આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ હજુ બધા માટે અકબંધ હોય છે. આત્મહત્યા ક્યાં કારણે કરી એ તો અદિતિના ફોનમાં રહેલા ફોટો દ્વારા જાણવા મળ્યું અને એ પુરાવાના આધારે આ કેસને મર્ડરમાં પણ ફેરવવામાં આવ્યો છતાં પણ કોણે આ ફોટા મોકલ્યા એ જાણી શકવા માટે પોલીસ અઠવાડિયા પછી પણ અસમર્થ હતી.
આમ જોતા તો આ કેસ ફટાફટ સોલ્વ થઇ જાય એવો હતો. અદિતિના ફોનમાં આવેલા મેસેજના નંબર પરથી આરોપીને પકડી શકાય એમ હતું પણ એ નંબર ફક્ત ચાર આંકડાનો ૦૬૦૮ હતો. કોઈ લોકેશન કે નંબર પરથી આગળ કોઈ માહિતી પોલીસને મળી શકી નહોતી.
હજુ પણ પોલીસ દ્વારા આ કેસને મળતી અસફળતાથી આ કેસને સોલ્વ કરવા માટે ચારે બાજુથી દબાણ કરવામાં રહ્યું હોય છે. આજના જમાનામાં કોઈ દીકરીને આવી રીતે ફસાવીને બ્લેકમેલ કરવામાં આવી હોવાથી આ વાત આખા શહેરમાં વ્યાપી જાય છે. બધા ન્યાય માટે તથા પોતાનો રોષ દેખાડવા માટે કઈ કેટલી જગ્યાએ આંદોલન કરે છે, મીણબત્તીઓ સળગાવીને ક્યાંક રોષ બતાવવામાં આવે છે. બધાને બસ અદિતિ માટે ન્યાય જોઈએ છે.
કેસની સીરીઅસનેસ જોતા આ કેસ અમદાવાદના બાહોશ એવા એસપી ઝાલાને સોંપવામાં આવે છે. એસપી ઝાલા એક બાહોશ, પોતાની સત્તાને શોભે એવા રુતબા વાળા એક પ્રમાણિક ઓફિસર છે. તેમણે પણ જયારે આ કેસ વિષે સાંભળ્યું એટલે ઘરે જઈને પોતાની વ્હાલી દીકરીને કહ્યું,’ બેટા ક્યારેય પણ કોઈ વાતને શેર કરવામાં મૂંઝાતી નહિ. આજે જમાનો ખુબ આગળ વધી ગયો છે. દીકરીઓની સેફટી માટે અમે લોકો સતત સેવા પર જ હોઈએ છીએ. છતાં પણ આવા કેસ અમને હજુ પણ અમારી નિર્બળતા દેખાડે છે કે હજુ દીકરીઓને પોલિસ અને સમાજની મદદ નથી મળી રહી’.
આરવને આજે બીજી વખત પોલીસ સ્ટેશન માં બોલાવવામાં આવ્યો છે. એની અદિતિ ગયે આજે એક અઠવાડિયું વીતી ગયું છતાં હજુ પણ એને જાણે આ બધું સ્વપ્ન જેવું જ લાગે છે. એસપી ઝાલા પણ આરવને જોઇને થોડા અસ્વસ્થ થઇ જાય છે પણ પોલીસ તરીકેની ફરજ નિભાવતા એ આરવને કહે છે,
એસપી ઝાલા- ‘આરવ, તમારી આ કેસમાં અમને થોડી જરૂર પડી છે એટલે તમને અમે અહી બોલાવ્યા છે. તમારી અને અદિતિના સંબંધો તો અમને એના ફોનમાંથી જ જાણવા મળ્યા હતા. એટલે અદિતિ સાથે તમારી નિકટતા હશે એવું અમે માનીએ છીએ. તો અમે જે પણ સવાલ પૂછીએ એનો તમે સાચો જવાબ આપવો પડશે.’
આરવ થોડું ગુસ્સામાં અને થોડું દુ:ખ માં એસપી ઝાલાને કહે છે,’ સર, કેટલું પૂછશો મને? એટલો સમય જો તમે મારી અદીના હત્યારાને શોધવામાં કાઢ્યો હોત તો આજે મારી આદિના આત્માને શાંતિ મળી ગઈ હોત.’
એસપી ઝાલા ઊંચા અવાજે આરવને ખખડાવીને કહે છે,’જુઓ મી.આરવ, અમને અમારું કામ ના શીખડાવશો. તમને જેટલું પૂછવામાં આવે એટલું જ તમારે અમને કહેવાનું છે. અને રહી વાત આ કેસની તો અમે એના પર પૂરી તપાસ કરી રહ્યા છીએ. અમને અમારું કામ કરવા દો.’
એસપી ઝાલા ફરીથી આરવને એક સવાલ પૂછે છે જેનો જવાબ ખુદ આરવ પોતાની જાતને પૂછી રહ્યો હોઈ છે.
એસપી ઝાલા-‘મી.આરવ, તમેં અમને જણાવશો કે અદિતિએ આ વિષે ક્યારેય કોઈ વાત તમને શેર કરેલી છે કે કોઈ તેને આમ હેરાન કરતુ હતું કે આવું કશું?’
આરવ-‘ના સર, મને પણ એ જ નથી સમજાતું કે અદિતિ મને બધું જ કહેતી. સારી ખરાબ પરિસ્થિતિમાં પણ આ ૪ વર્ષમાં અમે જોડે જ રહ્યા છીએ. મને યાદ નથી કે અદિતિને આવી કોઈ વાત માટે દુખી જોઈ હોઈ અથવા અદિતિ દુખી હોઈ તો એનું કારણ મને ખબર ના હોઈ.’
એસપી ઝાલા-‘ઓકે મી.આરવ તમે અત્યારે જઈ શકો છો. જો તમને કોઈ વાત યાદ આવે જે આ કેસને સોલ્વ કરવામાં મદદ કરી શકે એમ હોઈ તો અમને જણાવજો.’
આરવ બહાર જાય છે ત્યાં બાંકડે એને રુશી બેસેલી હોય છે. તે પણ અદિતિના જવાથી હતાશ હોઈ છે. આરવ રુશી પાસે જાય છે. આરવને જોતા જ રુશી રડવા લાગે છે. આરવ પાસે જઈને એને સાંત્વના આપે છે.
આરવ- ‘રુશી, રડ નહિ. પોલીસ એમનું કામ કરી રહી છે. જલ્દી આપડે પકડી પાડીશું એ હત્યારાને. આ લોકો જે પણ પૂછે એનો સાચો જવાબ આપજે.’
રુશી- ‘આરવ, મને તો એ જ નથી સમજાતું કે અદિતિને આવું કોણ કરી શકે. બધા સાથે કેટલું હળી-મળીને રહેતી, કોઈનું ખરાબ એને ક્યારેય નથી ઈચ્છ્યું તો એની સાથે કોણ આટલા હદ સુધી જઈ શકે? અને યાર હું તો એની બેસ્ટફ્રેન્ડ હતી તો એને મને પણ ક્યારેય કેમ આવું કશું શેર ના કર્યું? શું હું એના માટે એટલી પણ ખાસ નહોતી?’ આટલું કહેતા રુશી ફરી રડવા માંડી.
આરવ-‘હા રુશી, એ વાત મને પણ હ્રદયમાં કોરી ખાય છે કે મારી અદીએ આ વાત મારી સાથે કેમ શેર ના કરી? પણ તું ચિંતા ના કર. આપડે અદીના હત્યારાને સજા આપીશું જ.’
આરવનું ધ્યાન રુશીના હાથમાં રહેલી ડાયરી પર જાય છે. તેને ફરી આદિની યાદ આવે છે અને જુના દિવસોમાં પહોંચી જાય છે.
***
શું હશે ડાયરીમાં? શું કોઈ વાત હશે જે આરવને નહિ ખબર હોઈ જે આ ડાયરીમાં લખેલી હશે? શું આમાં એ માણસ વિષે લખેલું હશે જેને અદિતિને સ્યુસાઈડ કરવા મજબુર કરી?