2024, મે 17, સુરત
સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના કારણે ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો. બન્ને અર્ધા આકારથી ચોક્કસ અંતરે પીલર્સ હતા, જેના સાથે જોડાયેલી દિવાલ અને પીલર્સ પોતે છતના આધારસ્તંભ હતા, જે છતમાં નવ ચોરસ આકારોએ જગા રોકેલી હતી. તેની અંદર તરફની દિવાલો લાલ રંગની, અને પ્રત્યેક ચોરસને જોડતી રેખાઓ આછા વાદળી રંગની હતી. પ્રવેશદ્રાર કાળા રંગના લોખંડના ઝાંપાથી બંધ હતો, અને તેની બરોબર સામે પગથિયા હતા. જેના થકી સીધા જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશી શકાતું હતું. દ્વારની પાસે એક પીસીઆર અને પોલીસ વાન પાર્ક કરેલ હતી. સ્ટેશનની ઝાંપા સાથે જોડાયેલી દિવાલની આગળ ટુ વ્હિલર્સ પહેરો આપી રહેલા. એટલે કે સફેદ દિવાલ પર કાળી રેખાનું એક આવરણ હતું.
રાતના સમયે પ્રત્યેક પોલીસ સ્ટેશનની જેમ વરાછા પોલીસ સ્ટેશન પણ શાંતિની ચાદર ઓઢી ચૂકેલું. દિવસ જેટલી ધાંધલધમાલ રાતે નથી હોતી, અને એટલે જ નાઇટ પેટ્રોલીંગ વાનના અવાજ સિવાય કોઇ અવાજ નહોતો આવી રહ્યો. પ્રવેશદ્વાર પાસે પણ કોઇ હાજર નહોતું. અંદરથી પોલીસકર્મીઓની ઠઠ્ઠામશ્કરીનો અવાજ, હસવાનો અવાજ, એકબીજાને તાળી આપવાના અવાજ ગુંજી રહેલા. બીજી તરફ પોતાના કાર્યમાં વ્યસ્ત તેવા કર્મીઓ તેમની ખુરશી પર ગોઠવાયેલા હતા, અને દિનભરનું પેપરવર્ક પૂરૂ કરી રહ્યા હતા. એક કર્મી ટેબલ પર પેન પછાડી રહેલો, તો અન્ય ટચલી આંગળીના વધારેલા નખનો ફાયદો ઉઠાવી પોતાનો ડાબો કાન સાફ કરી રહ્યો હતો. એક હવાલદાર જમવાની તૈયારીના ભાગરૂપી ટીફીન ટેબલ પર ગોઠવી રહેલો. આ બધા હાજર હતા તે રૂમમાં પહોંચવા માટે સીડીઓ ચડીને માર્ગમાં આવતા લાકડાના દરવાજાને ઓળંગવો પડતો હતો. જે દરવાજો ખાસ કરીને રાતે આડો કરી દેવામાં આવતો હતો. થોડી ક્ષણો પહેલાં જ આદત મુજબ સ્ટેશનમાં હાજર પ્રત્યેક પોલીસકર્મીઓએ રૅલ્વે સ્ટેશન પાસેથી મંગાવવામાં આવેલી ચાની મજા માણેલી. લગભગ રાતના અઢી વાગવાની તૈયારી હતી. ધીરે ધીરે મુખ્ય વિભાગો સિવાય બાકીના વિભાગની બત્તીઓ બંધ થવા લાગી. ફક્ત પહેલા માળની ટ્યુબલાઇટો ચાલુ હતી. સૂર્ય પહાડોની વચ્ચેથી ઝાંખે ત્યારે ફેલાતા અજવાળાની માફક સ્ટેશનમાં સીડીઓ ચડતાની સાથે, બરોબર સામે જ નજરે પડતી ચાર સિંહોની પ્રતિકૃતિ જેમાંથી ત્રણ સિંહ આપણને નજરે ચડતા હોય છે, તેની નીચે ગોઠવેલ બલ્બમાંથી અજવાળું ફેલાઇ રહેલું. જેના પ્રકાશે પ્રત્યેક સીડીઓ સ્પષ્ટ નજરે ચડતી હતી.
ચારેક હવાલદારો એકબીજા સાથે ચર્ચામાં મસ્ત હતા. સુરત દ્વારા ચૂંટાયેલા વ્યક્તિની ગુજરાત સરકારમા ગૃહમંત્રી તરીકે વરણી થયા બાદ સુરતે વિકાસની ડોર પકડેલી, અને જે ઝડપથી તે આગળ વધ્યું, તે જ મુદ્દો ચર્ચાનો હતો. સાથે સાથે સુરતે હીરા ઉદ્યોગમાં કરેલો વિકાસ, અને ભારત સરકારની મદદથી આકાર પામવા જઇ રહેલ ડાયમંડ બુર્સ સુરતને હકીકતમાં હીરાજડીત સોનાનું નગર બનાવી દેવાનું હતું. ચમકતું, પ્રકાશતું, ઝળહળતું ક્રાંતિકારી શહેર. પોલીસકર્મીઓની ચર્ચાએ જોર પકડેલું, અને તે જોરની સાથે જ અંધકારે પણ આધિપત્ય જમાવેલું. જેમ સમય વિતતો જતો હતો, તેમ આંખો ઘેરાતી જતી હતી. ચર્ચાની ગરમી ઘેરાતી આંખોના વાદળો સામે ઠંડી પડવા લાગી. અવાજ ધીમો થવા લાગ્યો.
ધડામ... બંધ દરવાજા પર કોઇ મજબૂત વસ્તુ અથડાવવાના અવાજે ઊંઘના ઘેરાતા વાદળોને વિખેરી નાંખ્યા. બધા જ કર્મીઓ દરવાજા તરફ ભાગ્યા. એક હવાલદારે દરવાજો ઉઘાડ્યો. બરોબર સામે પ્લાસ્ટિકની થેલીમાં ફૂટબોલ જેવા આકારની કોઇ વસ્તુ પડેલી હતી. હરેકની આંખો તે થેલી પર જ જડાયેલી હતી. સફેદ થેલી પર લાલ રંગનું આવરણ ચડી ગયેલું. એક હવાલદારે થેલી ઉપાડી, અને તેને અંદર લઇ ગયો. ટેબલ પર મૂકી. ટેબલની ચોતરફ પોલીસકર્મીઓ ગોઠવાઇ ગયા. એક હવાલદારે થેલીમાં હાથ નાંખી તે વસ્તુ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. તેના હાથ ભીના થયા, એટલે તેણે તુરત જ હાથ બહાર કાઢ્યો. હાથનો પંજો લાલ રંગથી રંગાઇને થેલીની બહાર આવ્યો, તેના હાથમાંથી થેલી છુટી ગઇ, અને ટેબલ પર પટકાઇ. જેના લીધે લાલ પ્રવાહી બહાર ઢોળાયું, અને ટેબલ પર ફેલાયું. હાજર પોલીસકર્મીઓ સમજી ચૂકેલા કે તે લાલ પ્રવાહી ફક્ત રંગીન પાણી નહોતું, તે તો લોહી હતું. રક્ત હતું. રૂધિર હતું.
અન્ય હવાલદારે તે થેલીને દબાણ આપીને નીચેની તરફ ધકેલી, અને તેમાં રહેલ વસ્તુને બહાર નીકાળવા પ્રયત્ન કર્યો. જેમ જેમ થેલીનો વચ્ચેનો ભાગ અધોગામી દિશામાં ધકેલાતો ગયો, તેમ તેમ કર્મીઓની નજર સમક્ષ તે ચીજ દેખાવા લાગી. પહેલા કાળા, ભીના, ચોંટી ગયેલા વાળ દેખાયા, અને પછી કપાળ, આંખો, નાક, હોઠ..., અને રક્તથી તરબોળ લાલ રંગનું એક કપાયેલું માથું ટેબલ પર પડેલું હતું. બધાની આંખો પહોળી અને મોં ઉઘાડું હતું. એક હવાલદારે તે માથાને ધ્યાનથી જોયું, ‘આ... તો...’
બીજાએ તેની સામે જોયું, ‘શું...’લા...આટલો કેમ ચમક્યો... તને ખબર કોણ છે...?’
‘ખબર મળે કે ની તને... તું બી જોની... ધ્યાનથી જો...’
જેમની ઊંઘ ઊભી પૂંછડીએ ભાગી ગયેલી તેવા હરેક કર્મીઓએ આંખો ચોળી, અને બધા ડઘાઇ ગયા.
ગરદનથી ધડને છુટું પાડેલું, તે માથું જેનું હતું, તેની ઓળખ હતી, ‘આદિત્ય સંઘવી’
આદિત્ય સંઘવી, સુરતના હીરા ઉદ્યોગનું જાણીતું નામ. વરાછામાં જ રહેતા આદિત્યને વરાછામાં કોઇ ઓળખતું ન હોય તેવું બને જ નહીં. આશરે કલાક એક પહેલાં જ અવાજથી ગુંજતું પોલીસ સ્ટેશન અવાક બની ચૂકેલું. ત્રણેક કર્મીઓ દરવાજા તરફ ગયા, તેમણે આસપાસ તપાસ આદરી. તેમને ફક્ત સીડીઓ પર થેલી નીચેથી ફેંકવાને કારણે થેલીમાંથી ટપકેલા લોહીના ટપકાંઓ જ નજરે પડ્યા. કર્મીઓ તીવ્રતાથી સીડીઓ ઉતરી માર્ગ પર આવ્યા, સ્ટેશનની આસપાસ ચકાસી આવ્યા. પરંતુ કંઇ મળ્યું નહીં? નજરે ચડ્યું નહીં... ખાલી હાથ...
એક હવાલદારે પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી, અને વાયરલેસ થકી વરાછા પોલીસ સ્ટેશન ખાતે કોઇ પ્લાસ્ટિકની થેલીમાં કપાયેલું માથું ફેંકી જવાની બાબતનો સંદેશો પ્રત્યેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. તે જ સમયે જે કર્મીઓ સ્ટેશનની બહાર તપાસ અર્થે ગયા હતા, તેઓ પાછા ફરી રહ્યા હતા. તેમાંથી એકની નજર સીડીઓ ચડતા સમયે દ્વાર પાસે પાર્ક કરેલ પોલીસ વાન પર ગઇ... જેના કાચ પર લાલ રંગના શબ્દો ચિતરાયેલા હતા. હવે તો તેઓ જાણતા જ હતા કે આ લાલ રંગ એ રંગ નહીં પરંતુ રક્ત હતું. તે કર્મી વાનની નજીક ગયો... લખાણની બરોબર સામે હતો, તેની નજર લખાણ પર ફરવા લાગી,
“સૂરજ કે ઉજાલેમેં ચરાગા નહીં મુમકીન,
સૂરજ કો બુઝા દો કી જમીં જસ્ન મનાએ”.
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏