Bhagvat Rahasaya - 158 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 158

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 158

ભાગવત રહસ્ય-૧૫૮

 

એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભાર ને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું.”આમાં પાકા કોણ અને કાચા કોણ છે?”ગોરા કુંભાર ઉભા થયા અને બધાના માથા પર –ટપલી મારી પરીક્ષા કરે છે.(માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ) ભક્તોમાં એક નામદેવ પણ હતા.તેમને અભિમાન થયેલું-કે ભગવાન મારી સાથે વાતો કરે છે-હું ભગવાનનો લાડીલો છું.

 

ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા અને માથા પર ટપલી મારી. નામદેવ કંઈ બોલ્યા નહિ.

પણ મોં સહેજ બગડ્યું.“આ રીતે કુંભારના હાંડલા પારખવાની રીતે મારી પરીક્ષા થાય ?”

બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો-કે-

એક નામદેવનું હાંડલું કાચું છે.બાકી બધાના હાંડલા પાકા છે.

 

બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે-(કામ છે-કપટ છે) ત્યાં સુધી બુદ્ધિ કાચી છે.અભિમાન દૂર ત્યારે થાય કે જયારે –બુદ્ધિ કોઈને શરણે જાય.અભિમાન હોય ત્યારે કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પડે છે.(ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરુનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે.શરણે જવાથી “હું” નો વિનાશ થાય છે.જ્ઞાન મળે છે-સર્વમાં સર્વેશ્વરના દર્શન થાય છે.)

 

નામદેવજી તે પછી વિઠ્ઠલદાસજી પાસે આવ્યા.અને સર્વ હકીકત કહી.

વિઠ્ઠલદાસજી કહે-મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય-કે તારું હાંડલું કાચું-તો તું જરૂર કાચો.

નામદેવ –તને “વ્યાપક બ્રહ્મ”ના સ્વરૂપનો અનુભવ થયો નથી.તેં હજુ સદગુરુ કર્યા નથી.

તે માટે મંગળવેઢામાં મારા એક ભક્ત વિસોબા ખેચર રહે છે-તેમની પાસે જા.તે તને જ્ઞાન આપશે.

 

તે પાછી નામદેવ વિસોબા ખેચરને ત્યાં જાય છે.તપાસ કરતા જાણવા મળ્યું –કે-વિસોબા મંદિરમાં છે.

ત્યાં જઈને જોયું તો વિસોબા શિવલિંગ પર પગ મુકીને સુતેલા હતા.વિસોબાને જાણ થઇ ગયેલી કે નામદેવ આવે છે-તેથી તેણે શિક્ષણ આપવા –પગ શંકરના લિંગ ઉપર રાખીને સૂતા છે.નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું –આવો પુરુષ જે ભગવાનની પણ આમન્યા રાખતાં નથી-તે મને શું શિક્ષણ આપવાનો હતો ?

(ફરી થી અહીં તેમનું અભિમાન ઉછળી આવ્યું છે) નામદેવે તેમને શિવલિંગ પરથી પગ લઇ લેવા કહ્યું.

 

વિસોબા કહે છે-કે-તું જ મારા પગ શિવલિંગ પરથી ઉઠાવી ને કોઈ એવી જગ્યા એ મુક-કે જ્યાં શિવલિંગ ન હોય.નામદેવ વિસોબાના પગ ઉઠાવી ને -જ્યાં પણ તે પગ મુકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે છે-આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું.નામદેવને આશ્ચર્ય થયું. આ શું ? એટલે વિસોબાએ નામદેવ ને કહ્યું-કે ગોરાકાકાએ કહેલું કે-તારી હાંડલી હજુ કાચી છે-તે સાચું છે.

તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે વિઠોબા રહેલા છે.

 

નામદેવને ગુરુ મળ્યા.ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો.અભિમાન ઉતર્યું અને નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા માંડ્યા.નામદેવ ત્યાંથી પાછા ફરતા હતા.રસ્તામાં જમવાની તૈયારી કરી.એક ઝાડ નીચે બેઠા.અને રોટલો કાઢ્યો. ત્યાં જ રસ્તા પરથી એક કૂતરો આવ્યો-અને રોટલો લઇને નાસવા લાગ્યો.

આજે નામદેવને કૂતરામાં પણ વિઠોબાના દર્શન થાય છે.રોટલો કોરો હતો-હજુ ઘી લગાવવાનું બાકી હતું.

નામદેવ ઘીની વાડકી લઇ કૂતરા પાછળ દોડ્યા....વિઠ્ઠલ ઉભો રહે...વિઠ્ઠલ ઉભો રહે..રોટલો કોરો છે ..ઘી ચોપડી આપું......

વ્યાપક બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી-ઉપાસના પૂરી થતી નથી.(હાંડલું કાચું છે).

સગુણની સેવા કરવાની છે-અને નિર્ગુણનો અનુભવ કરવાનો છે.

જરા વિચાર કરો.....સ્તંભ પોલો તો નહોતો.તો પાછી નૃસિંહ સ્વામી અંદર કેવી રીતે બેઠા હશે ?

પરમાત્મા સૂક્ષ્મરૂપે થાંભલામાં હતા.પણ પ્રહલાદની ભક્તિથી-પ્રેમથી તે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયા છે.

 

બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી.ઈશ્વરને જાણી શકતી નથી.

પરમાત્મા,સગુણ અને નિર્ગુણ-સ્થૂળ અને સૂક્ષ્મ-કોમળ અને કઠણ - બન્ને છે.

પણ તત્વ દૃષ્ટિથી બન્ને એક જ છે. ભલે જુદા દેખાય.

ઈશ્વરમાં આ બધા ધર્મો માયાથી ભાસે છે-એમ વેદાંતીઓ કહે છે.

વૈષ્ણવો કહે છે-વિરુદ્ધ ધર્માંશ્રય પરમાત્મા છે.હિરણ્યકશિપુ માટે કઠોર-કઠણ અને પ્રહલાદ માટે કોમળ.