજીક જવા લાગી. ઘઉંની બોરી તરીકે જેને ઓળખીએ છીએ, તે ખાલી થાય એટલે કોથળો બની જાય. કોથળાની ઉપરની તરફ ઘેરા લાલ રંગના ડાઘા દેખાતા હતા, અને તેનું મોંઢું પ્લાસ્ટિકની દોરીથી બાંધેલું હતું. કેમ સવારથી કોઇની નજર તે કોથળા પર પડી નહીં? કોણ મુકી ગયું હશે? શું હશે કોથળામાં? વિચારોએ ગતિ પકડી, અને વિચારો અમલમાં આવે, વ્યક્તિ કોથળાની નજીક પહોંચે તે પહેલાં જ સિગ્નલ ગ્રીન થયું, એંજીને વ્હિસલ મારી, અને તે વ્યક્તિનું ધ્યાન કોથળા પરથી હટ્યું. લોખંડની સમાંતર પટ્ટીઓ આસપાસ તેને શણગારવા વપરાયેલી કપચીઓને મુસાફરોના ઝડપી પગ દ્વારા કચડાવવાનો અવાજ આવવા લાગ્યો. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો પાછા ટ્રેનમાં સવાર થઇ ગયા. કર્ણાવતી ધીમા પગલે ઉધના જંકશન તરફ આગળ વધવા લાગી. પરંતુ તે વ્યક્તિનું ધ્યાન તો હજુ પણ કોથળા પર જ હતું. તેની નજર કોથળો આંખોથી અલોપ થયો ત્યાં સુધી તેના પર જ રહી. વાતાનુકૂલિત ચેર કારમાં પોતાની સીટ પર બિરાજી ચૂકેલ તે વ્યક્તિની આંખો સામે વારંવાર તે કોથળો અને કોથળા પરના લાલ ડાઘ આવ્યે જ કરતા હતા.
આખરે મનેકમને તેણે ચેઇન ખેંચી, અને કર્ણાવતી હાંફતી હાંફતી બરોબર ઉધના જંકશન પર આવી ઊભી રહી ગઇ. જ્યોર્જ વેસ્ટિંગહાઉસ દ્વારા શોધાયેલી ઍર બ્રેક જે ટ્રેનને આકસ્મિક સંજોગોમાં રોકવામાં મદદ કરતી હોય છે, અને જ્યારે આ ચેઇન ખેંચાય છે, ત્યારે કોચની બ્રેક ઍર પાઇપમાંનો વાલ્વ ખુલે છે, સાથે સાથે હવા બહાર નીકળે છે. જેના કારણે ટ્રેન ધીમી પડી જાય છે. વધુમાં, રૅલ્વે અધિનિયમની કલમ ૧૪૧ મુજબ જો કોઇ અનિવાર્ય સંજોગો વિના ચેઇન ખેંચી હોય તો ખેંચનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલની સજા કરવામાં આવે છે. ચેઇન ખેંચનાર તે વ્યક્તિ સઘળી બાબતોથી અજાણ નહોતી. ટ્રેન રોકાતાની સાથે જ તેણે સ્ટેશન માસ્ટરનો સંપર્ક કર્યો, અને કોથળા વિષે માહિતી આપી. કર્ણાવતીને તો સમયસર વિદાય આપવાની જ હતી. વ્યક્તિએ રોકાવાનું નક્કી કર્યું, અને સિગ્નલ મળતાંની સાથે જ ટ્રેન મુંબઇ જવા માટે રવાના થઇ ગઇ.
ટ્રેને પ્લૅટફોર્મ છોડતાંની સાથે જ તે વ્યક્તિ, સ્ટેશન માસ્ટર, અને માસ્ટરે જાણ કરેલ રૅલ્વે પોલીસના બે જવાનો કોથળો જ્યાં પડ્યો હતો તે તરફ જવા લાગ્યા. આશરે વિસેક મિનિટના અંતરે તેઓ કોથળાની નજીક પહોંચ્યા. તે વ્યક્તિ તીવ્ર ગતિએ કોથળાની નજીક જઇ, તેને ખોલી, તેમાં શું હતું તે જોવા માંગતી હતી. પરંતુ તેના હાથ પોલીસે રોક્યા, ‘જુઓ, આમ... કોઇ અજાણી વસ્તુને ની અડાય. તમારા અડકવાથી ભવિષ્યમાં આપણને તપાસમાં જરૂરી બની એવા નિશાનો ભૂસાઇ શકે છે.’, માસ્ટરે પણ માથું હલાવી, પોલીસની વાતને ટેકો આપ્યો.
‘આમ પણ, સુરતમાં અઢળક ટેક્ષટાઇલ એકમો છે. એમાંથી કોઇએ અહીં કચરો ફેંકયો હોય તેવું પણ બને... એટલે જ તો જુઓ કલર પણ ચોંટેલો છે.’, માસ્ટરે વાત સંપૂર્ણપણે ઉડાડવાનો પ્રયત્ન કર્યો, કેમ કે એક બનાવ પાછળ થતા અસંખ્ય કાગળકામો જેને “પેપરવર્ક” કહે છે, તે થકવી નાંખે તેવા હોય છે.
‘તમે મુર્ખ છો...’, આ વખતે તે વ્યક્તિની ધીરજનો બંધ તૂટ્યો, ‘તમને કલરના ડાઘ અને લોહીના ડાઘમાં તફાવત દેખાતો નથી... લોહીના ડાઘ ઓળખવામાં મારી આંખો કોઇ દિવસ ભૂલ ના કરે...’, શબ્દો અટકતાંની સાથે જ રૅલ્વે પોલીસના જવાનોએ માસ્ટરના ઇશારાને આધીન તે વ્યક્તિને પકડી કોથળાથી દૂર લઇ જવા લાગ્યા.
‘આમને... હેમખેમ... સુરત સ્ટેશન મૂકી આવો...’, માસ્ટર કોથળાને લાત મારીને જમીનથી થોડીક જ સામાન્ય ઊંચાઇ પર બનાવેલ ઢાળીયા ટ્રેક પરથી ગબડાવા મથવા લાગ્યો.
‘યુ કાન્ટ ટચ મી...! હાઉ ડૅર યુ...?’, તે વ્યક્તિએ એક જ પ્રયત્ને જવાનોની પકડમાંથી હાથ છોડાવ્યા, અને ભાગીને માસ્ટરને ધક્કો માર્યો. જેના લીધે માસ્ટર ટ્રેક પર ફસડાયો, અને તેના સફેદ યુનિફોર્મ પર કપચીઓ પર જામી ગયેલી ધૂળ ચોંટવા લાગી. તે વ્યક્તિએ ઝડપથી પ્લાસ્ટિકની દોરીને ખોલી, અને કોથળાના મુખને પહોળું કરી જમીન તરફ ધકેલ્યું.
સ્થળ પર હાજર ચારેય જણાની નજર કોથળા પર ચોંટી ગઇ. વાસ્તવમાં તે લાલ ડાઘ લોહીના જ હતા. કોથળામાં એક લાશ હતી. કોથળામાં રહેલી લાશના પગ કોથળાના મુખ તરફ હતા.
‘તમે લોકો આને ટેક્ષટાઇલ કલરના ડાઘ કહેતાં હતા?’, તે વ્યક્તિનો અવાજ ગુસ્સામાં મોટો થયો, ‘સુરત સ્થાનિક પોલીસને જાણ કરો.’, આદેશ આપતાની સાથે તેણે જવાનોને કોથળામાંથી લાશને બહાર કાઢવા માટે ઇશારો કર્યો. પરંતુ જવાનોએ કોઇ હરકત દર્શાવી નહી. આથી વ્યક્તિએ જાતે જ કોથળો ખેંચ્યો, અને લાશ બહાર કાઢવા મથવા લાગી.
‘પણ... આમાં તમને આટલો બધો રસ કેમ છે?’, માસ્ટર તે વ્યક્તિની નજીક આવ્યો, ‘અને અમને આદેશ આપનાર તમે કોણ છો?’, લાશ તરફ તો માસ્ટર કે પોલીસ જવાનો, કોઇનુંય ધ્યાન હતું જ નહીં.
‘એ છોડો... પોલીસને જાણ કરો...’, તે વ્યક્તિએ જવાબ આપવાને બદલે વાતને ફગાવી.
‘ના... પહેલા... તમને કેવી રીતે ખબર કે અહીં કોથળો પડેલો છે. ક્યાંક તમે તો નથી મૂક્યો ને... અને હવે બચવા માટે અમને આડે પાટે ચડાવી રહ્યા હોવ...’, એક પોલીસ જવાને પણ માસ્ટરને સાથ આપ્યો.
‘આર... યુ આઉટ ઑવ યૉર માઇન્ડ...હું તો અમદાવાદથી જ ટ્રેનમાં...’
‘બસ... હવે બહુ થયું.’, માસ્ટરે વ્યક્તિની વાત અટકાવી, ‘ચૂપચાપ... જે સાચું હોય તે કહી દો... નહીંતર તમારા ભવિષ્યને અંધકારમાં ધકેલતા અમને વાર નહીં લાગે...’
‘ઑકે...તો સાંભળ...’, તે વ્યક્તિએ માસ્ટરને તુકારાથી સંબોધ્યો, જે માસ્ટરને જરાય ગમ્યું નહીં અને તેની ચાડી માસ્ટરની આંખોએ ખાધી, ‘ગુજરાત પોલીસ… અમદાવાદ... એસીપી... મેઘાવી દરજી...’
ત્રણેવને જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ જ્યાં ઊભેલા ત્યાં જ જમીન સાથે જડાઇ ગયા. આંખો સામે કોથળામાંથી ધડ સુધી બહાર કાઢેલી લાશ પડી હતી, અને તેની બરોબર પાસે મેઘાવી ઊભી હતી. મેઘાવીની ગુસ્સાથી ભભકતી લાલ આંખોની સામે જોવાની ત્રણેવમાંથી કોઇની પણ હિંમત નહોતી. એક રૅલ્વે પોલીસ જવાને તુરત જ સુરત સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. ઉધના પોલીસ ચોકીથી પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા તો મેઘાવીએ તપાસ આદરી દીધેલી. મેઘાવીની મદદ કરવા માસ્ટર પણ દોડી આવ્યો... બન્ને જણાંએ કોથળાને ખેંચ્યો, અને તેઓની સામે કોથળામાં મૂકાયેલી લાશ પડી હતી. કોથળો મેઘાવીના હાથમાં હતો, અને માસ્ટરની આંખો લાશ જોઇએ પહોળી થઇ ગયેલી, આશ્ચર્યથી પહોળા થઇ ગયેલા તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, ‘માથું???’.
*****
તે જ સમયે, વરાછા, સુરત
વરાછા પોલીસ સ્ટેશનમાં અણધારી આફતની માફક આવેલા આદિત્ય સંઘવીના ધડ પરથી ઉતારેલા માથા બાબતે ચર્ચા ચાલી રહેલી. ફોરેન્સિક વિભાગને જાણ કરી દેવામાં આવેલી. થોડાક જ સમયમાં ફોરેન્સિક વિભાગની ગાડી પોલીસ સ્ટેશનના દ્વાર પાસે આવીને રોકાઇ. એક ઓફિસર અને ત્રણ સહાયકો તેમાંથી ટપોટપ ઊતર્યા, જેમના હાથ સફેદ મોજાંથી આવરીત હતા, અને તેમનામાંથી એક અધિકારીના હાથમાં એક પેટી હતી. જેમાં ફોરેન્સિક વિભાગ, ઘટના સ્થળ પરથી નમૂના મેળવવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો રાખતા હોય છે. અધિકારી, અને કર્મચારીઓ સ્ટેશનમાં ટેબલની આસપાસ ગોઠવાયેલા હતા, જેના પર સંઘવીનું કપાયેલું માથું મૂકેલું હતું. ઝીણવટભર્યું અવલોકન કરવું અને તલસ્પર્શી અભ્યાસ કરવો, એ જ ફોરેન્સિક વિભાગની ઓળખ. અધિકારીઓની આદત મુજબ સ્થળ પર આવેલ અધિકારીએ પણ તેનો જમણો હાથ દાઢી પર ફેરવ્યો. થોડીક વધુ માત્રામાં પ્રકાશ પડે તો કાચની માફક ઝળકી ઉઠે તેવી એકદમ સાફ કરેલ દાઢી. ચશ્માની દાંડી સરખી કરતા તે ટેબલ પર મૂકેલા માથાની નજીક આવ્યો. તેના ઇશારાને આધીન અન્ય કર્મચારીઓ સ્ટેશન, અને સ્ટેશનની બહાર મળી શકે તેવા પ્રત્યેક શક્ય પૂરાવાઓ એકઠા કરવામાં જોડાઇ ચૂકેલા. તે અને તેની સાથી આવેલો તેનો એક સહાયક, બન્ને જણા ટેબલની ફરતે એકબીજાની વિરૂદ્ધ દિશામાં ફરી રહેલા, અને અવલોકન કરી રહ્યા હતા. એક બે વાર તો તેઓ એકબીજાને અથડાતા અથડાતા રહી ગયા. અધિકારી આંખો મોટી કરી સહાયકની સામે જુએ... સહાયક નીચું જુએ... અને પાછી પ્રદક્ષિણા ચાલુ. ફોટોગ્રાફર તેના કામમાં વ્યસ્ત હતો. ટેબલની ફરતે આ બન્ને જીવતા સીધી અને ઊંધી ઘડિયાળના કાંટાઓને છોડી, કેન્દ્રમાં રહેલા માથામાં વધુ રસ હતો. વીજળીના ચમકારા સાથે શક્ય તેટલા બધા એંગલથી ફોટાઓ પડી રહેલા.
એક હવાલદાર બધું જ નોંધી રહ્યો હતો. પીઆઇ પણ અભ્યાસ કરી રહેલો. પ્રત્યેકનું ધ્યાન કેન્દ્રિત થયું સંઘવીના કપાળ પર. કપાળમાં બરોબર વચોવચ પીળા રંગનું ધાતુનું બનેલ ચમકતા સૂર્યનું ચિહ્ન ચોંટાડેલું હતું. તેના કેન્દ્રમાંથી રક્તની ધાર વહીને નાક સુધી આવી અટકી ગયેલી, જે સૂકાઇ ચૂકેલી. માથાને અત્યંત કાળજીપૂર્વક ઉપાડીને સૅમ્પલ ટ્રેમાં મૂકવામાં આવ્યું. તેને સફેદ વસ્ત્રથી ઢાંકી દેવામાં આવ્યું. માથું જ્યાં મૂક્યું હતું, તે જગા પર સૂકાઇ ગયેલા લોહીના સૅમ્પલ પણ લીધા. ઘણી વખત વધુ હોંશિયાર વ્યક્તિ પોતાના હોંશિયારી દર્શાવવા જરૂરી ન હોય તેવી પણ ચોકસાઇના દર્શન કરાવતો હોય છે, અને એ વધુ પડતી ચોકસાઇ જ તપાસને આડા પાડે લઇ જવામાં ભરપેટ સહાય કરતી હોય છે. તે જ રીતે ફોરેન્સિક વિભાગમાંથી આવેલા વ્યક્તિઓએ અસંખ્ય નમૂનાઓ ભેગા કર્યા. સ્ટેશનના દરવાજાની આસપાસના ફૂટપ્રિન્ટના ફોટો, રસ્તા પર સ્ટેશનની આસપાસથી પસાર થયેલી, અથવા ઊભી રહેલ ગાડીઓના ટાયરોની છાપના ફોટો, ઝાંપા પર પડેલ આંગળીઓના નિશાન... મળે એટલું ભેગું કરવામાં વ્યસ્ત કર્મચારીઓ તેમની ધૂનમાં જ હતા. બધા જ નમૂના જ્યાંથી લીધા હોય, તે પ્રત્યેક જગાઓ, તેમજ તેની આસપાસની જગાઓના ફોટો ખેંચવામાં તે વિભાગનો ફોટોગ્રાફર વ્યસ્ત હતો. તેણે ખેંચેલા ફોટોગ્રાફ્સનો ભવિષ્યમાં અભ્યાસ થવાનો હતો, અને તેના આધારે અસંખ્ય અનુમાન પણ થવાના હતા. આ બધી દોડધામમાં પોલીસની સ્કોર્પિઓમાં લગાવેલ વાયરલેસ પર આવેલ સંદેશે પોલીસકર્મીઓનું ધ્યાન ખેંચ્યું. જે ઉધના જંકશન પાસે મળેલ લાશ બાબતનો સંદેશ હતો. તુરત જ વરાછા પોલીસ ઇન્સપેક્ટરે ઉધના પીઆઇને ફોન જોડ્યો. થોડીક જ પળોની વાતચીતે વરાછાના પીઆઇને પોલીસ સ્ટેશનના દ્વાર પર મળેલા માથાને જોડતું ધડ ઉધના પોલીસને મળેલું તે અનુમાન પર પહોંચાડી દેતા વાર ન લગાડી. બીજી વાત એ હતી કે લાશ જેમાં મળી આવેલી તે કોથળાની ભાળ મેળવનાર વ્યક્તિ અમદાવાદથી હતી, અને તે એસીપી હતી. બીજી તરફ ઉધનાના પીઆઇને વરાછા તરફથી એવી જાણ થઇ કે જે માથું મળી આવેલું તે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના જાણીતા હિરાના નામાંકિત વેપારી આદિત્ય સંઘવીનું હતું. ધડ પરથી મળી આવેલ ચીજવસ્તુઓ પણ તે તરફ જ ઇશારો કરી રહેલી કે વ્યક્તિ ધનાઢ્ય, નામાંક્તિ કોઇ વેપારી જ હોવો જોઇએ, અને હતું પણ એવું જ. જેના પર ફોરેન્સિક વિભાગ દ્વારા ખરાઇનો સિક્કો વાગવાનો જ હતો.
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏