Talash 3 - 20 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 20

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 20

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


જબરદસ્ત મોટી હવેલી, લગભગ 2 એકરમાં ફેલાયેલું ફળિયું ઢોર બાંધવાની ગમાણ ખેતીના ઓજારો ની ઓરડી, ઘોડાઓ બાંધવા નો તબેલો હવેલીમાં રહેનારા ચારેય ભાઈઓના મળીને 30-32 પરિજનો ઉપરાંત ઘરમાં કામ કરનારા દાસ દાસીઓ, સહાયકો મળીને લગભગ 70 જણાની રહેણાંક એવી મહિપાલ રાવની હવેલીમાં આજે સન્નાટો વ્યાપી ગયો છે. ક્યાંક એકાદ ભાઈના ભાગે આવેલા અનેક ઓરડામાંથી એકદમ એના પૌત્રવધુ કે પુત્રવધુના નાના બાળકના રોવાનો અવાજ સિવાય સાવ સન્નાટો છે.  સૌથી નાના ભાઈ જનાર્દન રાવ ના પૌત્ર કે જે ચૌદ વર્ષનો હતો હમણાં જ ઘોડે સવારી શીખ્યો હતો એણે આજે સવારે ઘોડારમાં જઈને જીદ કરીને ધરાર મહિપાલ રાવનો ઘોડો માંગ્યો. દેખરેખ રાખનાર બીજા ઘોડાંની ખરી (ઘોડાના પગમાં લગાવાતી લોખંડની પ્લેટ) કરાવતો હતો એનું જાજુ ધ્યાન ન હતું અને એના મદદગાર છોકરાએ એ ઘોડો ના લઇ જવા માટે વિનંતી કરી તો એને એક લાત મારીને ઘોડા ના મોં પર તોબરો ચડાવ્યો (લગામ નો એ છેડો જે ઘોડાના મોં સાથે બંધાય છે.) રોજ જે લગામ મોં પર બંધાતી એનાથી અલગ લગામને ઘોડો ઓળખી ગયો એણે મોં ઘુમાવી દીધું આથી ઉશ્કેરાયેલા જનાર્દન રાવ બીજાએ પોતાના હાથમાં રહેલી નેતર ની સોટીથી ઘોડા પર સબાસબ વીંઝવા મંડી. મહિપાલ રાવેએ ઘોડાને પોતાના જીવથી વધારે જતન કરેલું. એણે કદી પણ એ ઘોડા પર ચાબુક કે સોટી ઉગામી પણ ન હતી. અચાનક પડતા મારથી બચવા ઘોડો કુદવા લાગ્યો પણ યુવા જનાર્દન રાવ બીજો અટક્યો નહિ અને ઝનૂનથી વધારે જોરથી સોટીઓ ઘોડા પર વરસાવવા માંડી. ઘોડારનો સહાયક ઉભો થઈને વચ્ચે પડવા ગયો તો 2-4 સોટી એને પણ ઝીંકી દીધી. એ ગભરાયો અને થોડે દૂર ઘોડાની ખરી કરાવતા ઘોડારના મુખ્ય કારભારી ને બોલાવવા ભાગ્યો. બીજા ઘોડાઓની નજર ન પડે એટલે એક ખૂણામાં પરદો નાખી ને ઘોડાની ખરી ઘડાઈ રહી હતી ત્યાં પહોંચીને એને બધું વૃતાન્ત કહ્યું. એટલામાં એમને જનાર્દન રાવ બીજાની મરણ ચીસ સંભળાઈ. એ બન્ને ભાગતા મહિપાલ રાવના ઘોડા પાસે આવ્યા. ત્યાં પહોંચ્તાજ એમની આંખો ફાટી ગઈ. અચાનક અને વગર કારણે પડેલા મારથી ઉશ્કેરાયેલ એ ઘોડાએ પોતાના પાછલા પગથી મારેલ જોરદાર લાતથી જનાર્દન રાવ નો પૌત્ર ઉછળ્યો હતો પેટમાં લાગેલી જબબર લાતથી એની પાંસળી ફાટી ગઈ હતી અને ઉછળીને એ સિધ્ધો ધોડાને બાંધવામાં ઉપયોગમાં લેવાતા લાકડાના ઠુંઠા પર પટકાયો હતો અને એની ખોપરી ફાટી ગઈ હતી.  માત્ર 2-3 મિનિટમાં ઘરના હાજર બધા સભ્યો ભેગા થઇ ગયા હતા. અને ઘરનો ત્રીજી પેઢીનો સૌથી નાનો અને બહુ લાડકો હોવાથી સ્વચ્છન્દ બનેલો જનાર્દન રાવ બીજો બહુ ખતરનાક મોતે મર્યો હતો. ગઈકાલે રાત્રે ચારે ભાઈઓએ ખજાનો હડપી જવા માટેના જે મનસૂબા બનાવ્યા હતા. અને માત્ર ચારેય ભાઈઓમાં જ એ ખજાનો વહેંચી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. હજી તો ખજાનો ખોદી કાઢવાની વાત તો બહુ દૂરની હતી ત્યાં જ એ શાપિત ખજાનાએ પોતાનો પરચો બતાવી ને બધાને જાણે ચેતવણી આપી હતી. 

xxx 

'કોણ હશે આ બોસ નો બોસ?' ધર્મેન્દ્ર ચૌહાણ ની પર્સનલ કેબિનમાં એની ખુરશી પર બેઠેલી કામિની વિચારે ચડી હતી. એને આજથી 22 વર્ષ પહેલાની એ વાત યાદ આવી રહી હતી. જયારે એ બેકાર હતી. બી કોમ ની ડિગ્રી એની પાસે હતી પણ મુંબઈની કોઈ સાવ ચાલુ કહી શકાય એવી કોલેજમાંથી બી કોમ કરેલું એટલે એને એના મનગમતા પગારની નોકરી મળવી મુશ્કેલ હતી અને નાની આવકમાં કામ કરવું એને ગમતું ન હતું. એની ખ્વાહિશ ખુબ જ મોટી હતી. અત્યંત ગરીબીમાં સાવ નાની ઉંમરે બાપની છત્રછાયા ગુમાવનાર અને વિધવા માએ નાના મોટા પરચુરણ કામ કરીને એને ભણાવી હતી. થોડું ભણ્યા પછી સરકારી સ્કોલરશીપ અને જ્ઞાતિ ના આગેવાનોની ચાપલુશીથી એની સ્કૂલ કોલેજ ની ફી ભરાઈ હતી. એમાંય બી કોમ ના છેલ્લા વર્ષ વખતે જ માં ને કેન્સર જેવો અસાધ્ય રોગ લાગુ પડ્યો. અને જયારે એ વાતની એને ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.  અંતે ચારેક મહિનામાં એની માં મૃત્યુ પામી. આમ કામિની એકલી પડી હતી. એક કાકા એના હતા પણ એની સાથે સંબંધ તો વરસો પહેલા જ પૂરો થઈ ગયેલો. એકલી જવાન છોકરી એ મુંબઈની એક ચાલીમાં રહેતી હતી આડોશ પાડોશ સારો હતો એટલે કોઈ બીક જેવું ન હતું. પણ નોકરી નો કોઈ મેળ પડતો ન હતો. પણ એક દિવસ......

"હલ્લો કોણ બોલોછો?" કોઈક અજાણ્યા નંબરથી એના લેન્ડ લાઈન ફોનમાં એને પૂછ્યું. 

"મિસ કામિની,"

"યસ, સ્પીકિંગ" એણે 3-4 જગ્યાએ જોબ માટે એપ્લાય કર્યું હતું. એને લાગ્યું કે એમાંથી કોઈ કંપનીમાંથી કોલ છે. 

"સાંભળ્યું છે કે તમે જોબ સર્ચ કરી રહ્યા છો. અને તમે બી કોમ કર્યું છે. "

"સાચી વાત છે, સર તમે કઈ કંપનીમાંથી બોલો છો?"

"છોડો એ બધી વાત, તમારે જો ખરેખર જોબ ની જરૂર હોય તો હું અપાવી દઉં."

"પણ મારે કોઈ એજન્ટ થ્રુ જોબ નથી કરવી. ઉપરાંત મારે મહિને ઓછામાં ઓછા 3000 પગાર જોઈએ છે." કામિનીને લાગ્યું કે કોઈ એજન્ટ છે એટલે પીછો છોડાવવા કહ્યું. 

"હું કોઈ એજન્ટ નથી. અને મારે કોઈ કમિશન નથી જોઈતું. હું તમને મુંબઈની ટોપ 10 માની એક કંપનીમાં જોબ અપાવી દઈશ પણ તમારે મારું એક કામ કરવું પડશે." 

"હલકટ તે મને શું બજારુ છોકરી ધરી છે? ફોન છોડ નહીતો રિપોર્ટ કરાવીશ પોલીસ માં."

"તું સમજી નહિ કે મારે શું કામ છે. અને મને તારામાં તો શું દુનિયાની કોઈ છોકરીમાં રસ નથી. કેમ કે ... મને છોકરાઓ જ ગમે છે. " કૈક અચકાતા અવાજે સામે વાળા એ કહ્યું. અને ઉમેર્યું. જો તને નોકરી કરવામાં રસ હોય તો એકાદ કલાક હું આ ફોન પર મળીશ. નંબર લખી લે. તારો વિચાર બદલાય તો મને કલાકમાં કહેજે. નહીં તો ભૂલી જજે." કહને સામે વાળાએ ફોન કટ કરી નાખ્યો.

કામિનીના નશીબ પણ એવા કે એને જે 2-3 જગ્યા એપ્લાય કર્યું હતું ત્યાંના કોલ એને 10-15 મિનિટમાં આવી ગયા અને જણાવ્યું કે તમને સિલેક્ટ નથી કર્યા. છેવટે કૈક હિંમત કરીને એને એ અજાણ્યાને ફોન જોડ્યો. 

"યસ, મિસ કામિની બોલો શું વિચાર કર્યો?"

"પહેલા તો તમે મને એ કહો કે કોણ છો તમે? અને મને કઈ જગ્યાએ જોબ અપાવશો? મારે ત્યાં શું કામ કરવાનું છે? અને તમારું શું કામ કરવાનું છે?" એક શ્વાસે કામિનીએ પૂછી લીધું.

 "તમારા પહેલા સવાલનો જવાબ એ છે કે એ અગત્યનું નથી કે હું કોણ છું. તમે મને બોસ કહી શકો છો. બીજું હું તમને ચૌહાણ એન્ટરપ્રાઇસ માં જોબ અપાવીશ એ પણ હેડ ક્લાર્ક તરીકે અત્યારે ત્યાંના પગાર ધોરણ મુજબ તમને લગભગ 3500 રૂપિયા મળશે. ઉપરાંત એ ઝડપથી આગળ વધતી કંપની છે. પગાર વધારો ઝડપથી થશે. અને રહી વાત મારા કામની તો મને જયારે જરૂર પડશે ત્યારે હું કહું એ કામ તારે કરી આપવાનું. ચિંતા ન કર મને કોઈ છોકરી ના શરીરમાં રસ નથી. કેટલીક વાર કેટલીક માહિતી હું માંગુ એ તારે આપી દેવાની અને તને એનું અલગથી કમિશન મળશે. જો રસ હોય તો હમણાં જ ચૌહાણ એન્ટરપ્રાઇઝની નરીમાન પોઇન્ટની ઓફિસ પહોંચી જા ત્યાં ભરતી ચાલુ જ છે. અને તને સિલેક્ટ હું કરાવી દઈશ"

બસ પછી તો બધું બહુ ઝડપથી થતું ગયું. કામિનીને જોબ મળી ગઈ ત્યાં જ એની સાથે કામ કરતા એક એના કલિંગ સાથે એને પ્રેમ થયો. બેઉ પરણ્યા. આ દરમિયાનમાં માત્ર એકાદ 2 વાર કહેવાતા બોસનો એને ફોન આવ્યો અને સાવ નગણ્ય માહિતી એણે માંગી હતી. દર વખતે એ અલગ નંબરથી ફોન કરતો. કામિનીએ પણ ઈમાનદારી થી એને જોઈતી માહિતી આપી અને એના બદલામાં એને મસમોટ્ટી રકમ કોઈ નામ વગરના એનવેલપમાં એને કુરિયર કરી દેતું હતું. પણ સુખ કામિનીના નસીબમાં ન હતું.  લગ્નના 2-3 વર્ષ પછી એક અકસ્માતમાં એનો પતિ મૃત્યુ પામ્યો. અને કામિની એકલી પડી. અંધેરીમાં આવેલા એના વરના ફ્લેટની હવે એ એકલી મલિક હતી. ઉપરાંત ચાલીમાં રહેલ માં ની  રૂમ પણ હતી. એનો પગાર પણ કૂદકે ને ભૂસકે વધતો જતો હતો બોસ તરફથી પણ એમ નેમ કે કંઈક માહિતી બદલે એને રોકડ ઉપહાર મળતો રહેતો હતો. 

વરસો વીતતા ગયા. ચારેક મહિના પહેલા એકવાર બોસનો ફોન આવ્યો."કામિની ક્લાર્ક તરીકે બહુ કામ કર્યું હવે આગળ કોઈ સારી પોસ્ટ પગારમાં કામ કરવામાં રસ છે?"

"યસ બોસ તમે કહો એમ"

"મહેન્દ્ર ચૌહાણ ના મોત પછી વિક્રમ હજી બધો ધંધો સમજવાની કોશિશ કરે છે. અત્યારે સર્વેસર્વા ધર્મેન્દ્ર ચૌહાણ જ છે. તું એની પર્સનલ આસિસ્ટન્ટ બની જા તો?"

"એ તો મારો ડ્રિમ જોબ છે. કંપનીની બધી પોલિસી વિશે ઘણું શીખવાનું મળે બધી અંદરની વાતો જાણવા મળે."

"સપના જોવા એ દરેકનો અધિકાર છે એની કોઈ મનાઈ નથી પણ દરેક સપનું સાકાર કરવાની એક કિંમત હોય છે. સમજાયું?"

"યસ બોસ. બોલો હું મારું સપનું સાકાર કરવાં શું કરી શકું? જો તમારો ટેસ્ટ બદલાયો હોય તો.. ભલે મારી ઉંમર વધી ગઈ છે પણ.."કંઈક હાંફતા પણ શરમ મૂકીને કામિનીએ કહ્યું.

"મારો ટેસ્ટ આ જીવન નહિ બદલાય. હા જો તું ધર્મેન્દ્ર ને તારી જાળમાં ફસાવી શકે તો મારું ઘણું બધું કામ થઈ જશે અને એની હું તને જે કિંમત આપીશ. એનાથી મારી જાણ માં તો તારે કોઈ સંતાન નથી પણ જો મારી જાણ બહાર હોય તોય એની આવનાર 5 પેઢી સુધી કમાવું નહીં પડે.  એટલું હું આપીશ હવેથી મારો આ મોબાઈલ નંબર સેવ કરી લે અને રોજ તારે મને આખા દિવસમાં કંપનીમાં શું મહત્વના નિર્ણય લીધા કે શુચર્ચા થઇ એ જણાવવાનું. અને એમાં હું તને જે સુઝાવ આપું એ તારે બીજે દિવસે ધર્મેન્દ્ર ના કાને નાખવાના અને એનો અમલ થાય એ રીતે ધર્મેન્દ્ર ને તૈયાર કરવાનો ભલે એ માટે તારે એની પથારી ગરમ કરવી પડે." સોદો મજુર હોય તો સાંજે ફોન કરજે 2 દિવસ માં તને એપોઇન્ટમેન્ટ લેટર અપાવી દઈશ" 

xxx 

"અરે કાકા તમારી ધર્મશાળા તો સામે હતીને? રૂમની બહાર નીકળેલ નાઝે સામેની રૂમ માં સમાન મુકાવતા સુરેન્દ્રસિંહ ને કહ્યું.

"હા બેટા, પણ હમણાં મારી દીકરી નો ફોન હતો. એને વેકેશન ચાલે છે અને એણે લગ્ન પહેલાં  અહીં યાત્રા કરવાની બાધા લીધી હતી તો મને કહે કે હું અને ફૈબા પણ તમે શ્રીનાથદ્વારામાં છો તો આવી જઈએ. એટલે એ લોકો હમણાં સાંજે બસ પકડીને કાલે અહીં આવી રહ્યા છે. એટલે અહીં આ મોટી રૂમ માં શિફ્ટ થવું છું." 

વાહ સારું સારું તો મને કાલે કંપની મળશે ઍમજને? હું આ બેય ભાઈઓ સાથે સાવ બોર થઇ રહી છું અને એ લોકો "કંઈક ફરિયાદ કરતા નાઝે ઉમેર્યું." એ લોકોને અહીં યાત્રાના સ્થળે આવીનેય ધંધો દૂર નથી મુકવો. જોવો ને અત્યારે હમણાં એ બે ક્યાંક બહાર ગયા છે કહેતા તા કે કદાચ ઉદયપુર જશે અને મોડા આવશે. તો એક કામ કરો આપણે બંને સાથે ટાઈમપાસ કરીયે." એને સુરેન્દ્રસિંહે આમ અચાનક રૂમ બાલી એટલે શંકા પડી હતી એ ચકાસવા માંગતી હતી તો સામે પક્ષે સુરેન્દ્રસિંહ પણ એની સાથે વધુ ને વધુ વાત કરી એની હકીકત જાણવા માંગતા હતા. 

 

ક્રમશ:  

 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.