સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહીં. છેવટે તેણે મિતાંશને તે નંબર ઉપર ફોન કરવા કહ્યું તો સામેથી જે જવાબ આવ્યો તે સાંભળીને મિતાંશને જાણે ચક્કર આવી ગયા તે પોતાની ચેર ઉપરથી ઉભો થઈ ગયો અને જોરજોરથી સામેવાળી વ્યક્તિને પૂછવા લાગ્યો કે, તમે આ રીતે ઓર્ડર કેન્સલ કઈરીતે કરી શકો? અને તો પછી તમારે મને ના પાડી દેવી જોઈતી હતી ને તો હું આટલું બધો માલ તૈયાર જ ન કરાવત ને..!! હવે આટલું બધું પેકેજીંગ મટીરીયલ્સ હું કોને વેચીશ અને શું કરીશ? મારા તો કેટલા બધા પૈસા આમાં લાગેલા છે અને મારી તો કંપની પણ આમાં ડૂબી જશે અને મિતાંશ બોલતો રહ્યો અને સામેથી ફોન કટ થઈ ગયો.હવે આગળ....સાંવરી પણ પોતાની ચેરમાંથી ઉભી થઈને મિતાંશની બાજુમાં આવીને ઉભી રહી ગઈ હતી. મિતાંશે ફોન મૂક્યો એટલે સાંવરીએ તેને પાણી આપ્યું અને હકીકત પૂછી અને ત્યારબાદ તેને શાંત થવા કહ્યું...પરંતુ મિતાંશ તો સખત ટેન્શનમાં આવી ગયો હતો. સાંવરીએ પોતાના સસરાને ફોન લગાવીને આ બધીજ હકીકત જણાવી અને તેમણે પણ જે નંબર ઉપરથી પોતાને ઓર્ડર આપવા માટે ફોન આવ્યો હતો તે નંબર ઉપર ફોન લગાવ્યો પરંતુ સામેથી એક જ જવાબ આવ્યો કે, "મારે હવે માલની જરૂર નથી માટે હું આ ઓર્ડર કેન્સલ કરું છું."કમલેશભાઈએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું તો સામેથી ખડખડાટ હસવાનો અવાજ આવવા લાગ્યો અને સામેવાળી વ્યક્તિ તેમને કહેવા લાગી કે, "મેં તમને ઓર્ડર આપ્યો તેનું કોઈ પ્રુફ છે કે કોઈ લીગલ ડોક્યુમેન્ટ છે તમારી પાસે, કયા આધાર ઉપર તમે મારી સામે કેસ કરશો અને કમલેશભાઈના હાથમાંથી તેમનો મોબાઈલ ફોન સરકી ગયો અને તે જમીન ઉપર ફસડાઈ પડ્યા... તેમના પડવાનો ધબાક દઈને અવાજ આવ્યો તે સાંભળીને અલ્પાબેન દોડીને બેડરૂમમાં આવ્યા અને કમલેશભાઈને આ રીતે ફસડાઈ પડેલા જોઈને ચોંકી ઉઠ્યા...અને તેમની તરફ દોડી ગયા અને તેમને ઢંઢોળવા લાગ્યા પરંતુ કમલેશભાઈ બેભાન થઈ ચૂક્યા હતા...અલ્પાબેનની બૂમો સાંભળીને રામુકાકા પણ રસોડામાંથી અલ્પાબેનના બેડરૂમમાં દોડી આવ્યા...અલ્પાબેને તેમને રડતાં રડતાં પોતાનો ફોન આપવા કહ્યું રામુકાકા ફોન લઈને આવ્યા એટલે અલ્પાબેને એમ્બ્યુલન્સ બોલાવી અને કમલેશભાઈને શહેરની સારામાં સારી એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મિતાંશ અને સાંવરીને આ સમાચાર આપવામાં આવ્યા એટલે તેમના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ. મિતાંશની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. સાંવરી તેને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી... એટલામાં ઘરેથી સાંવરીના સેલફોનમાં સોનલબેનનો ફોન આવ્યો કે, "લવ ઉઠી ગયો છે અને રડે છે તો તું ઘરે આવી જા" એકબાજુ પોતાના સસરા મરણપથારીએ હતા મિતાંશની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી અને નાનકડા નિર્દોષ લવને સાચવવાનો...!! કિસ્મત પણ રુઠે ત્યારે બધી બાજુથી રુઠી જાય છે.. સાંવરીએ પોતાના મિતાંશને ખૂબજ હિંમત આપી પરંતુ તેને એકલો ઓફિસમાં મૂકીને ઘરે જવાની તેની હિંમત ન ચાલી તેણે મિતાંશને પોતાની સાથે ઘરે આવવા માટે તૈયાર કર્યો અને બંને લંડનમાં સ્થિત પોતાના ઘરે જવા માટે નીકળ્યા. મિતાંશ ખૂબજ ડિસ્ટર્બ હતો એટલે કાર પણ પોતે ચલાવવા માટે લઈ લીધી અને સાંવરી રસ્તામાં તેને સાંત્વના આપતી રહી કે, "બધું બરાબર થઈ જશે, તું ચિંતા ના કરીશ અને ડેડીને પણ સારું થઈ જશે હમણાં મોમનો ફોન આવશે જોજેને..." મિતાંશ પોતાના ડેડ પાસે ઈન્ડિયા જવાની જીદ કરવા લાગ્યો અને સાંવરી તેને આમ ઉતાવળ કરવાની "ના" પાડી રહી હતી...મિતાંશ તેને કહી રહ્યો હતો કે, "મારા ડેડીથી વધારે મારા માટે બીજું કશુંજ નથી. મેં જ્યારે જ્યારે જે જે માંગ્યું છે તે બધુંજ મારા ડેડીએ મારા માટે હાજર કર્યું છે કદી કોઈ વાતમાં તેમણે મને રોક્યો નથી કે ટોક્યો નથી. મેં ફોરેઈનમાં બિઝનેસ શરૂ કરવા માટે જીદ કરી તો પણ તેમની ઈચ્છા ન હોવા છતાં તેમણે મને "હા" પાડી આજે હું જે કંઈપણ છું તે મારા ડેડીને લીધે છું અને તેમને કંઈ થઈ જશે તો..??" અને મિતાંશ ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો....વધુ આગળના ભાગમાં....શું કમલેશભાઈને આવેલો આ એટેક તેમને માટે જીવલેણ તો નહીં બને ને.. તે બચી તો જશે ને?એવું કોણ છે જેણે કમલેશભાઈ અને મિતાંશ સાથે આવી ભયંકર જીવલેણ ગેમ ખેલી છે?શું મિતાંશ પોતાની સાંવરીને અને લવને અહીં પારકા પ્રદેશમાં એકલા મૂકીને ઈન્ડિયા જશે કે નહીં જાય ? મિતાંશ અને સાંવરી આ ફ્રોડ વ્યક્તિને શોધી તો શકશેને..?? શું તે આ પરિવારનો કોઈ જૂનો દુશ્મન છે કે પછી કંઈક બીજું જ છે? તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે.....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 17/12/24