ભાગવત રહસ્ય-૧૫૭
પ્રહલાદ ની જેમ –જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.
પ્રહલાદ એ સત્વગુણ છે- હિરણ્યકશિપુ એ તમોગુણ છે.
સત્વગુણ અને તમોગુણ એ બન્નેનું આ યુદ્ધ છે,જેમાં ભગવાન સત્વગુણનો પક્ષ કરે છે.
શુદ્ધ સત્વગુણ આગળ તમોગુણ નાશ પામે છે.અતિશય સત્વગુણ વધે તો-ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે.
પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃસિંહ સ્વામી પ્રગટ થયા છે.
ઈશ્વર સર્વવ્યાપક છે એ જાણે છે બધા...પણ અનુભવે છે....કોઈક જ.
ઈશ્વરની સર્વ વ્યાપકતાનો (ઈશ્વર સર્વમાં રહેલા છે-તેનો) અનુભવ થઇ જાય તો ઘર જ વૈકુંઠ બની જાય.
તેના ઘરમાં ઝઘડો થાય નહિ-કે તેના હાથે કોઈ પાપ થાય નહિ.
જેવી રીતે,દૂધમાં માખણ દેખાતું નથી –પણ-દૂધના અણું પરમાણુંમાં માખણ રહેલું છે.તેવી જ રીતે,
આ જગતમાં પરમાત્મા દેખાતા નથી.પણ પ્રત્યેક સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થમાં ઈશ્વર પરમાણુ રૂપે રહેલા છે.
આ સમજાય તો જીવનમાં દિવ્યતા આવે છે.
“માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ...છેલ્લે ...પરસ્પર દેવો ભવ “ એમ આવે છે.
પરસ્પરમાં ઈશ્વર જોતાં –જયારે મનુષ્યો –એકબીજાને મળે છે-ત્યારે રામ-રામ કહે છે.
એટલે કે તમારામાં રામ છે અને મારામાં પણ રામ છે.એક રામ બીજા રામને વંદન કરે છે.
ઈશ્વર સર્વમાં છે –એમ જાણી વ્યવહાર કરવો જોઈએ.એમ માની ને વ્યવહાર થાય તો-વ્યવહાર જ ભક્તિ બને છે.પણ -મનુષ્ય એક બાજુ ભક્તિ કરે અને બીજી બાજુ પાપ કરે-દંભ-કપટ કરે-તેથી ભક્તિમાં આનંદ આવતો નથી.વ્યવહારની શુદ્ધિ “ઈશ્વર સર્વમાં છે” એનો અનુભવ કર્યા વગર થતી નથી.
“હું જે કરું છું તે માલિક જુએ છે” એમ વિચારવાનું છે.
વ્યવહાર છોડવાની જરૂર નથી.વિરકત મનુષ્યો જ વહેવાર છોડી શકે છે--આપણા જેવા સાધારણ માણસો-વ્યવહાર છોડે તે સારું પણ નથી-પરંતુ જે વ્યવહાર પ્રાપ્ત થયો છે-તેમાં વિવેકની જરૂર છે.
ધંધો (વ્યવહાર) છોડવાથી જ ભક્તિ થાય એવું નથી. શરીરને જેમ થાક લાગે છે-તેમ મનને પણ થાક લાગે છે.
સેવા-સ્મરણ કર્યા પછી મન થાકી જાય-એટલે બીજી કોઈ પ્રવૃત્તિ શોધે છે.(એટલે હતા ત્યાં ને ત્યાં જ)
ધંધો (વ્યવહાર) કરવો એ પાપ નથી-પણ ધંધામાં ધંધો કરતાં ઈશ્વરને ભૂલી જવું તે પાપ છે.
સાધન-ભક્તિમાં ઘણા સંતો શરૂઆતમાં ધંધો કરતા હતા.નામદેવ-દરજ નું કામ કરતા હતા,
ગોરાકુંભાર-માટીનું કામ કરતા હતા.કબીર ચાદર વણવાનું કામ કરતા હતા.
ધંધો કરતાં ઈશ્વરને જો ના ભુલાય તો ધંધો (વ્યવહાર) જ ભક્તિ બની જાય છે.
ઠાકોરજીના દર્શન કરતાં જો દુકાન દેખાય તો –દુકાનનું કાર્ય કરતાં –ભગવાન કેમ ના દેખાય ?
કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય.
સેના ભગત હજામત કરવાનું કાર્ય કરતા. એક દિવસ તેમને વિચાર આવ્યો-કે-
“હું લોકોના માથાનો મેલ કાઢું છું-પણ મારી બુદ્ધિની મલિનતા (મેલ) કાઢી નહિ “
આવા ઘણા મહાપુરુષોને તેમના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. મહાભારતમાં એવા ઘણા દાખલા છે-કે-
મહાન જ્ઞાની પુરુષો પણ વૈશ્યને ઘેર સત્સંગ કરવા જતા.
જાજલી-ઋષિ અને તુલાધાર વૈશ્યનું એક દૃષ્ટાંત છે.
જાજલી-ઋષિ મહાન જ્ઞાની હતા.તેમને પોતાના જ્ઞાનનું અભિમાન થયું. હું સર્વથી શ્રેષ્ઠ છું.
એક વખત એમને આકાશવાણી સંભળાણી કે-મહારાજ તમે અભિમાન ન કરો.તમારા કરતાં જનકપુરનો તુલાધાર વૈશ્ય મહાજ્ઞાની છે.તમે ત્યાં જઈ તેનો સત્સંગ કરો. જાજલી-ઋષિ જનકપુર ગયા.તુલાધાર દુકાનમાં કામ કરતા હતા. જાજલીઋષિને જોઈને પૂછ્યું-બે મહિના પહેલાં ગંગા કિનારે બેઠા હતા અને આકાશવાણી સાંભળીને તમે આવ્યા છો ? જાજલીઋષિ ને આશ્ચર્ય થયું-કે એણે આકાશવાણીની વાત કેવી રીતે જાણી ?
ઋષિએ તુલાધારને પૂછ્યું-આવું જ્ઞાન તમને કોને આપ્યું ?તમારા ગુરુ કોણ છે ?
તુલાધારે કહ્યું-કે બધા મારા ગુરુ છે,માતા-પિતા,બ્રાહ્મણ –આ બધા મારા ગુરુ છે.પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે.આ ધંધો પણ મારો ખાસ ગુરુ છે. હું મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું.કોઈને ઓછું આપતો નથી અને મહેનત પ્રમાણે નફો લઉં છું.મારી બુદ્ધિ અને મનને મેં સરળ રાખ્યા છે.દંભ –કપટ કરતો નથી. પરમાત્માને ભૂલતો નથી.મનુષ્ય શરીરથી પાપ કરે તે સમાજ જોઈ શકે છે.પણ મનથી પાપ કરે છે-તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે.
નૃસિંહ ભગવાન બહારથી આવ્યા નથી પણ સ્તંભમાંથી પ્રગટ થયા છે.જીવ માત્રમાં પ્રભુને જોતા જોતા જડ માં પણ ઈશ્વરને જુઓ.લૌકિક દૃષ્ટિ એ પૃથ્વી જડ લાગે છે. પણ નજર આગળ જે જે વસ્તુઓ દેખાય છે-તે પૃથ્વીની પેદાશ છે.