ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"તો હવે તમે અમારી સાથે મળીને ઈશ્વરના સોગંદ ખાવ કે જયારે મામલો થોડો શાંત થશે ત્યારે આપણે ચારેય ભાઈઓ કંઈક બહાનું કરીને બાપુએ ચીંધેલી જગ્યાએ જાશું અને એ ખજાનો હાથ કરીશું અને ચારેય જણા સરખા ભાગે વહેંચી લઈશું ચાર ભાગ પડી ગયા પછી પોતપોતાના ભાગનું જેને જે કરવું હોય એને છૂટ." સૌથી નાના ભાઈ જનાર્દન રાવને ખજાનો મેળવવામાં સૌથી વધુ રસ હતો. એણે મહિપાલ રાવને કહ્યું.
"નાનકા, તારી વાત માનીને હું ખજાનો કાઢવા તૈયાર થયો છું અને હજી તમને ત્રણેને કહું છું બાપુએ મરતા સમયે કહ્યું હતું. મરતો માણસ ઘણું બધું જોઈ શકતો હોય છે. મને એ શાપિત ખજાનો કે એમાંથી ચોથો ભાગ સુવાંગ નથી જોતો. 10% હું રાખીશ બાકી નયા સુદમડાના કલ્યાણ પાછળ વાપરીશ. ગામનો ઘણો વિકાસ કરવાનો છે. ઉજ્જૈન જેવું જ મારે સુદમડાને બનાવવું છે."
“તે તમે તમારા ભાગ માંથી કરજોને કોણ ના ક્યે છે. હાલો હવે અહીં ઈશ્વરની સામે પ્રતિજ્ઞા લો કે આપણે મામલો થોડો ઠંડો થતાં જ એ ખજાનો ઘર ભેગો કરીને ભાગ પડી લઈશું." જનાર્દને કહ્યું. કમને મહિપાલ રાવ ઉઠ્યો એના બે ભાઈઓ પણ એની સાથે જોડાયા ઘરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી કૃષ્ણની મૂર્તિ સામે ચારેય ભાઈઓ એ પ્રતિજ્ઞા લીધી અને સાથે સાથે એ પણ પ્રતિજ્ઞા લીધી કે ચારમાંથી કોઈનું પણ મૃત્યુ ખજાનો હાસિલ કર્યા પહેલા થઇ જાય તો એના વારસદાર સુધી એનો ભાગ બાકીના લોકો પહોંચાડશે.તે લોકો પ્રતિજ્ઞા લઇ રહ્યા હતા ત્યારે મહીપત રાવે અચાનક અનુભવ્યું કે કૃષ્ણની પ્રતિમા એની સામે મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી.
xxx
“મોહનલાલ જી, હું ગિરધારી બોલું છું. એક ગરબડ થઇ ગઈ છે. હું અને જીતુભા જીતુભાના કોઈ ઓળખીતા સોર્સ ને મળવા હલ્દીઘાટી મ્યુઝિયમ આવ્યા હતા. અને એની રાહ જોતા હતા જીતુભા મ્યુઝિયમમાં હતા અને હું પણ ખાવા બહાર પાંચ મિનિટ માટે આવ્યો હતો. હું પાછો અંદર જતો હતો ત્યાં જોયું કે જીતુભા કોઈ ઉંમરલાયક માણસ સાથે એક કારમાં બેસી ને નીકળી ગયા. એ કોઈ સરકારી કાર હોય એવું લાગ્યું કેમ કે એમાંથી 2 પોલીસવાળા ઉતર્યા હતા."
"ઠીક છે. અત્યારે તું ક્યાં છે?"
"એ ઉંમરલાયક માણસ સાથે એક પહેલવાન જેવો માણસ હતો એ અલગ રસ્તા પાર બાઈક લઈને નીકળ્યો છે. હું એની પાછળ જાઉં છું."
"ઠીક છે. સંભાળજે અને તું ક્યાંય ફસાતો નહિ."
જે વખતે ગિરધારી મોહનલાલ સાથે વાત કરી રહ્યો હતો એ વખતે સુરેન્દ્રસિંહે પોતાની રૂમ ખાલી કરીને પાકિસ્તાની ત્રિપુટી જ્યાં ઉતરી હતી એ ધર્મશાળામાં બીજી રૂમ લીધી જોકે એમને ખબર ન હતી કે એ લોકો રાજસ્થાની નહિ પણ પાકિસ્તાની છે. તો એ જ વખતે પેલા ઉંમરલાયક સજ્જન સાથે કારમાં જઈ રહેલા જીતુભા 10 મિનિટ પહેલા થયેલા વાર્તાલાપ ને યાદ કરી રહ્યો હતો. એ એક પેઈંટીગ જોતો હતો એજ વખતે અચાનક બાજુમાં ઊભી મ્યુઝિયમની વસ્તુ જોઈ રહેલા ઉંમર લાયક સજ્જને કહ "એક મિનિટ જીતુભા" અને એ ચોંક્યો અને ઉંચુ જોવાનો હતો કે પાછળ એક પહેલવાન જેવા ટાલિયા આધેડે કહ્યું જે પેઇન્ટિંગ જોવો છો એ જ જોતા થયો માત્ર અમારી વાત માં ધ્યાન દેજો." પછી ઉંમરલાયક સજ્જને કહ્યું "ગઈકાલ સવારથી તમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે એ શુ કામ થાય છે એની તમને ખબર છે?"
"કોણ છો તમે લોકો અને મારી સાથે શું થાય છે?"
"સોનલથી લઈને સુરેન્દ્રસિંહ બધ્ધાનો બાયોડેટા આપીશ. હાલમાં મારી વાત પર વિશ્વાસ આવે એટલે કહું છું. તમારી પ્રેમીકા મોહિનીને પૂછો એ અને સોનલ ક્યાં છે. એ લોકો અત્યારે લક્ષ્મી રેસ્ટોરાંમાં છે. જ્યાં ગઈકાલે સોનલને વિક્રમ ચૌહાણે બોલાવી હતી. મારી વાત સાચી હોય તો હું 2 મિનિટમાં બહાર નીકળીશ દરવાજે મારી સાથે થઈ જજો આપણે ક્યાંક જવાનું છે." કહી એ ઉંમરલાયક માણસ જીતુભાથી થોડે દૂર જ્યાં બધા જુના આયુદ્ધોનું સેકસન હતું ત્યાં પહોંચ્યા પાછળ વાળો ટાલિયો પણ એની પાસે પહોંચ્યો હતો. એકાદ મિનિટ વાત કરીને એ દરવાજા તરફ ચાલ્યા. દરમિયાનમાં જીતુભાએ મોહિનીને ફોન કરીને પૂછ્યું કે સોનલ ક્યાં છે? તો મોહિનીએ એને કહ્યું કે એ બેઉ રેસ્ટોરાં માં જમવા આવ્યા છે. અને રેસ્ટોરાંનું નામ પણ કયું એ સાંભળીને જીતુભા ચોંકી ઉઠ્યો એણે મનમાં વિચાર્યું કે આ લોકો દોસ્ત છે કે દુશમન એ તો નથી ખબર પણ એ લોકો ને મારી અને મુંબઈમાં રહેલા મારા ગ્રહો પર પણ ચપટી નજર છે. એણે મનોમન વિચારી લીધું કે એક વાર એ લોકો સાથે જઈને એ લોકોના મનમાં શું છે એ જાણી લઉં પછી એમનું દોસ્ત કે દુશ્મન એ વિશેનું મૂલ્યાંકન કરું એટલેજ એ વૃદ્ધ સજ્જન સાથે એની કારમાં બેસી ગયો.
xxx
વિક્રમને ડોક્ટરને મળવા મોકલીને પૂજા ફ્રેશ થવા માટે વોશરૂમમાં ગઈ. ફૂલ્લી એરકંડીશન હોસ્પિટલમાં ટેમ્પરેચર તો જળવાતું હતું પણ મનમાં ઉચાટ હોવાને કારણે પૂજા બેચેની અનુભવતી હતી. એનું આંતરમન એને વારંવાર શંદેશો મોકલી રહ્યું હતું કે કૈક મોટી મુસીબત આવવાની છે. જોકે આમ તો વિક્રમ પર મુસીબત આવી જ હતી. પણ પૃથ્વીની સજ્જનતાની એ મુસીબતમાંથી વિક્રમ સાંગોપાંગ બચ્યો હતો. એ લોકોએ (વિક્રમ, પૂજા, ધર્મન્દ્ર ચૌહાણ અને રાજીવ.) જયારે વિક્રમની જીદથી સોનલને ફસાવવા માટે સુરેન્દ્ર કુમારને કિડનેપ કરવાનું અને પૃથ્વીને બેલ્જિયમમાં પતાવી દેવાની મિટિંગ કરી ત્યારે પૂજા એ પોતે એમાં એગ્રેસીવલી ભાગ લીધો હતો. રાજીવે ટકોર પણ કરી કે જો વિક્રમ સોનલને પરણી જશે તો તું લટકી જઈશ પણ એની પરવા કર્યા વગર પોતાના પ્રેમીનું મન રાખવા એણે પ્લાનિંગમાં મહત્વનો ભાગ ભજવ્યો હો બેલ્જિયમમાં પોતાના સોર્સ દ્વારા ભાડુતી ગુંડા હાયર થયા એનું પેમેન્ટ પણ એની કંપની મારફત જ (રોકડમાં) ચૂકવ્યું હતું. પણ એને ખબર ન હતી કે જીતુભા અને પૃથ્વી આટલા પહોંચેલા હશે. એમાંય જયારે દુબઈમાં પૃથ્વીએ એને મદદ કરી અને પછી હમણાં કલાક પહેલા એને જે રીતે દુબઈના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ને ડાયરેક્ટ ફોન કરીને વિક્રમને અટકાવવા અને અડધો કલાક બેસાડી રાખવાનું કહ્યું ત્યારે એ થીજી ગઈ હતી. કે 'અરે આ માણસની આટલી પહોંચ છે? વિદેશના મહત્વના શહેરના પોલીસ કમિશનરને પોતાની વાત મનાવીને કોઈને અટવાવી શકતો હોય તો એ બીજું શું ન કરી શકે. ઉપરાંત સવારમાં આવેલા શુક્લજીના ફોન થી એ ધૂંધવાયેલી હતી ચાકલીયા ગામ માં આવેલ 'દેશનું દૂધ' કંપની એ એને માટે માત્ર એની અનેક કંપની માંથી એક કંપની જ ન હતી, એ એનું માણસ સંતાન હતું. ખુબ રસ લઈને એને પોતાની બધી આવડત કામે લગાવીને એકાદ વર્ષમાં આ કંપનીને ક્યાંની ક્યાં પહોંચાડી દીધી હતી. વાત હવે રૂપિયાના નફો નુક્શાનની ન હતી વાત હવે લાગણીની હતી એટલે જ એ બેચેની અનુંભવી રહી હતી. એ ચહેરો ધોઈને વોશરૂમની બહાર આવી એ જ વખતે એના મોબાઈલમાં ફરી શુક્લા જીનો ફોન આવ્યો.
"બોલો શુક્લાજી હજી ક્યાં મોંકાણના સમાચાર બાકી છે સંભળાવવાના" કંઈક મ્લાન હસતા એને પૂછ્યું.
"પૂજા મેમ, ચાકલીયાના બાકીના જે માલધારી આપણી ડેરીમાં દૂધ જમા કરાવે છે એમાંથી 8-10 જણા મળવા આવ્યા હતા અને કહી રહ્યા હતા કે કાલથી એ લોકો દૂધ નહિ પહોંચાડે. જો આમ જ ચાલતું રહેશે તો.."
"તો શું? જે મનમાં હોય એ બોલી નાખો."
"તો એકાદ મહિનામાં અહીંના પ્લાન્ટને તાળા મારવા પડશે અને બીજે જ્યાં માલધારીઓ દૂધ આપવા તૈયાર હોય ત્યાં ડેરી સ્થાપવી પડશે." કૈક ડરતા અવાજે શુક્લ એ કહ્યું.
"તમે ચાકલીયા ના સરપંચ અને બીજા ગ્રામ સેવકોને મળો અને વાતનો કૈક રસ્તો કાઢો"
"અત્યારે મને મળવા આવેલ માલધારી સાથે સરપંચ અને ગ્રામ સેવકો પણ હતાં. એમને કહ્યું છે કે પૂજા મેડમને અહીં બોલાવો એ જો માલધારી ને સમજાવશે ઓ કૈક રસ્તો નીકળી શકશે."
"ઠીક છે હું તમને રાત્રે કોલ કરીશ તમે તમારી રીતે એ લોકોને મનાવવાના પ્રયાસ ચાલુ રાખો." કહીને પૂજા એ ફોન કટ કર્યો.
xxx
"બોસ તીર નિશાન પર લાગ્યું છે. ચેન્નાઈમાં રબર ફેક્ટરીમાં ગરબડ ઊભી થઈ છે એ મામલો સમેટવા ધર્મેન્દ્ર ચૌહાણ ચેન્નાઇ ગયા છે.' જેવું કામિની નું વાક્ય પૂરું થયું કે સામેથી સ્પીકરમાં સંભળાયું "એ તો બહુ જૂની વાત છે 4-5 કલાક પહેલાની નવી ખબર બોલ જલ્દી."
"નવી ખબર એ છે કે ધર્મેન્દ્ર ચેન્નાઈથી જે વળતી ફ્લાઇટ પકડવાનો છે સાંજે 6 વાગ્યાની એમાં ટેક્નિકલ ખામી ઉભી થવાની છે. અને એ ફ્લાઇટ કેન્સલ થશે." કામિનીએ હસતા હસતા કહ્યું.
"વેરી ગુડ",
"બસ ખાલી વેરી ગુડ? મારુ ઇનામ? અને હા તમારી સૂચના મુજબ મેં રસ્તો ક્લિયર કરી નાખ્યો છે આજે રાત્રે ચૌહાણ હાઉસમાં માત્ર સિક્યુરિટીના માણસો જ હશે. હવે શું કરવું છે."
"તો તારું કહેવું છે કે તું ચૌહાણ હાઉસમાં ઘૂસી શકીશ?"
"હા મારી પાસે ચૌહાણ હાઉસમાં જવાનું કારણ તૈયાર છે."
ઠીક છે તો પછી.. એક કામ કર હું કલાકમાં ફોન કરીને જાણવું કહી બોસે ફોન કટ કર્યો પણ ચાલાક કામિનીના દિમાગમાં ઘંટડી વાગી ચૂકી હતી કે જો આ જ બોસ છે તો આટલા પ્લાનિંગ પછી ચૌહાણ હાઉસમાં જે કામ પતાવવું છે એની તરત હા કેમ ન પડી પણ કલાકનો સમય માંગ્યો એનો મતલબ એનો મતલબ આ બની બેઠેલા બોસ ઉપર પણ કોઈક છે આ બોસ નો બોસ...
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.