Tari Pidano Hu Anubhavi Part-21 in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 21

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 21

સ્કૂલમાં મારા દેખાવના લીધે સતત અપમાન, હીનપણું ભોગવીને વર્ષો માંડ માંડ પસાર થયા હતા. કોલેજના સપના તો બધા જોતા હોય. મને પણ બીજી છોકરીઓ જેવી લાગણીઓ કુદરતી રીતે જ થતી. પણ વાળ વધારવા માટે પાર વગરના ઉપાયો કરીને, દરેક નવા ઉપાય વખતે અસંખ્ય આશાઓ સેવીને અને અંતે નિરાશ થઈને હું સખત થાકી ચૂકી હતી.

અંતે બધા પ્રયત્નો ફેઈલ થતા કોઈએ હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરી. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા પછી મારા કેસમાં એ પણ ફેઈલ રહ્યું.

હવે છેલ્લો ઉપાય હતો વિગ. સ્કૂલમાં તો બધા મને પહેલેથી જ જાણતા હતા એટલે વિગ પહેરવાથી લોકોની નજર સામે હું હજુ વધારે મજાક બની જઈશ. એ ડરથી સ્કૂલમાં વિગ પહેરવાની કોણ જાણે કેમ મારી હિંમત જ ના થઈ. મહામુશ્કેલી સાથે સ્કૂલના વર્ષો વિતાવ્યા. વિગ પહેરીને આત્મવિશ્વાસ સાથે કોલેજ જવાની આશા હવે સફળ થતી દેખાઈ. આખરે એ ઉપાય મને કામ લાગી ગયો.

‘સંયુક્તા, તને જોઈને કોઈને ખબર પણ નહીં પડે કે તે વિગ પહેરી છે, એવું તને સરસ સેટિંગ કરી આપીશ.’ મારા વર્ષોના જાણીતા ડોક્ટરને કુદરતી રીતે જ મારો માટે ખૂબ સહાનુભૂતિ હતી.

‘સાથે?’ એ દિવસે એ ડોક્ટર મને ભગવાન જેવા લાગ્યા.

થોડી જ મિનિટોની મહેનત પછી સુંદર વાળવાળો એક નવો ચહેરો, નવો દેખાવ, નવો આત્મવિશ્વાસ, નવી આશાઓ અને અનેકગણી ખુશી મારા જીવનમાં પ્રવેશી. ખરેખર વિગ પહેર્યા પછી બધું જ બદલાઈ ગયું. મને જાણે નવું જીવન જ મળી ગયું.

મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હસતા ચહેરે અમે ઘરે પાછા ફર્યા. મમ્મી, પપ્પા, રોનક, બા બધાએ મારા પેટ ભરીને વખાણ કર્યા. મમ્મીની નજર મારા પર ચોટી જ ગઈ હતી.

એ દિવસથી ઘરનું વાતાવરણ આખું બદલાઈ ગયું. મારા જીવનમાં આવેલા પરિવર્તને બધાને ઠંડક આપી. કોલેજમાં પણ મે ઉમળકાભેર પગલા માંડ્યા. વિગના કારણે મળેલા નવા અરમાનો અને આત્મવિશ્વાસ સાથે મેં કોલેજ જીવનની શરૂઆત કરી.

કોલેજ એટલે નવી જ દુનિયા. અમુક લોકો માટે એ પોતાના કરિઅર અને  સ્થાનને મજબૂત બનાવવા માટેનો પાયો ચક્કી આપનારી જગ્યા બની રહે છે. તો અમુક લોકો માટે એ ફેશન, સ્ટાઈલ, સ્પીચ, ટિકેટ, એટિટ્યુડ, કોમ્પિટિશન, જેલસી, લવ બર્ડસ અને શો બાજી માટેનું એક મોટું પ્લેટફોર્મ બની રહે છે.

હું પણ બીજા બધાની જેમ કોઈ પણ જાતના શરમ, સંકોચ કે લઘુતાગ્રંથિથી પીડાયા વિના આગળ વધવાની આશાઓ સાથે ધીમે ધીમે કોલેજના રૂટીનમાં સેટ થવા લાગી. મારી અમુક સારી ફ્રેન્ડ્સ પણ બની. બે-ત્રણ છોકરાંઓ પણ અમારા ગ્રુપમાં જોડાયા. વિગના કોન્ફિડન્સે મને એ લોકો સાથે હળવા ભળવામાં વધારે ટાઈમ ન લાગવા દીધો.

વિગ નેચરલ વાળ જેવું સો ટકા લુક ના આપી શકે. પણ ઘણા ખરા અંશે એ સાચા વાળ જેવી જ લાગતી હોવાથી કોઈને મારા પર શંકા જાય, એવું આટલા દિવસોમાં જણાયું નહોતું.

પોની જેવી સાદી હેર સ્ટાઈલ કરીને હું કોલેજ જવા લાગી. લોકો તરફથી મને નોર્મલ એક્સેપ્ટન્સ મળવા લાગ્યું. હું કોન્ફિડન્ટ બનતી ગઈ. એક સમય એવો આવ્યો કે હું લગભગ વિગને જ મારું સાચું અસ્તિત્વ માની બેઠી. માત્ર વિગ પહેરવા અને કાઢવાના સમય સિવાયનો બાકીનો બધો જ સમય હું એ સ્તવિકતા ભૂલી જ જતી કે આ જે કંઈ પણ છે આ માત્ર વિગના કારણે છે. સાચા વાળ તો છે જ નહીં. વાળમાં હાથ ફેરવતા કે નવી હેર સ્ટાઈલ બનાવતા મને આનંદ થવા લાગ્યો. મેં વિગને જ મારું સાચું સ્વરૂપ માની લીધું.

ધીમે ધીમે મારો કોન્ફિડન્સ હવે સાતમાં આસમાને પહોંચી ગયો. હવે મને મારામાં અને બીજી કરીઓમાં કોઈ જ ફરક નહોતો લાગતો. પહેલેથી ભણવામાં મારું બ્રેઈન શાર્પ તો હતું જ, તેથી કોલેજમાં મારી નામના વધવા લાગી. અત્યાર સુધી હું વાળના કારણે બધેથી અપમાન, અવગણના અને તિરસ્કારનો જ ભોગ બની હતી. મારી ટેલેન્ટની કોઈને વેલ્યૂ નહોતી થતી. બધાને મારા દેખાવમાં જ રસ હતો, હોશિયારીમાં નહીં. આના પરિણામે હું બહુ મોટી લઘુતાગ્રંથિથી પીડાવા લાગી હતી. 

પણ આ બધી વાતો હવે મારા માટે જૂની થઈ. મારો ગ્રાસ્પિંગ પાવર પાછો વધ્યો. ભણી-કરીને હું લોકોને દેખાડી દેવા માંગતી હતી કે આ સંયુક્તા પણ કંઈક છે. તેની અવગણના હવે બહુ થઈ ગઈ.

ધીમે ધીમે બધા લોકો મારી પાછળ ફરવા લાગ્યા. મારી નોટ્સ, મારો રાઈટિંગ, મારું રીડિંગ, બધું પરફેક્ટ હોય એટલે હવે મને કોઈ જાતનો જાણે ડર જ નહોતો. ક્યારેક સારી તૈયાર થઈ હોઉ તો કોલેજમાં મને ચાર-પાંચ કોમ્પ્લિમેન્ટ્સ પણ મળી જતા.

‘સંયુક્તા,યૂ રોક બેબ્સ.’ ઝંખનાએ મને આવીને કહ્યું.

‘કેમ શું થયું?’ અચાનક મળેલા કોમ્પ્લિમેન્ટ્સથી મને શોક લાગ્યો. 

‘આજે મહેતા સર અમારા ક્લાસમાં તારા વખાણ કરતા હતા.’

‘રિયલી? શું કહેતા હતા સર?’ મને જાણવાની તલપ લાગી. 

‘તેઓ કહેતા હતા કે તું એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. તારા હેન્ડ રાઈટિંગના, તારી નોટ્સના વખાણ કરતા હતા.’

‘સાચે?’ મને ખૂબ ખુશી થઈ. વર્ષોના ભૂખ્યા માણસને સારું ખાવાનું મળ્યું હોય તો કેવો આનંદ થાય? એવો આનંદ અને ગર્વ મેં અનુભવ્યો. સ્કૂલમાં ટીચર્સ સામે સારા દેખાવા મેં ખૂબ પ્રયત્નો કર્યા હતા. મારા દેખાવના લીધે મારી ટેલેન્ટ ડિવેલ્યૂ ના થઈ જાય, તેના માટે મેં અનેક રીતે મારા ફ્રેન્ડ્સ અને ટીચર્સને ખુશ રાખવા પ્રયત્ન કર્યા હતા. પણ મારા દેખાવ સામે એ બધું બહુ ટક્યું નહોતું.

લોકો મારી અવગણના કરતા. મારા કરતા ઓછા હોશિયાર અને ઓછી સ્કિલવાળાને ખૂબ વધારે માન મળતું. આટલા બધા બોજામાં મેં મારી જાતને સાવ ઈન્ફિરિયર બનાવી દીધી હતી. હવે એ જ બધું મને જિંદગીમાં પાછું મળી રહ્યું હતું. મારા આનંદનો પાર નહોતો.

‘તારાથી ઘણી છોકરીઓ જલે છે.’

‘હું નથી માનતી.’ મને આ વાત હજમ ના થઈ.

‘બ્યુટી વિથ બ્રેઈન હોય તો લોકોને થોડી જલન તો થાય જ ને.’

‘ચલ હવે, સવારથી મજાક કરવા માટે તને કોઈ મળ્યું નથી લાગતું.’ ઝંખનાના આ વાક્યે મને હચમચાવી મૂકી. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી એવી વાત એણે મને કરી હતી.

હવે મને પોતાની જાત પર જરૂર કરતા વધારે ગર્વ થવા લાગ્યો. ‘આઈ એમ નથંગમાંથી, આઈ એમ સમ થિંગ’ સુધી ક્યારે પહોંચી ગઈ એની મને ખબર જ ના પડી. મારી ભૂખ સંતોષાવાને બદલે વધવા લાગી.

મારું મન મસ્તીમાં આવતું ગયું. ધીમે ધીમે હું પણ બીજી છોકરીઓની જેમ તૈયાર થવા માટે, સારા દેખાવા માટે જાગૃત બનતી ગઈ. ‘બ્યુટી વિથ બ્રેઈન’ આ વાક્ય તો મારા મન પર જોરદાર રીતે કોતરાઈ ગયું હતું. એના પ્રભાવમાં મારામાં પરિવર્તન આવતું ગયું. ક્યારેક નવી નવી હેર સ્ટાઈલ પણ કરી લેતી. ક્યારેક વાળ ખુલ્લા પણ રાખતી. શરૂઆતમાં થોડો સંકોચ હતો, પણ એય ધીમે ધીમે જતો રહ્યો. હા, એક વાત ચોક્કસ છે કે હું મારી મર્યાદા ચૂકી નહોતી.

વર્ષો સુધી જે અપમાન સહન કર્યું હતું. તેની સામે મને ભરપૂર માન મળવા લાગ્યું, કારણ કે બધા મારી વાસ્તવિકતાથી અજાણ હતા. ‘બ્યૂટીફૂલ એન્ડ બ્રિલિયન્ટ’ના ગુણાકારને સાર્થક કરવામાં હું બિલો નોર્મલથી અબોવ નોર્મલ તરફ આગળ વધી ચૂકી હતી.

અને અચાનક એક દિવસ...

‘સંયુક્તા... સંયુક્તા...’ મીતવા મને બૂમો પાડીને બોલાવી રહી હતી.

‘શું થયું?’

‘આજે ઝંખનાની બર્થ ડે છે, યાદ નથી?’

‘અરે, હું તો સાવ ભૂલી જ ગઈ હતી.’

‘ચાલ, બધા ગ્રુપ ફોટો પડાવે છે.’

‘હેપી બર્થ ડે ઝંખના’ મેં ઝંખનાને ભેટીને વિશ કર્યું.

‘થેન્ક યૂ ડિયર.’

‘સોરી યાર. હું તો સાવ ભૂલી જ ગઈ હતી.’

‘ઈટ્સ ઓકે.’

‘પબ્લિક, ચાલો બધા લાઈનમાં ગોઠવાઈ જાવ તો.’ કેમેરો પકડીને થાકી ગયેલી નિરાલીએ જોરથી બૂમ પાડી. નિરાલી ઝંખનાની કઝીન હતી. એ પણ અમારી કોલેજમાં જ ભણતી હતી.

‘હા, કમ ઓન ગર્લ્સ એન્ડ બોય્સ.’ મીતવાએ બધાને કેમ ઊભા રહેવું એની ડિરેક્શન આપી.

એ વખતે અમારા લોકોની ચીસાચીસ અને મસ્તીના કારણે ઘણા બધાનું ધ્યાન અમારા તરફ જ હતું.

‘ગર્લ્સ પાછળ ઊભી રહે અને બોય્સ પેલી પાળી પર બેસી જાય.’ મિતવા ફરીથી ગાજી ઉથી. 

‘રેડી... સે ચીઝ...’ નિરાલીએ ત્રણ-ચાર ફોટો ક્લિક કરી લીધા. 

‘નાઉ ઓન્લી ગર્લ્સ. બોય્સ ડોન્ટ માઈન્ડ પ્લીઝ.’ મીતવા બોલી.

‘નૌટંકી છો તમે લોકો પણ.’ પ્રણવ હસતા હસતા બોલ્યો.

‘તને જે લાગે તે. અમને ગર્લ્સને તો આવું બધું બહુ ગમે.’ મીતવાએ પ્રણવને હાજર જવાબ આપ્યો.

‘ત્રણ છોકરીઓ કેન્ટીનની ચેર પાસે ગોઠવાઈ જાઓ. અને ત્રણ પાછળ આવી જાઓ.’

‘હા, ભાઈ જો મેં બધાને પાર્ટી આપી છે એનું પ્રૂફ રહેવું જોઈએ. નિરાલી, ફોટામાં ટેબલ પરનું ખાવાનું પણ દેખાવું જોઈએ હોં કે.’

‘હા બાબા, પહેલા બધા સરખા ઊભા તો રહો.’

‘એક કામ કરો. શોલ્ડર પર આમ હાથ મૂકીને થોડા નીચા વળીને ઊભા રહો.’ ઝંખનાએ મીતવાની પાછળ ઊભા રહીને પોઝ આપીને બતાવ્યું.

‘ઓ.કે. હું અને ઝંખના સાથે રહીશું.’ હું મીતવાને ખસેડીને એની જગ્યાએ બેસી ગઈ.

બધા પોતપોતાની પેર સાથે ગોઠવાઈ ગયા. નિરાલીએ કેમેરો પ્રણવને આપ્યો અને મીતવાની પાછળ જઈને ઊભી રહી ગઈ.

‘ઓ.કે. રેડી?’ પ્રણવે કેમેરા તરફ જોવા બધાને કહ્યું.

‘યસ...’ બધાએ સ્માઈલ કરી.

પ્રણવે બે-ત્રણ ફોટા લઈ લીધા. ફોટા પડી ગયા. વાંકા વળવાને કારણે ઝંખનાએ પહેરેલા હેવી ડ્રેસનું બ્રોચ મારા વાળમાં ફસાયું હતું. એની ન તો મને ખબર પડી ન ઝંખનાને. મીતવા એના ઉતાવળા સ્વભાવ પ્રમાણે તરત જ ઝંખનાને આવીને ખેંચવા લાગી.

‘સ૨૨૨૨૨૨...’ મારી વિગ જોરદાર ખેંચાઈ.

‘આઉચ.’ મારાથી મોટેથી ચીસ નીકળી ગઈ.

બધા મારી સામે જોવા લાગ્યા. માથાના આગળના ભાગમાં એક બાજુમાંથી વિગ ઊંચી થઈ ગઈ. ઝંખનાનું ધ્યાન મારા માથા પર ગયું. મીતવાને લાગ્યું કે કોઈ મજાક ચાલી રહ્યો છે. એટલે એણે જોયા વિના જ પાછળથી ઝંખનાનો હાથ ફરી એકવાર ખેંચ્યો. બ્રોચ ફરીથી ખેંચાતા ઉપરના ભાગમાંથી વિગ લગભગ ઊખડી ગઈ. બધાની આંખો પહોળી થઈ ગઈ. ઝંખનાએ મીતવાને જોરથી ઘાંટો પાડ્યો ત્યારે એને શું બન્યું છે એનું ભાન થયું. 

‘આઆઆ...’ મારા તરફ ધ્યાન જતા મીતવાના મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઈ.

એની ચીસ સાંભળી બધાનું ધ્યાન મારા તરફ ગયું. બધાના મોઢામાંથી એક હાયકારો નીકળી ગયો. અને હું...

હું તો કાપો તોય લોહી ન નીકળે એવી નિરાધાર અને લાચાર બની ગઈ. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે મારાથી ઊંચું પણ જોવાય એમ નહોતું. આંખોમાંથી આંસુ નીકળી ગયા. મારો શ્વાસ જાણે કોઈએ રૂંધી નાખ્યો હોય એમ હું ગૂંગળાવા લાગી.

‘ઓહ નો... શીટ... વોટ્સ ધીસ.’ જેવા જુદા જુદા અવાજની વચ્ચે ઘણા લોકોના હસવાના અવાજ પણ મારા કાનમાં ભોંકાવા લાગ્યા. મારું માથું ફાટવા લાગ્યું.

ક્યાં જઉ? શું કરું?

હાથથી વિગને સરખી કરવા ટ્રાય કરી પણ ડરના માર્યા મારા હાથ પણ ધ્રૂજતા હતા.

પાછળથી ઝંખનાએ ધીમેથી તેનું ફસાયેલું બ્રોચ ખેંચી લીધું અને મને વાળ સરખા કરવા ડરતા ડરતા મદદ કરવા લાગી. હું ત્યાંથી ઊઠી જ ન શકી. પરાણે ઊભી તો થઈ પણ શરમ અને ભયથી પાછી ફસડાઈને બેસી ગઈ. નીચી નજરે પણ મને ખ્યાલ હતો કે લોકોની નજરો મારા તરફ જ હતી. હું એક તમાશો બની ગઈ હતી.

મીતવા અને ઝંખના મારી બાજુમાં ઊભા હતા. એ લોકોને મારા માટે સહાનુભૂતિ હતી. પણ સાથે સાથે કોઈએ છેતર્યા હોય એવા ભાવ પણ થયા જ હશે. નિરાલી થોડીવાર હસીને પછી હસવાનું રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. તે ઝંખનાની કડક આંખો જોઈને શાંત થઈ ગઈ.

મારું આખું શરીર ઠંડું પડી ગયું હતું.

‘ઈટ્સ ઓ.કે. સંયુક્તા, ડોન્ટ વરી.’ મીતવાએ ધીમેથી કહ્યું.

ઝંખનાએ જેમ તેમ કરીને વિગ પાછી ઠીક કરી અને બધાને ત્યાંથી ખસી જવા ઈશારો કર્યો. છોકરાંઓ તો જતા રહ્યા, પણ અમુક છોકરીઓ હજી પણ મારી સામે તાકી તાકીને જોઈ રહી હતી.

અમુક લોકોની મારા માટેની જલનને શાંતિ જરૂર મળી હશે. હું નીચું જોઈને ચાલવા લાગી. ઝંખનાએ મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો. જાણે મને આશ્વાસન આપતી હોય એમ. 

મીતવાએ પાર્કિંગમાંથી એની કાર કાઢી. અમે બંને તેમાં બેસીને કોલેજની બહાર નીકળી ગયા.

શું બોલવું તેના માટે મારી પાસે કોઈ શબ્દો નહોતા. આંખોમાંથી નીકળતા આંસુ લૂછતા લૂછતા હું ચૂપચાપ બેસી રહી.

‘તારું ઘર આવી ગયું.’ ઝંખનાએ મારા ખભા પર હાથ મૂકતા કહ્યું.

મીતવાએ નીચે ઊતરીને ગાડીનો દરવાજો ખોલ્યો અને મારા ઘરની બેલ દબાવી. મમ્મી બહાર આવી.

‘શું થયું?’ બધાના ઊતરેલા ચહેરા જોઈને મમ્મીને ધ્રાસકો પડ્યો.

‘કંઈ નહીં આન્ટી. ચિંતા ના કરો.’ ઝંખનાએ મમ્મીને તરત શાંત પાડવા પ્રયત્ન કર્યો.

‘એ તો સંયુક્તાની વિગ...’ ઝંખનાએ મીતવાને આગળ બોલતા અટકાવી.

મને સોફા સુધી મૂકી બંને ચૂપચાપ નીકળી ગયા. મમ્મીને શું બન્યું હશે, તેનો અંદાજો આવી જ ગયો હતો. એ લોકોના ગયા પછી હું જોર જોરથી પોક મૂકીને રડી પડી. મમ્મી મને પોતાના તરફ ખેંચીને ભેટી પડી. મમ્મી મારા માથા પર અને પીઠ પર જોર જોરથી હાથ ફેરવવા લાગી. એણે મને રડી લેવા દીધી.

લગભગ વીસ મિનિટ સુધી આમ જ ચાલ્યું. હું થાકીને ત્યાં જ આડી પડી. આંખો બંધ કરી મમ્મીનો હાથ પકડીને ચૂપચાપ સોફામાં પડી રહી. ન તો મમ્મીએ મને કોઈ સવાલ પૂછ્યો ન મેં મમ્મીને કંઈ કહ્યું.