બરફ - ભાગ ૧૫
હા હું બરફ છુ. તે પણ પાછો કશ્યપની ખેડેલી જમીન પર કાશ્મીરનો બરફ. મારો ધર્મ ઠંડાઈ, ઉપાસના શીતોષ્ણતાની. ધાનો ચહીતો. લોકો દુર દુર મને પામવા અહી આવતા. લોકો બરફના ગોળા બનાવી એક બીજા તરફ ફેકતા ને પોતાના પ્રદેશની વાતો કરતા. મને ધીરે ધીરે તે લોકોના પ્રદેશમાં જવાનું દિલ લાગવા લાગ્યું. મારા મનની વાત બીજા બરફના ગોળાઓ એ સાંભળી ખેદ અને અસ્વસ્થતા દેખાડી. ને મને વધુ ને વધુ એ લોકોના પ્રદેશમાં જવાનું મન થયું.
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।3.35।। શ્રીમદ ભગવદ ગીતા
બીજાની નિર્ધારિત ફરજ બજાવવા કરતાં, ખામીઓ સાથે, પોતાની કુદરતી નિર્ધારિત ફરજ બજાવવી વધુ સારી છે. ખરેખર, જોખમથી ભરપૂર બીજાના માર્ગ પર ચાલવા કરતાં પોતાની ફરજ નિભાવવામાં મૃત્યુ પામવું વધુ સારું છે.
મારા બીજા બરફના ગોળા, ટુકડા, મોટા પહાડ બધાયે ખુબ સમજાવ્યું. પણ દિલને કોણ સમજાવે ? એક સહેલાણી પરિવાર અમારે ત્યાં એટલે કાશ્મીર ફરવા આવ્યું હતું. તે પરિવારમાં એક દીકરી, તેનું હુલામણું નામ – ગોળકેરી કહીને બોલાવતા. મને પણ તેની સાથે મજા પડી ગઈ. ગોળ કેરીએ પણ મારા જેવી તેની મમ્મી પપ્પા સાથે જીદ કરી મને સાથે લઇ જવા. તેણીને ઘણું સમજાવ્યું કે આ બરફનો ગોળો ત્યાં સુધી ન પહોચે. પણ કોણ માને ? તેણી એ ટો મને થર્મોસમાં છુપાડીને નાખ્યો ને થર્મોસ બેગમાં સંતાડી દીધો.
સફર સરૂ થઇ પરિવર્તનની. એક ધર્મ શીતોષણતાનોને બીજો ઉષ્ણતાનો. મારું અસ્તિત્વ ખલાસ થવા લાગ્યું. વિહવળ થવા લાગ્યો. હું અને ગોળકેરી બન્ને. કોને ખબર આ વાત કેટલાં દી’ લોકો રાખશે યાદ ? મુજ વીતી તુજ ના વીતે કહું સૌને કરી સાદ!
ગોળ કેરીની મમ્મીએ મને થર્મોસમાંથી કાઢી ખુલ્લામાં ફેકી દીધો. મારો દેહ છોડી આત્મા રૂપે આકાશે બંધાયો. ને કૃપા પ્રભુની વરસાદે ફરી કાશ્મીરે જઈ બંધાયો. હવે ન કદી ન છોડીસ શીતોષ્ણતા ધર્મ મારો. લોકો કહે છે તુ હવે છો બહુ સારો.
હે મનુષ્ય તારો ધર્મ કયો ?
------------------------
આંનદ - ભાગ ૧૬
વસંતઋતુની એક આહ્લાદક સવારે એક ભરવાડનો છોકરો ફૂલ કુસુમિત ઘાટીમાં ઘેટાં ચરાવતો હતો. અને ખુશીથી ગાતો તથા નાચતો હતો. એટલામાં મૃગયા કરવા નીકળેલો રાજા ત્યાંથી પસાર થયો. રાજાએ તેને જોયું અને મનમાં વિચાર આવ્યો. જેની પાસે કઈ નથી, ન સારા વસ્ત્રો, ન ભવ્ય ઘર છતાં આટલો આનંદિત ને મોજમાં ? એણે તેને પૂછ્યું, ‘ હેં ભાઈ, તું આટલો બધો મોજમાં કેમ કેવી રીતે રહે છે ? શું તુ રાજાથી પણ વધારે મોજમાં છે ?’ રાજાએ કટાક્ષ કર્યો.
રાજા પાસે હુકમનું પાલન કરનારા નોકરો, રહેવા મહેલ, ધનનું ઐશ્વર્ય અને આટલું મોટું સામ્રાજ્ય. રાજા એટલે એમ લાગે કે સૌથી વધારે સુખી અને આનંદિત માણસ હશે.
રાજાને ભરવાડનો છોકરો કાંઈ ઓળખે નહિ, એટલે તે બોલ્યો, ‘ હું કેમ મોજમાં ન રહું ? કારણ આપણા રાજા જેટલા મોજમાં છે તેટલો જ હું પણ મોજમાં છુ. મારા કરતાં તેઓ કાંઈ વધુ મોજમાં નથી.’
‘ સાચે જ ? રાજા કહે. ‘ તો તારી આગળ શું શું રાજા કરતાં વિશેષ ઐશ્વર્ય છે તે મને કહે, જેનાથી તું મોજમાં રહી શકે છે.’
‘નિત્ય ઊઠીને પ્રભાતના પ્રહારમાં આપણે સૂર્યને જોઈએ છીએ તે જેટલો રાજા સારું તેટલો જ મારા સારું પ્રકાશે છે; પૂનમની રાત્રે જે શીતળતા મને મળે છે તેટલી જ તેમને માટે છે. પર્વતો ને ઝરણાઓ એક સરખું લીલું પાથરણું પાથરે છે. એક જ સુંદર ફૂલ જેમ એને માટે તેમ મારે માટે પણ ખીલે છે તથા સુવાસ ફેલાવે છે. મને રોજ અન્ન મળે છે. મને ઢાંકવા જોગ વસ્ત્ર મારી આગળ છે અને મારે જોઈએ એટલી કમાણી હું કરું છું. રાજા આગળ આથી વિશેષ શું છે તે મને કહી શકશો ? જે આનંદ ભગવાને મને આપ્યો એવો જ આનંદ રાજાને પણ આપ્યું.’
ભરવાડના છોકરાનું સત્ય રાજાને ગમ્યું. તે ખુશ થયો ને બોલ્યો, ‘ભાઈ તારી વાત સાચી છે. આ વાત બીજા બધાને તું જણાવજે કે રાજા પોતે તને એમ કહેતો હતો. ‘આનંદ બધાને ભગવાને સરખો આપ્યો છે. ભૌતિક સુખ કર્મને અનુસાર વધુ ઓછું મળી શકે કેમ કે તે કર્મને આધીન છે.’
આજે રાજા સૌથી વધારે આનંદિત હતો.
જીવન સુખ અંતરમનમાં છે મનવા. ન ભગવાને ભેદ કર્યો કો દિ મનવા’
ભોગવી શકે એટલો ભોગવી લે મનવા, ભૌતિક આનંદ દુઃખ દઈ છે રે મનવા.