2024, મે 16, રાતના ૧૧:૪૫ કલાક
“તૈયાર..?”
સુરત રૅલ્વે સ્ટેશનથી જમણી તરફ ધોળકીયા ગાર્ડન જવાના માર્ગ પર આવેલ સોસાયટીના મકાન નંબર ૩ના બૅડરૂમમાં એક વ્યક્તિ તૈયાર થઇ રહ્યો હતો, સાથે સાથે તૈયારી પણ કરી રહ્યો હતો. જમણી તરફની દીવાલ પાસે ગોઠવવામાં આવેલા લાકડાના ટેબલ પર એક ધારદાર ચાકુ, અને બરોબર તેની બાજુમાં જ એક સ્મિથ એન્ડ વેસન બનાવટની ૦.૩૮ બેરલ પિસ્તોલ મૂકેલી હતી. ટેબલ પર ૦.૩૮ની કાર્ટ્રીઝનું બોક્સ પણ હતું. મજબૂત દોરડું, દળદાર ઝાડ કાપવા માટે વાપરવામાં આવતું ઑટોમેટિક કટીંગ મશીન, હાથના કાળા મોજાં, મોજાના રંગ જેવા કાચ ધરાવતા ચશ્મા, ટેબલ પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. આ બધાની સાથે ટેબલના ખૂણા પર ફૉર સ્કૅવરનું પૅકેટ પણ પડ્યું હતું. આમ, તે વ્યક્તિ તૈયાર તો થતો જ હતો, અને કોઇને મોતને ઘાટ ઉતારવા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. તેણે સિગરેટના પૅકેટમાંથી એક સિગરેટ કાઢી, લાઇટરની મદદથી પ્રગટાવી. એક કશ ખેંચ્યો, અને એક જ ક્ષણમાં ધુમાડાના ગોટા ઉડાડ્યા. સિગરેટને હોઠ પર જમણેથી ડાબી બાજુએ ફેરવી, અરીસામાં જોયું, “હા... હવે... તૈયાર...”, તૈયાર થનાર વ્યક્તિએ આંખોમાં આંખો પરોવી. અજબના આત્મવિશ્વાસે તેના ચહેરા પર દર્શન આપ્યા.
બધા જ સામાન સાથે તે વ્યક્તિ ઘરની બહાર નીકળ્યો. તે જાણતો હતો, વેકેશનનો સમયગાળો હોવાને કારણે આસપાસના ઘરોમાં વસતા લોકોમાંથી મહિલાઓ અને બાળકો વતને ગયેલા, અને પુરૂષો જે કોઇ કામ-ધંધાને કારણે રોકાયા હતા, બધા ભેગા મળીને મુક્ત મને વિહાર કરવા નીકળ્યા હતા. આ ઘટના પ્રત્યેક વર્ષે રૂપાંતરિત થતી હતી, અને તેનો અભ્યાસ તે વ્યક્તિએ બે વર્ષ કર્યો હતો. પછી જ તો યોજના અમલમાં મૂકાયેલી. બ્લેક ડેનીમ અને તેવા જ રંગની ટી-શર્ટ ધારણ કરેલ તે વ્યક્તિના જમણા હાથમાં સાધનોથી સજ્જ બેગ હતી, અને ડાબા હાથમાં મંદ ગતિએ મૃત્યુ પામી રહેલી સિગરેટ હતી. ખૂબ જ તીવ્ર વેગે ચાલતા પગ ધીમે ધીમે દોડવા લાગ્યા. પળવારમાં તે ગાર્ડન તરફના અંધારામાં અલોપ થઇ ગયો.
શિકારી શિકાર કરવા નીકળ્યો હતો.
બરાબર તે જ સમયે, રીંગ રોડ પર સ્થિત સિનેમેજીક મહારાજા સિનેમામાં પ્રદર્શિત થઇ રહેલ જયેશભાઇ જોરદાર મુવીના શૉની મજા માણીને પ્રફૂલ્લિત મન સાથે આદિત્ય પાર્કીંગમાં તેની ગાડી તરફ જઇ રહ્યો હતો. કીઆ સેલ્ટોસના લેટેસ્ટ મોડેલના દરવાજાનું લોક તેના હાથમાં રહેલ રીમોટનું એક બટન દબાવતા જ ખૂલી ગયું. આદિત્ય એકલો જ આવ્યો હતો. કેમ કે પરિવાર તો વેકેશન ગાળવા ગયું હતું. આશરે પિસ્તાલીસેક વર્ષની ઉંમરનો આદિત્ય પાંત્રીસેકનો દેખાતો હતો. ગોળ ચહેરો, ઝીણી શ્યામ આંખો, અને જીમમાં પરસેવો પાડીને બનાવેલ કસરતી દેખાવ ધરાવતા તન સાથે તે સાઉથના કોઇ હીરો સમાન દેહદેખાવ ધરાવતો હતો... રોલેક્સની જ ઘડીયાળ પર પસંદ ઉતારતો હોવાને કારણે તેના ડાબા હાથમાં રોલેક્સની સીલ્વર પ્લેટેડ ઘડિયાળ ઝૂલી રહી હતી. જમણો હાથ સોનાની લક્કીથી, અને ત્રણ આંગળીઓ વિવિધ નંગ ધરાવતી વીંટીઓથી શણગારેલી હતી. લીનનનો સફેદ શર્ટ અને કોટનનું બ્લેક પેન્ટ ધારણ કરેલ આદિત્ય એક વેપારી તરીકે શોભતો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડના કારખાનાઓમાંથી ૪૦ ટકા કારખાનાઓમાં તેની ભાગીદારી હતી. કારમાં ડ્રાઇવીંગ સીટ પર બેસતાંની સાથે જ તેણે તેની મનપસંદીદા માર્લબોરો હોઠો વચ્ચે દબાવી દીધી. પળવારમાં તો તે પાર્કીંગમાંથી રીંગ રોડ પર આવી ગયો, અને સાથે સાથે ડ્રાઇવીંગ સીટ તરફની ખૂલી વિન્ડોમાંથી નીકળતા ધુમાડાના ગોટા રાતના શાંત વાતાવરણમાં ભળવા લાગ્યા.
શિકાર શિકારીના હાથે ચડવા લાપરવાહ બનીને નીકળી ચૂક્યો હતો.
આદિત્યની કાર સામાન્ય ઝડપે રીંગ રોડ પર દોડી રહી હતી. કાર જેવી ઉધના બસ ડીપોટની નજીક પહોંચી કે તેની સામે અજાણ્યો વ્યક્તિ આવી ચડ્યો, જેણે શ્યામ રંગના વસ્ત્રો ધારણ કરેલા હતા. સમીરે અચાનક સામે આવેલી વ્યક્તિને કારણે બ્રેક મારીને કાર રોકી લીધી. પરિસ્થિતિ નિયંત્રિત હતી. કોઇ અકસ્માત સર્જાયો નહોતો. પરંતુ તે ગુસ્સે હતો, તેણે માર્લબોરોને આંગળીઓમાં મસળી, અને કારની બહાર આવ્યો. તે અજાણ્યા વ્યક્તિ પાસે આવ્યો, ‘જોઇને ચાલની ભાઇ... કે અંધારામાં દેખાતું નય તને...’, વાત પૂરી થાય તે પહેલાં તો પેટને કોઇ ધારદાર વસ્તુ અડકી રહી હોય તેવો આદિત્યને ભાસ થયો. તેણે નીચેની તરફ નજર કરી, એક ચાકુનો છેડો સફેદ શર્ટને વીંધીને તેના શરીરને સ્પર્શ કરી રહ્યો હતો. જેના લીધે, શર્ટનો તેટલો ભાગ રક્તરંજીત થઇ ચૂકેલો. ચાકુ જેના હાથમાં હતું, તે વ્યક્તિની ફક્ત આંખો જ આદિત્ય જોઇ શકતો હતો. ચહેરાને તેણે કાળા રંગની વાંદરાટોપીથી ઢાંકી દીધેલો. તેના ઇશારા સાથે જ આદિત્ય ગાડીમાં ગોઠવાયો, પરંતુ આ વખતે તે ડ્રાઇવરની બાજુની સીટ પર હતો, અને ડ્રાઇવીંગ સીટ પર હતો તે વ્યક્તિ, જેણે કારમાં બેઠેલા આદિત્યને ૦.૩૮ પિસ્તોલના નિશાના પર રાખ્યો હતો.
કારને ઉધના જંકશન તરફ હંકારતી વખતે તે વ્યક્તિ થોડી થોડી વારે આદિત્ય તરફ જોઇ લેતો. આદિત્યનો હાથ ચાકુથી પડેલા ઘાવ પર જ હતો, અને તે દર્દથી કણસી રહેલો. વ્યક્તિના હોઠ મલકાયા, અને એક હોઠ વાંકો થયો, ‘આટલા નાના ઘાવમાં તમને તકલીફ થાય છે, શ્રીમાન આદિત્ય સંઘવી... તો વિચારો તમારા દ્વારા આપવામાં આવતા નરી આંખે ન દેખાતા ઘાવની તકલીફો કેવી હશે?’, તેણે ફૉર સ્કૅવર નિકાળી અને ધુમાડાના ગોટા કર્યા. ધીમી ગતિએ કારને રૅલ્વે લાઇનની નજીક લઇ જઇને થોભાવી. તે આદિત્યને પિસ્તોલના નાકે જ ઉધના રૅલ્વે લાઇન પર લઇ ગયો, અને સાથે તેની બેગ પણ લીધી. અર્ધી રાતના ભેંકાર વાતાવરણમાં ફક્ત બન્ને જણાના રૅલ્વે લાઇન પર પાથરવામાં આવતા કપચીના થર પર પડતા પગલાંઓનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આદિત્યને તેણે પાટા પર બેસવાનો ઇશારો કર્યો, અને બન્ને હાથને મજબૂત દોરડાની પકડમાં જકડી લીધા. તે વ્યક્તિએ બેગ ખોલી, તેમાંથી કટીંગ મશીન બહાર કાઢ્યું. આદિત્યના મોંમા રૂમાલનો ડૂચો હતો, પરંતુ તેની આંખો બંધ નહોતી. તે બધું નિહાળી રહી હતી. કટીંગ મશીન જોઇ આદિત્યની આંખો પહોળી થઇ ગઇ અને તેણે બોલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પ્રયત્ન નિરર્થક હતો. આખરે તેણે હાર માની, અને ચૂપચાપ બેસી રહ્યો. કાળમુખાની માફક તેની સામે બેઠેલા વ્યક્તિએ રૂમાલનો ડૂચો આદિત્યના મુખમાંથી કાઢ્યો, અને સિગરેટનો એક કશ લેવા દીધો.
આદિત્યએ કોઇ પણ જાતની હરકત કર્યા વિના સિગરેટનો કશ ખેંચ્યો, ધુમાડા કાઢ્યા, ‘કોણ છે ભાઇ તું? ને હું કામ આવું કરે? મેં તારૂ હું બગાડ્યું?’, તેણે એક જ શ્વાસે પ્રશ્નો પૂછ્યા.
શિકારી બનીને આવેલા તે વ્યક્તિએ એક પણ સવાલના જવાબ આપ્યા વિના આદિત્યના મુખમાં લાલ રંગનો પાવડર ખોસી દીધો, હોઠ સુધી પાવડર આવે ત્યાં સુધી પાવડરથી મોં ભરી દીધું. ગૂંગળામણને કારણે આદિત્ય તરફડીયા મારવા લાગ્યો, અને થોડીક મિનિટોના અંતરે તેના તરફડીયા મારતા પગ સ્થિર થઇ ગયા, હાથ અટકી ગયા, આંખો ખુલી અને પહોળી હતી, ગૂંગળામણનો અવાજ પણ બંદ થઇ ચૂકેલો. વાતાવરણ એકદમ શાંત થઇ ગયું. ફક્ત તેની પાસે બેઠેલા વ્યક્તિની આંગળીઓ દ્વારા દાઢી ખંજવાળવાનો આવાજ આવ્યો. તેણે જમણા હાથની આંગળીઓ દાઢીમાં ફેરવી, ‘પ્રશ્નો બહુ જ હોય છે લોકોને, પણ જવાબ કોઇને આપવા નથી હોતા. માટે જ ક્યારેક શિકારીઓ પોતે પણ શિકાર બની જાય છે.’, તેણે કટીંગ મશીનની મદદથી થોડું કામ પતાવ્યું, અને આદિત્યની લાશને એક કોથળામાં ભરી, રૅલ્વે લાઇન પાસે જ મૂકીને તે ચાલવા લાગ્યો. તે આદિત્યની કારમાં બેઠો અને થોડીક ક્ષણોમાં તો રીંગ રોડ પર કાર પૂર ઝડપે ગતિમાં હતી. તે વ્યક્તિની આંખોમાં એક પ્રકારની શાંતિ પ્રતીત થઇ રહી હતી. પરંતુ મન શાંત નહોતું, શાંતિની શરૂઆત થઇ હતી. કેમ કે, આ તો હજુ શિકારીનો પહેલો જ શિકાર હતો.
સુરત નામનું જંગલ મોટું હતું, અને પ્રાણીઓની સંખ્યા પણ વધુ હતી. પરંતુ જંગલમાં રાજ કરી શકે અથવા જંગલ જેના થકી નિયત્રંણમાં રહે કે રહેવાનો ડોળ કરે તેવા પ્રાણીઓ ઓછા હોય છે, અને તેવા જ બાહ્ય સરળતા સાથે આંતર હિંસા દાખવતા પ્રાણીઓનો શિકાર થવાનો સમય આવી ચૂકેલો, અને નિર્દય શિકારી તેમના શિકારે નિકળી ચૂકેલો.
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏