નવીનનું નવીન (9)
રમણ અને ઓધવજી બંને નવીનના ગામના જ હતા.ઓધવજી ગોકુલનગરની પહેલી શેરીમાં 4 નંબરના મકાનમાં પહેલા માળે રૂમ અને રસોડું ભાડે રાખીને રહેતો હતો.
રમણ ઓધવજીની રૂમે જ જમતો હતો. રમણ ઉપરાંત બીજા દસેક જણ ઓધવજીની રૂમે લોજીંગ આપીને જમવા આવતા. ઓધવજીની પત્ની રસીલા વહેલી સવારે ચાર વાગ્યે ઉઠતી. સવારે ભાખરી અને ચા, બપોરે બે શાક, દાળભાત અને સાંજે શાક, રોટલા ને કઢી ખીચડી, એમ ત્રણ ટાઇમની દસબાર જણની રસોઈ એ બનાવતી.
ઘરનું ભાડું અને બીજા ખર્ચા રસીલા ઉઠાવી લેતી એટલે ઓધવજી થોડીઘણી બચત કરી શકતો. સુરત હીરા ઘસવા આવેલા યુવાનો આવા કોઈ સબંધીના રસોડે જમીને કારખાનામાં જ સુઈ રહેતા. બને તેટલી કરકસર કરીને આ યુવાનો પૈસા બચાવીને વતનમાં પોતાના પરિવારને મદદ કરતા.
રમણ લીંબા કાબાના મકાનમાં જે રૂમમાં રહેતો હતો એમાં રમણ સાથે બીજા ત્રણ જણ પણ રહેતા હતા. એ ત્રણેય થોડા વખત પહેલા જ બીજે રહેવા જતા રહ્યા હોવાથી રમણ એકલો જ રહી ગયો હતો. રૂમનું મહિને 500₹ ભાડું રમણને પોસાતું નહોતું એટલે એ પણ એ રૂમ ખાલી કરવાનો હતો. પણ રામજીકાકાનો ફોન આવ્યો કે નવીનને સુરત રૂમ ચાલુ કરવી છે એટલે રૂમ નવીન માટે રાખવાનું નક્કી કર્યું હતું.
નવીનની રૂમ ચાલુ થાય તો લીંબા કાબાના મકાનમાં રહેતા રમણ જેવા બીજા કારીગરોની જમવાની વ્યવસ્થા થઈ શકે એમ હતું. નવીનને જમવાવાળા શોધવા જવું પડે એમ નહોતું.
'નવીન કામ શીખી જાય ત્યાં સુધી ઘરખર્ચ આરામથી નીકળી જાય અને ત્યારપછી પણ લોજીંગવાળા રાખવામાં શું વાંધો છે. જેટલા લોકોની રૂમો ચાલે છે એ બધા જ જમવાવાળા તો રાખે જ છે ને!' રમણ આવું વિચારતો બેઠો હતો ત્યાં નવીન નહાઈને આવ્યો.
"રમણભાઈ, નાહવાનો સાબુ તો પતી ગયો હતો. આવા સપતરાથી તો કેમ ફાવે.."
"કંઈ વાંધો નહિ આજે જ આપણે નવો સાબુ લઈ આવીશું. તું બેસ હું નાહી લઉં, પછી ઓધવજીભાઈને ઘેર જઈએ.. ભાખરી અને ચા બનાવી આપશે, તારું જમવાનું પણ કહી દેશું આજથી."
"હા બે ત્રણ દિવસનું કહી દેશું. રૂમ મળી જાય એટલે હું મારી ઘરવાળીને તેડી આવીશ."
"અરે ગાંડા રૂમ તો મળી જ ગઈ છે. આ રૂમ હું ખાલી જ કરવાનો હતો પણ કાકાનો ફોન આવ્યો એટલે પાછી તારા માટે રાખી લીધી છે. સામાન લઈ આવ એટલી જ વાર!''
રમણે ખાનામાંથી ટુવાલ કાઢીને કમરે વીંટાળતા કહ્યું.
''આ રૂમ? આવી સિંગલ પતરાંવાળી ઓયડી? ને એય પાછી ચોથા માળે? આજુબાજુમાં તો બીજું કોઈ બૈરુંય નથી..નકરા વાંઢા રહેતા લાગે છે. ના હો રમણભાઈ.. આવી રૂમ મને નો ગમે.. આપડે તો આખો ગાળો જ ભાડે રાખવો છે."
''પણ નવીન ગાળાનું ભાડું તો બે હજાર હોય. તારે હજી ધંધો શીખવાનો છે; તું હવે કંઈ નાનો નથી, બધું બાપાના પૈસે તાગડધિન્ના કરવાનું ન હોય.. છતાં હું કાકાને પૂછી જોઈશ, કાકા કહેશે તો હું ગાળોય ગોતી આપીશ..બાકી મને તો આ રૂમ જ બરોબર લાગે છે, આવક નો હોય તો જાવક જેમ બને તેમ ઓછી રાખીએ તો જ બે પૈસા ભાળીએ." કહી રમણ નાહવા જતો રહ્યો.
નવીને એના થેલામાંથી નવી જોડ કાઢીને પહેરી. ફરી એનું પાકીટ યાદ આવતા રમણના સામાનમાં તપાસ કરી. માળિયામાં પડેલી શૂટકેશ અને ખાનામાં પડેલા રમણના કપડાં ફંફોસી જોયા, પણ પાકીટ ક્યાંય મળ્યું નહિ.
'ક્યાં મૂકી દીધું હશે? એમ તો ઠેકાણે જ મૂક્યું હોય ને! ગમે તેના હાથમાં આવી જાય એમ મૂકે એવો નથી આ રમણભાઈ. લે..એ…કે છે કે આ રૂમ તારા માટે જ રાખી છે.. હંસાએ ચોખ્ખું જ કીધું છે કે ચોથા માળે એની કીધે…'
"કાં…ભયબન..? આ રૂમ તમારે રાખવાની છે ઈમને? રમણ કેતો'તો કે મારા ગામનો એક છોકરો રૂમ ચાલુ કરવાનો છે. વાંધો નહિ બોસ, કરો કંકુના..જમવાવાળા રાખવાના ને? તું હું ને મારા ત્રણ પાર્ટનર જમવા આવશું. બે પૈસા વધુ લઈ લેજો પણ સરખું બનાવજો હો..યાર." નવીનની આગળ થઈ ટોઇલેટમાં ઘુસી જનારો મનસુખ તૈયાર થઈને બહાર નીકળ્યો હતો. નવીનને માથું ઓળતો જોઈ એ પરિચય કરવા અને જમવાનું પાકું કરવા આવ્યો હતો. રમણે એને આગળના દિવસે બધી વાત કરી હતી.
''રૂમ તો ચાલુ કરવાની છે પણ આંય નથી કરવાની..આપડે તો મોટું મકાન ભાડે રાખવાનું છે, અને જમવા બમવાવાળા કોઈને રાખવાના નથી.." નવીને થોડા રુઆબ થઈ કહ્યું.
"ઓહો..હો..તો તો પાર્ટી ખમતીધર લાગે છે..દેશમાં જમીન બમીન મોટી હશે તમારે. તો તો પછી ઘરનું જ મકાન લઈ લેવાયને ભલામાણસ. તમારું પાકું હોય તો હું લીંબાભાઈને મળી આવું, મારા કાકાના છોકરાને આ રૂમ રાખવાની છે."
"આપડું પાકું જ છે દોસ..હું આવી પતરાંવાળી રૂમ કોઈ દિવસ ભાડે નો રાખું." નવીને કહ્યું.
મનસુખ નવીન નામની મોટી પાર્ટીને થોડીવાર તાકી રહ્યો. ''સારું ત્યારે…પાર્ટી..અમારી ઓળખાણ રાખજો હો..કંઈ કામકાજ હોય તોય કેજો યાર. મને ખબર નહોતી; નકર તમને સંડાસમાં પહેલા જવા દેત. તમારી આગળ ન ઘુસી જાત..સોરી હો બોસ..!"
"કંઈ વાંધો નહિ ભાઈ..ચાલે એ તો બધું.."
મનસુખ તરત જ લીંબાને મળવા જતો રહ્યો. પણ લીંબો, રમણ ના કહે પછી જ રૂમ બીજાને આપવાનો હતો. મનસુખે વાત કરી કે "રમણે જે ભાઈ માટે રૂમ રાખી છે એ તો બહુ મોટી પાર્ટી છે..અને એ તો બંગલો ભાડે રાખવાના છે. દેશમાં પાંનસો વીઘા જમીન ને ત્રણ ચાર તો ટ્રેકટર છે એ લોકોને. સુરતમાં મોટો બિઝનેસ ખોલવાના છે એટલે એ ભાઈ બધી તપાસ કરવા આવ્યા છે..એ કંઈ આવી પતરાંવાળી રૂમ થોડા ભાડે રાખે?"
"ઈમ? એવું હોય તો ઈવડી ઈ રૂમ હું તને આલીશ. પણ તોય મારે કનફરમ કરવું પડશે.. તે હેં અલ્યા ઇવડા ઈ શીનો બિઝનેસ ખોલવાના છે..આપડને ભાગ બાગ આલે ખરા?" લીંબાને પણ મોટી પાર્ટીમાં રસ પડ્યો.
"આમ તો મારા ખાસ પરિચયમાં છે એ ભાઈ.. રમણ કદાચ કે, કે નો કે..હું વાત કરી રાખીશ.. તમારી જેવા માણસને ભાગ આપે જ ને..કેમ નો આપે..તમે કોણ કે લીંબા કાબા.. બજારમાં તમારું નામ છે ભલામાણસ!"
વખાણ કોને ન ગમે? લીંબાએ મનસુખને પરાણે ચા પીવા બેસાડ્યો.
લીંબાની મોટી દીકરી મીના ચા લઈને આવી. મનસુખે એને જોઈ સ્મિત વેર્યું, પેલીએ પણ સ્મિતથી જ જવાબ આપીને મનસુખના હાથમાં રકાબી પકડાવી. ચા લઈને મીનાને મોકલવા બદલ લીંબાએ મનોમન ઘરવાળીને બે ચાર ચોપડાવી તો દીધી જ હતી. ચા રકાબીમાં અને મીના મનસુખની આંખોમાં રેડાતી હતી તોય લીંબો ચૂપ બેઠો હતો.કારણ કે મનસુખે સવારસવારમાં મોટા બિઝનેસમાં ભાગ મળવાની તકનું લીંબુ લટકાવ્યું હતું!
મનસુખે લાંબા સબડકા બોલાવીને ચા પીતા પીતા મીનાનો નજરથી પીછો કર્યો. પેલીએ પણ અંદરના રૂમમાં જઈ પાછું ફરીને મનસુખની નજરમાં નજર પરોવીને સ્મિત વેર્યું.
પતંગની દોરીમાં લંગર નાંખવામાં આવે એમ લીંબાએ મનસુખની નજરને લપેટવા જોરથી ખોંખારો ખાઈને મોટેથી કહ્યું,
"શું નામ છે ઈમનું?"
મીનામાં મશગુલ થયેલો મનસુખ એકાએક ભાનમાં આવ્યો. લીંબાના હાકલાથી ચા અહંતરે ગઈ ને મનસુખને ઉધરસ ચડી. મીના દોડાદોડ પાણી લઈને આવી એ જોઈ લીંબાનો મગજ છટક્યો..
"બીજું કંઈ કામ નથી તારે? તારી મા ચ્યાં મરી જઈ સે? હજારવાર નાક વાઢયું સે કે જુવાન માણહ ઘરમાં આયુ હોય તો સા પાણી લઈને તારે નો આવવું..જા આમ..આંયથી."
મીના પાણીનો ગ્લાસ મૂકીને અંદર જતી રહી. એ સાથે જ વિમળા અંદરના રૂમના દરવાજામાં પ્રગટ થઈ.
"ચ્યાં મરી જઈ તે નથી કાંઈ આરામથી હુઈ જઈ. સોકડીમાં લૂગડાં ધોતી'તી. અને આ તો બસાડો આપડા મકાનમાં જ ભાડે રેય સે. ઈને સા પીવા બેહાડવાની સુ જરૂર સે.. તમારે કાંય ધંધો નથી અતારમાં.. તે આવા નવરીનાવને ઘરમાં સા પાવા બોલાવો સો.." વિમળાએ મનસુખ તરફ એનો ટૂંકો હાથ લાંબો કરીને કહ્યું.
બટકી લીલાની ડોકી પાસે જ મીનાએ એનું ડોકું ગોઠવ્યું હતું. મનસુખને નવરીનો કહેવામાં આવ્યો હતો એટલે એ ખીલખીલ હસતી હતી. લીંબો સમજ્યો કે મનસુખ વિમળાને જુએ છે, પણ મનસુખ તો મીનામય બની રહ્યો હતો.
"તું જા હવે નકામી લપ કર્યા વગર.." કહી લીંબાએ મનસુખને ફરી સવાલ કર્યો, "ઈ ભઈનું નામ સુ સ લ્યા.."
"કયા ભઈનું?" મનસુખે આંખો પટપટાવી. એ જોઈ મીનાએ જીભડો કાઢ્યો અને મનસુખ હસી પડ્યો. એ જોઈ વિમળાએ કહ્યું,
"આને વળી દાંત શેના આવતા હશી..? સાવ નવરીનો છે..મફતની સા પી જ્યો ને પાસો દાંત કાઢે સે."
લીંબો મનસુખનું બદલાયેલા વર્તન જોઈ ઊભો થયો. મનસુખને હવે ખ્યાલ આવ્યો હતો કે રમણના ઘેર આવેલી પાર્ટીનું નામ લીંબો પૂછતો હતો. પોતે સારા પરિચયમાં હોવાનું ગપ્પુ તો ઠોકયું હતું પણ પાર્ટીનું નામ પૂછવાનું ભુલાઈ ગયું હતું!
લીંબો હવે મનસુખના લૂગડાં લેવડાવવાનો હતો.
(ક્રમશઃ)