નિતુ : ૫૮ (આડંબર)
નિતુ હજુ કૃતિના શબ્દોમાં સત્ય જાણી અચરજમાં હતી. તેને સત્યની ગમ પડતા નિતુની હાલત શિથિલ થઈ ગઈ. કંપારી લેતી ચમકદાર આંખે તેણે કૃતિ સામે જોયું અને મૃદુ ભાવે પૂછ્યું, "અને આ... આ બધું તને કોણે કહ્યું?"
એટલામાં દાદરના દરવાજેથી અવાજ આવ્યો, "મેં કહ્યું તેને..."
તે તરફ નજર કરી બેબાકળી બની કહેવા લાગી, "કરુણા! ...કરુણા તે કહ્યું?"
તેની નજીક આવતાં તે બોલી, "હા નીતિકા. સોરી પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન્હોતો."
"પણ કરુણા... હું શું કહું તને? તારે કૃતિ સાથે વાત નહોતી કરવી."
"દીદી... તે આટલી મોટી વાત મારાથી છૂપાવી? કરુણાએ મને કહ્યું ત્યારે મને તેનાં પર વિશ્વાસ જ નહોતો આવતો. પણ થોડીવાર પહેલાં અહીં જ ઉભા રહીને હું સાગર સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે મેં એ વિદ્યાને તારી સાથે જે વર્તન કરતાં જોઈ... હું તો એને આજ સુધી એટલું માન આપતી રહી, કે... " મોં બગાડી ઘૃણા કરતી તે આગળ બોલી, "છી... તે આવી હશે એ મને ખબર નહોતી."
"સોરી નીતિકા. પણ આજે મેં તેની સાથે તને જતાં જોઈ ત્યારે મારાથી ના રહેવાયું. તમારા લોકોના ગયાના થોડા સમય પછી કૃતિ તને મળવા ઓફિસે આવી પહોંચી. તને ઓફિસ પર ના જોઈને એણે અનુરાધા અને નવીનને જાત જાતના સવાલ પૂછવાનું શરુ કર્યું. એ વખતે મારાથી ચુપ ના બેસાયું અને તેને એકબાજુ લઈ જઈને મેં બધું જણાવી દીધું."
"મને એના પર વિશ્વાસ નહોતો આવતો. એટલે તમારી સાથે રૂબરૂમાં વાત કરવા મેં અત્યારે તેને ફોન કરી બોલાવી લીધી."
કઠણ બનીને ફરતી નિતુથી વધારે નાટક ના થઈ શક્યું. જેનાંથી છુપાવી તે ખોટો આડંબર રચતી હતી તેની સામે હકીકત ખુલ્લી ગઈ હતી અને તેનું રુદન વધારે ના રોકી શકી. તે હિંડોળાની ખાટ પર બેસી ગઈ અને રડવા લાગી. નિતુ સામે ઢીંચણભેર બેસીને તેના બંને હાથ પકડી કૃતિ કહેવા લાગી, "દીદી, એકવાર કહેવું તો હતું. તું આટલું બધું સહન કર્યે ગઈ અને ઘરમાં કોઈને જાણ પણ ના થવા દીધી."
રડમસ અવાજે તેણે કહ્યું, "શું કહેત હું તને? નાનકી... આ મારા માટે સરળ ન્હોતું. જાત જાતના સાંધા કરી રહી હતી હું. મારાંથી જેટલું થઈ શકે એમ હતું એ બધું કર્યું પણ હું ના જીતી શકી. અંતે મમ્મીને હાર્ટ એટેક આવ્યો ત્યારે મારે નાછૂટકે એની પાસે જવું પડ્યું. એની આ ઓફર મારે શિરોધાર્ય કરવી પડી."
તેણે જે બન્યું એ બધું કહ્યું અને કૃતિ પણ રડી પડી. તેની બાજુમાં બેસી કરુણાએ એના ખભા પર હાથ મૂકી તેને સાંત્વના આપી. તો રડતા રડતા કૃતિ તેને કહેવા લાગી, "દીદી... દીદી હું ઘરે જઈને સાગરને બધી વાત કરીશ. હું એને કહીશ કે એ મેડમના બધા પૈસા ભરી દે. પણ તું એ નર્કમાંથી બહાર નીકળી જા."
"બહાર નીકળવું એટલું સહેલું નથી કૃતિ."
તેને સમજાવતાં કરુણા બોલી, "નીતિકા, તારા માટે એ ઓફિસમાં વધારે રહેવાની કોઈ જરૂર નથી. કૃતિ સાચું કહે છે. એ સાગરને વાત કરીને તને ત્યાંથી છોડાવી દેશે. મારી ઈચ્છા પણ કંઈક એવી જ છે નીતિકા, હું રોજે તને મેડમ સાથે જતા અને આવતા જોઈને સહન નથી કરી શકતી. જો તને સાગર સાથે વાત કરવામાં ડર લાગતો હોય તો બોલી દે, હું મારા હસબન્ડને કહીશ એટલે એ પણ હેલ્પ કરશે."
કૃતિએ કહ્યું, "દીદી પ્લીઝ, તું હવે ત્યાં શું કામ રહેવા માંગે છે? નીકળી જા ને! એવી ડાકણ માટે વધારે કામ શું કામ કરવું છે?"
આંસુ લૂછતાં નિતુ બોલી, "કૃતિ, મારી જગ્યાએ જો કોઈ અન્ય કામ કરતી હોત તો એ જરૂર નીકળી જાત.પણ વિચાર, કે હું નીકળી જઈશ અને મારી જગ્યાએ કોઈ બીજી ત્યાં આવશે ત્યારે તેની સાથે પણ એવો જ વ્યવહાર કેળવાશે ને! તેને હાથ જે ચડી એની દશા મારી જેવી જ દયનિય થશે."
કરુણાએ દલીલ કરતાં કહ્યું, " નીતિકા આવી ઓપ્ટીમાલીટી બતાવવાનો કોઈ અર્થ નથી. તારો ઈરાદો નેક છે અને આવી સ્ત્રીને સમજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તું એને ખુલ્લી પાડીને સારું કામ કરવા ઈચ્છે છે. હું તારા આ નિર્ણયની સાથે છું. છતાં જરા વિચાર, કે આપણી લોકો પાસે સાબિતી માટે નિકુંજ એક માત્ર પર્યાય છે અને એનો કોઈ અતો- પતો નથી."
"તું આટલી જલ્દી હિમ્મત હારી ગઈ કરુણા ?"
"ના.. હું હિમ્મત નથી હારી. પણ જાણી જોઈને હેરાન થવાનો શો અરથ? વિદ્યા ચાલાક છે. એના મનમાં શું ચાલે છે? એ જાણવું મુશ્કેલ છે. એ આપણને નિકુંજ સુધી ક્યારેય નહિ પહોંચવા દે."
"એની મને પરવાહ નથી."
"... અને આપણી પહેલાં એ નિકુંજ સુધી પહોંચી ગઈ તો?" કરુણાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
"એવું નહિ થાય એની મને આશા છે. એ એનું કામ કરશે અને આપડે આપડું કામ કરવાનું છે. વિદ્યાને મન મારા પ્રત્યે ગળાડૂબ પ્રેમ છે. એ સમજે છે કે એ મારી પ્રેમી છે અને હું એની. એ એની સૌથી મોટી ભૂલ છે. આ વાતનો હું ઘણીવાર ફાયદો ઉઠાવી લઉં છું. આગળ જો કંઈ થશે તો હું એને ભ્રમિત કરી દઈશ."
"દીદી, એને કરુણા દીદીની જાણ છે. જો એ એને કંઈક કરી બેસશે... આઈ મીન... તારી આ જીદ્દનું કોઈ ઉલ્ટું પરિણામ આવશે તો?"
"મારી ચિંતા ના કર કૃતિ." કરુણાએ કહ્યું.
કૃતિએ ડર વ્યક્ત કરતાં આગળ ઉમેર્યું, "પણ કરુણા, એ મહા ચાલાક છે. જે સ્ત્રી આવા ષડયંત્રો કરી શકતી હોય એ કંઈ પણ કરી શકે છે."
"તારો ડર નકામો છે કૃતિ."
"દીદી!... બી પ્રેક્ટિકલ. આ વાત ખોટા ગોમાં રહેવા જેવી નથી."
"જો એ આ શતરંજની રાણી છે અને સમજે છે કે હું સામાન્ય છું, કંઈ નહિ કરી શકું, તો એ ભૂલે છે કે એક સામાન્ય પ્યાદું પણ પટ વટાવીને રાણી બની શકે છે. શું ખેલ ખેલવો એ મને ખબર છે. માટે તું ચિંતા ન કર. આ આડંબરનો શું અંત આણવો એ મેં નક્કી કરી લીધું છે. બસ એકવાર નિકુંજ સુધી મારા હાથ પહોંચ્યા એટલે વિદ્યાનો ખેલ ખતમ."
"પણ દીદી એનું એટલું મોટું નામ છે અને એ..."
"તું ડર નહિ કૃતિ. એકવાર એનું સત્ય બહાર આવશે એટલે એ કંઈ નહિ કરી શકે. તારે ડરવાને બદલે હિંમતભેર અમારો સાથ આપવો જોઈએ."
કૃતિએ હકારમાં માથું હલાવ્યું, "હમ!"
"સોરી નીતિકા, તને લઈને ચિંતામાં હતી એટલે કૃતિથી સાચું છુપાવી ના શકી." માફી માંગતા કરુણાએ કહ્યું.
નિતુ બોલી, "ઈટ્સ ઓકે કરુણા. કૃતિ! એક વાતનું ધ્યાન રાખજે. ભલે તને બધી હકીકત ખબર હોય પણ ભૂલથી તું કોઈ સામે બોલી ન જતી અને વિદ્યા સામે પહેલાં જેવું જ વર્તન કરજે, જેથી એને કોઈ શંકા ના થાય."
"ભલે દીદી."
"અને હા કૃતિ, એક વાતનું એ પણ ધ્યાન રાખજે, જો અનંત તને ફોન કરીને કોઈ પૂછપરછ કરે તો એની સામે પણ કશું ના બોલતી."
"એટલે... અનંતભાઈને બધી ખબર છે?"
"ના, પણ એને એ ખબર છે કે હું કોઈ મુસીબતમાં છું. મેં તેને બધી વાત નથી કરી. પણ બની શકે કે તને ખબર છે કે નહિ એમ જાણવા એ તને ફોન કરે."
"ઓકે દીદી. હું તમારી બધી વાત સમજી ગઈ. જરૂર પડશે તો હું પણ તમારી હેલ્પ કરવા પહોંચી જઈશ. તમે મને આ નિકુંજની કોઈ માહિતી આપો. બની શકે કે હું પણ તમને મદદ કરી શકું."
"કૃતિ તારે આ ઝંઝટમાં પડવાની કોઈ જરૂર નથી. તું ચિંતા ના કર, મને મારી રીતે લડવા દે. તું બસ કશું થયું જ નથી એમ વિચારીને વર્તન કરજે."
"હમ... ટ્રાય કરીશ."
ઊંડો શ્વાસ લઈને નિઃસાસા સાથે તે બોલી, "હાહ.... કૃતિ... તું અંતે તો તારી મરજીનું જ કરીશને?"
થોડું હસતા તે બોલી, "તમને હસાવવા થોડી મસ્તી કરી. ચિંતા ના કરો. તમને કોઈ નુકસાન થાય એવું નહિ કરૂ અને જ્યાં સુધી તમે નહિ કહો ત્યાં સુધી હું કંઈ નહિ કરું."
સાહેલી જેવું વર્તન કરતી બહેનને નિતુએ કૃતિને ગ
ળે વળગાડી દીધી. એને પોતાની બહેન આટલી સમજદાર થઈ ગઈ છે એ જોઈને એના પર ગર્વ થતો હતો.