ગુલાબજાંબુ ભાગ 17
એક હતું કચ્છ નું નાનકડું ગામ. ગામની વસતી માંડ દોઢસો જેટલા ઘરની. ને એ ગામમાં રહેતા પુંજા સેઠ અને તેનો નોકર ભૂરો. ભૂરો હાવ બુદ્ધિવાળો હો. પણ ઈ વાપરે પોતાની માટે. ગામ નાનું એટલે ઝાઝી દુકાન ન મળે. અરે મીઠાઈ માટે પણ બાજુના મોટા ગામ જવું પડે.
પુંજા સેઠ એક વાર લગનમાં શહેર જઈ આવ્યા ને જમવામાં ગુલાબજાંબુ ખાઈ આવ્યા. અહોહોહો સ્વાદ તો એવો દાઢે વળગ્યો કે બે દિવસ સુધી પોતાના હોઠ ચાટતા રહ્યા. હવે ત્રીજે દી તેમનાથી રહેવાયું નહિ. તેણે ભૂરિયાને કહ્યું : “ ભુરીયા જા જરા બાજુના ગામ રવાનો થા ને ત્યાંથી ગુલાબજાંબુ લઈ આવ” ભૂરો કહે “ ઈ સુ હોય વળી ? ગુલાબ અને જાંબુ લઈ આવવા ? જાંબુની તો મોસમ પણ નથી આવી. ઈ તે વળી શું હોય ? ” પુંજા સેઠ કહે : “ઘેલીના ઈ મીઠાઈનું નામ સે, કાળું કાળું હોય ને સાકારની ચાસણીમાં ડૂબેલું હોય. તું તારે બાજુ મોટા ગામ જા ને ત્યાંથી આ ડબો ભરી ગુલાબજાંબુ લઈ આવ. અને ધોળ કાઢી જા, પાછુ મારું સાંઢીયું લઈ જા.”
ભૂરો તો ઉપાડ્યો. સાંઢીયાની સવારી લઈ. બાજુના મોટા ગામે. મીઠાઈની દુકાન ખોળીને ડબ્બો ભરીને ગુલાબજાંબુ લીધા. હવે પાછા ફરતા ડબ્બામાંથી એવી મીઠી સુઘંધ આવતી હતી કે તેનાથી રહેવાયું નહિ. તેને મનમાં થયું કે એક ગુલાબજાંબુ ખાઈશ તો શેઠ ને ક્યાં ખબર પડશે ?
ને ડબ્બામાંથી એક ગુલાબજાંબુ ભૂરાના પેટમાં પહોચી ગયું.
ઓહોહોહો આ તો કાઈ અદભૂત છે. રોજ રોટલા ને ખીચડી ખાનાર ને આ અમૃત જેવું લાગ્યું. ને વળી થયું બે ખાઈસ તો ક્યાં ખબર પડશે ? ને બે પુરા કર્યા. એમ કરતા અડધો ડબ્બો ખલાસ. મનમાં વિચારતો જાય કે શેઠ પૂછશે તો કહી દઈસ કે ડબો ઢોળાઈ ગયો. ને આમ મનમાં મહેલ બાંધતો ડબ્બો પૂરો થઈ ગયો. બાકી વધી તે ફક્ત ચાસણી.
હવે શું ? ભૂરો તો બીનો. પણ હતો હોશિયાર. રસ્તામાં સાંઢીયાના સૂકા લીંડા પડેલા જોયા. ને બસ જે સમજો છો એજ ભૂરા એ કર્યું.
ઘેર આવ્યો ભૂરો ને પુંજા શેઠ તો ખુબ ઉમળકાથી આરોગવા લાગ્યા. શેઠ કહે ભુરીયા “ આ ગુલાબજાંબુ મેં ખાધા એવા નથી લાગતા હો ....પાછળથી લીંડીનો સ્વાદ આવે છે હો .....”
ભૂરો કહે “ શેઠ આ સાંઢીયા પર લઈ આવ્યો ને એમાં એની વાસ ઘરી ગઈ લાગે સે .”
પુંજા શેઠ કહે “ બસ હવે બીજી વાર સાંઢીયો ન લઈ જાતો. હવે જો સ્વાદમાં ફેર થયો તો તારી ખેર નથી.”
ભૂરા એ કાન પકડ્યા હવે આવું કરવું નહિ.
----------------
સ્વભાવ - 18
જ્યારે સાક્ષર (શિક્ષિત) લોકો શબ્દો અને સ્વભાવની વિરુદ્ધ થઈ જાય છે, ત્યારે રાક્ષસ શબ્દ બને છે અને વર્તન પણ સમાન બને છે. પણ જો તમે સરસ (સજ્જન) શબ્દને ઉલટાવી દો તો સરસ (સજ્જન) જ બનશે અને વર્તન પણ સારું રહેશે. એટલે કે જેઓ સ્વભાવે નમ્ર હોય છે, પ્રતિકૂળ સંજોગોમાં પણ તેમનો સ્વભાવ બદલાતો નથી, પરંતુ જે સ્વભાવે સૌમ્ય નથી પણ માત્ર નામના સાક્ષર છે, તેમની દુષ્ટતા પ્રગટ થાય છે.
એક વખતની વાત છે.
એક વીંછી ને નદીના પૂરમાં નદી પાર કરવાની જરૂરત પડી. તેણે કાચબા પાસે જઈને કહ્યું: “તું મને તારી પીઢ પર બેસાડીને નદીના પૂરમાં પાર લઈ જઈશ ?” ત્યારે કાચબો કહે છે કે “હું તને નહીં લઈ જાઉં, કારણ કે મને ખબર છે કે તું નદીમાં અડધે જઈને મને ડંખ મારીશ.”
વીંછી કહે છે કે “હું એવું થોડું કરું ? આપણે બેઉ પૂરમાં મરી ન જઈએ ?” કાચબાએ તેનો વિશ્વાસ કર્યો અને તેને પોતાની પીઢ પર બેસાડીને નદી પાર કરવા લઈ ગયો.. અધવચ્ચે ગયા પછી એવું જ થયું. જેની કાચબાને શંકા હતી. વીંછી તેને ડંખ મારી દે છે. કાચબાને ખબર પડી. તે વીંછીને પૂછે છે કે તેં આવું કેમ કર્યું. ત્યારે વીંછી કહે છે કે “હું શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે, હું જાતને રોકી ન શક્યો !”
કાચબાને વીંછીની ઝેરીલો સ્વભાવ ખબર પડી. કોઈનો પણ સ્વભાવ બદલવો ખુબ કઠણ છે.કાચબાની પીઠ ઢાલ જેવી હોવાને કારણે ડંખ લાગતો નથી. ઝેર શરીરમાં જાતું નથી. તે પાણીમાં ધીરેથી સરકી ગયો ને વીંછી ડૂબી ગયો.
સામે કાંઠે આવતા કાચબાના બીજા સાથીદારોએ પૂછ્યું : કેમ ભઈલા તે વીંછી ડૂબાડી દીધો ?” કાચબાએ કહ્યું: હું જો તેને બચાવી લેત તો તે બીજાને ઝેર આપી મારત....બધા સાથીદાર અને જંગલના પ્રાણીઓ ખુશ થયા. છૂટકારો થયો ને ખાધું પીધું ને રાજ કર્યું.