ભાગવત રહસ્ય-૧૫૯
જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.
વૈષ્ણવો (ભક્તો) માને છે-કે-સર્વ પદાર્થમાં ઈશ્વર છે-એમ સમજી વ્યવહાર કરવાનો છે.
જ્યાં સુધી ઈશ્વરના કોઈ એક સ્વરૂપમાં આશક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.
બન્ને માર્ગ (જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ ) સાચા છે-અને આગળ જઈ મળી જાય છે.
પણ શરૂઆતમાં કોઈ એક માર્ગ નક્કી કરી કોઈ પણ એક સાધન કરવું જરૂરી છે.
હવે પ્રહલાદ- સ્તુતિનો પ્રસંગ આવે છે. ભાગવતમાં વારંવાર સ્તુતિ પ્રકરણ આવે છે.
ભગવાનના વારંવાર વખાણ કરો તો ભગવાન પ્રસન્ન થાય છે.
પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે-મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે-તેમ છતાં તેઓને આપનાં દર્શન થતાં નથી. હે નાથ,આજે મારા પર કૃપા કરી છે-અને મને-રાક્ષસ કુળમાં જન્મેલા ને આપનાં દર્શન થયા છે.
ભગવાનને પ્રસન્ન કરવા બહુ ભણવાની (જ્ઞાન) કે બહુ કમાવાની (પૈસાની) જરૂર નથી.
જો પૈસાથી પરમાત્મા મળતાં હોય તો –પૈસાદાર લોકો –લાખ બે લાખ આપી ભગવાનને ખરીદી લે.
જેનામાં બહુ જ્ઞાન હોય તો તે બીજાને છેતરતાં કે કપટ કરતાં બીતો નથી.
પરમાત્માને મેળવવા બહુ ઉચ્ચ કુળમાં જન્મ થવો જોઈએ એ પણ જરૂરી નથી.પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમની જરૂર છે. ખુબ કમાઓ અને ભગવદસેવામાં વાપરો તે ઉત્તમ છે-પણએક આસને બેસી પરમાત્માનું ધ્યાન કરો તે અતિ ઉત્તમ છે.
અનેક વાર ખુબ સંપત્તિ અને ખુબ જ્ઞાન ભગવદભજનમાં વિઘ્ન કરે છે.
જેને બહુ જ્ઞાન થાય તે તર્ક-કુતર્કમાં પડે છે-અને સેવા-સ્મરણ બરોબર કરી શકતો નથી.
જે બહુ જ્ઞાની થાય છે-તે આરંભમાં કુતર્કો કરે છે.પણ આરંભમાં સેવા-સ્મરણ કર્યા વગર ચાલતું નથી. આગળ વધી શકાતું નથી.આપણા ઋષિમુનિઓ ઝાડ નીચે રહેતા-કંદમૂળ ખાતા હતા. (દાળ-ભાત નહિ) તેમને ખોટું બોલવાની જરૂર નહોતી.
આજકાલ મનુષ્યની બુદ્ધિ બગડેલી છે-તેથી શાસ્ત્રનાં વચન સમજી શકતો નથી. ઋષિઓએ લખ્યું છે તે બરાબર છે.પુસ્તકો વાંચી જ્ઞાની થઇ ગયેલાઓ વાતો બહુ કરે-ચર્ચા બહુ કરે- પણ ના ભક્તિ કરે-કે ના સાધન કરે તો અનુભવ ક્યાંથી થાય ?
બહુ ભણેલા-જ્ઞાની લોકો એક શબ્દના અનેક અર્થ કરે છે.વધુ પડતા તર્ક કરે છે. કહે છે-કે-
“પહેલાં તમારા લાલાજી કાંઇક ચમત્કાર કરે પછી હું તેમની પૂજા કરું.”
જાદુગરને પૈસાની જરૂર છે-એટલે ચમત્કાર બતાવે છે-કોઈ મહાત્મા કદીક જો બુદ્ધિ પુર્વક ચમત્કાર બતાવે તો –તે પણ પૈસાના પુજારી હશે. ઈશ્વરને કોઈની કે -કશાની જરૂર નથી.તો પછી તે શું કામ ચમત્કાર બતાવે ?
જેમને જરૂર છે-તે ખુબ શ્રદ્ધાથી ઈશ્વરના સેવા સ્મરણ કરે તો પછી –જીવનમાં કેવું પરિવર્તન થાય છે-તે જુઓ-તે અનુભવ-એ સહુથી મોટો ચમત્કાર છે.
વ્યવહારનો કાયદો છે-કે પહેલાં ચમત્કાર પછી નમસ્કાર.પણ ઈશ્વરને ત્યાં પહેલાં નમસ્કાર પછી ચમત્કાર.
ચમત્કાર વિના જ નમસ્કાર એ વિનય છે-માનવતા છે. ચમત્કાર પાછી નમસ્કાર એ અભિમાન છે .(જ્ઞાન નું)
જરા વિચાર કરો-આ જગત એ જ મોટો ચમત્કાર છે.ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી હશે ?એક નાનાં બીજ માંથી એક મોટો વડ કોણ બનાવે છે ? બાળક માટે માતાના સ્તનમાં દૂધ કોણ તૈયાર કરે છે? (ક્યાંય બહાર લેવા જવાની જરૂર નહિ,ગરમ કરવાની જરૂર નહિ,કે ખાંડ નાખવાની જરૂર નહિ!!!)
મોરના ઈંડા માં અને પતંગિયામાં આટઆટલા રંગ કોણ પૂરે છે ? દરિયા કિનારે ખારા પાણી આગળ ઉભેલી નારિયેળીના નારિયેલમાં મીઠું પાણી કેવી રીતે અને કોણ ભરે છે ?
આ આખું જગત પરમાત્માના અનેક ચમત્કારોથી ભરપુર છે.
છતાં ભણેલા માણસો (પોતાને બુદ્ધિશાળીમાં ગણાવતા મનુષ્યો) ચમત્કારની આશા રાખી બેઠા હોય છે.