Dhana dada baldaniya in Gujarati Motivational Stories by Dr KARTIK AHIR books and stories PDF | ધર્મનું ધીંગાણું

Featured Books
Categories
Share

ધર્મનું ધીંગાણું

“ધજડી ગામે બેસણા તારા, ને પરચાનો નહીં પાર.
હાકલે થતાં હાજર, દાદા મહિમા તમારો અપાર.”

૧૬મી સદીનાં છેલ્લાં દાયકાની આ વાત છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનું પંખીના માળા જેવડું નાનું એવું ધજડી ગામ છે. ગામમાં આહીર, કાઠી, રબારી (ભરવાડ), કણબી વગેરે નાત રહે છે. વહેલી સવારનો‌ પ્હોર છે. તમરા હજું તમ તમ બોલે છે. ઠંડા પવનનાં વાયરાઓ વાય છે. નદીમાં વહી જતાં પાણીનો મધુર ખળ ખળ અવાજ સંભળાય રહ્યો છે. વાડામાં ફરતી રોજી ઘોડી પણ હણહણાટી રહીં છે. કૂકડો બોલવાની બસ‌ તૈયારી જ છે. સુરજ નારાયણ દૂધનો કટોરો મોંઢે માંડ્યો છે, બસ પુરો થાય એટલે સૂરજ નારાયણ પણ રન્નાદેને ઓરડેથી નિકળવા તૈયાર છે. આહીરાણીના મુખેથી મધુર અવાજે “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી” ની ધૂનો ગવાઈ રહીં છે‌ સાથે સાથે ગમાણે બાંધેલ ગાયોનાં ડોકે બાંધેલ ઘંટડીઓ પણ વાગે છે ને જાણે ધૂનમાં તાલ પુરતી હોય એવું લાગી રહ્યું છે. આહીરની ધર્મની માનેલ બહેન અને પોતાનાં ઘરેથી આહીરાણી બન્ને ધૂન ગાતી જાય છે અને છાસને વલોવતી જાય છે. ધાનાદાદા બલદાણીયા નામે આહીર ખેતરમાં આંટો મારવાં ગયાં છે. અને પોતાનાં સાળા માયાદાદા ગુજ્જર વહેલી સવારના બળદોને લઈને ઠંડાં વાતાવરણમાં હાતી હાંકવા ગયાં છે બસ બંન્નેને આવવાંનો સમય થયો છે એટલે દૂધની તાંસળીઓ ભરીને તૈયાર મુકી છે આહીરાણીએ.

ધાનાદાદા અને માયાદાદાની જો વાત કરવી હોય તો એ મર્દ આહીરો ગામની રક્ષા માટે હરહંમેશ ખડે પગે રહે છે. બહેન, દિકરી, ગૌ માતાની રક્ષા માટે હંમેશા પોતાની તવવારને તૈયાર જ રાખે છે. મોંઢે ખુમારી, વાતોમાં વીરતા, ઓરડે અમીરાત, શરીરની જો વાત કરવામાં આવે તો લીંબુના ફાડા જેવડી આંખો, મોંઢે પૂળો પૂળો મૂછો, જોતાં જ લાગે આ ક્ષત્રિયનો જ દિકરો હોય, સિંહ જેવી ગર્જના, ચિંતા જેવી ચાલ, વજનદાર શરીર, માન મર્યાદા, જાણે જોતાં લાગે કે બત્રીસે બત્રીસ લક્ષણો એક જ પુરૂષમાં, ખુદ મર્યાદા પુરુષોત્તમ જેવાં છે બંન્ને સાળો બનેવી.

આહીરાણી અને પોતાની નણંદ પોતાનાં કામની સાથે કૃષ્ણમાં પરોવાઈ ગયાં છે એવામાં દૂર દૂરથી ડફેરોના ટોળાં આવી રહ્યાં છે. ઊંટ અને ઘોડાઓ પર સવાર થયેલ છે. ગામ, ગાય અને બહેનો દીકરીઓને લૂંટવાનાં નબળા ઈરાદાથી આવ્યાં છે પરંતુ પોતાનાં ઘોડાઓ અને ઊંટ થાકેલા જોયાં અને પોતે પણ થોડાં થાકેલા છે એટલે કાઠીના ખેતરમાં શેરડીનો લીલોછમ વાડ જોઈ ગયાં અને પોતાનો કાફલો રોકે છે. ઘોડાઓ અને ઊંટોને છૂટાં મુંકે છે વાડમાં ચરવા અને બીજી બાજુ ડફેરો સાથે લાવેલ શિકાર (સસલાં, મોર વગેરે) રાંધવાની તૈયારીઓ કરે છે. આ થતી ઘટનાં આહીરાણી પોતાની મેડીએથી જુએ છે. બાપ આતો પવિત્ર આહીરનું ઘર, એમાંય ધાના બલદાણીયાનુ ઘર. આહીરનો દિકરો ક્યારેય માંસ ખાય નહીં અને એવી જગ્યાઓ પર જાય પણ નહીં. આહીરાણીથી રહેવાયું નહીં એટલે કાઠીના બાજુનાં ખેતરમાં પહોંચે છે અને ડફેરો સાથે વાત કરે છે,
“અરે મારા ભાઈઓ આ શું કરો છો? તમારાં ઊંટો અને ઘોડાઓને વાડ માંથી બહાર કાઢો, આવી રીતે તમે કોઇનાં ખેતરમાં ન ગડી શકો.”

“તેરા ખેતર તો નહીં હૈ નાં, તું જે કયું તકલીફ હો રહીં હૈ?”

“અરે મારા ભાઈ એ કાઠી એનાં ખેતરનું ધ્યાન અમને રાખવાનું કહીંને ગયાં છે, તમે અહીંયાથી નિકળો નહીંતર તમારે ઘણું ભોગવવું પડશે.”

“તું જે કયું ઇતની તકલીફ હો રહીં હૈં?‌ ચલ તું નિકલ ઈધરશે.” કહીંને એક ડફેર આહીરાણીને ધક્કો મારી નીચે પાંડે છે.
આહીરાણીને ડફેર દ્વારા ધક્કો મારવો અને ધાનાદાદા બલદાણીયા એ પોતાનાં ઘરે આવવું. દાદા આ ઘટના જોઈ ગયાં અને ક્રોધે ભરાય છે. વગર હથિયારે દાદા ડફેરોને લલકારે છે યુદ્ધ માટે.
એક ડફેર આહીરાણી તરફ જાય છે અને આહીરાણીને ફરીથી હાથ લગાડે એ પહેલાં તો ધાનાદાદા ત્યાં પહોંચે છે અને ડફેરને પાટું મારીને ડફેરનુ ઢીમ ઢાળી દે છે.

એવામાં ડફેરોનો સરદાર બોલે છે, “અબતો ઈસકો મારકે હી હમ ખાના ખાયેંગ, ગાંવ કો બાદ મેં લૂંટેગે પહલે ઈનકો તાકત દિખાતે હૈ.” આટલું બોલીને ડફેર સરદાર ધાનાદાદા પર તલવાર વડે ઘા ઝીંકે છે. પણ ધાનાદાદા એ ડફેર સરદારની તલવાર ઝાટકી લે છે અને ડફેરની તલવારથી જ ડફેરનુ માથું વધેરી નાખે છે. ડફેરોને ધાનાદાદાની શક્તિનો અંદાજો ન હતો. બીજી બાજુ આહીરાણી અને ધાનાદાદા એ ધર્મની માનેલા બહેન પણ ડફેરો સામે લડે છે બંન્ને વીરાંગનાઓ રણચંડી બની ડફેરો પર તુટી પડે છે. દાદાનાં બહેન ચાર પાંચ ડફેરોના ઢીમ ઢાળી દે છે પરંતુ માતાજીને ઘણાં બધાં તલવારના ઘા વાગી ગયાં હોય છે એટલે એ વીરાંગના ત્યાં જ વીરગતિને વરે છે.

આ ઘટનાને લીધે માંરો, કાપી નાંખોના અવાજ સંભળાતાં માયાદાદા ગુજ્જર પણ આવી પહોંચે છે, દશ્ય જોતાં જ હાતી માંથી રાપ કાઢીને ડફેરો પર ત્રાટકે છે. એક હાથે રાપ અને બીજે હાથે ભાલો ડફેરો ઢળવા મંડ્યા છે.

બીજી બાજુ ધાનાદાદાના બે હાથમાં રહેલ તલવાર એવી ડફેરો પર ભારી પડી છે કે ધરતી પર ડફેરોના માથા જ પડ્યાં દેખાય છે.
યુદ્ધની વચ્ચે એક ડફેરે ધાનાદાદાને પાછળથી ઘા મારે છે અને દાદા ગામ અને કાઠીના ખેતરને વંચાવવા માટે વીરગતિએ વરે છે. દાદા વીરગતિ થયા છે એ જાણ માયાદાદા અને માતૃશ્રી આહીરાણીને ખબર પડતાં એ વિજળીની માફક ડફેરો પર પડે છે. ડફેરો ડરના લીધે ભાગે છે. માયાદાદા અને માતૃશ્રી આહીરાણી એની પાછળ જઈ નદીને સામે કાંઠે ફરીથી યુધ્ધ કરે છે. ત્યાં માયાદાદા ગુજ્જર પણ વીરગતિને વરે છે અને છેલ્લે બે ડફેરો વધે છે જેને ધાનાદાદાના ઘરેથી આહીરાણી બન્ને હાથમાં રહેલ ભાલો છાતી પર ફેંકીને મારી નાખે છે. છેવટે બધાં જ ડફેરો ત્યાં મોતને ઘાટ ઉતરે છે. આહીરાણી ધાનાદાદા પાસે જાય છે અને બોલે છે, “હે આહીર હવે તમે નથી રહ્યાં તો મારે પણ આ જીંદગી જીવીને શું કરવી, જય શ્રી કૃષ્ણ, જય માતા ચામુંડા.” બોલીને પોતાની કમરમાં રહેલ કટાર પોતાનાં શરીરમાં મારી દે છે અને માતૃશ્રી આહીરાણી પણ દાદા સાથે વીરગતિ પામે છે.

આજ પણ ધજડી ગામનાં પાદરમાં ધાનાદાદા, પોતાનાં ઘરેથી આહીરાણી અને પોતાનાં ધર્મનાં માનેલા બહેનની ખાંભી એક સાથે છે અને નદીને સામે કાંઠે માયાદાદા ગુજ્જર(ગુર્જર)ની પણ ખાંભી છે. જે આ વાતની સાક્ષી પૂરે છે. મોઠીયા બલદાણીયા પરિવારમાં આજ પણ દાદા પૂંજાય છે અને પોતાનાં પરચાવો પૂરે છે.

“વીરતા શું વખાણું,(તમે) ધરમ માટે લડ્યા,
ન્યા પાછા ન પડ્યા, વીર ધાનાદાદા.”