ભાગવત રહસ્ય-૧૬૦
બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગ માં –પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે.
બહુ ભણેલા ના મનમાં કુતર્કો થાય છે –કે ભગવાન ક્યાં આરોગે છે? જો આરોગતા હોય તો-પ્રસાદ ઓછો કેમ થતો નથી ? પરમાત્મા રસ-સ્વરૂપ છે-રસ-ભોક્તા છે. ભગવાનને ભોગ ધરાવો તે તેમાંથી રસ-સાર ખેંચી લે છે-રસરૂપે આરોગે છે.એટલે ભોગ સામગ્રી ઓછી થતી નથી.પ્રસાદ ઓછો થતો નથી.
એક ગુલાબના ફૂલ નું વજન કરો.પછી તેણે પચાસ વાર સુંઘો અને ફરી તેનું વજન કરો.તેનું વજન ઓછું થતું નથી.તેથી એમ કેમ કહેવાય કે સુવાસ લીધી નથી ?
જ્યાં સાધારણ પ્રેમ છે-ત્યાં પરમાત્મા પરોક્ષ રીતે રસરૂપે –સુગંધ રૂપે આરોગે છે.પણ જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. મીરાંબાઈ ભોગ ધરતા તે પરમાત્મા પ્રત્યક્ષ આરોગતા.
આપણા જેવા સાધારણ માનવીઓ જે ભોગ ધરે તેમાંથી પરમાત્મા રસ ખેંચી લે છે-સુગંધ ખેંચી લે છે.
(અત્યારના જમાનામાં તો જો ભગવાન ખરેખર આરોગવા લાગે તો કોઈ ભોગ ધરાવે કે કેમ તેમાં શંકા છે.!!!)
અભણને શ્રદ્ધા હોય છે-પણ બહુ ભણેલાઓ ને શ્રદ્ધા થતી નથી.તે બહુ તર્ક ઉભા કરે છે.પણ ભક્તિના આરંભ માં શ્રદ્ધા રાખવી જ પડે છે.શ્રદ્ધા વગર ભક્તિ થતી નથી.ભક્તિ વધે પછી અનુભવ થાય છે.
અને આ અનુભવ એ જ મોટોમાં મોટો ચમત્કાર છે. પ્રેમથી નમસ્કાર થાય તો ચમત્કાર જોવા મળે છે.
ગજેન્દ્ર (ગજરાજ-હાથી) પશુ હતો.પ્રેમથી પોકારવાથી-ભક્તિથી તેને ભગવાન મળ્યા હતા.તે ક્યાં તપશ્ચર્યા કરવા-કે અષ્ટાંગયોગની સાધના કરવા ગયો હતો ?ધ્રુવની ઉંમર કેટલી હતી ?ગજેન્દ્રમાં કઈ વિદ્યા હતી ?
વિદુરની કઈ જાતિ હતી ? ઉગ્રસેનમાં કયું પૌરુષ હતું ?કુબ્જા પાસે કયું રૂપ હતું ?સુદામા પાસે કયું ધન હતું ?
છતાં આ બધા ભગવાનને મેળવી શકયા છે. ભક્તિપ્રિય માધવ કેવળ ગુણોથી નહિ-પણ ભક્તિથી પ્રસન્ન થાય છે.
સર્વ સાધનનું ફળ છે-પ્રભુ પ્રેમ. જે સાધન કરતા પ્રભુપ્રેમ ન જાગે-તો તે સાધનની કંઈ કિંમત નથી.
એવું નથી કે બ્રાહ્મણના ઘેર જન્મ મળે તો જ ભગવાન મળે. ગમે તે જાતિનો માણસ ભક્તિ કરી શકે છે.
જે ભક્તિ કરે છે-તે ભગવાનને વહાલો લાગે છે. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી-તેવા બ્રાહ્મણ કરતાં –પણ જેને પ્રભુમિલનની તીવ્ર આતુરતા છે-તેવો કોઈ પણ જાતિનો મનુષ્ય બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે.
પ્રહલાદજી કહે છે-કે-બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે. ભગવાનની સેવા અને સ્મરણ.
બીજા કશાની જરૂર નથી.શ્રી વલ્લભાચાર્યજીના ૮૪ વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીની કથા આવે છે.
તેઓ ભાગવતની કથા કરતા.તેમાંથી જે ઉપાર્જન થતું-તેમથી ઉદરનિર્વાહ કરતા. એક વખત તેઓ વલ્લભાચાર્યજીની ભાગવત કથા સાંભળવા આવ્યા. વલ્લભાચાર્યજીના મુખેથી તેમણે સાંભળ્યું કે-“ભાગવતની કથામાંથી દ્રવ્ય-ઉપાર્જન ન થાય.
શ્રીમદ ભાગવત આત્મ કલ્યાણ અર્પે છે.તેને શાસ્ત્રીઓએ ઉદરપોષણનું સાધન બનાવી દીધું છે.”
આ સાંભળી પદ્મનાભદાસજીએ ભાગવત કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું છે.આર્થિક સ્થિતિ કફોડી બની છે. છતાં પણ તે પ્રેમથી ભાગવત કથા કરે છે.એક દિવસની વાત છે.તેમની પુત્રી-તુલસીએ કહ્યું-પિતાજી, આજે ઘરમાં ચણાની દાળ સિવાય બીજું કશું ઘરમાં નથી.
પદ્મનાભદાસજી કહે છે-“બેટા જે હોય તે લાવ.મારા ભગવાન તો ભાવના ભૂખ્યા છે.” ચણાની દાળ વાટી તેમાં થોડું મીઠું નાખ્યું-ને ચાર પડિયા ભર્યા છે. ભગવાનને ભોગ ધરાવ્યો છે.કહે છે-“પ્રભુ-આજે ઘરમાં દાળ સિવાય કશું નથી-પણ મેં આ તમને મોહનથાળ.શીખંડ,પૂરી,શાક ધરાવ્યા છે.” અને ચણાની દાળમાંથી સાચે જ એવી સુગંધ આવવા માંડી. પ્રભુએ બાફેલી ચણાની દાળ –છપ્પન ભોગની જેમ આરોગી.
ભગવાન એ જોતા નથી કે-મને શું આપે છે?ફક્ત એટલું જ જુએ છે-કે-કેવા ભાવથી આપે છે.
સેવા સ્મરણથી ભગવાન –સેવકને આધીન બને છે.