પ્રિય x અને y
તમે જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો છો ત્યારે થોડીક વાતો કરવાનું મન થાય છે અને જો આ વાતો ગમે તો ગાંઠે બાંધી લેજો.
તમે જ્યારે એકબીજાને સ્વીકારવાનું નક્કી કર્યું છે ત્યારે એક વાત ખાસ સમજવાંની જરૂર છે કે આ સંબંધ એ ખાલી બીજી વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર જ નથી પણ તેના વ્યક્તિત્વનો પણ સ્વીકાર છે. તમે પાછલા પચીસ ત્રીસ વર્ષોમાં પોતાનું એક આગવું વ્યક્તિત્વ બનાવ્યું છે અને ઘણી વખત આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણે આ વ્યક્તિત્વ ની આસપાસ એક વર્તુળ દોર્યું હોય છે જેમાં બીજાને આવવાની તમે મનાઈ ફરમાવી હોય છે તે ભલે મમ્મી પપ્પા હોય કે ભાઈ બહેન. આ આગવી સ્પેસમાં જ્યારે બીજી વ્યક્તિ પ્રવેશ કરે છે થોડુંક અસહાજિક અનુભવાય તે સ્વાભાવિક છે. હવે આમાં જોવા જેવી બાબતે છે કે જે વ્યક્તિ આ વર્તુળમાં પ્રવેશ કરે છે એનું દાયિત્વ વધી જાય છે. આ વર્તુળની અંદર રહીને પણ સાથેની વ્યક્તિને એક મોકળાશ મળી રહે તેવું વાતાવરણ સર્જવું જ રહ્યું. તમે કદાચ નિરીક્ષણ કર્યું હશે તો સમજાશે કે આવું કાર્ય એક સાચો મિત્ર સુપેરે નિભાવે છે, તે હકથી નજીક પણ રહે છે અને જરૂર પડે ત્યારે આપણાથી એક સેફ ડિસ્ટન્સ પણ જાળવે છે. એટલે મારા મત મુજબ “મિત્રતામાં ના પગલાં” એ “પ્રભુતામાં પગલાં” પાડવાનું પહેલું કદમ છે. જે દંપતી આવી મિત્રતા જિંદગી પર્યંત બનાવી રાખે છે તેનું દામત્યજીવન અદભૂત બની રહે છે.
જ્યારે આપણે બીજાના વ્યક્તિના વ્યક્તિત્વનો સ્વીકાર કરી શકતા નથી ત્યારે એક અજીબ ઘટના ઘટતી રહે છે છે અને એ છે તેનાં વ્યક્તિત્વને બદલવાની મથામણ. દાંપત્યજીવન નું કદાચ આ પેહલું ઘર્ષણ બને છે. સામેવાળા વ્યક્તિને બદલવાના પ્રયત્નો - એ પછી ગમે તે રીતે બદલવાની વાત હોય, તેની રેહણીકરણી, આદતો કે પછી તેના બીજા વ્યક્તિઓ સાથેના સંબંધો. હવે જે વ્યક્તિ એક રીતે જીવવા ટેવાયેલી છે તેને તમે રાતોરાત બદલવાનો જો પ્રયત્ન કરો તો સ્વાભાવિક છે તે વ્યક્તિ તેને સહજતાથી ના જ લઇ શકે. મીઠા આગ્રહો થી શરૂ થએલી આવી વાતો ક્યારે એક જીદ નું વરવું સ્વરૂપ લઇ લ્યે છે તેની ખબર જ નથી પડતી.
ઘણી વખત અજાણે જ પતિ કે પત્ની એવું માની લ્યે છે કે સાથે ની વ્યક્તિની બધી ક્ષણો પર તેનો અધિકાર છે, તે શું કરે છે, તેને ક્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ, તેને કેવું પેહરવું ઓઢવું જોઈએ, તેને કેવી રીતે વર્તવું જોઈએ, તેને શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ આવી અનેક બાબતો. આવું કરવાથી બચવું રહ્યું.
લગ્ન જીવનના ઘર્ષણનું બીજું કારણ જીવનસાથીનાં કુટુંબના અન્ય સભ્યોનો આપણી સાથે થતો અથવા તો આપણને લાગતો વ્યવહાર પછી તે સાસુ, સસરા, નણંદ, સાળો, સાળી, બનેવી, ભાભી ગમે તે હોય ઘણી વખત આવા સંબંધોના અણગમાને લઈને એક ટેન્શન ઊભું થતું હોય છે
મોટાભાગે જો ત્વરિત રિએક્શન આપવામાં આવે અથવા તો એક મત બાંધી લેવામાં આવે તો પરિસ્થિતિ વધારે વિકટ બને છે. આવા સંજોગોમાં ધૈર્યથી કામ લેવું એ બહુ અગત્યની કળા છે. એક વાત પતિ અને પત્ની નક્કી કરવી રહી કે આવી કોઈ વસ્તુ જો બને તો એની અસર એક મેકના સંબંધો પણ નહીં થવા દઈએ પણ સાથે મળીને તે સમસ્યાનો હલ કરવાનો પ્રયત્ન કરીશું. મોટાભાગે જો પતિ પત્ની સાથે મળીને એકબીજા સાથે ખુલ્લા મને વાત કરીને જો આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે બહુ જ સુંદર પરિણામો મળે છે અને આ સમસ્યાનું જડમૂળથી નિવારણ શક્ય બને છે
ઘર્ષણનું ત્રીજું કારણ તે કટું શબ્દો છે. ઘણી વખત થોડી વાદવિવાદની પરિસ્થિતિ આવે પણ ખરી, પણ જો આવા વિવાદ વખતે બેમાંથી કોઈ એક વ્યક્તિ એવા શબ્દોનો પ્રયોગ કરે કે જે સામેવાળી વ્યક્તિને સ્વીકાર્ય ન હોય તો પરિસ્થિતિ વણશે છે. આપણામાં કહેવાયું છે ને કે માણસોમાં ઝેર એની જીભમાં રહેલું હોય છે. એક વખત શબ્દો મોઢામાંથી નીકળી જાય પછી તે પાછા નથી આવતા અને ઘણી વખત એ એની અસરો બહુ લાંબા ગાળા સુધી રહે અને ક્યારેક સંબધો ખરાબ થવા સુધી વાત જાય છે, માટે જ ગમે તેવી પરિસ્થિતિમાં કટું વેણ ઉચ્ચરવા થી બચવું જ રહ્યું. તમે જો ગુસ્સાની આ ક્ષણો સાચવી લેશો તો સંબંધો માં માધુર્ય જળવાય રેહશે.
ઘર્ષણ નું ચોથું કારણ જીવનસાથી પર વધારે પડતી અપેક્ષાઓ છે. તે પછી પોતાને સમય આપવાંની વાત હોય , અમુક પ્રકાર નું જ વર્તન થવું જોઈએ તેવો આગ્રહ (કે દુરાગ્રહ) હોય, સામાજિક કે આર્થિક વ્યવહાર હોય, ફરવા હરવાનું નક્કી કરવાનું હોય કે પછી ભવિષ્યનું પ્લાનિંગ કરવાનો વિષય હોય. હમેંશા પોતાનું ધાર્યુ કરવાનો જ્યારે બેમાંથી કે કે બંને વ્યક્તિ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે પરિણામો ઘણાં ભયંકર આવે છે ક્યારેક ત્વરિત તો ક્યારેક થોડા મોડા, જ્યારે બીજી વ્યક્તિ ની ધીરજ જવાબ દઈ છે ત્યારે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ બંને વચ્ચે સતત અને તંદુરસ્ત સંવાદ જળવાયેલો રહે તે જોવાની સયુંકત જવાબદારી છે. જે દંપતિ સાહજિક સંવાદ કેળવી જાણે છે તેનો બેડો પાર સમજવો.
ઘર્ષણ નું પાંચમું પણ બહુ મોટું કારણ આર્થિક વ્યવહારો છે. જો પતિ પત્ની બંને કમાતાં હોય તો આ વિષય કયારેક બહું વિકરાળ સ્વરૂપ લઇ લેતો હોય છે. પતિ ની એવી માન્યતાકે પત્ની ના બધા પૈસા પર મારો એકાધિકાર છે અને સામા છેડે પત્ની ની જીદ કે મારા પૈસા તો મારા જ, કે પછી આ બે અંતિમ છેડા ની વચ્ચે નું કોઇ એક ને માન્ય ના હોય તેવું વર્તન. જો આમાંથી બચવું હોય તો તે છે “મારાં” માંથી “આપણાં” ની સમજણ કેળવવા ની માનસિકતા. પૈસાનું આયોજન તે બહું કાળજી માંગી લેતો વિષય છે. બની શકે કે બે માં થી એક વ્યક્તિ આ બાબત માં નિષ્ણાત હોય તો પણ તેને બીજી વ્યક્તિ ને વિશ્વાસ માં લઈને જ આર્થિક આયોજન કરવું જોઈએ. એક સોનેરી વાક્ય યાદ રાખી લેજો, જે દંપતિ સાથે બેસીને સપનાઓ જોવે છે તેમનાં સપનાં પૂરા થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
ઘર્ષણ નું એક છઠ્ઠું પણ બહુજ વરવું કારણ કોઈ એક પાર્ટનર નો શંકાશીલ સ્વભાવ છે. શંકા ઘણી બધી બાબતો પર થાય છે પણ જે ઝગડા નું સૌથી મોટું કારણ બને છે તે છે જીવનસાથી ના લગ્નેતર સંબંધો વિષે. આજ ના જમાના માં કાર્યક્ષેત્ર કે સામાજિક કામ ના સંબંધે વિજાતીય વ્યક્તિઓ સાથે સંપર્ક માં આવવું પડે તે બહું જ સ્વાભાવિક છે, પણ તેને લઈ ને વધારે વિચારવું તે યોગ્ય નથી. જ્યારે આવી શંકા ખોટી હોય ત્યારે જીવનસાથી પર શું વીતતી હશે? સાથે સાથે એ પણ કહી દઉં કે જાણ્યે અજાણ્યે પણ લગ્નેતર સંબંધો માં ના જ પડવું. આવા સંબંધો માં ત્રીજી વ્યક્તિનો એક માત્ર હેતુ પોતાનો સ્વાર્થ સાધવા નો હોય છે. મોટા ભાગે આવા સંબંધો પૈસા અને પ્રતિષ્ઠા ની પાયમાલી તરફ જ દોરી જાય છે તેથી તેનાથી બચવું જ રહ્યું.
આમ તો તમે બંને ઘણાં સમજદાર છો અને મારી સલાહ ની તમને જરૂર નથી જાણાતી પણ આ તો મારી વણમાગી સલાહ આપવાંની કુટેવ તમને આ પત્ર લખવા તરફ દોરી ગઈ છે.
તમને બંને ને સુખી અને સંપન દામત્યજીવન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.