સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું મહાવિષ્ણુના મંત્રોનું વર્ણન કરું છું; આ લોકમાં તે અત્યંત દુર્લભ છે; જે પામ્યા પછી મનુષ્યો શીઘ્ર પોતાની અભીષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. જેના ઉચ્ચારણ માત્રથી અનેક પાપપુંજ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મા આદિ પણ એ જ મંત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ સંસારનું સર્જન કરવામાં સમર્થ થાય છે.
પ્રણવ અને નમ: પૂર્વક ચતુર્થી અંતવાળું ‘નારાયણ’ પદ હોય ત્યારે ‘ॐ नमो नारायणाय’ આ અષ્ટાક્ષર મંત્ર થાય છે. સાધ્ય નારાયણ આના ઋષિ છે, ગાયત્રી છંદ છે. અવિનાશી ભગવાન વિષ્ણુ દેવતા છે, ૐ બીજ છે, નમ: શક્તિ છે તથા સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. આનો પંચાંગન્યાસના મંત્રો કુદ્ધોલ્કાય હૃદયાય નમ:, મહોલ્કાય શિરસે સ્વાહા, વિરોલ્કાય શિખાયૈ વષટ્, અત્યુલ્કાય કવચાય હુમ્, સહસ્ત્રોલ્કાય અસ્ત્રાય ફટ્. આ પ્રમાણે પંચાંગની કલ્પના કરવી જોઈએ. પછી મંત્રના છ વર્ણોથી ષડંગન્યાસ કરીને શેષ બે મંત્રાક્ષરોનો કુક્ષિ તથા પૃષ્ઠભાગમાં ન્યાસ કરવો. તે પછી બાર અક્ષરોના સુદર્શન મંત્ર ‘ૐ નમ: સુદર્શનાય અસ્ત્રાય ફટ્’ થી દિગ્બંધ કરવું જોઈએ.
હવે હું વિભૂતિપંજર નામક દશાવૃતિમય ન્યાસનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. મૂળમંત્રના અક્ષરોનો પોતાના શરીરના મૂલાધાર હૃદય, મુખ, બંને ભુજા તથા બંને ચરણોના મૂળ ભાગ તથા નાસિકામાં ન્યાસ કરવો. આ પ્રથમ આવૃત્તિ કહેવામાં આવી છે. કંઠ, નાભિ, હૃદય, સ્તન, બંને પાર્શ્વભાગ તથા પૃષ્ઠભાગમાં પુન: મંત્રાક્ષરોનો ન્યાસ કરવો. આ દ્વિતીય આવૃત્તિ ગણવામાં આવી છે. મૂર્ધા, મુખ, બંને નેત્ર, બંને કાન તથા નાસિકા છિદ્રોમાં મંત્રાક્ષરોનો ન્યાસ કરવો એ તૃતીય આવૃત્તિ છે. બંને ભુજાઓ અને બંને પગની જોડાયેલી આંગળીઓમાં ચોથી આવૃત્તિનો ન્યાસ કરવો. ધાતુ, પ્રાણ અને હૃદયમાં પાંચમી આવૃત્તિનો ન્યાસ કરવો. શિર, નેત્ર, મુખ અને હૃદય, કુક્ષિ, ઊરુ, જંઘા તથા બંને પગમાં વિદ્વાન પુરુષે એક એક કરીને ક્રમશ: છઠ્ઠી, સાતમી અને આઠમી આવૃત્તિનો મંત્રવર્ણોનો ન્યાસ કરવો.
હૃદય, ખભા, ઊરુ તથા પગોમાં મંત્રના ચાર વર્ણોનો ન્યાસ કરવો-આ નવમી આવૃત્તિ છે. શેષ વર્ણોનો ચક્ર, શંખ, ગદા અને કમળની મુદ્રા બનાવી તેમાં ન્યાસ કરવો. આ દસમી આવૃત્તિ છે. આ સર્વશ્રેષ્ઠ ન્યાસ વિભૂતિપંજર નામથી વિખ્યાત છે. મૂળમાં એક એક અક્ષરને અનુસ્વારથી યુક્ત કરીને બંને બાજુએ પ્રણવનો સંપુટ લગાડીને ન્યાસ કરવો અથવા આદિમાં પ્રણવ અને અંતમાં નમ: લગાડીને મંત્રના અક્ષરોનો ન્યાસ કરવો.
ત્યારબાદ બાર આદિત્યો સહિત દ્વાદશ મૂર્તિઓનો ન્યાસ કરવો. આ બાર મૂર્તિઓ આદિમાં દ્વાદશાક્ષરના એક એક મંત્રથી યુક્ત હોય છે અને આમની સાથે બાર આદિત્યોનો સંયોગ થાય છે. આ અષ્ટાક્ષરમંત્ર અષ્ટપ્રકૃતિરૂપ કહેવામાં આવ્યો છે.
આમની સાથે ચાર આત્મા (આત્મા, અંતરાત્મા, પરમાત્મા તથા જ્ઞાનાત્મા) નો યોગ થવાથી દ્વાદશાક્ષર થાય છે. લલાટ, કુક્ષિ, હૃદય, કંઠ, દક્ષિણપાર્શ્વ, જમણો ખભો, ગળાનો જમણો ભાગ, ડાબું પાસું, ડાબો ખભો, ગળાનો ડાબો ભાગ, પૃષ્ઠભાગ અને કકુદ-આ બાર અંગોમાં મંત્રસાધકે ક્રમશ: બાર મૂર્તિઓના ન્યાસ કરવા. કેશવનો ધાતાની સાથે લલાટમાં ન્યાસ કરીને નારાયણનો અર્યમાનો સાથે કુક્ષિમાં, માધવનો મિત્રની સાથે હૃદયમાં તથા ગોવિંદનો વરુણની સાથે કંઠકૂપમાં ન્યાસ કરવો. વિષ્ણુનો અંશુ સાથે, મધુસૂદનનો ભગની સાથે, ત્રિવિક્રમનો વિવસ્વાન સાથે, વામનનો ઇન્દ્રની સાથે, શ્રીધરનો પુષાની સાથે અને હૃષીકેશનો પર્જન્ય સાથે ન્યાસ કરવો. પદ્મનાભનો ત્વષ્ટાની સાથે તથા દામોદરનો વિષ્ણુની સાથે ન્યાસ કરવો.
લલાટમાં : ૐ અમ્ કેશવાય ધાત્રે નમ:
કુક્ષિમાં : ૐ નમ્ આમ્ નારાયણાય અર્યમ્ણે નમ:
હૃદયમાં : ૐ મોમ્ ઈમ્ માધવાય મિત્રાય નમ:
કંઠકૂપમાં : ૐ ભમ્ ઈમ્ ગોવિંદાય વરુણાય નમ:
દક્ષિણપાર્શ્વમાં : ૐ ગમ્ ઉમ્ વિષ્ણવે અંશવે નમ:
જમણા ખભામાં : ૐ ઊમ્ મધુસૂદનાય ભગાય નમ:
ગળાની જમણી બાજુએ : ૐ તેમ્ એમ્ ત્રિવિક્રમાય વિવસ્વતે નમ:
ડાબા પાસામાં : ૐ વામ્ ઐમ્ વામનાય ઇન્દ્રાય નમ:
ડાબા ખભામાં : ૐ સુમ્ ઓમ્ શ્રીધરાય પૂષ્ણે નમ:
ગળાની ડાબી બાજુએ : ૐ હેમ્ ઔમ્ હૃષીકેશાય પર્જન્યાય નમ:
પૃષ્ઠભાગમાં : ૐ વામ્ અમ્ પદ્માનાભાય ત્વષ્ટ્રે નમ:
કકુદમાં : ૐ યમ્ અઃ દામોદરાય વિષ્ણવે નમ:
તે પછી દ્વાદશાક્ષર મંત્રનો સંપૂર્ણ મસ્તકમાં ન્યાસ કરવો. ત્યારબાદ કિરીટ મંત્ર દ્વારા વ્યાપક ન્યાસ કરવો. કિરીટમંત્ર પ્રણવથી અતિરિક્ત પાંસઠ અક્ષરનો જણાવવામાં આવ્યો છે.
‘ॐ किरीटकेयूरहारमकरकुण्डलशङ्खचक्रगदाम्भोजहस्तपीताम्बरधरश्रीवत्साङ्कितवक्ष:स्थलश्री- भूमिसहितस्वात्मज्योतिर्मयदीप्तकराय सहस्रादित्य तेजसे नम:।‘
આ પ્રમાણે ન્યાસવિધિ કરીને સર્વવ્યાપી ભગવાન નારાયણનું ધ્યાન કરવું.
उद्यत्कोटयर्कसद्यशं शङ्खं चक्रं गदाम्बुजम्।
दधतं च करेर्भूमि श्रीभ्यां पार्श्वद्वयाश्चितम्।।
श्री वत्स वक्षसं भ्राजत्कौस्तुभा मुक्तकन्धरम्।
हार केयूर वलयाङ्गदं पीताम्बरं स्मरेत्।।
જેમની દિવ્ય કાંતિ ઉદયકાળના કરોડો સૂર્યોના જેવી છે; જેઓ પોતાના ચાર હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરે છે; ભૂદેવી તથા શ્રીદેવી જેમનાં બંને પડખાંઓની શોભા વધારી રહ્યાં છે; જેમનું વક્ષ:સ્થળ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત છે; જેઓ પોતાના ગળામાં ચળકતો કૌસ્તુભમણિ ધારણ કટે છે અને હાર, કેયૂર, વલય તથા અંગદ આદિ દિવ્ય આભૂષણ જેમનાં શ્રીઅંગોમાં પડીને ધન્ય થઇ રહ્યાં છે, તે પીતામ્બરને ધારણ કરનારા, ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું જોઈએ.
ઇન્દ્રિયોને વશમાં રાખીને મંત્રમાં જેટલા વર્ણ છે, તેટલા લાખ મંત્રોનો વિધિપૂર્વક જપ કરવો. પ્રથમ લાખ મંત્રના જપથી આત્મશુદ્ધિ થાય છે. બે લાખ જપ પૂર્ણ થતાં સાધકને મંત્રશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણ લાખ જપ કરવાથી સાધક સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. ચાર લાખ જપથી મનુષ્ય વિષ્ણુના સમીપમાં જાય છે. પાંચ લાખ જપથી નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. છ લાખ મંત્ર જપવાથી સાધકની બુદ્ધિ ભગવાન વિષ્ણુમાં સ્થિર થઇ જાય છે. સાત લાખ જપથી મંત્રસાધક શ્રીવિષ્ણુનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે. આઠ લાખ જપ પૂર્ણ કરી લેવાથી જપ કરનાર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જપ કરીને વિદ્વાન પુરુષે મધુરાક્ત કમળો દ્વારા મંત્રથી સંસ્કૃત કરેલા અગ્નિમાં દશાંશનો હોમ કરવો.
મંડૂકથી લઈને પરતત્વ પર્યંત સર્વનું પીઠ પર યત્નપૂર્વક પૂજન કરવું. વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગા, પ્રહ્વી, સત્યા, ઈશાના તથા નવમી અનુગ્રહા-આ નવ પીઠશક્તિઓ છે. આ સર્વનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ ‘ૐ નમો ભગવતે વિષ્ણુવે સર્વભૂતાત્મને વાસુદેવાય સર્વાત્મસંયોગયોગપદ્મપીઠાય નમ:’ આ છત્રીસ અક્ષરનો પીઠમંત્ર છે. આનાથી ભગવાનને આસન આપવું જોઈએ. મૂળ મંત્રથી મૂર્તિનું નિર્માણ કરાવીને તેમાં ભગવાનનું આવાહન કરીને પૂજા કરવી. પહેલાં કમળના કેસરોમાં મંત્રસંબંધી છ અંગોનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ અષ્ટદળ કમળના પૂર્વ આદિ દળોમાં ક્રમશ: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધનું અને આગ્નેય આદિ કોણોમાં ક્રમશ: તેમની શક્તિઓની પૂજા કરવી. તેમનાં નામ છે શાંતિ, શ્રી, રતિ તથા સરસ્વતી. આ બધાંની ક્રમશ: પૂજા કરવી. વાસુદેવની અંગકાંતિ સુવર્ણ સમાન છે. સંકર્ષણ પીત વર્ણના છે. પ્રદ્યુમ્ન તમાલના જેવ શ્યામ અને અનિરુદ્ધ ઇન્દ્રનીલમણિ જેવા વર્ણવાળા છે. આ બધાય પીતાંબર ધારણ કરતા હોય છે. એમને ચાર ભુજાઓ છે. આ શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરે છે. શાંતિનો વર્ણ શ્વેત, શ્રીનો વર્ણ સુવર્ણગૌર, સરસ્વતીનો રંગ ગોદુગ્ધ સમાન ઉજ્જવળ તથા રતિનો વર્ણ દૂર્વાદલ સમાન શ્યામ છે. આ પ્રમાણે આ સર્વ શક્તિઓ છે. કમળદળોના અગ્રભાગમાં ચક્ર, શંખ, ગદા, કમળ, કૌસ્તુભમણિ, મુસલ, ખડ્ગ અને વનમાળાનું ક્રમશ: પૂજન કરવું. ચક્રનો રંગ લાલ, શંખનો રંગ ચંદ્રમા સમાન, ગદાનો પીળો, કમળનો સુવર્ણ સમાન, કૌસ્તુભનો શ્યામ, મુસળનો કાળો, તલવારનો શ્વેત અને વનમાળાનો ઉજ્જવળ છે.
એમના બાહ્ય ભાગમાં ભગવાનની આગળ હાથ જોડીને ઊભેલા કુંકુમાં વર્ણવાળા પક્ષીરાજ ગરુડનું પૂજન કરવું. ત્યારબાદ ક્રમશ: જમણા પડખામાં શંખનિધિ અને ડાબા પડખામાં પદ્મનિધિની પૂજા કરવી. એમનો વર્ણ ક્રમશ: મોતી અને માણેક જેવો છે. પશ્ચિમમાં ધ્વજની પૂજા કરવી. અગ્નિકોણમાં રક્તવર્ણના વિઘ્ન (ગણપતિ)નું, નૈઋત્યકોણમાં શ્યામ વર્ણ વાળા આર્યનું, વાયવ્યકોણમાં શ્યામવર્ણ દુર્ગાનું તથા ઇશાનકોણમાં પીતવર્ણના સેનાનીનું પૂજન કરવું જોઈએ.
એમના બાહ્યભાગમાં વિદ્વાન પુરુષે ઇન્દ્ર આદિ લોકપાલોનું તેમનાં આયુધો સહિત પૂજન કરવું. જે આ પ્રમાણે આવરણો સહિત અવિનાશી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે, તે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ખેતર, અનાજ અને સુવર્ણની પ્રાપ્તિ માટે ધરણીદેવીનું ચિંતન કરવું. તેમની કાંતિ દૂર્વાદલના જેવી શ્યામ છે. તેમણે પોતાના હાથોમાં ડાંગરના કણસલા ધારણ કરેલાં છે. દેવાધિદેવ ભગવાનના દક્ષિણ ભાગમાં પૂર્ણ ચંદ્રમાના જેવા મુખવાળાં વીણા અને પુસ્તક ધારણ કરનારાં સરસ્વતીદેવીનું ચિંતન કરવું. તેઓ ક્ષીરસાગરના ફેનપુંજ સમાન ઉજ્જવળ બે વસ્ત્ર ધારણ કરે છે. સરસ્વતીદેવીની સાથે પરાત્પર ભગવાન વિષ્ણુનું જે ધ્યાન કરે છે, તે વેદ અને વેદાંગોના તત્વજ્ઞ તથા સર્વજ્ઞમાં શ્રેષ્ઠ થાય છે.”
ક્રમશ: